પશ્યન્તી/નવી વિભીષિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નવી વિભીષિકા

સુરેશ જોષી

આમ તો હમણાં અનધ્યાયના દિવસો કહેવાય, છતાં વાંચવાનું વ્યસન એટલે પુસ્તકોને બાજુએ મૂકી દઈ શકાયાં નથી. અમેરિકાના ‘બ્લૅક હ્યુમરિસ્ટ’ તરીકે પંકાયેલા નવલકથાકાર કુર્ત વોનેગટના નિબન્ધોનું પુસ્તક હાથમાં આવ્યું. એઓ ‘ક્રિયેટીવ રાઇટિંગ’ના વર્કશોપમાં જઈ ચઢેલા. સર્જક બની જવાનો ધખારો કેવી રમૂજ ઊભી કરે તેની વાતો એમણે એમની લાક્ષણિક રીતે કરી છે. પણ મને તો આજે એક નવા ઊભા થયેલા વર્ગ માટેનો એક સરસ શબ્દ એમાંથી મળી રહ્યો. એ શબ્દ છે ‘અનટીચેબલ.’ એને ‘અનટચેબલ’ સાથે ખૂબ નજીકનું ધ્વનિસામ્ય છે. આજે વિદ્યાપીઠોમાં વિદ્યાર્થીઓનો એવો એક મોટો વર્ગ ઊભો થયો છે જેને તમે ભણવાને માટે ઉત્સાહી બનાવી શકો જ નહિ; એ વિદ્યાર્થી અસ્પૃશ્ય રહેવા માગે છે એ અર્થમાં ‘અનટચેબલ’ પણ છે. વળી વિદ્યાપીઠોમાં કોઈ એનો વાળ વાંકો કરવાની શક્તિ ધરાવતું નથી. એ ધારે ત્યારે કુલપતિને કઠપૂતળીની જેમ નચાવી શકે છે. આ બધું એ વિદ્યાપ્રાપ્તિના હિતમાં જ કરે છે એવું માનવાની અપ્રામાણિકતા તો એ દાખવતો નથી. એનું ઝનૂન સાત્ત્વિક છે કે આસુરી તે નક્કી કરવાની પંચાતમાં પડવાનો એની પાસે સમય નથી. એણે ઝુંબેશ ઉપાડી છે માટે એ સાચી જ છે એવો એને આત્મવિશ્વાસ હોય છે. અત્યાર સુધીમાં એનો મહત્ત્વનો અનુભવ કોઈ પ્રતિભાશાળી વિદ્વાન સાથેના પ્રત્યક્ષ સમ્પર્કનો નથી. એ અનેક રેલીઓ અને સરઘસોમાં ફર્યો છે. કોઈ વાર એ આઠવલે શાસ્ત્રીની રેલી હોય છે તો કોઈ વાર સ્વામિનારાયણ સમ્પ્રદાયની, કોઈ વાર આ કે તે રાજકીય પક્ષની. મેમોરેન્ડમ આપવાનો, એલાન આપવાનો એને ખાસ્સો અનુભવ છે. ‘તમે છેલ્લું પુસ્તક ક્યારે વાંચેલું, અથવા વાંચેલું નહિ તો ક્યારે હાથમાં લીધેલું?’ એવો સવાલ તમે એને પૂછશો તો એ હસી પડીને તમારી સામે અચરજથી જોઈને પૂછશે, ‘મહેરબાન, તમે કયા જમાનામાં જીવો છો?’

ખુશનુમા આબોહવા છે. દૈયડ અને કંસારાના ટહુકા સંભળાય છે, પણ કુદરતની કિતાબ વાંચવાની પણ આ યુવાનને ક્યાં ફુરસદ છે? આ સમૃદ્ધિથી ભર્યાભર્યા વિશ્વ વચ્ચે એ અનાસક્ત સંન્યાસીની જેમ જીવે છે, સંસ્કૃતિનાં ઝાઝાં ઉપકરણો પણ એને ખપતાં નથી. સિનેમા થિયેટરની વાસી હવાથી એ ટેવાઈ ગયો છે. કલાકના કલાક સુધી પાસે બેઠેલા સાથી જોડે એક્કેય શબ્દ બોલ્યા વિના એ બેસી રહી શકે છે. કશું ન કરવાનો એને એવો નશો ચઢે છે કે કર્મસંન્યાસ માટે એને ખાસ કશી સાધના કરવાની રહેતી જ નથી.

