બે દેશ દીપક/આર્યસમાજનો ઉદ્ધારક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આર્યસમાજનો ઉદ્ધારક

એસમય તો સદાને માટે દૂર જ રહી ગયો. કલ્યાણમાર્ગના એ મહાન પ્રવાસીને સ્વમુખેથી જ પોતાના તીવ્ર જીવનસંગ્રામનો આ રોમાંચક ઈતિહાસ સાંભળ્યા પછી એના જીવનના આકાશચુંબી મિનારાઓ કેવી કેવી રીતે ચણાયા તે વૃત્તાંત તો આપણે જ એની છૂટીછવાયી નેાંધમાંથી તારવી લેવું રહ્યું છે કૈં કૈં અણમોલ ઘટનાઓ તો એમના એકલાના જ અંતરમાં ગુપ્ત પડી પડી આત્મનિવેદનને બીજો કોઈ અવસર શોધી રહી હશે, તે તો હવે એમની ચિતામાં જ ભસ્મ થઈ ચુકી છે. ચાલો પાઠક ગણ, આપણે હવે એ અમૃતઝરણી વાણીના અાત્મેાદ્ગારોની આશા ત્યજી દઈ, એણે પોતાની પાછળ મૂકેલા અનેક કીર્તિસ્થંભેનાં ઉપરછલાં જ દર્શન કરી લઈએ. નાસ્તિકતાનો એ પ્રબલ પ્રવાહ જે દિનથી આસ્થામાં પલટી જઈ વેદ ધર્મના પુનરૂદ્ધાર રૂપી મહાસાગર તરફ ચાલી નીકળ્યો, તે જ દિવસે એના સામર્થ્યની જાણ શહેરે શહેર થવા લાગી હતી. જાલંધરના આર્ય સમાજ તરફથી કહેણ મળ્યું કે ‘અમારી શાખાના પ્રધાન બનો!' મિત્રોનું આકરું દબાણ એને મૂંઝવવા લાગ્યું. પણ એની સચ્ચાઈ અને એનું ગાંભીર્ય એટલાં બધાં જાગૃત હતાં કે પોતે ઊંડા વિચારમાં પડી જઈ, પોતાની નબળાઈનો તોલ બાંધી, આખરે જાહેર કર્યું કે ‘ભાઈ, આર્યસમાજના પ્રધાનપદની જવાબદારી તો એક રાજના શાસન કરતાં પણ કઠિન કહેવાય!' સાંભળીને એના મિત્રો ખડખડ હસી પડ્યા. ‘અરે મુન્શીરામજી, રોકડા ચાર તો એના સભાસદો છે. છોકરાંની ઘેાલકી જેવી તો એની દશા છે. એમાં તમે એની રાજવહીવટ સાથે સરખામણી કરી નાખી, ભલા માણસ?' સાંભળીને મુન્શીરામજીનું ગાંભીર્ય પણ હાસ્યથી તૂટી પડ્યું. આવી એક નજીવી બાબતમાં પણ પોતે શા માટે વધુ પડતું મહત્ત્વ કલ્પી લીધું? પોતે જ લખે છે કે ‘સાધારણમાં સાધારણ પ્રશ્નને પણ હું જીવન-મૃત્યુનો પ્રશ્ન બનાવી લઉં છું. આ ઘટના પર નજર કરતાં જ સહુ સમજી જશે કે બીજાઓની પ્રત્યે પ્રેમભાવ રાખતા છતાં પણ મેં અનેકને શા કારણથી જાહેરજીવનમાં મારા શત્રુઓ બનાવી દીધા હતા!' નાનામાં નાની વાતમાં પણ પ્રાણ પરોવી દેવાની એ પ્રકૃતિ જલંધર સમાજનું સુકાન લેવાની સાથે જ ચમકવા લાગી. પ્રથમ જુમ્બેશ લીધી શાસ્ત્રાર્થોની લડત લડવાની. શાસ્ત્રાર્થોમાં પરાયી સહાય ન લેવાની એણે પ્રતિજ્ઞા કરી. વેદોની પુનરાવૃત્તિ આદરી. રોજ પ્રાત:કાળે અગ્નિહોત્ર પછી વીસ વીસ વેદ-મંત્રોનો પાઠ ચાલવા લાગ્યો. વેદ-ભાષ્યનો પણ સમય ઠરાવ્યો. વ્યાકરણ ન જાણવા છતાં યે મંત્રોમાંથી ઉચ્ચ, ગંભીર અને આશ્વાસક ભાવે આપોઆપ અનુભવાવા લાગ્યા. પંડિતોએ જ્યારે મુન્શીરામજીને વ્યાકરણની મદદ વિના પણ મંત્રોના ઊંડા મર્મો વલોવતા દેખ્યા, ત્યારે તેઓએ વિસ્મય પામીને ઉચ્ચાર્યું કે વેદના ભેદ પામવા માટે વિદ્વત્તા કરતાં વધુ અગત્ય તો માનસિક શુદ્ધિની જ છે.

