પ્રતિસાદ/માહિતી યુગ અને આપણે
આપણા સમાજની સમક્ષ પ્રશ્નોની યાદીનો કોઈ અંત નથી. આપણે જેમ જેમ એક પછી એક સંસ્થાને ભ્રષ્ટાચાર અને બિનઅસરકારકતામાં લથપથ થતા જોઈએ છીએ તેમ તેમ મરી રહેલી ઔદ્યોગિક સંસ્કૃતિના સડાની આપણને બુ આવવા લાગે છે. પરિણામે હવા પણ કડવાશથી ભરાઈ જાય છે, અને આમૂલ પરિવર્તન માંગે છે. આના પ્રતિભાવરૂપે હજારો દરખાસ્તો આવે છે. દરેક દરખાસ્ત જાણે કે મૂળભૂત હોય કે પછી ક્રાન્તિકારી હોય એવો દાવો કરાય છે. આપણા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હેતુ ધરાવતા આ નવા નિયમો, નવા કાયદાઓ, નવી યોજનાઓ અને આચરણો અવારનવાર બૂમરેંગ સાબિત થાય છે અને આપણી અસહાય લાગણી કે બધું નકામું છે એ વધુ જોરદાર બને છે. આવી લાગણી લોકશાહી માટે અત્યંત ખતરનાક છે... આપણે અત્યંત બહાદુર અને કલ્પનાશીલ નહીં બનીએ તો આપણે ઇતિહાસની કચરાપેટીમાં ફેંકાઈ જઈશું.
એલ્વિન ટૉફલર
માહિતી યુગ અને આપણે
આ વખતે ‘સ્પેન’ સામયિકમાં આવેલો લેખ લઈ લખવા વિચાર છે. એ લેખ ૧૯૯૫ના ઑગસ્ટ મહિનામાં પ્રસિદ્ધ થયો હતો; એ દૃષ્ટિવંત અને ટેક્નોલૉજીના પ્રખર નિરીક્ષક ડેનિયલ જે. બૂરસ્ટિનની ‘ન્યૂ પરસ્પેક્ટિવ’ના તંત્રી નાથાન ગોર્ડલ્સે લીધેલી મુલાકાતરૂપે છે. અવારનવાર વિજ્ઞાન અને ટેક્નોલૉજી ઉપર વિચાર કરતા રહેવાની આજનો સમય આપણને ફરજ પાડતો હોય છે. કોઈ પણ સામયિક શું એથી અસ્પૃશ્ય રહી શકે? કોઈ પણ વ્યક્તિ કે સાહિત્યકાર પણ કેવી રીતે આવાં વિશાળકાય ગતિશીલ કંઈક અંશે ભયાનક લાગતાં પૂર ઝડપથી આવી રહેલાં પરિવર્તનોથી પોતાને ઉતરડીને એકદંડિયા મહેલમાં રહી શકે? બધું જ જ્યાં ઊથલપાથલ થઈ રહ્યું છે ત્યારે એક જુદા જ પ્રકારની પરિપક્વતા અને નવા ખુલ્લાસભર્યાં અભિગમની જરૂરિયાત ઊભી થઈ છે. એટલે જે કંઈક નવું – તાજગીભર્યું વાંચવાનું હાથ લાગે કે જિજ્ઞાસાપૂર્વક જાણવાના આ બધાં ખાંખાખોળા – સમજવાનો એક યત્નભર્યો આયાસ. ડેનિયલ જે. બૂરસ્ટિનના આ મુલાકાતવાળા લેખને ‘From Pseudo – Event to Virtual Reality’ આપણે પ્રશ્નોત્તરીરૂપે નહીં તપાસીએ, પણ એમાં બૂરસ્ટિનના પ્રગટ થયેલા વિચાર-પ્રતિભાવોને લઈને જ જોઈશું. બૂરસ્ટિને એમના પુસ્તક ‘The Image’ના મુખપૃષ્ઠ ઉપર મેક્સ ફિશના વાક્યને ટાંક્યું છે, ‘Teachnology has the knack of arranging the world so that We don’t have to experience it’, બૂરસ્ટિન કહે છે કે મીડિયા ટેક્નોલૉજીનું વલણ સમય અને અવકાશને એકરૂપ બનાવવાનું છે. ત્યાં જે છે તે એકી સાથે અહીં પડદા ઉપર પણ છે, અથવા તો ત્યાં જે હતું એ ફરી પડદા ઉપર