પુરાતન જ્યોત/૨. દત્તાત્રેયનો મેળાપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨. દત્તાત્રેયનો મેળાપ

અઢારમો સૈકો ચાલતો હતો. કચ્છ જેવી પાણિયાળી ધરા હતી. માથાનાં ફરેલ માનવીઓને જન્મ દેતી એ કચ્છ-ધરાએ ખોંભડી ગામના હટી રજપૂત હળધ્રોળજીને ઘેર પવાંબાઈ રજપૂતાણીની કૂખે બે દીકરા જન્માવ્યા. એક પતોજી, ને બીજો મેકોજી. પતોજીની બેઠક બાલ્યાવસ્થાથી જ જ્યાં ઈસ્લામના ભાવથી ભરેલી સુંદર બેત ને કાફીઓ ગાનારા દાયરા ભરાતા તેની વચ્ચે હતી ને મેકોજી હિંદુ ધર્મની હવામાં ઊછર્યો ને રંગાયો. ઘર છોડીને ક્યારે એ નીકળ્યો, ગુરુ ગાંગોજી કોણ હતા ને ક્યાં મળ્યા, તેનો કોઈ પત્તો નથી. કચ્છ, પારકર અને ઠઠા તેમ જ થર નામે ઓળખાતા પ્રદેશની ઈષ્ટદેવી ગણાતી આશાપરાનો પંજો એને મળ્યો હતો એટલું જ એનાં ભજનોમાંથી તારવી શકાય છે. હિંગળાજનો મઠ કચ્છ ને સિંધની વચ્ચે આવ્યો છે. એ દેવીને આજે પૂજા બેની જ ચડે છે: એક કાપડી પંથના સાધુઓની, ને બીજી કુંવારકાની. હિંગળાજને પહેલા થાપા મેકોજી નામના બાળ-જોગીએ ચોડ્યા કહેવાય છે. એક દિવસ ગિરનારના કબજેદાર ગણાતા જોગીસમૂહમાં જાણ થઈ કે આપણા પહાડની છાયાભોમમાં, સરભંગ ઋષિનો જે ઠેકાણે આશ્રમ હોવાનું કહેવાય છે, એ જ ઠેકાણે એક અજાણ્યા જુવાને ધૂણો ચેતાવ્યો છે. નથી એ કોઈ મંદિરમાં જતો, નથી એ એકેય દેવની મૂર્તિ રાખતો, નથી કોઈ ધર્મકિયા કરતો. એ બેમાથાળો કોણ છે?

ધૂણો નાખ્યો ધરાર
આંબલિયું મોઝાર;
તરસૂળ ત્રણ પાંખાળ
ખોડે ડાડો મેકરણ.

દત્ત ગરનારીની જમાતે પોતાના ગરાસ જેવી ગણેલી આ ગરવા ફરતી પૃથ્વીમાં રજા સિવાય એ કોણ દાખલ થયો છે? ગુરુ દત્તની પાસે ફરિયાદ થઈ. ગામડે ગામડે આ દત્તાત્રેયનો ધોકો ફરતો. એ ધોકાની નિશાની ન ધરાવનારી ઝોળીમાં કોઈ ભિક્ષા નાખતું નહોતું. દત્તની સ્થાપેલી શિસ્ત સડી અને કડક હતી. દત્તે તો પોતાની જમાત માટે કપરી તાવણ ઠરાવી હતી. દત્તના ચેલાઓ દિગમ્બરો રહેતા, તપોધનો હતા, ગુફાવાસીઓ હતા. ચલમ અને સાફી એ આ જમાતના સંગઠનનું પ્રતીક હતું. ન્યારા ન્યારા પંથ ચલાવનારાઓને દત્ત ડારતા હતા. ભેખની ભવ્યતા ગુરુ દત્તે સાધી છે તેટલી કો વિરલાએ જ સાધી હશે. એવા દત્તના ધોકાને પોતાના ધૂણા પર રોકી રાખનાર આ જુવાન કોણ હતો? દત્તની ચાખડીઓએ ગિરનારના પથ્થરો ગુંજાવ્યા. દત્ત નીચે ઊતર્યાં ને ત્યાં ગયા, જ્યાં ગિરનારથી આઠેક ગાઉ પરની પુરાણપુરાણી જગ્યાનો ઉજજડ વેરાન ટીંબો નવેસર ચેતાવતો મેકણ નામનો જુવાન બેઠો હતો. દત્તે મિલન-બોલ પુકાર્યો :

સત સ ર ભં ગ!
લોહીમાંસકા એક રંગ!

જવાબ જડ્યો : “જી નામ!” આ જવાબમાં અજાણ્યો શબ્દ સાંભળીને ગુરુ દત્ત નવાઈ પામ્યા. એણે પ્રશ્ન કર્યો:

દત્ત પૂછે ડીગંબર!
તું જોગી કે જડાધાર?
કળાસંપૂરણ કાપડી,
તારો આગે કુણ અવતાર?

“તું કોણ છો હે દિગમ્બર? તું આટલો તેજસ્વી ક્યાંથી? તારાં આ રૂપ ક્યાંનાં? તું યોગી છે? કે સાક્ષાત્ શંકર છે? તારો પૂર્વાવતાર કયો?" જવાબમાં એ નવસ્ત્રો જુવાન આટલું જ બોલ્યો :

દાતા મેરે દતાતરી!
મેકો મંગણહાર.

"હે ગિરનારી! હું મેકો તો તારી પાસે માગણહાર બનીને આવ્યો છું.”

ને હું બીજો કોઈ નથી :

 
મેં સંગાથી રામકા,
ઓરનકા કુલ નાંઈ;
ખટ દરસનમાં ફરન્તાં
દરસન મળિયાં આંઈ.

"હે ગુરુ, છ દર્શનોનું ભણતર ભણ્યો છું. તે પછી જ તમારાં ગેબી દર્શન જડ્યાં છે.” “શું માગે છે તું? “સાચો જીવન-પંથ. સાચો ધર્મ.” "માગતા પહેલાં શી શી તૈયારીઓ કરી છે જુવાન?” "ગિરનારને બાર વર્ષ પરકમ્મા દીધી છે. બાર વર્ષ કંદમૂળ જમીને ઝરણાંનાં પાણી પીધાં છે. તમારા કાયદાનું પાલન કરી ચૂક્યો છું.” "ચોર બનીને કેમ આવ્યો?” "શાહુકાર બનીને આવ્યો હોત તો તમારી પાસે પહોંચવાય દેત કે તમારા ચેલા?” “કઈ ધરતીનો બેટો છે તું?” “કચ્છ-ધરાનો.” "જા ત્યારે, જન્મ દીધો છે જે ધરતીએ, એને જ ચરણે ચાકરી ધરી દે. તેનાં ભૂખ્યાંની ભાળ લે. ત્યાં જઈ ધૂણો ચેતાવ. સકળ ધર્મનો સાર એ એક જ ધર્મ છે. બીજી બધી સાંપ્રદાયિક ઈન્દ્રજાળ છે.” "આદેશ આપો. નિશાની આપો. જગતને ધૂતનારા ફરે છે તેની વચ્ચે મને કોણ ઓળખાવશે?" “ઓળખાવશે તો તારી કરણ જ એકલી. પણ લે આ બે તુંબડાં. ખંભે કાવડ ઉપાડ, ને દેહ તૂટી ન પડે ત્યાં સુધી ફેરવ.” કાવડનું સેવાચિહ્ન આ પ્રમાણે સૌ પહેલું મેકરણને સોંપાયું. સોંપ્યું ગુરુ દત્તાત્રેયે.