ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/વૃત્રાસુર-દધીચિ અને કાલકેય રાક્ષસોની કથા
સતયુગમાં ઘોર, વીર કાલેય નામના રાક્ષસ થઈ ગયા. તે બધાએ વૃત્રાસુરને રાજા બનાવ્યો, અને પછી અનેક અસ્ત્ર-શસ્ત્ર લઈને તેઓ દેવતાઓ ઉપર ટૂટી પડ્યા. શરૂઆતમાં તો વૃત્રને મારવા દેવતાઓ મથ્યા પણ જ્યારે તેમ કરી ન શક્યા ત્યારે તેઓ ઇન્દ્રની આગેવાની હેઠળ બ્રહ્મા પાસે ગયા. પ્રણામ કરી રહેલા દેવતાઓને જોઈને બ્રહ્માને કહ્યું, ‘હે દેવતાઓ, તમે શા માટે આવ્યા છો તે મને ખબર છે. વૃત્રાસુરને મારવાનો ઉપાય તમને કહું છું. એક ઉદાર ઋષિ છે.તેમનું નામ દધીચિ. તમે બધા તેમની પાસે જઈને વરદાન માગો. એ ઋષિ તો ધર્માત્મા છે. તમને રાજી થઈને વરદાન આપશે. તમારે ઋષિને કહેવાનું — ત્રણે લોકના હિત માટે અમને તમારાં અસ્થિ આપો. એટલે તેઓ પોતાનો દેહ ત્યજી દેશે અને અસ્થિ આપશે, એ હાડકાંમાંથી તમે વજ્ર બનાવો. આ શસ્ત્રની છ ધાર હશે, એનો અવાજ ભયાનક હશે, આ વજ્રથી તમે વૃત્રાસુરને મારી શકશો. મેં તમને રસ્તો બતાવ્યો, હવે જાઓ, જલદી કામ કરો.’
બ્રહ્માની વાત સાંભળીને તેમણે નારાયણ ભગવાનને આગળ કર્યા અને તેઓ દધીચિ ઋષિના આશ્રમે પહોંચ્યા. સરસ્વતીના સામે કિનારે આશ્રમ. અનેક વૃક્ષો, લતાઓથી ઘેરાયેલા, કોયલનું કુંજન સંભળાયા કરે. સામગીત ગાનારાઓની જેમ ત્યાં ભમરા ગુંજ્યા કરે. પાડા, સૂવર, હરણ, ચમરી ગાય, વાઘ — જરાય ભય વિના ત્યાં ફરતા હતા. મદોન્મત્ત હાથી-હાથણીઓ તળાવમાં જળક્રીડા કરતા હતા. મોટે મોટેથી ગર્જના કરતા વાઘ-સિંહ હતા. ગુફાઓમાં જાતજાતનાં જંતુઓનો ગુંજારવ સંભળાતો હતો. એ આશ્રમ સુંદર, સમૃદ્ધ સ્વર્ગ જેવો જ હતો, ત્યાં દેવતાઓએ આવીને બ્રહ્મા-સૂર્ય જેવા તેજસ્વી દધીચ ઋષિને જોયા. દેવતાઓએ તેમને નમન કરીને બ્રહ્માએ કહ્યું હતું તે પ્રમાણે વરદાન આપ્યું.
દધીચ ઋષિએ રાજી થઈને દેવતાઓને કહ્યું, ‘તમારે માટે જે કંઈ હિતકારક હશે તે કરીશ. હું સ્વેચ્છાએ શરીરત્યાગ કરું છું.’ આમ કહીને દધીચ ઋષિએ પ્રાણત્યાગ કર્યો અને દેવતાઓએ તેમનાં અસ્થિ ભેગા કર્યાં. તેમણે તો હવે વિજય આપણો જ છે એમ માની લીધું. વિશ્વકર્માને અસ્થિ સોંપીને તેમાંથી વજ્ર બનાવવા કહ્યું. વિશ્વકર્માએ એમાંથી વજ્ર બનાવ્યું, અને ઇન્દ્રને કહ્યું, ‘આ શ્રેષ્ઠ વજ્ર વડે તમે આજે એ ભયાનક રાક્ષસનો વધ કરો. અને પછી સ્વજનો સાથે સ્વર્ગનું રાજ ભોગવો.’ વિશ્વકર્માની વાત સાંભળીને ઇન્દ્રે પ્રસન્ન થઈ વજ્ર હાથમાં લીધું.