આવી શકે છે, જો એની ફિલ્મ ઉતારી હોય તો. જ્યારે આપણે અનુભવ ઉપર ટેક્નોલૉજીનો પ્રભાવ એવી વાત કરીએ છીએ ત્યારે આપણે એમ વિચારવું જોઈએ કે જ્યારે સમય અને અવકાશની ભેદરેખાઓ ભૂંસાઈ જાય ત્યારે શું બને છે? ટેલિવિઝનનું એક પરિણામ બૂરસ્ટિન જેને diplopia કહે છે તે છે. એટલે કે બમણું ઇમેજ – એ સાચું છે કે નહીં, બની રહ્યું છે કે નથી બની રહ્યું એની ખબર ન પડવી તે. એ એક રીતે અનુભવને દીપ્તિ અર્પે છે. બૂરસ્ટિન બીજા જેટલા એના ટીકાત્મક નથી. પ્રશ્ન એ છે કે કેવી રીતે એની સાથે સમાધાન મેળવવું અને કેવી રીતે એનો કંઈ અર્થ નીકળતો હોય તો કાઢવો? જ્યારે લોકો ટેલિવિઝન ઉપરના અનુભવોમાં ભાગીદાર બને ત્યારે શોધનું સ્વરૂપ બદલાઈ જઈ શકે. અમેરિકી અંતરિક્ષ-યાત્રીઓ ચંદ્ર ઉપર ઊતર્યા ત્યારે આપણે ત્યાં હતાં! એકદમ ત્યાં! કોલંબસે અને એના સાથીદારોએ નવા વિશ્વની શોધ કરી ત્યારે માત્ર એમને થઈ શકે એવી રોમાંચભરી લાગણી આપણને થઈ. ટેલિવિઝનનું બીજું પરિણામ એ આવ્યું કે એણે આપણે માટે સમાજ સાથે તાદાત્મ્ય અનુભવવા માટેના માર્ગો ખુલ્લા કરી નાખ્યા. લોકશાહીઓ કર્મકાંડમાં નબળી હોય છે. કર્મકાંડ સમાજમાં લોકોને એકઠાં આણે છે. એ સમાજનું પ્રતીક છે – બધાં એમાં સાથે હોય છે, બધાની અનુભૂતિ સરખી હોય છે. અલબત્ત ધાર્મિક, કર્મકાંડો તો હોય છે, પણ આપણા સમાજમાં હવે એમનાં ઓસરતાં પાણી છે. એટલે આ પૂરવા તરફ મીડિયાનું વલણ રહ્યું છે. ટેક્નોલૉજી આ શૂન્યાવકાશ લઘુસીરિઝો, વાર્તાલાપો અને અન્ય શુદ્ર કાર્યક્રમોથી ભરી દે છે. મીડિયાની આ કર્મકાંડી ભૂમિકા હમણાંની જાહેર ઘટનાઓમાં પણ જોવા મળી. રિચાર્ડ નિકસનનું મૃત્યુ અને એની સ્મશાન-યાત્રા, જેકી ઓનાસીસનું મૃત્યુ અને એની સ્મશાન-યાત્રા અને અમેરિકી ડી-ડેની સંવત્સરી. વર્તમાન કાળમાં રિચાર્ડ નિકસનના મૃત્યુની જેમ ભાગ્યે જ બીજા કોઈ અમેરિકી પ્રમુખનું મૃત્યુ લોકોને એકબીજા પ્રત્યે આવી રીતે ખેંચી લાવ્યું હશે. અમેરિકનોએ ટીવી ઉપર બીજાં રાષ્ટ્રોનાં પ્રમુખોને સ્મશાન-યાત્રામાં ભાગ લેતાં જોયાં, એમનાં મુખો પરના હાવભાવો નિહાળ્યા. મીડિયાએ સર્જેલી સમાજ માટેની એ માર્મિક ક્ષણ હતી. પોતાના દેશવાસીઓ સાથે ટીવી ઉપર ફિલ્મ-તસવીરો દ્વારા જેકી ઓનાસીસની વિશિષ્ટતાઓ નિહાળવાનો આ અમૂલ્ય અવસર હતો. આપણને યાદ આવે કે આવી જ રીતે આપણે સંજય ગાંધી, ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીની સ્મશાનયાત્રા નિહાળી છે. ટેલિવિઝનનું ત્રીજું પરિણામ chronological myopia નું છે – એટલે કે વધુ તાજેતરનું હોય એ ઉપર ધ્યાન ફોક્સ કરવાનું વલણ. આખું યુદ્ધ – આક્રમણ ફરી ભજવીને ડી-ડેની પચાસમી સંવત્સરી યાદગાર ભવ્ય ઘટના બની રહી. પણ થોમસ જેફરસનનો બસો-પચાસમો જન્મદિવસ ભલે ઉજવાયો કહેવાયો, પણ ભાગ્યે જ એ પ્રત્યે કોઈનું ધ્યાન ગયું. છતાં અમેરિકા માટે જેફરસનનું મહત્ત્વ અને એનો પ્રભાવ રિચાર્ડ નિકસનના પ્રભાવ કરતાં વધુ ઊંડો અને ટકાઉ છે — ભલે પછી જેફરસનની સ્મશાનયાત્રા ટીવી ઉપર ન બતાવવામાં આવી હોય. મીડિયા-ટેક્નોલૉજીનું બીજું વલણ એ છે કે લોકોનો જેટલો ઉપલબ્ધ સમય હોય એ બધો ભરી દેવો. તમે ઍરપોર્ટ ઉપર રાહ જોતા હો કે લાંબી વિમાનની સફરમાં કંટાળ્યા હો કે શાળા કે કામ ઉપરથી ઘરે પાછા ફર્યા હો ત્યારે લોકો વાસ્તવમાં માનવીય પ્રકૃતિ ઉપજાવી શકે એ કરતાં વધુ નાટ્યાત્મકતા, રોમાંચ અને ઉત્તેજનાની (titilation) આશા રાખે છે. લોકો જાણે કે અનંત મનોરંજનના કલ્પના-પ્રદેશની અપેક્ષા સેવે છે, પણ આ તો અતિશય વધારે પડતી અપેક્ષા છે. લોકોને ઇમેજનો ઝગમગાટ, ઢોળ ચડાવેલી અનુભૂતિનો ચળકાટ ચોવીસે કલાક જોઈએ છે. ચોવીસે કલાક વાસ્તવિક જીવન આટલું નાટ્યાત્મક નથી હોતું. આપણે જેટલું તડપીએ છીએ એટલી નવીનતા ઉપજાવવાની માનવજાત પાસે શક્તિ નથી. એટલે પછી તુચ્છ, માયાવી, વિલક્ષણ અને એકાન્તિક કાર્યક્રમો જગ્યા રોકી લે છે. પશ્ચિમી સંસ્કૃતિની એ લાક્ષણિકતા છે કે નવીનતા એમને માટે ખાસ મૂલ્ય ધરાવે છે. યહૂદી-ખ્રિસ્તી ધર્મ સર્જનહાર ઈશ્વરને ભજે છે. એના ધાર્મિક દસ્તાવેજો માણસ એના સર્જનહારની પ્રતિમારૂપે ઘડાયો હતો એ વાતને સમર્થન આપે છે. એટલે કે નાવીન્યના કૃત્યને થોડુંક દૈવત્વ અપાયું છે. આવું હિંદુધર્મ કે બૌદ્ધધર્મ જેવા મહાન પૌર્વાત્ય ધર્મોમાં નથી. આ સંસ્કૃતિઓમાં કલાકાર કંઈક વધુ સારું સર્જે એ ઊજવવાનો વિષય નથી બનતો. અલબત્ત, પૂર્વમાં મહાન કલાકૃતિઓ સર્જાઈ છે પણ એ નાવીન્યની ભાવનમાંથી નથી સર્જાઈ. એટલે ટેક્નોલૉજી નાવીન્ય માટેની સાંસ્કૃતિક ખોજનું પરિણામ છે. નવી પેટન્ટો, કૉપીરાઇટો એ નાવીન્યમાંથી લોકોને જે લાભો મળે છે એનું રક્ષણ કરવાની રીત છે. ટેક્નોલૉજી નાવીન્ય માટે અનેક સંભાવનાઓ ઊભી કરે છે. પૃથ્વી ઉપર ચાર રાજ્યો છે – પ્રાણી, વનસ્પતિ, ખનિજ અને હવે નવું યંત્રનું રાજ્ય જ્યાં બીજાં રાજ્યોના નિયમો લાગુ નથી પડતા. સ્પીશીઝનો ખ્યાલ એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જૈવિક વિચારણા ઉપર રચાયેલો પ્રભાવક ખ્યાલ રહ્યો છે. પાશ્ચાત્ય ઇતિહાસમાં દરેક સ્પીશીઝ એ નિશ્ચિતરૂપે દૃઢ વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવનારી મનાઈ છે. એરિસ્ટોટલની આવી સંકલ્પના હતી. એટલે કોઈ સ્પીશીઝ લુપ્ત થઈ જાય છે કે નવી હસ્તીમાં આવે છે એમ માનવું પશ્ચિમી ખ્રિસ્તી ચિંતકો માટે બહુ મુશ્કેલ બની ગયું. યંત્ર-રાજ્યના આગમન સાથે સ્પીશીઝનો જડ ખ્યાલ તદ્દન બદલાઈ ગયો. યંત્રો એમની મૂળ સ્થિતિમાં હંમેશ માટે જડાયેલાં નથી હોતાં. એમની મિશ્ર ઓલાદો ઊભી થાય છે. તમે સહેલાઈથી રેડિયો અને સેલ્યુલર ફોનનું ઑટોમોબાઇલ સાથે સંકરણ કરી શકો છો એવી રીતે તમે બિલાડી કે કૂતરાનું કરી શકતા નથી. દરેક ટેક્નોલૉજીમાં મિશ્ર-ઓલાદો શક્ય છે એટલે અસંખ્ય નાવીન્ય સર્જી શકાય છે. પરિણામે આજે જેવી અસ્થિરતા છે એવી પહેલાં ક્યારેય નહોતી. કુદરતી સ્પીશીઝ પોતાના પર્યાવરણથી પ્રભાવિત થાય છે. યંત્ર-સ્પીશીઝ પર્યાવરણ સર્જે છે. ઓટોમોબાઇલની ટકી જવાની ક્ષમતાનો આધાર એ કેટલા ધોરી માર્ગો ઊભા કરી શકે છે એ ઉપર છે. પોતાના ઇગઝોસ્ટ દ્વારા એ વાતાવરણમાં રહેલા તાપમાનમાં ફેરફાર કરે છે. પ્રશ્નોત્તરીમાં વળી પાછો diplopiaનો એટલે બમણી પ્રતિમાનો પ્રશ્ન ઊઠે છે, એટલે કે એ બન્યું છે કે નથી બન્યું એની ખબર ન પડવી તે. કેટલાક લોકો બનાવની સીધી અનુભૂતિ વગર માનવાને તૈયાર થતા નથી. ચંદ્ર ઉપરના અમેરિકી ઉતરાણ વખતે સોવિયેટ યુનિયનમાં ઘણાં દાવો કરતાં કે એ માત્ર હોલિવુડ-પ્રયુક્તિ હતી. ઘણાં મુસ્લિમ દેશોમાં લોકો ચંદ્ર- ઉતરાણને હજી નકારે છે. બૂરસ્ટિનની મુલાકાત લેનાર તંત્રીશ્રીનો જન્મ ૧૯૫૨ના વર્ષમાં થયો છે. એટલે કે આજે લગભગ એ ચુંમાળીસ વર્ષના હોઈ શકે, એ પૂછે છે કે મારી પેઢીની અને મારી પછીની પેઢીની વાતો મોટે ભાગે ટીવી-સીરિઝોની આસપાસ કે ચાલતી ફિલ્મોની આસપાસ હોય છે. આટલું બધું મીડિયાનું પ્રાધાન્ય શું અનુભૂતિનું રૂપાંતર નથી કરતું? બૂરસ્ટિન પ્રત્યુત્તરમાં કહે છે કે વાસ્તવની આ રીતે બેપરવાઈભરી રીતે વાતો કરવી સહેલી છે. અનુભૂતિ સ્વયં વાસ્તવિકતાનું એક પાસું નથી? આપણે ઇતિહાસમાં થોડે દૂર નજર નાખીએ. અનુભૂતિનું પહેલું રૂપાંતર વાણી સાથે આવ્યું અને પછી લેખનથી થયું. લેખન એ અનુભૂતિનું ખૂબ મોટું રૂપાંતર હતું. મૃત્યુ પામેલી વ્યક્તિ હવે પોતાનો સંદેશો મૂકી જવા માટે શક્તિમાન બની. પછી અલબત્ત પુસ્તકોના આગમનથી લોકોની અનુભૂતિને વિશાળતર બનાવવાનું શક્ય બન્યું. તમે પોતે જેનો અનુભવ નથી કર્યો એના ભાગીદાર બનવાનું શક્ય બન્યું. કેટલાય મધ્યકાલીન ગુરુઓને પુસ્તકો પ્રત્યે દ્વેષ હતો કારણ કે જ્ઞાન માટેની જે એમની ઈજારાશાહી હતી તે એનાથી તૂટતી હતી. લોકો ચાર્લ્સ ડિકન્સ વાંચતા અને ઓલિવર ટિ્વસ્ટ ઉપર રડતા. આ અનુભૂતિ હતી