બે દેશ દીપક/રાષ્ટ્રીય શિક્ષણનો પિતા
ઈ. સ. ૧૮૮૪નું એ વર્ષ ચાલતું હતું, સરકારી નિશાળોમાં અપાતી, ન તો સંપૂર્ણ પરદેશી કે ન તો શુદ્ધ દેશી એવી કઢંગી કેળવણીના દંભ નીચે આપણા આર્યત્વને લોપનારું અને રાષ્ટ્રીયત્વનું ભાન ભૂલાવનારું શિક્ષણ ચાલી રહ્યું હતું. આર્યાવર્તના બાલકોની બુદ્ધિનો રસ ઉકાળી ઉકાળી ગુલામી અને કારકુનીનાં બીબામાં રેડીને એમાંથી નિષ્પ્રાણ પ્રજા તૈયાર કરવામાં આવતી હતી. મુન્શીરામે ખુદ પોતાના જ પુત્રોને એ કેળવણીના ભક્ષ બનતા દીઠા. અને બીજી બાજુ આખા આર્યસમાજનું અંતર ચાલુ શિક્ષણ-પદ્ધતિ સામે સંક્ષુબ્ધ હતું, અને મહર્ષિ દયાનંદે કલ્પેલા શિક્ષણના આદર્શોને આચરણમાં ઉતારવા તલસતું હતું, પરિણામે લાહોરમાં ‘દયાનંદ એંગ્લો વેદિક કેાલેજ'ની સ્થાપના થઈ. પરંતુ ૧૮૯૧માં એ કોલેજના ચાલકો વચ્ચે ઉગ્ર મતભેદ ફાટી નીકળ્યો. પ્રશ્ન એ હતો કે શિક્ષણક્રમમાં પ્રધાનપદ કોને આપવું? અંગ્રેજી અને વિજ્ઞાનને? કે વેદના અધ્યયનને! મુન્શીરામજીએ મત પોકાર્યો કે ધાર્મિક જીવન–સુધારનું જે મહાન આંદોલન આપણે સમાજમાં લઈ આવવું છે, તે બાલકોના જીવનમાં વેદોને વણી દીધા સિવાય આવવાનું નથી; સામા પક્ષે આ મત ધરાવનાર મુન્શીરામજીને તથા તેમના સાથીએાને ધર્મઘેલડા કહી કોલેજની વ્યવસ્થામાંથી બાતલ કર્યા એટલે એ ચૌદ જણાની નાની સેનાએ શપથ લીધા કે તક્ષશીલાની પ્રાચીન વિદ્યાપીઠના આદર્શ પ્રમાણે એક નિરાળી સંસ્થા સ્થાપવી મુન્શીરામજીએ અનુભવ વિના, પણ ભાવનાની વેધક દૃષ્ટિ વડે પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમોની શિક્ષણ-પ્રણાલીને સજીવન કરવાની એક યોજના ઘડી અને એના જ મસ્તક પર એ મંડળીએ નવા શિક્ષણના નિર્માતા તરીકેનો કળશ ઢોળ્યો. પ્રારંભિક ખર્ચને પહોંચી વળવા માટે જ રૂ. ૩૦ હજારની જરૂર હતી. એ બીડું પણ મુન્શીરામજીએ જ ઝડપ્યું. ૩૦ હજારમાં એક દુકાની પણ ઉણી રહે ત્યાં સુધી પોતાના ઘરમાં પગ ન મૂકવાની એણે પ્રતિજ્ઞા લીધી અને ઝોળી ઉપાડીને એ ભિક્ષુક ચાલી નીકળ્યા. લુધીઆનાની એક મોટી દુકાન સામે ઊભો રહીને એ ભિક્ષુક અહાલેક પુકારે છે : કેવળ એકલો જ એ ઊભો