ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/આસ્તિકકથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આસ્તિકકથા

(સૂતના પિતા લોમહર્ષણે બ્રાહ્મણોના કહેવાથી આ કથા સંભળાવી હતી.)

આસ્તિકના પિતા બ્રહ્મચારી, પ્રજાપતિ સમાન, યુક્તાહારી, તપસ્વી અને ઉગ્ર તપમાં તલ્લીન રહેતા હતા. તે ઊર્ધ્વરેતા, યાયાવરોમાં ઉત્તમ, વ્રતધારી, ધર્મજ્ઞ ઋષિ જરત્કારુ નામથી પ્રસિદ્ધ થયા. એક દિવસ ભ્રમણ કરતાં કરતાં ઊંડી ગર્તામાં માથાં નીચે અને પગ ઉપર એવી અવસ્થામાં પોતાના પિતૃઓને જોયા. પિતામહોને આવી રીતે જોઈને તેણે તેમને પૂછ્યું, ‘કોણ છો તમે? આ ગર્તામાં ઊંધે માથે કેમ લટકી રહ્યા છો?’ આ ગર્તામાં છુપાઈને રહેનારા ઉંદરો ચારે બાજુથી જેને કાપી રહ્યા છે તે ખસખસ જેવા કોઈ છોડમાં લટકેલા કેમ છો?’

ત્યારે પિતૃઓએ કહ્યું, ‘અમે યાયાવર નામના વ્રતધારી ઋષિઓ છીએ. હે બ્રહ્મન્, સંતાનોના લોપ થવાથી અમે અધોભૂમિમાં જઈ રહ્યા છીએ. અમે મંદભાગ્યોનો એક પુત્ર જરત્કારુ છે, તે માત્ર તપ જ કર્યા કરે છે. તે પુત્રજન્મ નિમિત્તે વિવાહ કરવા માગતો નથી. વંશલોપના ભયથી અમે આ ગર્તામાં લટકીએ છીએ. આમ અમે સનાથ હોવા છતાં દુષ્કૃત્યો કરનારા સમાન અનાથ થઈ ગયા છીએ. હે સાધુ, તું કોણ છે? બંધુની જેમ અમારી ચિંતા કેમ કરી રહ્યો છે? હે બ્રહ્મન, તું કોણ છે તે અમે જાણવા માગીએ છીએ. તું કયા હેતુથી અમારી શોચનીય દશા જોઈને શોક કરી રહ્યો છે?’

એ વનસ્પતિના એક માત્ર બચેલા મૂળિયાને ઉંદર પોતાના તીક્ષ્ણ દાંત વડે કાપી રહ્યો હતો. એટલે જરત્કારુએ પોતાના તપનો ચોથો, ત્રીજો કે અડધો ભાગ આપીને તેમના મોક્ષ માટે કહ્યું, પણ તે પિતૃઓ બોલ્યા, ‘તમે પણ અમારી રક્ષા કરવા માગો છો પણ એ શક્ય નથી. અમારી તપસ્યા પણ ખાસ્સી છે, પણ અમે તો વંશ નિર્મૂળ જવાને કારણે જ અહીં લટકીએ છીએ. અમારો એક અનુજ જરત્કારુ છે, તે મોટો તપસ્વી છે, એને તપનો લોભ છે એટલે અમારી આવી સ્થિતિ થઈ છે. અમે જે મૂળિયાંને વળગી રહ્યા છીએ તે અમારી વૃદ્ધિ માટેનો સ્તંભ છે. જેને પકડીને અમે વળગી રહ્યા છીએ તે જરત્કારુ છે. આ જે ઉંદર તમે જુઓ છો તે કાળ છે. અમારી સાથે જરત્કારુ પણ કાળનો કોળિયો થઈ જશે અને તે નરકમાં જશે. જો તમને એ ઋષિ મળે તો અમારી આ કથા તેને કહેજો.’

જરત્કારુએ કહ્યું, ‘તમે જ મારા પિતૃઓ, પિતામહો છો, હું જ સ્વયં જરત્કારુ છું, હું શું કરું તે કહો.’

પિતૃઓ બોલ્યા, ‘હે તાત, તું અમને તારી જાતને અને ધર્મ બચાવવા માટે કુળનો વંશવેલો વધે એ માટે પ્રયત્ન કર. પુત્રવાન જેવી સદ્ગતિ પામે છે તેવી સદ્ગતિ સુસંચિત કરેલા તપથી કે ધર્મફલથી પણ પ્રાપ્ત થતી નથી. એટલે અમારા કહેવાથી પત્ની મેળવ અને સંતતિને જન્મ આપ. એથી અમારું પરમ હિત થશે.’

જરત્કારુએ કહ્યું, ‘મેં મનમાં નિશ્ચય કર્યો હતો કે હંુ દારાગ્રહણ (લગ્ન) નહીં કરું. પરંતુ તમારા કલ્યાણ માટે હું વિવાહ કરીશ. પણ તેને માટે એક શરત છે, એ પ્રમાણે જો મને કન્યા મળશે તો હું લગ્ન કરીશ, નહીંતર નહીં કરું. એ કન્યા મારા નામની હોવી જોઈએ, અને તેના બાંધવોએ તેનું દાન સ્વેચ્છાથી કરેલું હોવું જોઈએ. તો એ કન્યાને ભિક્ષા રૂપે સ્વીકારીને એની સાથે વિવાહ કરીશ. તમને તારવા માટે પુત્ર જન્મશે. તેનાથી મારા પિતૃઓ એવા તમે શાશ્વત સ્થાન પ્રાપ્ત કરી આનંદ કરી શકશો.’

