પુરાતન જ્યોત/૧. ‘જેસલ જગનો ચોરટો'

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧. ‘જેસલ જગનો ચોરટો'


ગળતી એ માઝમ રાત : મધરાત ગળતી હતી. ગગનના મધપૂડામાંથી ઘાટાં અંધારાં ગળતાં હતાં, અજવાળી બીજનું બાંકું નેણ ઘડીભર બતાવીને સાંજ, કોઈક બીકણ છોકરી જેવી, ઝટપટ ભાગી ગઈ હતી. મધરાત ગળતી હતી. એવા અંધાર-વીંટ્યા નેસડામાં એક માટીના મકાનની પછીતે (પાછલી ભીંતે) એક આદમી ઊભો હતો. કમર પર લાલ લુંગી લપેટી હતી. અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી. અંધારા જોડે એકરસ બનતો એ લેબાસ હતો. કાળી માઝમ રાતનો એ કસબી હતો. અંદર અને બહાર, બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો. એનાં એક હાથમાં ઉઘાડું ખડગ હતું. બીજા હાથમાં ગણેશિયો (ચોરી કરવાનું ઓજાર) હતો. ખડગનો ખપ હતો માનવીને મારવા માટે; ખતરીસાની જરૂર હતી દીવાલ ખોદવા માટે. ખતરીસો કામે લાગ્યો. મકાનની દીવાલ ખોતરાવા લાગી. ધીરે ધીરે માટી ઝરવા લાગી. ધીરે ધીરે — કોઈ ને કાને ન પડે એવો એ ખોતર કામનો અવાજ હતો. થોડી વારે એ દીવાલની અંદર બાકોરું પડ્યું, જીવતા શરીરને કરકોલીને કીડાએ જાણે ઘારું પાડ્યું. માનવીએ ખાતર દીધું (બાકોરું પાડ્યું). કોને ઘેર? હરિને ઓરડે. હરિની ઉપાસનાનું એ થાનક હતું. હરિનાં ભજનિક અંદર ભજન ગાતાં હતાં. ખડગધારી આદમીને કાને, એ બાકોરા વાટે ગાનના સૂર રેડાયા. શબ્દ તો એ સમજતો નહોતો, સુરાવળનું એને ભાન નહોતું. પણ કોઈક ઝીણું મીઠું ગળું ગવરાવતું હોય ને પચીસ ત્રીસ સ્ત્રી-પુરુષ-કંઠો ઝીલતા હોય, એવું એને સમજાણું. એણે મોં મલકાવ્યું, એ મલકાટ રાત સિવાય કોણ જોઈ શકે? એના ખતરીયાએ ખોતરકામ આગળ ચલાવ્યું. એને ખબર નહોતી રહી, પણ ખતરીસો વચ્ચે વચ્ચે એ અંદરના આઘા ઓરડામાંથી ઊઠતા તાલ-સૂરની સાથે એકતાલ બનીને ખોદકામ કરતો હતો. ખતરીસો કેમ જાણે ધણીનું કામ કરવાને બદલે વધુ ધ્યાન એ ભજનમાં દેતો હતો. ચોરને ચીડ ચડતી હતી. ખતરીસાના ટોચા તાલબંધી પડતા તે એને ગમતું નહોતું. ખતરીસાને શું કાન હતા? ભજનના શબ્દો એ પકડતો હતો? કેમ કહેવાય? ભજનના શબદ તો આ હતા —

મારું મન મોહ્યું રે શૂરવીર સાધસેં
હાં રે હાં, જેને રુદિયે વસ્યા લાલ ગુંસાઈ
મારા વીરા રે!

હાલો રે ભાવે તમે હુઈ મળો રે.
સાચે દિલે કરોને ઓળખાણું
 મારા વીરા રે!

તોળી કહે,
આંખુંના ઉજાગરા તમે કાં કરો?
નયણે નીરખી નીરખી જુઓ!
મારા વીરા રે!