ચપટી લોટ

હિન્દુ સમાજની જડતા તોડવા નીકળેલા આર્યસમાજ પંડિતોને, શાસ્ત્રીઓને અને લંપટ ધર્મગુરૂઓને મન તે હિન્દુત્વનો મહારિપુ હતો. અને તેથી એને ધાર્મિક મદદ દેનારા બહુ ઓછા હતા. એટલે પ્રાચીન દાન–પ્રણાલીને સજીવન કરવાની કલ્પના દોડાવીને મુન્શીરામજીએ તથા મિત્રોએ બે ફંડો કાઢ્યાં : એક ‘આટા ફંડ' ને બીજું ‘રદ્દી ફડ.' “આટા ફંડ” એટલે કે પ્રત્યેક રવિવારે આર્યસમાજનો સભાસદ ઘેર ઘેર જઈને ચપટી લોટ માગી આવે અને તેમાંથી સમાજનું કામ ચલાવે. આ પ્રથાનો પ્રચાર એટલે તો લોકપ્રિય બન્યો કે ‘દયાનંદ કોલેજ'ની આવકમાં તેનો હિસ્સો ઘણો મોટો બની ગયો. ઘણાં ખરાં ઘરોમાં તો ‘ધર્મ-ઘટ' એટલે કે ‘માટલી' જ મૂકવામાં આવી હતી અને ગૃહિણીઓ રોજ પ્રાતઃકાલે ઘંટીમાંથી લોટ ઉધરાવ્યા પહેલાં એક ચપટી લોટ આર્ય સમાજને નિમિત્તે એ ધર્મ-ઘટમાં પધરાવતી હતી. આ પ્રથા બનાવનાર કોણ હતો? એક ‘રમતારામ' નામનો લાંબો, પાતળો સાધુ હતો. એક વાર ઓચીંતો એ આર્યસમાજની સભામાં આવ્યો અને એક મર્મસ્પર્શી વ્યાખ્યાન કરી એણે ઉપરની યોજના સમજાવી. ત્યાર પછી એ ચાલ્યો ગયો. ફરી એનો પતો મળ્યો જ નથી. મુન્શીરામજી કહે છે કે ધર્મોદ્ધારના અગ્નિથી પ્રજ્જ્વલિત એ રમતારામ કોઈ ધૂમકેતુની માફક આવ્યો અને અદૃશ્ય થયો. નથી ખબર કે એવા કેટલા ધૂમકેતુઓ આવ્યા અને ગયા, કે જેને આર્યસમાજમાં ન કોઈએ જોયા કે ન પિછાન્યા.' ‘રદ્દી ફંડ'ની યોજના એવી હતી કે સભાસદોના ઘરમાં પ્રત્યેક મહિનાની અંદર જેટલા રદ્દી કાગળ એકઠા થાય, તે તમામને આર્યસમાજનો ચપરાસી ઉપાડી લાવે અને એને વેચી નાણાં કરે. આ ફંડની આવકમાંથી આર્યસમાજના પુસ્તકાલયને માટે પુસ્તકો તથા વર્તમાનપત્રો મગાવવામાં આવતાં, પોતાની સંસ્થાને આવું ગરીબીવ્રત ધારણ કરાવનારા મુન્શીરામજી દેશની હજારો સંસ્થાઓને જીવન ટકાવવાને કેટલો હળવોફૂલ માર્ગ જાતઅનુભવથી આચરીને બતાવી ગયા છે! સમાજનું પ્રધાનપદ મુન્શીરામને માટે જીવન-મૃત્યુના જ પ્રશ્ન જેવું હતું તેનું એક બીજું ઉદાહરણ મળી આવે છે. ગુરૂદાસપૂર આર્યસમાજના વાર્ષિકોત્સવ પર જતાં એને માલૂમ પડ્યું કે એ શાખાના સંચાલકો દારૂડીઆ, માંસાહારી અને શિકારી છે. એમાંના એક ભાઈએ તો ફીલ્લોર ગામના નવા ઊઘડેલા આર્યસમાજના મંદિરમાં જઈ, વેશ્યાઓ બોલાવી, સ્થાનિક મંત્રીઓને પણ પોતાના પાપમાં ભાગીદાર બનાવી પોતાનું મોં કાળું