બાબુ સુથારની કવિતા/હું સૂતો હતો ને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૯. હું સૂતો હતો ને


હું સૂતો હતો ને કેટલાક માણસો આવ્યા. એ લોકોએ હું જીવતો હોવા છતાં મને એક નનામી પર બાંધી દીધો. કોણ જાણે કેમ મેં પણ એમનો કોઈ વિરોધ ન કર્યો. પછી એ લોકો મારી નનામી લઈને ચાલવા લાગ્યા. એ લોકો કદાચ મને સ્મશાનમાં લઈ જતા હશેઃ હું એવું વિચારતો હતો, ત્યાં જ એક મેદાન આવ્યું. મેદાનમાં ચારે બાજુ ફાંસીના માંચડા હતા અને માંચડે-માંચડે એક-એક ગાળિયો લટકતો હતો. મેં નનામી પર પડ્યા પડ્યા જોયું તો એ ગાળિયે-ગાળિયે એક-એક કાગળો અને એક-એક ઉંદર વારાફરતી એકબીજાની સાથે રતિક્રીડા કરી રહ્યા હતા. મને નનામી પર બાંધીને લઈ જઈ રહેલા લોકો એ કાગડાઓ અને ઉંદરો તરફ જોઈને બોલતા હતાઃ “ઘણી ખમ્મા અન્નદાતા, ઘણી ખમ્મા.” મેદાનમાં થોડેક સુધી ગયા પછી એ લોકોએ મારી નનામી નીચે ઉતારી. મને એમ કે એ લોકો હવે નનામી છોડી નાખશે અને હું મુક્ત થઈ જઈશ, પણ એવું ન થયું. એમણે મને ઇશારો કરીને કહ્યું કે મારે સૂઈ જ રહેવાનું છે. હું એમના ઇશારા પ્રમાણે વર્ત્યો. એ દરમિયાન એ લોકોએ અંદરોઅંદર કંઈક ગુપસુપ કરી. પછી એ લોકો મને એક ખડક પર લઈ ગયા અને મને એમણે મને મારી નનામી સહિત એ ખડક સાથે બાંધી દીધો. મેં ત્યાં પડ્યા-પડ્યા જોયું તો મારી બરાબર સામે જ દીવાલ જેવડો એક આયનો હતો. મેં એ આયનામાં જોયું, ત્યાં જ કોણ જાણે ક્યાંથી એક ગીધ આવ્યું અને મારી પાસે બેઠું. હું એની ડાબે-જમણે થતી ડોક બરાબર જોઉં ન જોઉં ત્યાં તો બીજાં કેટલાંય ગીધ એક પછી એક આવીને બેસી ગયાં, મારી ચોતરફ. મને યાદ આવી મારી બોડી ભેંસ. હું નાનો હતો ત્યારે મેં ઘણી વાર ગીધોને પશુઓના મૃતદેહો આ રીતે બેસીને ફોલી ખાતાં જોયેલાં. મારી બોડી ભેંસ મરી ગઈ ત્યારે મેં નક્કી કરેલું કે હું ગીધોને એના મૃતદેહની આસપાસ ફરકવા પણ નહીં દઉં, પણ કમનસીબે હું એના મૃતદેહને ગીધોથી બચાવી શકેલો નહીં. ગીધો સાચે જ ખૂબ ચાલાક હોય છે. એમને ઉડાડવા માટે ગમે એટલા પ્રયાસો કરીએ આપણે એમાં ભાગ્યે જ સફળ થતા હોઈએ છીએ. મારી બોડી ભેંસને ખાવા આવેલાં ગીધોને ઉડાડવા માટે મેં એમના પર કંઈ કેટલાય પથ્થર નાખેલા. મને બરાબર યાદ છેઃ જ્યારે પણ હું પથ્થર નાખતો ત્યારે ગીધ ખસી જતાં અને પથ્થર મારી