પછી બળવાન દેવતાઓને આગળપાછળ રાખીને ઇન્દ્ર મસમોટી કાયાવાળા કાલકેય રાક્ષસોથી સુરક્ષિત રહેતા વૃત્ર સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા. પછી થોડી વાર માટે તો લોકોને ભયભીત કરનારું યુદ્ધ દેવ-દાનવ વચ્ચે થયું. પછી તો શત્રુઓના શરીર પર વીંઝાતી તલવારોનો અવાજ સંભળાયો, તલવારો બીજી તલવારો સાથે અથડાઈને પણ ઘોર અવાજ કરતી હતી. તાડ વૃક્ષ પરથી ખરી જતાં ફળની જેમ શત્રુઓનાં મસ્તક કપાઈને નીચે પડતાં હતાં. કાલકેય રાક્ષસો સોનાનાં કવચ પહેરીને દેવતાઓ સામે દવ લાગેલ ડુંગરો દોડતા હોય એવી રીતે ધસી ગયા. એક સાથે મળીને દોડી આવેલા રાક્ષસોની સામે દેવતાઓ ટકી ન શક્યા એટલે આમતેમ વિખરાઈ ગયા. તેઓને ભાગતા જોઈને અને વૃત્રને આગળ વધતો જોઈને ઇન્દ્ર પણ ડરી ગયા. વિષ્ણુ ભગવાને ઇન્દ્રને ભયભીત થયેલા જોઈ તેમનામાં પોતાનું તેજ સિંચ્યું. અને એને કારણે ઇન્દ્રની શક્તિ વધી ગઈ. ઇન્દ્રમાં વિષ્ણુનું તેજ ઉમેરાયેલું જોઈને બધા દેવોએ અને ઋષિઓએ પણ પોતાનું તેજ ઇન્દ્રમાં ઉમેર્યું; હવે આ બધાના તેજ વડે ઇન્દ્ર બહુ બળવાન થઈ ગયા. વૃત્રાસુરે જોયું કે ઇન્દ્ર બળવાન થઈને યુદ્ધ કરવા આવ્યો છે એટલે તે મોટેમોટેથી ગર્જના કરવા લાગ્યો, તેની ગર્જનાથી પૃથ્વી, દસે દિશાઓ, આકાશ, દ્યુલોક અને પર્વતો પણ ધૂ્રજવા લાગ્યા. એ ભયાનક અવાજ સાંભળીને ઇન્દ્રે વજ્ર તેના પર ફેંક્યું. શરીરે સુવર્ણમાળા પહેરીને ઊભેલા વૃત્ર પર વજ્રનો પ્રહાર થયો એટલે વૃત્ર નીચે પડી ગયો — ભૂતકાળમાં વિષ્ણુ ભગવાનના હાથમાં છટકીને પર્વતશ્રેષ્ઠ મંદરાચલ પડી ગયો હતો તેમ વૃત્ર પણ પડ્યો.
એ રાક્ષસનું મૃત્યુ થયું એટલે ઇન્દ્ર તો આકળવિકળ થઈને તળાવમાં પેસવા ગયા. ભયને કારણે ઇન્દ્રે પોતાના હાથમાંથી છૂટેલું વજ્ર ન જોયું, ન મરતા વૃત્રને જોયા. બધા દેવતાઓએ અને ઋષિઓએ આનંદમાં આવી જઈને ઇન્દ્રનો જયજયકાર કર્યો, બધા દેવતાઓએ ભેગા થઈને વૃત્રાસુરના મૃત્યુથી દુઃખી થયેલા બધા દાનવોનો વધ કર્યો.
દેવતાઓ દાનવોનો સંહાર કરી રહ્યા હતા તે જોઈને બીજા દાનવો ડરી જઈને સમુદ્રમાં ભરાઈ ગયા. માછલીઓ અને રત્નોથી ભરેલા સમુદ્રમાં પ્રવેશીને ત્રણે લોકનો વિનાશ કેવી રીતે થાય તેની ચર્ચા દાનવો ભેગા મળીને કરવા લાગ્યા. તેમાં કેટલાક તો બુદ્ધિશાળી દાનવો પણ હતા, તેમણે જાતજાતના ઉપાયો કહ્યા.