હવે તો એવા દિવસો આવશે જ્યારે હું જીવતો છું એનો પુરાવો આપવા માટે મારા પડછાયાને જ સાક્ષી તરીકે રાખવો પડશે. કોઈક ચિન્તકે કહેલું કે માનવી સ્વપ્નો જોઈ શકનારું પ્રાણી છે. એ પશુ છે એવું પુરવાર કરવાનું તો અઘરું રહ્યું નથી, પણ એ સ્વપ્નો સેવે છે ખરો? જો સેવતો હોય તો એ સ્વપ્નો કેવાં હશે? આ યુવાનો સ્વપ્નસેવી હોત તોય થોડું આશ્વાસન રહેત. પણ આદર્શો તો ગાંધી સાથે ગયા, જે કાંઈ બચ્યા હતા તેને રાજકારણવાળાઓએ પોતાના વર્તનથી ભૂંસી નાખ્યા. આ યુવાનો સાથે વાત કરવાની ભાષા આપણે નવેસરથી શીખવી પડશે. આ યુવાનો પર તમે વિદ્વત્તાથી, અસાધારણ બુદ્ધિશક્તિથી કે ચારિત્ર્યથી પ્રભાવ પાડી શકો એવું રહ્યું નથી. આ પરિસ્થિતિ ભારે ખતરનાક છે. કોઈ મહામારી કે યુદ્ધ જ એમને જગાડી શકે એમ છે.

સોલ બેલોએ માનવીને ત્રિશંકુની સ્થિતિમાં જોયો, રોબર્ટ મ્યુઝિલે એને કશાં લક્ષણ વિનાનો બતાવ્યો, દઝાઈ ઓસામુએ એને માનવી નહિ એવો માનવ કહ્યો, એલિયટે એને પોલો માનવી કહ્યો, સાંત ઝ્યાં પેર્સે એને પરાળનો બનેલો કહ્યો. આ બધા શા માટે માનવીની આવી છબિ આંકી ગયા? એડવર્ડ ડહાલબર્ગે માનવી સામેનું બુલંદ તહોમતનામું રજૂ કર્યું. ઓક્તોવિયો પાઝે પ્રામાણિકતાપૂર્વક એકરાર કરતાં કહ્યું કે હું હવે સૃષ્ટિનાં ઊંચે ચઢેલાં મોજાંના શિખર પર નથી. હવે સમય તો મારા પગ નીચેથી વહેતો રેલો છે એવું કહેવાનું અભિમાન મને પરવડશે? કદીક સમયના પરપોટા ફૂટવાનો અવાજ મારા મગજમાં સંભળાય છે. મારી દૃષ્ટિમાં કોઈ અન્ધની અકલુષિત સ્વચ્છતા છે? કોઈ તોતંગિ મકાનને વીસમે માળે અવકાશ વચ્ચે ઝૂલતા પાંજરામાં હું પુરાયેલો છું. આજે તો સિમેન્ટ અને લોખંડની ઘૂઘવતી ભરતીને હું સાંભળું છું. ધૂંઆપૂંઆ થઈને ધુમાડો ઓકતાં યન્ત્રોને હું સાંભળું છું. રાત્રિ અહીંતહીં વેરાઈ ગયેલા અવાજ અને પ્રકાશનાં ચીંથરાંને ભેગાં કરતી ભિખારણ જેવી છે. આખું શહેર એક દુ:સ્વપ્નની ધૂંધળી રેખાઓની જેમ વિસ્તરેલું છે. હવે માનવી દેવો અને અસુરોને મળવાનો ત્રિભેટો નથી. સાર્ત્રે વિકલ્પોમાંથી પસંદગી કરવાની સ્વતન્ત્રતા આપણને છે એવી ધરપત આપેલી; પણ હવે લાગે છે કે આપણે જે પસંદગી કરી છે તે ખોટી જ પડી છે. હું માત્ર બોલતાં બોલતાં અટકી જઈને મારા વાક્યની અધવચ્ચે ઊભો રહી ગયો છું. એ હવે કઈ દિશામાં આગળ વધશે તેની મને ખબર નથી. થોથવાતી તોતડાતી જીભના અસ્પષ્ટ ઉચ્ચારણના પડઘા મારા કાનમાં ગાજે છે. મારો ભૂતકાળ પોકળ સ્મૃતિથી ઠાલોઠાલો ખખડે છે. હું થોડાક પડછાયાઓનું પોટલું ખભે નાખીને ફર્યા કરું છું.

આ ઊષરભૂમિ, આ મૃતભૂમિમાં થોર મરણની નારકી હવામાં હાલ્યા કરે છે. મને દાંત કચકચાવીને નિરાશાની વાતો કરવાનું ઝનૂન ચઢે છે. આ ઊષરભૂમિમાં આર્દ્રતાનું નામનિશાન નથી. નથી માણસે માણસને ભોંયસોતો પાડ્યો, એ રજરજ થઈને વિખેરાઈ ગયો; એ તરસી રજ બધી આર્દ્રતાને પી ગઈ. જળને જોયું તે પણ કેવે રૂપે? મરણના ગર્ભાગારરૂપે. પવન કટાઈ ગયેલા, બુઠ્ઠી ધારવાળા ચપ્પુની જેમ ઉઝરડ્યા કરે. હવે તો ભાષા બદલવી પડશે. પડછાયા અને મરણનો સમાસ બનાવવો પડશે : ધૂળ અને રાખનો ભેગો અર્થ થાય એવો શબ્દ રચવો પડશે; સૂર્યને તૂટેલી ધોરી નસનો પર્યાયવાચક ગણવાનો રહેશે. રખડતો કાણો કૂતરો અને મધ્યાહ્નનો પ્રહર – આ બેને માટેનો એક શબ્દ રચવો પડશે.

હવે ક્રોધના રાફડાઓ બાઝી જશે, ફુવારાઓમાંથી સાપની ધારાઓ ફૂટશે; ચૂનેરી ચન્દ્રમાંથી રજ ખરી ખરીને હરિયાળીને ધોળી ધોળી બનાવી દેશે. સૂર્યનો કાટ હવાનો રંગ બદલી નાખશે. બારણું વાસ્યા વગર મકાનોમાંથી માનવીઓ ભાગી જશે; વૃક્ષની છાયાનો પણ હવે ભરોસો નહિ કરે; પુસ્તકાલયો ઝેરી ઉંદરોથી ભરાઈ જશે, વિદ્યાપીઠોમાં નર્યો કાદવ છવાઈ જશે ને એમાં એકસરખો દેડકાઓનો ડ્રાઉં ડ્રાઉં અવાજ સંભળાશે. એ સાંભળીને સરસ્વતી કાને હાથ દઈને સૂનમૂન બેસી રહેશે. મેડિકલ કોલેજમાં ફોર્મેલિનમાં રાખેલા મગજમાંથી એકસરખી શાહી ટપક્યા કરશે. સ્મશાનોમાં અને કબ્રસ્તાનોમાં સરકારની કાંઈ કેટલીય વડી કચેરીઓ ખૂલી જશે; ફાંસીનાં દોરડાં વણવાનો ઉદ્યોગ મોટા પાયા પર ચલશે; ધર્મ, દેવોનાં નવાં આયુધોના વર્ણનનાં સ્તોત્રો રચશે. વિદ્યાપીઠોના અધ્યાપકો અવતરણો તૈયાર કરી આપનાર કોમ્પ્યુટરોના શિષ્ય બનવા પડાપડી કરશે; નન્દનવનની વાડીઓમાં પેસ્ટીસાઇડ છાંટવાને ઇજારદારોની અરજી મંગાવાશે. પેસિફિકના ઊંડાણમાં પોઢેલા ભગવાનના દર્શનાર્થે મરજીવાઓ ડૂબકી મારશે.

