બાપુનાં પારણાં/ખમા! ખમા! લખ વાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ખમા! ખમા! લખ વાર
(ગાંધીજીનાં અગણોતેરમા જન્મદિને ત્રણ પંક્તિના દુહા)


બીજાને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર;
લ્યાનત હજો હજાર, એહવા આગેવાનને.

બીજાંને બથમાં લઈ, થાપા થાબડનાર,
પોતાનાં વડિયા કરે કદમે રમતાં બાળ;
ખમા ખમા લખવાર એહવા આગેવાનને.
સિંહણ-બાળ ભૂલી ગયાં, ખુદ જનનીની કૂખ,
આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ;
મુગતિ કેરી ભૂખ, જગવણહાર ઘણું જીવો!

પા પા પગ જે માંડતાં, તેને પ્‍હાડ–ચડાવ ૧૦
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ;
રાતા રંગ ચડાવ, એહવા આગેવાનને.

'બમણા વધજો બેટડા! (અને) શિષ્ય સવાયા થાય!'
એ તો કહેણી રહ ગઈ, રહેણી કિહાં કળાય?
પ્યાલા ભરભર પાય (એવો) મૂર્શદતો એકજ દીઠો. ૧૫

પગલે પગલે પારખાં, દમ, દમ અણઈતબાર,
શાપો ગાળો અપજશો ભરિયા પોંખણ–ચાળ;
કૂડાં કાળાં આળ, ખમનારા! ઝાઝી ખમા.

બાબા! જીત અજીત સબ, તેં ધરિયાં ધણી–દ્વાર,
મરકલડે મુખ રંગિયાં, દિલ રંગ્યાં રુધિરાળ;
દિયે ભરી વરાળ, હસનારા! ઝાઝી ખમા.​