બે હજાર ચોવીસ સમક્ષ/મીનીનું પ્રાણીઘર(બાળવાર્તા) – કિશોર વ્યાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

બાળવાર્તા

‘મીનીનું પ્રાણીઘર’ : કિશોર વ્યાસ

સંધ્યા ભટ્ટ

બાળકો પ્રાણીઓના આનંદલોકમાં

બાળકોને જગતની કેટલીક બાબતો પ્રત્યે સહજ પ્રેમ હોય છે અને જ્યારે તેમાં કુતૂહલ પણ ભળે ત્યારે મોટેરાંને તેમની સાથે વાત કરવાનો ખૂબ આનંદ આવે છે. આવી એક વાત એટલે પ્રાણીજગત. પ્રાણીવિશ્વ વિસ્મયકારક હોય છે અને બાળકોની જિજ્ઞાસા તેમાં ઉમેરાય એટલે આખી વાત રોમાંચક બને! કિશોર વ્યાસ ‘મીનીનું પ્રાણીઘર’માં જંગલમાં રહેતાં મોટા ભાગનાં પ્રાણીઓને મીનીની દુનિયામાં લઈ આવ્યા છે. ક્યારેક પ્રાણીઓને જોવા બાળકોને લઈ જવામાં આવે ત્યારે પણ તેમને આનંદઆનંદ થઈ જતો હોય છે! જ્યારે અહીં તો પ્રાણીઓ મીનીની એકદમ નજીક! સબુ મીનીના પિતા છે. તેઓ પ્રાણીઘર પાછળની વાર્તા મીનીને કહે છે જેમાં પોતાના દાદાની સાથે બનેલો બનાવ છે. બાળકોને દાદા સાથે બનેલી આગળની ઘટના વર્ણવવામાં આવે તો તેમાં પણ રસ પડે જ! વળી લેખક તેમાં સિંહની પરિવારભાવનાને વણી લે છે. એ ઘટના સાથે શિકાર કરવાનો શોખ છોડી દેવાની વાત પણ સાંકળવામાં આવી છે. પ્રાણીઘર પાછળ આવી ઉમદા વાતને બાળસુલભ રીતે કહીને લેખકે એકસાથે બે-ત્રણ નિશાન પાર પાડ્યાં છે. દાદાએ પ્રાણીઘર કેવી રીતે બનાવ્યું? તો કે રાજાએ દાદાને એક સેવા કરવા બદલ બહુ મોટી જમીન ભેટમાં આપી જ્યાં દાદા ઇજા પામેલાં, ઘાયલ થયેલાં અને રોગી પ્રાણીઓની સારવાર કરવા લાગ્યા. પછી તો એ પ્રાણીઓને આ જગ્યાની એવી માયા થઈ ગઈ દાદાએ ઊભા કરેલ આ જંગલમાં જ બધાં રહેવા માંડ્યા. આ પ્રાણીઓ સરકારને સોંપી દેવામાં આવ્યાં અને મીનીનું કુટુંબ પ્રાણીઘરમાં જ રહેવા માંડ્યું. બાળકોને વાર્તા કહેવાની હોય ત્યારે પ્રાણીઘરની રચના કેવી રીતે થઈ એની વાત થવી જરૂરી છે. લેખકે એ વાત બરાબર ધ્યાનમાં રાખી છે. ત્રીજા પ્રકરણથી મીની સાથે જુદાંજુદાં પ્રાણીઓનો પરિચય શરૂ થાય છે. હા, પણ એક શરત છે! મીનીએ સ્કૂલનું લેસન પૂરું કરવાનું અને નોટ-ચોપડી ઠેકાણે મૂકવાનાં. પોતાનું કામ પતાવ્યા પછી મીની પિતાની આંગળી પકડીને પ્રાણીઘર તરફ જાય. મનુ મદારીએ જંગલમાંથી ચોરેલાં રીંછ અને તેના ખેલ દ્વારા પેટ ભરવા માટે કમાણી કરતો હોવાની વાત અહીં છે. બે કદાવર રીંછ, તેને ચોખ્ખા રાખવા, ઊધઈના રાફડા, મધમાખી અને ફૂલોનો ખોરાક ખાવો, વગેરે વાતો મીનીને અને બાળવાચકોને જાણવાની મઝા પડે! પણ પછી તો મીનીના પિતા સબુ મનુને રીંછનો ખેલ માટે ઉપયોગ કરવાની ના પાડે છે અને નાનાં-મોટાં કામ માટે તેને પ્રાણીઘરમાં જ રાખી લે છે. મીની વાનરટોળીની હૂપાહૂપ પણ જુએ છે. લાલ મોઢાવાળા પરદેશી વાનરના તોફાનની વાત રોચક છે. મીની તેનું નામ ‘લાલજી તોફાની’ પાડે છે! બે જિરાફ પણ પ્રાણીઘરમાં વસ્યાં છે. તેમાં વળી એક દિવસ નિશાળનાં છોકરાં પ્રાણીઘર જોવા આવે છે. ભોલુ નામનો અળવીતરો છોકરો ખીસામાં શીંગદાણા ભરી લાવેલો. તે દીપડાના પાંજરા આગળ ઊભો રહી ગયો અને અંદર હાથ નાખી દીપડાને આપવા ગયો તો દીપડાએ એને તીણા નહોર માર્યા. કૂણા હાથ પર લોહીના ટશિયા ફૂટ્યા. પ્રાણીઘરની સાથે પક્ષીઘરની વાતો પણ છે. દેવચકલી, દરજીડો, સક્કરખોર – સબુને દરેક પંખીની સંખ્યા મોઢે હતી. વાઘમામા માંદા પડે છે ત્યારે તો મીની ખૂબ ચિંતામાં પડી જાય છે ને તેનું મોઢું ઊતરી જાય છે! જ્યારે વાઘમામા સાજા થઈ જાય છે અને હંમેશ મુજબ ત્રાડ પાડે છે ત્યારે તે સાંભળીને લેસન કરવા બેઠેલી મીની લેસન પડતું મૂકી આંગણામાં દોડી જાય છે અને નાચી ઊઠે છે! શિયાળના મોંમાં અજાણ્યો માણસ ફટાકડા ફોડે છે ત્યારે તેને બરાબર પાઠ ભણાવવામાં આવે છે. પ્રાણીઓને હેરાન ન કરવાં જોઈએ એવી શીખ પણ પરોક્ષ રીતે અહીં બાળકોને મળે છે. અંતિમ દસમા પ્રકરણમાં હાથીદાદાને એમના ઘરે પાછા જવાનો સમય થાય છે એ સંદર્ભે પ્રકરણને શીર્ષક અપાયું છે, ‘હાથીદાદાનું વેકેશન પૂરું!’ જે હાથીઓ પહેલાં ઉત્પાત કરતા હતા તે હવે ખુશ થઈને આનંદથી પોતાના ઘરે પાછા જશે એ જાણીને મીની પણ ગાઈ ઊઠે છે, હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા.... પ્રાણીઘરમાંથી આવતા વિવિધ અવાજો સાથે આ અવાજ ભળી જાય છે અને સબુ ખુશ થઈ જાય છે. પ્રાણીઓના આનંદલોકમાં ફરી આવ્યાની ખુશી બાળવાચકો અનુભવે તે આ વાર્તાની ઉપલબ્ધિ! આ માટે કિશોર વ્યાસનો આભાર!

[ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ]