ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/અંબોપાખ્યાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અંબોપાખ્યાન

(મહાભારતયુદ્ધ ભીષ્મ શિખંડી સાથે લડવા માગતા નથી ત્યારે દુર્યોધનને એ આખી કથા માંડીને ભીષ્મ કહે છે.)

મારા પિતા શંતનુ કાળધર્મ પામીને સ્વર્ગે સિધાવ્યા. મારી પ્રતિજ્ઞા પાળીને મેં મારા ભાઈ ચિત્રાંગદને રાજગાદી સોંપી. તેનું મૃત્યુ થયું એટલે સત્યવતીની સંમતિથી વિચિત્રવીર્યને રાજા બનાવ્યો. તે ઉમરમાં નાનો હતો, વિધિ અનુસાર મેં તેને રાજા બનાવ્યો એટલે તે હમેશા મારી આગળપાછળ જ રહેતો હતો. તેનું લગ્ન કરવું જોઈએ એમ મને લાગ્યું એટલે તેને યોગ્ય કન્યા શોધવાનું મેં નક્કી કર્યું. ત્યારે મારા કાને વાત આવી કે કાશીરાજને ત્યાં અંબા, અંબિકા અને અંબાલિકા — એમ ત્રણ કન્યાઓનો સ્વયંવર થવાનો છે. આ નિમિત્તે પૃથ્વી પરના બધા રાજાઓને બોલાવ્યા હતા. આ કન્યાઓમાં સૌથી મોટી અંબા, વચલી અંબિકા અને સૌથી નાની અંબાલિકા હતી. હું એક જ રથમાં બેસીને કાશીરાજને ત્યાં ગયો અને અલંકારોથી શૌભતી કન્યાઓને જોઈને કાશીરાજે બોલાવેલા રાજાઓને જોયા. યુદ્ધ કરવા માટે એકઠા થયેલા એ રાજાઓને પડકારી ત્રણે કન્યાઓને રથમાં બેસાડી. પરાક્રમ કરીને જ આ કન્યાઓને મેળવી શકાય એમ જાણીને ત્રણે કન્યાઓને રથમાં બેસાડીને રાજાઓને વારંવાર કહ્યું, ‘જુઓ શંતનુનંદન ભીષ્મ આ કન્યાઓનું અપહરણ કરી જાય છે. તમે પૂરેપૂરી તાકાતથી — આ કન્યાઓને છોડાવો. તમારી આંખો સામે હું આમનું હરણ કરી જઉં છું.’

એટલે બધા રાજા પોતાનાં અસ્ત્રશસ્ત્ર લઈને સામે આવ્યા, અસ્ત્રશસ્ત્ર લઈને તે રાજાઓ રથ, હાથી, ઘોડા પર બેસીને લડવા આવી પહોંચ્યા, તે બધાએ મને ચારે બાજુથી ઘેરી લીધો. મેં પણ તેમના પર બાણોની ઝડીઓ વરસાવી, ઇન્દ્ર જેવી રીતે દાનવોને પરાજિત કરે તેવી રીતે મેં એકલાએ બધા રાજાઓને જીતી લીધા. મારા ઉપર આક્રમણ કરનારા બધા રાજાઓની સુવર્ણજડતરવાળી ધ્વજાઓને એક જ બાણથી ભોંયભેગી કરી નાખી. મેં હસતાં હસતાં મારાં તીખાં બાણો વડે તેમના અશ્વ, હાથી, સારથિઓને મારી નાખ્યા. આવી રીતે અસ્ત્રશસ્ત્ર વડે આક્રમણ કર્યંુ એટલે બધા રાજા હારીને ભાગી ગયા. એમના પર વિજય મેળવીને હું હસ્તિનાપુર આવી ગયો. વિચિત્રવીર્ય માટે એ ત્રણે કન્યાઓ સત્યવતીને સોંપી દીધી અને કહ્યું,‘હું બધા રાજાઓને જીતીને વિચિત્રવીર્ય માટે કાશીરાજની આ કન્યાઓને લઈને આવ્યો છું.’ આંખોમાં આંસુ આણી સત્યવતીએ આનંદપૂર્વક મને અભિનંદન આપ્યા.

