ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ/પરશુરામ અને ગણપતિની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પરશુરામ અને ગણપતિની કથા

એક વાર પરશુરામ ભગવાન શંકરના દર્શન કરવા કૈલાસ પર્વત પર ગયા. અનેક પ્રકારનાં સુશોભનો ત્યાં હતાં. અંદર પ્રવેશવા માટેના દ્વારની ડાબી-જમણી બાજુએ કાર્તિકેય, ગણેશ અને વિશાળકાય વીરભદ્ર હતા. ત્યાં મુખ્ય મુખ્ય પાર્ષદો અને ક્ષેત્રપાલો પણ રત્નજડિત આભૂષણો પહેરીને બેઠા હતા. મહાપરાક્રમી પરશુરામ તે બધાની સાથે વાત કરવા માટે આગળ વધ્યા. તેમને અટકાવીને ગણેશે કહ્યું, ‘થોડી વાર માટે ઊભા રહો. અત્યારે મહાદેવ ઊંઘી ગયા છે. હું તેમની આજ્ઞા લઈને આવું છું, અને તમને સાથે લઈ જઈશ.’ ગણેશની વાત સાંભળીને બૃહસ્પતિ સમાન કુશળ વક્તા પરશુરામે કહ્યું,

‘મિત્ર, હું ઈશ્વરને વંદન કરવા અંત:પુરમાં જવા માગું છું. તેમને અને માતા પાર્વતીને પ્રણામ કરીને તરત પાછો આવતો રહીશ.’ અને ભગવાનનો મહિમા ગાયો.

ગણેશે તેમને બહુ સમજાવ્યા — અત્યારે શંકર અને પાર્વતી અંત:પુરમાં છે, તમારે ત્યાં નહીં જવું જોઈએ. પણ પરશુરામ જિદે ભરાયા. ઘણી બધી રીતે તેઓ અંદર જવાની વિનંતી કરતા રહ્યા, જ્યારે પરશુરામે બળજબરી કરવા માંડી ત્યારે ગણેશે તેમને અટકાવ્યા. બંને વચ્ચે વાદવિવાદ શરૂ થયો, મારામારી પણ. છેવટે પરશુરામે ગણેશ ઉપર હુમલો કરવા પરશુ ઉપાડ્યું. ત્યારે કાર્તિકેયે વચ્ચે પડીને પરશુરામને સમજાવ્યા. પરશુરામે ગણેશને ધક્કો મારી ગબડાવી પાડ્યા. ફરી પરશુરામે શસ્ત્ર ઉગામ્યું. ત્યારે ગણેશે પોતાની સૂંઢ લાંબી કરીને પરશુરામને લપેટી લીધા, અને ઘુમાવવા માંડ્યા. જેવી રીતે નાનકડા સાપને ગરુડ ઉપાડી લે તેવી રીતે યોગબળથી ગણેશે પરશુરામને જડવત્ બનાવી દીધા, અને એક પછી એક બધા લોકમાં તેમને ફેરવ્યા, પછી તેમને સમુદ્રમાં ફંગોળી દીધા. જ્યારે સમુદ્રમાં તેઓ તરવા લાગ્યા ત્યારે ફરી ઊંચકીને તેમને વૈકુંઠ અને ગોલોક દેખાડ્યા. ત્યારે કૃષ્ણ આભૂષણો પહેરીને સિંહાસન પર બેઠા હતા, અને રાધા તેમને આલિંગીને બેઠાં હતાં. આમ ભગવાનનાં દર્શન કરાવીને ગણેશે પરશુરામને પાપમુક્ત કરી દીધા. થોડી વારે પરશુરામમાં ચેતના આવી અને તેઓ ધરતી પર ગબડી પડ્યા. ગણેશે તેમને જડ બનાવી દીધા હતા. તે અવસ્થા પણ દૂર થઈ. પછી તેમણે શ્રીકૃષ્ણ, શંકર પાસેથી સાંપડેલા કવચનું સ્મરણ કર્યું. અને પોતાનું અમોઘ પરશુ ગણેશ ઉપર ફંગોળ્યું, પિતાના તે અમોઘ શસ્ત્રને આવતું જોઈ ગણેશે પોતાના ડાબા દાંતથી પકડી લીધું. મહાદેવના તેજને કારણે તે પરશુએ ગણેશનો દાંત જડમૂળથી કાપી નાખ્યો, અને પાછું પરશુરામના હાથમાં તે પહોંચી ગયું. આ જોઈ કાર્તિકેય, વીરભદ્ર અને ક્ષેત્રપાલ વગેરેએ ચીસરાણ મચાવી. ગણેશનો લોહીથી લથબથ દાંત જમીન પર પડ્યો અને એને કારણે ધરતી ધ્રૂજી ઊઠી. કૈલાસવાસી બધાં પ્રાણીઓ ડરી ગયાં. તે વેળા શંકર ભગવાનની ઊંઘ ઊડી ગઈ અને પાર્વતીની સાથે બહાર આવ્યા. ગણેશ ઘવાઈને પડ્યા હતા, તેમનું મોં લોહીથી લથબથ હતું. તેમનો ક્રોધ શમી ગયો હતો. લજવાઈને ઊભા રહ્યા હતા. તેમને આવી રીતે ઊભેલા જોઈને પાર્વતીએ સ્કન્દને શું બન્યું તે વિશે પૂછ્યું એટલે સ્કન્દે બીતાં બીતાં બધી વાત કહી. આ સાંભળીને માતાને ક્રોધ ચડ્યો. તે રુદન કરવા લાગ્યાં અને ગણેશને છાતીએ વળગાડીને શંકરને કહેવા લાગ્યાં, ‘જગતમાં બધા મને શંકરની દાસી તરીકે ઓળખે છે. મારા પુત્ર ગણેશ અને તમારા શિષ્ય પરશુરામ — આ બંનેમાંથી દોષ કોનો છે તે તમે નક્કી કરો. વીરભદ્ર, કાર્તિકેય આખી ઘટનાના સાક્ષી છે.’