આંજણુંના આંજ્યા રે ભૂલા કાં ભમો?
હાથમાં દીવો લઈ કાં પડો કૂવે
મારા વીરા રે!
 
તોળી કહે,
કાલર ભૂમિમાં મત વાવીએ
અને ખાતર જોઈ જોઈ પોંખીએ
મારા વીરા રે!

જોત્યુંને અજવાળે દાન રૂડાં દીજીએં,
માણેક નમી નમી લીજે
મારા વીરા રે!

તોળી કહે,
સ્વાંતી નક્ષત્રે મેહુલા વરસિયા
એની નીપજે લેજો ગોતી
મારા વીરા રે

વશિયલને અંગે વખડાં નીપજે
છીપ-મુખ નીપજે સાચાં મોતી
મારા વીરા રે!

તોળી કહે,
સાધુને ઘેર સતગુરુ પ્રોણલા
એની શી શી વગત્યું કીજે?
અંગના ઓશીકાં, દલનાં બેસણાં
પગ ધોઈ પાહોળ લીજે
મારા વીરા રે!

તોળી કહે,
મનના માનેલા મુનિવર જો મળે
દલડાની ગુંજ્યું કીજે;
જાડેજાને ઘરે તોરલ બોલિયાં,
લા'વ તો સવાયો લીજે
મારા વીરા રે!

[અર્થ : મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે જેના રદિયામાં પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર. ઓ મારા વીરાઓ! આવો, ભાવથી સૌ મળો, સાચાં દિલની ઓળખાણ કરો. સત્યની શોધમાં તમે નકામા ઉજાગરા – ઊંડા તત્ત્વાન્વેષણના – શા માટે કરો છો ઓ ભાઈઓ? નયનથી નીરખી તો જુઓ! નેત્રોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં ડૂબો? ઓ બાંધવો! નબળી જમીનમાં બીજ ન વાવતા. સુપાત્રો જોઈ-તપાસીને જ તેનો સત્કાર કરજો. ભક્તિની જ્યોતને અજવાળે જોઈ-સમજીને દાન દેજો. અને માટીમાં વેરાયેલાં માણેકરૂપી માનવ-રત્નો નીચા નમી નમીને વીણી લેજો. સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદે બે વસ્તુઓ નિપજાવી : વશિયલ (વાસુકિ) સાપના મોંમાં પડીને એણે વિષ પેદા કર્યું, છીપને મોંએ ટપકીને એણે મોતી મૂક્યાં : સજ્જનોની હૃદયસીપલીમાં શિયળનાં મોતી સંચરાવ્યાં. ઓ ભાઈ ઓ મારા! જુગતેથી ગોતી. લેજો. બધેય ભક્તિરસની એક જ સરખી નીપજ ન ગણી લેતા. સાધુજનને ઘેરે સદ્ગુરુ પરોણા બને ત્યારે એની શી શી સરભરા કરીએ હે વીરાઓ? આ દેહનાં ઓશીકાં, દિલનાં આસન, અને અતિથિના પગ ધોઈને તેનું ચરણામૃત-પાન. ને ઓ ભાઈઓ! હૈયાની ગુપ્ત વાતો (ગુંજ્યું) કોને કહેવાય? ખરેખરા મનમાન્યા ભક્તજન જડે તેને જ; જેને તેને નહીં. જીવનના સવાયા લહાવ તો એ રીતે જ લેવાય છે વીરાઓ! મારું મન તો શૂરવીર સાધુઓ પર જ મોહ્યું છે.] ત્યાં ભજન પૂરું થયું અને અહીં ખાતર પૂરું દેવાઈ રહ્યું, આખું એક ઢોર સોંસરું નીકળી શકે એવડો મોટો કાપ માટીની ભીંતમાં પડી રહ્યો. અને ખડગવાળો માનવી અંદર પ્રવેશ્યો. એ ઘોડહાર હતી. અંધારામાં હીરા ઝગમગે એવી બે આંખો ચળકી. આંખના અંગાર તાકી રહ્યા. એક જ પશુ: એક ઘોડી : એની લાદની પણ મીઠી સેાડમ વાઈ. એ તે કાઠીની ઘોડી? પરગંધીલું જાનવર: જાનવરને પરાયા નરની બૂરી ઘ્રાણ આવી. ઘોડીએ ફરડકા નાખ્યા. એ જ ઘોડી —