પછી સત્યવતીની સંમતિથી જ્યારે વિવાહનો સમય આવ્યો ત્યારે કાશીરાજની સૌથી મોટી કન્યા અંબાએ મને સંકોચપૂર્વક કહ્યું, ‘તમે તો બધાં શસ્ત્રો જાણનારા ધર્માત્મા છો. મારી ધર્મપૂર્ણ વાત સાંભળીને તમારે એનું પાલન કરવું જોઈએ. મેં પહેલેથી શાલ્વપતિને મનોમન પસંદ કરી લીધા છે. તેમણે પણ પિતાને કશું જણાવ્યા વગર મારો સ્વીકાર કર્યો છે. તમે શ્રેષ્ઠ કૌરવવંશમાં જન્મ્યા છો, ધર્મજ્ઞ છો, તો બીજાને વરવા માગતી એક સ્ત્રીને તમારા ઘરમાં કેવી રીતે રાખી શકો? હવે બુદ્ધિપૂર્વક વિચાર કરીને જે યોગ્ય લાગે તે કરો. તે શાલ્વરાજ મારી રાહ જોતા હશે. મારા પર કૃપા કરો. મેં સાંભળ્યું છે કે તમે પૃથ્વી પર સત્યરક્ષા કરનારા તરીકે જાણીતા છો. આ સાંભળીને મેં સત્યવતી, મંત્રી, બ્રાહ્મણ, પુરોહિતો. આ બધાને જાણ કરી અને તેમની સંમતિથી અંબાને શાલ્વરાજને ત્યાં જવાની આજ્ઞા આપી. તે પણ વૃદ્ધ બ્રાહ્મણો અને ધાત્રીઓ સાથે શાલ્વરાજને ત્યાં ચાલી ગઈ. ત્યાં જઈને તે કન્યાએ રાજાને કહ્યું, ‘હું તમારા માટે અહીં આવી છું.’

શાલ્વરાજે હસતાં હસતાં તેને કહ્યું, ‘તું પહેલેથી બીજાની થઈ ચૂકી છે એટલે હવે હું તને પત્ની બનાવવા માગતો નથી. તું ફરી ભીષ્મ પાસે જતી રહે. તેઓ તને બળપૂર્વક હરી ગયા હતા, હવે હું તારી સાથે લગ્ન કરવા માગતો નથી. જ્યારે યુદ્ધ કરીને ભીષ્મ તને બળજબરી કરીને લઈ ગયા હતા ત્યારે તું બહુ રાજી હતી. એટલે તું પહેલેથી જ બીજાની થઈ ચૂકી હતી. એટલે હવે હું તને પત્ની તરીકે સ્વીકારી શકતો નથી. હું શાસ્ત્ર, ધર્મ જાણું છું, બીજાઓને ધર્મપાલન માટે ઉપદેશ આપું છું. હવે મારા જેવો રાજા બીજાએ મેળવેલી સ્ત્રીને ઘરમાં કેવી રીતે રાખી શકું? હવે તારી ઇચ્છા હોય ત્યાં જા. આ સમય વીતી ન જાય.’

અમ્બા કામપીડિત થઈને કહેવા લાગી, ‘આવું ન કહો. તમે જે કહો છો તે કોઈ રીતે સાચું નથી. ભીષ્મ મને લઈ ગયા ત્યારે આનંદિત ન હતી. ભીષ્મે જ્યારે મારું અપહરણ કર્યું હતું ત્યારે હું પ્રસન્ન ન હતી ત્યારે તો હું રડતી હતી. નિરપરાધી એવી મને સ્વીકારો, ભક્તોને ત્યજી દેવાની વાત ધર્મમાં પ્રશંસનીય નથી ગણાતી. અને હું ગંગાનંદન ભીષ્મની આજ્ઞા લઈને જ અહીં આવી છું. મેં સાંભળ્યું છે કે ભીષ્મ મને વરવા માગતા ન હતા, તેમણે તો તેમના ભાઈને કારણે જ આ અપહરણ કર્યું હતું. ભીષ્મે મારી બીજી બે બહેનો અંબિકા અને અંબાલિકા સાથે વિત્રિત્રવીર્યનું લગ્ન કરાવી આપ્યું છે. હું તમારા સિવાય બીજા કોઈની ઇચ્છા કરતી નથી, હું સોગંદપૂર્વક કહું છું. હું કોઈ બીજાની થઈને તમારી પાસે આવી નથી. મારી જાતના સોગંદ ખાઈને આ કહી રહી છું. હું બીજા કોઈની ઇચ્છા કરતી નથી, તમારી જ કૃપા ઇચ્છું છું, તમે આ કન્યાને સ્વીકારો.

