પશ્યન્તી/‘ડૉ. ઝિવાગો’ની ભીતરમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘ડૉ. ઝિવાગો’ની ભીતરમાં

સુરેશ જોષી

યુરી ક્રોત્કોવનું નામ લેખક તરીકે બહુ જાણીતું થયું નથી. હમણાં ‘ધ નોબેલ પ્રાઇઝ’ નામની નવલકથાથી એ વધારે જાણીતો થયો છે. સોવિયેત રશિયાના જ્યોર્જિયામાં જન્મેલો આ લેખક રશિયન અને જ્યોર્જિયન સંસ્કૃતિનો વારસદાર છે. એના પિતા ચિત્રકાર અને કાર્ટુનિસ્ટ હતા. સ્તાલિન પણ જ્યોર્જિયાનો, એટલે એમણે સ્તાલિનને સારો ઉઠાવ આપે એવાં એનાં ઘણાં વ્યક્તિચિત્રો દોર્યાં હતાં. ઓગણીસ વર્ષની વયે ક્રોત્કોવ મોસ્કો પહોંચ્યો અને પોતાનું નસીબ અજમાવ્યું. સ્તાલિન અને બેરિયા જેવાના પરિચયને કારણે એની ‘પ્રગતિ’ પણ સારી થઈ. લેખકોને માટે ચાલતી ઊંચા દરજ્જાની શિક્ષણસંસ્થામાં એને પ્રવેશ મળ્યો. અખબારોની દુનિયામાં એણે સહેલાઈથી સારું સ્થાન પ્રાપ્ત કર્યું. સિનેમા અને રંગભૂમિમાં પણ એણે સારું સ્થાન પ્રાપ્ત કર્યું. 1949માં એણે અમેરિકાના હબસીવિરોધી રંગદ્વેષીઓ પોલ રોબ્સન જેવા ઉત્તમ કોટિના સંગીતકાર પર કેવો જુલમ ગુજારે છે તેનું સબળ આલેખન કર્યું. એમાં વચ્ચે વચ્ચે એ હબસીઓના મુખમાં આવાં વાક્યો મૂકી દેતો : ‘શાન્તિના એ પરમ ચાહક સ્તાલિનના પક્ષમાં અમે છીએ.’ આ સાંભળીને શ્રોતાઓ તાળી પાડતા. ફિલ્મ માટે એણે ઘણા સિનારિયો લખ્યા, પ્રચાર માટે પણ ઘણું લખ્યું, મહત્ત્વની વ્યક્તિઓ સાથેની મુલાકાતોના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા. સ્તાલિન પુરસ્કાર એને મળતો મળતો સહેજમાં રહી ગયો. પરદેશમાં એનું નામ સાવ અજાણ્યું હતું, પણ રશિયામાં તો ત્રીસીમાં જ એ મોસ્કોના સાહિત્યગગનમાં નક્ષત્રની જેમ ચમકવા લાગ્યો.

1946માં એણે બીજા જ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. એનું પરદેશી ભાષાનું તેમ જ પરદેશનાં મહત્ત્વનાં સ્થળોનું જ્ઞાન એને કામમાં આવ્યું. એને પરદેશના મહત્ત્વના મહેમાનોની મુલાકાત લેવાને નિમિત્તે એમની સાથે નિકટના સંપર્કમાં આવવાનું બનતું. પરદેશના રાજપુરુષો અને મુત્સદ્દીઓ સાથેના આવા પરિચયને કારણે આખરે રશિયાની ગુપ્તચર સંસ્થા કેજીબીમાં એ દાખલ થઈ ગયો. સત્તર વર્ષ સુધી એમાં એ મહત્ત્વને સ્થાને રહ્યો. કોઈ પણ મહત્ત્વના પરદેશીને ફોસલાવીને પટાવીને કશાકમાં સંડોવીને એની પાસેથી મહત્ત્વની માહિતી મેળવવાનું કામ એને માથે હતું. ભારતના એલચી સાથે, ફ્રાન્સના એલચીની પત્ની સાથે એણે નિકટના સમ્બન્ધ કેળવ્યા હતા. બેરિયાના આદેશને વશ વર્તીને જ્યોર્જિયાના પોતાના મિત્રો વિરુદ્ધ પણ માહિતી આપવાનું અણગમતું કામ એને કરવું પડ્યું. આને કારણે એનું મન બહુ ચણચણ્યા કરતું. આમ છતાં આ બધાંનો એણે ત્યારે તો વિરોધ કર્યો નહોતો.

