પશ્યન્તી/કળામાં કટોકટી?
સુરેશ જોષી
બર્ટ્રામ જેસપે પ્રશ્ન ઉઠાવ્યો છે : કળાના ક્ષેત્રમાં કટોકટી છે એવું કહીએ ત્યારે એનો અર્થ શો સમજવો? (‘જર્નલ ઓફ એસ્થેટિક્સ એન્ડ આર્ટક્રિટિસિઝમ)’ ફાઉલર કટોકટી શબ્દ આ રીતે સમજાવે છે : ‘કટોકટી એ એક એવી પરિસ્થિતિ છે જેમાં પરિવર્તન થવાની અણી પર હોય છે. એનું પરિણામ સારું આવે કે ખરાબ પણ આવે.’ આ રીતે જોઈએ તો કળા વિશે વિચાર કરતાં પહેલાં શું હતું, અત્યારે શું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં એનાં શાં પરિણામ આવશે એ બધાંનો તાગ કાઢવાનો રહે. એનો અર્થ એ થયો કે કળામાં કટોકટીના પ્રશ્નનો વિચાર ઐતિહાસિક સન્દર્ભમાં જ કરી શકાય. કટોકટી આવી છે, અને આપણે એમાંથી પસાર થઈ ચૂક્યા છીએ? એનું પરિણામ શું આવ્યું? કળા એમાંથી ઊગરી ગઈ છે કે એનો ભોગ બની છે? કળા જીવન્ત છે કે મૃત:પ્રાય બની ગઈ છે? કશુંક પરિવર્તન તો થયું જ છે એવી લાગણી પ્રવર્તે છે, પણ એ પરિવર્તન કેવા સ્વરૂપનું છે એ વિશે કશી સ્પષ્ટતા થઈ નથી. એ વિશે ઉગ્ર મતભેદ પણ પ્રવર્તતા દેખાય છે. નવીન જીવન પ્રાપ્ત કરવું, પુનર્જન્મ થવો એ જો પરિવર્તન છે તો મરણ પણ એક પ્રકારનું પરિવર્તન જ છે. કળા વિશે શું બન્યું છે?
કળાના ક્ષેત્રમાં જે બની રહ્યું છે તેના પશ્ચિમમાં વર્ણનાત્મક અહેવાલો મળતા રહે છે. આપણે ત્યાં લલિતકળા વિશેનો પ્રતિભાવ ઝાઝો પ્રગટ થતો દેખાતો નથી.
કળાકારનાં ચિત્ર કે શિલ્પનાં પ્રદર્શન વિશે, કેટલોગમાં જે માહિતી આપવામાં આવી હોય છે તેને આધારે કે મન પર જે સંસ્કાર પડે છે તેને આધારે, લખાણ થતું દેખાય છે. એને કળાવિવેચન ભાગ્યે જ કહી શકાય. ભૂપેન ખખ્ખર વિશે આપણે ત્યાં, થોડાક અપવાદો બાદ કરતાં, ઝાઝી ચર્ચા થઈ નથી. પરદેશમાં એમની કૃતિઓની સારી આલોચના થઈ તેથી કદાચ એ તરફ કોઈનું ધ્યાન જશે. મોટે ભાગે કળાકાર સાથેની વાતચીતના અહેવાલરૂપ લખાણો થશે. સાહિત્યમાં છે તેવી જ જૂથબંધી લલિત કળાના ક્ષેત્રમાં છે એવી પણ વાતો ચાલે છે. સાચી વાત એ છે કે લલિત કળાનો આસ્વાદ હજી આપણા સંસ્કારજીવનનું એક અંગ બની રહ્યો નથી. ‘ઇન્ડિજીનિસ આર્ટ’ની વાત ચાલ્યા કરે છે ખરી, પણ એમાંય પરદેશની ચિત્રશૈલીનું અનુકરણ નથી જ થતું એવું નથી.
