પ્રતિમાઓ/મવાલી
આગગાડીનો વેગ ધીમો પડ્યો. સેંટ્રલ જેલની અજગર સરખી લાંબી કાળી દીવાલ દેખાવા લાગી. એક ડબામાં ગુલતાન કરતો એક જુવાન હતો. એનો હાથ જો એક પોલીસના હાથ જોડે હાથકડીમાં ન બંધાયેલો હોત તો કોઈ એને કેદી ન માની શકત. એને વીંટળાઈને બેઠેલા ચાર-પાંચ દોસ્તો એની પીઠ થાબડતા હતા. કોઈ એને કલેજે હાથ દેતો હતો. કોઈ એના માથા પર હાથ ફેરવતો હતો. ‘ખરો બહાદુર!' ‘વીર પુરુષ' ‘કોમને ખાતર!' એવા ધ્વનિ દોસ્તોનાં મોંમાંથી ઊઠતા હતા. “આ જેલની અંદર તારે માટે હું મહેલ ખડો કરી દઈશ, દોસ્ત!” મિત્રો માંહેલો મુખ્ય આદમી કેદીને હિંમત દેતો હતો: “જેલવાલા તો સાલા કુત્તા છે કુત્તા! એનાં મોઢાં તો હું ફાટફાટ ભરી દઈશ. મારા તમામ પૈસા તારા પર કુરબાન છે, દોસ્ત! તારી શહીદીથી તો કોમ તાજુબ થઈ ગઈ છે." કેદીના ચહેરા પર આ સાંભળીને ચમક ઊપડતી હતી. એણે શહીદી કરી હતી - પોતાની સામી કોમના એક રાજદ્વારી અગ્રેસર ઉપર, ચૂંટણીને આગલે દિવસે છૂરીથી હુમલો કરવાની. એની સાથે આવનાર આ પૈસાદાર ‘દોસ્ત' કોમી રાજદ્વારી પક્ષનો નામચીન આગેવાન હતો. "અને દોસ્ત, તું જોજે તો ખરો!” એણે વધુ હિંમત આપીઃ “ઠેઠ ધારાસભા સુધી પૈસા પાથરીને તારી સજા રદ કરાવીશ હું.” સ્ટેશન આવ્યું. આ મહાન શહીદના માનમાં વાવટા ફરકાવતાં લોકોનાં ટોળાં ઊતરી પડ્યાં. ‘કોમી વીરની જય!' ‘જય!' ‘જય!' એ ધ્વનિ કેદખાનાના ગઢની છાતી પર પછડાયા. શહીદની તસવીરો લેતા લેતા અનેક કૅમેરાની ચાંપો ખખડી રહી. અનેક સોનેરી પોથીઓનાં પાનાં ‘શહીદ'ના હસ્તાક્ષરો ઝીલવા માટે એની સન્મુખ ખુલ્લાં થયાં. છાપાંવાળાની ફાઉન્ટન-પેનો એના સંદેશા લેવા તલપી રહી. શહીદ એ સહુને સંતોષવા યત્ન કરતો હતો. વારંવાર સલામો ઝીલવા માટે ઊંચો થતો એનો હાથ, પોતાની સાથે હાથકડીની અંદર જકડાયેલા પેલા પોલીસના હાથને પણ પરાણે ઊંચો કરતો હતો. જેલના દરવાજાએ જડબાં ફાડ્યાં. ‘કોમની જ્ય! કોમની જય!' બોલતો કેદી અંદર ચાલ્યો. 'ફિકર ન કરજે' એ શબ્દો સાથે શાહુકાર અગ્રેસરે એની સામે આંખમિચકારા કર્યા. "મારી-મારી-મારી ઓરતને સમાલજો!” કેદીએ લહેરથી હાથની ઇશારત કરી પીઠ ફેરવી દમામભેર એ અંદરના બીજા ફાટકમાં દાખલ થયો. ફાટક બિડાયું. હજુ એને કાને ‘શહીદ! શહીદ! શહીદ!' એ ઘોષ ગુંજતા હતા.
“સાહેબજી, વૉર્ડન સાબ, સાહેબજી!” કહેતો એ શ્રીમંત આગેવાન જેલ-ઉપરીની ઑફિસમાં પેઠો. ઉપરીએ સહેજ સ્મિત કરીને એની સાથે હાથ મિલાવ્યા. ખાસ કંઈ ગાઢ પરિચય ન બતાવ્યો. “કેમ, છો તો મજામાં ને? હવે તો આપણી કોમનું જૂથ ધારાસભામાં જોર પર આવી ગયું છે, યાર! અમારા મિ.... વગેરેએ જેલના કારોબારની ખૂબ તરફદારી કરવા માંડી છે; છાપાં વાંચો છો ને?” “ના જી, હું બહુ વાંચતો નથી. વારુ, બીજું કંઈ?" જેલના વૉર્ડને ટૂંકામાં પતાવવા માગ્યું. “ના, ખાસ તો કંઈ નહીં, હું તો આપણા એક બિરાદરને અહીં સુધી વળાવવા આવ્યો હતો. આ હમણાં તમે જોયો ને વાવટા સરઘસ વગેરે દબદબો? એ આપણી કોમી શહીદ છે. બડો નામાંકિત જુવાન છે. સામા પક્ષની લાગવગથી ટિપાઈ ગયો છે. એની સંભાળ રાખશો ને? મહેનત-મજૂરી ન કરાવતા, સમજ્યા કે?" "અહીં આવો.” વૉર્ડને નવા આવનાર કેદીની સાથે શહેરમાંથી મોકલાયેલો રિપોર્ટ ઉખેળીને કહ્યું: “જુઓ, આમાં શું લખાઈ આવ્યું છે તે સાંભળો! કેદીએ કાચી જેલમાં જેલરને માર્યો. અદાલતમાં માજીસ્ટ્રેટ પર સોડાની બાટલી ફેંકી. સબ-જેલમાં સંત્રી ઉપર જોડાનો ઘા કર્યો. એને સાત વરસની સખત ટીપ છે. માજીસ્ટ્રેટે કડક ચેતવણી લખી છે. છતાં તમે કહો છો કે એને મારે મુલાયમ રખાવટ આપવી?" "અરે, મારા યાર!” કોમનો આગેવાન હસી પડ્યો: “માજીસ્ટ્રેટ તો બધું લખે. અહીં જેલની અંદર કોણ જોવા બેઠું