બાપુનાં પારણાં/એ ત્રણસોને –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એ ત્રણસોને –
ઢાળ– 'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ.'

તમારું સ્થાન ત્યાં ન્હોતું—ન દિલ્હીની દિશામાં
ન ચર્ચા કે દલીલો કાકલૂદી વેરવામાં.
અરે એ પાયતખ્તોની કબર પર ઝૂકવામાં
અને લોબાન મોંઘો બાળવામાં સ્થાન ન્હોતું.

અરેરે ઉત્તરે ચાલ્યા ગયા દક્ષિણ ભૂલી! પ
દિશા સાચી હતી, પાસે હતી, તેને જ ભૂલી,
અહીં આત્મા હતો, ત્યાં ખોળીઉં એ વાત ભૂલી,
કદમ ભૂલી પ્રભુના મસ્તકે ચડવા ગયા શું!

તહીં બેઠા રહી થપ્પડ સહી, વક્કર ગુમાવ્યો,
ખસમ બે આઈ ઘેલી! ક્યાંઈ બેટો હાથ ના'વ્યો, ૧૦
વલોવ્યાં નીર યમુનાનાં ન પીંડો બ્હાર આવ્યો,
ન સામો સાદ આવ્યો તો ય શું બેઠા રહ્યા ત્યાં?

કહ્યું જો હોત કે 'થાનક અમોએ ફેરવ્યાં છે,
અમારો ધાન-થાળી ને પથારો ત્યાંજ ત્યાં છે,
'અમારાં કરબલા કાશી અને કૈલાસ ત્યાં છે, ૧૫
'હૃદય ત્યાં છે, મગજ ત્યાં છે, સમુચ્ચો પ્રાણ ત્યાં છે –

અમે એ ધૂળમાં બેસી ભજન ગાશું પ્રભુનાં,
'હશે જો આંખમાં તો ખેરશું બે આંસુ ઊનાં;
'ચડ્યા છે થાક તે ખંખેરશું અમ કાળજૂના:,
અરે જો એટલું કહેવા હતે બળ વાપર્યું ના! ૨૦

તો —

બચત કાગળ કલમ રૂશનાઈ, થોડાં થૂક મોંના,
બચત ઈજજત અને અરમાન ઘરની ઓરતોનાં,
ઉકાળા લોહીના પણ ઉગર્યા હત આપના સૌના;
વળી પરખાત પણ નૈ, છો કથીર કે શુદ્ધ સોનાં!