ભરત વિંઝુડાની ગઝલસંપદા/ચાલુ જ છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬૯
ચાલુ જ છે

શક્યતાઓ એની એ ચાલુ જ છે,
ઝંખનાઓ એની એ ચાલુ જ છે.

રોગ એનો એ જ છે, મટતો નથી,
ને દવાઓ એની એ ચાલુ જ છે.

દુશ્મનીમાં ક્યાં બદલવી એ હવે?
મિત્રતાઓ એની એ ચાલુ જ છે.

ક્યાં બની છે એ હજી પણ વાસ્તવિક?
કલ્પનાઓ એની એ ચાલુ જ છે.

થાય પૂરી તો નવી કંઈ માંડીએ,
વારતાઓ એની એ ચાલુ જ છે.

આવતા જન્મોની આશા એટલે,
વાસનાઓ એની એ જ ચાલુ જ છે.

(તમારા માટે)