છે! તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ! તમારે પણ, યાર, બેઉ બાજુ પીઠ થોડી છે? એક બાજુ પીઠ છે, બીજી બાજુ પેટ છે; પેટ તો સહુને પૂરવાનું જ છે ને!” બોલતાં બોલતાં એણે સો-સો રૂપિયાની પાંચ નોટો વૉર્ડનના ટેબલ પર ધરી દીધી, ને ઉમેર્યું: “આજકાલ સમય બહુ બારીક છે, વૉર્ડન સાહેબ! સમય બહુ બારીક છે, હેં-હેં-હેં-હેં!” “હેં-હેં-હેં-હેં" જેલનો વોર્ડન પણ હસવા લાગ્યો. પાંચસો રૂપિયાની નોટો વૉર્ડનના જમણા હાથમાંથી ડાબા હાથમાં ચાલી ગઈ. એને ડાબે પડખે, શિયાળાની ઠંડી હોવાથી, એક સગડી બળતી હતી. એ સગડીના તાપ તરફ એનો ડાબો હાથ લાંબો થયો. ‘હેં-હેં-હેં-હેં' એણે ફરીથી હાસ્ય કર્યું અને સગડીના અગ્નિમાંથી છલંગ મારીને જવાલાએ પાંચેય નોટોને પોતાની જીભમાં પકડી. ‘હેં-હેં-હેં-હેં' વૉર્ડને હાસ્ય કર્યું. એ હાસ્યમાંથી પણ જવાલાઓ ઊઠી. એ જવાલાઓએ સામે ઊભેલ કોમી અગ્રેસરના હાસ્યને ખાક કરી નાખ્યું. એણે ચમકીને પૂછ્યું: “અરે, અરે, વોર્ડન, આ શું કરો છો?" "શું કરું છું!” વૉર્ડનના પહોળા મોં પર સખત કરચલીઓ વળી ગઈ. “મને, મારી નેકીને, ખરીદવા આવ્યા છો? જેલની દીવાલોની અંદર કોઈ આંખો જોતી નથી, માટે મારા આત્માની આંખને પણ ફોડી નાખવા આવ્યા છો? તમે રાજદ્વારી કોમી લડાઈઓના કાળા પડછાયા અહીં પણ પાડવા માગો છો?” “એટલે?” “એટલે! ન સમજ્યા? તો સમજો, કે અહીં રંક કે રાય, શહીદ કે ચોર, આગેવાન કે અદના ઈન્સાન, સહુ સરખા છે. સહુને નિયમમાં રહેવાનું છે, સહુને એના વર્તાવ મુજબ રાહત કે સખતાઈ મળશે. જ્યાદે કે કમી કોઈને નહીં મળે, સમજ્યા?” “સમજ્યો.” આગેવાને દાંત પીસ્યાઃ “પસ્તાશો. બુઢ્ઢા થયા છો.” “બુઢ્ઢો થયો છું માટે જ માર્ગ બદલવા નથી માગતો. પસ્તાઈશ તો માલિકની વધુ નજીક આવીશ. જાઓ.” “હું કોણ –” “તે મને ખબર પડી ગઈ છે. પધારો.” કોમી આગેવાનને વિદાય દેતું બારણું પણ અફળાઈને જાણે કે બોલ્યું: ‘જાઓ.’
નવા કેદીઓ કપડાં બદલતાં હતા. જેલ-કપડાંની પોતાને મળેલી જોડને શરીર પર સરખી કરવા મથતો એ જુવાન વિચારમાં પડ્યો હતો, કે આવાં કોથળા જેવાં કૂડતું-પાયજામો પોતાને શા ઈરાદાથી આપવામાં આવેલ હશે! પોતાના જેવા બે જુવાનો સમાઈ જાય એવાં એ પહોળાં હતાં. પોતાના પાતળા સોટા સરખા બદનની આવી બેહાલી એણે જિંદગીમાં પહેલી જ વાર દેખી. “એ હેઈ! એ સિપાઈ” એણે પાસે ઊભેલા જેલ-વોર્ડરને બોલાવ્યો. ફરી વાર બૂમ પાડી, ફરીફરી સાદ પાડ્યા છતાં જેલ-વૉર્ડરે ધ્યાન ન આપ્યું એટલે એણે વોર્ડરનો ખભો પકડીને પોતાના તરફ ફેરવ્યો. કહ્યું: “આમ નિગાહ તો કર. આવા કોથળા શું મારે પહેરવાના છે? હું કોણ છું એ તને હજુ ખબર નથી? તને વૉર્ડને હજુ કંઈ કહ્યું જ નથી, કુત્તા!” પલકમાં તો એની અને વૉર્ડરની વચ્ચે ખૂનખાર ટપાટપી લાગી પડી. લઠ્ઠ શરીરવાળા એ પશુતુલ્ય જુવાને પોતાની શહીદીની ખુમારીમાં વૉર્ડરને પીટ્યો. કપડાં ફગાવી દીધાં. રમખાણ મચાવ્યું. પરિણામે એને કોટડીમાં પૂરી દેવામાં આવ્યો. એનો ખટલો કરવા આવનાર જેલરને વોર્ડને ઠંડા મિજાજે હસીને કહ્યું: “કંઈ જરૂર નથી. એને કપડાં ન પહેરવાં હોય તો ન પહેરે. એને સવારે કામ પર લઈ જજો – ત્યાં –” વૉર્ડનનો આંખ-ઇશારો જેલરે સમજી લીધો. તે બીજે દિવસે બગબગાની કલેજા ચીરતી ઠંડી પવન-સુસવાટીમાં એ જુવાને પોતાની કોટડીમાંથી એક હજાર કેદીઓની કૂચકદમ દીઠી. એક હજાર મનુષ્યોઃ શરીર પર અક્કેક ફૂડતું ને પાયજામોઃ છાતી પર પતરાનાં ચકચકિત ચગદાં: ચગદા ઉપર કોતરેલા સજાના આંકડાઓ: પંદર વરસ, પચીસ વરસ, ત્રીસ વરસ, ચાલીસ વરસ, પચાસ, એંશી... ચગદાં, બસ ચગદાં! ચકચકાટ કરતાં ચગદાં જાણે ચાલ્યાં જાય છેઃ જીવતાં માનવીઓ જાણે કાળા ઓળાયા જ બની જાય