ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/કથા વિનતાપુત્ર ગરુડના પરાક્રમની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કથા વિનતાપુત્ર ગરુડના પરાક્રમની


હજારો વર્ષો પૂર્વે દેવયુગમાં એટલે કે સતયુગમાં બ્રહ્માને બે પુત્રીઓ હતી. બંને બહેનો અદ્ભુત સૌંદર્યવાળી, શુભ લક્ષણોવાળી અને કોઈ પણ દોષ વિનાની હતી. એકનું નામ કદ્રૂ અને બીજીનું નામ વિનતા. બંને કશ્યપ ઋષિને પરણી હતી. પ્રસન્ન ચિત્તવાળા અને પ્રજાપતિ જેવા જ કશ્યપે બંને ધર્મપત્નીઓને આનંદિત થઈને વરદાન આપ્યું. રૂપેગુણે ઉત્તમ એવી કદ્રૂ અને વિનતા પણ પોતાને મનગમતા વરદાનથી પ્રસન્ન થઈ ઊઠી. કદ્રૂએ એક સરખા તેજવાળા હજાર નાગપુત્રો વરદાનમાં માગ્યા. વિનતાએ બળવાન, ઓજસ્વી, તેજસ્વી, પરાક્રમી અને કદ્રૂના પુત્રોથીય ચઢિયાતા એવા બે જ પુત્ર માગ્યા. કશ્યપે વિનતાને ઇચ્છા પ્રમાણે બે પુત્રો જન્મશે કહ્યું અને વિનતાએ કશ્યપનો આભાર માન્યો. પછી અતિપરાક્રમી બે પુત્રોનું આવું વરદાન મેળવીને વિનતા આનંદિત થઈ ઊઠી અને કદ્રૂ પણ એકસરખા તેજસ્વી હજાર પુત્રોનું વરદાન પ્રાપ્ત કરીને પ્રસન્ન થઈ ઊઠી. થોડા સમય પછી મહાતપસ્વી એવા કશ્યપ ઋષિ તો ‘તમે ખૂબ જ સંભાળપૂર્વક થનારાં સંતાનોની રક્ષા કરજો’ એમ કહીને વનમાં ચાલ્યા ગયા.

ત્યાર પછી ઘણા લાંબા સમયે કદ્રૂએ એક હજાર ઈંડાં મૂક્યાં અને વિનતાએ બે ઈંડાં. સેવિકાઓએ હર્ષ પામતાં એ બંનેનાં ઈંડાંને હૂંફાળાં પાત્રોમાં પાંચસો વરસ સુધી સાચવ્યાં. પાંચસો વરસ પછી કદ્રૂનાં ઈંડાંમાંથી હજાર પુત્ર જન્મ્યા પરંતુ વિનતાનાં ઈંડાંમાંથી બે પુત્ર જન્મ્યા નહીં.

એટલે પુત્ર માટે અત્યંત આતુર બની ઊઠેલી વિનતાએ લજ્જા પામીને એક ઈંડું ભાંગ્યું તો એમાં પુત્ર જોયો. અધૂરા દિવસે ઈંડું ફોડવાથી એ પુત્રનો આગલો ભાગ જ વિકસ્યો હતો અને બાકીનો હજુ અવિકસિત હતો. એટલે પુત્રે ક્રોધે ભરાઈને વિનતાને શાપ આપ્યો: ‘હે માતા, પુત્ર જોવાના તારા લોભને કારણે મારું શરીર અધૂરું જ રહી ગયું છે તો જા, તું દાસી બનજે. તું જેની સાથે સ્પર્ધા કરે છે તેની દાસીરૂપે તારે પાંચસો વર્ષ રહેવું પડશે અને આ તારો બીજો પુત્ર તને છોડાવશે; પણ મા, આ ઈંડું ફોડી નાખીને તું એ તારા મહાન પુત્રને મારી જેમ જો વિકલાંગ નહીં કરે તો જ એ પુત્ર તને છોડાવશે. તારે જો વિશિષ્ટ બળવાળો પુત્ર જોઈતો હોય તો પાંચસો વર્ષ સુધી એના જન્મ માટે રાહ જોવી પડશે.’

આમ વિનતાને શાપ આપીને એ પુત્ર તો અંતરીક્ષમાં જતો રહ્યો, એ પ્રાત:કાલે સૂર્ય ઊગતાં પહેલાં અરુણરૂપે દેખાય છે. પછી તો યોગ્ય સમયે જ નાગોનો વિનાશ કરનારા છે એવા ગરુડનો જન્મ થયો. અને એણે તો જન્મતાવેંત જ વિનતાને ત્યજી દીધી અને વિધાતાએ જે ભોજન એને માટે નિર્મ્યું હતું તે ખાઈને ઊડી ગયો.

એ સમયે કદ્રૂ અને વિનતાએ પોતાની નજીક આવેલા ઉચ્ચૈ:શ્રવા નામના ઘોડાને જોયો.

અમૃતપ્રાપ્તિ માટે જ્યારે સમુદ્રમંથન કર્યું હતું ત્યારે સમુદ્રમાંથી પ્રગટેલા મહાબલિ, ખૂબ જ વેગવાળા, બધી રીતે જાતવાન, દિવ્ય, નિત્ય યુવાન અને બધા જ અશ્વોમાં શ્રેષ્ઠ એવા ઉચ્ચૈ:શ્રવાની પૂજા સુંદર રૂપ ધરાવતા દેવલોકોએ કરી હતી.

આવા ઉચ્ચૈ:શ્રવાને જોઈને કદ્રૂએ વિનતાને કહ્યું: ‘હે ભદ્રે, તું મને હમણાં જ કહે કે આ ઉચ્ચૈ:શ્રવાનો રંગ કયો છે?’

વિનતા બોલી ઊઠી: ‘આ અશ્વરાજનો રંગ તો શ્વેત છે. નહીંતર તને શંુ લાગે છે? તું પણ કહે જોઈએ — આપણે શરત મારીએ.’

કદ્રૂએ કહ્યું: ‘હે સુંદર હાસ્ય કરતી વિનતા, આ ઘોડાનું પૂંછડું મને તો કાળું લાગે છે. હે ભામિની, ચાલ શરત મારીએ, જે હારે તે બીજાની દાસી બને.’

‘આવતી કાલે ફરી આ ઘોડાને જોઈશું.’ એમ કહીને દાસીપણાની શરત લગાવીને બેઠેલી એ બંને બહેનો પોતપોતાના નિવાસે ગઈ અને છળકપટની ઇચ્છાથી પ્રેરાઈને કદ્રૂએ પોતાના હજાર પુત્રોને આજ્ઞા આપીને કહ્યું: ‘હે પુત્રો, તમે કાજળ જેવી કાંતિવાળા કાળાકેશ બનીને ઉચ્ચૈ:શ્રવાને ઢાંકી દો, નહીંતર મારે વિનતાની દાસી બનવું પડશે.’ જે નાગ લોકોએ તેની વાત ન માની તેમને કદ્રૂએ શાપ આપ્યો: ‘પાંડવોના વંશના રાજા જનમેજયના સર્પયજ્ઞ વખતે અગ્નિ તમને ભસ્મ કરી નાખશે.’

કદ્રૂએ ક્રોધે ભરાઈને સર્પલોકોને જે નિષ્ઠુર શાપ આપ્યો તે સ્વંય બ્રહ્માએ પણ સાંભળ્્યો. બીજા દેવતાઓની સાથે સાથે બ્રહ્માએ પણ જોયું હતું કે સાપોની વસતી ખૂબ જ વધી ગઈ છે એટલે કદ્રૂએ આપેલા શાપને પ્રજાનું હિત કરવાની ઇચ્છાથી બ્રહ્માએ સ્વીકારી લીધો.

આ સાપ ભયંકર ઝેર ધરાવતા હતા; તેમની દાઢો તીક્ષ્ણ હતી, તેમનું ઝેર કાતિલ હતું, એટલે પ્રજાહિતાર્થે બ્રહ્માએ કદ્રૂની વાત સ્વીકારી લીધી અને મહાઋષિ કશ્યપને ઝેર ઉતારવાની વિદ્યા શીખવાડી.

બીજે દિવસે સવારે સૂર્યોદય થયો એટલે દાસીપણાની શરત લગાવીને બેઠેલી, હિંસા અને ક્રોધવાળી કદ્રૂ અને વિનતા બંને બહેનો ઉચ્ચૈ:શ્રવાને જોવા તેની પાસે ગઈ. થોડે દૂર ચાલીને જળના ભંડાર સમા સમુદ્રને જોયો, તિમિંગલ, મગર અને બીજી માછલીઓ ત્યાં હતાં. અનેક પ્રકારનાં રૂપ ધરાવતા, ભયંકર પ્રાણીઓ ધરાવતા, કાચબા અને મગરોથી ભરેલા એ સમુદ્રને પાર કરવો ખૂબ અઘરું હતું. નદીઓનો પતિ સમુદ્ર બધાં રત્નોનો ભંડાર, વરુણનું અને સાપોનંુ સુંદર અને ઉત્તમ નિવાસસ્થાન હતો. એ સમુદ્ર પાતાળના અગ્નિનો આધાર હતો, અસુરો માટે બંધન હતો, ભયંકર હતો, જળનો ભંડાર હતો. એ સમુદ્રમાં શુભ, દેવલોકો જેનો ભોગ લઈ શકે એવું અમૃત હતું. એ નિ:સીમ હતો, એના વિશે ઝાઝો વિચાર ન કરી શકાય, ઉત્તમ જળ ધરાવતો સમુદ્ર અદ્ભુત છે. તેમાંં વસતા જલચરોના ઘોર શબ્દથી ભયંકર અને ભયાનક શબ્દોવાળો, ભારે લહેરોવાળો અને બધાં પ્રાણીઓ માટે ભયંકર છે. કિનારા ઉપર ભારે વેગથી વહેતી લહેરોવાળો એ સમુદ્ર લહરરૂપી હાથ ઊંચા કરીને જાણે નાચી રહ્યો છે. આ સુંદર સમુદ્રમાં ચંદ્રના વધવાઘટવાને કારણે જે મોટી ભરતી આવ્યા કરે છે તેને કારણે ખૂબ ભયંકર લાગે છે, આ સમુદ્રમાંથી પાંચજન્ય શંખ ઉત્પન્ન થયો છે. ડૂબી ગયેલી પૃથ્વીને શોધવાની ઇચ્છાથી વરાહનું રૂપ લઈને અમિત તેજસ્વી વિષ્ણુએ તેનું જળ ખળભળાવી નાખ્યું હતું. સેંકડો વર્ષો સુધી તપ કર્યું હોવા છતાં બ્રહ્મર્ષિ અત્રિ જેના પાતાળના તળિયે પહોંચી નથી શક્યા એવો અગાધ આ સમુદ્ર છે, અત્યંત તેજવાળા વિષ્ણુ અધ્યાત્મયોગ નિદ્રા વેળાએ એમાં સૂઈ જાય છે. વડવા મુખથી પ્રજ્વલિત અગ્નિમાં જળરૂપી હવ્યની આહુતિ આપનાર આ સમુદ્ર શુભ છે, એ અગાધ છે, નિ:સીમ છે અને બધી નદીઓનો પતિ છે. હજારો મહાનદીઓ આ સમુદ્રની પાસે નાયિકાઓની જેમ સ્પર્ધા કરતી દોડતી જોવા મળે છે. તે ખૂબ ઊંડો છે, તિમિંગલ — મગરોથી ભરેલો છે, જલચરોના ઘોર શબ્દોથી ગૂંજતો, આકાશની જેમ પથરાયેલો છે, એ અપાર જલનિધિને કદ્રૂ અને વિનતાએ જોયો. અને માછલીઓ — મગરોથી ભરેલો, અગાધ, આકાશના પ્રકાશ જેવો વિકસિત, પાતાળની અગ્નિજ્વાળાથી પ્રકાશિત સમુદ્રને જોતી એ બંને બહેનો તરત જ ત્યાં પહોંચી ગઈ.