કર્યું હતું, ત્રીજે દિવસ ફિલ્લોર જતાં મુન્શીરામજીને માલુમ પડ્યું કે એ વેશ્યાએ, પોતાને પૈસા ન મળવા બદલ આ આર્યસમાજી મંત્રીઓની સામે સરકારમાં ફરિયાદ નોંધાવેલી, પણ ત્યાંના એક ખાનદાન મુસલમીન તહસીલદારે, આર્યસમાજી મંત્રીઓને બદનામીથી બચાવી લેવાને માટે વેશ્યાને પોતાના પદરના પાંચ-દસ રૂપિયા દઈ અરજી ફડાવી નાંખી છે! મુન્શીરામજીએ આ કૃપા બદલ તહસીલદાર સાહેબને કહ્યું કે ‘આપને ધન્યવાદ દઉં છું. પરંતુ ભાઈ, આપે પાપ કર્યું છે.' તહસીલદાર તાજ્જુબ થયો, પરંતુ મુન્શીરામજી એટલેથી જ ન અટકી ગયા. એ ને એ વખતે જ સાંજરે વ્યાખ્યાન દેવાનો ઢંઢેરો પીટાવ્યો અને એ સભાને અંતે પોતે જાહેર કરી દીધું કે ‘આંહીંના સમાજના અધિકારીઓ ભ્રષ્ટ થઈ જવાથી હવે ફિલ્લોરમાં આર્ય સમાજને તાળું દેવામાં આવે છે.' બલિહારી તો એ જ છે કે આ પગલાથી ગુરૂદાસપૂરનો પેલો પાપાચારી વકીલ મુન્શીરામજીનો જીવનભરનો શત્રુ બની, પોતાની પૌરાણિક જ્ઞાતિનો મહાન અગ્રેસર બની ગયો. એવા દુશ્મનોનું તો મોટું દળ બંધાઈ ગયું હતું. મુન્શીરામજીએ પણ ભયને કદી જાણ્યો નહોતો. એ વીરત્વની કસોટી તો કપૂર્થલા રાજ્યની અંદર એક દિવસ થઈ ગઈ હતી. અછરૂમલ નામના એક એ રાજ્યના એકાઉન્ટન્ટ જનરલ આર્યસમાજના એવા તો કટ્ટા દુશ્મન હતા કે પોતાના મકાનની દિવાલ પર આર્યસમાજના અધિવેશનની વિજ્ઞાપનપત્રિકા પણ જો કોઈ ચોડવા જાય, તો એને મારીને કાઢી મૂકે, ને જો એની નજર ચૂકાવીને પત્રિકા ચોડી દીધી હોય તો આખી દિવાલને પાણીથી ધોવરાવી નાખે! એક વાર એ ગામમાં એક આર્યબંધુની માતાની દહનક્રિયા કરાવવા માટે મુન્શીરામજીને ત્યાં જવાનું બન્યું. આ આર્ય ધર્મ અનુસારની અંત્યેષ્ટિ ક્રિયાની વિરૂદ્ધ પણ એ અધિકારી અછરૂમલે ઝુમ્બેશ ઉઠાવી. તે છતાં મુન્શીરામજીના પ્રભાવથી પ્રેરાઈને પાંચસો સ્ત્રીપુરૂષો અછરૂમલની સત્તાને લાત મારી સ્મશાનયાત્રામાં ભળ્યાં. એ અગ્નિ-સંસ્કાર વખતની મુન્શીરામજીની પ્રભુ-પ્રાર્થનાએ અનેક નરનારીઓ પર વેદધર્મનું જાદુ છાંટ્યું, રોષમાં સળગતા અછરૂમલે કહાવ્યું કે “આ વખતે તો મરણ–પ્રસંગ હોવાથી જવા દઉં છું, પણ ફરી આવીશ તો હું તને બેડીઓ પહેરાવીશ.' આ નિમંત્રણને વધાવી લઈ મુન્શીરામજી કૈં કૈં વાર કપૂર્થલા ગયા, પરંતુ અછરૂમલજી પોતાનો બોલ પાળવા એકેય વાર તૈયાર ન થયા. એ વાતનો મુમ્શીરામજીને અફસોસ રહી ગયો.