છે. અને નાના નિર્જીવ ચગદાંની એક પ્રેતસૃષ્ટિ સજીવન થાય છે. કાળાં કૃત્યો, કાળી વેદના, અંધારી એકલતા, આશાહીન જીવન, જીવતાં કફન. જીવતી કબરો: એક હજાર ઈન્સાનનાં મુડદાં જાણે કે ચગદાં સાથે જકડાઈને ચાલ્યાં જાય છે. દુનિયાની માયામમતાથી રદબાતલ એક હજાર મનુષ્યોની મુખમુદ્રાઓને માંજવા માટે કારાગૃહમાં માટી નથી. લાલ મિટ્ટી અને ખાટી આંબલી ત્યાં ફક્ત ચગદાને ઊટકવા માટે જ મળે છે. ફક્ત ચગદાને ચકચકિત રાખવાનાં ઇનામો મળે, છે. ચગદાં જ ત્યાં જીવે છે. માનવી ત્યાં પડછાયો માત્ર છે. એક હજાર ચગદાં જાણે કડકડતી ટાઢમાં થરથરી રહેલ છે. પાંચ વરસ, દસ વરસ, પંદર-વીસ, પચીસ, એમ સરેરાશ વીસની સજા: જીવતી ઈન્સાનિયતનાં વીસ હજાર વરસો ત્યાં પુરાયાં છે. ધ્રૂજે છે! ખણીંગ, ખણીંગ, ખણીંગ, અવાજે હાથકડીઓ ને પગબેડીઓના ઝંકાર દેતાં ત્યાં ચાલ્યાં જાય છે – માનવજીવનનાં વીસ હજાર વર્ષો થર થર કાંપે છે. ઓરતની ગોદને અને બચ્ચાંની હૂંફને યાદ કરે છે, પ્રભાતની ગુલાબી સગડીને કલ્પનામાં શોધે છે. એક હજાર મોંના ધ્રૂજતા દાંતમાંથી ડાકલી વાગે છે. કોટડીના બારણા પર આવીને દરોગાએ કહ્યું: “કાં જુવાન, તારે માટે વૉર્ડન સાહેબે છૂટી આપી છે. જેલ-કપડાં પહેરવાનું તને ફરજિયાત નથી.” “એમ છે?” જુવાનનો સીનો ટટ્ટાર થયો: “એમ ત્યારે. હવે તો મારી પિછાન પડી ને!” “હા, ચાલો હવે બહાર.” "બેશક, ચાલો." એક હજારની કૂચકદમમાં એણે પણ પગના તાલ મિલાવ્યા. ઉઘાડે શરીરે એ છાતી પહોળાવતો ચાલ્યો. વીસ હજાર વર્ષોની જોડે એનાં સાત વર્ષો પણ શામિલ બન્યાં. સૂસવતાં ઠંડા પવનને એની છલકતી છાતી હુંકાર દેતી હતી. "તમારે આ બાજુ જવાનું છે." કહીને દરોગાએ એને એકલાને આખી ફાઇલથી છૂટો પાડ્યો. એક મકાનના બારણા તરફ વાળ્યો. મકાન ઉપરના પાટિયા પર લખેલું હતું: બરફનું કારખાનું. બારણામાં પેસતાં જ એની જુવાની કાંપી ઊઠી ખુલ્લા શરીરે શિયાળાની કડકડતી ટાઢમાં બરફના કારખાનાની અંદર! એક, બે કે ત્રણ દિવસનાં એવાં પરોડિયાં ગયાં. ત્રીજી સંધ્યાએ પોતાની સુરંગમાં એ ભાંગી ભુક્કો થઈ બેઠો હતો. જુવાની થીજી ગઈ હતી. એ વિચારતો હતો. આ શું થઈ ગયું? મને અહીં મોકલનારા ક્યાં ગયા? મારા વિજયધ્વજો, મારી શહીદીના જયધ્વનિ, મારી વીરતાની તસવીરો, મારા હસ્તાક્ષરો પર અવાળા પડનારા કોમી લોકો, મને જેલમાં મહેલનો અયશઆરામ અપાવવાના બોલકોલ, બધાં ક્યાં ગેબ થઈ ગયાં? મેં કોઈકની શીખવણીથી છૂરી ચલાવી, તે કોના સારુ? હું અહીં એક મોટો માણસ થઈને આવ્યો, અને આખરે એક હજારમાં જ ખપ્યો. આ બરબાદી કોણે કરી? મનમાંથી જવાબ જડ્યોઃ પોતે કોઈક ફાંસલામાં ફસાયો હતો. પોતે એક મવાલી જ હતોઃ વધું કંઈ જ નહીં. ઘડીભર એને વિચાર થઈ આવ્યો કે હવે તો જેલ-કપડાંની જોડ માગી લઉં. પરંતુ હવે તો એ વાતમાં એને પોતાની મવાલી તરીકેની મરદાનગીનું પણ અપમાન લાગ્યું. ઉઘાડું શરીર હંમેશની કરડાઈ ધરી રાખીને બરફની કોટડીમાં મુકરર કામ કરતું જ રહ્યું. દરોગાનો ટુંકારો મળવાની તો ધાસ્તી જ નહોતી. એની છેડતી કરવા કોઈ તૈયાર નહોતો. પણ આપેલું કામ ચોક્કસ કલાકે ઉકેલી મૂકવું એ એણે પોતાના નોકની વાત સમજી લીધી. દરોગાએ એનો મદ ઉતારવા માટે વધુમાં વધુ બોજો એના પર લાદી લીધો. પણ, મવાલી જુવાનનાં અંગ ટુકડે ટુકડા થઈને એ તમામ બોજાને પહોંચી વળ્યા. એની આંખોના ખૂણાની લાલી તો હમેશાં ઘોળાતી જ રહી. એણે દરોગાઓને સંભળાવી દીધું હતું. ‘ચૂપચાપ કામ લિયા કરો. જબાન મત ચલાના. નહિતર જબાન ખીંચ લૂંગા.’ થોડા દિવસમાં જ દરોગાઓ દંગ થઈ ગયા. જુવાનને તેઓએ શરીર પર બંધબેસતાં ગરમ કપડાં આપ્યાં. બેપરવાઈથી જુવાને એ પહેરી લીધાં. એને જોડા સીવવાના કારખાનામાં લેવામાં આવ્યો.