એ ઘોડાના પૂંછડામાં કાળા વાળ જોઈને વિનતાનું મોં પડી ગયું અને કદ્રૂએ તેની પાસે દાસીપણું કરાવવા માંડ્યું. આમ શરત હારી જઈને દાસી બનવાનું આવ્યું એટલે વિનતા દુઃખી દુઃખી થઈ ગઈ. એ દરમિયાન અત્યંત પ્રભાવશાળી ગરુડ માતાની સહાય વિના જ પોતાની જાતે ઈંડું ફોડીને બહાર આવ્યો. પ્રગટેલા અગ્નિ જેવો દેખાતો એ તેજસ્વી ગરુડ તો અતિશય વિકાસ પામ્યો અને વિશાળ કાયા ધરાવતો થયો. તરત જ તે આકાશમાં ઊડી ગયો.

એ ગરુડને જોઈને બધી પ્રજા નિરાંતે બેઠેલા વિશ્વરૂપી અગ્નિ પાસે જઈ પહોંચી, પ્રણામ કરીને બોલી:

‘હે અગ્નિ, હવે તમે વધારે વૃદ્ધિ ન પામો, તમે અમને સળગાવી દેવા તો નથી માગતા ને? જુઓ તો તમારો તેજપુંજ વૃદ્ધિ પામતો આવી રહ્યો છે.’

એ સાંભળીને અગ્નિએ કહ્યું: ‘હે અસુરવિનાશક દેવતાઓ, તમે જે માની બેઠા છો એ સાચું નથી. પોતાના તેજથી બળવાન ગરુડ મારા જેવો જ છે.’

આમ સાંભળીને બધા દેવ ઋષિઓને લઈને ગરુડ પાસે ગયા અને તેની સ્તુતિ કરવા લાગ્યા.

‘હે પક્ષીરાજ, તમે ઋષિ છો, તમે ભાગ્યશાળી છો, તમે દેવતા છો, તમે પક્ષીઓના સ્વામી છો, તમે જ તેજ છો, તમે અમારા ઉત્તમ રક્ષક છો. તમે બલસાગર છો, તમે સાધુ છો, તમારું બળ અખૂટ છે, તમે સમૃદ્ધિમાન છો, તમે અજેય છો, તમે તપ છો, શ્રુત છો, તમારાથી જ આગતની અને અનાગતની ઉત્પત્તિ છે. તમે ઉત્તમ છો, જેવી રીતે સૂર્ય પોતાનાં કિરણોથી બધું જ પ્રકાશિત કરે છે એવી જ રીતે તમે સ્થાવરજંગમ એેવા સમગ્ર જગતને પ્રકાશિત કરો છો, તમે સૂર્યનો પ્રકાશ હરીને આ ચરાચર જગતનો ક્ષણે ક્ષણે લય કરી રહ્યા છો, હે અગ્નિ જેવા તેજસ્વી ગરુડ, જેવી રીતે પ્રલય કાળ વેળાએ સૂર્ય ક્રોધે ભરાઈને પ્રજાઓને સળગાવે છે એવી જ રીતે તમે પણ એ પ્રજાઓને બાળી રહ્યા છો, યુગપરિવર્તનના સમયે સૃષ્ટિનો પ્રલયાગ્નિ જેવી રીતે ભયાનક રૂપે પ્રગટીને વિનાશ કરે છે એવી રીતે તમે પણ સૃષ્ટિનો વિનાશ કરી રહ્યા છો. હે ગરુડ, તમે મહા પરાક્રમી છો, અંધકારનો નાશ કરનારા છો, આકાશગામી છો, અત્યન્ત બળવાન, સ્થૂળમાં સ્થૂળ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ છો, ઇચ્છા પૂરી કરનારા છો, અજેય પરાક્રમી પક્ષીરાજ છો, અમે તમારા શરણે છીએ.’

ઋષિઓ અને દેવતાઓની આવી સ્તતિ, સાંભળીને ગરુડે પોતાનો પ્રકાશપુંજ સમેટી લીધો. ગરુડે કહ્યું, ‘હે દેવતાઓ, મારા આ ભયાનક રૂપવાળા શરીરને જોઈને સંસારનાં બધાં પ્રાણીઓ ડરી ન જાય એટલા માટે હું મારા તેજને સમેટી લઉં છું.’

ત્યાર પછી પક્ષીરાજ ગરુડ પોતાની ઇચ્છા જાણવાવાળા સમુદ્રના બીજે કિનારે પોતાની માતા પાસે પોતાના ભાઈ અરુણને પીઠ પર બેસાડીને જઈ પહોંચ્યા. ત્યાં વિનતા શરત હારીને, દુઃખી થઈ ગયેલી હતી અને દાસી બનીને બેઠી હતી.

જ્યારે સૂર્ય પોતાના તેજ વડે બધા લોકને બાળી મૂકવાનો વિચાર કરતા હતા ત્યારે ગરુડ મહા તેજસ્વી અરુણને પૂર્વ દિશામાં સૂર્યની પાસે મૂકીને આવ્યા, પણ સૂર્યે તે વખતે બધાં પ્રાણીઓને બાળી મૂકવાનો વિચાર શા માટે કર્યો હતો? દેવતાઓએ એની પાસેથી શું લઈ લીધું હતું જેને કારણે તે આટલા બધા ક્રોધી થઈ ગયા? જ્યારે રાહુ અમૃત પી રહ્યો હતો ત્યારે ચંદ્રે અને સૂર્યે એનું રહસ્ય કહી દીધું હતું. ત્યાર પછી ચંદ્ર અને સૂર્ય સાથે રાહુએ વેર બાંધ્યું અને સૂર્યને હેરાન કરવા લાગ્યો. રાહુથી હેરાન થતા સૂર્યના મનમાં ક્રોધ જન્મ્યો. સૂર્યે મનમાં વિચાર કર્યો, ‘દેવતાઓના લાભાર્થે મેં રાહુનું રહસ્ય કહી દીધું, હવે એનું અત્યંત અનર્થકારી પરિણામ હું એકલો જ ભોગવી રહ્યો છું. સંકટ સમયે મને કોઈ સહાય કરતું નથી. રાહુ જ્યારે મારો કોળિયો કરે છે ત્યારે દેવતાઓ ચુપચાપ જોયા કરે છે. એટલે સંપૂર્ણ લોકનો વિનાશ કરવા હું અસ્તાચલ પર જઈને સ્થિર થઈ જઈશ.’ અને સૂર્ય અસ્તાચલે જઈ પહોંચ્યા.

અને ત્યાંથી સૂર્ય સંપૂર્ણ જગતનો વિનાશ કરવા માટે બધાને સંતાપવાની શરૂઆત કરી. એટલે મહર્ષિઓ દેવતાઓ પાસે જઈને બોલ્યા: ‘હે દેવગણ, આજે મધરાતે બધા લોકોને ભયભીત કરી નાખનારો દાહ પ્રકટશે, એ ત્રણે લોકોનો નાશ કરી શકે.’

પછી દેવતાઓ ઋષિઓને લઈને બ્રહ્માજી પાસે જઈને બોલ્યા, ‘આજે આ કેવો ભયાનક દાહ પ્રગટીને ભય આપશે? અત્યારે સૂર્ય નથી દેખાતો તે છતાં જગતનો વિનાશ થઈ જશે એટલી બધી ગરમી છે તો પછી સૂર્ય જ્યારે ઊગશે ત્યારે શું થશે?’

એ સાંભળીને બ્રહ્માએ કહ્યું, ‘આ સૂર્ય આજે બધા લોકનો વિનાશ કરવા તત્પર થયો છે. એ જેવો નજરે પડશે કે તરત બધા લોકને ભસ્મ કરી નાખશે. પરંતુ આ ભયાનક આપત્તિમાંથી ઊગરવાનો ઉપાય મેં કરી રાખ્યો છે, મહર્ષિ કશ્યપનો એક પુત્ર અરુણ વિખ્યાત થયો છે. એનું શરીર વિશાળ છે, તે મહા તેજસ્વી છે, તે સૂર્યની આગળ રથ પર બેસશે, તે સારથિનું કાર્ય કરશે અને સૂર્યનું તેજ હરી લેશે. એને કારણે બધા લોક, ઋષિઓ અને દેવતાઓનું પણ કલ્યાણ થશે.’

ત્યાર પછી બ્રહ્માની આજ્ઞા અનુસાર અરુણે બધાં કાર્ય કર્યાં, સૂર્ય અરુણથી ઢંકાઈને ઊગ્યો. તો સૂર્યના મનમાં પ્રગટેલા ક્રોધનું રહસ્ય આ હતું.

આ બાજુ જ્યારે ગરુડ માતા પાસે પહોંચ્યા ત્યારે વિનતા શરત હારીને, દુઃખી થઈ ગઈ હતી, તે દાસી બનીને કદ્રૂની સેવા કરતી હતી.

એક દિવસ વિનતા પોતાના પુત્રની પાસે બેઠી હતી ત્યારે કદ્રૂએ વિનતાને બોલાવીને કહ્યું: ‘હે વિનતા, સમુદ્રની અંદર નિર્જન પ્રદેશમાં એક સુંદર અને રૂપાળું નાગલોકોનું નિવાસસ્થાન છે, તું મને ત્યાં લઈ જા.’

એ સાંભળીને ગરુડની માતા વિનતા સર્પોની માતા કદ્રૂને લઈને નીકળી. માતાની આજ્ઞાથી ગરુડ પણ સર્પોને પોતાની પીઠ પર બેસાડીને નીકળ્યા.

પક્ષીરાજ ગરુડ આકાશમાં સૂર્યની નિકટ રહીને ઊડતા હતા, એટલે સાપ સૂર્યકિરણોથી ત્રાસીને મૂર્છિત થઈ ગયા. પોતાના પુત્રોને આવી દશામાં જોઈને કદ્રૂ ઇન્દ્રની સ્તુતિ કરવા લાગી, ‘બધા દેવતાઓના સ્વામી, તમને નમસ્કાર, તમને નમસ્કાર! હજાર આંખવાળા અને નમુચિનો નાશ કરનારા ઇન્દ્ર, તમને મારા પ્રણામ. તમે સૂર્યકિરણોથી દાઝેલા સાપને પાણીથી સ્નાન કરાવો, નૌકા જેમ રક્ષે તેમ તમે એમની રક્ષા કરો.

‘હે અમરશ્રેષ્ઠ, તમે જ અમારા રક્ષક છો, તમે સૌથી વધારે જળ વરસાવવાની શક્તિ ધરાવો છો, તમે જ મેઘ છો અને વાયુ છો, તમે જ આકાશમાં વીજળી બનીને પ્રગટો છો, તમે વાદળોને વીંધી શકો છો, પંડિતો તમને મહામેઘ કહે છે. સંસારમાં અનુપમ એવું વજ્ર તમે જ છો, તમે જ મહાગર્જના કરવાવાળા મેઘ છો, તમે સંપૂર્ણ લોકનું સર્જન અને વિસર્જન કરી શકો છો, તમે અપરાજિત જ છો, બધાં પ્રાણીઓની જ્યોતિ તમે છો, સૂર્ય અને અગ્નિ પણ તમે છો, તમે આશ્ચર્યમય મહાન ભૂત છો. તમે રાજા છો, દેવતાઓમાં શ્રેષ્ઠ છો. તમે વિષ્ણુ છો, સહ આંખોવાળા ઇન્દ્ર છો. તેજસ્વી દેવ છો, બધાંનો આશ્રય છો, તમે જ અમૃત છો, તમે જ પરમપૂજિત સોમ છો, તમે જ મુહૂર્ત છો, તિથિ છો, લવ તમે છો, તમે શુક્લપક્ષ છો, કૃષ્ણપક્ષ છો, કળા, કાષ્ઠા, ત્રુટિ પણ તમે જ છો, સંવત્સર, માસ, રાતદિવસ પણ તમે જ છો, તે મહાન યશસ્વી છો એમ માનીને બધા તમારી પૂજા કરે છે. ઋષિઓ તમારું સ્તવન કરે છે, તમે યજમાનનું હિત કરવાની ઇચ્છાથી યજ્ઞપ્રસંગે આનંદિત થઈને સોમરસ પીઓ છો, ત્યાં ધરેલું નૈવેદ્ય પણ આરોગો છો, આ સંસારમાં મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા બ્રાહ્મણો તમારી પૂજા કરે છે. અતુલિત બળના ભંડાર ઇન્દ્ર, વેદમાં પણ તમારો મહિમાગાન થયો છે. યજ્ઞપરાયણ દ્વિજતમને પ્રાપ્ત કરવા સર્વથા પ્રયત્ન કરીને વેદનું જ્ઞાન મેળવે છે.’

નાગમાતા કદ્રૂની આવી સ્તુતિને કારણે ઇન્દ્રે સમગ્ર આકાશને મેઘઘટાઓથી ભરી દીધું અને મેઘને આજ્ઞા કરી, ‘તમે શીતળ જળ વરસાવો.’ એટલે મેઘોએ વીજળીઓના ચમકારા કરતાં કરતાં પુષ્કળ વરસાદ વરસાવ્યો. વાદળ પરસ્પર ગરજતા રહ્યાં અને આકાશમાંથી સતત વરસાદ કરતાં રહ્યાં. જોરશોરથી ગર્જના કરતાં અને અનરાધાર જળવર્ષા કરતાં એ અત્યન્ત અદ્ભુત જલધરોએ સમગ્ર આકાશને ઘેરી લીધંુ હતું. અસંખ્ય ધારા રૂપી લહેરોવાળું એ આકાશ જાણે કે નૃત્ય કરી રહ્યંુ હતું. ભયંકર ગરજતાં એ વાદળોએ વીજળી અને પવનથી કંપીને સતત જળવર્ષા કરે રાખી. એમના દ્વારા આકાશ ઘેરાઈ ગયેલું હતું એટલે ચન્દ્ર અને સૂર્યનાં કિરણો અદૃશ્ય થઈ ગયાં હતાં.

ઇન્દ્રે આવી વર્ષા કરી એટલે નાગલોકોને આનંદ થયો. આખી પૃથ્વી ઉપર પાણી પાણી થઈ ગયું. આવી રીતે સમગ્ર ભૂલોક જળના અસંખ્ય તરંગોથી છવાયેલો હતો. વર્ષાથી તૃપ્ત થયેલા સર્પ માતાની સાથે રામણીયક દ્વીપમાં આવી પહોંચ્યા.

વિશ્વકર્માએ સર્જેલા એ ટાપુમાં અત્યારે તો મગરોનો નિવાસ હતો. જ્યારે પહેલી વાર નાગલોકો એ ટાપુ પર આવ્યા હતા ત્યારે તેમણે ત્યાં ભયાનક લવણાસુરને જોયો હતો. નાગ ગરુડની સાથે એ ટાપુના સુંદર વનમાં આવ્યા. ચારે બાજુએ સમુદ્ર ઘેરી વળેલો હતો, અને એના જળથી છંટકાવ થયા કરતો હતો. અનેક પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. ચિત્રવિચિત્ર ફળફૂલથી ભરેલા ઉપવનથી એ દિવ્ય વન છવાયેલું હતું. સાથે સાથે ત્યાં રમણીય ભવન હતાં અને કમળવાળાં સરોવર હતાં. સ્વચ્છ જળવાળાં અનેક દિવ્ય સરોવર એ વનની શોભામાં વૃદ્ધિ કરતાં હતાં. દિવ્ય સુગંધને લઈને પવિત્ર પવન વહેતો હતો. ત્યાં ચંદનનાં વૃક્ષ એટલાં ઊંચાં હતાં કે જાણે આકાશને આંબતાં ન હોય, ઉન્મત્ત પવનને કારણે ફૂલોની વર્ષાથી પ્રદેશ શોભી ઊઠ્યો હતો. પવનની લહેરોને કારણે બીજાં અનેક વૃક્ષ પુષ્પવર્ષા કરતાં હતાં, જાણે ત્યાં આવી ચઢેલા નાગલોકો ઉપર જ પુષ્પવર્ષા કરતાં ન હોય! મનને આનંદ પમાડતા, ગંધર્વ અને અપ્સરાઓના પ્રિય એવા એ દિવ્ય વનમાં પ્રમત્ત ભમરાઓ ગુંજી રહ્યા હતા. પોતાની મનભર છટાને કારણે તે વન ખૂબ જ સુંદર દેખાતું હતું. આ વન રમણીય મંગલકારી અને પવિત્ર હોવાને કારણે તે બધા લોકોના ચિત્તને આકર્ષતું હતું. વિવિધ પક્ષીઓના કૂજનથી શોભતું એ વન કદ્રૂના પુત્રોને અત્યંત આનંદ આપતું હતું.

આ વનમાં પહોંચીને એ બધા સાપ આનંદથી વિહાર કરવા લાગ્યા અને મહાપરાક્રમી પક્ષીરાજ ગરુડને કહેવા લાગ્યા: ‘હે આકાશગામી, નભમાં ઊડતાં ઉડતાં તેં ઘણા રમ્ય પ્રદેશ જોયા છે, તો અમને હવે નિર્મળ અને વિપુલ જળવાળા બીજા કોઈ રમણીય દ્વીપમાં લઈ જા.’

ગરુડે થોડો વિચાર કરીને પોતાની માતા વિનતાને પૂછ્યું: ‘‘મા, મારે આ સાપોની આજ્ઞાનું પાલન શા માટે કરવું જોઈએ?’

વિનતાએ કહ્યું, ‘હે પક્ષીરાજ, દુર્ભાગ્યવશ હું અનાર્યા બહેનની દાસી છું. મેં એક વાર હોડ બકી હતી અને આ સાપોએ લુચ્ચાઈ કરીને મારી જીતને હારમાં ફેરવી કાઢી હતી.’

માતાએ આ કારણ બતાવ્યું એટલે ગગનવિહારી ગરુડે એના દુઃખે દુઃખી થઈને સાપોને પૂછ્યું: ‘જીભથી ચાટચાટ કરનારા હે સાપલોકો, તમે સાચું કહેજો. હું તમને શું લાવી આપું કે ક્યું જ્ઞાન સંપડાવી આપું કે ક્યું પરાક્રમ કરું જેથી અમે તમારા દાસત્વમાંથી છૂટીએ?’

ગરુડની વાત સાંભળીને સાપોએ ઉત્તર આપ્યો: ‘તું પરાક્રમ કરીને અમૃત લઈ આવ. પછી તું દાસત્વમાંથી મુક્ત થઈ શકીશ.’

સાપોની વાત સાંભળીને ગરુડે પોતાની માતાને પૂછ્યું: ‘મા, હું અમૃત લાવવા જઉં છું, પણ મારે ભોજન માટે શું કરવું તે કહે.’

વિનતાએ કહ્યું: ‘સમુદ્રની વચ્ચે નિષાદોને રહેવા માટે એક નિવાસસ્થાન છે. ત્યાં રહેતા સેંકડો નિષાદોને મારીને તું ખાઈ જજે અને અમૃત લાવજે, પરંતુ તું કદી બ્રાહ્મણોને મારવાનો વિચાર કરતો નહીં, બ્રાહ્મણો બધાં જ પ્રાણીઓ માટે અવધ્ય છે, તેઓ અગ્નિ જેવા દાહક છે. ક્રોધે ભરાયેલો બ્રાહ્મણ અગ્નિ, સૂર્ય, વિષ અને શસ્ત્ર જેવો ભયાનક હોય છે. બ્રાહ્મણને સમસ્ત પ્રાણીઓના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે.’

એ સાંભળીને ગરુડે પૂછ્યું: ‘મા, બ્રાહ્મણોનાં લક્ષણ કેવાં હોય છે જેનાથી તે ઓળખાઈ જાય, તે બધાં તું મને કહે.’

વિનતાએ કહ્યું, ‘જો તારા ગળામાં પડતાંવેંત અંગારાની જેમ દઝાડે, જાણે તું માછલીનો કાંટો ગળી ગયો હોય એવું લાગે ત્યારે એને બ્રાહ્મણ માનવો.’ પુત્ર પ્રત્યે અતિ સ્નેહ હોવાને કારણે વિનતાએ કહ્યું: ‘જે તારા પેટમાં પચે નહીં તેને બ્રાહ્મણ સમજવો.’ તે પુત્રના અનુપમ બળને ઓળખતી હતી, તેમ છતાં નાગલોકોએ તેને છેતરી હતી એટલે દુઃખી થઈ ગઈ હતી, પછી તેને પુત્રને આશીર્વાદ આપ્યા:

‘હે પુત્ર, વાયુ તારી બંને પાંખોનું રક્ષણ કરે, ચંદ્ર અને સૂર્ય પાછલા ભાગનું રક્ષણ કરે, અગ્નિ તારા મસ્તકનું રક્ષણ કરે, વસુઓ તારી સમગ્ર કાયાનું રક્ષણ કરે. હું પણ અહીં રહીને તારા કલ્યાણ અને શાંતિ માટે પ્રાર્થના કરતી રહીશ. તું કાર્ય સિદ્ધ કરવા વિઘ્નરહિત માર્ગ ઉપરથી જજે.’

ત્યાર પછી મહા બળવાન ગરુડ માતાની વાત સાંભળીને બંને પાંખો ફેલાવીને આકાશમાં ઊડી ગયા. અને ભૂખથી વ્યાકુળ થઈને સર્વવિનાશક યમરાજની જેમ નિષાદોની પાસે જઈ પહોંચ્યા. એ નિષાદોનો સંહાર કરવા માટે પૃથ્વીથી આકાશ સુધી ધૂળ ઉડાડી, સમુદ્રના જલને સૂકવી દીધું. પાસેના પર્વતોને પણ ધૂ્રજાવી મૂક્યા. પછી પક્ષીરાજે પોતાનું મોં પહોળું કર્યું અને નિષાદોનો માર્ગ રોકી ઊભા રહી ગયા. પેલા નિષાદો પણ ઉતાવળમાં જે બાજુ ગરુડનું મોં હતું એ દિશામાં જ ભાગ્યા. જેવી રીતે ઝંઝાવાતથી કાંપતાં વૃક્ષોવાળા વનમાં પવન તથા ધૂળથી વિમોહિત બનેલાં પંખીઓ આકાશમાં આમતેમ ઊડવા માંડે, એવી જ રીતે પવન તથા ધૂળથી છવાયેલા હજારો નિષાદો ગરુડના ખૂલેલા મુખમાં સમાઈ ગયા.

એટલે શત્રુને પીડનારા, અત્યંત ચપલ, મહાબળવાન, ભૂખ્યા ગરુડે માછલી મારીને પેટ ભરનારા અનેક નિષાદોનો વિનાશ કરવા પોતાનું મોં બંધ કરી દીધું.

એ નિષાદોની સાથે એક બ્રાહ્મણ પણ પોતાની પત્ની સાથે ગરુડના ગળામાં પેસી ગયો હતો. તે સળગતા અંગારાની જેમ એના ગળામાં દાહ જન્માવવા લાગ્યો. એટલે ગરુડે કહ્યું: ‘હે બ્રાહ્મણ, મારા ખૂલેલા મોંમાંથી જલદી બહાર નીકળી જાઓ. બ્રાહ્મણ ગમે તેવો પાપી હોય તો પણ મારે માટે અવધ્ય છે.’

એવું કહેતા ગરુડને એ બ્રાહ્મણે કહ્યું: ‘આ નિષાદ જાતિની કન્યા મારી પત્ની એટલે તે પણ મારી સાથે બહાર આવશે.’

ગરુડે કહ્યું: ‘બ્રાહ્મણ, તું આ નિષાદ સ્ત્રીને લઈને જલદી બહાર નીકળ. તું મારા જઠરાગ્નિના તેજથી હજુ પચ્યો નથી, એટલે જલદીથી તારું જીવન ઉગારી લે.’

એટલે એ બ્રાહ્મણ નિષાદ સ્ત્રીની સાથે બહાર નીકળી આવ્યો અને આશીર્વાદ આપીને મનગમતા પ્રદેશમાં જતો રહ્યો. પોતાની સ્ત્રીની સાથે ગયેલા એ બ્રાહ્મણને જોઈને ગરુડે પાંખો ફેલાવી અને મનોવેગથી આકાશમાં ઊડવા લાગ્યા.

એ પછી તેમણે પોતાના પિતાને જોયા. એમણે પૂછ્યું એટલે ગરુડે બધા સમાચાર કહ્યા. મહર્ષિ કશ્યપે ગરુડને કહ્યું: ‘બેટા, તમે બધા કુશળ તો છો ને! દરરોજ તને ભોજન તો મળતું રહે છે ને? શું મનુષ્યલોકમાં તારે માટે પૂરતું અન્ન તો મળી રહે છે ને?’

ગરુડે ઉત્તર આપ્યો: ‘મારી મા સદા કુશળ છે, મારો ભાઈ અને હું કુશળ છીએ. પરંતુ પિતાજી, મને પેટ પૂરતા ભોજનની ચંતાિ હમેશાં રહે છે. સાપોએ મને અમૃત લેવા મોકલ્યો છે. મારી માને દાસત્વમાંથી છોડાવવા આજે હું નિશ્ચિત અમૃત લાવીશ જ. માતાએ મને નિષાદોનું ભોજન કરવાની આજ્ઞા આપી હતી, પણ હજારો નિષાદોનું ભક્ષણ કરવા છતાં મને તૃપ્તિ થઈ નથી. એટલે હે ભગવન્, મારે માટે બીજું કોઈ ભોજન બતાવો, એને ખાઈને હું અમૃત લાવવામાં શક્તિશાળી બનું.’

કશ્યપ એ સાંભળીને કહેવા લાગ્યા: ‘વિભાવસુ નામના એક બહુ ક્રોધી મહર્ષિ હતા. એમના નાના ભાઈ સુપ્રતીક પણ બહુ મોટા તપસ્વી હતા. સુપ્રતીક પોતાની સંપત્તિ મોટા ભાઈની પાસે રાખવા માગતા ન હતા. તે દરરોજ સંપત્તિનો ભાગ પાડવા માટે ઝઘડતા રહેતા હતા.

એક સમયે વિભાવસુએ કહ્યું: ‘ભાઈ, ઘણા બધા લોકો મોહ પામીને બાપદાદાની સંપત્તિ વહેંચી લેવા માગતા હોય છે. પણ એ વહેંચી લીધા પછી ધનના લોભે એકબીજાને આદર આપતા નથી. એ સ્વાર્થી મનુષ્યો જ્યારે પોતપોતાની સંપત્તિ લઈને અલગ થઈ જાય છે ત્યારે તેમની એ સ્થિતિ જાણીને શત્રુઓ મિત્ર બનીને આપસઆપસમાં કલહ કરાવે છે. એમનામાં કુસંપ પેદા થયો છે એ જાણીને બીજા કેટલાક લોકો તેમનાં છિદ્રો જોતા રહે છે અને એવું છિદ્ર મળતાંવેંત એમનામાં વેરભાવ વધારવા વચ્ચે પડે છે. આવી રીતે અલગ થયેલા લોકોનો બહુ જલદી વિનાશ થાય છે. એટલે સજ્જનો ભાઈઓના છૂટા પડવાની વાત કે સંપત્તિનાભાગ પાડવાની વાતને આવકારતા નથી. હે સુપ્રતીક, તું ભેદભાવને લઈને જ સંપત્તિનો ભાગ પાડવા ઇચ્છે છે. અને તું રોક્યો રોકાય એમ લાગતું નથી. એટલે તું આવતા જન્મે હાથી થઈશ.’

આવો શાપ મળ્યો એટલે સુપ્રતીકે વિભાવસુને કહ્યું; ‘તું પણ પાણીમાં વિહરનારો કાચબો થઈશ.’

આવી રીતે વિભાવસુ અને સુપ્રતીક ધનને નિમિત્તે બુદ્ધિ ગુમાવીને, એકબીજાને શાપ આપીને હાથી અને કાચબા તરીકે જીવે છે. ક્રોધને કારણે આ બંનેને પશુઓનો અવતાર મળ્યો છે. આ બંને વિશાળકાય પ્રાણીઓ પૂર્વજન્મના વેરને અનુસરીને પોતાની વિશાળતા અને ઘમંડમાં ચૂર થઈને એકબીજાની અદેખાઈ કરે છે. આ સરોવરમાં રહે છે. આ બંનેમાં જે સુંદર અને મોટો હાથી છે તે દરરોજ સરોવરના કિનારે આવે છે અને એના ચિત્કાર સાંભળીને પાણીમાં રહેતો વિશાળ કાચબો પણ બહાર આવે છે અને એ વખતે આખા સરોવરના પાણીને ડહોળી નાખે છે. એને જોતાંવેંત આ મહાબળવાન હાથી પોતાની સૂંઢ લપેટીને પાણીમાં કૂદી પડે છે અને દાંત, સૂંઢ, પૂછડું અને પગના વેગથી અસંખ્ય માછલીઓથી ભરેલા આ આખા સરોવરમાં ખળભળાટ મચાવી દે છે. એ જ સમયે કાચબો પણ યુદ્ધ કરવા પાસે આવે છે. આ હાથી છ યોજન ઊંચો અને બાર યોજન લાંબો છે; કાચબો ત્રણ યોજન ઊંચો છે અને તેની ગોળાઈ દસ યોજન છે. આ બંને એકબીજાને પરાજિત કરવાની ઇચ્છાથી ઘોર યુદ્વમાં ફસાયેલા છે, એટલે તું જલદીથી બંનેને ખાઈને તારું કાર્ય સિદ્ધ કર.’

પોતાના પિતાની આવી વાત સાંભળીને એ વેગીલા અને મહાન ગરુડે પોતાના એક પંજામાં હાથીને અને બીજા પંજામાં કાચબાને પકડી લીધા. તે ઊંચે આકાશમાં ઊડી ગયા અને અલમ્બતીર્થમાં દેવવૃક્ષોની પાસે પહોંચી ગયા. જ્યારે ગરુડ ત્યાં પહોંચ્યા ત્યારે એમની પાંખોના ફફડાટથી એ દેવવૃક્ષોને ‘આ આપણને જડમૂળથી ઉખાડી તો નહીં નાખે ને’ એવો ભય લાગ્યો. ગરુડ મનવાંછિત ફળ આપનારાં એ વૃક્ષોને કાંપતાં જોઈ બીજાં અનુપમ વૃક્ષો પાસે ગયા. એ વૃક્ષોની શાખાઓ વૈદુર્ય મણિની હતી અને સોનાચાંદીનાં ફળોથી તે સુંદર લાગતાં હતાં. એ બધાં મહા વૃક્ષો સમુદ્રનાં પાણીની છોળોથી ભીંજાતાં રહેતાં હતાં.