આ પછી 1963માં સરકારી કામે સપ્ટેમ્બરમાં એને લંડન જવાનું થયું ત્યારે પાછા વળવાની છેલ્લી ઘડીએ એ પોતાની મંડળીને ટાળીને છૂટો પડી ગયો અને પોતાના શરીર પર જેટલાં વસ્ત્રો પહેરી શકાય તેટલાં પહેરી બેપ્સવોટર રોડ પર થઈને છટકી ગયો અને એણે ઈંગ્લેંડમાં રાજ્યાશ્રય લીધો. જ્યોર્જ કાલિર્નનું નામ ધારણ કરીને એણે પોતે જ આ બધી માહિતી આપી છે.

આ પહેલાં એણે ‘ધ એન્ગ્રી એક્ઝાઇલ’(1967) અને ‘ધ રેડ મોનાર્ક’ (1979) લખી છે. આ પૈકીની બીજીમાં સ્તાલિનના જાહેર અને અંગત જીવનનાં ચિત્રો આલેખ્યાં છે, પણ ‘ધ નોબેલ પ્રાઇઝ’ એક અદ્ભુત નવલકથા છે. એમાં કથનકળાની ઊંચી સિદ્ધિ એણે મેળવી છે. એમાં એણે સમકાલીન સોવિયેત રશિયાના ઇતિહાસમાંની એક બહુ જ મહત્ત્વની અને રશિયા પર મહત્ત્વનો પ્રકાશ નાખતી ઘટનાનું નિરૂપણ કર્યું છે. એમાં રશિયાના પ્રખ્યાત કવિ અને આપણે ત્યાં ‘ડોક્ટર ઝિવાગો’ નવલકથાથી સુપરિચિત એવા પાસ્તરનાકના જીવનના છેલ્લા ગાળાનું એણે આલેખન કર્યું છે. ‘ડોક્ટર ઝિવાગો’ની પ્રસિદ્ધિ અને એને મળેલું નોબેલ પારિતોષિક – આ પછીના દિવસોનું એમાં આલેખન છે. એ પારિતોષિકનો જબરદસ્તીથી અસ્વીકાર કરાવ્યો, પાસ્તરનાકની સામે ઘણો કાદવ ઉછાળવામાં આવ્યો, પોતાનાં સ્વજનો તેમ જ પ્રિયજનોને ભયમાં મૂકવા બદલ પાસ્તરનાકને ઘણો પસ્તાવો થયો, આ બધાંને પરિણામે એમના પર પાંચ વાર હૃદયરોગનો હુમલો થયો અને આખરે ફેફસાના કેન્સરથી એમનું અવસાન થયું.

સિનારિયો લેખક અને નાટ્યલેખક તરીકેના અનુભવને કારણે ક્રોત્કોવ આ નવલકથામાં નાટ્યાત્મકતાના અંશો સારા પ્રમાણમાં લાવી શકે છે. એમાં સૂક્ષ્મ સંકુલ મનોવૈજ્ઞાનિક આલેખન પણ છે. પાસ્તરનાકના ઘરનાં માણસો સાથે એને લાંબા સમયથી ઘરોબો હતો જ. આથી એણે કરેલું આલેખન અધિકૃત બની શક્યું છે.

મોસ્કોથી વીસેક માઇલ દૂર પેરેડેલ્કિનોમાં લેખકો માટેના વિશિષ્ટ આવાસ ‘ડાચા’ બાંધવામાં આવ્યા છે. એ સ્થાન ખરેખર સુન્દર અને શાન્તિપૂર્ણ છે. ત્યાંના વાતાવરણનું ક્રોત્કોવે તાદૃશ આલેખન કર્યું છે. ક્રોત્કોવ પોતે નવલકથામાંથી અનુપસ્થિત જ રહે છે, પણ એની આ અનુપસ્થિતિ અનેક રીતે આ કૃતિને વધુ ઉપકારક બની છે. પાસ્તરનાકને પોતાને ક્રોત્કોવના કેજીબી સાથેના સમ્બન્ધની જાણ જ નહિ એવું લાગે છે. પણ એનું કશું મહત્ત્વ નથી, કારણ કે કેટલાંક વર્ષોથી પાસ્તરનાકના જીવનમાં કશું સંતાડવા જેવું હતું જ નહિ.