ત્યાર પછી તે વ્રતધારી વિપ્ર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવા માટે, સ્ત્રીનો અભિલાષી થઈને આખી ભૂમિ ઘૂમી વળ્યો, પરંતુ તેને સ્ત્રી ન મળી. તે એક વાર વનમાં ગયો ત્યારે પિતૃવાક્યનું સ્મરણ કરીને ધીમેથી ત્રણ વાર બોલ્યો, ત્યારે એ સાંભળીને વાસુકિ પોતાની બહેનનું દાન કરવા તૈયાર થયા. પણ તે કન્યા પોતાના જેવું નામ નથી ધરાવતી એમ માનીને તેનો સ્વીકાર ન કર્યો. મહાત્મા જરત્કારુએ મનમાં નિશ્ચય કરી લીધો હતો કે હું મારા જ નામની અને સામેથી મળે એવી કન્યા સાથે જ લગ્ન કરીશ. મહાપ્રાજ્ઞ(મહા જ્ઞાની), મહાતપસ્વી જરત્કારુએ પૂછ્યું, ‘હે ભુજંગ, સાચું કહો, તમારી ભગિનીનું નામ શું છે?’

વાસુકિએ કહ્યું, ‘હે જરત્કારુ, મારી અનુજા બહેનનું નામ જરત્કારુ છે. હે દ્વિજોત્તમ, મેં તેને તમારા માટે આરક્ષિત રાખી છે. પહેલાં સર્પમાતાએ ભુજંગોને શાપ આપ્યો હતો કે જનમેજયના યજ્ઞમાં અનિલ(પવન)ની સહાયથી અગ્નિ તમને બાળી નાખશે.’

તે શાપની શાન્તિ માટે નાગશ્રેષ્ઠ વાસુકિએ વ્રતશીલ અને તપસ્વી ઋષિને પોતાની સ્વસા (બહેન) આપી. વિધિ દ્વારા નિશ્ચિત કર્મ પ્રમાણે વયોવૃદ્ધ, વ્રતધારી ધર્માત્મા જરત્કારુએ મન્ત્રોચ્ચાર કરીને પાણિગ્રહણ કર્યું. મહર્ષિઓ દ્વારા પ્રશંસિત જરત્કારુ પન્નગશ્રેષ્ઠે (સર્પશ્રેષ્ઠ) નિર્દેશેલા શુભ વાસગૃહમાં ગયા. ત્યાં સુંદર શયન તૈયાર કરેલું હતું. જરત્કારુ ભાર્યા સાથે ત્યાં રહેવા લાગ્યા. સાધુશ્રેષ્ઠ ઋષિએ ભાર્યા સાથે શરત કરી કે ‘તું ક્યારેય મને અપ્રિય કાર્ય કરવા નહીં કહે, એવી વાત પણ નહીં કરે, જો તું અપ્રિય કાર્ય કરીશ, અપ્રિય વચન બોલીશ તો તારા ઘરમાં નહીં રહું, તને ત્યજી દઈશ, મેં જે કહ્યું તેને ધ્યાનમાં રાખજે.’

ત્યારે નાગરાજની બહેને અત્યંત દુઃખી થઈને ‘ભલે’ કહીને એ વાત સ્વીકારી લીધી. પતિનું હિત ચાહવાવાળી યશસ્વિનીએ કાગડા, કૂતરાની જેમ પતિની સેવા કરવા લાગી.

થોડા સમય પછી ઋતુકાળ વીત્યો એટલે સ્નાન કરીને મહામુનિ પાસે યથાન્યાય (વિધિપૂર્વક) જઈને વાસુકિની બહેને સમાગમ કર્યો, ત્યારે તે જરત્કારુએ અગ્નિસમાન, તપોયુક્ત, વૈશ્વાનર (અગ્નિ) સમાન તેજસ્વી ગર્ભ ધારણ કર્યો અને જેવી રીતે શુક્લ પક્ષમાં સોમ (ચંદ્ર) વૃદ્ધિ પામે તેમ વૃદ્ધિ પામવા લાગ્યો. થોડા સમય પછી મહા તપસ્વી જરત્કારુ પત્નીના ઉછંગમાં માથું મૂકીને થાકેલામાંદલા જેવા સૂઈ ગયા હતા. એ વિપ્રવર સૂતા હતા ત્યારે સવિતાનારાયણ અસ્તાચળે પહોંચ્યા, દિવસ પૂરો થવા આવ્યો એટલે વાસુકિની મનસ્વિની બહેન ધર્મલોપની ચિંતાથી વિચારવા લાગી. જો હું તેમને નિદ્રામાંથી નહીં ઉઠાડું તો ધાર્મિક પતિના ધર્મલોપની સંભાવના છે અને જગાડીશ તો તેમના ક્રોધની સંભાવના છે, છેવટે તેણે ધર્મલોપથી થનારું પાપ વધુ ગંભીર છે એમ માન્યું. હં નિદ્રામાંથી જગાડીશ તો ક્રોધે ભરાશે જ, પણ જો સંધ્યાકાળ વીતી જશે તો ધર્મલોપ થશે.

પછી તે મધુરભાષિણી નાગભગિનીએ મનમાં નિશ્ચય કરીને અગ્નિ સમાન તેજસ્વી, તપથી દીપ્ત થયેલા પતિને મીઠા શબ્દે કહ્યું, ‘હે મહાભાગ, વ્રતશીલ ભગવાન્, સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, એટલે તમે ઊઠો. જળ સ્પર્શ કરીને સન્ધ્યા-ઉપાસના કરો. અગ્નિહોત્રનો સમય થયો છે, આ મુહૂર્ત દારુણ અને રમણીય છે. પશ્ચિમ દિશામાં સંધ્યા આવી પહોંચી છે.’

