પશ્યન્તી/દુ:ખની ઓળખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દુ:ખની ઓળખ

સુરેશ જોષી

પેરુના એક યુવાન નવલકથાકાર મારિયો વર્ગાસ લ્લોસાએ નવલકથાકારો વિશે એક ટીકા કરી છે : ‘જે નવલકથાકારો પોતાના દેશ વિશે રૂડી રૂડી વાતો કરે છે તેમનો વિશ્વાસ કરવો નહિ જોઈએ. દેશાભિમાન સૈનિકો અને અમલદારો માટે એક સારો પરિણામદાયક ગુણ છે, પણ સાહિત્યમાં તો ઘણુંખરું એનાથી નબળાં જ પરિણામો આવ્યાં છે. સામાન્યતયા સાહિત્ય અને મુખ્યત્વે કરીને નવલકથા અસન્તોષને અભિવ્યક્ત કરે છે. સામાજિક દૃષ્ટિએ નવલકથાની ઉપયોગિતા, દુનિયા હંમેશાં ખોટી હોય છે એનું લોકોને ફરીફરી સ્મરણ કરાવવામાં રહી છે. જીવન હંમેશાં બદલાતું રહેવું જોઈએ તે વાત પણ આપણે સદા યાદ રાખવા જેવી છે.’

આપણે તો રોજ સોનાની ફસલ આપનારી ભૂમિનાં ગીત સાંભળીએ છીએ. દેશના અનેક દુર્ગુણો રોજ-બ-રોજ પ્રગટ થતા રહે છે તે છતાં આપણી પુરાણી સંસ્કૃતિનાં ગુણગાન ગાતા રહીએ છીએ. વાસ્તવિકતા તો આપણે જોવા ઇચ્છતા જ નથી. એને માયા અથવા ભ્રાન્તિ ગણી લેવાનું તો આપણા લોહીમાં છે. આથી આપણે દુ:ખીઓને જ પાપી ગણ્યા છે, સુખી લોકો ગત જન્મના પુણ્યનું ફળ રળી રહ્યા છે એમ માનીએ છીએ. વર્ગવિગ્રહ, ઉગ્ર જાતિભેદ, ધનિક-ગરીબો વચ્ચેના સંઘર્ષો, પ્રાન્ત વચ્ચેના ઝઘડાઓ – આ બધું છે છતાં અખણ્ડ ભારતનું ગાણું રટ્યા કરીએ છીએ. રામરાજ્યની કલ્પના કરતાં આપણે થાકતા નથી. ‘યુટોપિયા’ની પ્રવંચના ઊભી કરીને જે ‘ડિસ્ટોપિયા’ ચારે બાજુ વિસ્તરી રહ્યું છે તેને આપણે આંખો ખોલીને જોતાં નથી.

રજવાડામાં દરબારી કવિઓ અને ભાટચારણો હતા. જો કોઈ એમ માને કે એ દરબારો હવે ગયા તો એ નરી જ ભ્રાન્તિ જ છે. એ દરબારનાં નામ બદલાયાં છે એટલું જ. હવે ‘એસ્ટાબ્લિશમેન્ટ’નો, પ્રતિષ્ઠાનોનો દરબાર છે, લોકોનો પણ દરબાર છે, એને રીઝવનારો પણ લેખકોનો એક વર્ગ છે. આ આરાધના કરવા પાછળ અનેક પ્રકારની સાહિત્યેતર લાલસાઓ કામ કરતી હોય છે. એને ધૂર્તતાથી આદર્શનું નામ આપનારા લોકો પણ છે.

સાચી વાત એ છે કે અસમાધાન કે અસન્તોષની સ્થિતિને આપણે ઝાઝી વાર જીરવી શકતા નથી. દુ:ખનાં મૂળ કેવળ આથિર્ક અને સામાજિક વિષમતામાં રહ્યાં છે એમ કહેવું તો ઘણું સહેલું છે. પણ આપણે જાણીએ છીએ કે એ પૂર્ણ સત્ય નથી. આપણે આપણી સંસ્કૃતિને ત્રિકાલાબાધિત લેખી છે અને એથી એને દરેક બદલાતા સંજોગોમાં વાજબી ઠરાવવાને માટે એનાં ચતુરાઈભર્યા અર્થઘટનો કરતા રહ્યા છીએ. દરેક પાપનું પ્રાયશ્ચિત્ત આપીને ધર્મે પાપ કર્યે જવાની પૂરી સગવડ આપી છે, દેવદેવલાંને આગળ કરીને માનવને લગભગ માનવતા વગરનો કરી મૂક્યો છે. દેશ પર વર્ચસ્વ એવા લોકોનું છે જેઓ વિચારતા અટકી જઈને અકાળે શ્રદ્ધાળુ બની ગયા છે.

આપણો લેખક, પોતાની સગવડ ખાતર, પોતાના મોટા ભાગના વાચકોને નિરક્ષર માને છે. આ વાચકો પ્રત્યે એને અસીમ કરુણા છે. એને કશી તકલીફ ન પડે, એ કશો ક્લેશ કે આક્રોશ ન અનુભવે, એ કથાના સંમોહનમાં પરવશ થઈને લેખક જે આપે તે સુખદ જડતાથી સ્વીકાર્યે જાય, એ કશી પ્રતિક્રિયાનો ઉપદ્રવ ઊભો ન કરે એવી રીતે આપણું મોટા ભાગનું કથાસાહિત્ય રચાતું જાય છે.

સુખ કરતાં દુ:ખને ઓળખવું અઘરું છે. દુ:ખ આપણને જીવનના મર્મમાં ખૂબ ઊંડે ઊંડે લઈ જાય છે. સુખને રૂપે છુપાયેલું દુ:ખ ઓળખનારા પણ આપણી વચ્ચે હોવા જોઈએ. દુ:ખ ગામડાનું કે શહેરનું નથી, વાસ્તવમાં દુ:ખને કોઈ ભૂગોળ નથી. નજીકના વર્તમાનના થોડા પ્રસંગોનું, સમાજનાં અમુક અમુક કાર્યક્ષેત્રોનું, પોતાના આદર્શવાદને અનુકૂળ એવા માનવવ્યવહારનું આલેખન એક છીછરો, પ્રમાણભૂત નહિ એવો, દસ્તાવેજ માત્ર બને. સર્જકે પ્રજાની સંમતિ કે માન્યતા નહિ, કૃતિની પ્રમાણભૂતતા સિદ્ધ કરવાની છે. સાંત ઝ્યાં પેર્સે એના ‘વંડ્ઝિ’ નામના મહાકાવ્યમાં કહ્યું છે તેમ ભાવિ પેઢી તો કવિ પાસે જ પુરાવો માગશે, જમાનાની ખુશામત કરનારા, ખવાસગીરી કરનારા હજૂરિયાઓ પાસે એ પુરાવો નહિ માગે.

વાસ્તવિકતાને કેવળ સપાટી પરના છીછરા સ્તર પરથી જોઈને ‘વફાદારી’થી વર્ણવનારો વાસ્તવવાદી લેખક ગણાય છે. વાસ્તવનાં અનેક સ્તરો છે. એ સ્તરોને ભેદવાનું સાહસ કરનાર સર્જકની આપણને જરૂર છે, એ પોતાને અસ્તિત્વવાદી કહેવડાવે કે પરાવાસ્તવવાદી તેમાં આપણને રસ નથી. એ પોતાની કૃતિનું સમર્થન વાદમાંથી પ્રાપ્ત કરે એ તો અવળી પ્રક્રિયા થઈ. બર્ગસોંને પ્રૂસ્તની નવલકથામાંથી સમર્થન મળ્યું, ફ્રોઇડને દોસ્તોએવ્સ્કીની કૃતિઓમાંથી સમર્થન મળ્યું.

આત્મસન્તુષ્ટ લેખક સાહિત્યજગતનો દ્રોહી છે. એ પોતાના સન્તોષના સંરક્ષણની છાયામાંથી બહાર આવીને કશું સાહસ કરતો નથી, ને સાહિત્યને તો દુ:સ્સાહસ કરનારા મરજીવિયાની જરૂર રહે છે. ‘બધું હેમખેમ છે’ એવી ભ્રાન્તિને ઘૂંટ્યા કરવી તે સહેલું છે તેમ બધું દુ:ખમય હતાશાપૂર્ણ છે એવું રટ્યા કરવું પણ સહેલું છે. આ તો નર્યાં વિધાનો છે. પણ એની પાછળ સત્યના આવિષ્કારની કશીક સન્નિષ્ઠ પ્રક્રિયા રહી છે કે નથી, તે સાહિત્યને તો દુસ્સાહસ થકી જ જણાશે. પણ વિવેચન જો પોતાનું કર્તવ્ય ચૂકી જાય તો પ્રજા આ સ્થિતિમાં જ રાચતી થાય, પ્રતિષ્ઠાનો એને વધાવી લે.

15-10-78