પશ્યન્તી/આશાવાદના અધિકારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આશાવાદના અધિકારી

સુરેશ જોષી

દરરોજ હવામાનના સમાચાર સાંભળું છું ને મારો જીવ હરખાઈ ઊઠે છે. આ વરસાદથી કેવળ ધાન્ય પાંગર્યું છે એવું નથી, આશા પણ પાંગરી છે. અત્યારે ભલે સૂર્ય હંમેશાં નહીં દેખાતો હોય, ભલે વાતાવરણમાં ભેજ હોય, ભલે પડછાયાઓની વસતી વધી ગયેલી લાગતી હોય, એટલું નક્કી કે ડાંગરના ધરુની જેમ આશા પાંગરી રહી છે.

જેમનાં મન બાળક જેવા નિખાલસ હોય છે, જેઓ સહેજ સહેજમાં સંશયગ્રસ્ત થઈ જતા નથી, જેઓ ‘મારો વિચાર’ ‘મારો મત’ કહેવા જેટલો પણ અહંકાર રાખતા નથી, જેમણે સમષ્ટિ ખાતર વ્યક્તિત્વનો લોપ સાધ્યો છે, જેમનાં મન સરળ છે તેઓ જ આશાવાદના અધિકારી છે. આશા તો આપણા લોહીના બંધારણનો એક અનિવાર્ય ઘટક છે. આશાનો પક્ષ લઈને એનો પ્રચાર કરવાની કશી જરૂર જ ન રહે.

જેઓ કવિતા લખવાના પ્રપંચમાં રાચતા હોય છે તેમને આ શ્લોક રચવાના ઉદ્યમ ખાતર થોડાક શોકની જરૂર પડે છે. એ લોકો બીજાથી જુદા પડવા માટે પોતાના દુ:ખની બડાશ મારે છે. પથ્થર તોડતો મજૂર કે ધરતીના પેટાળમાં કામ કરતો ખાણિયો પોતાનાં દુ:ખની કથની કદી ગાય છે ખરો? એઓ આવા વાણીવિલાસ માટે કદી સમય પામતા જ નથી. મને ખાતરી છે કે કોઈ સમાજશાસ્ત્રીએ નિરીક્ષણ કરીને નોંધ્યું જ હશે કે નિરાશા એ નિરુદ્યમની જ નીપજ છે. આશાને માણવી એમાં જેટલો સમય જોઈએ છે તેથી વિશેષ સમય નિરાશાને ભોગવવા માટે જોઈએ છે. યુદ્ધમાં લશ્કર હારતું હોય તોય કોઈને હતાશાની વાત કરવાનું પરવડે ખરું? તમે આપણે પણ પ્રત્યેક ક્ષણે જીવનના દારુણ સંઘર્ષમાં સંડોવાયેલાં છીએ. આપણને હતાશાની વાત કરવાનું ન પરવડે.

આપણે સંઘર્ષમાં ઝઝૂમતા હોઈએ ત્યારે કાવ્ય માણવાનું ઐશ્વર્ય જતું કરવું પડે તો શો વાંધો છે? ધરતીના પડને ભેદીને ઊગતી કૂંપળ એ જ એક નાનું લિરિક નથી? પણે ઘટાદાર વડ ઊભો છે, ઝંઝાવાતોને ઝીલે છે. વૃષ્ટિની ધારાને ઝીલે છે ને અડગ ઊભો છે તે જ એક મહાકાવ્ય નથી? હું તો જૂઈની ખીલતી કળીમાં પણ કાવ્ય જોઉં છું. એ બધાં જ આશાના પ્રચારકો નથી? સૂર્ય નથી છતાં જૂઈની કળી ખીલે છે તેથી જ તો હું સૂર્યના અસ્તિત્વ વિશે સાશંક બનતો નથી.

વૃષ્ટિની ધારાને હું આકાશનાં આંસુ રૂપે શા માટે જોઉં? કરેણનાં લાલ ફૂલ લોહીનાં ટીપાં છે કે ક્રાન્તિનો લાલ ઝંડો છે? ચાસ પાડેલી ધરતી તે બીજને ઝીલવાને ઉત્સુક ઉર્વરા ભૂમિ છે કે ઘા ઝીલતી દુ:ખી માતા છે? વરસતા વરસાદમાં ડાંગરનાં ધરુ રોપતો ખેડૂત તે દુ:ખી મજૂર છે કે જગતનો તાત છે? આ પ્રશ્નનો જવાબ તમારા જીવન પ્રત્યેના અભિગમ પર આધાર રાખશે એ સ્પષ્ટ જ છે. મને સ્પૅનનો કવિ લિયોન ફેલિપ કામિનો યાદ આવે છે. એ એની એક કવિતામાં પૂછે છે : ‘હું અહીં શા માટે આવ્યો છું?’ પછી જાણે એને યાદ આવી ગયું હોય એમ એ કહે છે : ‘હા, યાદ આવ્યું. હું તો પંજિરામાં પુરાયેલા પંખીને જોવા આવ્યો છું. જે ન્યાયાધીશ ચુકાદો ફરમાવતી વખતે મેજ પર હથોડી ઠોકે તે જોવા આવ્યો છું. લોકો તોતંગિ દરવાજાઓ બાંધે છે, મસમોટાં તાળાં બનાવે છે, કાંટાળા તારની વાડ બાંધે છે અને વંડી પર લીલા કાચના ટુકડાઓ જડે છે તેમને જોવા હું અહીં આવ્યો છું.’