કે નહોતી? અને આમ જુઓ તો ઇસ્લામની જેમ યહૂદી-ખ્રિસ્તી ધર્મગ્રંથ ઉપર તો આધાર રાખે છે. એને આપણે અનુભૂતિ નથી કહેતા? એ અવાસ્તવિક છે? ટીવીના વિશિષ્ટ કાર્યક્રમોની વાત નથી, ટેક્નોલૉજીની અહીં વાત છે. આ વાત કરીએ ત્યારે – જેમાં આભાસી (virtual) વાસ્તવિકતાનો ઉલ્લેખ આવી જાય, જેની તરફેણ અને વિરુદ્ધમાં દલીલો થયા કરે છે – આપણે વિશાળતર ચિત્ર આપણી આંખ સમક્ષ રાખવું જોઈએ. ટેક્નોલૉજી સમય અને અવકાશનાં પરિમાણોની એકરૂપતા સાધી અનુભૂતિને બદલાવે છે અને વિસ્તૃત બનાવે છે. છતાં ટેક્નોલૉજી અનુભૂતિને વિસ્તૃત કરવાનો એકમાત્ર સ્રોત છે એવો અર્થ આમાંથી નીકળવો જોઈએ નહીં. જેમ્સ જૉય્સે યુલિસિસમાં જે સાહિત્ય-સ્વરૂપ ઉપજાવ્યું એથી સંપ્રજ્ઞતાની નવી જ દિશા ખૂલી. એક સાહિત્યિક સ્વરૂપ તરીકે જીવનકથાની શોધે ટેક્નોલૉજી ઉપર આધાર નહોતો રાખ્યો. જોવાની જુદી જુદી રીતો હોય છે. અહીં એ કાર્ય કલ્પનાએ કર્યું. આપણે જ્યારે ટીવીના કચરા જેવા કાર્યક્રમો માટે ફરિયાદ કરીએ છીએ ત્યારે આપણે ધ્યાન રખવું જોઈએ કે નવી નવી ખોજ કરતા રહેવાની માણસની શક્તિ સીમિત છે અને એટલે આમ જ બને. આપણે માત્ર આટલું જ નાવીન્ય ઉપજાવી શકીએ છીએ અને તે પણ ટીવીના ચોવીસે કલાકના કાર્યક્રમો માટે તો પૂરતું હોતું જ નથી. આજનો ઝોક માહિતી તરફ છે. માહિતી જ્ઞાનની જગ્યા લેતી જાય છે. માહિતી એકબીજા સાથે સંબંધ ન ધરાવતી અનુભૂતિના ખંડિત અંશોની બનેલી છે, અને તેની વિશિષ્ટતા એની અર્વાચીનતા છે. તીવ્ર ગતિથી આવતી માહિતીઓને વ્યવસ્થિત ગોઠવવાની કોઈને તક રહેતી નથી, એની પ્રસ્તુતતા ચકાસી જોવાનો પૂરતો સમય નથી હોતો. જ્યારે જ્ઞાન વ્યવસ્થિત હોય છે, એને એની સંરચના હોય છે; જેનો સંબંધ સ્થાપી શકાતો નથી કે જે પ્રસ્તુત નથી અને ત્યજી દેવામાં આવે છે. આજે માહિતીથી જ્ઞાન વિસ્થાપિત થતું રહ્યું એની પાછળનું કારણ એ છે કે કોઈનું હજી તો ધ્યાન જાય, એનું સંક્રમણ કરે અને બીજો મેળવે એ વચ્ચે ભાગ્યે જ કોઈ સમય રહેતો હોય છે. અને દરમ્યાન બીજી માહિતીઓનો અવિરત પ્રવાહ ચાલુ છે. ટેલિવિઝન ઉપર તો દુનિયાભરના સમાચારોનું તત્ક્ષણ રિપોર્ટિંગ થતું હોય છે. ખબરપત્રીઓ પાસે ઘણી વાર જે સ્થળોનું રિપોર્ટિંગ કરવાનું હોય એમનાં નામોના ઉચ્ચારો શીખી લેવાનો પણ વખત નથી હોતો. દાખલા તરીકે બોસ્નીયા-હરઝેગોવિના એ વડાપ્રધાનનું કે કોઈ ભૂશિરનું નામ છે એની એમને ઘણી વાર ખબર નથી હોતી. નવાં નવાં યંત્રોની શોધ વળી માહિતીઓનો વેગપ્રવાહ વધારે છે. મધ્યકાલીન સમય કરતાં આ બરાબર ઊલટી પરસ્થિતિ છે. તે કાળમાં આકાશ બાબતની