બાળ કાવ્ય સંપદા/જંગલ જંગલ રમીએ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જંગલ જંગલ રમીએ...

લેખક : નટવર હેડાઉ
(1955)

ધમ્માચકડી પકડાપકડી, આવો આપણે કરીએ,
વૃક્ષોનો વેશ લઈને, જંગલ જંગલ રમીએ.
એક ઝાડથી બીજે ઝાડ કૂદીને, હુપાહુપ એમ કરીએ,
વિનુ વાંદરો મનુ મોગલી, જંગલ જંગલ રમીએ.
પીંકી બન તું પતંગિયું, આવ ફૂલે ફૂલે ફરીએ,
વન-ફૂલોની સુગંધ લઈને, જંગલ જંગલ રમીએ.
હરણાં ને ઝરણાંની સંગે, આવો કૂદાકૂદ કરીએ,
પહાડો ને મેદાનો ખૂંદી, જંગલ જંગલ રમીએ.
સાપ ને અજગર બની સરકીએ, દ૨ ઊંડાં ઊંડાં કરીએ,
સસલાં ને શાહુડી સંગે, જંગલ જંગલ રમીએ.
દીપડો દેખી ડરી ન જઈએ, વાતો તેનાથી કરીએ,
રીંછની જેમ હલાવી માથું, જંગલ જંગલ રમીએ.
હાથીભાઈના કાનમાં જઈ, વાત કોઈ મજાની કરીએ,
કાન હલાવી સૂંઢ ડોલાવી, જંગલ જંગલ રમીએ.
સિંહભાઈ જંગલના રાજા, તેને સૌ સલામ કરીએ,
કૂવામાં પ્રતિબિંબ બતાવી, જંગલ જંગલ રમીએ.
વાઘ વિકરાળ બની આપણે, હાઉ... હાઉ... કરીએ,
ચાલ રુઆબી ચાલીને આવો, જંગલ જંગલ રમીએ.
દિનુ દેડકો, કનુ કાચબો, બની ડ્રાંઉં ડ્રાંઉં કરીએ,
વરસાદ આવતાં નીકળી પડીએ, જંગલ જંગલ રમીએ.
મોર બની તું નાચ મયૂરી, સારસની સંગે ઊડીએ,
પંખીની જેમ પાંખો લગાવી, જંગલ જંગલ રમીએ.
કબૂતરની જેમ કરીએ ઘુ.. ઘુ... કોયલની જેમ ટહુકીએ,
ચકલીની જેમ ચીં... ચીં... કરતાં, જંગલ જંગલ રમીએ.
બે હાથે બીજ ખોતરી ખાઈએ, ખિસકોલીની જેમ કરીએ,
એક ડાળથી બીજી ડાળે ઘૂમતાં, જંગલ જંગલ ૨મીએ.
‘વનવિહારી’ સંગે આવો, વન વગડામાં ફરીએ,
વનકેડીઓ ખૂંદી વળીએ ને, જંગલ જંગલ રમીએ.