કવિ આટલું જ જોવા અહીં આવ્યો છે? ના. એ બીજું પણ જોવાની ઇચ્છા ધરાવે છે. ‘જે લોકો સમુદ્રના પેટાળમાં થઈને દરિયાપારના દેશમા સંદેશો લઈ જનારા કેબલ નાખે છે તેનેય એ જોવા આતુર છે તો સાથેસાથે ફાંસીએ ચઢનારના ગળાંને બરાબર ભીંસી નાખે એવી મજબૂત દોરડી વણનારના હાથ કેવાક છે તે જોવાની પણ એને ઇચ્છા છે. રામનામની માળા જપનારની પ્રાર્થના તો ગોળાકારમાં ફરતી પોતે પોતાની જ પૂંછડી ચાવી ખાય છે. એ પ્રાર્થના ઉપર જાય શી રીતે? આથી પ્રાર્થનાની માળાના મણકાને તોડીને એક બીજા સાથે જડી દેનારના હાથ પણ એને જોવા છે. જે લોકો નહેર ખોદે છે, જે લોકો સીડી ઊભી કરે છે, જે લોકો કરોળિયાનાં જાળાં જેવાં તારના ગૂંછળાં નાખીને બીજાના અવાજને પકડે છે, જે લોકો ફિલસૂફી હાંકે છે ને આંસુને જીવનના પોષક રસ તરીકે ઓેળખાવે છે તેમને પણ હું જોવા આવ્યો છું.’

હા, કવિનું કામ જોવાનું છે. ઘણી વાર માનવજાતિને એ જ પરવડતું નથી. આથી એવો આદેશ થાય છે કે જે છે તેને અમારી આંખે, અધિકૃત આંખે, જુઓ અને કાયદાની ફલાણી પેટા કલમ વિલાસ પર અંકુશ શી રીતે લાવે? અને કળાને એની આગવી શિસ્ત છે એમ કહેવું એ ચતુરાઈ નથી? એ છટકબારી નથી?

સ્પૅનનો જ બીજો એક કવિ ચેઝારે વાલેજો કહે છે તેમ આપણે અંધારામાં એક પછી એક દીવાસળી સળગાવીએ છીએ, ધૂળના વાદળને એક પછી એક આંસુથી ભીંજવવા મથીએ છીએ અને એમ જીવ્યે જઈએ છીએ. બાકી તો દરરોજ સવારે કાંઈ આંખ ખોલીને જ થોડા ઊઠીએ છીએ? દરરોજનો સવારનો ચા નાસ્તો ખાઈને કાંઈ એનો સ્વાદ થોડો જ યાદ રાખીએ છીએ? દરરોજ કામ કરીએ છીએ તે કાંઈ એવા ભાનથી કે અહંકારથી કે મેં આ કામ કર્યું છે? કામ કરતી વેળાએ આપણે યન્ત્ર ભેગા યન્ત્ર નહીં બની જઈએ તો યન્ત્ર જેવી કાર્યકુશળતા આપણામાં આવે ખરી? પણ કોઈક વાર કશુંક શિસ્તને નહીં ગાંઠનારું આપણામાં એકાએક કૂદકો મારી ઊઠે છે અને આપણે ચોંકી ઊઠીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે : અરે, હજી આપણામાં આટલું સરખું હૃદય બચી ગયું હતું? કેવું ખતરનાક!

મારાં બાળકો કેવું ઉજ્જવળ ભાવિ છે એમનું? રોજ પ્રભાતે ભારતના તેજસ્વી સૂર્યમાં તરબોળ થઈને એઓ ઊઠે છે, મને એમની અદેખાઈ આવે છે. હજી તો મારા હાડમાંથી મારાં દુ:ખી અભાગી માતાપિતાનો કણસવાનો અવાજ, એનો સણકો શમ્યો નથી. મારાં બાળકો તો ભાવિનાં સુવર્ણ સ્વપ્નોથી મંડિત થયેલાં છે, એમના મસ્તક પર જગતના માયાળુ, પરમ પિતાના અદૃશ્ય હાથના આશિષ છે, જ્યારે હજી મારાં હાડકાં મારાં દુ:ખી માતાપિતાનાં કષ્ટભર્યાં આલંગિનથી ઉઝરડાયેલાં છે.

