બે હજાર ચોવીસ સમક્ષ/શબરીનાં બોર – સુનીતા ઇજ્જતકુમાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ટૂંકી વાર્તા

‘શબરીનાં બોર’ : સુનીતા ઈજ્જતકુમાર

કિશન પટેલ

કથાઓ હજી માવજત માગે છે

‘શબરીનાં બોર’ સુનીતા ઈજ્જતકુમારનો બીજો લઘુકથાસંગ્રહ છે. અગાઉ ૨૦૧૯માં એમનો ‘અણસાર’ નામે એક લઘુકથાસંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યો છે. કુમાર, નવચેતન, અખંડ આનંદ વગેરે સામયિકોમાં પૂર્વે પ્રકાશિત કુલ ૩૦ જેટલી લઘુકથાઓનો સમાવેશ આ સંગ્રહમાં કરવામાં આવ્યો છે. લેખકે આ સંગ્રહ સાહિત્યકાર પિતા ઈજ્જતકુમાર ત્રિવેદીને અર્પણ કર્યો છે. અહીં દરેક કથાની સાથે મૂકાયેલા QR CODEને સ્કેન કરતાં લેખકના અવાજમાં કથાનું શ્રાવ્ય સ્વરૂપ પણ મળે છે. આ પુસ્તક મુદ્રણની ગુણવત્તા અને સજાવટની રીતે વધુ સુઘડ બનાવી શકાયું હોત. સમગ્ર સંગ્રહમાં ઠેરઠેર અલગ-અલગ પ્રકારના અને અલગ-અલગ કદના ફૉન્ટ લખાણને અનાકર્ષક બનાવે છે. સંગ્રહ નબળી મુદ્રણકલાનો નમૂનો છે. પ્રફુલ્લ રાવલ અને રમેશ ત્રિવેદી દ્વારા લખાયેલા શુભેચ્છાસંદેશ અને રતિલાલ બોરીસાગર દ્વારા ‘વારસો દીપાવતી લઘુકથાઓ’ નામે પ્રસ્તાવના, લેખક અને સંગ્રહ વિશે આંશિક પરિચય આપે છે. લખનાર તમામે આ લઘુકથાઓને લેખકના પિતા ઈજ્જતકુમાર ત્રિવેદીની લઘુકથાઓની સાપેક્ષે મૂલવી છે. એમાં અડધા કરતાં વધુ સ્થાન તો લેખકના પિતાની પ્રશસ્તિને જ મળ્યું છે. દા. ત. પ્રસ્તાવનાનું શીર્ષક ‘વારસો દીપાવતી લઘુકથાઓ.’ તથા પ્રફુલ્લ રાવલના લખાણની શરૂઆત ‘સુનીતાબહેનને પિતા ઈજ્જતકુમાર પાસેથી મળેલો અમૂલ્ય વારસો તે લઘુકથાસર્જનનો’. લેખકનિવેદન(સર્જકના બોલ)માં પુસ્તકના શીર્ષક અંગે ખુલાસો કરતાં જણાવ્યું છે કે “આ સંગ્રહનું નામ ‘શબરીનાં બોર’ રાખ્યું છે, એ એમાંના કોઈ લેખને વશ વર્તીને નહીં. લઘુકથાઓને હું શબરીનાં બોરના સ્વરૂપમાં જોઉં છું કે જેની પાછળ પણ લાગણીની ઉત્કૃષ્ટ ક્ષણોની છબી ઝીલવાનો પ્રયાસ છે.” પહેલો પ્રશ્ન થાય છે કે આ લેખો છે કે લઘુકથાઓ? લેખક પોતે સ્વરૂપ અંગે સભાન નથી. આ સંગ્રહની ત્રીસે ત્રીસ લઘુકથાઓ એની સાહેદી પૂરે છે. આટલી વાત કર્યા પછી અન્યોની જેમ લેખક પણ પિતાને સ્મરણ કરવાની વિધિથી