આ સાંભળીને મહા તપસ્વી બ્રાહ્મણ જરત્કારુ ક્રોધે હોઠ ફફડાવતા પત્નીને કહેવા લાગ્યા, ‘અરે ભુજંગા, તેં મારું અપમાન કર્યું છે, હવે હું તારી સાથે નહીં રહું, જ્યાં મન થશે ત્યાં જઈશ. હે સુંદર સાથળોવાળી, હંુ નિશ્ચિત જાણું છું કે હું સૂતો હોઉં તો સૂર્ય કદી પણ અસ્ત થઈ જ ન શકે. અપમાન વેઠીને કોઈ પુરુષ અહીં રહે નહીં, તો મારા જેવા ધર્મશીલ પુરુષની તો વાત જ શી?’

હૃદયને કંપાવતી પતિની વાણી સાંભળીને વાસુકિના ઘેર રહેનારી તેની બહેને કહ્યું, ‘હે વિપ્ર, અપમાન કરવા મેં તમને જગાડ્યા નથી, ધર્મલોપ ન થાય એટલે મેં તમને જગાડ્યા.’

આ સાંભળીને ભુજંગિનીનો ત્યાગ કરવા તત્પર મહાતપસ્વી ઋષિએ પત્નીને કહ્યું, ‘હે ભુજંગિની, મારી વાણી અસત્ય નથી હોતી. હું જઈશ, મેં પહેલેથી તને કહી રાખ્યું હતું. હે ભદ્રે, મારા ગયા પછી તારા ભાઈને કહેજે કે ઋષિ ચાલ્યા ગયા છે. આ દિવસો હું સુખેથી રહ્યો છું. હે ભીરુ, તું પણ મારા જવાથી શોક ન કરીશ.’

આમ સાંભળીને અનવદ્ય (અતિ સુંદર) અંગોવાળી જરત્કારુ ચિન્તાતુર, શોકપરાયણા થઈ, ગદ્ગદ્ થઈ ગઈ, તેનું મોં સુકાઈ ગયું, કોઈક રીતે ધૈર્ય ધારણ કરી આંસુઓને કારણે રૂંધાયેલા કંઠે પતિ જરત્કારુને કહેવા લાગી, ‘હું તો સદા પતિના હિતમાં તલ્લીન, ધર્મના માર્ગે ચાલનારી છું. નિરપરાધીનો ત્યાગ કરવો અયોગ્ય છે. જે કારણે મારા ભાઈએ આ વિવાહ કરાવ્યો હતો તેને નિષ્ફળ થયેલો જોઈ તે મને શું કહેશે? મારા સ્વજનોએ મારી પાસે એક સંતાનની ઇચ્છા રાખી હતી. એ સંતાન મારા સ્વજનોનું કલ્યાણ કરત. તો આપણું આ મિલન વ્યર્થ જવું ન જોઈએ. તમે શા માટે મારો ત્યાગ કરવા માગો છો?’

આ સાંભળીને તપસ્વી જરત્કારુએ પત્નીને કહ્યું, ‘તારા ઉદરમાં અગ્નિ જેવો તેજસ્વી, પરમ ધામિર્ક, વેદવેદાંગમાંકુશળ એવો એક ઋષિ આકાર લઈ રહ્યો છે.’ આમ કહી જરત્કારુ ચાલ્યા ગયા. એટલે તરત જ જરત્કારુએ પોતાના ભાઈ પાસે જઈને બધી વાત કરી. આ દુઃખદ વાત સાંભળીને વાસુકિએ ગરીબ થઈ ગયેલી બહેનને કહ્યું,

‘અમે જે કારણે તારો વિવાહ કરાવ્યો હતો તે તું જાણે છે. એ ઋષિ દ્વારા તને એક પુત્ર જન્મે તો તે સાપલોકોને સર્પયજ્ઞમાંથી બચાવી શકે. આ વાત પિતામહ બ્રહ્માએ દેવોની હાજરીમાં મને કહી હતી. એ મુનિથી તને પુત્ર જન્મશે કે નહીં? આ વિવાહ નિષ્ફળ ન જવો જોઈએ. તને આમ પૂછવું અયોગ્ય છે તે છતાં હું પૂછું છું. તારા પતિના ક્રોધી સ્વભાવને જાણું છું, એટલે તેમની પાછળ હું જતો નથી. કદાચ તે મને પણ શાપ આપી બેસે. તું મને બધી વાત માંડીને કહે. મારા હૃદયમાં કેટલાય દિવસોથી ઘુમરાઈ રહેલી વેદનાને દૂર કર.’

આ વાત સાંભળીને જરત્કારુએ પોતાના ભાઈને ધીરજ બંધાવી. ‘મેં તેમને સંતાન વિશે પૂછ્યું હતું. ‘તારા ઉદરમાં સંતાન છે.’ એમ કહીને તે જતા રહ્યા, તેઓ કદી હસીમજાકમાં પણ અસત્ય બોલતા ન હતા, તો આવા કઠોર સમયે શા માટે અસત્ય બોલે? તેમણે મને કહ્યું હતું, ‘તું વિવાહના હેતુ વિશે વિચારીને દુઃખી ન થતી. તારા ઉદરમાં અગ્નિ અને સૂર્ય જેવો તેજસ્વી પુત્ર જન્મશે.’ એટલે હવે તમે દુઃખી ન થતા.’