"પણ આ શું? માડી રે, તમારા મોં ઉપર આ કાળી દાઝ્યો કાં પડી ગઈ છે?" “કંઈ નથી કંઈ. તું આટલી બધી કેમ સુકાઈ ગઈ એ તો કહે." એની ઓરત એની મુલાકાતે આવી હતી. બેઉ એકબીજાના ગાલો ઉપર હાથ ફેરવતાં હતાં. “તમને અહીં ખાવાપીવાનું કેમ છે? કામ-બામ તો કરાવતા નથી ને?" “ના રે ના, મને શું કામ કરાવે?” "હા, એ તો હું જાણું કે – શેઠે આંહીંવાળાને બરાબર ભલામણ કરી છે. એ તો મને કહે કે ભાભી, મારા ભાઈને તો જેલમાં દોમદોમ સાયબી છે.” "હં!!!" મવાલીએ પોતાના ખુન્નસના અંગાર ઉપર હાસ્યની રાખ દાબી દીધી. ઓરતના મોં ઉપર એ પોતાના ગાલ ચાંપતો રહ્યો. "શેઠ તો મારી બહુ જ ખબર રાખે છે હો! પૈસાટકા આપી જાય છે. મને કહેતા હતા કે ભાભી, મારા ભાઈને છોડાવવા હું આકાશપાતાળ એક કરી રહેલ છું.” “સાચું." બીજી બાજુ જોઈને જુવાને પોતાના હોઠ કરડ્યા. એણે સ્ત્રીને કહ્યું: “પણ તું આજ શનિવારે શા માટે આવી?” “કેમ?” “ના, તારે શનિવારે ન આવવું.” “પણ, શા માટે?" “શનિવારને ને મારે બનતું નથી. એ અપશુકનિયાળ વાર છે. શનિવારે હું જેલમાં પડ્યો. શનિવારે મે છૂરી હુલાવી. શનિવારે મારો જન્મ થયો. મારે ને શનિવારને બિલકુલ લેણું નથી. તું કોઈ દી ભલી થઈને શનિવારે આવીશ મા નીકર તને માર્યા વિના નહીં મૂકું. ખબરદાર તું શનિવારે આવી છો તો " અબૂધ બાળકની માફક વાતો કરતા એ ધણીને સ્ત્રી ઠંડો પાડવા લાગી: “ઠીક, નહીં આવું શનિવારે, તારી વાત ખરી છે. તું જનમ્યો શનિવારે ખરો ને એટલે જ શનિવાર સહુથી વધુ અપશુકનિયો વાર છે. પણ હવે તારે કેટલાક શનિવાર અહીં કાઢવાના છે, ભૂંડા! શેઠ તને હાલઘડી છોડાવવાના છે. નહીં છોડાવે તો મારા દા'ડા શે’ જાશે?” બોલતાં બોલતાં સ્ત્રીના શરીર ઉપર જોબનની છોળો ઊછળી ઊછળીને પાછી ભાંગી જતી દેખાઈ. મુલાકાત પૂરી થઈ.