આગળ વધી શક્યાં નથી. સંગ્રહની ઘણી કથાઓ નબળી છે. પરંતુ ‘ગોધૂલી વેળા’માં પુત્રના દૂર હોવાથી એકલતા અનુભવતી વૃદ્ધ જમનાની સ્થિતિનું, ગોધૂલી વેળાએ વાછરડાની રાહ જોતી ગાયની સ્થિતિ સાથેનું સન્નિધિકરણ કથાને સુંદર ઘાટ આપે છે. ‘કુળ’માં પુત્રના લગ્ન માટે મીતાબેન દ્વારા થતા પ્રયત્નોનું આલેખન થયું છે. અને તેમાંથી સાંપ્રત સમાજનું ઊપસતું વરવું ચિત્ર વિષયવસ્તુની રીતે કથાને વિશિષ્ટ બનાવે છે. ‘લંપટ’ બીજાના ઘરમાં કામ કરતી ઇમાનદાર નબુડીની કથા છે. નબુડીને બે સંતાનો રમલી અને ટપુ. પતિ બધી કમાણી દારૂમાં પતાવી દેતો. નબુડી ટપુને એકવાર ઘરમાલિકની નાની દીકરી સાથે અડપલાં કરતાં પકડે છે. ટપુને બાપ જેવો જ લંપટ ગણાવે છે. કથાના અંતે ખબર પડે છે કે પતિ રોજ રાતે નશામાં એની દીકરી સાથે જ દુષ્કર્મ આચરતો. પિતામાંથી દીકરામાં ઊતરેલું આ વિકૃત વલણ પણ સમકાલીન સમાજની કડવી વાસ્તવિકતાને બતાવે છે. આ ત્રણેય કથાઓ ઘરેડમાંથી બહાર અલગ ઊપસી આવે છે. ઘટનાના સ્તરેથી એક ડગ આગળ વધી કળાકૃતિ બની શકી છે. પ્રથમ લઘુકથા ‘અખંડ સૌભાગ્યવતી વિધવા’, એમાંનાં ત્રણ દૃશ્યોની રીતે જોઈએ. પ્રથમ દૃશ્ય છે : કથક ટીકા, આભલાં અને કોડીથી શણગારેલી ભાતભાતની વસ્તુઓ વેચવાનો ધંધો કરે છે. પતિના મંદવાડને કારણે તેને આ કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ધંધા દરમિયાન એક બાઈ એને મળે છે. બીજું દૃશ્ય, એ બાઈ એના પતિને અને સાસુ (કથાનામ ‘માડી’)ને સુખથી રહેવા દેતી નથી. કથકને પતિ બિચારો અને ગયઢી સાસુ ગમાણે બંધાયેલું મૂંગું ઢોર લાગે છે. ત્રીજું દૃશ્ય છે, ઘરના વાતાવરણને કારણે કથક જ્યારે ગયઢી સાસુને મળવા એના ઘરે જાય છે ત્યારે સાસુ સ્વર્ગસ્થ પતિના ફોટા સામે દયામણી નજરે જોઈ એને પાછી વળી જવા ઇશારો કરે છે. અંતે કથક કહે છે, “પેલી બાઈ બહારથી થાકીને આવેલા પોતાના ભાયડાને પાણીનો પ્યાલો ધરવાને બદલે ધડીકા લેતી’તી. ત્યારે પણ મેં એક અખંડ સૌભાગ્યવતી વિધવાને જોઈ.” ઘરડી સાસુને અખંડ સૌભાગ્યવતી વિધવા તરીકે ઓળખાવી છે. કથાનું શીર્ષક અને અંત તેને વાચાળ બનાવે છે. ઉપરાંત ઘટના અને પાત્રોની બહુલતાના અને વસ્તુસંકલાનાનો તદ્દન અભાવ કથાને શિથિલતા તરફ દોરી