બે હજાર ચોવીસ સમક્ષ/સમીક્ષકમિત્રો જોગ–

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સમીક્ષકમિત્રો જોગ–

વડોદરા;
૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫

પ્રિય મિત્ર,

સમીક્ષા માટેનું મારું કહેણ તમે સ્વીકાર્યું એનો આનંદ છે. જૂની/નવી પેઢીના સાહિત્ય-અભ્યાસી તરીકે તમે સુ-જ્ઞ છો, પણ આ સમીક્ષા-વાર્ષિકનો એક સુરેખ ઘાટ ઊપસી રહે એ માટે મેં વિચારેલી કેટલીક વ્યાપક ને જરૂરી વાતો તમને કહેવા માટે આ પત્ર. સમીક્ષા તે તે પુસ્તકના મુદ્રારૂપ પરિચયને આવરી લે એ તો જરૂરી છે જ, પરંતુ એ પરિચય સપાટી પરનો, નર્યો વિગતલક્ષી રહી જાય તો આપણા સાહિત્યરસિક વાચકવર્ગને એ કશું વિશેષ સંપડાવી ન શકે. પુસ્તકની અંદર પ્રવેશ કરાવતી એની ‘ઓળખ’ ઊપસી રહે એ આપણું લક્ષ્ય હશે. પુસ્તકની સમીક્ષા સાહિત્ય પ્રત્યેની આપણી પ્રીતિથી જ થતી હોય છે, કોઈ ઇતર પ્રયોજનથી નહીં. તેમ છતાં સમીક્ષા કૃતિ/લેખકનું ગુણસંકીર્તન નહીં પણ એની સમુચિત તપાસ બની રહે એવી આપણી સમજ હોય. એટલે, પુસ્તકના ઉત્તમ અંશો અજવાળી આપવા સાથે જ, એમાં સાહિત્યનું સત્ત્વ કે ધોરણ જ્યાં ન સચવાયું હોય ત્યાં એવા અંશો પ્રત્યે સ્પષ્ટપણે ધ્યાન દોરવાનું પણ આપણે ટાળવું ન જોઈએ. નવલરામે ટકોર કરેલી એમ, ‘બારે રાશિકા ભલા’-પ્રકારની, કોઈ મુદ્રા વિનાની, સમીક્ષા પણ કશું ઉપસાવી ન આપનારી, અર્થહીન બની રહે. એક ખાસ વાત : જ્યાં પુસ્તકની ઉત્તમતા બતાવી હોય ત્યાં, તથા જ્યાં ટીકા કરી હોય ત્યાં – એ બંને કિસ્સામાં, પુસ્તકમાંથી, તમારા એ અભિપ્રાયને સમર્થિત કરતાં ઉદ્ધરણો/અવતરણો અવશ્ય મૂકશો, પૃષ્ઠક્રમ સાથે. પરંતુ એ પ્રમાણસર હોય, સમીક્ષા અવતરણોના ખડકલા જેવી ન બની જાય એની પણ તકેદારી રાખવા વિનંતી. સામ્પ્રત, (અહીં ૨૦૨૪ના વર્ષના) ગુજરાતી સાહિત્યનું એક સ્પષ્ટ ને બહુપરિમાણી ચિત્ર ઉપસાવવું છે. ઉત્તમ ધોરણોનું જતન કરતી અકુંઠિત ચિકિત્સા તમારા હાથે થઈ હશે તો આ કામની સાર્થકતા ઊભી થશે. તમારી સ-પ્રાણ સમીક્ષાની પ્રતીક્ષા છે. સસ્નેહ

Raman Soni autograph.jpg

[સંપાદક]