છે : વસ્ત્રો પર ધૂળના થર બાઝ્યા છે : પગ ઉઘાડા છે : માથાના અને દાઢીમૂછના વાળ અસ્તવ્યસ્ત વધી ગયા છે : દુકાનદારો આ દિવાનાની સામે જોઈને હસે છે. પણ ‘મહારાજ! આગલી દુકાને જાઓ!' એટલું કહેવા જાય તે પહેલાં તો દુકાનદાર એની આંખોની જ્યોત નિહાળી થંભી જાય છે. ચુપચાપ પોતાની કોથળીમાંથી દસ રૂપિયા લાવીને અતિથિની ઝોળીમાં ધરી દે છે. ‘ઈશ્વર તમારૂ કલ્યાણ કરે!' એટલો જ આશીર્વાદ દઈ એ મુંગો અતિથિ આગળની દુકાને ચાલ્યો જાય છે. એવા વેશમાં મુન્શીરામ છ મહિના ભટક્યા ત્રીસે હજારની આખી રકમ ઉઘરાવી કાઢી. સુરેન્દ્રનાથ બેનરજી સમા વયોવૃદ્ધ અને દેવતુલ્ય નેતાને પણ જે સમયે બસો–પાંચસોથી વધુ ફાળો નહોતો મળતો, તે વખતે મુન્શીરામજીને મળેલો આ વિજય અસાધારણ લેખાયો. એ ફળ દેનારી એની તપશ્ચર્યા જ હતી. રૂપિયા તો મળ્યા, પણ કાર્યકરોનો પ્રશ્ન સામે આવી ઊભો. ઘરબાર છોડી જંગલમાં જીવન વિતાવવા કોણ તૈયાર થાય? એ માટે પણ પહેલ કરવા મુન્શીરામજી જ તૈયાર થયા. એ માટે માણસે વાનપ્રસ્થ બની જવું જોઈએ. પોતે વાનપ્રસ્થાશ્રમ ધારણ કર્યો. તેની અસરથી જાલંધરના લાલા શાલિગ્રામજી કે જેણે જન્મભર અવિવાહિત રહેવાનું વ્રત લઈ લીધું હતું તે અને બીજા એક પં. ગંગાદત્ત હતા કે જેમને ગૃહસ્થાશ્રમની કશી ઝંઝટ નહોતી. તે બેઉ કાર્યકરો તૈયાર થયા. રૂપિયા મળ્યા, કાર્યકરો મળ્યા, પણ વિદ્યાર્થીઓનું શું? પોતાનાં સંતાનને પચીસ વર્ષની ઉમર સુધી વિખૂટું કરવાની છાતી કયાં માતપિતાની ચાલે? એમાં પણ પહેલ મુન્શીરામજીએ કરી, પોતાના જ બે પુત્ર હરિશ્ચંદ્ર તથા ઈદ્રચંદ્રને એમણે આ નવા પ્રયોગમાં સમર્પિત કર્યા. એનો પ્રભાવ અન્ય મિત્રો પર પણ પડતાં મિત્રોના પુત્રો પ્રાપ્ત થયા. આ ૧૦-૧૫ બાળકોને લઈને બ્રહ્મચર્યાશ્રમનો પ્રારંભ ગુજરાનવાલા શહેરમાં કર્યો, પણ તુરત જ અનુભવ થયો કે શહેરના ગંદા વાતાવરણમાં બ્રહ્મચર્યાશ્રમ ન જ ચલાવી શકાય, એ માટે તે કોઈક તપોવન જેવી જગ્યા જોઈએ. પણ સ્થળ ક્યાંથી કાઢવું? મુન્શીરામે આકાશમાં નજર નાખી અને સાચેસાચ સ્થળ એ આકાશમાંથી જ ઊતરી પડ્યું. હિમાલયની સમીપમાં, ગંગામૈયાને તીરે, હરદ્વારના