કન્યાકેળવણીનો પિતા

કચેરીમાંથી વકીલાત કરીને એક દિવસ મુન્શીરામ ઘેર આવે છે. તે વખતે એની પુત્રી વેદકુમારી દોડતી સામે આવે છે અને પિતાજીની પાસે જાણે કે પોતાની હુંશિયારીની વધાઈ ખાતી હોય તેમ ભજન ગાવા લાગે છે કે એક વાર ઈસા ઈસા બોલ તેરા ક્યા લગેગા મોલ ઈસા મેરા રામ રસિયા ઈસા મેરા કૃષ્ણ કનૈયા વગેરે વગેરે! સાંભળતાં જ મુન્શીરામ ચમકી ઊઠ્યા. પૂછ્યું કે ‘બેટા, તું આ ક્યાંથી શીખી? જવાબ મળ્યો કે ‘અમારી ખ્રિસ્તી કન્યાશાળામાંથી.' એટલું જ બસ નહોતું. વિશેષ પ્રશ્નો પૂછતાં એવો સાર નીકળ્યો કે આર્ય પુત્રીઓને એ નિશાળમાં પોતાના ધર્મશાસ્ત્રોની નિન્દા પણ શીખવાઈ રહી છે! એ ખ્રિસ્તી કન્યાશાળાની કથની આવી હતી: જાલંધરમાં એક વૃદ્ધ પહાડી સ્ત્રી રહેતી. સહુ એને ‘માઈલાડી' કહી બોલાવતાં, અને હિન્દુ સ્ત્રીઓમાં જે કાંઈ નજીવું અક્ષરજ્ઞાન આવ્યું તે આ ‘માઈલાડી'નો જ પ્રતાપ હતો. મુન્શીરામજીનાં પત્ની પણ એની પાસેથી જ ભણ્યાં હતાં. પછી તો આ બાઈને ખ્રિસ્તીઓએ મોટી લાલચ આપીને પોતાની શાળામાં લઈ લીધી એટલે એની પાસે ભણેલી સ્ત્રીઓ પોતાની પુત્રીએાને પણ એ બાઈની સાથે જ ખ્રિસ્તી કન્યાશાળામાં ભણવા મોકલવા લાગી. એનું પરિણામ આજે ઓચીંતું નજરે જોઈને મુન્શીરામજીનું ખૂન તપી આવ્યું. આર્ય કન્યાઓને શિક્ષણ લેવાનાં સાધનનો આભાવ ભાળીને એનું અંતર વલોવાઈ ગયું, એ વલોવાટમાંથી ‘જાલંધર કન્યા મહાવિદ્યાલય' નામની સ્ત્રી-કેળવણીની સંસ્થા નીકળી. રાતોરાત જાગી, અપીલ ઘડી, મહર્ષિ દયાનંદની જન્મ-તિથિને પ્રભાતે પોતાને આંગણે હવન કરી, એણે ફાળો ચલાવ્યો. પોતાના ‘સધ્ધર્મપ્રચારક' નામના પત્રમાં ‘અધુરો ઈન્સાફ એ નામની લેખમાળા શરૂ કરી, સ્ત્રીઓને સુશિક્ષિત થવાનો અધિકાર પુરૂષોના જેટલો જ છે એ બરોબર બતાવી, પુત્રીઓને પણ ગુરૂકુળની અંદર મોકલવાની જરૂરિયાત ગજાવી દીધી. આ બધી રમતો તો પોતાના ગૃહસ્થાશ્રમની અંદર જ રમાઈ ચુકી હતી. આર્યસમાજની પ્રગતિના પાયા એણે કયારે ને કેવી રીતે પૂર્યા, તેની આટલી નજીવી ઝાંખી કરીને હવે આપણે એના જીવનની એક અમર કમાણીનાં દર્શન કરીએ.