ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ/શ્રીકૃષ્ણથી સૃષ્ટિનો આરંભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શ્રીકૃષ્ણથી સૃષ્ટિનો આરંભ


ભગવાન કૃષ્ણે જોયું કે સંપૂર્ણ વિશ્વ શૂન્યમય છે. ક્યાંય કોઈ જીવજન્તુ નથી. ક્યાંય જળ નથી. સમગ્ર આકાશ વાયુ વિનાનું અને અન્ધકારમય છે. વૃક્ષ, પર્વત, સમુદ્ર ન હોવાને કારણે વિશ્વ વિકૃત છે. મૂર્તિ, ધાતુ, અનાજ, ઘાસ — વગેરેનો સંપૂર્ણ અભાવ છે. વિશ્વને આવું શૂન્યમય જોઈ બીજા કોઈ સહાયક વિના સ્વેચ્છાથી ભગવાને સૃષ્ટિરચનાનો આરંભ કર્યો. શ્રીકૃષ્ણના જમણા પડખામાંથી જગતના કારણરૂપ ત્રણ ગુણ પ્રગટ્યા. એ ગુણોમાંથી મહત્ તત્ત્વ, અહંકાર, પાંચ તન્માત્રા, રૂપ- રસ-ગન્ધ-સ્પર્શ અને શબ્દ પ્રગટયા પછી શ્રીકૃષ્ણમાંથી શ્યામ કાન્તિવાળા, નિત્ય યુવા, પીતાંબરધારી, વનમાલા પહેરેલા ભગવાન નારાયણ પ્રગટ્યા. તેમના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ હતાં. વક્ષ:સ્થળે કૌસ્તુભ મણિ હતો. તેમના મુખારવંદિ પર આછું સ્મિત હતું, રત્નમય આભૂષણોથી અલંકૃત હતા, શાર્ઙ્ગ ધનુષ હતું. શ્રીવત્સથી શોભતા વક્ષે લક્ષ્મીનો નિવાસ હતો. નારાયણે તેમની સામે ઊભા રહીને, બે હાથ જોડીને સ્તુતિ કરી.

ત્યાર પછી શ્રીકૃષ્ણના ડાબા પડખામાંથી ભગવાન શિવ પ્રગટ્યા. તેમની કાન્તિ સ્ફટિકમણિ જેવી હતી, તેમનાં પાંચ મુખ હતાં અને તે દિગંબર હતા. પ્રત્યેક મુખમાં ત્રણ આંખો હતી, મસ્તકે ચંદ્રાકાર મુકુટ હતા. તેમણે શ્રીકૃષ્ણની વંદના કરી.