છેવટે પ્રારબ્ધે દોરવેલા દાનવોએ સર્વસંમતિથી નક્કી કર્યું કે જે ઋષિઓ વિદ્યાવાળા છે અને તપ કરે છે તેમની હત્યા સૌથી પહેલાં કરવી જોઈએ. બધા લોક તપ વડે જ ટકે છે, એટલે સૌથી પહેલાં તો આ તપનો નાશ કરીએ. આ પૃથ્વી પર જે તપસ્વી છે, ધર્મજ્ઞ છે એમનો જ નાશ સૌથી પહેલાં થવો જોઈએ, એ નહીં હોય તો જગતનો વિનાશ આપોઆપ થશે. આમ વરુણ દેવના નિવાસ એવા સમુદ્રમાં ભરાઈને દાનવો આખા જગતનો વિનાશ કરવાનો નિર્ધાર કરીને રાજી રાજી થઈ ગયા.
સમુદ્રમાં ભરાઈ બેઠેલા આ રાક્ષસો રાતે બહાર નીકળતા અને ઋષિમુનિઓના આશ્રમમાં જઈ તે મુનિઓને ખાઈ જતા હતા. આમ કરતાં કરતાં વસિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈ એકસો અઠયાસી ઋષિઓને અને નવ તપસ્વીઓને મારીને ખાધા. ચ્યવન મુનિના આશ્રમમાં જઈને કંદમૂળ ખાનારા સો મુનિઓને ખાઈ ગયા. ભરદ્વાજ મુનિના આશ્રમમાં જઈને બ્રહ્મચારી, વાયુ-જળ પર જીવનારા વીસ ઋષિઓને ખાઈ ગયા. આમ આ રાક્ષસો રાતે મુનિઓની હત્યા કરીને દિવસે સમુદ્રમાં પેસી જતા હતા. રાક્ષસો પોતાના પરાક્રમથી છકી જઈને રાતે જુદા જુદા આશ્રમોમાં વિઘ્નો ઊભા કરવા લાગ્યા. કાળવશ થયેલા આ કાલેય રાક્ષસોએ અનેક ઋષિઓની હત્યા કરી. આ મુનિઓને મારનારા દૈત્યોને કોઈ ઓળખાતું ન હતું. ઓછા ભોજનને કારણે દૂબળા પડી ગયેલા મુનિઓ સવારે ઊઠીને જોતા હતા કે કેટલાય તપસ્વીઓ પૃથ્વી પર મરેલા પડ્યા છે. તેમના શરીરોમાં માંસ, લોહી, મજ્જા, આંતરડાં ન રહે, માત્ર હાડકાં જ રહે, શંખોના ઢગલા પડ્યા ન હોય તેમ એમનાં હાડકાં ઠેરઠેર દેખાતાં હતાં. ભાંગેલાં કળશ, ટૂટી ગયેલા સુરવા ત્યાં પડી રહ્યા હતા. કાલેય રાક્ષસોની બીકને કારણે આખું જગત વેદપાઠ વિનાનું થઈ ગયું, યજ્ઞયાગાદિ બંધ થઈ ગયા, જગતમાં ઉત્સાહનું નામોનિશાન ન રહ્યું.