માહિતી કે ડેટા અંગે અછત હતી કારણ કે એમની પાસે ટેલિસ્કોપ પણ નહોતું. એટલે તે વખતે માહિતી કરતાં અર્થ આગળ દોડી જતો. લોકો જે ચાલી રહ્યું હતું એ માટે અર્થ ઉપજાવી કાઢતા. એ લોકોને એમ કરવું જ પડતું. નહીં તો અનુભૂતિ માટે એમની પાસે કોઈ સંરચના નહોતી. હવે જ્યારે અસંખ્ય યંત્રો, કૅમેરાઓ, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ અને અન્ય સાધનો આકાશમાંથી ડેટા એકઠી કરવા માટે છે ત્યારે માહિતી જ્ઞાનને આંબી જાય છે. અંતરિક્ષ-યાન વૉયેજર-બેએ બાર વર્ષ સુધી માહિતીઓ મોકલ્યા કરી જેના અર્થની આપણી પાસે ચાવી નહોતી. એટલા માટે બૂરસ્ટિન આને નકારાત્મક શોધનો યુગ ગણે છે. આપણે સતત અજ્ઞાનના નવા વિસ્તારો શોધ્યા કરીએ છીએ. ટેક્નોલૉજીના આ ડાયનેમિકને કારણે જ્યારે અર્થ કરતાં માહિતી ઉપર વધારે જોર અપાય છે ત્યારે આપણે માટે સંક્રમણનો એવો પ્રકાર મહત્ત્વનો બની ગયો છે કે જ્યાં માહિતી નોંધાય, સંક્રમણ થાય અને પ્રાપ્ત થાય એ વચ્ચે સમયનો ગાળો રહે. મીડિયા ટેક્નોલૉજીએ સર્જેલો આભાસી ઘટનાઓનો અને ક્ષુદ્ર કાર્યક્રમોનો જુવાળ એ આ ડાયનેમિકની બીજી બાજુ છે. ટેક્નોલૉજીની આ ગતિ જોતાં પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે તો ડેટા અને અર્થ, તુચ્છતા અને અર્થવત્તા વચ્ચે સમતુલા કેવી રીતે સ્થાપવી? તમને શું ચિંતા નથી કે ઓપ્રાહ ઑથેલોને હાંકી કાઢશે? બૂરસ્ટિન પ્રત્યુત્તર વાળે છે, “It is true that televison has opened the floodgates of trivia, data and Pseudo-events. But why must there be equilibrium? To talk somehow of balancing things is what totalitarian Societies try to do to limit Choice.” સોવિયેટ યુનિયનમાં વાચનાલયોમાં જવાનું સીમિત કરી નાખવામાં આવ્યું. કયાં સારાં પુસ્તકો અને કયાં ખરાબ પુસ્તકો તે રાજ્ય નક્કી કરતી. એમ કહેવાય છે કે લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ વિશ્વનાં ખરાબ પુસ્તકોનો સૌથી મોટો સંગ્રહ છે. સારી વાત છે. ખરેખર મુક્ત સમાજ એ જ છે જ્યાં સરકાર કે ગ્રંથપાલ કે કોઈ સંસ્કારનો રખેવાળ કયાં સારાં પુસ્તકો કહેવાય એ નક્કી કરવાની ધૃષ્ટતા નથી કરતું. પછી બૂરસ્ટિન પૂર્ણ વેધકતાથી કહે છે, “હું ખોજમાં માનું છું. તમે જો સ્વતંત્રતામાં માનતા હો તો તમે દુનિયામાંની સર્જનાત્મક અરાજકતામાં પણ માનો છો. આ સ્વતંત્ર સમાજ એ સમાજ છે જ્યાં લોકોને ભટકવાનું સ્વાતંત્ર્ય છે; એ સમાજ છે જ્યાં તમને સ્વૈરવિહારી થવાની તક છે.” ટીવી ઉપરના રદ્દી કાર્યક્રમોનો એકમાત્ર જવાબ એ છે કે એનાથી ઉપર ઊઠવું અને સમજી લેવું કે ચોવીસે કલાકની ઉત્તેજના એ મૂર્ખાઈભરેલી અપેક્ષા છે. આ અર્થમાં દૃશ્યબિંબનું કોઈ મારણ હોય તો એ પુસ્તક છે. ક્ષુદ્રના પ્રવાહ સામેનો એ આશરો છે. એના ટકાઉપણાને કારણે સંસ્કૃતિનો એક મહાન સ્રોત છે. પુસ્તક આપણી અનુભૂતિઓની આલોચના ઘટનાઓની ક્ષણિક અપીલને કારણે નહીં પણ એની પ્રસ્તુતતાને કારણે કરે છે. મનોરંજનના જે પ્રકારો ક્ષણિકતા ઉપર ફૂલેફાલે છે એ કરતાં પુસ્તક ઘણી જુદી વસ્તુ છે. ટીવીની સીરિઝને હંમેશાં નવો પ્રસંગ જોઈએ છે. રાત્રે આવતા સમાચારો બે દિવસ પછી જોવામાં કોને રસ હોય? કોને ગઈકાલનું અખબાર જોઈતું હોય છે? પુસ્તકો સમયની કસોટીમાંથી પાર ઊતરે છે. પ્રકાશકો હજી પુસ્તકોની યાદી ઉપર ફૂલેફાલે છે. પુસ્તક એવી તો વિખરાયેલી, વ્યાપ્ત વસ્તુ છે કે એનો નાશ કરવો મુશ્કેલ છે. ગમે તેમ પણ એમ માનવું કે નવીનતર ટેક્નોલૉજી જૂનાને નાબૂદ કરશે એના જેવી ભ્રામક બીજી વસ્તુ નથી. પુસ્તક ઉપરના મૃત્યુ-લેખો જે આજે ઘણી સંખ્યામાં છે એ માત્ર અપરિપક્વ જ નહીં, પણ નરી બેવકૂફી છે. ટેલિવઝને રેડિયોની જગ્યા નથી લીધી. દાયકાઓ વીતી ગયા છતાં આજે દરેક મોટરકારમાં રેડિયો હોય છે. અને આપણે સવારે દોડવાની કસરત કરતાં હોઈએ છીએ ત્યારે પણ એને કાને લગાડેલો હોય છે. નવી ટેક્નોલૉજીઓ જૂનીને નાબૂદ નથી કરતી, પણ પુનઃ પુનઃ એના કાર્યને વ્યાખ્યાયિત કરતા રહીને એને માટે નવા અવકાશો ઊભી કરતી જાય છે. ‘To affirm the book today is to affirm the endurance of civilization against the rush of immediacy.’ છેવટે બૂરસ્ટિનને પૂછવામાં આવે છે કે ચોત્રીસ વર્ષ પહેલાં એમણે ‘The Image’ પુસ્તક લખ્યું એ પછી ઇમેજ-પ્રભાવિત સંસ્કૃતિ કેવી રીતે બદલાઈ છે? એ પ્રત્યુત્તર વાળે છે કે આજે self-generating momentum—ગતિમાત્રા ઘણી મોટી છે. એને જરૂરિયાત સાથે કંઈ સંબંધ નથી. આ બિનજરૂરિયાત માટેની જરૂરિયાત જ આજે ઘણી ફેલાયેલી છે. ટેક્નોલૉજીનું સ્વરૂપ જ એવું છે કે જરૂરિયાતની દરકાર કર્યા વગર પેદાશો વધાર્યા કરવી. સ્પીશીઝની જીવી જવાની ક્ષમતા પ્રાકૃતિક પસંદગી આધારિત હતી તો એમ કહી શકાય કે યંત્ર-રાજ્ય કૃત્રિમ પસંદગી આધારિત છે. ટેક્નોલૉજીનો દરેક વિસ્તાર બીજા વિસ્તારોને ઊભા કરે છે અને ગતિ જોર પકડતી રહેતી હોય છે. ક્ષેત્રની જીવનક્ષમતાનો આધાર એની પોતાની જરૂરિયાત ઊભી કરવાની શક્તિ ઉપર હોય છે. માનવીય પ્રગતિ એવી આત્મશક્તિમાંથી જન્મે છે કે ન તો એને ઘેરી લઈ જઈ શકાય કે ન તો એની ખોજને બદ્ધ કરી શકાય. ટેક્નોલૉજીનાં મૂંઝવતાં પરિણામો