પછી પાર્વતી પરશુરામને કહેવા લાગ્યા, ‘તમે તો ગુરુએ આપેલું અમોઘ શસ્ત્ર ગુરુપુત્ર ઉપર અજમાવ્યું અને તેમનો દાંત તોડી નાખ્યો. હવે તેમનું મસ્તક છેદી નાખો. શંકર ભગવાનના વરદાનથી તો શિયાળ વાઘસિંહને પણ મારી શકે.’ ક્રોધે ભરાયેલાં પાર્વતી પરશુરામને મારવા તત્પર થયાં, ત્યારે પરશુરામે શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું. અને દુર્ગાએ પોતાની સામે એક બ્રાહ્મણ બટુકને જોયો… તેને જોઈને શંકર ભગવાને વંદન કર્યાં, પાર્વતીએ પણ દંડવત્ પ્રણામ કર્યા. પછી શંકર ભગવાને તેમની સ્તુતિ કરી. શ્રીકૃષ્ણે કહ્યું,

‘હું કૃષ્ણભક્ત પરશુરામની રક્ષા કરવા અહીં આવી ચઢ્યો છું… ઘણી બધી રીતે ગુરુમહિમા સમજાવતાં કહ્યું. વેદથી ચઢિયાતું કોઈ શાસ્ત્ર નથી, શ્રીકૃષ્ણથી ચઢિયાતો કોઈ દેવ નથી, ગંગા જેવું કોઈ તીર્થ નથી, તુલસી જેવું બીજું કોઈ પુષ્પ નથી… તમારો પુત્ર હવે એકદન્ત કહેવાશે, તે વિઘ્નહર્તા છે.’ પરશુરામને પણ તેમણે અપરાધી કહ્યા અને ગણેશવંદના કરવા કહ્યું, પછી પરશુરામે ગણેશસ્તુતિ કરી.


(ગણપતિખંડ ૪૧-૪૫)