તીર્થ–ક્ષેત્ર નજીક, મુન્શી અમનસિંહ નામના એક આરોગ્યહીન સંતતિહીન જમીનદારે પોતાની પત્નીના ધર્મભાવથી પ્રેરાઈને ખેરીઅત દીધેલા એ નવ[૧] સો એકરના આખા કાંગડી ગામ પર – જેની ઝાડીઓમાં વાઘ ગર્જતા અને ચોમાસે જ્યાં પહાડમાંથી હાથીઓ ઊતરીને જળક્રીડા રમવા આવતા – તે પર મુન્શીરામજીનો આત્મા ઠર્યો. ત્યાં એણે પોતાની ધર્મજ્વાલા પેટાવી. પોતે વાંચેલું હતું કે વિજ્ઞાનશાસ્ત્રીઓએ પૃથક્કરણ કરીને ગંગાના પાણીમાં પ્લેગ તથા કોલેરાનાં જંતુઓનો નાશ કરવાની શક્તિ શોધી છે. એટલે સને ૧૯૦૨માં – એટલે કે સં. ૧૯૫૮ના ફાગણ વદ ૧૪ ને દિવસે, સાંજે ચાર વાગે એ ત્યાગીએ પોતાનાં ઘરબાર છોડી, ૫૩ બ્રહ્મચારીઓ સાથે એ ભૂમિ પર પગ દીધો, અને કાંગડી ગુરૂકુલનાં તોરણ બંધાયાં. વેદકાલના ઋષિ-આશ્રમનું સ્મરણ કરાવતા એ ગુરૂકુલમાં હિન્દી સંસ્કૃતિનું જ શિક્ષણ, માતૃભાષાનું જ શિક્ષણવાહન, સંસ્કૃત સાહિત્યનું જ પ્રેરણાસેવન અને એકેશ્વરવાદી વેદધર્મ અંગીકાર થયો. છતાં પશ્ચિમની વિદ્યા સામે બારણાં બીડી ન દેવાયાં. દસ વર્ષની ઉમ્મરે બાલક દાખલ થઈ શકે અને પચીસમે વર્ષે પરિપકવ બનીને જ બહાર નીકળી શકે, ગરીબી અને બ્રહ્મચર્યનાં વ્રત ધારણ કરે, એવો કડક નિયમ રખાયો. મુન્શીરામજી એ ગુરૂકુલના “ગવર્નર” નિમાયા. પ્રથમથી જ પોતાનું રૂ. ૮૦૦૦નું મુદ્રણાલય તો એણે અર્પણ કરી
- પહેલી આવૃત્તિમાં “એક સો નવ” ભૂલથી લખાયું છે.
જ દીધું હતું, અને તે પછી ઈ. સ. ૧૯૧૧ માં, ગુરૂકુલના નવમા વાર્ષિકોત્સવ વખતે જાલંધરનો પોતાનો ભવ્ય બંગલો ને ફૂલવાડીનું પણ દાન કર્યું, જેની કિંમતના રૂા. વીસ હજાર ઉપજ્યા. શિક્ષણ તો પ્રથમથી જ મફત અપાતું, પણ ભોજન તથા નિવાસનું જે ખર્ચ બાલકો પાસેથી લેવાતું, તેને પણ કાઢી નાખવાનો પ્રસ્તાવ ઊઠતાં એ શિક્ષક મંડળની વચ્ચે ‘એાછો પગાર' લેવાની સ્પર્ધા ચાલેલી. રૂ. ૨ થી ૩૦ સુધીનો માસિક ઘટાડો સ્વીકારવાની આ શિક્ષક ભાઈઓની હરિફાઈને પરિણામે બાલકો તદ્દન માફી બની જઈ કુટુંબભાવથી ઊભરાવા લાગ્યાં. એવો તો એ સંસ્થાના સ્વાર્પણનો ઈતિહાસ છે. જીવનની કઠિનતાઓ સામે અડગ ટક્કર ઝીલી શકાય એવી દિનચર્યા