જર્મન કવિઓ રિલ્કે અને બ્લોકની જેમ (એ બંનેને પાસ્તરનાકનો પરિચય હતો જ) પાસ્તરનાક પણ આ વિશ્વને સમાન્તર એવું બીજું આગવું વિશ્વ રચીને એમાં વસતા હતા. એ હતું તો પૃથ્વી જેવું જ પાથિર્વ અને ભંગુર, પણ એમાં ઉદાત્ત લાગણીઓ, સૌન્દર્ય, ઋજુતા અને વિસ્મય હતાં. પાસ્તરનાકના સંવાદમાં એના અવાજનો રણકો સંભળાય છે જે તાદેઝૂદા મેન્ડલસ્ટામે લખેલાં પાસ્તરનાકનાં સંસ્મરણોમાં નોંધાયેલો છે. પાસ્તરનાક બોલે ત્યારે સામી વ્યક્તિને કશીક ભેટથી નવાજતા હોય, સંગીતની એકાદ તરજ ગૂંજતા હોય એ રીતે બોલતા.

આજુબાજુના ઝંઝાવાતમાં પાસ્તરનાક જ એક પ્રમાણમાં અવિક્ષુબ્ધ એવી વ્યક્તિ છે. એમને જે ખૂબ પ્રિય છે તેમનાથી પણ એઓ જાણે ખૂબ દૂર સરી ગયા છે. એમની પત્ની ઝિના જે સહન કરી રહી છે તે પણ જાણે એઓ જોઈ શકતા નથી. ઝિનાએ એના જાજરમાન વ્યક્તિત્વને છાજે એવા ગૌરવથી પોતાના પતિની લાંબા વખતની બેવફાઈને સહી લીધી છે. આ વાત ક્રોત્કોવે કેટલાંક અવિસ્મરણીય દૃશ્યોમાં ઉપસાવી આપી છે. નીતા તાબિદ્ઝેને એને માટે જે પ્રેમ છે તેથી પણ જાણે એઓ બેખબર છે. ઓલ્ગા ઇવિન્સ્કાયાને ફરી કદી ન મળવાનું વચન આપ્યા છતાં વચનભંગ કરીને એને એઓ મળે છે. છતાં તે એક કવિ તરીકે જ. ક્રોત્કોવે આ ઓલ્ગાનું આલેખન ખલપાત્ર તરીકે કર્યું છે તે કદાચ પાસ્તરનાક અને ઓલ્ગા વચ્ચેના પ્રેમની ભૂમિકાને સમજ્યા વિના કર્યું છે અને તેથી જ એ બંનેને અન્યાયકર છે. અહીં પાસ્તરનાકને માટેનો ઓલ્ગાનો ઉત્કટ પ્રેમ તે દરેક રશિયાવાસીમાં જે દોષ જન્મજાત હોય છે તેનાથી – લોભથી પ્રેરાયેલો છે એવું દર્શાવ્યું છે. એને પશ્ચિમના લોકો માણે છે તેવા મોજશોખ માણવાની ઇચ્છા છે. ‘ડોક્ટર ઝિવાગો’ની રોયલ્ટીમાંથી મળેલા દલ્લામાંથી એ બધું ખરીદીને ભોગવવા ઇચ્છે છે.

પણ પાસ્તરનાક જીવન પ્રત્યે ઉદાસીન નથી. એની વાત એને હોઠે વારે વારે આવે છે. પાસ્તરનાક ભાવિક ખ્રિસ્તી હતા. એમને પરલોકની કશી ચિન્તા નહોતી. પણ આ જગતના સાદાંસીધાં ઇન્દ્રિયસંવેદનો ખોઈ બેસવાનો જાણે એમને ભય લાગતો હોય એવું અહીં આલેખન થયું છે. બાજુની ઓરડીમાં વાગતો પિયાનો, દૂરના વનમાંથી આવતો ઉચ્છ્વાસ, અન્નનો કોળિયો મોઢામાં મૂકતાં જીભ પર થતો રવરવાટ – આ રખેને લુપ્ત થઈ જાય એવો એમને ભય રહ્યા કરે છે.

