બૃહત્ પિંગળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Bruhat Pingal cover.jpg


બૃહત્ પિંગળ

રામનારાયણ વિશ્વનાથ પાઠક

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

બૃહત્ પિંગળ (1955) : ગુજરાતી કવિતાના સંદર્ભમાં પિંગળશાસ્ત્રની સર્વગ્રાહી ચર્ચા કરતો પ્રશિષ્ટ ગ્રંથ. ‘બૃહત્ પિંગળ’ રા. વિ. પાઠકના ગુજરાતી પિંગળના અધ્યયન અને સંશોધનનો નિચોડ આપતો, પંદર પ્રકરણો અને વીસ પરિશિષ્ટોમાં વહેંચાયેલો લગભગ સાત સો પૃષ્ઠોમાં વિસ્તરેલો ઉત્તમ ગ્રંથ છે. તેમણે પિંગળની ર્દષ્ટિએ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કવિતાની અને ખાસ કરીને ગાંધીયુગ સુધીની અર્વાચીન ગુજરાતી કવિતાની તાસીર તપાસી છે. અપભ્રંશ અને જૂની ગુજરાતીના અક્ષરમેળ અને માત્રામેળ છંદો, દેશીઓ, યતિ, પ્રાસ વગેરેની એમાં વિગતે ચર્ચા છે. ગુજરાતી કવિતામાં પ્રયોજાતી દેશીઓનું વિશ્લેષણ ને વર્ગીકરણ કરી તેના સંગીત સાથેના સંબંધની ચર્ચાનો અહીં સમાવેશ થયો છે. આ ગ્રંથમાં એક તરફ વૈદિક છંદોથી શરૂ કરીને સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાના પ્રયોગ સુધીની ચર્ચા છે તો છંદ ને અક્ષરથી શરૂ કરીને પિંગળની અનેક પારિભાષિક સંજ્ઞાઓની સ્પષ્ટતા કરી, છંદોનાં મેળમિશ્રણો તથા પ્રકારોની, ડિંગળ, ગઝલ ને ઓવી, અભંગ, દેશી કે પદ વગેરેની પણ વિસ્તૃત ચર્ચા છે. છંદોની વિશ્લેષણ-વર્ગીકરણની પદ્ધતિ વિશે પણ અહીં વિચારણા થઈ છે. ભાષાની માફક છંદોલય પણ જમાને જમાને નવાં રૂપ ધરતો આવતો ને કાવ્યતત્વ સાથે જીવાતુભૂત સંબંધ ધરાવતો ઘટક છે એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે.

1939માં ગુજરાત વિદ્યાસભાના આમંત્રણથી પિંગળનું કામ કરવાનું રા. વિ. પાઠકે માથે લીધું હતું. 1940ના જુલાઈથી પુરુષાર્થ આરંભાયો. અભ્યાસ, સંશોધન, મનન-લેખન અને સર્વાંગીણ આયોજન 1955 સુધી ચાલ્યું. આ ગ્રંથ અત્યંત પારિભાષિક લખાણવાળો હોઈ, તેના મુદ્રણાદિમાં પણ ઘણાં સમય-શક્તિ ખરચાયાં હતાં. 16 વર્ષ સુધી સતત સંશોધન-અધ્યયન કરી આ મહાગ્રંથ નિર્માણ પામ્યો છે. વેદકાળથી સાંપ્રતકાળ લગીની પિંગળરચનાનું ખંતપૂર્વકનું ક્રમિક દર્શન, વ્યાપ અને ઊંડાણ સાથે કરાવવાનો અહીં ઉપક્રમ છે. કાવ્યમાં છંદનું સ્થાન, ગુજરાતી ઉચ્ચારણોના સંદર્ભમાં લઘુગુરની ચર્ચા, અક્ષરનું સ્વરૂપ, વૈદિક છંદોનું સ્વરૂપ અને પ્રકારો, અક્ષરમેળ છંદોનું સ્વરૂપ, માત્રામેળ, સંખ્યામેળ છંદો, ડિંગળના છંદો, દેશી, પદ, ગઝલનું સ્વરૂપ વગેરે વિશે પિંગળ-શાસ્ત્રીઓએ કરેલાં મંતવ્યોની ફેરતપાસ છે. માત્રામેળ છંદોના સંધિઓના તાલ અને સંગીતના તાલ વચ્ચે બતાવેલો સંબંધ, ગઝલના છંદોને માત્રામેળ છંદો જેવા, ધનાક્ષરી, મનહર અને અનુષ્ટુપની સંખ્યામેળ છંદો તરીકે – આ બધા છંદોનું અક્ષરમેળ કરતાં માત્રામેળ છંદો સાથેનું મળતાપણું – વગેરે છંદશાસ્ત્ર વિશેનાં એમનાં નિરીક્ષણો મૌલિક તેમજ માર્મિક છે. સમર્થ પિંગળશાસ્ત્રી તરીકેની પાઠકસાહેબની શક્તિની પ્રતીતિ કરાવતા આ ગ્રંથને સાહિત્ય અકાદમી–દિલ્હીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. — વીણા શેઠ
‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર