બાબુ સુથારની કવિતા/વરસાદ પડી રહ્યો છે
૨૮. વરસાદ પડી રહ્યો છે
વરસાદ પડી રહ્યો છે.
થાય છેઃ હું મારા વાડામાં આવેલી
જામફળીનો હાથ ઝાલીને નીકળી પડું.
થાય છેઃ જાઉં કોતરે
અને કહું કોતરના પાણીને કે
મને પાછાં આપે મારાં પગલાં
મેં એને આપ્યાં હતાં ખડકાળ ભૂમિ પર ચાલવા માટે,
જાઉં તળાવે અને માગી લઉં પેલી રાજકુંવરીના ઝાંઝર
જે મેં એને આપ્યા હતા એક વાર્તામાંથી ચોરી લાવી ને.
હવે તો એનાં જળને ઝાંઝર પહેરવાની જરૂર નહીં હોય.
જાઉં ડુંગરે અને માગી લઉં પેલા પથ્થરો
નીચે મૂકી રાખેલા મારા દૂધિયા દાંતને
હવે તો એને પોતાના દાંત ફૂટી નીકળ્યા હશે
લાવ, જવા દે આજે બહાર
હવે સમય થયો છે
ઈશ્વરે આપેલું ઈશ્વરને
પાછું આપવાનો.
લાવ જવા દે
ગામછેડાની માતાએ
ચાલ, મારા હૃદય પર ફૂટેલાં
મેઘધનુષનાં બે પાંદડાંમાંથી એક પાંદડું
ચડાવી આવવા દે
વરસાદ પડી રહ્યો છે
લાવ જવા દે બહાર મારા વાડામાં આવેલી જામફળીનો હાથ ઝાલીને.
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)