સાંજની સિસોટી વાગી ગઈ. ખણીંગ ખણીંગ બેડીઓ ઝંકારતા એક હજાર ઓળાયા અંદર આવી ગયા. એક હજાર ચકચકિત ચગદાંની પાછળ એકંદર વીસ હજાર વર્ષો પોતાનાં નિસ્તેજ મોં લઈને બુરાકોમાં પેસી ગયાં. કરપીણ મોઢાં, કાળાં મોઢાં, કુટિલ અને કદરૂપમાં મોઢાં, હચમચેલ જડબાવાળા ને ગમગીન મોઢાં, દાંતો ભીંસતાં ને આંખો બગાડતાં મોઢાં, વહાલાં જનોની યાદમાં ભીંજાઈને અનંતમાં શૂન્ય મીટ માંડતાં મોઢાં, આશાહીન, લાલસાભર્યા, ક્ષુધાર્ત મોઢાં, અગણિત રેખાઓવાળી અક્કેક નિગૂઢ કિતાબ જેવાં એક હજાર મોઢાંઃ તમામ સળિયાઓની પાછળ પુરાઈ ગયાં, અને વાંદરાં જેવાં ઊભાં થઈ રહ્યાં. ભાતભાતના મુખસ્વરો, ચેનચાળા, સંકેતશબ્દો, સર્વ નિઃસ્તબ્ધ બની ગયું. દરોગાઓએ છેલ્લી ગણતરી કરી, તાળાં તપાસી આલબેલ પોકારી લીધી. પછી ઠંડા પહોરે કેદીઓએ હુલ્લડ જગવ્યું. દિવસોના દિવસો સુધી કારખાનામાં બેઠાં બેઠાં તેઓએ તાળા તોડવાના સંચા તેમ જ તમંચા બનાવવાનો કસબ કરેલો. એ સંચાઓના છૂટક છૂટક ટુકડા એક પછી એક કોટડીમાંથી પસાર થઈ એક અગ્રેસરની તુરંગમાં એકઠા થયા, ને ત્યાંથી તાળાં તૂટ્યાં. તુરંગોની સળંગ ભોગળ હતી તે પણ ખેસવી નાખવામાં આવી. એક પછી એક કેદી બહાર નીકળી પડ્યો. “બહાર નીકળ, દોસ્ત!” અગ્રેસરે એ જુવાન મવાલીની કોટડી પર જઈ એનું તાળું ખોલ્યું. “મને માફ કર.” જુવાને ના કહી. "કેમ? તું તો બધા તાલમબાજોની મોખરે હતો ને? દગો કે?” "દગો? હું ન કરું.” "ત્યારે?” "આંખો ફાડીને જોતો નથી સામે તારીખિયામાં? આજ મારો વેરી શનિવાર મૂઓ છે.” “તેથી શું?” "શનિવારે હું એક પણ પરાક્રમનું કામ કરવાનો નથી. તમને ને મને બધાને અપશુકન લાગશે.” “મર ત્યારે એકલો.” ત્યાર પછી તો રમખાણ જામ્યું. દરોગાનાં ખૂન થયાં. વૉર્ડર અને જેલરોની ટુકડીએ આવીને ઝેરી ગેસોની રિવોલ્વરો ચલાવી. બળવો કાબૂમાં આવી ગયો. કેદીઓ લપાઈને બેસી ગયા. દરેક ઓરડીનો જાપ્તો કરીને ઘેર જતા વૉર્ડનને કોઈએ સાદ પાડ્યો : “એ હેઈ વૉર્ડન!” પાછા ફરીને વૉર્ડને નજર નાખી. સાદ કરનાર મવાલી પોતાની તુરંગમાં શાંત ઊભો ઊભો હોઠ કરડતો હતો. "આ બંધ કરી દે.” કેદીએ વૉર્ડનને પોતાની તુરંગનું ઉઘાડું તાળું બતાવ્યું. વૉર્ડન સ્થિર થઈ ગયો. તાળું ખુલ્લું છતાં આ ભયાનક કેદી કેમ ચૂપચાપ અંદર જ ઊભેલો છે? “કેમ, અટંકી!” વૉર્ડને હસીને પૂછ્યું: “તું કેમ બળવામાં શામિલ નથી થયો? કૂણો પડી ગયો કે શું? આવ્યો ત્યારે તો મિજાજનો પ્યાલો ફાટફાટ હતો, ખરું કે?” "હજુય ફાટફાટ જ છે.” મવાલીએ હોઠ કરડીને જવાબ દીધો. "ત્યારે આમ કેમ લપાઈ બેઠા છો, બહાદર?” "શનિવાર હતો તેથી. વૉર્ડન! શનિવારને ને મારે લેણું નથી. મારો જનમ જ શનિવારે થયો'તો!" એ તુરંગને તાળું દેતાં બુઢ્ઢા વૉર્ડનને કોણ જાણે શાથી આ જુવાન ઉપર પોતાના ફરજંદ જેવું વહાલ ઊપજ્યું.
“બચ્ચા!” વૉર્ડન એ જુવાનને હમણાં હમણાં ‘બચ્ચા' કહીને બોલાવતો હતો. આજે એના હાથમાં એક તાર હતો. એના મોં ઉપર ગમગીની હતી. એણે જુવાનને ખબર દીધાઃ “બચ્ચા, તારા નામનો તાર છે." જગતમાં એક વર્ગ એવો જીવે છે કે જેને તાર-વ્યવહાર વગરનું જીવન જ ફિક્કુ લાગે છે. ‘ટપાલ બીડી છે' એ ખબર પણ આ વર્ગ તારથી પહોંચાડે છે. જગતમાં બીજો વર્ગ એવો છે કે જે તારનું પરબીડિયું જોતાં જ થરથરી ઊઠે છે. તાર દેખતાં જ જુવાનને ફાળ પડી. "તારી ઓરત મૃત્યુને બિછાને પડી છે.” વૉર્ડને તારનો મર્મ કહ્યો. "બીમારી?” જુવાને પૂછ્યું. "મોટરમાંથી પડતાં જખમો થયેલ છે.” જુવાન મવાલીના ચહેરા પર પ્રેમનું દર્દભર્યું કાવ્ય પથરાયું. એ બાઘોલો બની ઊભો રહ્યો. એની છાતીમાં ઓરતની છેલ્લી બૂમો પડતી હતી. પરંતુ એ જ છાતી ઉપર સાત વર્ષોની ટીપનું ચકચકિત ચગદું તકદીરના તાળાની માફક લટકતું હતું. "સાંભળ, બચ્ચા!" વૉર્ડને એના ખભા પર વહાલભર્યો પંજો ઠેરવ્યો. મવાલીએ ધીરે ધીરે આંખો ઊંચી કરીને વૉર્ડનની સામે જોયું. “જો બચ્ચા, વીસ જ મિનિટની અંદર અહીંથી એક ટ્રેન છૂટે છે. હું જો તને એક દિવસની રજા પર છૂટો મૂકું, તો તું સાંજે પાછો આવવાનો બોલ આપે છે?” "વોર્ડન સા'બ!” મવાલીના કરડા સ્વરમાં આજે પ્રથમ વાર ધ્રુજારી આવી; “જિંદગીમાં મેં આપેલો બોલ – કોઈને, કુત્તાને પણ આપેલો બોલ - તોડ્યો નથી.” "પાછો આવીશ?” "ફાંસીને માંચડે લટકવાનું હશે તો પણ આવીશ.” “સાંજે બુરાકો બંધ થયા પહેલાં.” યુવકે હકારમાં શિર હલાવ્યું. શબ્દો બગાડીને નાપાક કરવા જેવી એ ઘડીઓ નહોતી. પત્નીના અવાજ સંભળાતા હતા, ઇમાનનો ધૂપ બળતો હતો. “તું નહીં આવે તો મારું શું થશે એ જાણે છે?” મવાલીએ ડોકું ધુણાવ્યું, એની આંખોમાં સળગતા અંગાર પર કોઈ જળ છંટાતું હતું. “બસ ત્યારે, અલ્લાબેલી.” “અલ્લાબેલી, વૉર્ડન સા'બ!”