કાશીરાજની કન્યાએ આટલું બધું કહ્યા પછી પણ શાલ્વરાજે જૂની કાંચળી ઉતારી નાખતા સાપની જેમ તેને ત્યજી દીધી. કન્યાએ ઘણી ઘણી પ્રાર્થનાઓ કરી તો પણ શાલ્વરાજે તેના પર વિશ્વાસ ન કર્યો.

ત્યારે કાશીરાજની મોટી પુત્રી અંબાએ ક્રોધે ભરાઈને આંખમાં આંસુ આણીને બોલી, ‘તમે મને તરછોડી દીધી છે, હવે જ્યાં જ્યાં જઉં ત્યાં ત્યાં સજ્જનો મારી રક્ષા કરે, મેં જે કહ્યું છે તે બધું સત્ય જ છે.’

આવી વાણી સંભળાવી, કરુણ સ્વરે રુદન કરનારી કન્યાને નિર્દય શાલ્વરાજે ત્યજી દીધી. તે વારંવાર કહેવા લાગ્યો, ‘આમ દીર્ઘદૃષ્ટિ વિનાના ભીષ્મે કર્યું છે; મને ભીષ્મની બીક લાગે છે.’ આમ દીર્ઘદૃષ્ટિ વિનાના શાલ્વરાજે તેને કહ્યું એટલે લાચાર ટીટોડીની જેમ રુદન કરતી અંબા ત્યાંથી ચાલી નીકળી. તે કન્યા નગર બહાર નીકળીને વિચારવા લાગી. પૃથ્વી પર મારા જેવી હતભાગી કન્યા કોઈ નથી. હું બંધુજનોથી તો ત્યજાયેલી છું જ, શાલ્વે પણ મને ત્યજી દીધી. હવે હસ્તિનાપુર જવાની હિંમત થતી નથી. શાલ્વરાજ માટે તો ભીષ્મની સંમતિ લઈને હું નીકળી હતી. હવે આત્મનિંદા કરું, એ દુષ્ટ ભીષ્મનો તિરસ્કાર કરું કે મારો સ્વયંવર કરનાર મૂઢ પિતાની નિંદા કરું? મારો જ વાંક છે, એ દારુણ યુદ્ધ વખતે જ ભીષ્મના રથમાંથી ઊતરીને શાલ્વરાજના રથમાં કેમ બેસી ન ગઈ? એ જ બુદ્ધિહીનતાનું આ પરિણામ છે. ભીષ્મને ધિક્કારું છું, મંદબુદ્ધિ પિતાને પણ ધિક્કારું છું. પરાક્રમનું મૂલ્ય લગાવીને વેશ્યાની જેમ મારું હરણ થવા દીધું. મને ધિક્કાર છે, શાલ્વરાજને પણ ધિક્કાર, વિધાતાને પણ ધિક્કાર. એની ખોટી નીતિને કારણે જ મારા પર આ આફત આવી. મનુષ્ય પોતાના ભાગ્ય પ્રમાણે ફળ ભોગવે છે એ બરાબર, પણ આ બધી આપત્તિના મૂળમાં તો ભીષ્મ જ છે. એમની સામે વેર લેવું છે — એ તપ વડે લઉં કે પછી યુદ્ધ વડે લઉં. મારાં બધાં દુઃખોનું કારણ એ જ છે. પણ યુદ્ધમાં કયો રાજા ભીષ્મને જીતી શકે?’