પશ્ચિમમાં પણ એવી ફરિયાદ થઈ છે કે મોટા ભાગનું કળાવિવેચન દુર્બોધ અને ગૂંચવણ ઊભી કરનારું હોય છે. આ સ્થિતિને શી રીતે દૂર કરવી? લલિત કળાના ક્ષેત્રમાં કટોકટીની વાત કરીએ છીએ ત્યારે કોઈ માંદું પડ્યું હોય અને માંદગીમાં કટોકટી આવી હોય એ રીતે વાત કરી શકતા નથી. એવી સ્થિતિમાં રોગી ક્યાં તો સાજો થાય, ક્યાં તો મરી જાય. કળા વિશે એવું કહી શકાશે નહિ. શરીરની અવસ્થા વિશે ચોકસાઈપૂર્વક તપાસવાનાં તબીબી સાધનો છે. કળા સંસ્કૃતિનું એક અંગ છે. અમુક તબક્કે એ જીવે છે કે મરે છે, મન્દપ્રાણ છે કે ઉત્કર્ષશીલ છે એ કહેવું સહેલું નથી. લલિત કળાના ક્ષેત્ર સાથે નિકટનો સમ્બન્ધ ધરાવનાર એ જોઈ શકશે કે એમાં ઘણાં આમૂલ અને ક્રાન્તિકારી પરિવર્તનો થયાં છે, પણ એ મરણ તરફ લઈ જનારાં છે કે કશાક નૂતનના આવિર્ભાવની પ્રસવવેદના જેવાં છે તે કહેવું એટલું સહેલું નથી. આ સ્થિતિને કટોકટીની સ્થિતિ કહીને વર્ણવીએ કે ન વર્ણવીએ, પણ એટલું નક્કી કે આજની કળા ગઈ કાલની કળા જેવી નથી અને ભવિષ્યમાંય એ આવી રહેશે નહિ. ત્વરિત ફેરફારો એનું એક લક્ષણ બની રહ્યું છે. કળાસર્જન અને કળાવિવેચન એ બંનેને આ વાત લાગુ પડે છે. કળાપ્રવૃત્તિને સમજવામાં આ કેટલે અંશે ઉપકારક નીવડે? પરિવર્તન જ કળાપ્રવૃત્તિનું એક સ્થાયી લક્ષણ બની રહેતું હોય તો એથી કળાપ્રવૃત્તિને સમજવામાં ઝાઝી મદદ મળતી નથી. આ પરિવર્તનો છતાં એમાં કશુંક સાતત્ય તો હોવું જ જોઈએ, પરિવર્તન થતાં ન હોય તો બધું સ્થગિત થઈ જાય એ સાચું, પણ સાથે સાથે ત્રિકાલાબાધિત કાલજયી તત્ત્વનું પણ કળામાં ગૌરવ કરીએ છીએ. આ પરિવર્તનો પણ કશીક વ્યવસ્થાને પ્રગટ કરતાં હોય છે. આના પછી આ આવ્યું એવી આનુપૂર્વી ચીંધી બતાવવાનો કશો જ અર્થ નથી. સી.એસ.પિયર્સે આ જ ચીંધી બતાવતા કહ્યું છે, ‘Orderliness of succession can not exist in an instant.’ સાતત્ય વિનાનો ક્રમ કળામાં, રસની દૃષ્ટિએ જોતાં, બેહૂદાપણું ઊભું કરે છે. કળામાં કેવળ આવેગોને વશ વર્તીને ચાલવાનું હોય છે એવું નથી, આપણે બુદ્ધિથી પણ એ વિશે વિચારતા હોઈએ છીએ.
સાહિત્ય કે કળામાં કશુંક ત્રિકાલાબાધિત હોય છે, પણ સાથે સાથે કળાકાર કે સર્જક પોતાના સમયને પણ પ્રતિબન્ધિત કરતો હોય છે. દરેક સર્જક, આ ઉપરાંત, આગવી મુદ્રા ઉપસાવવા જેટલી મૌલિકતા ધરાવતો હોય એવી પણ અપેક્ષા રહે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને E.C.Goossen કહે છે, (‘there is the) desire to find one’s real self on the canvas through personal imagery and format.’ કળાકારની મહત્ત્વાકાંક્ષા એવી મૌલિકતા સિદ્ધ કરવાની હોય છે કે જેની વાસ્તવિકતાને કોઈ પડકારી શકે નહિ. કંઈક સામર્થ્ય ધરાવનારી કળા કદી સાધિત (derivative) કે અનુકરણાત્મક હોઈ ન શકે તે દેખીતું છે. આ કાંઈ નવો ખ્યાલ નથી. પરમ્પરાથી આ મનાતું આવ્યું છે. પણ આજે મૌલિકતાના આગ્રહે જુદું રૂપ ધારણ કર્યું છે. કળાકૃતિ સર્વથા મૌલિક તો હોવી જ જોઈએ, પણ એની સાથે એમ પણ મનાવા લાગ્યું કે દૂરના કે નજીકના ભૂતકાળની કળા કશા મહત્ત્વની નથી, એનું કશું મૂલ્ય નથી. સાહિત્ય કે કળાના વિકાસમાં અમુક તબક્કે એવું લાગવા માંડે છે કે હવે જે સિદ્ધ થયું છે તેથી વધુ કશું સિદ્ધ થવાની ગુંજાયશ રહી નથી. આ Moribund Perfection એવી સંજ્ઞાથી ઓળખાવાયું છે. કળાના ઇતિહાસકાર ગોમ્બ્રિચે આ પરિસ્થિતિ વિશે એમનાં પુસ્તક ‘ધ સ્ટોરી ઓવ આર્ટ’માં ‘અ ક્રાઇસિસ ઇન આર્ટ’ એ પ્રકરણમાં નોંધ્યું છે. પુનરુત્થાનકાળ પછીના સોળમી સદીના ઉત્તરાર્ધના યુરોપના ચિત્રકારોને આવી લાગણી થઈ હતી. એ લોકોને એમ લાગ્યું હતું કે સિદ્ધિનું સર્વોચ્ચ શિખર તો સર થઈ ચૂક્યું હતું. માઇકલ એન્જેલો, રાફાએલ, ટિશિયન, લિયોનાર્દો – આ કળાકારોએ જે સિદ્ધ કર્યું છે તે પછી ‘હવે કશું કરવાનું રહેતું નથી, કારણ કે કળામાં જે કાંઈ સિદ્ધ કરવાનું રહેતું હતું તે આ કળાકારોએ સિદ્ધ કરી લીધું છે.