સંધ્યાના છેલ્લા ડંકા સેંટ્રલ જેલના મિનારા ઉપરથી પોકાર પાડી ચૂક્યા. નવસો નવાણું કાળા ઓળાયા અને ઉજ્જવળ ચગદાં સંધ્યાકાળની સુાસવાટીમાં કાંપતાં કાંપતાં એ કાળી દીવાલોમાં પાછાં સમાયાં. માનવજીવનનાં વીસ હજાર વર્ષોએ ફરી વાર પથારી પાથરી. એક કોટડી ખાલી રહી. મિનારા ઉપર ચડીને વૉર્ડન જોતો હતો. સ્ટેશન પર ઊભી રહેતી એક પછી એક ટ્રેન એની આશાને ચગદતી ચાલી નીકળતી હતી. ‘બચ્ચો' હજુ આવ્યો નહોતો. 'સા'બ, ટેલિફોન.” સિપાહીએ આવી ખબર દીધા. વૉર્ડન ટેલિફોન પર ગયો. “હલો! હલો! વૉર્ડન?" “જી હા. આપ કોણ?” “હું કમિશનર.” “ફરમાવો.” “તમારે ત્યાંનો ...નો કેદી, નામે ... આજે હાજર છે?” વૉર્ડનથી જવાબ અપાયો નહીં. સામેથી શબ્દો આવ્યા: “એ ભયંકર કેદીએ આજે શહેરમાં આવીને એક આબરૂદાર શહેરીનું ખૂન કર્યું છે." વૉર્ડનના મોં પરથી લોહી શોષાઈ ગયું. સામા શબ્દો પછડાયાઃ “તમારી રહેમિયત ઠીક પરિણામો લાવી રહી છે!” સખત પછડાટ સાથે ટેલિફોન બંધ થયો. વૉર્ડન મકાન પર ગયો. ઘરના ઓરડામાં ટેલવા માંડ્યું. આજે એ બાળબચ્ચાં જોડે રમતો નથી. વારંવાર બેસે છે ને ઊભો થાય છે. પત્ની પૂછે છેઃ “શું છે? કંઈ છે?” “ના રે ના, કશું નથી.” સાંજનાં છાપાં લઈને સિપાહી આવ્યો. દરેક છાપાના પહેલા પાના પર સેંટ્રલ જેલના વૉર્ડનની કેદીઓ પ્રત્યેની રહેમિયતભરી નીતિ ઉપર પ્રહારો હતા. શહેરના નામાંકિત નાગરિકના ખૂનની જવાબદારી એના શિર પર મુકાયેલી હતી. છાપાંમાં કાર્ટુનો પણ ચીતરાયાં હતાં. બેવકૂફ બાપ પોતાનાં બચ્ચાંને કહેતો હતો: ‘છોકરાંઓ, જાઓ, ડાહ્યાડમરાં થઈને પાછાં સાંજે આવી જજો હો!' ‘છોકરાં એકબીજાંને આંખમિચકારા કરીને પછી જવાબ દેતાં હતાં: ‘હો બાપા! હો!' લગભગ અધરાત થવા આવી હતી. ‘બચ્ચા'નો પત્તો નહોતો. વૉર્ડને ટેબલ પર બેસીને પોતાનું રાજીનામું લખ્યું. નીચે સહી મૂકવા જાય છે ત્યાં જ દ્વાર ઊઘડ્યું. વૉર્ડનના મોં પર દીપ્તિ તરવરીઃ “આવી પહોંચ્યો, બચ્ચા?" "મેં તો આપને કહ્યું હતું કે ફાંસીને દોરડે લટકવાનું હશે તો પણ આવીશ. આવ્યો છું પણ એવું જ મોત શિર પર લઈને” “સાચી વાત?” વૉર્ડને ભયભીત થઈને પૂછ્યું. “સાચી વાત. વૉર્ડનસા'બ! મારી સબૂરી ન રહી શકી. પણ મારે બદલે પથ્થર હોત તો તે પણ ફાટીને ત્યાં ટુકડા થઈ ગયો હોત. હું સમજતો હતો. હું અહીંથી નીકળ્યો ત્યારે જ તારીખિયા પર મેં જોયું હતું, કે આજ મારો વેરી શનિવાર છે. બદબખ્ત શનિવારે જ આ દશા કરી. હું જન્મ્યો જ છું શનિવારે ખરો ને!” 'બચ્ચા'ના આ બાલિશ વહેમીપણા ઉપર વોર્ડન નિહાળી રહ્યો.
