ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/શિયાળ અને સાંઢ
‘કોઈ એક સ્થાનમાં તીક્ષ્ણવિષાણ નામે મોટો સાંઢ રહેતો હતો. તે મદના અતિરેકથી પોતાના યૂથનો ત્યાગ કરીને, શિંગડાં વડે નદીના કિનારા ખોદી નાખતો, મરકત જેવાં કૂણાં ઘાસ સ્વેચ્છાપૂર્વક ખાતો અરણ્યમાં ફરવા લાગ્યો. હવે તે વનમાં પ્રલોભક નામે શિયાળ રહેતો હતો. તે એક વાર પોતાની પત્નીની સાથે નદીકિનારે સુખપૂર્વક બેઠો હતો, તે સમયે તીક્ષ્ણવિષાણ પાણી પીવા માટે તે જ કિનારા ઉપર આવ્યો, એટલે તેના લટકતા વૃષણ જોઈને શિયાળને કહ્યું, ‘સ્વામી! આ વૃષભના માંસપિંડ લટકે છે તે જુઓ. એક ક્ષણ અથવા પહોર પછી તે નીચે પડી જશે, એમ જાણીને તમારે તેની પાછળ જવું જોઈએ.’ શિયાળ બોલ્યો, ‘પ્રિયે! આનું પતન કદી પણ થશે કે નહિ તે કહી શકાય તેમ નથી. માટે તું મને વૃથા પરિશ્રમમાં શા માટે યોજે છે? પાણી પીવા આવતા ઉંદરોનું તારી સાથે અહીં બેસીને હું ભક્ષણ કરીશ, કેમ કે આ તેમનો આવવાનો માર્ગ છે. હવે જો તને મૂકીને આ તીક્ષ્ણવિષાણ વૃષભની પાછળ હું જઈશ તો બીજો કોઈ આ સ્થાન ઉપર આવીને બેસી જશે. માટે એમ કરવું યોગ્ય નથી. કહ્યું છે કે
ધ્રુવ વસ્તુઓનો ત્યાગ કરીને જે અધ્રુવ વસ્તુઓને સેવે છે તેની ધ્રુવ વસ્તુઓ નાશ પામે છે, અને અધ્રુવ તો નાશ પામેલી છે જ.
શિયાળણી બોલી, ‘તમે કાયર છો, કારણ કે જે કંઈ પ્રાપ્ત થાય છે તેનાથી સંતોષ પામો છો. કહ્યું છે કે
નાની નદી ઝટ ભરાઈ જાય છે, ઉંદરની અંજલિ ઝટ ભરાઈ જાય છે, અને સંતોષમાં રહેતો કાયર મનુષ્ય પણ અલ્પ વસ્તુથી તુષ્ટ થાય છે.
માટે પુરુષે સદા ઉત્સાહ રાખવો જોઈએ. કહ્યું છે કે
જ્યાં ઉત્સાહપૂર્વક આરંભ થાય છે, જ્યાં આળસનો ત્યાગ થાય છે અને જ્યાં નીતિ તથા પરાક્રમનો સંયોગ થાય છે ત્યાં લક્ષ્મી અવશ્ય નિશ્ચલ રહે છે. ‘દૈવ જ ખરું છે’ એમ વિચારીને પોતાના ઉદ્યમનો ત્યાગ કરવો નહિ; ઉદ્યમ વિના તલમાંથી તેલ પેદા થતું નથી.
વળી
જે મંદબુદ્ધિ મનુષ્ય થોડાથી જ સંતોષ માને છે તે ભાગ્યહીનને આપવામાં આવેલી લક્ષ્મી પણ ઘસાઈ જાય છે.
વળી તમે કહો છે કે ‘આ પડશે કે નહિ પડે?’ એ પણ અયોગ્ય છે કહ્યું છે કે
કૃતનિશ્ચય જનો વંદન કરવા યોગ્ય છે, માત્ર મોટાઈ કંઈ કામની નથી. ચાતક કેવો બિચારો — અલ્પ છે, પણ ઇન્દ્ર તેને માટે પાણી લાવવાનું કામ કરે છે. વળી ઉંદરના માંસ ઉપર મને અભાવ થયો છે. આ માંસપંડિ પડું પડું થઈ રહેલા જણાય છે, માટે તમારે સર્વથા બીજું કંઈ કરવું નહિ.’
એ સાંભળીને તે શિયાળ ઉંદર મળે એવી જગ્યા છોડીને તીક્ષ્ણવિષાણની પાછળ ગયો. અથવા આ ખરું કહ્યું છે કે
સ્ત્રીના વાક્યરૂપી અંકુશથી વીંધાઈને બળપૂર્વક પકડાયો ન હોય ત્યાં સુધી જ પુરુષ પોતાનાં કાર્યો સ્વતંત્ર રીતે કરવાને સમર્થ હોય છે. સ્ત્રીનાં વાકયથી પ્રેરાયેલો પુરુષ અકાર્યને કાર્ય, અગમ્યને ગમ્ય અને અભક્ષ્યને ભક્ષ્ય માને છે.