આવી વૃત્તિ હવેના યુવાન કળાકારોમાં નથી. એ લોકો પોતાનામાં સર્જકપ્રતિભા છે એ વિશે સભાન છે. એઓ ભૂતકાળની સિદ્ધિની આમ નકલ કરી જાણનારા નથી. પહેલાંના કળાકારો જે કરી ગયા છે તે જ કરવું, પણ તે પોતાની આગવી રીતે કરવું એવું એઓ માને છે. મૌલિકતા હજી શક્ય છે. આથી રચનાપદ્ધતિને વધુ મહત્ત્વ અપાવા લાગ્યું. 16મી સદીના એ કળાકારોના સન્દર્ભમાં ગોમ્બ્રિચ કહે છે, ‘એ સમયના બધા જ કળાકારોએ સભાનતાપૂર્વક કશુંક નવીન સર્જવાનો પ્રયત્ન કર્યો. કદાચ એઓ જ પહેલા ‘મોડર્ન’ કળાકારો હતા. આજે જેને ‘મોડર્ન’ કળા કહીએ છીએ તેનાં મૂળ પણ આવી જ કશીક સિસૃક્ષામાં રહ્યાં છે. એ જે ઉઘાડું છે તેને ટાળે છે, અને જે પ્રાકૃતિક સૌન્દર્ય કરે છે તેનાથી જુદો પ્રભાવ પાડે એવી કળા સર્જવા મથે છે. આજે જે બની રહ્યું છે તેને પૂરેપૂરું સમજાવી દઈ શકાશે ખરું? એ વખતે જે કટોકટી ઊભી થયેલી તે મર્યાદિત સ્વરૂપની હતી. આજની સાંસ્કૃતિક કટોકટીની તુલ્યબળ એ હતી એમ કહી શકાશે ખરું? એ વખતે જે સમસ્યા ઊભી થઈ હતી તે ટેકનિક પરત્વેની હતી. આજે પરિસ્થિતિ જુદી છે. એ સમયમાં કળા શું કરી શકે કે શું કરવું જોઈએ એવા પ્રશ્નો ઊભા થયા નહોતા. એનાથી કયાં મૂલ્યોનો પ્રાદુર્ભાવ થાય છે કે થવો જોઈએ એવી પણ ઝાઝી ચર્ચા થતી નહોતી. એ મૂલ્યો માનવજીવનની કઈ ઊણપને પૂરી દઈ શકે છે અને એમનું શું મહત્ત્વ છે એ વિશે ઝાઝો ઊહાપોહ ત્યારે થતો નહોતો.
કળાની અનેક શૈલીઓ હોઈ શકે એ હકીકતનાં નિદર્શનો તો હવે આપણને મળી ચૂક્યાં છે. કળાની વ્યાખ્યા, સદાકાળને માટે અપાઈ ગઈ, એનાં અમુક લક્ષણો નિયત થઈ ચૂક્યાં, એવું હવે કોઈ કહેતું નથી. તર્કની પરિભાષામાં કહીએ તો એ open concept છે. પણ હજી સુધી ભૂતકાળની કળાને નકારી કાઢવામાં આવતી નહોતી. કળા પુરાણી કે જીર્ણ થઈ જાય છે એવું કોઈ કહેતું નહોતું. વીસમી સદીમાં એવું મનાવા લાગ્યું.
એક રીતે જોઈએ તો 16મી સદીના કળાકારોનું વલણ સાચું હતું. જે કળાસ્વામીઓ ઉત્કૃષ્ટ રીતે કરી ગયા હતા તેનું તે કરવાનો કશો અર્થ નથી. એથી, પુનરાવર્તન કરતી વેળાએ, બીજી વાર પણ, કળાકાર મૌલિકતા જ સિદ્ધ કરી શકશે એમ કહી શકાય નહિ. પણ વીસમી સદીના કળાકારોએ તો અન્તિમે જઈ એમ કહી દીધું કે જો એ જૂના કળાકારોની કળાનું અનુકરણ કરવું વ્યર્થ છે તો એ કળાકૃતિનું કશું મૂલ્ય આંકવાનું પણ શક્ય નથી. આવા નિષ્કર્ષ પર આવવું ઉચિત છે ખરું?