વાસુકિએ શાંત થયેલી પોતાની બહેનનો આદરસત્કાર કર્યો.

પછી આકાશમાં શુક્લ પક્ષના ચન્દ્રની જેમ, સૂર્યસમાન તેજસ્વી ગર્ભ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યો. સમય જતાં માતૃકુલના ભયનો વિનાશ કરનારા અને દેવ સમાન પુત્રને જન્મ આપ્યો. તે બાળક નાગરાજના ઘરમાં જ મોટો થવા લાગ્યો અને વેદવેદાંગનો અભ્યાસ કરતો રહ્યો. જ્યારે તે ઉદરમાં હતો ત્યારે તેના પિતા ‘અસ્તિ’ કહીને વનમાં જતા રહ્યા હતા એટલે તેનું નામ આસ્તિક પડ્યું. સર્પરાજ વાસુકિના ઘરમાં રહીને આસ્તિક સારી રીતે સુરક્ષિત રહ્યા અને બધા સાપોેને આનંદ આપવા લાગ્યા.

ઋત્વિજો આ મોટા સર્પયજ્ઞમાં આહુતિ આપતા હતા એટલે ભયંકર સર્પો, બીજાં પ્રાણીઓ માટે ભયજનક સર્પો તે યજ્ઞમાં પડવા લાગ્યા. એ સર્પોનાં ચરબી અને મેદ વહેવા લાગ્યાં. રાતદિવસ સળગતા સાપોની તુમુલ (ભયાનક) ગંધ ચારે બાજુ ફેલાવા લાગી. આકાશમાંથી પડી રહેલા અને અગ્નિએ ખૂબ જ બાળી દીધેલા સાપલોકની ચીસો રાતદિવસ સંભળાતી હતી. જનમેજય રાજાના સર્પયજ્ઞમાં હોમાવાની વાત સાંભળીને નાગેન્દ્ર તક્ષક પુરન્દર(ઇન્દ્ર)ના નિવાસે જતો રહ્યો. તે ભુજંગશ્રેષ્ઠ તક્ષકે ભયભીત થઈને બધો વૃત્તાંત કહ્યો અને પુરુન્દરની શરણાગતિ લીધી. ઇન્દ્રે પ્રેમપૂર્વક તે તક્ષકને કહ્યું, ‘હે નાગેન્દ્ર, આ સર્પયજ્ઞમાં તને કોઈ ભય નથી. તારા માટે મેં અગાઉથી પિતામહ (બ્રહ્મા)ને પ્રસન્ન કર્યા છે.’ આ પ્રમાણે ભુજંગશ્રેષ્ઠ ઇન્દ્રથી આશ્વાસન પામીને શક્ર(ઇન્દ્ર)ના ભવનમાં સુખેથી રહેવા લાગ્યો.

નાગલોકો સતત અગ્નિમાં હોમાતા હતા એટલે પોતાનો પરિવાર ઓછો થઈ રહ્યો હતો, એ જોઈને પન્નગેશ્વર વાસુકિ અત્યંત દુઃખી થયા, સંતપ્ત થયા. વાસુકિને ઘોર દુઃખ થયું, તેમનું હૃદય ડોલવા લાગ્યું, તેમણે પોતાની બહેનને કહ્યું,

‘ભદ્રે, મારાં અંગ દાઝી રહ્યાં છે, દિશાઓ સૂઝતી નથી, મોહથી વિવશ થયો છું, મારું મન ઘૂર્ણાયમાન થયું છે. મારી દૃષ્ટિ ભ્રમિત થાય છે, હૃદય ફાટી રહ્યું છે, આજે વિવશ થઈને મારે પણ એ અગ્નિજ્વાળાઓમાં હોમાવું પડશે. સર્પલોકોનો નાશ કરવાની ઇચ્છાથી પરીક્ષિતના પુત્રનો આ યજ્ઞ થઈ રહ્યો છે, આજે મારે પણ પિતૃલોકમાં જવું પડશે.

હે બહેન, જે પ્રયોજનથી જરત્કારુ ઋષિ સાથે તારો વિવાહ કર્યો હતો તે કાળ આવી પહોંચ્યો છે, એટલે અમને બધા જ ભાઈઓને તું બચાવ. હે નાગશ્રેષ્ઠા, પહેલાં પિતામહે સ્વયં મને કહ્યું હતું કે આ યજ્ઞને આસ્તિક અટકાવશે. એટલે મારી અને મારા સ્વજનોની રક્ષા માટે વૃદ્ધોના પ્રિય અને વેદજ્ઞાતા કુમારને તું આજે કહે.’

એટલે ભુજંગા જરત્કારુએ નાગરાજ વાસુકિએ કહ્યું હતું તેમ પોતાના પુત્રને બોલાવીને કહ્યું,

‘પુત્ર, મારા ભાઈએ જે કારણે મને તારા પિતાને આપી હતી તેનો સમય આવી પહોંચ્યો છે, એટલે જે યથાયોગ્ય હોય તે કરો.’

આસ્તિકે પૂછ્યું, ‘કયા કારણે મામાએ તને મારા પિતાને આપી હતી, તે તું મને કહે, એટલે તે પ્રમાણે હું કરું.’