યોજવામાં આવી. ત્રણે ઋતુમાં ઉઘાડાં માથાં : ઉઘાડા પગ: કડકડતી ઠંડીમાં એટલે કે ૪૦ ડીગ્રી સુધી પારો ઊતરી જાય તેવા દિવસોમાં પણ વહેલા પ્રભાતે ગંગાસ્નાન: પહાડો અને અરણ્યોનું પરિભ્રમણ : પ્રભાતે ને રાતે ઉપનિષદના ગીત-લલકાર: યજ્ઞ અને અગ્નિહોત્ર પ્રકૃતિની મસ્તીભર રમતગમતો :અને એ બધાની વચ્ચે વહ્યા કરતી મુન્શીરામજીની વાત્સલ્ય-ધારાઓ : એ વાત્સલ્યનું એક દૃશ્ય આવું મળી આવ્યું છે:- ‘વરસાદના આખરી દિવસોની અંધારી રાત હતી. ટમ ટમ છાંટા વરસતા હતા. ચારે દિશાઓ કાળીઘોર થઈ ગઈ હતી. ટીનના છાપરાં પર ટપક ટપક પાણીનાં ટીપાં ટપકવાne લીધે નિદ્રાને વધુ ગાઢ બનાવનારો મર્મર ધ્વનિ ઊઠતો હતો. પતરાથી છજેલા એક ઓટા પર ઘણાં બાળકો કામળીએામાં સંકોડાઈ સંકોડાઈને પોઢેલાં હતાં. તે વખતે એ ઓટાની પાળે એક ભવ્ય મૂર્તિ ખડી હતી. એના ડાબા હાથમાં ફાનસ હતું ને જમણા ખભા પર લાંબી બંદૂક પડી હતી. એની વિશાળ છાતી પર પીળા રંગનો એક દુપટ્ટો ઓઢેલો હતો. સૂસવતા કાતિલ પવનની અંદર એની દાઢીના કેશ ફરફરતા હતા. એની મોટીમોટી આંખો પ્રેમ અને શાંતિભરી ચિંતાના ભાવો રેલાવતી હતી : અરધી રાત થઈ ગઈ હતી. પરંતુ એની આંખમાં નીંદ નહોતી. ચોમેર શિયાળવાં બોલી રહ્યાં હતાં. વચ્ચે વચ્ચે ચિત્તાઓના ઘુરકાટ પણ સંભળાતા હતાં. પણ આ મહાન ચોકીદાર તો એ હિંસક પશુઓની સામે અને ઓટા પર ચડી આવતા ઝેરી સર્પોની સામે પોતાનાં બ્રહ્મચારી બાળકોની રક્ષા કરતો ઊભો હતો. એ ચોકીદાર મહાત્મા મુન્શીરામજી હતા.' જેણે જેણે ગુરૂકુળ જોયું તે તમામ મુગ્ધ બની ગયા. અમેરિકાવાસી પ્રવાસી મી. ફેલ્ફ, લોર્ડ ઈસ્લીંગ્ટન, અને માઈકલ સેડલર સરખા પરદેશી માંધાતાઓ ને શિક્ષણ-શાસ્ત્રીએાએ કાંગડી ગુરૂકુળની યાત્રા કરી મોંમાં આંગળી નાખી હતી. અને આજથી બાર વર્ષ ઉપર ઈંગ્લાંડના મજૂરવર્ગનો સમર્થ સરદાર, પાર્લામેંટનો તેજસ્વી સભાસદ અને એક કાળે સામ્રાજ્યના પ્રધાનમંડળનો વડો પ્રધાન મી. રામસે મેકડોનાલ્ડ આર્યાવર્તને પ્રવાસે આવ્યો હતો તેણે પોતાની એ મહાન યાત્રાનાં જ્વલંત સંસ્મરણો ઉલ્લાસભરી વાણીમાં અંગ્રેજી આલમ સન્મુખ નીચે પ્રમાણે ધરી દીધાં છે :