આપણા પહેલાંની બધી કળા આપણે માટે નકામી કે બનાવટી નથી. શિકાગોમાં 1967માં મ્યુઝિયમ ઓવ કન્ટેમ્પરરી આર્ટમાં એક ચિત્ર પ્રદર્શન થયેલું. એને વિશે રોઝેનબર્ગે ‘ધ ન્યૂયોર્કર’માં (નવે.18, 1967) લખેલું, (‘આ પ્રદર્શન) એવા કળાકારોની કૃતિઓનું છે જેઓ કળાનો અન્ત આવી ગયો છે એવી ઘોષણા કરતા હોય છે. એઓ તો કહે છે કે હવે કળાસંગ્રહાલયો પણ રહેવાના નથી. એઓ તો કહે છે કે કળાનું મ્યુઝિયમ હોવું જોઈએ નહિ.’ ‘હેપનિંગ’નાં આન્દોલનના અગ્રણી એલન કાપ્રોએ ‘આર્ટ્સ મેગેઝિન’માં ‘ડેથ ઇન ધ મ્યુઝિયમ’ એ શીર્ષકથી એક લેખ લખ્યો હતો. એમાં એનું કહેવું હતું કે આજની જે સાચી કળા છે તે ભૂતકાળમાં આપણે જેને કળા તરીકે ઓળખતા હતા તે નથી. શિકાગો મ્યુઝિયમના નિયામક માર્કે પણ સ્પષ્ટ કર્યું હતું. કાલ્ડરનું દૃષ્ટાન્ત ટાંકીને એમણે કહ્યું હતું, ‘જે કળાએ પોતાનો મુદ્દો પુરવાર કરી લીધો છે તેની સાથે હવે મારે કશી લેવાદેવા નથી.’ આ જો માત્ર જૂની કળાનું અનુકરણ કરનારાઓ માટે કહેવાયું હોત તો એમાં કશું ચોંકાવે એવું નથી, પણ એમનો મુખ્ય મુદ્દો એ છે કે એ મ્યુઝિયમમાં જે હવે બતાવાય છે તેનો મુખ્ય હેતુ જૂની કળા તે કળા જ નથી. એથી હવે એ કશા હેતુ વિનાની અને વાસ્તવમાં અ-કળા જ બની રહે છે. ઉત્તમ કૃતિ ત્રિકાલાબાધિત છે એમ કહેતા તેની ને આ વિચારની વચ્ચે ન પુરાય એવું અન્તર છે. કીટ્સની પ્રખ્યાત પંક્તિ ‘a thing of beauty is a joy forever’નો એમને મતે શો અર્થ? આ લોકો તો કહે છે કે અમે કાંઈ સૌન્દર્યનું જ સર્જન કરતાં નથી, અને સદાકાળ ટકી રહે એવો અમારો આશય પણ નથી, આપણે ત્યાં ‘રે મઠ’ની પ્રવૃત્તિ દરમિયાન આવી વાતો એમના ખરીતાઓમાં કહેવામાં આવી હતી. રોજ અમુક સંખ્યામાં હાઇકુ લખી નાખવાનાં નિદર્શનો પણ યોજાયાં હતાં. કવિતાની ચોપડીને સિનેમાનાં ગાયનોની ચોપડીની જેમ છાપીને એ ચિરંજીવ નથી એ વાત ઉપસાવવામાં આવી હતી. કળાકૃતિ એક ક્ષણ પૂરતી માણી લેવાને રજૂ કરવામાં આવે છે. એ ક્ષણ એની પછીની ક્ષણના નવા અનુભવની આડે અન્તરાયરૂપ બનીને ઊભી રહેવી ન જોઈએ. આથી કેટલાક કળાકારો તો ક્ષણિકતાને પોતાની કૃતિનું આગવું લક્ષણ કહેતા હોય છે, સાનફ્રાન્સિસ્કોનો કળાકાર બ્રુસ કોનર તો એવો આગ્રહ રાખે છે કે કળા ક્ષણભંગુર એવી સામગ્રીમાંથી જ સર્જવી જોઈએ. અત્યાર સુધી તો આપણે એવું માનતા હતા કે માનવી મરણશીલ છે પણ કળા મૃત્યુંજય છે આ એનાથી સાવ જુદું જ છે. હવે કદાચ, આજની જાગતિક ઘટનાઓના સન્દર્ભમાં માનવીને અમરતાનું જે વળગણ હતું તે છૂટતું જાય છે. આમ કળા સૌન્દર્યનું સર્જન કરવાને કે આનન્દ આપવાને માટે રચાતી નથી. જોહ્ન કેઇજે એક ઇન્ટરવ્યૂમાં (ધ ન્યૂયોર્ક ટાઇમ્સ, માર્ચ 17, 1968) કહ્યું હતું, ‘કળા કાંઈ આપણા ઉપભોગ માટે નથી, એ આપણા ઉપયોગ માટે છે.’ ઉપયોગ કરવો એટલે વાપરી નાખવી, જેમ કોઈ વસ્તુ ખાઈને પૂરી કરીએ તેમ એવો અર્થ એમને અભિપ્રેત છે. આથી એ કહે છે, ‘જે વસ્તુ મેં દસ વર્ષ પહેલાં ખાધી હોય તેને ઓકી નાખીને ફરી પાછી ખાવાનું તો તમે મને નહિ જ કહોને!’ આના સમર્થનમાં એ નોર્મન ઓ.બ્રાઉનને ટાંકે છે, ‘ક(He) sees art as food going right through the body…’ આને Ordure theory of art કહીને ઓળખાવવામાં આવે છે. કળા વાપર્યા પછી વિરસ અને નાખી દેવા જેવી થઈ જાય છે. આ દૃષ્ટિએ જોતાં મ્યુઝિયમ સંસ્કૃતિના ઉકરડા જેવાં છે. આવો જ કળા વિશેનો અભિગમ ડેવિસે ‘Today’s Avant-Garde’માં પ્રગટ કર્યો છે. આ કેવળ દૂરના ભૂતકાળની કળા માટે જ એઓ માને છે એવું નથી, હજી તો હમણાં જ વીતેલા વર્તમાનની કળા વિશે પણ એઓ એવું જ માને છે. ‘ધ ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ’(મે 27, 1968)માં અમેરિકન એબ્સ્ટ્રેક્ટ ચિત્ર કરનાર કળાકાર રોય લિખ્તેન્સ્ટાઇનનો મત ટાંક્યો છે, ‘હું એવી કળાની શોધમાં હતો જે એવી તો ઘૃણાસ્પદ હોય કે જેને કોઈ પ્રદશિર્ત જ ન કરે.’ બધા જ કળાકારોનું વલણ આવું છે એવું કહેવાનો આશય નથી, પણ ઝોક એ તરફનો છે એવું ખરું. બધા જ અન્તિમે જઈને આવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે એવું પણ નથી. ‘એક્શન પેઇન્ટિગ’ના એક અગ્રણી રોબર્ટ રાઉશેનબર્ગ આ આખી પ્રક્રિયાને આમ સમજાવે છે, ‘કળાકૃતિ કળાકારના અંગત ‘ઇન્વોલ્વમેન્ટ’ અને વિસ્મયના પરિણામ અને સાક્ષીરૂપ બની રહે છે.’ એમને મતે આ કળાની પ્રવૃત્તિ તે બીજી કશીક વસ્તુના અવશિષ્ટરૂપ છે, ‘એ પ્રવૃત્તિમાં જ મને તો ઝાઝો રસ છે.’
આ બધાંથી કળાનો ભાવક મુંઝાઈ જાય છે. આપણે કળા પાસેથી શી અપેક્ષા રાખવી અને કળા જોડેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ તે વિશે મૂંઝવણ થાય છે. કળાનું મૂલ્ય શું એ પ્રશ્નનો જવાબ મળતો નથી, એનો જવાબ સામાજિક સન્દર્ભના અનુલક્ષમાં કે રસના કોઈ સિદ્ધાન્તની મદદથી કે આથિર્ક પરિસ્થિતિની મદદથી આપી શકાતો નથી. કળાનું મૂલ્ય એક પ્રક્રિયા કે પ્રવૃત્તિ રૂપે જ હોય, કળાકૃતિ પોતે તો એના ‘left-over’ જેવી જ હોય તો કળાકૃતિ એ આડપેદાશમાંની છે અને એ રીતે એનું સાંસ્કૃતિક મૂલ્ય નૈમિત્તિક જ લેખાય તે દેખીતું છે. દૂધની કોથળી કે પ્લાસ્ટિકની શીશીની જેમ આવી કળાને વાપરીને ફગાવી જ દેવાની હોય! આવી માન્યતાને કારણે જ મ્યુઝિયમને ઉકરડો કે ભંગારનું સંગ્રહસ્થાન કહેવામાં આવ્યાં. આ દૃષ્ટિએ જોતાં કળાનું સાંસ્કૃતિક કે રસકીય મૂલ્ય કશું જ રહેતું નથી. એનું કળાકારના જીવનને સમજવાની દૃષ્ટિએ કે કળાના ઇતિહાસને સમજવા પૂરતું મૂલ્ય રહે; પણ એમાં કાલજયી કશું ન રહે. કળાના નિર્માણની પ્રક્રિયામાં જ એનું રસકીય મૂલ્ય રહ્યું છે, એ નિર્માઈ ચૂકે પછી એનું કશું મૂલ્ય નથી એમ કહીએ તો કળાના ભાવકનું શું? આ એક પ્રકારનું ‘aesthetic nihilism’ છે.