એ જી જેસલ! તોળી રે ઘોડી ને તલવાર
એ . . . જાડેજા હો! તાળી રે ઘોડી ને તલવાર,
ત્રીજી એ તોળાંદે કેરી લોબડી હો જી!

ચોર જે ત્રણ વાનાંની ચોરી કરવા આવ્યો હતો એ જ માંયલું આ એક રત્નઃ પોતાને ને એક કાઠિયાણીનો બોજ ઉપાડીને ગામ ગામના સીમાડા લોપે તેવી અજાજૂડ ઘોડી! કામ પાકી ગયું. પ્રથમ તો એને છોડીને બહાર કાઢી બાંધી દઉં. ચોર નજીક ચાલ્યો. ઘોડીએ ડાબલા પછાડ્યા. ઘોડી હીંહોટા ઉપર હીંહોટા મારવા મંડી. આઘેરે ઓરડે, હરિને ઓરડે, એક દીપક જલતો હતા. બીજદિન અને થાવરવાર(શનિવાર)ની રાતના પાટની અખંડ ઘીની જ્યોતની આસપાસ કૂંડાળે બેઠેલાં ઉપાસકો એક ભજન પૂરું કરીને બીજા ભજનનો આદર કરવા પહેલાં વિરામ લેતા હતાં. “એલા ઘોડી કેમ ફરડકા નાખે છે? કોઈ એરુઝાંઝરું, જીવજંત તો નથી ના? જઈને જુઓ ને!” ઓરડામાં કોઈક બોલ્યું. એક આદમી ઊઠ્યો. ચોરે જાણ્યું કે ભોગ લાગ્યા. સંતાવાનું સ્થાન નહોતું. ઘોડીને માટે ઘાસની પાથરેલી પથારી હતી. પથારીના ઘાસના પોલ નીચે આદમી લાંબો થઈને સૂઈ ગયો.. ઘોડીએ ઝોંટ મારી હતી. કાઠીની ઘેાડીની ગરદનમાં કૌવતનો પાર નહોતો. એકબે ઝોંટે ઘોડીએ પોતાને જ્યાં બાંધી હતી તે ખીલો જ ભોંયમાંથી ઊંચકાવી કાઢ્યો હતો. ખીલો લોઢાનો હતો. માણસે આવીને આજુબાજુ નજર કરી. કોઈ નહોતું. ઘોડી ટાઢી પડતી હતી. એના અંગ પર પંપાળીને માણસે ઘોડીનો ખીલો ફરી વાર ભોંયમાં ધરબ્યો. એક મોટો પથ્થર લઈ ને ખીલા ઉપર ઠોક્યો. ખીલે ઊંડે ઊતરીને જડબેસલાક થઈ ગયો, માણસ ‘હરિને ઓરડે' પાછો ગયો ને ત્યાં બીજું ભજન ઊપડ્યું :

હે વીરા! નર સતિયારા તમે સાચું વોરો જી;
એવાં કૂડ ને કપટ મનનાં મેલો રે!
હે વીરા! મનની માંડવીએ રૂડાં દાન ચુકાવો જી ;
એવા જમને દાણ દઈ પાછા ઠેલો રે!
હે વીરા! વણજુ કરોને વણજારા
મારા વીરાજી!

વીરા, માળાની જપતી વેપારી રે!
હે વીરા, ધરમ તણી તમે ધારણ બાંધો જી;
એવો શેર સવાયો લીજે રે!
હે વીરા, ખમૈયાનો ખડિયો ને લોહની લેખણ રે,
એવાં પુન્યનાં પાનાં ભરીએં જી
હે વીરા૦

હે વીરા, મહાવ્રતીમાં મોટા સંત જી રે
એની પેઢીએ બેસીને પુન કીજિયેં રે જી!
હે વીરા, નિજિયારાં દાન અભિયાગતને દીજિયેં રે
એવા લા’વ સવાયો લીજિયે રે જી!