ત્યાં એક વિશાળ વડનું ઝાડ હતું. મનોવેગી પક્ષીરાજ ગરુડને આવતા જોઈ તે બોલ્યું: ‘હે પક્ષીરાજ, આ મારી સો યોજન સુધી વિસ્તરેલી ડાળી છે. એના પર બેસીને તમે આ હાથી અને કાચબાને ખાઓ.’ ત્યારે પર્વત જેવા વિશાળ શરીરવાળા, વેગીલા, પક્ષીરાજ તરત જ એ વૃક્ષ પાસે ગયા, તેના પર બેઠા, તેના ઉપર સેંકડો પક્ષી હતાં. બેસતાંવેંત તેમના પ્રચંડ વેગથી અઢળક પાંદડાંવાળી તે વિશાળ ડાળી તૂટી ગઈ. એ મહા બળવાન ગરુડના પગનો સ્પર્શ થયો કે તરત જ એ વૃક્ષની ડાળી તૂટી તો ગઈ પણ તરત જ ગરુડે એ તૂટેલી ડાળને પકડી લીધી.

એ મોટી ડાળીને તોડીને ગરુડે એની સામે જોઈને સ્મિત કર્યું એટલામાં જ તેમની દૃષ્ટિ વાલખિલ્ય નામના ઋષિઓ પર પડી. તેઓ ઊંધા મસ્તકે એ ડાળને પકડીને લટકી રહ્યા હતા. તપસ્યામાં ડૂબેલા એ બ્રહ્મર્ષિઓને વડની શાખાઓ લટકતા જીેઈને ગરુડે વિચાર્યું: અહીં તો ઋષિઓ લટકી રહ્યા છે. મારાથી એમની હત્યા ન થઈ થાય. આ તૂટેલી ડાળ ઋષિઓને મારી જ નાખશે. એમ વિચારીને વીર ગરુડે હાથી અને કાચબાને તો પોતાના પંજામાં સખતાઈથી પકડી લીધા અને ઋષિઓ નાશ ન પામે એ બીકે ડાળીને ચાંચમાં ઝાલી રાખી અને પર્વતોને કંપાવતા એ ગરુડ ધીરેથી ઊડી ગયા અને એ રીતે હાથી અને કાચબાને લઈને અનેક પ્રદેશોમાં તે ઊડતા રહ્યા. વાલખિલ્ય ઋષિઓ ઉપર દયાભાવ આણીને તે ક્યાંય બેસી ન શક્યા અને ઊડતા ઊડતા સહજ તે પર્વતોમાં શ્રેષ્ઠ એવા ગંધમાદન પર્વત પર જઈ ચઢ્યા. ત્યાં પોતાના પિતા કશ્યપને તપ કરતા જોયા. તેમણે પણ દિવ્ય રૂપધારી ગરુડને જોયા. અત્યંત તેજસ્વી મન તથા પવનના જેવા વેગવાળા ગરુડ હતા. તેઓ પર્વતશિખર જેવા ઉન્નત ઊંચકાયેલા બ્રહ્મદંડ સમા હતા. તેમનું આ સ્વરૂપ અકલ્પ્ય હતું. બધાં પ્રાણીઓમાં તે ભયંકર હતા, જાણે સાક્ષાત્ અગ્નિનું જ બીજું સ્વરૂપ ન હોય; દેવ, દાનવ કે રાક્ષસ — કોઈનાથીય જિતાય નહીં તેવા હતા. પર્વતનાં શિખરોને તોડનારા તથા સમુદ્રજળને શોષી લેનારા હતા; સમગ્ર વિશ્વને તે ભયથી કંપાવનારા હતા. યમરાજ જેવા દેખાતા હતા. એમને આવેલા જોઈને તથા એમનો આશય જાણીને કશ્યપ ઋષિએ આમ કહ્યું: ‘પુત્ર, જોજે દુ:સાહસ કરી ન બેસતો. નહીંતર આપત્તિમાં મુકાઈ જઈશ. સૂર્યકિરણોનું પાન કરનાર આ વાલખિલ્ય ઋષિ ક્રોધે ભરાઈને તને ભસ્મ કરી ન નાખે!’

પછી પુત્રને માટે મહર્ષિ કશ્યપે તપસ્યાથી પવિત્ર બનેલા વાલખિલ્ય મુનિઓને પ્રસન્ન કર્યા અને બોલ્યા: હે તપોધનો, બ્રાહ્મણો, આ ગરુડ પ્રજાહિત માટે જે મહાન કાર્ય કરવા તત્પર થયો છે તેને તમે આજ્ઞા આપો.’ કશ્યપ ઋષિએ આમ કહ્યું એટલે વાલખિલ્ય મુનિઓ એ ડાળી છોડીને તપ કરવા અત્યંત પુણ્યમય પર્વત ઉપર નીકળી પડ્યા. એ ચાલી નીકળ્યા એટલે વિનતાપુત્ર ગરુડે મોંમાં ડાળી પકડી રાખેલી એટલે મુશ્કેલીથી પિતા કશ્યપને પૂછ્યું, ‘ભગવન્ આ વૃક્ષની ડાળીને ક્યાં નાખું? જ્યાં દૂર દૂર સુધી મનુષ્યો ન રહેતા હોય એવું કોઈ સ્થળ મને બતાવો.’

એટલે કશ્યપે નિર્જન એવો પર્વત બતાવ્યો, એની કંદરાઓ હિમાચ્છાદિત હતી અને જ્યાં બીજી કોઈ વ્યક્તિ મનથીય પહોંચી શકે એમ ન હતી. પક્ષીરાજ ગરુડ મહાપર્વતની ગુફામાં મનોમન પ્રવેશીને હાથી, કાચબા અને પેલી ડાળી લઈને ખૂબ વેગથી ઊડ્યા. ગરુડ જે ડાળીને લઈને ઊડ્યા તે એટલી બધી મોટી હતી કે સો પશુઓનાં ચામડાંમાંથી બનાવેલું દોરડું પણ વીંટાળવા માટે નાનું પડે. પક્ષીરાજ ગરુડે એ ડાળી લઈને થોડા સમયમાં જ ત્યાંથી એક લાખ જોજન દૂર જઈ ચઢયા. પિતાની આજ્ઞાથી ક્ષણવારમાં એ પર્વત આગળ પહોંચીને પેલી વિશાળ ડાળી ત્યાં ફંગોળી દીધી. તે વખતે ત્યાં બહુ મોટો અવાજ થયો, એ પર્વતરાજ ગરુડની પાંખોના ફફડાટથી ઘવાઈને કંપી ઊઠ્યા, ત્યાં ઊગેલાં ઘણાં વૃક્ષો ઊખડી પડ્યાં અને એ ફૂલોની વર્ષા કરવા લાગ્યાં. એ મહાન પર્વતને શોભાવતાં મણિકાંચનમય શિખરો બધી બાજુએથી ચૂર ચૂર થઈને પડી ગયાં. એ વિશાળ ડાળી સાથે અથડાઈને ઘણાં બધાં વૃક્ષો ધરાશાયી થઈ ગયાં અને પોતાનાં સુવર્ણમય પુષ્પોને કારણે વીજળીથી ચમકતાં વાદળ જેવાં દેખાવા લાગ્યાં. સુવર્ણમય પુષ્પોવાળાં આ વૃક્ષો ધરતી પર પડીને પર્વતની બીજી ધાતુઓના રગે રંગાયાં અને એમના પર સૂર્યકિરણોનાં રંગ ચઢ્યા એટલે વધારે સુશોભિત થઈ ઊઠ્યાં. ત્યાર પછી પક્ષીરાજ ગરુડે તે પર્વતના એક શિખર પર બેસીને તે બંને હાથી અને કાચબાનું ભોજન કર્યું.

આમ એ બંનેને આરોગીને મહાન વેગવાળા ગરુડ પર્વતના એ શિખર પરથી ઊંચે ઊડ્યા. એ સમયે દેવતાઓને ત્યાં ઘણા બધા ભયસૂચક ઉત્પાત થવા લાગ્યા. દેવરાજ ઇન્દ્રનું વજ્ર ભયથી પ્રજ્વલિત થઈ ઊઠ્યું. દિવસે જ આકાશમાંથી ધુમાડા અને જ્વાળાઓ સમેત ઉલ્કા ખરવા લાગી. વસુ, રુદ્ર, આદિત્ય, સાધ્ય, મરુત્ગણ અને બીજા દેવતાઓનાં શસ્ત્રો એવી રીતે ઉત્પાત કરવાં લાગ્યાં કે પહેલાં જાણે આવું કશું બન્યું જ નહોતું. એ સમયે વજ્રના ગડગડાટની સાથે જોરશોરથી ઝંઝાવાત ફુંકાયો, હજારો ઉલ્કા ખરવા લાગી. વાદળાં વિનાના આકાશમાંય મોટી મોટી ગર્જના થવા લાગી. દેવતાઓના જે દેવતા હતા તેઓ પણ રક્તવર્ષા કરવા લાગ્યા. દેવતાઓની દિવ્ય પુષ્પમાળાઓ કરમાઈ ગઈ. ઘોર ઉપદ્રવ કરનારાં વાદળોએ રક્તધારાઓ વરસાવી. ચોતરફ ઊડેલી ધૂળને કારણે દેવતાઓના મુગટ મેલા થઈ ગયા. આવો ભયાનક ઉત્પાત જોઈને દેવતાઓ સમેત ઇન્દ્ર ભયથી વ્યાકુળ થઈ ઊઠ્યા અને તેમણે બૃહસ્પતિને કહ્યું: ‘હે ભગવન્, એકાએક આ ભયાનક ઉત્પાત ક્યાંથી થઈ રહ્યો છે? એવો તો કોઈ શત્રુ નથી જે અમને પરાજિત કરી શકે.’

એ સાંભળીને બૃહસ્પતિએ કહ્યું, ‘હે દેવરાજ ઇન્દ્ર, તમારા જ અપરાધ અને પ્રમાદથી તથા મહાત્મા વાલખિલ્ય ઋષિઓના તપના પ્રભાવથી કશ્યપ મુનિ અને વિનતાના પુત્ર પક્ષીરાજ ગરુડ અમૃતનું અપહરણ કરવા આવી રહ્યા છે. તે અત્યંત બળવાન છે અને ઇચ્છાનુસારી રૂપ ધારણ કરવા શક્તિમાન છે. એ બળવાનોમાં પણ અત્યંત બળવાન છે, તે અમૃત હરી જવામાં સમર્થ છે. હું એમનામાં બધા પ્રકારની શક્તિઓ હોવાની સંભાવના કરું છું. તેઓ અસાધ્ય કાર્ય પણ સિદ્ધ કરી શકે છે.’

બૃહસ્પતિની આ વાત સાંભળીને દેવરાજ ઇન્દ્રે અમૃતનું રક્ષણ કરનારા દેવતાઓને કહ્યું, ‘એક મહાબલી પક્ષી અમૃતનું હરણ કરવા માટે અહીં આવી રહ્યું છે. એટલે હું તમને સાવધાન કરી દઉં છું કે તે બળજબરી કરીને અમૃત લઈ ન જાય, બૃહસ્પતિએ મને કહ્યું છે કે એનું બળ અમાપ છે.’ ઇન્દ્રની એ વાત સાંભળીને દેવતાઓ આશ્ચર્યમાં ડૂબી ગયા અને પ્રયત્નપૂર્વક ચારે બાજુએથી અમૃતને ઘેરીને ઊભા રહી ગયા. પ્રતાપી ઇન્દ્ર પણ વજ્ર લઈને ત્યાં ઊભા રહી ગયા.

મનસ્વી દેવતાઓ વિલક્ષણ સુવર્ણમય અને વૈદુર્યમણિથી શોભતા કવચ ધારણ કરીને, અનેક પ્રકારનાં ભયાનક, તીક્ષ્ણ ધારવાળાં અને અણિયાળાં શસ્ત્ર ધારણ કરીને, જેમાંથી ધુમાડા અને અગ્નિની જ્વાળાઓ પ્રગટે એવાં ચક્ર, પરિધ, ત્રિશુલ, પરશુ, વિવિધ પ્રકારની શક્તિઓ, તેજસ્વી તલવારો અને પોતપોતાનાં શરીરને અનુરૂપ ગદાઓ લઈને ત્યાં ઊભા રહી ગયા.

પરાક્રમ, બળ, અને તેજથી અનુપમ, અસુરોનાં નગરોને તોડનારાં, પ્રજ્વલિત અગ્નિ સમાન તેજથી શોભતા એ બધા દેવ મન મૂકીને અમૃતની રક્ષા કરવા તૈયાર થયા. આમ એ તેજસ્વી દેવતા શ્રેષ્ઠ યુદ્ધ માટે સજ્જ થયા. એ યુદ્ધભૂમિ લાખો પરિધ વગેરે આયુધોથી વ્યાપ્ત થઈને સૂર્યકિરણોથી તૂટી પડેલા આકાશના જેવી સુશોભિત બની ગઈ હતી.

આ સાંભળીને શૌનક ઋષિએ સૂતને પૂછ્યું: ‘હે સૂતનંદન, ઇન્દ્રનો ક્યો અપરાધ હતો? એણે ક્યો પ્રમાદ સેવ્યો હતો? અને ગરુડ વાલખિલ્ય મુનિઓના પ્રભાવથી કેવી રીતે ઉત્પન્ન થયા? કશ્યપ તો બ્રાહ્મણ છે, તો પછી પક્ષીરાજ તેમનો પુત્ર કેવી રીતે? વળી એ પુત્ર બધાં પ્રાણીઓમાં બળવાન અને તેનો કોઈ વધ ન કરી શકે એવું કેવી રીતે બન્યું? આકાશમાં ઊડનાર એ પક્ષી સ્વેચ્છાચારી થયા કેવી રીતે અને રુચિ પ્રમાણે પરાક્રમ કરવાની શક્તિ કેવી રીતે આવી? આ બધું હું સાંભળવા માગું છું. જો પુરાણમાં આની કોઈ કથા હોય તો તે સંભળાવો.’

એ સાંભળીને સૌતિએ કહ્યું, ‘હે બ્રાહ્મણ, તમે મને જે પૂછો છો તે પુરાણના જ વિષય છે. હું સંક્ષેપમાં કહી સંભળાવું છું તે સાંભળો. પ્રજાપતિ કશ્યપ પુત્રની ઇચ્છાથી યજ્ઞ કરી રહ્યા હતા; એમાં ગંધર્વોએ, ઋષિઓએ, દેવતાઓએ સહાય કરી હતી. કશ્યપે ઇન્દ્રને સમિધ લાવવા રોક્યા હતા. વાલખિલ્ય મુનિ અને બીજા દેવતાઓને પણ એ કામ સોંપ્યું હતું. દેવરાજ ઇન્દ્રે પોતાની શક્તિ પ્રમાણે લાકડાના એક મોટા પર્વત જેવો સમૂહ ઉપાડ્યો અને વગર થાકે તે લઈ આવ્યા. તેમણે રસ્તામાં ખૂબ જ નાના એવા ઋષિઓને જોયા, તેમનું આખું શરીર અંગૂઠાના વચલા ભાગ જેવું હતું; એ બધા મળીને કેસુડાની એક નાની ડાળી લઈને આવી રહ્યા હતા. તેમણે આહાર છોડી દીધો હતો. તપસ્યાથી તેઓ એટલા બધા દૂબળા થઈ ગયા હતા કે તેઓ ગાયની ખરી જેટલા પાણીમાં પણ ડૂબી જઈને હેરાન થઈ જાય. પોતાના બળથી ઘમંડી બનેલા ઇન્દ્રે આશ્ચર્યથી એ બધા ઋષિઓને જોયા અને એમની મજાક ઉડાવતા ઉડાવતા અપમાનપૂર્વક એમને ઓળંગીને જલદી આગળ નીકળી ગયા. એટલે વાલખિલ્ય ઋષિઓ ખૂબ જ દુઃખી થયા અને ક્રોધે ભરાયા. તેમણે ઇન્દ્રને માટે ભયંકર નીવડે એવા એક મહાન કાર્યનો આરંભ કર્યો. મનમાં જે ઇચ્છા હતી તે પાર પાડવા નાનામોટા મંત્રો વડે વિધિવત્ અગ્નિમાં જે આહુતિ આપતા હતા તે હવે કહું છું, સાંભળો. આ ઉત્તમ વ્રતધારી ઋષિઓએ સંકલ્પ કર્યો કે બધા દેવતાઓ માટે એક બીજો ઇન્દ્ર ઉત્પન્ન થાય, તે અત્યારના ઇન્દ્ર માટે ભયજનક પુરવાર થાય, તે ઇચ્છાનુસાર પરાક્રમ કરી શકે, પોતાની રુચિ પ્રમાણે હરીફરી શકે; જે શૌર્યમાં અને વીર્યમાં ઇન્દ્ર કરતાં સોગણો ચઢિયાતો હોય, એની ગતિ મન જેટલી હોય, અમારી તપસ્યાના પ્રભાવે ઇન્દ્રને માટે ભયંકર નીવડે એવો વીર જન્મે.’

એમનો આવો સંકલ્પ સાંભળીને દેવરાજ ઇન્દ્રને ખૂબ જ સંતાપ થયો અને તે કઠોર વ્રતધારી કશ્યપના શરણે ગયા. દેવરાજ ઇન્દ્રના મોઢે ઋષિઓનો એવો સંકલ્પ સાંભળીને કશ્યપ વાલખિલ્યો પાસે જઈ ચઢ્યા અને એમની કર્મસિદ્ધિ વિશે પ્રશ્ન કર્યો. સત્યવાદી વાલખિલ્યોએ ‘હા, વાત સાચી છે.’ કહીને પોતાની કાર્યસિદ્ધિનું પ્રતિપાદન કર્યું. ત્યારે પ્રજાપતિ કશ્યપે એમને સાંત્વન આપી સમજાવતાં કહ્યું: ‘હે બ્રાહ્મણો, બ્રહ્માની આજ્ઞાથી તેણે ત્રણે ભુવનોના ઇન્દ્રનું પદ પ્રાપ્ત કર્યું છે. તમે પણ બીજા ઇન્દ્રને માટે મથી રહ્યા છો. હે સંતપુરુષો, તમે બ્રહ્માનું વચન મિથ્યા ન કરો. સાથે સાથે હું એવું પણ ઇચ્છું કે તમે જે સંકલ્પ કર્યો છે તે પણ મિથ્યા ન થાય. એટલે અત્યન્ત બળ અને સત્ત્વગુણથી સંપન્ન જે આ ભાવિ પુત્ર છે તે પક્ષીઓનો ઇન્દ્ર થાય. યાચક બનીને આવેલા દેવરાજ ઇન્દ્ર પર કૃપા કરો.’

મહર્ષિ કશ્યપની વાત સાંભળીને તપસ્વી વાલખિલ્ય મુનિ કશ્યપ પ્રજાપતિનો સત્કાર કરીને બોલ્યા, ‘હે પ્રજાપતિ, અમારો આ વિધિ ઇન્દ્ર માટે હતો, તમારો આ યજ્ઞ સંતાન માટે છે. એટલે આ ફળ સહિતના કર્મનો તમે સ્વીકાર કરો અને જેમાં બધાનું કલ્યાણ હોય એ કરો.’ એ સમયે શુભલક્ષણા, કલ્યાણી, પુત્રની ઇચ્છાવાળી દક્ષપુત્રી વિનતા તપ અને વ્રત કરીને ઋતુકાળના સ્નાન પછી પોતાના પતિ પાસે ગઈ ત્યારે કશ્યપે એને કહ્યું:

‘દેવી, તારો આ સમારંભ અવશ્ય સફળ થશે. તું બે પુત્રોને જન્મ આપીશ અને એ બંને વીર નીવડશે. ત્રણે લોક ઉપર શાસન કરવાની શક્તિ ધરાવશે. મારા સંકલ્પ અને વાલખિલ્યોની તપસ્યાથી તને બે પરમ સૌભાગ્યશાળી પુત્રો થશે, એમની ત્રણે લોકમાં પૂજા થશે.’ એમ કહીને ફરી વિનતાને કહ્યું: ‘દેવી, આ ગર્ભ મહાન અભ્યુદય કરનારો નીવડશે એટલે પ્રમાદ કર્યા વિના એને ધારણ કરજે. તારા બંને પુત્ર બધાં પક્ષીઓમાં ઇન્દ્રપદને પામશે. સ્વરૂપે પક્ષી હોવા છતાં ઇચ્છાનુસાર રૂપ ધારણ કરી શકશે અને લોકોનો આદર મેળવશે.’

