ભજનરસ/એક તું શ્રીહરિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એક તું શ્રીહરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે,
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા,
હા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,
વિવિધ રચના કરી, અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક-કુંડળ વિષે ભેદ નો’થૈ,
ઘાટ ઘડિયા પછી,નામ રૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે..

ગ્રથ ગરબડ કરી, વાત ન કરી ખરી,
જેને જે ગંમે તેને પૂજે,
મન કર્મ. વચનથી આપ માની લહે,
સત્ય છે. એ જ મન એમ સૂઝે.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરે એ જ પાસે,
ભણે નરસૈયો એ મન તણી શોધના
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.

સચરાચરમાં વ્યાપ્ત એક જ મા ચૈતન્યનું આ પદમાં નરસિંહે મહિમાગાન ગાયું છે, એટલું જ નહીં એક પછી એક નામ-રૂપના પડદા હટાવી તેને પ્રાણ થકીયે પાસે લાવી આપ્યું છે.

અખિલ બ્રહ્માંડમાં

આખાયે વિશ્વમાં આપણે શું જોઈએ છીએ? જુદાં જુદાં અનંત રૂપ. આ અત્યંત વિવિધ લાગતાં રૂપ પાછળ શું કોઈ એક જ તત્ત્વ રમતું હશે? માત્ર વિવિધતા હોત તો તેની પાછળ રમતા એક જ સુંદ૨ને પરખવાનું સહેલુ હતું. પણ આ વિવિધતા સાથે વિરોધ અને સંઘર્ષ પણ એવાં વણાયેલાં છે કે તેમાં એક જ પરમ તત્ત્વને વરી લેવાનું અશક્ય લાગે છે. આપણી સામે લીલા ઘાસનું મેદાન હિલોળા લે છે. પણ એ ઘાસની પત્તી ને ફૂલને ઘેટાં ચરી જાય છે. ઘેટાંને વાઘ ચૂંથી નાખે છે. અને વાઘની પાછળ બંદૂકની ગોળી વછૂટે છે. એ ગોળી પોતાના જાતભાઈ ૫૨ જ કોઈ છોડે એ વળી વધુ વસમી વાત. આમાં ‘એક તું શ્રીહર’ કહેતા જીભ ઊપડી શકતી નથી. અને છતાં આ બધી વિવિધતા, વિચિત્રતા અને વિરુદ્ધતા પાછળ એક જ તત્ત્વને જોઈ શકે તેનાં નેત્રો સ્થૂળ દૃષ્ટિથી ઉપર ઊઠે છે. તે માત્ર જગતના ઉપરના આચ્છાદન જેવા ચર્મને જ નહીં, પણ જીવનના મૂળમાં રહેલા મર્મને જુએ છે. ચર્મદૃષ્ટિ અને મર્મદૃષ્ટિ વચ્ચે આ ભેદ છે. પ્રેમનાં નેત્રો વિરૂપાતાની ને ભયંકરતાની બધી દીવાલો ભેદીને એક જ રસ-સ્વરૂપને નિષ્ફળી શકે છે. નરસિંહ મહેતા આવી જ માર્મિક દૃષ્ટિથી ગાઈ ઊઠ્યા છે : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હિર.’

દેહમાં દેવ તું

દેહ તો કેટલા વિવિધ! પણ તેમાં રહેલું ચેતન એક. ‘તેજમાં તત્ત્વ તેજના રંગફુવારા તો ભાતભાતના, પણ એ તેજને તેજસ્વિતા આપનારું તત્ત્વ એક. ઉપનિષદ કહે છે : તસ્ય ભાસા સીંમદ વિભાતિ.’ જેના પ્રકાશથી આ બધું પ્રકાશિત છે એ તત્ત્વ એક જ. ગીતાના શબ્દોમાં તે, ‘જ્યોતિષામપિ તજ્યોતિઃ’ જ્યોતિઓની પણ તે ૫૨મ જ્યોતિ. શૂન્યમાં, મહા અવકાશમાં જેમ રંગનો મેળો ભરાય છે તેમ સ્વરોની સહસ્રધારા પણ ઊછળી રહે છે. આ સ્વરોના ગુંજાર પાછળ પણ એક જ સૂર બજી રહ્યોછે : ‘તત્ત્વમસિ, તત્ત્વમસિ, તત્ત્વમસિ’. નરસિંહે એક પદમાં તે જ તું, તે જ તું’નું વેદગાન કર્યું જ છે.