પાસ્તરનાકની સામેની છાવણીનું આલેખન પણ એણે સબળ રીતે કર્યું છે. ખુ્રશ્ચોફ કંઈક ગ્રામ્ય, રંગલાવેડામાં રાચનારો પણ વ્હાલોસોયો આલેખાયો છે. હંગેરીના લોકો પર ટેન્કનું આક્રમણ એણે જ નહોતું યોજ્યું? જ્યોર્જિયાના અસન્તુષ્ટોને એણે જ ટેન્કથી કચડી નો’તા નાંખ્યા? ખુ્રશ્ચોફની પત્ની નીના રશિયાની નારીનું જ જીવન્ત ઉદાહરણ છે : એ વ્હાલસોઈ છે, એનામાં ભારે તિતિક્ષાશક્તિ છે, એણે ભારે ખંતથી ખુ્રશ્ચોફને ‘ડોક્ટર ઝિવાગો’ વાંચી સંભળાવ્યું છે અને એ સમ્બન્ધમાં આગલી હરોળની વ્યક્તિઓની હાજરીમાં એનો અભિપ્રાય ખુ્રશ્ચોફે પૂછ્યો ત્યારે એણે સાવ સાહજિકતાથી કહી દીધું, ‘છાપી નાખોને, કશો વાંધો નથી. લોકોને અપીલ કરે ને ખેંચી રાખે એવું કશું એમાં નથી. એ થોડા જ વખતમાં ભુલાઈ જશે.’ આ સાંભળીને ત્યાં હાજર રહેલા બધા હસી પડ્યા હતા!

નવલકથાનું સૌથી કરુણ પાત્ર કોન્સ્ટન્ટીન ફેદિન છે. સ્તાલિનને વફાદાર એ લેખક પાસ્તરનાકનો પડોશી છે. ક્રેમ્લિનમાંથી આવેલા આદેશ પ્રમાણે એ પાસ્તરનાકને જણાવે છે કે જો એ નોબેલ પારિતોષિક સ્વીકારશે તો એમની જિન્દગી જોખમમાં આવી પડશે. પણ આ કહ્યા પછી એને આવું કર્યા બદલ આઘાત લાગે છે. એ પોતાના ઓરડામાં પુરાઈ જાય છે ને પાસ્તરનાકની કવિતાઓ જોરથી બોલે છે, આ જોઈને કરુણા ઊપજે છે. દોસ્તોએવ્સ્કી જ આલેખી શકે એવું દૃશ્ય ક્રોત્કોવ આલેખે છે : પાસ્તરનાક હૃદયરોગના હુમલાથી પીડાતા પૂરતાં સાધન વગરના તાલુકાના દવાખાનામાં પડ્યા છે. ક્રેમ્લિનની હોસ્પિટલમાં એમને ખસેડવાની વ્યવસ્થા, ઓળખાણનો લાભ લઈને પણ, કરવાનું એઓ ઝિનાને કહે છે. ઝિના ફેદિન પાસે જાય છે, ઝિનાને આશ્ચર્ય થાય છે, ફેદિન એવી વ્યવસ્થા કરાવી આપે છે. આથી ફેદિનને પણ ખૂબ આત્મસન્તોષ થાય છે. એ ધૂર્તતાભર્યું હસે છે ને કહે છે, ‘ઊડતી શેતરંજી હમણાં જ બિછાવી દેવાશે ને બોર્યા ક્રેમ્લિન હોસ્પિટલમાં પહોંચી જશે.’ ઝિના જઈને ઝૂકીને ફેદિનનો હાથ કૃતજ્ઞતાપૂર્વક ચૂમી લે છે, ‘કોસ્ત્યા, હું જિન્દગીભર તારી ઋણી રહીશ.’ ફેદિન કહે છે, ‘આવા માણસોને જોઈને તો મરણ પણ ભાગી જાય છે.’ પણ આ દરમિયાન પાસ્તરનાકે ઝિનાને ફેદિનના ઘરમાં પગ મૂકવાની ના પાડી છે. ઝિના ફેદિનને આ વાત કહે છે : ‘ફેદિનમાં રહેલો રશિયાનો બુદ્ધિશીલ મરી પરવાર્યો છે.’ ફેદિનના મગજમાં પાસ્તરનાકનું આ વાક્ય ઘૂમ્યા કરે છે, આપણે પણ પૂછીએ છીએ : હવે ફરી દોસ્તોએવ્સ્કી, ટોલ્સ્ટોય, ચેખોવ દેખાશે ખરા?

14-12-81