જાય છે. ‘નામનું’માં ‘સ્વમાની’ નામની નાયિકા, સમગ્ર પરિવારને સમર્પિત, એક સક્ષમ પુત્રવધૂ તરીકે નામ સાર્થક કરતા ગુણો ધરાવે છે. ત્રીજા પરિચ્છેદ પર વાચકને ખબર પડે છે કે, નાયિકાની નનામી બંધાઈ રહી છે (કેમ બંધાઈ રહી છે? વાર્તામાંથી કોઈ સંકેત મળતો નથી). અંતે એના પાકીટમાંથી એક પત્ર મળે છે. આ પત્રમાં એક સ્થાને સ્વમાની કહે છે, “મારે જીવનમાં પ્રેમની જરૂર હતી.” (પૃ. ૬૦) કથાના આરંભમાં સ્વમાનીનું વર્ણન કરતી વખતે લેખક કહે છે, “સૌને અઢળક પ્રેમ આપ્યો પણ કદી કોઈના પ્રેમની અપેક્ષા ન સેવી.” (પૃ. ૫૯) લેખકનું પાત્ર વિશેનું અને પાત્રનું સ્વ વિશેનું કથન વિરોધાભાસી છે. સ્મશાનેથી અગ્નિદાહ આપીને સૌ આવે છે પછી સ્વમાનીનું પાકીટ ખોલે છે અને એમાંથી પત્ર મળે છે. આ પ્રકારના ઉલ્લેખને કારણે પત્રનો આત્મહત્યા તરફનો સંકેત પણ બરાબર સ્પષ્ટ થતો નથી. અહીં અસંગતતાનો પ્રશ્ન છે. ‘અંતે ટૂંકી પડી’, ‘જબાન’, ‘કંચન ને કથીર’, ‘કોરિધાકોર’, ‘વગોવાયેલી સ્ત્રી’ વગેરે અનેક કથાઓ ઉપર દર્શાવી એ પ્રકારની મર્યાદાનાં સ્પષ્ટ દૃષ્ટાંતો છે. લઘુકથા ટૂંકીવાર્તા કરતાં પણ વધુ કરકસર અને ચુસ્તતાની અપેક્ષા રાખે છે. એ જ જાળવવાના પ્રયાસમાં ઘટનાને કલાત્મક ઘાટ આપવામાં, પાત્રો વચ્ચેની આંતરિક ગૂંચવણ અને ભાવપ્રવાહને યોગ્ય રીતે ગૂંથવામાં લેખક સફળ થઈ શક્યાં નથી. સંગ્રહની મોટાભાગની કથાઓ પાત્રકેન્દ્રી છે. ગૃહસંસારનાં પાત્રો પ્રધાનતા ધરાવે છે. મોટાભાગનાં પાત્રોનાં કોઈ ‘નામ’ નથી પણ તેમના સંબોધન માટે સામાન્યવાચક સંજ્ઞા તરીકે ‘બા’, ‘વહુ’, ‘ગગો’, ‘દીકરી’ જેવા ઉલ્લેખો વારંવાર આવે છે. એ રીતે આ કથાઓ એકવિધતાની અસર ઊભી કરે છે. તળપદી ભાષાનો પ્રયોગ પણ અનેક મર્યાદાઓથી સભર છે. દા. ત. “રંભા બનાવી જાય એ તો હરગિજ નહીં.” (પૃ. ૩૨), “બધાં કામ નીપટી જતાં.” (પૃ. ૩૩) વગેરે વાક્યોમાં તળપદી ભાષા સાથે હિન્દી-ફારસી શબ્દોનું મિશ્રણ અડચણ બને છે. વ્યાપકપણે જોતાં નૂતન દૃષ્ટિકોણનો અભાવ, સંવાદિતાની ઓછપ અને કથાઓના સંવિધાનમાં શિથિલતા સ્પષ્ટપણે એ કહેવા પ્રેરે છે કે, આ કથાઓ કાચી રહી ગઈ છે, એમના હવે પછીના લેખનમાં વધુ માવજતની અપેક્ષા રહે છે.

[સ્વપ્રકાશિત, ભાવનગર]