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે

આનો એક આંતિરક અર્થ પણ છે. મન જ્યારે વિચારશૂન્ય બની જાય છે ત્યારે તેમાંથી સહજ પ્રજ્ઞાથી સભર વાણીનો જન્મ થાય છે. આ વાણીમાં સત્યનો પ્રકાશ હોય છે, ઋત, (Rhythm)નું સ્પંદન હોય છે. આવી વાણી એ જ વેદ. પછી તે વાણીનો ઉદ્ગગાતા ને તેનો, ઉચ્ચાર ગમે તે હોય. આવા વિવિધ શબ્દમાં વેદનું એકમ્ સત્’ વસી રહે છે. પણ આ દર્શન શું ત્યાં જ અટકી જાય છે? સ્થૂલ જગતની પાછળ એક જ સૂક્ષ્મ ચૈતન્યનું આ દર્શન વધુ સ્પષ્ટ, વધુ સઘન થતું જાય છે તેમ સ્થૂળ પણ જુદાઈના અંચળા ઉતારી નાખે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું’ - આ પંચ મહાભૂતની પાછળ કોઈ એક તત્ત્વ રમી રહે છે એમ શા માટે? અરે, આ પવન, પાણી, ભૂમિ પણ મારો ભગવાન જ છે. પ્રેમભક્તિનો રસ ઘૂંટાતો આવે છે. અને પછી તો પાત્ર પણ પ્રિયતમની રસઘન મૂર્તિ બની જાય છે. વેદના એક અપૂર્વ દર્શનને નરસિંહે આ પદમાં જેમનું તેમ આપી દીધું છે :

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે

વૈદિક મંત્ર છે :

‘વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ એક:’

‘વૃક્ષની જેમ આકાશમાં સ્થિર થઈ ઊભો છે તે એક.’

આખું આકાશ ભરીને આ કોના મહિમાની ડાળ-ડાળીઓ ફેલાઈ રહી છે? કોની ડાળીઓને છેડે નક્ષત્રોનાં ફૂલો ખીલી ઊઠ્યાં છે! કોની મધુગંધથી આ વિશ્વ મત્ત છે! સચરાચરને સભર ભરીને લીલી ઘટાથી સર્વને છાઈ રહ્યો છે આ કોણ? વેદમંત્ર આગળ કહે છે :

‘તેન ઇદમ્ પૂર્ણ પુરુષેણ સર્વમ્।’

‘તે પરમ પુરુષ વડે જ આ બધું પરિપૂર્ણ છે.’

વેદમાં અહીં તત્ત્વની નાન્યતર જાતિ નથી. પ્રેમની પુરુષવાચક વાણી છે. અને નરસિંહે એવી જ વાણીમાં શ્રીહિર, ભૂધર, શિવને જીવ બનીને વિહરતો બતાવ્યો છે. વિવિધ રચના, અનંત રસ — જાણે પોતાની જ મધુરતાનું પાન કર્યા વિના ૫રમાત્માને ચાલે તેમ નથી. એટલે તો પંડે પંડમાં એ પ્રગટ થઈ રહ્યો છે. નરસિંહ કહે છે

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે .

આ કાંઈ તેની એકલાની જ વાણી નથી. વેદ, શાસ્ત્ર-પુરાણ એનાં સાક્ષી છે. સોનું અને સોનાનાં ઘરેણાં વચ્ચે કશો ભેદ નથી. જુદા જુદા ઘાટનાં ઘરેણાં બનાવવામાં આવે ત્યારે નામ-આકાર જુદાં પડે પણ સોનું તો સોનું જ રહે છે. જરા તેને આગની ભઠ્ઠીમાં નાખી તપાસ કરો તો! અંતે તો હેમનું હેમ હોયે’ આ સાચની ખાતરી થશે. અને આ અસંખ્ય નામ-રૂપની પાછળ પણ એક જ તત્ત્વ રહ્યું છે તેની ખાતરી કરવી હોય તો? તો ઘરેણાંની જેમ ઘાટ પામેલ અહંને જરા અગ્નિમાં પ્રજાળી મૂકોને! પોતાની જાતને પરિશુદ્ધ કરતો આ અગ્નિ પેટાવ્યા વિના એકત્વની અનુભૂતિ નહીં થાય. આ અગ્નિ અનેક રીતે પ્રગટે છે. ભક્તના હૃદયમાં એ વિરહની જ્વાલા બને છે. જ્ઞાનીના ચિંતનમાં એ અહંકારની ચિતા બને છે. યોગીના ધ્યાનમાં એ જ્યોતિ બને છે.અને પરાઈ પીડાને પોતાની કરી લેતા સાધુજન માટે એ હૈયે હૈયાનો હુતાશ બની જાય છે. આ અગ્નિમાં મારું-તારું, સારું-ખરાબ, ઊંચ-નીચ આ તમામ આકાર-પ્રકારો તો ઓગળી-પીગળીને એકરસ બની જાય છે. સર્વ રૂપમાં શુદ્ધ સુવર્ણની કાંતિથી ઝળહળી રહે છે એક જ સ્વરૂપ અને તે છે : ‘સબ સૂરત મેરે સાહેબ.કી. આ કેવી ચોખ્ખી દીવા જેવી વાત છે! પણ એને સમજાવવાં બેસતાં પંડિતોએ ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી.’ પ્રાણ એક બાજુએ રહી ગયો ને પિંજણનો પાર ન રહ્યો. જે બધી જ ગ્રંથિઓને તોડી નિર્પ્રન્થ થવાની વાત, તેને આ વેદવાનોએ વાદવિવાદનો અખાડો બનાવી દીધો. પોતાને ગમ્યું તે પૂજવા યોગ્યઃ આવા ગમા-અણગમાના બંધિયાર ચોકામાં નિર્બન્ધ ચેતન ક્યાંથી પ્રવેશી શકે? અને નરસિંહે આ સંકુચિત મનોદશાનું માપ કાઢી આપી કહ્યું :