વિનતાને એમ કહીને પ્રસન્ન થયેલા પ્રજાપતિએ ઇન્દ્રને કહ્યું: ‘હે પુરન્દર, આ બંને મહાપરાક્રમી ભાઈઓ તારા સહાયક થશે. તમને એમનાથી કોઈ નુકસાન નહીં થાય. તમારા સંતાપ હવે દૂર થવા જોઈએ. તે દેવતાઓના ઇન્દ્ર રહેશે જ. એક વાત ધ્યાનમાં રાખશો. હવે પછી ઘમંડમાં આવી જઈને બ્રહ્મર્ષિ મહાત્માઓનાં અપમાનમજાક ન કરતા. તેમની વાણી અમોઘ વજ્ર જેવી છે અને તે ભયંકર ક્રોધી હોય છે.’

કશ્યપની વાત સંાભળીને ઇન્દ્ર નિશ્ચિત થઈને સ્વર્ગમાં ચાલ્યા ગયા. વિનતા પણ પોતાની ઇચ્છા પૂરી થવાથી આનન્દિત થઈ. તેને બે પુત્ર જન્મ્યા: અરુણ અને ગરુડ. જેનાં અંગ થોડાં અધૂરા રહી ગયાં તે અરુણ. સૂર્યદેવનો સારથિ બનીને તેમની આગળ આગળ ચાલે છે. હે ભૃગુપુત્ર, બીજા પુત્ર ગરુડને પક્ષીઓનું ઇન્દ્રપદ સોંપ્યું. હવે ગરુડના મહાન પરાક્રમની વાત સાંભળો.

‘દેવતાઓનો સમુદાય વિવિધ પ્રકારનાં આયુધ લઈને યુદ્ધ માટે તૈયાર થયો તે જ વખતે ગરુડ દેવતાઓ પાસે પહોંચી ગયા. અત્યંત બળવાન ગરુડને જોઈને દેવતાઓ કંપી ઊઠ્યા, તેમનાં બધાં શસ્ત્ર અંદરઅંદર જ ટકરાવા લાગ્યાં. ત્યાં વિદ્યુત્ અને અગ્નિ સમાન તેજસ્વી અને મહાપરાક્રમી અમેયાત્મા વિશ્વકર્મા અમૃતની રક્ષા કરતા હતા. પક્ષીરાજની સાથે તેમણે બે ઘડી યુદ્ધ કર્યું અને ગરુડના નખ, ચાંચ અને પાંખોના પ્રહારથી ઘાયલ થઈને યુદ્ધભૂમિ પર મરણતુલ્ય થઈ પડ્યા. ત્યાર પછી ગરુડે પોતાની પાંખોના ફફડાટથી ખૂબ ધૂળ ઉડાડીને સમસ્ત લોકમાં અન્ધકાર ફેલાવી દીધો. અને એ જ ધૂળથી છવાઈને દેવતાઓ મોહિત થઈ ગયા. અમૃતની રક્ષા કરતા દેવતાઓ પણ એવી જ રીતે ધૂળથી ઢંકાઈને કશું જોઈ શકતા નહોતા. આમ ગરુડે સ્વર્ગલોકને આકુળવ્યાકુળ કરી નાખ્યો અને પાંખ તથા ચાંચના પ્રહારથી દેવતાનાં અંગેઅંગ ઘાયલ કરી નાખ્યાં. ત્યારે સહ નેત્રવાળા ઇન્દ્રદેવે તરત જ વરુણને આજ્ઞા કરી, ‘હે મરુત્, તું આ ધૂળની વૃષ્ટિ દૂર કર; આ કાર્ય તું જ કરી શકે એમ છે.’ ત્યારે મહાબલી વાયુદેવે ખૂબ વેગથી ધૂળને દૂર કરી. એટલે ત્યાં ફેલાયેલો અંધકાર દૂર થઈ ગયો. હવે દેવતાઓ પોતાનાં આયુધોથી ગરુડને પીડવા લાગ્યા.

દેવતાઓના પ્રહાર ઝીલીને બળવાન ગરુડ આકાશમાં છવાયેલા મહામેઘની જેમ બધાં પ્રાણીઓને ડરાવતા જોરશોરથી ગરજવા લાગ્યા. શત્રુઓનો સંહાર કરવાવાળા પક્ષીરાજ ખૂબ જ પરાક્રમી હતા. તે આકાશમાં ખૂબ ઊંચે ઊડી ગયા. અંતરીક્ષમાં દેવતાઓની બરાબર ઉપર જ ઊભા રહી ગયા. તે વખતે ઇન્દ્ર વગેરે દેવતા ગરુડ પર પટ્ટિશ, પરિધ, શૂલ તથા ગદા જેવાં વિવિધ આયુધ દ્વારા પ્રહાર કરવા લાગ્યા. અગ્નિ જેવાં પ્રજ્વલિત ક્ષુરપ્ર, સૂર્ય જેવાં તેજસ્વી ચક્ર, વિવિધ પ્રકારનાં અન્ય શસ્ત્ર વડે તેમના ઉપર ચારે બાજુએથી પ્રહારો થઈ રહ્યા હતા. તો પણ પક્ષીરાજ દેવતાઓ સાથે ઘોર યુદ્ધ કરતા જ રહ્યા, જરાય વિચલિત ન થયા. પરમ પ્રતાપી વિનતાનંદન ગરુડ જાણે દેવતાઓને દઝાડી મૂકશે, એવા રોષથી આકાશમાં રહીને જ પાંખો અને છાતીના ધક્કાથી એ બધાને દૂર ફંગોળ્યા. ગરુડથી પીડા પામેલા અને દૂર ફેંકાયેલા દેવતાઓ આમતેમ ભાગવા લાગ્યા. એમના નખ અને ચાંચથી ઘવાયા અને શરીરમાંથી પુષ્કળ લોહી રેલાવા લાગ્યું. પક્ષીરાજથી પીડાતા સાધ્ય અને ગંધર્વો પૂર્વ દિશામાં ભાગી નીકળ્યા, વસુઓ અને રુદ્રો દક્ષિણ દિશામાં ભાગ્યા, આદિત્યો પશ્ચિમમાં ગયા અને અશ્વિનીકુમારો ઉત્તરમાં ગયા. એ પરાક્રમી યોદ્ધાઓ વારંવાર પાછું વળીને જોતાં જોતાં ભાગી રહ્યા હતા. ત્યાર પછી આકાશગામી પક્ષીરાજે વીર અશ્વકંદ, રેણુક, શૂરવીર કથન, તપન, ઉલૂક, શ્વસન, નિમેષ, પ્રરુજ અને પુલિન — એમ નવ યજ્ઞ સાથે યુદ્ધ કર્યું. શત્રુઓનું દમન કરતા વિનતાપુત્રે પ્રલયકાળમાં ક્રોધિત પિનાકધારી રુદ્રની જેમ ક્રોધે ભરાઈને એ બધાને પાંખ, નખ, અને ચાંચ વડે ઘાયલ કરી નાખ્યા. આ બધા યક્ષ અત્યંત બળવાન અને ઉત્સાહી હતા. યુદ્ધમાં ગરુડ દ્વારા ઘવાયા ને રક્તધારા વહેવડાવતાં વાદળ જેવા તે શોભવા માંડ્યા હતા. પક્ષીરાજ એ બધાના પ્રાણ હરીને જ્યારે અમૃત લેવા આગળ વધ્યા ત્યારે તેની ચારે બાજુ આગ જોઈ. એ આગે પોતાની જ્વાળાઓમાં સમગ્ર આકાશને આવરી લીધું હતું. તે સૂર્યમંડળની જેમ દાહ પમાડતી હતી અને પ્રચંડ વાયુ વડે વધારે ને વધારે પ્રજ્વલિત રહેતી હતી. એટલે મહાન ગરુડે પોતાના શરીરમાં ૮૧૦૦ મુખ પ્રગટાવ્યાં અને એ દ્વારા નદીઓનાં પાણી પી લીધાં. ફરી ખૂબ જ વેગથી અને ઝડપથી ત્યાં સળગતી આગ પર એ બધું જળ છાંટી દીધું. આમ શત્રુઓને સંતાપનારા ગરુડે નદીઓના જલથી એ આગને ઓલવી અને અમૃતની પાસે જવા એકદમ નાનકડું રૂપ લીધું.

જેવી રીતે જળપ્રવાહ સમુદ્રમાં પ્રવેશે છે તેવી રીતે પક્ષીરાજ ગરુડ સૂર્યકિરણ જેવા પ્રકાશિત સુવર્ણમય સ્વરૂપ ધારણ કરીને બળપૂર્વક જ્યાં અમૃત હતું ત્યાં પ્રવેશી ગયા. તેમણે જોયું તો અમૃતની પાસે એક લોખંડી ચક્ર ઘૂમ્યા કરતું હતું. એની ચારે બાજુ છરા હતા. એ નિરંતર ઘૂમ્યા કરતું હતું, તેની ધાર ખૂબ તીણી હતી. એ ઘોર ચક્ર અગ્નિ અને સૂર્યની જેમ જાજવલ્યમાન હતું. દેવતાઓએ એ અત્યન્ત ભયંકર ચક્ર એટલા માટે બનાવ્યું હતું કે જે અમૃત ચોરવા આવે તેના ટુકડેટુકડા થઈ જાય. ગરુડ એનામાં કોઈ છિદ્ર જોતા ઊભા રહ્યા, જેથી એમાં પ્રવેશી શકાય. પછી એક જ ક્ષણમાં શરીરને સંકોચી એ ચક્રના આરાની વચ્ચે થઈને અંદર પ્રવેશી ગયા. એ ચક્રની નીચે અમૃતની રક્ષા માટે બે શ્રેષ્ઠ સાપ હતા. એમનું તેજ પ્રજ્વલિત અગ્નિના જેવું હતું. તેમની લપલપાતી આંખો વીજળી જેવી હતી, મોં તેજસ્વી હતાં. આંખો ચમકતી હતી. એ સાપ મહા પરાક્રમી હતા, તેમની આંખોમાં ઝેર હતું. એ નિત્ય ક્રોધી અને વેગવાન હતા. ગરુડે તેમને જોયા.