જર્મન કવિ બર્ટ્રોલ્ટ બ્રેખ્ટ એની એક કવિતામાં કહે છે : મારા મનમાં એક સંઘર્ષ ચાલી રહ્યો છે. હું એક બાજુથી ફાલેલા સફરજનના વૃક્ષને જોઉં છું ને બીજી બાજુથી ભયની ભૂતાવળ ફેલાવનાર હિટલરનું વ્યાખ્યાન સાંભળું છું. આ પૈકીની બીજી વસ્તુ જ મને મારા ઢાળિયા પાસે બેસાડીને લખાવે છે. આ સંઘર્ષનું સમાધાન કોણ શોધી આપે? કવિએ પોતાના કાવ્ય દ્વારા જમાનાને સમાધાન ચીંધવું કે પછી ક્રાન્તિની ગર્જના કરવી કે પછી શાન્તિનો મન્ત્ર ભણવો? કવિ જો ચૂકે તો પહેલો શહીદ પણ એ જ બને. એની વાણી જ સૌથી ખતરનાક છે. વેદના જમાનાના વ્રાત્યોની ક્રાન્તિકારી વાણી હજી ભૂંસી શકાઈ નથી.

સામાજિક કે રાજકીય ક્રાન્તિ અને કળા વચ્ચેનો સમ્બન્ધ હંમેશાં વાદવિવાદનો વિષય બની રહ્યો છે. એક બાજુથી એવો આગ્રહ રાખવામાં આવે છે કે કળા કે કવિતાએ વાસ્તવિકતાનું નિરૂપણ કરવું. પણ આવો આગ્રહ એ ક્રાન્તિના ઉદ્દીપન વિભાવની ગરજ સારે છે. ક્રાન્તિ શરૂ થાય તે પહેલાં જ વાસ્તવિકતાને લોકો સમક્ષ તાદૃશ કરવાની હોય છે. પણ ક્રાન્તિ થઈ ચૂકે પછીથી વાસ્તવિકતાને છોડી દઈને પ્રજાને સનાતન સુખના સ્વપ્નલોક તરફ દોરી જવાના હોય છે. પ્રચારલક્ષી કવિતાને વાસ્તવિક કવિતા કહેવી તે ભૂલભર્યું છે. એમાં જ આપણાં સ્વપ્નોનો આલેખ સચવાતો હોય તો તે સ્વપ્નોના સાક્ષાત્કારનો પણ એ સાક્ષાત્કાર કદી સમ્પૂર્ણ હોઈ શકતો નથી. આથી સમ્પૂર્ણતાની અસરકારક ભ્રાન્તિ ઊભી કરવા માટે રસકીય યોજનાનો લાભ ઉઠાવવાનો રહે છે.

યુદ્ધના સમયમાં આપણે તાત્કાલિકતાની ભયંકર ભીંસ અનુભવતા હોઈએ છીએ ત્યારે વિરોધ, રોષ તરત જ કાર્યમાં પરિણમે છે, આપણા હાથમાં શસ્ત્ર હોય છે, નજર સામે એક ધ્વજ લહેરાતો હોય છે. કાન તોપની ગર્જના સિવાય બીજું કશું સાંભળતા હોતા નથી. એવે વખતે કળા હોય કે ન હોય તો ચાલે. બહુ તો કવિતા ભીંતપત્ર પર લખાય, પોસ્ટરમાં એને સ્થાન મળે ત્યારે આપણને કાવ્યની રસવ્યવસ્થા કે એના તન્ત્રનો કશો ખપ નહીં રહે. માટે એની આપણે વિડમ્બના કરી શકીએ, એને તોડીફોડીને છિન્નભિન્ન કરી નાખવાની જવાંમર્દી પણ બતાવી શકીએ.

આવા જ ગાળામાં ફ્રાન્સમાં આર્તોએ ‘થિયેટર ઓફ ધ ક્રુઅલ’નો સૂત્રોચ્ચાર કરેલો, તેમાં હિંસાભરી શારીરિક મુદ્રાઓ પ્રેક્ષકોની સંવેદનાને બૂઠી કરી નાખે. આથી ઉગ્ર કે અનિચ્છનીય પ્રતિભાવોની સમ્ભાવના જ ન રહે. બધા એક પ્રચણ્ડ ઝંઝાવાતના સૂસવાટામાં એવા તો ઘેરાઈ જાય છે કે એ સૂસવાટા સિવાયના કોઈ બીજા શબ્દ જ કાને પડે નહીં. એ સૂસવાટો શમી જાય પછી એથી વધારે ભયંકર સન્નાટો છવાઈ જાય. ત્યારે વળી કોઈ, એ સન્નાટો ભેદીને પ્રથમ શબ્દ ઉચ્ચારનાર, કવિની શોધમાં આપણે ચારે બાજુ નજર નાખીએ.

20-7-75