પછી બાંધવોનું હિત ઇચ્છનારી નાગરાજની બહેન જરત્કારુ ધીરજવાન થઈને બોલી,

‘એવી શ્રુતિ છે (એમ કહેવાય છે ) કે કદ્રૂમાતાએ ક્રોધે ભરાઈને પુત્રોને શાપ આપ્યો હતો તે તને કહું છું, સાંભળ. વિનતા મારી દાસી થાય એવી શરત લગાવી ત્યારે અશ્વરાજ ઉચ્ચૈ:શ્રવાનો રંગ બદલવાની ના પાડનારા, કદ્રૂનું કહ્યું ન કરનારા નાગપુત્રોને જનમેજયના યજ્ઞમાં ‘અનિલ સારથિ (એટલે કે અગ્નિ) તમને સળગાવી મૂકશે અને તમે પંચત્વ (મૃત્યુ) પામીને પ્રેતલોક(પરલોક)જશો.’ કદ્રૂએ આવો શાપ આપ્યો એટલે લોકોના પિતામહે એટલે કે બ્રહ્માએ ‘તથાસ્તુ’કહીને એ શાપવાણીને અનુમોદન આપ્યું. પિતામહનું વચન સાંભળીને અમૃતમંથન પછી વાસુકિ દેવોની શરણમાં ગયા. ઉત્તમ અમૃતને પ્રાપ્ત કરીને દેવતાઓનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું હતું એટલે તેઓ મારા ભાઈને આગળ રાખીને પ્રજાપતિ પાસે લઈ ગયા.

તે બધાએ નાગરાજ વાસુકિની સાથે પિતામહને પ્રસન્ન કર્યા કે સાપોને અપાયેલો એ શાપ ફળે નહીં; આ નાગરાજ વાસુકિ સ્વજનોને કારણે દુઃખી છે તો માતાનો શાપ ન લાગે એવો ઉપાય કરવા કહ્યું, ત્યારે બ્રહ્માએ કહ્યું: જરત્કારુ ઋષિ જરત્કારુ નામની સ્ત્રીને પરણશે, એના ગર્ભથી જન્મેલો બ્રાહ્મણ શાપમાંથી ભુજંગોને બચાવશે. નાગરાજ વાસુકિએ એ સાંભળીને તારા મહાત્મા પિતા સાથે મારું લગ્ન કર્યું, સર્પયજ્ઞનો સમય આવે તે પહેલાં જ તેં મારા પેટે જન્મ લીધો. હવે એ સમય આવી પહોંચ્યો છે, તું આ ભયમાંથી અમને બચાવ, આ અગ્નિમાંથી મારા ભાઈની રક્ષા કરવા તું શક્તિમાન છે. હે પુત્ર, જે કારણે તારા બુદ્ધિમાન પિતા સાથે મારું લગ્ન થયું હતું તે નિષ્ફળ ન થાય એવું કર, તું શું માને છે તે કહે.’

આ સાંભળીને આસ્તિકે માતાને તથાસ્તુ કહ્યું, અને દુઃખથી સંતપ્ત વાસુકિને પુનર્જીવિત કરતા હોય તેમ કહ્યું, ‘હે પન્નગશ્રેષ્ઠ વાસુકિ, હું તમને બચાવીશ, આ શાપમાંથી મુક્ત કરાવીશ, હું સત્ય કહું છું. તમને કોઈ ભય નથી, તમે સ્વસ્થ મનવાળા થઈ જજો. હું એવો યત્ન કરીશ કે તમારું મંગલ થાય. અમસ્તા પણ હું અસત્ય બોલતો નથી, તો પછી અન્યથા તો કહેવાનું શું? હે મામા, તે દીક્ષિત નૃપશ્રેષ્ઠ જનમેજય પાસે જઈને મંગલ વાણી વડે તેમને પ્રસન્ન કરીશ અને રાજાનો યજ્ઞ અટકી જાય તેવું કરીશ. હે મહા બુદ્ધિમાન નાગેન્દ્ર, મારાથી સર્વ સંભવિત છે, તમારું મન મને મિથ્યા ન માને.’

વાસુકિએ કહ્યું, ‘હે આસ્તિક, હું ઘૂર્ણાયમાન (મન ઘૂમ્યા કરે છે) થયો છું, હૃદય ફાટી રહ્યું છે, બ્રહ્મદંડથી પીડાઈને દિશાઓ દેખાતી નથી.’

આસ્તિકે કહ્યંુ, ‘હે પન્નગશ્રેષ્ઠ, તમે કોઈ પણ પ્રકારે સંતાપ ન કરો. હું દીપ્ત અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા તમારા ભયને દૂર કરીશ. કાલાગ્નિ સમાન મહા ઘોર બ્રહ્મદંડનો વિનાશ કરીશ, તમે કોઈ પણ રીતનો ભય ન પામતા.’

વાસુકિની ઘોર માનસિક પીડાને દૂર કરી પોતે બધો ભાર લઈને ભુજંગશ્રેષ્ઠોને છોડાવવા માટે જનમેજયના તે ગુણવાન યજ્ઞસ્થાને બહુ ઉતાવળે દ્વિજશ્રેષ્ઠ આસ્તિક પહોંચી ગયા. ત્યાં જઈને આસ્તિકે સૂર્ય અને વહ્નિ (અગ્નિ) સમાન પ્રભાવાળું, અનેક સદસ્યોથી ભરાયેલું સુંદર યજ્ઞસ્થાન જોયું. ત્યાં દ્વારપાળોએ તે દ્વિજશ્રેષ્ઠને યજ્ઞગૃહમાં જવા ન દીધા. ત્યારે યજ્ઞમાં પ્રવેશવા ઉત્સુક આસ્તિકે યજ્ઞની સ્તુતિ કરવા માંડી.

