પશ્યન્તી/કૃતક સુખરાશિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતક સુખરાશિ

સુરેશ જોષી

અમેરિકી કવિ ડેવિડ વૅગ્નરે કહ્યું છે તેમ આપણી પાસેથી સ્વર્ગ તો ઠીક, નરક પણ ઝૂંટવાઈ ગયું છે. આપણા કહેવાતા અમર આત્મા સામે આપણું ક્ષણભંગુર શરીર રોષે ભરાય છે. દરેક શબ્દને મૂઠી જેટલો મોટો પથ્થર બનાવીને જગતમાં ફેંક્યે જવાનું આજના કવિને મન થાય છે. પણ કોઈ વાર કવિની વાણીને પણ મૂંગી કરી દેવાનું કાવતરું પકડાઈ જાય છે. હૃદયમાં જે અવિરત ચાલ્યા જ કરે છે તેની અસહ્યતાનો ભાર ન ઝીલી શકવાને કારણે પણ જો કોઈ એને અભિવ્યક્ત કરવા જાય છે તો સાવ પાસે બેઠેલી જ વ્યક્તિ એમાં વિશ્વાસ મૂકતી નથી. આથી ધીમે ધીમે વાણીમાંથી પીછેહઠ કરીને મૌનની શિલા નીચે જીવતેજીવ ધરબાઈ જવા સિવાય બીજું કશું કરવાનું રહેતું નથી.

શબ્દોનો પ્રપંચ રચ્યે જવા સિવાય કવિને કશું કરવાનું જ નથી? એ એક વ્યક્તિ તરીકે એની ઇચ્છાવાસના સાથે જીવતો રહી જાય અને સામાન્ય માનવીની હેસિયતથી કશી અપેક્ષા રાખે તો એની કવિતા ઊણી ઊતરે એવો ચુકાદો સમાજ તો તરત આપી જ દે. આથી એ સાવ નિવિર્શેષ, તમારી પાસે હોય તોય પાસેનાં ટેબલ કે ખુરશી જેટલું પણ ધ્યાન ન ખેંચે એવો, બની જાય તો કદાચ સમાજ એને સુખપૂર્વક ભૂલી જવાની સગવડ ઊભી કરી લે. કવિને આક્રોશથી બોલવાનું ન પરવડે. રવીન્દ્રનાથે કહ્યું છે તેમ કવિએ તો ડંખીલા નાગને મહુવર વગાડીને ડોલાવવાનો છે. અત્યારે તો કવિ સમાજની સુખનિદ્રાને વિક્ષુબ્ધ કરનાર નિરર્થક ઉપદ્રવ જ છે.

જે સુખરાશિ આપણે ઊભો કર્યો છે તે તો કૃતક છે, ઠાલો છે. માટે એ સુખના પાયા પર ઊભું થતું સ્વર્ગ પણ તકલાદી છે, જૂઠું છે. યાતના, એકલવાયાપણું, આત્મીયતામાં પણ રહી જતા સાવ સૂકાં રણ – આ બધાંનું મળીને જે નરક બને છે તેનેય આપણે એક વાસ્તવિકતા લેખે સ્વીકારવા તૈયાર નથી. આવો સમાજ કેવી કવિતાને સ્વીકારશે? એને રોમેન્ટિક પ્રણયો ગમશે, થોડી અશ્લીલતા ગમશે, વિદ્રોહને નામે થતાં છમકલાં ગમશે, ટાઢીબોળ શ્રદ્ધાની ઠાવકી અભિવ્યક્તિ ગમશે, સામાન્યતાના પર ચોંટાડેલો ચતુરાઈનો વરખ ગમશે.

આથી જ હું કવિની દયા ખાતો નથી. આથી જ તો જનસમૂહને રીઝવીને તાળીઓ ઉઘરાવનાર, સરકારી પ્રતિષ્ઠાઓની માન્યતા પામનાર, લોકોમાં પોતાની ‘ઇમેજ’ ઊભી કરવા મથ્યા કરનાર, આ કે તે સ્થાન મેળવવા માટે પડાપડી કરનાર, સાહિત્યકારને વિશે કોઈ કશું કહે છે તો મારું મન સાશંક બની જાય છે. એ સરસ્વતીને ચરણે બેઠો નથી, લોકડિયાંને ચરણે બેઠો હોય એવું લાગે છે. લોકો રખેને પોતાનાથી વિમુખ થઈ જાય એવો ભય એને સદા સતાવ્યા કરે છે; લોકો સાહિત્યથી વિમુખ થાય એની એને ઝાઝી ચિન્તા નથી. લોકો સહેલાઈથી જેની સાથે તાળો મેળવીને સંમતિસૂચક માથું હલાવે એવા જ અનુભવની એ વાતો કરે છે. અનુભવના કળામાં થતા રૂપાન્તરની પ્રક્રિયાને એ નિરર્થક લેખે છે. એવું બધું કરવા જઈએ તો વાચક પાછળ રહી જાય ને!

એ ઉપેક્ષિત છે એની જાણ કરવા પૂરતો પણ ઘોંઘાટ કરતો નથી. સર્જન સાથે અમરતાને સાંકળવાનો હવે કશો અર્થ રહ્યો નથી. જો કવિને પોતાની કવિતા માટે સાચી માયા હોય તો એણે એની અમરતા વાંછવાને બદલે ક્ષણભંગુરતા જ વાંછવી. પ્રકૃતિમાં તો જે સુન્દર છે તે ક્ષણભંગુર છે. એ વીત્યે જતા સમયના કાટથી કલુષિત થતું નથી. માનવી સ્મારકો રચે છે. પ્રકૃતિમાં ક્યાંય કશા સ્મારકની આવશ્યકતા નથી. ભગવાન પણ એના પર આપણે આરોપેલી અમરતાથી નહિ અકળાયો હોય એવું કોણે જાણ્યું?

રવીન્દ્રનાથે ષોડશ સંસ્કારમાં છેલ્લો સત્તરમો સંસ્કાર ઉમેર્યો છે. એ સંસ્કાર છે નામક્ષાલનનો. નામકરણથી પ્રારંભ, નામક્ષાલનથી સમાપન. મરણથી જ વિલયને સ્વીકારનાર તો આપણે બધા જ, પણ સમજપૂર્વક જીવતેજીવ ક્રમશ: વિલય સિદ્ધ કર્યે જઈને, કોઈને કશી ખબર નહિ પડે એવી રીતે, ગુપચુપ, મરી જનાર જ ધીરપુરુષ ગણાય. એને ષષ્ઠીપૂતિર્ કે અમૃતોત્સવ નહિ હોય. એ તો આપૂર્યમાણ અચલપ્રતિષ્ઠ. પ્રથમ પંક્તિના સર્જકોએ સમાજ પાસે માન્યતા મેળવવા પડાપડી કરી નથી. દોસ્તોએવ્સ્કી, ટોલ્સ્ટોય, રિલ્કે, કાફકા ક્યારેય કોઈ સમિતિમાં કે જાહેર સંસ્થામાં જોડાયા નહોતા; કશાય પારિતોષિકથી અકલુષિત રહ્યા છે. આથી જેમને આ બધું મળ્યું છે તેઓ કલુષિત છે એવું અનિવાર્યતયા કહી ન શકાય. એમ છતાં, આ બધાંથી દૂર રહેવું સાહિત્યકારને માટે હિતાવહ એવું આપણા જમાનામાં તો લાગે જ છે. સર્જન પછી વિસર્જનનો ક્રમ ગૌરવપૂર્વક જાળવવો જ જોઈએ.

8-10-78