હે વીરા, એના ધરમે અનેક નર ઓધરિયા જી,
ક્રોડ તેત્રીશ એણી પેરે સીધ્યા રે.
હે વીરા, પાંચ સાત ક્રોડ નવ બારા જી,
મોટા મુનિવરે મહાવ્રત લીધાં જી.

હે વીરા, જ્યોતને અજવાળે દાન રૂડાં દીજિયેં રે
એવી સફળ કમાયું કીજે રે,
હે વીરા, જાડેજાને ઘેરે સતી તોળલદે બોલિયાં રે,
આપણે લા'વ સવાયો લીજિયે રે.

એક નારી ગવરાવે છે, ને અનેક નરનારીઓનું મંડળ ઝીલે છે. ગવરાવનારું ગળું જ્યોતમાં પણ જાણે પોતાના સૂરનું ઘી સીંચી રહ્યું છે. આંતરે ને આંતરે એના બોલ પડે છે — હે વીરા મારા! એ બોલ પાણીની ધાર સરીખા પડે છે. સાંભળનાર પુરુષોનાં કલેજાં ધોવાઈને પાવન થઈ રહ્યાં છે. નર તમામ વીરા છે નારીના : ને નારીનું સનાતન સગપણ જાણે કે પુરુષની મોટેરી બહેનનું છે : બહેનના બોલ ભાઈઓને ચેતાવે છે. કેવા ચિત-ચેતાવણ શબ્દો! — [અર્થ : ઓ ભાઈઓ મારા, સંસારમાં આતમ-ધનનું ઉપાર્જન કરનારા તમે ચતુર વેપારી બનજો. વણજનો સાચો વ્યવહાર ચૂકશો મા. નફો રળજો, પણ સવાયા જ: નહીં ઝાઝેરા કે નહીં ખોટના વેપાર. સાચા ઈમાનથી વસ્તુઓ ખરીદજો. નામાં તમારે આતમ-ચોપડે સાચાં માંડજો. ક્ષમાનો ખડિયો ને લોખંડી મનોબળની લેખણ કરજો. પુન્યને પાને હિસાબ નેંધજો. તમારી કમાઈઓને સફળ કરજો.] ઘોડીની ઘાસ-પથારી નીચે લપાયેલો તસ્કર આ શબ્દો સાંભળતો હશે? સમજતો હશે? નહીં, નહીં, એની સુરતા તો બીજી જ વાતમાં લાગી રહી છે, એનું શરીર બીજી જ સમાધિમાં સ્થિર બની રહ્યું છે. એ હલતો કે ચલતો નથી. એને જાણે કોઈ ભયાનક સંકલ્પે જકડી લીધો છે. એનાં રોમે રોમ કોઈ વેદનાથી વીંધાઈ ગયા છે. કાયા કપાઈ રહી છે. પણ કાયા બાપડી શી વિસાતમાં છે? —

એ જી જેસલ!
તોળી રે ઘોડી ને તલવાર
ત્રીજી તોળાંદે કેરી લોબડી હો જી.