‘હે ભારતશ્રેષ્ઠ પરીક્ષિતના પુત્ર, પ્રયાગમાં જેવી રીતે સોમનો યજ્ઞ, વરુણનો યજ્ઞ અને પ્રજાપતિનો યજ્ઞ થયો હતો તેવી જ રીતે તમારો યજ્ઞ જ છે, પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય.

શક્ર(ઇન્દ્ર)ના જે સો યજ્ઞ કહેવાય છે, તથા તેમના બીજા સો યજ્ઞ કહેવાય છે તે બધાની બરાબરીનો તમારો આ એક યજ્ઞ છે, પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય.

હે ભારતશ્રેષ્ઠ પારિક્ષિત (પરીક્ષિત પુત્ર), યમના યજ્ઞ, હરિમેધના યજ્ઞ, રાજા રન્તિદેવના યજ્ઞ જેવો જ આ તમારો યજ્ઞ છે. પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય.

હે ભારતશ્રેષ્ઠ પારિક્ષિત, ગયના યજ્ઞ, રાજા શશબિન્દુના યજ્ઞ, વૈશ્રવણના યજ્ઞ જેવો જ આ તમારો યજ્ઞ છે. પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય.

હે ભારતશ્રેષ્ઠ પારિક્ષિત, નૃગના યજ્ઞ, અજમીઢના યજ્ઞ, દાશરથિ (રામ)ના યજ્ઞ જેવો જ તમારો આ યજ્ઞ છે. પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય.

હે ભારતશ્રેષ્ઠ પારિક્ષિત, અજમીઢ કુલમાં જન્મેલા દેવપુત્ર યુધિષ્ઠિરનો યજ્ઞ દેવલોકમાં અમે જેવો સાંભળ્યો હતો તેવો તમારો આ યજ્ઞ છે. પ્રાર્થના કરુ છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય.

હે ભારતશ્રેષ્ઠ પારિક્ષિત, સત્યવતીના પુત્ર એટલે કે વ્યાસ — કૃષ્ણદ્વૈપાયને સંપૂર્ણ વિધિવિધાન સાથે જ યજ્ઞ કર્યો હતો તેના જેવો જ આ તમારો યજ્ઞ છે. પ્રાર્થના કરું છું કે આપણા પ્રિયજનોનું મંગલ થાય. વૃત્રહર્તા (ઇન્દ્ર)ના યજ્ઞમાં જેવા સદસ્યો હતા તેવા જ તમારા આ યજ્ઞના સદસ્યો સૂર્ય અને હુતાશન(અગ્નિ) જેવા છે, એવું કશું નથી જે આ ન જાણતા હોય, તેમને દાન આપવાથી કશાનો નાશ થતો નથી.

મને પ્રતીતિ છે કે દ્વૈપાયન સમાન ઋત્વિજ ત્રિલોકમાં નથી, તેમના શિષ્યો પોતાનાં કાર્યોમાં નિષ્ણાત આ પૃથ્વી પર ફરતા રહે છે.

પ્રકાશધનવાળા, રંગીન કિરણોવાળા, સુવર્ણ સમાન વીર્યવાળા, બધાને ખાનારા, પોતાના પ્રદક્ષિણાપથને કાળા કરનાર આ પ્રદીપ્ત અગ્નિની જ્વાળાઓ પ્રગટી છે એટલે આ દેવ તમારા હવ્યની ઇચ્છા કરવાવાળા છે.

આ જીવલોક(પૃથ્વી)માં પ્રજાપાલન કરનાર તમારા જેવો બીજો કોઈ નૃપ નથી, તમારી ધીરજથી હું સદા પ્રસન્ન છું, તમે ધર્મરાજ છો અથવા યમ છો.

હાથમાં વજ્ર લઈને સાક્ષાત્ શક્ર (ઇન્દ્ર) જેવી રીતે દેવતાઓનું પાલન કરે છે તેવી રીતે હે પુરુષેન્દ્ર, (પુરુષશ્રેષ્ઠ) તમે આ લોકમાં પ્રજાના ત્રાતા છો, તમારા જેવો યજમાન આ લોકમાં કોઈ અન્ય નથી.

તમે ખટવાંગ, નાભાગ, દિલીપ રાજાઓ જેવા છો, યયાતિ અને માંધાતા જેવા પ્રભાવશાળી છો, આદિત્ય સમાન તેજસ્વી, ભીષ્મ જેવા વ્રતધારી છો. તમારું ધૈર્ય વાલ્મીકિ જેવું નિગૂઢ છે, તમારો કોપ વસિષ્ઠ જેવો નિયત (વશમાં રહેનારો) છે. પ્રભુત્વ ઇન્દ્ર જેવું છે, તમારું તેજ નારાયણ જેવું છે. તમે યમની જેમ ધર્મનો નિશ્ચય કરો છો, કૃષ્ણ જેવા સર્વગુણસંપન્ન છો, વસુઓની જેમ લક્ષ્મીનો નિવાસ છો, યજ્ઞોના આશ્રયસ્થાન છો, ત્રિત અને ઔર્વના જેવા તેજસ્વી, ભગીરથ જેવા મુશ્કેલીથી દેખાઓ તેવા છો.’

આ પ્રકારે સ્તુતિ કરવાથી રાજા, સદસ્યો, ઋત્વિજો, અગ્નિ પ્રસન્ન થયા. ત્યારે રાજા જનમેજય તેમના ભાવ અને ઇંગિતોને જોઈને બોલ્યા, ‘આ બાળક સ્થવિર(વૃદ્ધ)ની જેમ બોલે છે, એટલે મારા મતે તે બાળક નથી પણ સ્થવિર છે. હું એને વરદાન આપવા માગું છું. હે વિપ્રો, તમે મળીને વિચારો.’