મન કર્મ વચનથી આપ માની લહે,
સત્ય છે એ જ઼ મન એમ સૂઝે.

માણસે પોતાના મનથી, કર્મથી, વચનથી જે મત બાંધ્યો હોય, તેટલા જ કુંડાળામાં તે ઘૂમ્યા કરે છે. પોતાના મનને સૂઝે એ જ સાચું લાગે છે. પણ જે મનને સૂઝે એ તો માન્યતા છે. આત્માને સૂઝે તે સત્ય છે. એટલે તો કહ્યું છે : મતવાદી જાને નહીં, તતવાદી કી બાત.’ મનની શુદ્ધિ વિના આ આત્મદૃષ્ટિ ઊઘડતી નથી. કબીરે પણ કહ્યું છે :

જગત ભૂલા જંજાલ મેં, સુનિ સુનિ વેદકુરાન,
તન મનકી શુદ્ધિ નહીં, બકિ બકિ મરે હેરાન.

મનની શુદ્ધિ વિના મતની ભ્રમણામાંથી છૂટી શકાતું નથી. નરિસંહે પણ સો રોગનું એ એક જ ઓસડ બતાવી કહ્યું : ‘ભણે નરસૈંયો એ મન તણી શોધના.’ મનનું શોધન કરવામાં આવે તો જ સત્ય સાંપડે. અને એ શોધન પણ કેવી રીતે થાય? જો અંતરમાં ક્યાંક પ્રેમની આગ લાગી જાય તો આવી આગના ભડકા ઊઠે. તો પછી ક્યાંયે પટાંતર કે અંતરપટ રહે નહીં, બધા જ ભેદના પડદાને તે ભેદી નાખે. અને પરમ સત્ય કાંઈ દૂર નથી. આ પટંતરમાં છુપાઈને તે પાસે જ રહ્યું છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું’. સંસારના મૂળમાં જુઓ તો એ, અને સંસારને વ્યાપીને પણ એ એક જ ચેતનપુરુષ રમી રહ્યો છે. પ્રીતિ કરું, પ્રેમથી પ્રગટ થાશે.’ નરસિંહ પોતાના હૃદયમાં જ ઊંડી ડૂબકી મારી કહે છે : હું જો ખરેખર ચાહી શકું તો એ ચાહનામાંથી જ મારો હિર હાજરાહજૂર સામે હસીને ઊભો રહેશે. હિર પછી સર્વ પળે, સર્વ સ્થળે પ્રત્યક્ષ : ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.’ નરસિંહના આવા સર્વમય હરદર્શનને ભાગવતના એક શ્લોકમાં વ્યક્ત કરતાં કહ્યું છે

ખં વાયુમનિ સલિલં મહીં ચ
જ્યોતીંષિ સત્ત્વાનિ.દિશો દુમાદીગ્
સરિત્સમુદ્રાંક્ષ હરે; શરીર
યશ્ર્ચિ ભૂત પ્રણમેદનન્યઃ

આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, ગ્રહ-નક્ષત્રો, સમસ્ત પાણીસમુદાય, દિશાઓ, વૃક્ષો, નદીઓ અને સમુદ્ર આ બધાં જ શ્રીહરિનાં શરીર છે. એટલે તો આ વિશ્વમાં જે કાંઈ છે તેને અનન્ય પ્રેમથી પ્રણામ કરવા જોઈએ.’ નરસિંહે વેદ, ઉપનિષદ અને ભાગવતના આ રસાયનને આકંઠ પીધું છે, રગરગમાં ઉતાર્યું છે. અને તેથી તો આજે પણ જીવતી વાણીથી તે ‘અખિલ બ્રહ્માંડમાં એક’ને જુએ છે, ‘સકળ લોકમાં સહુને વંદે’ છે, અને સુંદર મુખ જોઈ કરી હરિનો દિવેટિયો’ થઈ પ્રકાશ પાથરે છે.