તેમનાં નેત્રોમાં નિત્ય ક્રોધ ભરાયેલો રહેતો હતો. તેઓ એકીટશે જોયા કરતા હતા. બેમાંથી એક પણ જેને જોઈ લે તે તત્કાળ ભસ્મ થઈ જાય. સુંદર પાંખોવાળા ગરુડે એકાએક ધૂળ નાખીને તેમની આંખો બંધ કરી દીધી અને એમની નજરે પડ્યા વિના જ ચારે બાજુથી એમના ઉપર પ્રહાર કરવા માંડ્યા. આકાશમાં ઊડનારા બળવાન વિનતાપુત્રે વેગપૂર્વક આક્રમણ કરીને એ બંને સાપોને શરીરને વચ્ચેથી કાપી નાખ્યા અને અમૃત તરફ ત્રાટક્યા, ચક્રને તોડીફોડી નાખ્યું અને અમૃતકુંભ ઊઠાવીને ખૂબ વેગથી ઊડવા માંડ્યું. તેમણે પોતે અમૃત પીધું નહીં, માત્ર એ લઈને શીઘ્રતાથી નીકળી પડ્યા અને સૂર્યપ્રભાની અવહેલના કરીને થાક્યા વિના નીકળ્યા. એ સમયે આકાશમાં વિનતાપુત્ર ગરુડને ભગવાન વિષ્ણુ મળી ગયા. ભગવાન નારાયણ ગરુડના નિર્લોભી પરાક્રમથી પ્રસન્ન થયા. એટલે તે અવિનાશી ભગવાન વિષ્ણુએ આકાશગામી ગરુડને કહ્યું, ‘હું તને વરદાન આપવા માગું છું.’ નભોવિહારી ગરુડે કહ્યું: ‘પ્રભુ, હું તમારી ધજામાં નિત્ય રહું.’ પછી ફરી ભગવાન નારાયણને કહ્યું: ‘ભગવાન, હું અમૃત પીધા વિના જ અજર — અમર થઈ જઉં.’ ત્યારે ભગવાને ગરુડને કહ્યું, ‘તથાસ્તુ.’ એ બંને વરદાન પામીને ગરુડે ભગવાનને કહ્યું: ‘દેવ, હું પણ તમને વરદાન આપવા માગું છું. તમે પણ કોઈ વરદાન માગો.’ ત્યારે શ્રીહરિએ મહાબલિ ગરુડ પાસે ‘તું મારું વાહન થા’ એવું વરદાન માગ્યું.

ભગવાન વિષ્ણુએ ગરુડને પોતાના ધ્વજમાં સ્થાન આપ્યું અને ગરુડ ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પક્ષીરાજ ગરુડને અમૃતનું અપહરણ કરતા જોઈ ક્રોધે ભરાઈને ઇન્દ્રે વજ્રનો પ્રહાર કર્યો. વિહંગોમાં શ્રેષ્ઠ ગરુડે વજ્રથી ઘવાયા છતાં હસતાં હસતાં મધુર વાણીમાં કહ્યું: ‘દેવરાજ, જેમનાં હાડકાંમાંથી આ વજ્ર બન્યું છે તે મહર્ષિનું માન રાખીશ. તેમની સાથે સાથે તમારું અને વજ્રનુંય માન રાખીશ. એટલે જેનો છેડો તમે ક્યાંય જોઈ ન શકો એવી મારી પાંખ જતી કરું છું.’ એમ કહીને પક્ષીરાજે પોતાની એક પાંખ ખેરવી નાખી. એ ખરેલી ઉત્તમ પાંખને જોઈને બધાં પ્રાણીઓને હર્ષ થયો, એના આધારે તેમણે ગરુડનું નામ પાડ્યું. એ સુંદર પાંખ જોઈ બધાંએ કહ્યું, ‘જેની આ સુંદર પાંખ છે તે પક્ષી સુપર્ણ નામે વિખ્યાત થાય.’ આ મહાન અચરજ જોઈને સહ નેત્રવાળા પુરંદરે મનોમન વિચાર કર્યો, આ પક્ષીના રૂપમાં કોઈ મહાન પ્રાણી છે. એમ વિચારી કહ્યું, ‘હે વિહંગશ્રેષ્ઠ, હું તમારું સર્વોત્તમ બળ જાણવા માગું છું અને તમારી સાથે અનન્ત મૈત્રી બાંધવા માગું છું.’

ગરુડે કહ્યું, ‘હે પુરન્દર દેવ, તમારી ઇચ્છા પ્રમાણે હવે આપણી વચ્ચે મૈત્રી. મારું મહાન અને અસહ્ય બળ જાણી લો. સજ્જનો પોતાને મોઢે પ્રશંસા નથી કરતા. પણ તમે મિત્ર માનીને પૂછ્યું છે એટલે કહું છું. કારણ વિના જ પોતાની પ્રશંસા કરવી ન જોઈએ. હે ઇન્દ્ર, પર્વત, વન અને સમુદ્રનાં પાણી સમેત આ આખી પૃથ્વીને, તમને પણ એક પાંખ પર ઊંચકીને વિના પરિશ્રમે ઊડી શકું છું. અથવા બધા જ ચરાચર લોકોને એકત્રિત કરીને જો મારા પર મૂકી દેવામાં આવે તો બધાનો ભાર વગર થાકે ઉપાડી શકું છું. તમે એનાથી મારું બળ સમજી શકશો.’

વીર ગરુડની વાત સાંભળીને શ્રીમાનોમાં શ્રેષ્ઠ એવા કિરીટધારી સર્વલોકહિતકારી દેવેન્દ્રે કહ્યું, ‘મિત્ર, તું જે કહે છે એ સાચું છે. તું બધું જ કરી શકે એમ છે. અત્યારે મારી ઉત્તમ મૈત્રી સ્વીકાર. જો તારે પોતાને અમૃત નથી જોઈતું તો મને પાછું આપી દે. તું જેમને અમૃત આપવા માગે છે તેઓ એ પીને અમને દુઃખી કરશે.’

ગરુડે કહ્યું: ‘સ્વર્ગાધિપતિ, કોઈક કારણસર હું આ અમૃત લઈ જઉં છું. હું કોઈને પીવા નહીં દઉં. હું જ્યાં એને મૂકી દઉં ત્યાંથી તમે ઊઠાવી જજો.’

ઇન્દ્રે કહ્યું, ‘પક્ષીરાજ, તમે જે વાત કરી તેનાથી હું સંતુષ્ટ છું. હે પક્ષીશ્રેષ્ઠ, તમારે જે વરદાન જોઈએ તે માગી લો.’

ઇન્દ્રની આવી વાત સાંભળીને ગરુડને કદ્રૂના પુત્રોની દુષ્ટતા યાદ આવી. તેમનો કપટી વ્યવહાર પણ યાદ આવ્યો, એટલે તો એમની મા દાસી બની હતી. તેમણે ઇન્દ્રને કહ્યું, ‘હે ઇન્દ્ર, હું બધું કરવાને સમર્થ છું છતાં અમૃત બીજાઓના હાથમાં ન જાય એવી તમારી માગણી સ્વીકારું છું. વળી તમારા કહેવા પ્રમાણે વરદાન માગું છું કે મહાબલી સાપ મારો આહાર બને.’

એટલે દાનવશત્રુ ઇન્દ્ર ‘તથાસ્તુ’ કહીને યોગીશ્વર દેવાધિદેવ શ્રીહરિ પાસે જતા રહ્યા.

શ્રીહરિએ ગરુડે કહેલી વાતને અનુમોદન આપ્યું; ત્યારે સ્વર્ગના સ્વામી ઇન્દ્રે ફરીથી ગરુડને કહ્યું, ‘તમે જે સમયે આ અમૃતને નીચે મૂકશો તે સમયે ત્યાં આવીને એ અમૃત હું લઈ જઈશ.’ પછી સુંદર પાંખવાળા ગરુડ તરત જ પોતાની માતા પાસે પાછા આવી ગયા.

અત્યન્ત પ્રસન્ન થઈને તેમણે બધા સાપને કહ્યું: ‘હે સાપલોકો, હું તમારે માટે આ અમૃત લઈને આવ્યો છું. એને આ કુશ ઘાસ પર મૂકી દઉં છું. તમે સ્નાન, મંગલ કાર્ય કરીને આ અમૃતનું પાન કરો. અમૃત મોકલતી વખતે જે વાત કરી હતી એ પ્રમાણે આજથી મારી માતા દાસપણામાંથી મુક્ત થઈ જાય. કારણ કે તમે મને આ કામ સોંપેલું અને મેં તે પૂરું કર્યું છે.’

એટલે બધા સાપ ‘તથાસ્તુ’ કહીને સ્નાન કરવા ગયા. એ દરમિયાન ઇન્દ્ર આવીને અમૃત લઈને સ્વર્ગમાં ચાલ્યા ગયા.

પછી અમૃતપાનની ઇચ્છા ધરાવતા સાપ સ્નાન, જપ અને મંગલકાર્ય કરીને પ્રસન્ન મને જ્યાં કુશના આસન પર અમૃત મૂક્યું હતું ત્યાં આવ્યા. ત્યારે જાણ થઈ કે અમૃત કોઈ ચોરી ગયું છે. એટલે સાપોએ એમ વિચારી સંતોષ લીધો કે આપણા કપટી વ્યવહારનો જ આ બદલો છે. જ્યાં અમૃત મૂક્યું હતું ત્યાં કદાચ એનો થોડો અંશ રહી ગયો હોય એમ માનીને સાપોએ કુશ ચાટવા માંડ્યું. એમ કરવાથી એમની જીભના બે ટુકડા થઈ ગયા. ત્યારથી પવિત્ર અમૃતનો સ્પર્શ થવાથી કુશ ‘પવિત્ર’ તરીકે જાણીતા થયા. આ પ્રકારે મહાન ગરુડે દેવલોકમાંથી અમૃતનું હરણ કર્યું, સાપો સુધી પહોંચાડ્યું, સાથે સાથે સાપોને બે જીભાળા બનાવ્યા. ત્યાર પછી સુંદર પાંખવાળા ગરુડ અત્યન્ત પ્રસન્ન થઈને માતાની સાથે રહેવા લાગ્યા. અને એ વનમાં ઇચ્છાનુસાર ઘૂમવા લાગ્યા. સાપોનું ભોજન કરનારા, પક્ષીઓ દ્વારા સન્માનિત થયેલા પોતાની ઉજ્જ્વળ કીર્તિ પ્રસારતા ગરુડ મા વિનતાને આનંદ આપવા લાગ્યા.

જે મનુષ્ય આ કથાને શ્રેષ્ઠ બ્રાહ્મણોની ગોષ્ઠીમાં સદા વાંચશે, સાંભળશે તે પક્ષીરાજ ગરુડના ગુણગાન કરવાથી પુણ્યનો ભાગીદાર થઈ નિશ્ચિતપણે સ્વર્ગ જશે.

(આદિ પર્વ, ૧૮થી ૩૨)