ભજનરસ/કોળીબાપા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કોળીબાપા

(ટૂંક પરિચય)

માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી કોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી’ મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ

‘જુકિત કમંડળ કર ગહિ લીન્હા,
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.’

જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.’ એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી’ જીવનમાં ઉતારતા હતાઃ

‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,
કુમતિ મૈલ કો ડારો ખોઈ,
જિન ગુદરીકા કિયા વિચાર,
સો જન ભેટે સિરજનહારા.

માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.’ કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો’તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.’ આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. કબીરે જ્ઞાનગોદડી’માં કહ્યું છે:

‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,
યહ નૈનન સાહેબકો દેખા,
અહંકાર અભિમાન બિડાચ
ઘટકા ચૌકા કર ઉજિયારા.’

જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ ‘જરૂર કરાવું.’ ‘ક્યારે?’ ‘અરે, અબઘડી અત્યારે જ.’ હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? ‘તો દર્શન કરાવો, લો!’ ‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: ‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?” અને પછી એવા તો હસ્યા છે! આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ

‘અમલ કમલ સેં છટક્યા હૈ રે
છટક્યા હૈ સો ભટક્યા હૈ.’

જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે. કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે?

‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,
સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’