આવું થવાને કારણે પુરુષોની સંખ્યા ઘટવા લાગી, બધા બીકને કારણે દસે દિશાઓમાં ભાગવા લાગ્યા. કેટલાક ગુફાઓમાં પેસી ગયા, કેટલાક ઝરણાંમાં સંતાઈ ગયા, કેટલાકે તો આત્મહત્યા કરી લીધી. કેટલાકને પોતાની શક્તિનું અભિમાન હતું, તેઓ રાક્ષસોને શોધવા મથ્યા. પણ તેમને સમુદ્રવાસી રાક્ષસો ન મળ્યા, થાકીહારીને બેસી ગયા, ઘણા તો મૃત્યુ પામ્યા. આમ જગતમાં ભયભીત થયેલા એ દેવતાઓ નારાયણ પાસે ગયા. ‘હે ભગવાન, અમારું જગત તમે સર્જ્યું, બીજાં જગત પણ તમે સર્જ્યાં, તમે બધાનું પાલન કરો છો, બધાની રક્ષા કરો છો — જે ચર-અચર જગત છે તેનું સર્જન પણ તમે જ કર્યું છે. ભૂતકાળમાં જ્યારે પૃથ્વી ડૂબી ગઈ હતી ત્યારે તમે જ વરાહ રૂપ લઈને તેનો ઉદ્ધાર કર્યો હતો. નરસિંહનું રૂપ લઈને હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો. બલી નામના અસુરને કોઈ કરતાં કોઈ મારી શકતું ન હતું ત્યારે તમે વામન અવતાર લઈ તેની પાસેથી ત્રણે લોક છિનવી લીધા હતા, યજ્ઞોનો નાશ કરનાર જંભ નામના રાક્ષસને પણ તમે જ માર્યો હતો. તમારાં પરાક્રમોની તો શી વાત કરીએ? ગણી ન શકાય એટલાં બધાં પરાક્રમો છે. અમારા દેવતાઓનો ઉદ્ધાર તો તમે જ કરી શકો. અમે પ્રજાના કલ્યાણ માટે તમારી પાસે આવ્યા છીએ, હે ભગવાન, તમે દેવતાઓ, ઇન્દ્ર અને પ્રજાને આ ભયાનક આપત્તિમાંથી ઉગારો.
હે ભગવાન, દાન આપવાથી ચાર પ્રકારની પ્રજા વૃદ્ધિ પામે છે, તેઓ વૃદ્ધિ પામીને હવ્ય-કવ્યથી દેવતાઓની પૂજા કરે છે અને તેમની વૃદ્ધિ કરે છે. આ રીતે એકબીજાના આશ્રયે લોકો વૃદ્ધિ પામે છે, તમારી કૃપાથી અને તમે રક્ષા કરો છો એટલે બધા જીવ નિર્ભય થઈને સુખેથી જીવે છે. અત્યારે એક મોટો ભય ઊભો થયો છે, રાતે કોણ આવીને બ્રાહ્મણોની હત્યા કરે છે એની અમને જાણ નથી. બ્રાહ્મણોનો નાશ થવાથી પૃથ્વીનો નાશ થશે, પૃથ્વીનો નાશ થવાથી સ્વર્ગનો નાશ થશે, ભગવાન, તમારી દયા થાય તો જ બધા લોકો બચી શકશે. જો તમે હાથ ઝાલો તો કોઈનો નાશ ન થાય.’
વિષ્ણુ બોલ્યા, ‘દેવતાઓ, પ્રજાના નાશનું કારણ જાણું છું. તમને હું કહું છું, સાંભળો. કાલેય નામના રાક્ષસોની એક ટોળી છે, વૃત્રાસુરનો આશ્રય લઈને તેમણે આખા જગતને હેરાનપરેશાન કરી નાખ્યું છે. હજાર આંખોવાળા અને બુદ્ધિમાન ઇન્દ્રે વૃત્રાસુરને માર્યો એટલે પોતાનો જીવ બચાવવા સમુદ્રમાં પેસી ગયા છે. મગર અને બીજાં હિંસક પ્રાણીઓને કારણે ભયાનક એવા સમુદ્રમાંથી રાતે બહાર નીકળે છે અને ઋષિમુનિઓની હત્યા કરે છે. એમનો નાશ થઈ શકે એમ નથી કારણ કે તેઓ સમુદ્રમાં રહે છે, હવે તમે સમુદ્રને સૂકવી નાખવાનો ઉપાય વિચારો, અગસ્ત્ય તો કોણ સમુદ્રને સૂકવી શકે?’
વિષ્ણુએ આવી વાત કરી એટલે બ્રહ્માની આજ્ઞા લઈને બધા દેવ અગસ્ત્ય ઋષિના આશ્રમે આવ્યા. જેવી રીતે દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માને પૂજે તેવી રીતે ઋષિઓ અગસ્ત્યની પૂજા કરતા હતા. દેવતાઓ મિત્રાવરુણના પુત્ર અગસ્ત્યને જોઈને રાજી થયા, તેમની સ્તુુતિ કરીને કહેવા લાગ્યા, ‘નહુષને કારણે જગત દુઃખી દુઃખી થઈ ગયું હતું ત્યારે લોકહિત માટે તમે જ તેને સ્વર્ગમાંથી નીચે પાડ્યો હતો. વિંધ્યાચળ સૂર્ય ઉપર ક્રોધે ભરાઈને ઊંચો ને ઊંચો વધવા લાગ્યો હતો ત્યારે તમારી આજ્ઞાથી તે વધતો અટકી ગયો. બી ગયેલા દેવતાઓની તમે જ શરણાગતિ છો, અમે દુઃખી થઈને તમારી પાસે વરદાન માગવા આવ્યા છીએ.’