માટે, ગમે ત્યારે કંઈક અનપેક્ષિત ઊભું થઈ જાય એ અર્થે સહિષ્ણુતાની જરૂર છે. સરમુખત્યારી સમાજો એના ગુણોને વધારીને કહે છે; મુક્ત સમાજો એના દુર્ગુણોને વધારીને કહે છે. દુર્ગુણોને વધારીને કહેવું વધારે સલામત છે. એ મુક્ત સમાજ માટે એક પ્રકારનું રક્ષણ છે. આપણી લોકશાહીની આખરી કસોટી એ છે કે કોઠાસૂઝ વાપરી વિજ્ઞાન અને ટેક્નોલૉજીમાં રહેલા વિરોધાભાસના વિકાસને માન્ય કરવી. ડેનિયલ બૂરસ્ટિને ટેક્નોલૉજીને અને ખાસ કરીને મીડિયા-ટેક્નોલૉજીને લઈને અહીં ચિંતન કર્યું છે. સૂઝપૂર્વક એમણે પ્રશ્નની અનેક બાજુઓ તપાસી છે. તાત્કાલિકતા સામે પુસ્તકની ભૂમિકાનું એમણે સુરેખ વર્ણન કર્યું છે. લોકશાહીમાંનો કર્મકાંડનો અભાવ ટીવીના કાર્યક્રમોથી કેવી રીતે દૂર થાય છે તે બતાવ્યું છે. છેવટે એમણે જણાવ્યું કે વિકાસના આપણે એવા મુકામે પહોંચ્યા છીએ જ્યારે ટેક્નોલૉજીને એના વિરોધાભાસો સાથે માન્ય કરી કોઠાસૂઝથી કામ પાર પાડવાનું છે. છતાં લાપરવાહીપૂર્વક જે છેવટે એમણે કહી દીધું કે કોઠાસૂઝપૂર્વક ટેક્નોલૉજીને માન્ય કરવી એથી આપણને સમાધાન થતું નથી. એ પોતે કહે છે કે ટેક્નોલૉજીનું સ્વરૂપ જ એવું છે કે જરૂરિયાતની દરકાર કર્યા વગર પેદાશો વધાર્યા કરવી. કેવું ભયાનક ચિત્ર આપણી સમક્ષ ઊભું થાય છે! – બિનજરૂરી પેદાશોનો આ રાક્ષસી ઘટાટોપ! એની સમક્ષ એક એકલો અટૂલો અસહાય માનવી. માહિતીયુગનું વિશ્લેષણ કરી ધસમસતા માહિતી- પ્રવાહની વાત પણ એમણે કરી છે અને માહિતીની દોટ સાથે જ્ઞાન કેવી રીતે પાછળ રહી જાય છે એ બતાવ્યું છે. ખાસ્સી ચિંતા થાય એવી વાત છે. ટેક્નોલૉજીની વિરુદ્ધ તો આપણે કેવી રીતે હોઈએ? અનેક સુવિધાઓ આપણને એથી પ્રાપ્ત થઈ છે. સ્ત્રીની તો રસોડામાંથી મુક્તિ જ ટેક્નોલૉજીને આભારી છે. પણ ટેક્નોલૉજી આજે જે તબક્કે પહોંચી છે ત્યારે એની આ જ ગતિમાત્રા હોય તો સમતોલ વિકાસ માટે કઈ શક્યતા? વર્ગભેદ, શોષણનો પ્રશ્ન કેવી રીતે હલ થઈ શકે? એક બાજુ ફેક્સ શોધાય છે તો બીજી બાજુ સામાન્ય લોકોને આશીર્વાદરૂપ ટપાલ સેવાઓ કથળતી જાય છે. એક બાજુ ગ્લોબલ વિલેજની વાત છે તો બીજી બાજુ એક દેશમાંથી બીજા દેશમાં જવા માટેના નિષેધો વધતા જાય છે. પહેલા વિશ્વયુદ્ધ પહેલાં એટલે ૧૯૧૪ની સાલ પહેલાં કોઈ પણ દેશમાં જવા માટે પાસપોર્ટની જરૂર પડતી નહીં. ઇચ્છા થતાં સ્ટીમરમાં બેસી સફરે ઊપડી જવાતું. આવાં તો અનેક દ્વન્દ્વો નજરે પડે. ડેનિયલ બૂરસ્ટિનની ચિત્રાત્મક રજૂઆત આપણને અનેક રીતે વિચારતા કરી મૂકે છે. અને આ જ તો એમના લેખનું જમા પાસું છે. એમને સલામ.
તા. ૨૦.૦૬.૯૬