એ પ્રમાણે સાંઢની પાછળ ભાર્યાસહિત ભમતાં તેણે ઘણો કાળ ગાળ્યો, પણ તે માંસપિંડનું પતન થયું નહિ. પછી પંદરમા વર્ષે ખેદ પામીને શિયાળે પોતાની પત્નીને કહ્યું,
‘હે ભદ્રે! શિથિલ છતાં સારી રીતે વળગી રહેલા આ બે (માંસપિંડ) ‘પડશે કે નહિ પડે?’ એવી આશામાં મેં પંદર વર્ષ સુધી જોયાં કર્યાં.
હવે પછી પણ તે પડશે નહિ. માટે આપણા તે જ સ્થાનમાં પાછાં જઈએ.’
પુરુષ બોલ્યો, ‘જો એમ છે તો ફરી વર્ધમાનપુરમાં જા. ત્યાં બે વાણિયા વસે છે. એક ગુપ્તધન (ધનનું રક્ષણ કરનાર) છે અને બીજો ઉપભુક્તધન (ધનનો ઉપભોગ કરનાર) છે. તે બન્નેનું સ્વરૂપ જાણીને તેઓમાંથી એકના જેવો થવાનું વરદાન માગજે. જો તને ઉપભોગ વિનાના ધનનું પ્રયોજન હશે તો હું તને ગુપ્તધન બનાવીશ, તથા દાન અને ઉપભોગમાં વપરાતા ધનનું પ્રયોજન હશે તો ઉપભુક્તધન બનાવીશ.’ એમ કહીને તે અદૃશ્ય થયો. વિસ્મિત મનવાળો સોમિલક પણ ફરી વાર વર્ધમાનપુર ગયો. પછી થાકેલો એવો તે સંધ્યા સમયે તે નગરમાં પહોંચ્યો અને ગુપ્તધનનું ઘર પૂછતો, મુશ્કેલીએ તે ખોળીને સૂર્ય આથમ્યો તે સમયે ઘરમાં ગયો. પત્ની અને પુત્ર સહિત ગુપ્તધને તિરસ્કાર કરવા છતાં હઠપૂર્વક ઘરમાં પેસીને બેઠો. પછી ભોજન સમયે તેને ભાવ વિનાનું કંઈક ખાવાનું આપવામાં આવ્યું. ખાઈને સૂઈ રહ્યા પછી મધ્ય રાત્રિએ જુએ છે તો એ જ બે પુરુષો પરસ્પર મંત્રણા કરતા હતા. એમાંનો એક બોલ્યો, ‘હે કર્તા! શું આ ગુપ્તધન માટે તેં બીજો અધિક ખર્ચ નિર્મિત કરેલો છે, કે જેથી તેણે સોમિલકને ભોજન આપ્યું? માટે આ તેં અયોગ્ય કર્યું.’ તે બોલ્યો, ‘હે કર્મ! એમાં મારો દોષ નથી. મારે તો મનુષ્યને લાભપ્રાપ્તિ આપવી જોઈએ. પણ તેનું પરિણામ તો તારે અધીન છે.’
પછી સવારે જ્યારે સોમિલક ઊઠ્યો ત્યારે ઝાડાથી પીડાતો ગુપ્તધન ક્ષણેક વાર વેદનાથી ત્રાસ પામ્યો. આ શરીરદોષને કારણે તેણે બીજે દિવસે ઉપવાસ કર્યો. સોમિલક પણ પ્રભાતે તેના ઘેરથી નીકળીને ઉપભુક્તધનને ઘેર ગયો. તેણે સામે આવીને સોમિલકનો સત્કાર કર્યો તથા ભોજન-વસ્ત્રાદિ વડે તેનું સન્માન કર્યું. પછી તેને ઘેર સુંદર શય્યામાં સોમિલક સૂઈ ગયો. પછી મધ્ય રાત્રિએ જુએ છે તો તે જ પુરુષો પરસ્પર વાર્તાલાપ કરતા હતા. અહીં તેમાંના એકે કહ્યું, ‘સોમિલક ઉપર ઉપકાર કરતાં આ ઉપભુક્તધને ઘણો વ્યય કર્યો છે. માટે કહે, હવે એનો ઉદ્ધાર કેવી રીતે થશે? આ બધું જ તેણે વાણિયાને ઘેરથી (દેવું કરીને) આણેલું છે.’ બીજો બોલ્યો, ‘હે કર્મ! એ મારું કાર્ય છે. તેનું પરિણામ તારે અધીન છે.’ પછી પ્રભાતમાં રાજપુરુષ રાજપ્રસાદરૂપ ધન લઈને આવ્યો અને તે ઉપભુક્તધનને આપ્યું, તે જોઈને સોમિલક વિચાર કરવા લાગ્યો, ‘સંગ્રહ વિનાનો હોવા છતાં આ ઉપભુક્તધન ઉત્તમ છે, પેલો ગુપ્તધન નહિ. કહ્યું છે કે
અગ્નિહોત્ર એ વેદનું ફળ છે, શીલ અને સદાચાર એ શાસ્ત્રનું ફળ છે, રતિ અને પુત્ર એ સ્ત્રીનું ફળ છે, તથા દાન અને ઉપભોગ એ ધનનું ફળ છે.
માટે વિધાતા મને ઉપભુક્તધન બનાવો. મારે ગુપ્તધન બનવાનું કામ નથી.’
પછી સોમિલક ધનનું દાન અને ઉપભોગ કરનારો થયો.