આમ ચિંતા કરતી અંબા ધર્મજ્ઞ ઋષિઓના આશ્રમમાં જઈ પહોંચી. ત્યાં બધાથી વીંટળાઈને રાત્રિ વીતાવી. પછી અંબાએ અપહરણની વાત, શાલ્વરાજાએ ત્યજી દીધાની વાત બધાને કરી. ત્યાં એક તપોવૃદ્ધ, શાસ્ત્રઆરણ્યકોનો જાણકાર શૈખાવત્ય નામના મહાવિદ્વાન બ્રાહ્મણ હતા. તેઓ લાચારી, દુઃખ અને શોકથી ત્રસ્ત થઈ નિ:શ્વાસ નાખીને બોલ્યા, ‘આ પરિસ્થિતિમાં તપસ્વી ઋષિઓ તો શું કરી શકે?’

પણ અંબાએ તેમને કહ્યું, ‘મારા પર કૃપા કરો. હું હવે સંન્યાસ લેવા માગું છું. ભલે કઠોર હશે તો પણ તપ કરીશ. મેં પૂર્વજન્મમાં થોડાં પાપ કર્યાં હશે એટલે અત્યારે એનાં ફળ ભોગવી રહી છું. એમાં તો કશી શંકા નથી, શાલ્વરાજે મારો ત્યાગ કર્યો છે એટલે મારા ભાઈઓ પાસે જવા માગતી નથી. હવે હું તપસ્યાકર્મના ઉપદેશ સાંભળવા માગું છું. તમે દેવતાઓ જેવા છો, મારા પર કૃપા કરો.’

ત્યારે તે મુનિએ એને ઘણી બધી દૃષ્ટાંતકથાઓ કહી, એને ધીરજ બંધાવી આપી અને બ્રાહ્મણોની સાથે મળીને તેનું કાર્ય કરી આપવાની પ્રતિજ્ઞા લીધી.

પછી બધા ઋષિમુનિઓ હવે આ વિશે શું કરી શકાય તેનો વિચાર કરવા લાગ્યા. કોઈએ કહ્યું, ‘આ કન્યાને તેના પિતાને ત્યાં મોકલી દેવી જોઈએ. કેટલાક બ્રાહ્મણોએ મારી નિંદા કરી. કેટલાકે શાલ્વરાજ પાસે જઈને તેને સોંપી દેવી એમ કહ્યું, તો કોઈએ કહ્યું, શાલ્વે તો તેને તરછોડી કાઢી છે એટલે હવે એવું કેવી રીતે થાય?

આમ અંદર અંદર વાત કરીને તેઓએ કન્યાને કહ્યું,‘આવી હાલતમાં તપસ્વીઓ શું કરી શકે? તું સંન્યાસની વાત ન કર. તું અમારી વાત સાંભળ. તું તારા પિતાને ત્યાં જતી રહે. જે કંઈ કરવા જેવું હશે તે તારા પિતા કરશે. તું ત્યાં નિરાંતે રહી શકીશ. ન્યાય પ્રમાણે તારા પિતા સિવાય કોઈ શ્રેષ્ઠ રક્ષક નથી. સ્ત્રી માટે તો પતિ કે પિતા-સમય અનુકૂળ હોય ત્યારે પતિ રક્ષક અને કાળ પ્રતિકૂળ હોય ત્યારે પિતા રક્ષક. તું છે રાજપુત્રી, તેમાંય પાછી સુકુમાર એટલે તારા માટે તપસ્યા દુઃખદ પુરવાર થશે. વળી આશ્રમમાં વસવાટ કરવાની જે કંઈ અડચણો હોય તે પિયરમાં નથી હોતી.

બીજા કેટલાકે કહ્યું, ‘આ નિર્જન, ભયંકર વનમાં તને એકલી જોઈને રાજાઓ તને પત્ની બનાવવા માગશે, એટલે તું અહીં રહેવાની ઇચ્છા જ ન કરતી.’

