પુનશ્ચ/વિરહ
Jump to navigation
Jump to search
વિરહ
તમે કહ્યું, ‘મળો !’, મેં કહ્યું, ‘મળશું.’
પણ વર્ષોના વિરહ પછી આપણે પાછા વળશું ?
એ તો એકમાત્ર વિધાતા જ કહી શકે,
ભવિષ્યને કોણ લહી શકે ?
બસ માત્ર બે જ શબ્દો ને વર્ષોનું મૌન ભાંગી જાય,
કૈં કેટકેટલી કટુમધુર સ્મૃતિઓ જાગી જાય;
મળતાં હતાં ત્યારે કૈં કેટલું મળતાં હતાં,
એકમેકમાં કેવું ભળતાં હતાં.
હવે પછી મળશું તો શું મળતાં હતાં તેમ જ મળશું ?
પરસ્પર હળતાં હતાં શું તેમ જ હળશું ?
એ મિલન શું વિરહના ફળ રૂપે ફળશે ?
કે પછી બે જણ જાણે કદી મળ્યાં ન હોય તેમ મળશે ?
૨૦૦૬