ત્રણેને ઉપાડી ક્યારે ઘોડી પલાણું? લઈને ગયા વગર કેમ રહું? અંજાર શહેરમાં ભોજાઈ મેણાં બોલી છે: કચ્છની વસ્તીને સંતાપછ તે જાને સેરઠના મૂછાળા સાંસતિયા કાઠીને ઘેરે! પાંઉપાટણ ગામના એ પ્રભુભક્તને ઘેરે તોળી કાઠિયાણી છે. તોળી નામની ઘોડી છેઃ કાઠીની તલવાર પણ ટીંગાતી હશે પરસાળમાં. જબરો છો તો જા પહોંચને! પણ કાઠીની તરવાર્થી ચેતજે, જાડેજા! કાઠીની તરવાર! જોઈ લેજે ભાભી! એને પણ ઉપાડી લાવું. એની બાયડીનેય લઈ આવું. એની ઘેાડીનેય પલાણી લાવું. કાઠીનાં ત્રણેય નાક કાપી ન લઉં તે હું જાડેજો જેસલ નહીં. હરિને એારડે જ્યોત ને થાળ પધરાવાયો. ત્યાં મૂર્તિ નહોતી. ન કોઈ દેવની, કે ન ઈશ્વરની : હતી એકલી જ્યોત. જ્યોતનો પૂજક એ મહાપંથ ‘મોટો પંથ' હતો. પ્રત્યેક નર પોતાની નારીને ભેળી લઈ આવતો. એકલાને પ્રવેશ નહોતો. અતિહણાયેલા ને આજે તો સડી ગયેલા એ ‘મોટા પંથ'ની એક વાર આ બધી ખૂબીઓ હતી. કોળીપાવળ (પ્રસાદ) વહેંચાયો. તમામને કોળિયો પહોંચી ગયો? કોઈ બાકી? ના ભાઈ હવે કોઈ બાકી નથી રહ્યું. કોઈ નહીં. "અરે હશે હશે એકાદ જણ” કોળીપાવળ વહેંચનારે મક્કમપણે કહ્યું, “આંહીં થાળમાં એક જણનો કોળિયો હજી વધે છે.” “તપાસી વળો.” માણસો તપાસ કરે છે. આખા વાસમાં એકેય માનવી નથી. અરે પણ આ ઘોડી હજી કાં જંપતી નથી? આ ફરડકા ને હીંહોટા શાના? કોઈ ચોર તો છુપાયો નથી ના? માણસો મશાલો લઈ લઈને દોડ્યા, ઘોડાહેરની અંદર આ ભીનું શું છે? આ રેલા શેના ચાલ્યા જાય છે? ગરમ ગરમ આ પાણી ક્યાંથી? પાણી નથી, આ તો લોહી લાગે છે. આ શી નવાઈ! ઘાસ-પથારી ફેંદી નાખી. જુએ છે તો નીચે એક આદમી સૂતો છે. વિકરાળ આદમીઃ એનો એક પંજો ઘોડાના લોઢાના ખીલાની નીચે છે : ખીલો પંજા સોંસરો ભોંયમાં ખૂત્યો છે. એ પંજામાંથી લોહીનું પરનાળું ચાલ્યું જાય છે તોય એ પંજાનો ધણી તસ્કર નથી હલતો કે નથી ચલતો. એની આંખો ચળક ચળક સૌને નીરખી રહી. ખીલો ખેંચી કાઢ્યો. માનવી ઊભો થયો. ભક્તજનો જોઈ રહ્યા. આ કોણ બેમાથાળો? ચૂંકારોય કાં કરતો નથી? ભગત સાંસતિયા! સતી તોળલદે! આવો આવો, કોક અતિથિ છે. કાઠી અને કાઠિયાણી કશીય ઉતાવળ કર્યા વગર શાંત પગલે આવીને ઊભાં રહ્યાં. અજાણ્યો આદમી બોલ્યાચાલ્યા વિના ઊભો છે. એની નજર કાઠિયાણી પર ઠરી છે. આ તોળી! આ પોતે જ કાઠિયાણી! આવડાં બધાં રૂપ! રૂપ માતાં નથી. રાત્રિનો ત્રીજો પહોર આ રૂપને ઝીલવા નાનો પડે છે. "કોણ છો નારાયણ?” સાંસતિયે પ્રશ્ન