બોડી ભેંસને વાગતો. એનાથી દુઃખી થઈને મેં આખરે એ ગીધોને ઉડાડવાનું બંધ કરેલું. પછી એ ગીધો એકબીજા સામે કરાંજિયાં કરતાં, એકબીજા પર ચાંચથી અને પાંખથી પ્રહાર કરતાં, બોડીને ખાવા લાગેલાં, પણ મારી આસપાસ ટોળે વળેલાં ગીધો તો ભારે શિસ્તબદ્ધ હતાં. એ એકબીજા સામે કરાંજિયાં કરતાં ન હતાં. એ એકબીજા પર ચાંચથી કે પાંખથી પ્રહાર પણ કરતાં ન હતાં. મને લાગ્યું કે આ ગીધડાંએ સંપીને ખાઈ જવાનું નક્કી કર્યું હશે. મને એમ પણ લાગ્યું કે એમણે મન ખાવા માટે જ એકબીજા સામે કરાંજિયાં ન કરવાં અને એકબીજા પર પ્રહાર પણ ન કરવો એવો કરાર કર્યો હશે. એ દરમિયાન મને એક તામ્રપત્ર દેખાયું. એમાં મને ન સમજાય એવી ભાષામાં કંઈક લખેલું હતું અને એ લખાણની નીચે મને સમજાય એ રીતે ગીધોના હસ્તાક્ષર હતા. હું વધુ કંઈક વિચારું એ પહેલાં જ એક ગીધે મને ચાંચ મારી અને પહેલા ઝાટકે જ એણે મારા શરીરમાંથી ખાસ્સો, ખમીસના કૉલર જેવડો માંસનો ટુકડો તોડી લીધો. કોણ જાણે કેમ મને એનાથી કોઈ પીડા ન થઈ. પછી બીજા ગીધે પણ એમ કર્યું. પછી ત્રીજા ગીધે. પછી બધા ગીધો વારાફરતી, શિસ્તબદ્ધ, વારાફરતી આવી મને ખાવા લાગ્યાં. હું એ બધું મારી સામે મૂકવામાં આવેલા દર્પણમાં જોઈ શકતો હતો, પણ કોણ જાણે કેમ તેઓ મારી આંખ પર પ્રહાર કરતા ન હતાં. કદાચ તેઓ ઇચ્છતાં હતાં કે હું મારા મરણનો સાક્ષી બનું. છેલ્લે જ્યારે મારા શરીરમાં માંસનો એક પણ ટુકડો ન રહ્યો ત્યારે ક્યાંકથી એક વિચિત્ર પક્ષી આવ્યું અને મારી પાંસળીઓ પર બેઠું. એના ભારથી મારી પાંસળીઓ જરા નીચી નમેલી. એ સાથે જ પહેલી વાર મને અસહ્ય પીડા થઈ. હું ચીસ પાડવા ગયો, પણ મારા જડબાં પર કોઈ સ્નાયુઓ ન હતા. એટલે મારું જડબું યંત્રની જેમ જરાક પહોળું થઈને બંધ થઈ ગયેલું. મેં જોયું તો એ પક્ષીનો અડધો દેહ કાગડાનો હતો અને અડધો ઉંદરનો. હવે મને દર્પણ દેખાતું ન હતું. એને બદલે મને હવે પેલું પક્ષી જ દેખાતું હતું. પછી એ પક્ષીએ વારાફરતી મારી બંને આંખો ફોડી નાંખી. તે વખતે મને મારા ગાલ પરથી વહેતા ઉષ્ણ લોહીનો અનુભવ થયેલો. મારાં જડબાં પર સ્નાયુઓ તો હતા નહીં તો મને એવો અનુભવ કઈ રીતે થયો હશે એવું હું વિચારતો હતો તે દરમિયાન મેં પેલા લોકોને ‘ઘણી ખમ્મા અન્નદાતા, ઘણી ખમ્મા’ એવું બોલતાં સાંભળેલા.

(‘ઉદ્વેગ’ માંથી)