ભૂંડની જેમ નતમસ્તકે હજી માનવી પેટિયું કાઢવા મથી રહ્યો છે. એક બાજુથી ગરીબાઈ વધતી જાય છે તો બીજી બાજુ નવા નવા ઉદ્યોગો ને નવી નવી વેપારી પેઢીઓ વધતી જાય છે. હવે પગે ચાલીને જવાનું તો પછાતપણાનું લક્ષણ દેખાય છે. સ્કૂટર કે લ્યૂના ન હોય એ ગરીબાઈની નિશાની છે. ભ્રષ્ટાચાર આચરવાની કુનેહ એટલો જ ચતુરાઈનો હવે અર્થ રહ્યો છે. કલ્કિ અવતાર તે કલંકી અવતાર ગણાશે. ધર્મગ્રન્થો અને શાસ્ત્રો નવેસરથી રચાવાનું શરૂ થઈ જશે. ફ્રંટલ લોબ કઢાવી નાખવાના ઓપરેશનની ફેશન પ્રવર્તશે.

મારા મનમાં આવા બધા વિચારોની ધમાચકડી મચે છે. હું તાજી ફૂટેલ કૂંપળનું આશ્વાસન લેવા મથું છું. આકાશની નીલિમા આંખમાં આંજીને શાતા મેળવવા ઇચ્છું છું; કૂંપળની રતુમડી શિખા મને દઝાડે છે, નીલિમા તો દુ:ખીઓના ઉષ્ણ ઉચ્છ્વાસમાં ફેરવાઈ ગઈ છે. કવિઓની પંક્તિઓના અર્થ મારા મગજમાં કરોળિયાનાં જાળાંની જેમ ગૂંચવાઈ ગયા છે. એમાં મેં બોલવા ધારેલો એક શબ્દ પણ શોધ્યો જડતો નથી.

જાણું છું કે આ બધી હત્યા, આ હિંસા, આ અનાચાર અને અત્યાચાર – બધું જ પ્રજાને કોઠે પડી જશે. ભારતની પ્રજા મૂતિર્મન્ત તિતિક્ષા જ જોઈ લો, એની ક્ષમાવૃત્તિની પણ હદ નથી. એ ગમે તેવા રાજકર્તાને સહી લે છે એટલું જ નહિ, એને જ તારણહાર માને છે. શિક્ષણને ભૂંસી નાખવાનો કીમિયો કરવાની દવા શોધાશે ને મંગળને પૃથ્વીની વધતી વસતી માટે વસવાટયોગ્ય બનાવાશે; પીડા વગર કરોડો માણસો એક સાથે મરી જઈ શકે એવું શસ્ત્ર પણ શોધાશે. પછી નાની નાની હત્યાથી કશી અરેરાટી થશે નહિ; અરે, એની જરૂર જ પડશે નહિ.

માણસના જડ થતા જતા હૃદયને ઢંઢોળવાને વિભીષિકાનું પ્રભાવક ચિત્ર આલેખવાની શક્તિ મારામાં નથી. હજી હું તો પ્રેમનો જ શબ્દ બોલવા ઇચ્છું છું, ભોળપણથી સામાનો હાથ ઝાલવા હાથ લંબાવું છું. પણ પ્રેમનો ઉચ્ચારેલો શબ્દ અર્ધો જ રહી જાય છે ને મારો હાથ શૂન્યાવકાશમાં લટકતો રહી જાય છે. એ બધાને ઝાલી લઈને આધાર આપનારી હથેળી ક્યાં છે?

6-4-81