કર્યો. "રાજપૂત.” "નામ? ધરા?" "કચ્છ ધરા, ને નામ જેસલ જાડેજો.” "જેસલ જાડેજો!" નામ સાંભળીને સૌએ એકબીજાની સામે જોયું. સો સો ગાઉને સીમાડે જેનું નામ પડ્યે લીલાં ઝાડવાંય સળગી ઊઠે છે તે જ આ અંજાર શહેરનો કાળ-ડાકુ જેસલ! જગનો ચોરટો જેસલ! "કેમ આવેલા?" "ચોરી કરવા.” "શેની ચોરી?” "ત્રણ વાનાંની.” “ગણાવશો?" “સાંસતિયા! કાઠીની અસ્તરી તોળી, એની ઘોડી અને એની તરવાર.” "હાથે આ શું થયું?” "સંતાણો, તમારા જણે ઘોડીનો ખીલો ધરબ્યો. નીચે મારો પંજો જરા આવી ગયો.” “તોય તમે બોલ્યા નહીં? સળવળ્યા નહીં?" "નહીં, હું ચોર છું.” સાંસતિયાએ તોળલદેની સામે નજર કરી. નજરે નજર વચ્ચે વાતો થઈ ગઈ. વાત બે જ જણાં સમજ્યાં. જુઓ છો સતી? ચોરની એના કસબ સાથેની તલ્લીનતા જોઈ? આવા ટેકીલા આદમી કેટલાક દીઠા? હજારુંમાં એક? ના, ના, લાખુંમાંય એક ગોતે જડે નહીં. આવા વજ્રદિલવાળાની સુરતા પોતાનું નિશાને બદલે તો? હરિને માર્ગે ચડે તો? તો કાંઈ મણા રહે ખરી? તો આભે નિસરણી માંડે ને? જેસલ જાડેજો: કચ્છ ધરાનો કાળભૈરવ : હત્યાઓનો કરનારો : ગાભણીના ગાભ વછૂટી પડે એવી જેની દયાહીન હાક : જેસલનો રાહ પલટે, તો લાખ માનવીની દુવા જડેઃ જેસલનું નિશાન તકાય, તો પ્રભુનેય પૃથ્વી પર પડવું જોઈએ. “આને કોણ પલટાવે?” તોળલે કંથને કહ્યું. "શૂરાને કોણ બીજું પલટાવે? સતી હોય તે.” તોળલ પતિના બોલનો મર્મ પામી ગઈ. કાઠીએ ફરીથી કહ્યું : "સતી, જેસલજી તમને તેડું કરવા આવ્યા. તમારે વાસ્તે એણે આટલો બધો દાખડો કર્યો. ને આજ તો બીજની રાત છે. આજ જ્યોતની રાત છે. આજે અભિયાગત ખાલી હાથે પાછો કેમ વળશે સતી? અરે, કોઈ મારી તરવાર લાવો.” જેસલને ખાતરી થઈ ચૂકી. આ પહાડની ટૂંક સરખો કાઠી તરવાર મગાવે છે. હમણાં મારા કટકા કરશે. “લ્યો જેસલ જાડેજા.” સાંસતિયે જેસલની નજીક જઈને તરવારનો પટો એને ખભે લટકાવી દીધો અને કહ્યું : "લ્યો નારાણ! મારે તો આ હવે ખપની નથી રહી, પડી પડી કાટ ખાય છે. તમારી પાસે હશે તો જળવાશે. અને ઘોડી જોતી'તી તો આવીને માગવી નો’તી? બહુ મહેનત લીધી બાપ! એલા કોઈ ઘેાડીને માથે પલાણ માંડો. ને સતી! જાવ, જાડેજા જેસલજી રોટલે-પાણીએ દુખી હશે. એની સાચવણ રાખજો. ને બેય જણાંને દિલ થાય તે દી પાછાં ચેતનાં ભજન ગાવા ચાલ્યાં આવજો.” "ને જેસલ જાડેજા!” સાંસતિયો જેસલ પ્રત્યે ફર્યો : “એટલું એક ન ભૂલજો કે આંહીં ઠાકરના પ્રસાદમાં તમારા ભાગનો કોળિયો વધી પડ્યો હતો. લ્યો આરોગતા જાવ!"