અગસ્ત્ય ઋષિએ દેવતાઓને પૂછ્યું, ‘તમે મારી પાસે શા માટે આવ્યા છો? મારી પાસેથી કયું વરદાન માગો છો?’
દેવતાઓએ પછી ઋષિને કહ્યું, ‘અમારી ઇચ્છા છે કે તમે સમુદ્રપાન કરો, તમે આટલું કરશો તો અમે કાલેય રાક્ષસોને તેમના પરિવાર સાથે મારી શકીશું.’
અગત્સ્ય ઋષિએ લોકહિત માટે આ કાર્ય કરવાની હા પાડી. આમ કહી અગસ્ત્ય ઋષિ દેવતાઓ તથા ઋષિઓને લઈને સરિતાપતિ સમુદ્ર પાસે ગયા. એમની પાછળ પાછળ આ અદ્ભુત દૃશ્ય જોવા માનવીઓ, નાગલોકો, ગંધર્વો, યક્ષ-કિન્નરો ત્યાં ગયા. બધા એકઠા થઈને ગાજી રહેલા સમુદ્રકાંઠે પહોંચ્યા. ત્યાં તરંગો હતા, પવન વાતો હતો. અગસ્ત્યની સાથે સાથે દેવતાઓ, ગંધર્વો, ઋષિઓ પણ કાંઠે પહોંચ્યા.
અગસ્ત્ય ઋષિ ત્યાં આવેલા સૌ કોઈને કહેવા લાગ્યા, ‘હું બધા લોકોના હિત માટે આ સમુદ્ર પી જઈશ. પછી તમારે જે કરવું હોય તે કરજો.’ પછી બધાના દેખતાં સમુદ્રપાન કર્યું. આ જોઈને બધા નવાઈ પામીને અગસ્ત્યની પૂજા કરવા લાગ્યા.
‘તમે અમારા રક્ષક છો. તમે અમને ધારણ કરો છો, તમે બધાના પ્રભુ છો, તમારી કૃપાથી જ આ જગતનો નાશ નથી થતો.’
આમ દેવતાઓએ પૂજા કરી, ગાંધર્વોએ વાજંત્રિ વગાડ્યાં, દિવ્ય પુષ્પોની વર્ષા કરી, મુનિએ સમુદ્રને ખાલી કરી નાખ્યો. સમુદ્ર ખાલી થઈ ગયો એટલે દેવતાઓ પ્રસન્ન થઈને ઉત્તમ અસ્ત્રશસ્ત્ર લઈને ટૂટી પડ્યા, હવે રાક્ષસો તો મરવા લાગ્યા. સ્વર્ગના બળવાન દેવતાઓના હુમલા દાનવો ખાળી ન શક્યા. છતાં એક મુહૂર્ત સુધી ભયાનક યુદ્ધ દાનવોએ કર્યું. દાનવો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તે બધા પાતાળમાં પહોંચી ગયા.
દાનવોને મૃત્યુ પામેલા જોઈ દેવતાઓએ કહ્યું, ‘તમારી કૃપાથી જ અમે સુખી થયા, તમારા તેજથી જ કાલેય રાક્ષસો નાશ પામ્યા. હવે તમે જે પાણી પી ગયા છો તે પાછું કાઢીને સમુદ્રને છલકાવી દો.’
‘એ પાણી તો પચી ગયું. સમુદ્ર ભરવાનો બીજો કોઈ ઉપાય વિચારો.’
આ સાંભળીને દેવતાઓ દુઃખી થયા, નિરાશ થયા. પછી બધા લોકો પોતપોતાને સ્થાને ગયા. દેવતાઓ બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માએ તેમને કહ્યું, ‘તમે હવે વિખરાઈ જાઓ. પોતાના સ્વજનોના ઉદ્ધાર માટેના ભગીરથના પુરુષાર્થથી આ સમુદ્ર છલકાઈ જશે.’
(આરણ્યક પર્વ, ૯૮થી ૧૦૩)