કળાના સાંસ્કૃતિક મૂલ્યની વાત કરીએ છીએ ત્યારે આપણે એને કઈ સંસ્કૃતિના મૂલ્ય તરીકે ઓળખાવવા ઇચ્છીએ છીએ? કીટ્સની જે ભાવના હતી તે એના સમયની સંસ્કૃતિના સંદર્ભમાં હતી. આજે એવું છે ખરું? અજંતા ઇલોરાના સમયનો સાંસ્કૃતિક સન્દર્ભ જુદો હતો. કોઈ સંસ્કૃતિ ત્રિકાલાબાધિત છે એમ કહી શકાશે? કીટ્સના ભાવનાવાદને સ્થાને આજે વાસ્તવવાદ છે. આથી જ જેઇમ્સ આર. મેલોએ કહ્યું છે, ‘In its strict logic, its declarative style, this new order has been seeking to override traditional notions of the work of art as a badge of personal sensibility, of intimate experience.’ આ નવી કળાને વ્યક્તિના અંગત અનુભવો જોડે કે એના લાગણીતંત્ર જોડે સમ્બન્ધ નથી. આમ આપણે સાંસ્કૃતિક ભેદના સન્દર્ભને સ્વીકારીશું તો આ બધું ઘણે અંશે સમજાશે. ગેબી ખયાલોવાળી આપણી સંસ્કૃતિ વિશેની ભાવનાપરાયણ સમજને બદલવાની જરૂર છે, અને વાસ્તવિકતાની નક્કર ભૂમિ પર પગ મૂકવાની આવશ્યકતા છે; રોમેન્ટિક સ્વપ્નોની દુનિયામાંથી નીકળીને આપણા જગતની કઠોર વાસ્તવિકતા આંખ ખોલીને જોવી પડશે.
આની કેટલીક ઉપપત્તિઓ પણ સમજવા જેવી છે : કળાની વ્યાખ્યા કળાકાર આપી શકે, કળાકાર જેને કળા કહે તે કળા, અથવા જે કળા કરે તે કળાકાર અને કળાકાર જે કરે તે કળા. રાઉશેનબર્ગ શરૂઆતમાં કેવળ ધોળા રંગનાં ચિત્રો આલેખતો હતો, એમાં જોનારનો જે પડછાયો પડે તે જ એમાંની છબિ. એ ‘ન્યૂનતમ કળા’ તરીકે ઓળખાયું. આ લોકોએ કંટાળાની લાગણીનો પણ રસાનુભવમાં સમાવેશ કર્યો. જો કળાથી કંટાળો આવતો હોય તો એમ માનવું કે કળાકારનો આશય એવી લાગણી નિષ્પન્ન કરવાનો જ હતો. એ જીવનને વફાદાર રહીને જ તો કરે છે.
એક બીજા મુદ્દાની પણ અહીં નોંધ લેવા જેવી છે : આજનો ચિત્રકાર એના ચિત્રના પ્રેક્ષકને નિષ્ક્રિય રહેવા દેવા નથી માગતો, એને પણ ચિત્રનું અનુભાવન કરતી વેળાએ સર્જનપ્રક્રિયામાં સંડોવાવું પડે એવી એની રચના હોય છે. એના ઉદાહરણરૂપે એડ રાઇનહર્ડનું ‘એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટંગિ લઈએ. પહેલી નજરે એમાં એક સરખા કાળા રંગનો ચતુષ્કોણ દેખાય છે, બીજા કોઈ રંગનો આભાસ એમાં દેખાતો નથી. પણ એનું વર્ણન કરતાં કહ્યું છે : ‘Black with nearly invisible cruciform’ ધારીધારીને જોતાં ક્રોસનો આકાર છતો થાય છે પણ ખરો. આ રીતે ચિત્ર જોનારને કશું નિષ્ક્રિયભાવે સ્વીકારવા દેવામાં આવતું નથી, એને ઝીણવટથી જોવાની ફરજ પાડે છે. આ રીતે ભાવકને ચિત્રથી વિમુખ થવા દેવામાં આવતો નથી કે ચિત્ર પરત્વે સંસ્કારનિર્ભર આત્મલક્ષી પ્રતિભાવોમાં રાખવા દેવામાં આવતો નથી. એક રંગના હોય એવો આભાસ આપતાં થોડાંક ચિત્રનો આવો હેતુ છે. આપણે ત્યાં જેરામ પટેલે આવાં ચિત્રો કર્યાં છે, (જુઓ ‘કિંચિત્’, બીજી આવૃત્તિનું મુખપૃષ્ઠ) સ્ટેફન સ્પેન્ડરે આ સમયમાં માનવીની સ્થિતિનું વર્ણન કરતાં કહેલું, ‘We are all crammed islands of flesh.’ એ જુદા દ્વીપમાંથી ખેંચીને બહાર લાવવાનો પ્રયત્ન આ કળા કરે છે. એમ તો એપિક્યુરસે પણ એના જમાનાની સાંસ્કૃતિક કટોકટીને ધ્યાનમાં લઈને, દરેકે પોતપોતાના જુદા બાગના બાગબાન થવું એવું નહોતું કહ્યું?