એક નામાંકિત રાજદ્વારી અગ્રેસરનું કરપીણ ખૂન કરવા બદલ વૉર્ડનના લાડકવાયા કેદીને ફાંસીની સજા મળી. કેદીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. બીજા કોઈ પુરાવાની જરૂર નહોતી. એ નામાંકિત અગ્રેસર બીજો કોઈ નહીં પણ કેદીને પ્રથમ દિવસે જેલ પર મૂકવા અને વૉર્ડનને રુશવત આપવા આવનાર ‘શેઠજી' જ હતો. પોતાની ગેરહાજરીમાં પોતાની ઓરતની વધુ પડતી સંભાળ રાખનાર એ પરગજુ મિત્રનું જ પોતાના જ ઘરમાં મવાલીએ ખૂન કર્યું હતું. ખૂનીના નામ પર લોકો થૂંકતા હતા. સહુ એમ સમજતા હતા કે મવાલીએ એ નામાંકિત નગરજનની કનેથી દબડાવીને નાણાં કઢાવવાની કોશિશમાં જ આ કૃત્ય કર્યું હતું.
ફાંસી-ખોલીની એક તુરંગમાં આખી રાત એક કેદી મોં-વાજું વગાડતો હતો. એમ લાગે કે જાણે કે કોઈક રાગના સૂર બેસારવા મહેનત કરતો હતો. પ્રભાતે એની તુરંગના તાળા પર ચાવી ફરી. ઊઘડતા બારણાએ કિચૂડાટ કરીને એને વિદાય દીધી. “ચાલ, ભાઈ!” દરોગાએ એને હાથકડી પહેરાવી. "હો-હો-ટેમ થઈ ગયો!” કેદીએ સામો હાસ્યધ્વનિ કર્યો. એ હતો, તે દિવસના હુલ્લડનો અગ્રેસર. અદાલતે એને મોતની સજા કરી હતી. અત્યારે એને ફાંસીએ જવાનું હતું. “આ વાજું સાથે લઈ લઉં?” દરોગાએ હા પાડી. મોં-વાજું બજાવતો બજાવતો એ બહાર નીકળ્યો. સહુ સાથીઓને એણે વિદાય દીધી: “લ્યો ભાઈઓ, સલામ છે સર્વેને, પંદરેક દિવસ મને વધુ રે'વા દીધો હોત ને, તો વાજા ઉપર હું આ ગાયન બરોબર બેસારી લેત. પણ ખેર! ઈ તો હવે ત્યાં જઈને બેસાડશું. લ્યો ભાઈઓ, રામરામ! આપણે પાછા ત્યાં મળશું – બધાં ત્યાં થોડા રોજમાં જ મળશું. લ્યો ભાઈઓ, બોલ્યું ચાલ્યું માફ છે!” મોં-વાજું બજાવતો એ ચાલતો થયો. લહેરથી પોતાના જુવાન દેહને એ ડોલાવ્યે જતો હતો. છેલ્લી તુરંગમાં એણે મવાલીને દીઠો. એ બોલી ઊઠ્યો: “કાં દોસ્ત શનિવારિયા, લહેરમાં છો ને? આપણે તો કાલે જ ભેગા થઈ જશું, કેમ? લે, વે'લો આવી પોગજે, રામરામ!” કેદીઓએ કાન માંડીને દૂર દૂર બજી રહેલ મોં-વાજાના સ્વરો સાંભળ્યા. પછી એક મોટો ધડાકો સાંભળ્યો. પછી જેલના મિનારાની ઝાલરના, માતાના વિલાપ જેવા ડંકા પડતા સાંભળ્યાં. તે દિવસના બપોરે મવાલીની ઓરત છેલ્લી મુલાકાતે આવી. વૉર્ડન પોતે જ એને તેડીને ફાંસી-ખોલીની તુરંગમાં આવ્યો. બેઉને છૂટથી મળવા દીધાં. “તું જૂઠ શા માટે બોલ્યો?” ઓરત એને ગળે બાઝીને પૂછતી પંપાળવા લાગી. "જૂઠ નથી બોલ્યો હું. ચૂપ કર.” જુવાને ઓરતના મોં પર હાથ ફેરવ્યા. "જૂઠ! જૂઠ! જૂઠ! વૉર્ડન સા'બ! આ આદમી નરાતાર જૂઠ બોલીને ફાંસીએ જાય છે," સ્ત્રી ચીસો પાડવા લાગી: “ઓ વૉર્ડન સા'બ! સાંભળો, મારી વાત સાંભળો –' “હવે નથી કહેવી વાત. મૂંગી મર ને!” મવાલી વચ્ચે પડ્યો. "નહીં, સાંભળી લ્યો. ખૂન એણે નથી કર્યું. મેં કર્યું છે. સાંભળો! એ શેઠિયાએ મને ભોળવી. ફોસલાવી. આની લાંબી ટીપનો તો કોઈ આરો ન રહ્યો એટલે મારી સબૂરી ન રહી. હું એના પ્યારમાં ખેંચાણી. એણે મને એક દી એની મોટરમાં ઉપાડી. રસ્તે મારું દિલ આ પાપ સામે પોકારી ઊઠ્યું. મને આ બાપડો કેદમાં પડેલો સાંભર્યો. એ પાપિયાના ફાંસલામાંથી કોઈ રીતે છૂટવાની બારી ન રહી. હું મોટરમાંથી કૂદીને નીચે પડી. મને જખમી હાલતમાં મારે ઘેર નાખીને એ ચાલ્યો ગયો. ત્યાં હું મલમપટા કરાવીને પડી હતી. ત્યાં આ આવ્યો. આને મેં મારી કાયાને અડવાની ના પાડી. હું હવે તારા ખપની નથી રહી એમ કહ્યું. આણે મારી પાસેથી આખી વાત કઢાવી, શેઠને મારવા એણે તમંચો લીધો. મેં આને ધીરો પાડી, પંપાળી, ભરેલો તમંચો છોડાવી લઈ મારા ઓશીકા હેઠળ મૂકી દીધો. એને હું મારા પડખામાં લઈને ટાઢો પાડતી હતી. આ બાપડો રાંક બનીને મારા ઉપર લળી રહેલ હતો. ત્યાં બારણું ખખડ્યું. મેં આને સંતાડી દીધો. જોઉં છું તો કાળમુખો ઈ શેઠજી જ આવીને ઊભો છે. મને ટોણા મારવા મંડ્યો કે કાં, બદલી ગઈ? નશો ઊતરી ગયો? હવે બક બક કરવું છે કે આ પૈસા જોઈએ છે આ લે, આ લે, આ લે, કેટલા જોઈએ? એમ કહીને એણે નોટોનો થોકડો મારી પથારીમાં નાખ્યો. મેં એને કહ્યું કે ભલા થઈને, શેઠ, તમે અહીંથી ચાલ્યા જાઓ, પણ એણે ન માન્યું. એણે મને ન કહેવાનાં મર્મ-વેણ સંભળાવવા માંડ્યાં. ત્યાં તો આ અભાગિયો નીકળ્યો. બે ય જણા વચ્ચે રમખાણ થઈ પડ્યું. શેઠ માતેલા સાંઢ જેવો. એક જ ઘડીમાં આ મારા રાંક ધણીનો ટોટો પીસી નાખત. પણ મને સાંભર્યું. ઓશીકા હેઠથી મેં તમંચો કાઢીને વછોડ્યો. ને એ પીટ્યો ઢળી પડ્યો. સાચી વાત આ છે; ઓ વૉર્ડન સાબ! આને, આ નિર્દોષને બચાવો. એને સાટે મને ફાંસીએ મોકલો. મેં ખૂન કર્યું છે, મેં કર્યું છે, મેં જ કર્યું છે.” બોલતી બોલતી એ છાતીફાટ રડી પડી. "હવે સાબ!” મવાલીએ ઠંડે કલેજે કહ્યું, “એ તો રાંડ ગાંડી છે ગાંડી. રાંડ મને બચાવવા સાટુ આ બનાવટ કરી રહી છે. એનું કહ્યું તમે માનશો મા, સા'બ! કો'ક આપણને મૂરખ કહેશે, સા'બ! લે હવે તું ભલી થઈને જ અહીંથી. નીકર ઠાલી કાંઈક સાંભળી બેસીશ.” એટલું કહીને એણે ફરીથી ઓરતને પંપાળી, છેલ્લી બચી લીધી. એના ખોળામાં, હૈયા પર, કંઠે ને ખંભે વારંવાર પોતાનું માથું ચાંપ્યું. થીજી ગયેલા વૉર્ડનને પણ આખરે ભાન આવ્યું કે આ તો જેલ છે, ને આ તમાશાનો કોઈ અંત નથી. પોતે પેલા શેઠની નોટોને શગડીમાં સળગાવી દીધાનો દિવસ એને યાદ આવ્યો. એણે અત્યારે પણ એ જ શેઠની નોટો આ બે જણાંની ચિતામાં બળતી દીઠી. ધણીને બાઝી રહેલી ઓરતને ‘બેટી! હવે બસ' કહી, મીઠાશથી વિછોડાવી, વૉર્ડને ખભાને ટેકે ટેકે બહાર લીધી. છેલ્લા પ્રભાતનું ભગભગું હતું. ધર્મગુરુ આવીને જુવાનની પાસે બેઠો. એ કંઈક પ્રાર્થના સંભળાવતો હતો. એમાં વારંવાર એવું વાક્ય આવતું હતું કે ‘હે પ્રભુ! હે પિતા! આ રંક આત્માને તું ક્ષમા દેજે. તારી ગોદમાં લેજે! એ તારે દ્વાર આવે છે!' “હવે મેરબાના” કંટાળેલો કેદી ધીરજ ગુમાવીને બોલ્યો: "મારે પ્રભુની પાસે જાવું કે બીજે ક્યાંય જાવું એ બાબત મેં હજી નક્કી નથી કરી. હજી એ નક્કી કરવા માટે મારી પાસે આખો એક કલાક બાકી છે. માટે ભલા થઈને આ બબડાટ બંધ કરો. મારું માથું પકાવો મા!” ધર્મગુરુએ આ દુરાત્માનું નરકધામ નક્કી કરી લઈ ત્યાંથી વિદાય લીધી. કેદી એ માથાકૂટમાંથી છૂટીને તૈયાર થઈ બેઠો. આખી જેલ આજે મૌન સેવી રહી છે. સિપાઈઓ, દરોગાઓ સર્વનાં હૈયાં ગમગીન છે. અન્ય કેદીઓને કૂચકદમ કરાવી કામ પર લઈ જનારી સિસોટીઓ આજે ધીરી ધીરી ફૂંકાય છે. બે હજાર કદમોનો આઘાત ધરતી પર અત્યંત ધીમો પડે છે. અને એ આખા કારાગૃહના જીવતા જાગતા શોક સમો વૉર્ડન ભારે પગલે ફાંસી-ખોલીમાં પ્રવેશ કરે છે. બચ્ચાની તરંગમાં પેસે છે. “બચ્ચા!” એણે ધીરેથી પૂછ્યું: “કંઈ આખરી ઇચ્છા?” “હા સા'બ! આપ આપને હાથે જ મને એક બીડી પાઓ!” વૉર્ડને દિવાસળી કરી, “બચ્ચાના મોં નજીક ધરી રાખી. ‘બચ્ચા'એ એમાંથી બીડી ચેતાવી. બીડીના ધુમાડાની આરપાર એ ચારેય આંખો સામસામી નિહાળી રહી. ધુમાડાનાં ગૂંચળાં ધીરે ધીરે ઊંચે ચડવા લાગ્યાં. જેલના મિનારા ઉપરથી છેલ્લી ઝાલરના ડંકા પડ્યા.