પ્રતીતિ/થોડુંક અંગત નિવેદન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


થોડુંક અંગત નિવેદન

મારા આ વિવેચનગ્રંથમાં પ્રસ્તાવના રૂપે કશુંક લખવાનું હું વિચારતો હતો, ત્યાં અંદરથી એક એવો વિચાર ઊપસી આવ્યો – ગ્રંથસ્થ કરેલાં આ લખાણો પોતે જ કશુંક કહેતાં હોય, તો હવે વધુ શું? અને હું એ સાથે વિરમી જવા ઝંખું છું. ત્યાં બીજો વિચાર પડઘાતો આવ્યો – આ પ્રકારનાં લખાણો પાછળ કયું બળ છે? અને અંતરમાં ઊંડે ઊતરવાનો પ્રયત્ન કરું છું ત્યાં આછા અંજવાશમાં એક વસ્તુ આકાર લેતી મેં પ્રત્યક્ષ કરી. એ વસ્તુ હતી : શબ્દમાં આસ્થા. એવી કોઈ આસ્થા જ આ લખાણોના પ્રકાશનમાં ય કામ કરી રહી છે. અહીં ગ્રંથસ્થ કરેલાં વિવેચનનાં લખાણો પૈકીનાં ઘણાંએક તો આપણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને સાહિત્યિક સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા પરિસંવાદો નિમિત્તે જન્મ્યાં છે : તો બીજાં લખાણો પાછળ આપણાં અગ્રણી સાહિત્યિક સામયિકો અને સંશોધનનાં જર્નલોના તંત્રીશ્રીઓનાં સ્નેહભર્યાં આમંત્રણો રહ્યાં છે. એ સર્વ મહાનુભાવોને હું અત્યારે ભાવપૂર્વક સ્મરું છું અને તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારે નિખાલસપણે કહેવું જોઈએ કે ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની ઉદાર આર્થિક સહાય મળી ન હોત તો આ પુસ્તકનું ભાવિ અંધકારમય બની રહ્યું હોત. આ પ્રસંગે અકાદમીના માનનીય સભ્યશ્રીઓ, મહામાત્રશ્રી અને અન્ય અધિકારીશ્રીઓ તેમજ આ ગ્રંથના પરામર્શકશ્રીનો અંતરથી આભાર માનું છું. આ વેળા મારા કેટલાક વિષમ સંજોગોની વચ્ચે આ પુસ્તકના મુદ્રણની વ્યવસ્થા કરવાનું પાછળ ને પાછળ ઠેલાતું જ ગયું. એવા સંજોગો વચ્ચે ય સર્વશ્રી રાકેશભાઈ દેસાઈએ પૂરા સદ્‌ભાવ સાથે આ કામ સ્વીકાર્યું અને ટૂંકા ગાળામાં એનું મુદ્રણકામ પૂરું કરી આપ્યું. એટલું જ નહિ, પૂરી કાળજી લઈ એનું અતિ સુઘડ અને રુચિકર મુદ્રણ કર્યું. તેમના આ સહકાર માટે સાચે જ હું તેમનો અંતરથી ઋણી બન્યો છું. લોકસાહિત્યાલય, આણંદના પ્રોપ્રાયટર્સ સર્વશ્રી હરેન્દ્રભાઈ ભટ્ટે પૂરા ઉત્સાહથી આ પુસ્તકના વેચાણની જવાબદારી ઉપાડી લીધી તે માટે તેમનો ય આભાર માનું છું.

તા.૨૧-૧૧-’૯૧
વલ્લભવિદ્યાનગર

– પ્રમોદકુમાર પટેલ