અંબાએ એ સાંભળી કહ્યું, ‘હું મારા પિતાને ત્યાં પાછી જઈ શકવાની નથી. જો જઉં તો ત્યાં બાંધવજનોની વચ્ચે અપમાનિત થઈને જ રહેવાનું આવે. નાનપણમાં મેં પિતાને ત્યાં વર્ષો ગાળ્યાં હતાં, પરંતુ અત્યારે હું તેમને ત્યાં નહીં જઉં. હું અત્યારે તો તપસ્વીઓથી રક્ષાઈને તપ જ કરવા માગું છું. પરલોકમાં પણ આવી દુર્ભાગી પરિસ્થિતિ ઊભી ન થાય, મારા સુખનો નાશ ન થાય એટલા માટે હું તપ જ કરીશ.’

તે બધા બ્રાહ્મણો આ પ્રકારનો વિચાર કરી રહ્યા હતા ત્યારે રાજષિર્ હોત્રવાહન ત્યાં આવી ચઢ્યા. બધાએ તેમનું સ્વાગત કરી વિધિપૂર્વક આસન, અદર્ય વગેરે આપ્યાં. તેઓ આરામ કરી બેઠા ત્યારે તપસ્વીઓ તેમની આગળ તે કન્યા સાથે વાતો કરવા લાગ્યા. અંબા અને કાશીરાજની બધી ઘટના સાંભળીને અંબાની માતાના પિતા હોત્રવાહન કાંપતા કાંપતા તે કન્યાને ખોળામાં લઈને તેને આશ્વાસન આપવા લાગ્યા. અંબા પાસેથી આખી વાત જાણી અને અંબાએ તેમને વિગતવાર બધી વાત કહી. ત્યારે દુઃખી અને શોકગ્રસ્ત રાજર્ષિએ મનોમન કશું કરવાનો નિર્ધાર કર્યો. તેમણે અંબાને કહ્યું, ‘તું પિતાને ત્યાં ન જતી. હું તારી માતાનો પિતા છું. હું મારું દુઃખ દૂર કરીશ. તું મારી સાથે રહે. તું જે રીતે સુકાઈ રહી છે તે પરથી લાગે છે કે તું અંદરથી બહુ બહુ દુઃખી છે. મારી વાત માનીને તું પરશુરામ પાસે જા. તેઓ તારું દુઃખ દૂર કરશે. ભીષ્મ જો તેમની વાત નહીં માને તો યુદ્ધ કરીને ભીષ્મનો તે વધ કરશે. એટલે તું પ્રલયકાળના અગ્નિ જેવા પરશુરામ પાસે જા. તે તને સન્માર્ગે લઈ જશે.’

ત્યારે વારેવારે રડતી કકળતી તે હોત્રવાહનને પ્રણામ કરીને બોલી, ‘હું તમારી આજ્ઞા માથે ચડાવીને જઈશ, પણ તે લોકખ્યાત ભાર્ગવને ક્યાં શોધવા? તેઓ મારું આ ભયાનક દુઃખ કેવી રીતે દૂર કરશે? તમે મને એ બધી વાત કરો, પછી હું ત્યાં જઈશ.’

‘સત્યવ્રતી, જમદિગ્નપુત્ર પરશુરામ આકરું તપ કરતા બેઠા હશે. વેદના જાણકાર ઋષિ, ગંધર્વ, અપ્સરાઓ હમેશાં તેમની સેવા કરે છે. તંુ ત્યાં જઈને તપોરત ભાર્ગવઋષિને પ્રણામ કરી મારી વાત કહેજે, પછી મારી ઇચ્છા કહેજે. મારું નામ લઈશ એટલે તે તારું કામ ચોક્કસ કરશે. બધા શસ્ત્રધારીઓમાં જે શ્રેષ્ઠ છે, તેઓ મારા મિત્ર છે, સુહૃદ છે.’

