બાબુ સુથારની કવિતા/સર્જક-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જક-પરિચય

બાબુ સુથાર

તેમનું જન્મસ્થળ વીરપુર તાલુકાના (ત્યારનું બાલાસિનોર) ભરોડી ગામ છે. જન્મ તારીખ (શાળાના પ્રમાણપત્ર પ્રમાણે) પહેલી જૂન, ૧૯૫૫. પિતા કોહ્યાભાઈ માંડ બે કે ત્રણ ચોપડી ભણેલા અને માતા આનંદીબેન પહેલીમાંથી ઊઠી ગયેલાં. પ્રાથમિક શિક્ષણ ભરોડીમાં અને જીતપુરામાં (પાવાગઢ પાસે, પંચમહાલ) લીધેલું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સી.એમ. દેસાઈ હાઈસ્કૂલ, વીરપુર અને ઘડિયાના ટીમ્બા ખાતે મેળવ્યું. ઉચ્ચશિક્ષણ પહેલાં બે વર્ષ મોડાસા કૉલેજ અને ગોધરા કોમર્સ કૉલેજમાં લીધું. શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, ગોધરામાંથી ગુજરાતી અને હિન્દી વિષયો સાથે બી.એ.ની ડીગ્રી મેળવી. ત્યારબાદ એમ.એસ. યુનિવર્સિટીમાંથી બે વાર એમ.એ.; એક ગુજરાતી વિષય સાથે, બીજું ભાષાશાસ્ત્ર સાથે કર્યું. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેલિયામાંથી ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડીગ્રી મેળવી. અને ત્યાર બાદ વધુ એક એમ.એ. સિનેમા સ્ટડીઝમાં પણ કર્યું છે. પરંતુ ડિઝર્ટેશન બાકી હોવાને કારણે ડીગ્રી નથી લીધી. પ્રારંભે પહેલાં ટેલિફોન ઓપરેટર તરીકે (ગોધરામાં અને વડોદરામાં) સેવાઓ આપી. ત્યારબાદ આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, સંતરામપુર અને મણીબેન નાણાવટી વિમેન્સ કૉલેજ, મુંબઈમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે જોડાયા. તેમણે ભાષાશાસ્ત્ર વિભાગ, એમ.એસ. યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના અધ્યાપક તરીકે અને ૧૯૯૭માં અમેરિકા ગયા પછી ત્યાંની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષા અને સાહિત્યના અધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેલિયામાંથી અધ્યાપક તરીકે નિવૃત્ત થયા બાદ થોડો સમય હેલ્થ કેરમાં પણ કામ કર્યું. આ બધા વચ્ચે સાહિત્ય અને ભાષાશાસ્ત્ર ક્ષેત્રે સતત પ્રવૃત્ત રહ્યા અને હજુ પ્રવૃત્ત છે. આ ઉપરાંત બાબુ સુથારે પરદેશગમન પહેલાં ‘ગુજરાત સમાચાર’, અને ‘સંદેશ’માં સબ એડિટર તરીકે પણ સેવા આપી હતી.

લેખનઃ

સાત કાવ્યસંગ્રહો, પાંચ નવલકથાઓ, ચાર વિવેચન ગ્રંથો, એક દીર્ઘ કાવ્યનો અનુવાદ. પંદરેક પુસ્તકો થાય એટલું અગ્રંથસ્થ જેમાં વાર્તાઓ, નવલકથાઓ, કાવ્યસંગ્રહો, ગ્રંથસમીક્ષાઓ, વિવેચનો, અને અનુવાદોનો સમાવેશ થાય છે. તેમણે દસ વરસ સુધી ‘સન્ધિ’ સામયિકનું સંપાદન પણ કર્યું. અત્યારે ‘ઊહાપોહઃ૨’ નામના સામયિકનું સંપાદન કરે છે. તેમના રસનાં ક્ષેત્રો ફિલસૂફી, સાહિત્ય, નૃવંશવિજ્ઞાન, ડિજિટલ સંસ્કૃતિ, સિનેમા (ખાસ કરીને નાના દેશોનું) અને સમકાલીન રાજકીય ઘટનાઓ છે. ફેઈસબુક જેવા સમૂહમાધ્યમ પરના તેમનાં લખાણો અને ચર્ચાવિચારણા વિચારોત્તેજક બની રહે છે.

મો.: +૧(૮૧૪)-૨૭૯-૯૭૪૪
ઈ-મેઈલ : basuthar@gmail.com