બૃહદ છંદોલય-અન્ય/ઉમાશંકરને(સાઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઉમાશંકરને(સાઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે)

આયુષ્યની અર્ધી સદી હજુ વટાવી ન હતી
ત્યારે આઘીપાછી નજર તો, કવિ, તમે નાખી હતી;
ત્યારે તમે કહ્યું હતું, ‘ગયાં વર્ષો –
ખબર ન રહી કેમ ગયાં!’
રહ્યાં વર્ષો તેમાં અવનિનું અમૃત જે
પ્રણય આકંઠ પીવો હતો.
સમુદ્રમંથન સમે ચૌદ રત્નો વિશે
પ્રેય જે કૈં હતું, અન્ય સૌએ વ્હેંચી લીધું;
વિષ રહ્યું, કોઈકે તો પીવું –
નામ તમે સાર્થક શું કરી રહ્યા!
વિષ હો કે અમૃત હો, યથાર્થ જ સુપથ્ય હો!
સમજવું, સદા બસ સમજવું;
જે કૈં, જેટલું કૈં શક્ય હોય સમજ્યાં જ જવું,
અમૃત એ.
આજ અહીં તમારા સૌ મિત્રો તમારા જ ઘરમહીં
તમારું સ્વાગત કરે,
એવા તમે ચિરઅતિથિ શા નિજ ગૃહે, પૃથ્વી પરે,
નિજ-પર સૌનાય અહમ્ની સામે
નિજ-પર કેટલાય સંસારના જીવો વચ્ચે
સતત જે યુદ્ધે મચ્યો,
યુદ્ધનીયે વચ્ચે સદા ‘શાંતિ, શાંતિ’ રટી રહ્યો
તમારો આ આત્મા
તેને આજ અભિનંદે, અભિવંદે,
‘વિશ્વશાંતિ’થી ‘અભિજ્ઞા’
તમારી એ કાવ્યયાત્રા, આયુર્યાત્રા –
વિશ્વશાંતિ? ક્યાં છે શાંતિ? નથી. સૌને અભિજ્ઞા છે.
છતાં આજ આટલું તો કહીશું જ  :
તમારાં આ સાઠ વર્ષો વ્યર્થ નથી ગયાં.

૧૯૭૧