પછી શ્રીકૃષ્ણની નાભિમાંથી બ્રહ્મા પ્રગટ્યા. શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને નારાયણ અને શિવની સાથે તે બેસી ગયા. ત્યાર પછી શ્રીકૃષ્ણના વક્ષ:સ્થળમાંથી ધર્મ નામે એક પુરુષ પ્રગટ્યો. તેણે પણ કૃષ્ણની સ્તુતિ કરી. ધર્મના ડાબા પડખામાંથી મૂર્તિ નામે એક રૂપવતી કન્યા પ્રગટી. પછી શ્રીકૃષ્ણના મુખમાંથી શુક્લવર્ણની વીણાધારિણી, પુસ્તક ધરાવતી એક કન્યા પ્રગટી. તે કવિઓની ઇષ્ટદેવી, વાણીની અધિષ્ઠાત્રી, શુદ્ધ સત્યસ્વરૂપા સરસ્વતી હતી. તેણે પણ શ્રીકૃષ્ણની સ્તુતિ કરી. પછી શ્રીકૃષ્ણના મનમાથી એક ગૌરવર્ણા દેવી પ્રગટી તે બધા જ ઐશ્વર્યોની અધિષ્ઠાત્રી હતી. તે મહાલક્ષ્મીએ કૃષ્ણની સ્તુતિ કરી. પછી શ્રીકૃષ્ણની બુદ્ધિમાંથી બધાની અધિષ્ઠાત્રી દેવી ઈશ્વરી પ્રકૃતિ પ્રગટી. એને દુર્ગા પણ કહેવામાં આવે છે. તેણે કૃષ્ણની સ્તુતિ કરી. ત્યાર પછી શ્રીકૃષ્ણના જિહ્વાગ્રમાંથી શ્વેત વસ્ત્રધારિણી સાવિત્રી પ્રગટી. પછી શ્રીકૃષ્ણના મનમાંથી એક પુરુષ પ્રગટ્યો, અને તે મન્મથ. કામદેવના ડાબા પડખામાંથી રતિ નામે ઓળખાતી શ્રેષ્ઠ કામિની પ્રગટી. કામપરવશ બનેલા બ્રહ્માનું વીર્ય અગ્નિ રૂપે પ્રગટ્યું. વિશાલ રૂપવાળા અગ્નિને જોઈ શ્રીકૃષ્ણે જલની રચના કરી. ત્યાં વરુણ નામે બીજો પુરુષ પ્રગટ્યો. અગ્નિના ડાબા અંગમાંથી સ્વાહા પ્રગટી. તેને વિદ્વાનો અગ્નિપત્ની કહે છે. વરુણના ડાબા અંગમાંથી પ્રગટેલી કન્યા વરુણાની તરીકે ઓળખાય છે. શ્રીકૃષ્ણના નિ:શ્વાસમાંથી પવન પ્રગટયો, તેના ડાબા અંગમાંથી વાયવી દેવી પ્રગટી. શ્રીકૃષ્ણનું વીર્ય પાણીમાં પડ્યું. હજાર વર્ષ પછી ઈંડા રૂપે પ્રગટ્યું. શ્રીકૃષ્ણના કાનમાંથીબે દૈત્ય પ્રગટ્યા, તેઓ બ્રહ્માની હત્યા કરવા તત્પર થયા, એટલે ભગવાન નારાયણે બંનેને સાથળ પર સૂવડાવીને ચક્ર વડે મારી નાખ્યા. બંનેના મેદમાંથી આખી પૃથ્વી પ્રગટી. એટલે તેનું મેદિની પડ્યું. તેની અધિષ્ઠાત્રી દેવી એટલે વસુન્ધરા. શ્રીકૃષ્ણના ડાબા અંગમાંથી અદ્ભુત સૌંદર્યવાળી રાધા પ્રગટી. તેના રોમમાંથી ગોપાંગનાઓ પ્રગટી. શ્રીકૃષ્ણના રોમમાંથી ગોપગણ પ્રગટ્યા. પછી તેમાંથી યૌવનવાળી ગાયો પ્રગટી. તેમાં એક બળવાન બલીવર્દ હતો, શ્રીકૃષ્ણે તે નંદી શિવને આપી દીધો. શ્રીકૃષ્ણના પગના નખમાંથી હંસ પ્રગટ્યા. એમાંના એક રાજહંસ બ્રહ્માને આપ્યો. શ્રીકૃષ્ણના ડાબા કાનમાંથી શ્વેત અશ્વો પ્રગટ્યા. એમાંથી એક અશ્વ ધર્મને આપ્યો. પછી તેમના જમણા કાનમાંથી મહા બળવાન સિંહો પ્રગટ્યા, તેમાંથી એક સિંહ દુર્ગાને આપ્યો.

આ ઉપરાંત કૃષ્ણે યોગબળથી પાંચ રથ પ્રગટાવ્યા. એક રથ નારાયણને, એક રથ રાધિકાને અને બાકીના પોતાના માટે રાખ્યા. શ્રીકૃષ્ણના ગુહ્ય દેશમાંથી એક પિંગલ પુરુષ પ્રગટ્યો, તે કુબેર. તેના ડાબા અંગમાંથી પ્રગટેલી મનોરમા કુબેરની પત્ની બની. તે ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ, વેતાલ પ્રગટ્યા. તેમના મોંમાંથી પાર્ષદો પ્રગટ્યા. પગમાંથી બે હાથવાળા પાર્ષદ પ્રગટ્યા. જમણા નેત્રમાંથી ભયંકર ગણ પ્રગટ્યા. પછી ડાબા નેત્રમાંથી ભયંકર પુરુષ નામે ઈશાન પ્રગટ્યો. કૃષ્ણના નાકમાંથી ડાકણો, યોગિનીઓ, ક્ષેત્રપાલો પ્રગટ્યા. (બ્રહ્મખંડ)