સદસ્યોએ કહ્યું, ‘વિપ્ર બાળક હોય તો પણ રાજા માટે માનનીય છે, એ વિદ્વાન હોય કે અવિદ્વાન. તેને તમે ઇચ્છિત વરદાન આપી શકો છો, પણ એવું કરો જેથી તક્ષક શીઘ્ર આવે.’ વરદાન આપવાની ઇચ્છાથી તેઓ બ્રાહ્મણને ‘વર માગ’ કહેવા જતા હતા ત્યાં હોતા અસંતુષ્ટ બનીને બોલ્યા, ‘જ્યાં સુધી તક્ષક ન આવે ત્યાં સુધી રોકાઈ જાઓ.’

જનમેજયે કહ્યું, ‘તમે પૂરી શક્તિથી એવું કરો કે મારું કાર્ય પૂરું થાય અને તક્ષક જલદી આવે, એ જ મારો શત્રુ છે.’ ઋત્વિજે કહ્યું, ‘અમારાં શાસ્ત્ર કહી રહ્યા છે, પાવક (અગ્નિ) પણ કહે છે કે તક્ષક ભયપીડિત થઈને ઇન્દ્રભવનમાં સંતાઈ રહ્યો છે. જેવી રીતે મહાત્મા પૌરાણિક લોહિતાક્ષે રાજાને પૂછ્યું હતું તેવી રીતે પુરાણને જોઈને હું તમને કહી રહ્યો છું — હે રાજન, ઇન્દ્રે આ તક્ષકને કહ્યું છે કે તું મારી પાસે અહીં સંતાઈને રહે, પાવક તને દઝાડી નહિ શકે.’

એવું સાંભળીને દીક્ષિત થયેલા રાજા ક્રોધે ભરાઈને હોતાને પ્રેરવા લાગ્યા, હોતા પણ પ્રયત્નપૂર્વક મંત્રો વડે અગ્નિમાં આહુતિઓ આપવા લાગ્યા, ત્યારે સર્વ દેવો દ્વારા જેની સ્તુતિ થતી હતી તે ઇન્દ્ર સ્વયં મેઘ, વિદ્યાધરો, અપ્સરાઓના ગણની આગળ આગળ વિમાન પર ચઢીને ઉપસ્થિત થયા. તે નાગ ભયથી ઉદ્વિગ્ન થઈને ઇન્દ્રના ઉત્તરીયમાં છુપાયેલો ક્યાંય શરણ લઈ ન શક્યો, ત્યારે તક્ષકના વિનાશને ઇચ્છતા ક્રુદ્ધ રાજાએ મન્ત્રજ્ઞ ઋષિઓને પુન: કહ્યું, ‘જો ઇન્દ્રભવનમાં નાગ હોય તો ઇન્દ્ર સાથે તેને અગ્નિમાં હોમો.’

ઋત્વિજોએ ક્હ્યું, ‘હે રાજા, વશીભૂત થયેલો તક્ષક આવી રહ્યો છે, ભયથી વ્યાકુળ થઈને ચીસો પાડે છે તે ભયાનક અવાજ સંભળાય છે. એવું જણાય છે કે વજ્રધારી ઇન્દ્રે તે નાગને ત્યજી દીધો છે, મન્ત્રોથી ખેંચાઈને અસ્તવ્યસ્ત શરીરવાળો આ નાગ તીવ્ર નિશ્વાસ નાખતો, ચેતના ગુમાવીને, આકાશમાં ઘુમરી ખાતો આવી રહ્યો છે. હે રાજેન્દ્ર — પ્રભુ, તમારું કાર્ય વિધિપૂર્વક સંપન્ન થયું છે, આ દ્વિજશિરોમણિને તમે વરદાન આપી શકો છો.’

‘હે અપ્રમેય બાળક, તમારા જેવા યોગ્ય પાત્રને એવું જ વરદાન આપીશ. તમારા હૃદયમાં જે અભિલાષા હોય તે માગો. એ વરદાન મારે અયોગ્ય હશે તો પણ આપીશ.’

નાગેન્દ્ર તક્ષક અગ્નિમાં હોમાવાના હતા તે સમયે આસ્તિકે વર માગવાનો આ સમય છે એમ માનીને કહ્યું,

‘હે જનમેજય, જો વરદાન આપતા હો તો હું કહું છું કે આ સર્પસત્ર બંધ કરો અને હવે એમાં સાપ ન હોમાય.’

આવું કહ્યું એટલે પારિક્ષિતે (પરીક્ષિતપુત્ર જનમેજય) દુઃખી થઈને ક્હ્યું, ‘હે વિભુ, સુવર્ણ માગો, ચાંદી માગો, ગાય માગો — જે માગો તે બધું આપીશ. પણ આ યજ્ઞ બંધ નહીં થઈ શકે.’

આસ્તિકે કહ્યું, ‘રાજન, હું સુવર્ણ-રજત-ગાય; કશું જ નથી માગતો, તમારો આ યજ્ઞ બંધ થાય તો મારા માતૃકુળનું મંગલ થશે.’

આસ્તિકે આવો ઉત્તર આપ્યો એટલે રાજા જનમેજય વારંવાર ઉત્તમ બોલનારા આસ્તિકને કહેવા લાગ્યા, ‘હે દ્વિજશ્રેષ્ઠ, તમારા માટે જે મંગલ હોય તે બીજો વર માગો.’ પણ તેણે બીજો કોઈ વર ન માગ્યો. ત્યાં ઉપસ્થિત બધા વેદપારંગત સદસ્યોએ રાજાને કહ્યું, ‘આ બ્રાહ્મણને વર આપો.’