જ્હોન કેઇજે 1949માં ‘Lectures on Nothing’ શૂન્ય વિશે વ્યાખ્યાનો આપેલાં. એની સંરચનાના એક ભાગરૂપે અમુક અંશનું ચૌદેક વાર પુનરાવર્તન કર્યા કર્યું. દરેક પુનરાવર્તનને અન્તે એઓ કહેતા, ‘જો કોઈને ઊંઘ આવતી હોય તો ભલે ઊંઘી જાય.’ એમની પ્રેયસી જીન રેયનાલે આ થોડો વખત તો સાંભળ્યા કર્યું પછી એનાથી ન રહેવાયું. એ ચીસ પાડી ઊઠીને ઊભી થઈ ગઈ, પછી બોલી, ‘જ્હોન, હું તને ખૂબ ચાહું છું, પણ આ હવે હું એક ક્ષણ પણ સહી શકવાની નથી.’ એમ કહીને એ વ્યાખ્યાન ખણ્ડમાંથી બહાર નીકળી ગઈ! આગળ કહ્યું તેમ અદ્યતન કળાનો એક આશય કંટાળો નિષ્પન્ન કરવાનો પણ છે. એ જ વ્યાખ્યાન વેળાએ શ્રોતાએ પૂછેલા બધા જ પ્રશ્નોનો એણે તૈયાર કરેલો એક જ જવાબ વારે વારે આપ્યો હતો. અહીં કળાકાર ભાવકને જુદો પ્રતિભાવ ધરાવવાની સ્વતન્ત્રતા આપતો નથી. આ પછી જ્હોન કેઇજે ‘Lecture on Something’ પણ આપેલું. એના પ્રથમ બે પૃષ્ઠ સાવ કોરાં હતાં ને નિ:શબ્દતાને સૂચવતાં હતાં. એ રીતે એઓ પ્રત્યાયનની અસમ્ભવિતતાનું પ્રત્યાયન કરવા ઇચ્છતા હતા! પણ એ બે પાનાં કદાચ દરેક પુસ્તકની આગળ કોરાં રાખવામાં આવતાં fly leaves પણ હોઈ શકે!
જે કુરૂપ છે તેને ન્યાય્ય ઠરાવવું અને જેને જોતાં દુ:ખ કે ક્લેશ થાય તેને પણ આલેખવું – આ બે વલણો પણ જોવામાં આવે છે. રાઉશેનબર્ગે એવાં ચિત્ર કર્યાં છે. ફાટેલાં અને ચોળાયેલાં છાપાંના ટુકડા લઈને, એ બધાંને સાંધીને એના પર કાળો રંગ લગાડ્યો હતો, એથી કાળી ખરબચડી સપાટી તૈયાર થઈ જેને એમણે ‘a surface as irregular as the crumbling facades of New York’s decaying down town neighbourhoods’ કહીને વર્ણવ્યું હતું. આ ઉપરાંત એ શહેરના ભંગારમાંથી – કાટ ખાઈ ગયેલી ખીલી, ચીંથરાં, દોરડીના ટુકડા – એમણે રચના કરી હતી. એ કૃતિઓને એમણે ‘Red Paintings’ તરીકે ઓળખાવીને કહ્યું છે, ‘These red paintings should be read not as literal narrative, but as fused metaphor.’ આ ભંગાર, ભંગાર જેવા શહેરનું જ પ્રતિરૂપ છે. આમ આ કળામાં સત્ય છે, હકીકત છે; સ્વપ્ન નથી, વાસના નથી, દેખાડો નથી. કળામાં કુરૂપનું નિરૂપણ છે, કારણ કે જગત કદરૂપું છે. એ કદરૂપું હોવા છતાં એને સુન્દર બનાવીએ તે તો દમ્ભ કર્યો કહેવાય. આમ કુરૂપના આલેખન પાછળ આવી નૈતિક ભૂમિકા રહેલી છે; એ કેવળ અળવીતરાપણું નથી. આ જગતમાં જો કળાએ સારા થવું હોય તો કદરૂપા બનવું પડે. આ વિરોધાભાસ અનિવાર્ય છે. જે કદરૂપું છે તેમાં વધારો કરવો? આપણી નૈતિક સૂઝ કેળવવી? અહીં દલીલ કંઈક આ સ્વરૂપની છે : કળાએ આ જમાનામાં તુચ્છ અવાસ્તવિકતા, આત્મપ્રવંચના અને ભ્રમણાને બદલે પ્રામાણિકતા, વાસ્તવિકતા અને સત્યનિષ્ઠાની પસંદગી કરી છે. આ પસંદગી કરવાનું સહેલું નથી. આવી પસંદગી કરવી પડી તે આપણા જમાનાની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે. વિરૂપ અને દુષ્ટ જગત અને રૂપાળી પણ પ્રવંચક કળા એ બે વિકલ્પોમાંથી પસંદગી કરવાની નથી. જે કળા અર્થપૂર્વક કદરૂપી થવાનું પસંદ કરે છે તેની અહીં વાત છે. આ રીતે આ કળામાં અને પરમ્પરાગત કળામાં તત્ત્વત: ફેર નથી, કારણ કે એ કળા પણ સામાન્ય રીતે જ્યાં સુન્દરતા જોવાનું ચૂકી જવાતું હોય ત્યાં સુન્દરતાને બતાવતી હતી. અલબત્ત એમાં જ્હોન કેઇજે શૂન્યતાની જે વાત કરી છે તેને અવકાશ નથી. આજે થતી કળાની વાતમાં હંમેશાં સંગતિ હોતી નથી એ પણ સાચું. એક રીતે કહીએ તો આ કટોકટી કેવળ કળાના ક્ષેત્રની જ નથી, સમસ્ત જીવનની છે, સંસ્કૃતિની છે. ઘણી વાર તો, આજની જીવનરીતિ જોતાં, પ્રશ્ન થાય છે કે આપણી પાસે સંસ્કૃતિ જેવું કશું બચ્યું છે ખરું? હવે મૂલ્યોની વ્યાખ્યા નવેસરથી કરવાનો સમય આવ્યો છે. આજે સામાજિક, રાજકીય, ધામિર્ક અને દાર્શનિક ક્ષેત્રમાં બધે જ સંક્ષુબ્ધતા વ્યાપી ગઈ છે. એ બધાંનું કેન્દ્ર શોધવું એટલું સહેલું નથી. એવું કેન્દ્ર વિજ્ઞાન બની રહેશે એવી આશા પણ હવે ઠગારી નીવડી છે, એવું લાગવા માંડ્યું છે. કળામાં વિજ્ઞાનવિરોધી ઘણાં બળો આજે સક્રિય છે : ઝેન બૌદ્ધ ધર્મ, દાદા, ફ્રોઇડનો પ્રભાવ અને સર્જનમાં થતું આકસ્મિકતાનું ગૌરવ. વિજ્ઞાન જ સર્વસ્વ નથી તે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિના પ્રભાવે જ શીખ્યા છીએ. સાંસ્કૃતિક દૃષ્ટિએ જોઈએ તો વિજ્ઞાન એક ઉપયોગી સાધન છે, અન્તિમ લક્ષ્ય નથી; એ મૂલ્યો સિદ્ધ કરવાના કામમાં આવે, પણ એ મૂલ્યો નક્કી કરી શકે નહિ કે એની વ્યાખ્યા બાંધી શકે નહિ. જે જગતમાં આપણે પસંદગી કરવાની છે તે જગત વિશે આપણને એ શક્ય તેટલું શ્રેષ્ઠ જ્ઞાન સંપડાવી આપે છે, પણ એ પસંદગી વિજ્ઞાન કરી શકે નહિ કે એ તરફ આપણને દોરી પણ શકે નહિ. એ રીતે ફિલસૂફી પણ આજે, જો આપણે ગૂંચવણ ટાળીને વિશદ રીતે વિચારવું હોય તો કેમ વિચારવું જોઈએ તે બતાવે છે; પણ હકીકત શું છે તે કહેવાની દક્ષતા એનામાં છે એવો દાવો નથી કે એ વાસ્તવિકતા સાથે આપણે કેમ વર્તવું તે વિશે એ સલાહ આપતી નથી, કે એ વિશે કેવું વલણ રાખવું તે પણ કહેતી નથી. આ સમગ્ર સન્દર્ભમાં આપણે કળાના ક્ષેત્રમાં જે બની રહ્યું છે તે વિચારવું જોઈએ.
1984