(હવે સર્પસત્રમાં અગ્નિમાં હોમાયેલા સર્પોનાં નામોની લાંબી યાદી આવે છે)

પરીક્ષતપુત્ર આસ્તિકને વર આપવા તત્પર થયા ત્યારે એક અદ્ભુત ઘટના બની. ઇન્દ્રના હાથમાંથી તક્ષક પડીને આકાશમાં જ લટકી રહ્યો, ત્યારે જનમેજય ચિંતાતુર થઈ ગયા. વિધિવત્ આહુતિ અપાયેલા પ્રજ્વલિત અગ્નિમાં ભયપીડિત હોવાં છતાં તક્ષક ન હોમાયા.

(અહીં કથાકારને વચ્ચે અટકાવીને શૌનક પ્રશ્ન પૂછે છે )

‘શું મનીષિ બ્રાહ્મણોના મન્ત્ર પ્રતિભાવંત ન હતા? તક્ષક અગ્નિમાં હોમાયા કેમ નહીં?’

ચેતના ગુમાવેલા અને ઇન્દ્રના હાથમાંથી છૂટેલા નાગરાજને આસ્તિકે ‘ઊભો રહે’, ‘ઊભો રહે’ એમ ત્રણ વાર કહ્યું હતું. જેવી રીતે કોઈ પુરુષ બે પૈંડાંની વચ્ચે લટકી જાય તેવી રીતે દુઃખી તક્ષક આકાશમાં જ લટકી રહ્યો. ઘણા સદસ્યોએ બહુ વિનંતી કરી એટલે રાજાએ કહ્યું, ‘ભલે, આસ્તિકે જે કહ્યું તે પ્રમાણે થાય. સર્પયજ્ઞનું આ કાર્ય સમાપ્ત થાય, સાપ દુઃખમાંથી મુક્ત થાય અને આ બ્રાહ્મણની વાણી સાચી થાય.’

ત્યાર પછી ચારે દિશાઓમાં આનંદોદ્ગાર થવા લાગ્યા, આસ્તિકને વરદાન આપવાથી રાજા જનમેજયનો આ યજ્ઞ સમાપ્ત થયો અને ભરતવંશી રાજા જનમેજય પણ પ્રસન્ન થયા. રાજાએ ઋત્વિજોને, સદસ્યોને તથા યજ્ઞમાં આવેલા અન્ય લોકોને સેંકડો મુદ્રાઓનું દાન કર્યું. એક બ્રાહ્મણને કારણે આ યજ્ઞ સમાપ્ત થશે એવું કહેનાર સ્થપતિસૂત લોહિતાક્ષને પણ પુષ્કળ ધન આપ્યું. રાજાએ પ્રીતિપૂર્વક કૃતકૃત્ય થયેલા મનીષિ આસ્તિકને સત્કાર કરીને વિદાય આપી. અને કહ્યું કે ફરી પધારજો, મારા અશ્વમેધ યજ્ઞમાં સદસ્ય થજો. આસ્તિક આ અતુલ કાર્ય પાર પાડીને આનંદપૂર્વક રાજાને સંતુષ્ટ કરીને ‘તથાસ્તુ’ કહી ચાલ્યા ગયા. માતા અને મામા પાસે જઈને પ્રેમપૂર્વક બધો વૃત્તાંત કહ્યો, આ સાંભળીને ત્યાં જે નાગ હતા તે પ્રસન્ન થયા, આસ્તિકને વિશેષ પ્રેમ કરવા લાગ્યા અને ઇચ્છામાં આવે તે વર માગવા કહ્યું. અમે ઊગર્યા એટલે બધા પ્રસન્ન થયા છીએ. તેઓ વારેવારે આસ્તિકને કહેવા લાગ્યા, ‘હે વિદ્વદ્વર્ય, આજે તારું શું પ્રિય કરીએ? અમને બધાને તેં છોડાવ્યા છે. હે વત્સ, કહે તારી શી ઇચ્છા પૂરી કરીએ?’

આસ્તિકે કહ્યું, ‘આ પૃથ્વી પર બ્રાહ્મણો તથા અન્ય માનવીઓ સવારે કે સાંજે પ્રસન્ન ચિત્તે મારું આ ધર્માખ્યાન સાંભળે તેને તમારાથી કોઈ ભય ન થાય.’ પ્રસન્ન થયેલા સાપોએ પોતાના ભાણેજને કહ્યું, ‘જે લોકો આવું આચરણ કરશે તેમને માટે તમારી ઇચ્છા પાર પડશે. પ્રીતિપૂર્વક તમારા માગેલા વરદાનને અમે આનંદથી પૂરું કરીશું. જરત્કારુના ગર્ભમાંથી જન્મેલા સત્યવાદી, મહા યશસ્વી આસ્તિક સાપોથી અમને બચાવે, જે રાતે કે દિવસે અસિત, આ*િ&@rn_ત્તમાન, સુનીથનું સ્મરણ કરશે તેમને સાપોથી ભય નડશે નહીં.’

આમ ધર્માત્મા, બ્રાહ્મણશ્રેષ્ઠ આસ્તિક સર્પસત્રમાં નાગલોકોની રક્ષા કરીને પુત્ર-પૌત્રોથી સમૃદ્ધ થઈને યોગ્ય સમયે પરલોક ગયા.

(આદિ પર્વ, ૪૧થી ૪૪, ૪૯થી ૫૩)