હોત્રવાહન આ વાત કરી જ રહ્યા હતા ત્યારે પરશુરામના પ્રિય સેવક અકૃતવર્ણ ત્યાં આવી ચઢયા. એટલે ત્યાંના સેંકડો મુનિઓ અને વયોવૃદ્ધ રાજા હોત્રવાહન પણ ઊભા થઈ ગયા. બધાએ એમના ખબરઅંતર પૂછીને એમની આસપાસ બેસી ગયા. ત્યાર પછી તેઓ પ્રસન્ન ચિત્તે ઘણી બધી દિવ્ય કથાઓ કહેવા લાગ્યા. એ કથાઓ પૂરી થયા પછી હોત્રવાહને મહર્ષિશ્રેષ્ઠ પરશુરામના સમાચાર પૂછયા, ‘અત્યારે પ્રતાપી પરશુરામ ક્યાં મળી શકે?’

અકૃતવર્ણે કહ્યું, ‘રાજષિર્ હોત્રવાહન મારા પ્રિય મિત્ર છે એમ કહીને પરશુરામ હમેશાં તમને યાદ કરે છે. હું માનું છું ત્યાં સુધી તમને મળવા કાલે સવારે તેઓ અહીં આવશે, એટલે તમને મળશે. આ કન્યા શા માટે વનમાં આવી છે? તમારે શી સગાઈ થાય છે? આ વાત જાણવાની મને બહુ ઇચ્છા છે.’

‘આ મારી દૌહિત્રી, કાશીરાજની મોટી પુત્રી તેની નાની બે બહેનો સાથે સ્વયંવરમાં જોડાઈ હતી. તેનું નામ છે અંબા, બહેનોનાં નામ છે અંબિકા અને અંબાલિકા. બધા ક્ષત્રિય રાજાઓ આ કન્યાઓ મેળવવા કાશીરાજને ત્યાં એકઠા થયા હતા. ત્યાં બહુ મોટો ઉત્સવ થયો હતો. તે વખતે મહા શક્તિશાળી ભીષ્મે બધા રાજાઓને પરાજિત કરીને આ કન્યાઓનું હરણ કર્યું. બધા રાજાઓને ભોંયભેગા કરી ભીષ્મ હસ્તિનાપુરમાં આવ્યા. સત્યવતીને બધી વાત કહી પોતાના ભાઈ વિચિત્રવીર્ય સાથે તેમનાં લગ્ન ગોઠવ્યાં. વિચિત્રવીર્યને લગ્ન નિમિત્તે ત્યાં જોઈને તથા માંગલિક સૂત્રબંધનથી સજાવેલા જોઈ આ કન્યાએ મંત્રીઓના દેખતાં ભીષ્મને કહ્યું, ‘મેં તો મનોમન શાલ્વરાજને પતિ તરીકે પસંદ કરી લીધા છે. એટલે તમારા ભાઈ સાથે મારું લગ્ન તમારા માટે અયોગ્ય ગણાય. ભીષ્મે સત્યવતીની આજ્ઞા લઈ, મંત્રીઓ સાથે મંત્રણા કરી એ કન્યાને જવા દીધી. ભીષ્મની આજ્ઞા લઈ આ કન્યા પ્રસન્નચિત્તે શાલ્વરાજ પાસે જઈ પહોંચી અને બોલી, ‘મેં મનોમન તમને જ પતિ તરીકે પસંદ કરી લીધા છે, ભીષ્મે મને સ્વતંત્ર કરી છે. પરંતુ શાલ્વરાજે આના ચારિત્ર્ય પ્રત્યે શંકા આણીને તેનો અસ્વીકાર કર્યો. એટલે તપ કરવાની ઇચ્છાથી તે અહીં આવી ચડી છે. મેં પણ કુટુંબનું નામ લીધું ત્યારે જ ઓળખી. પોતાની બધી આપત્તિઓના મૂળમાં તે ભીષ્મને જુએ છે.’

અંબાએ કહ્યું, ‘આ રાજા જે કંઈ કહે છે તે સત્ય છે. હોત્રવાહન મારી માતાના પિતા છે. હું લાજી મરીને તથા અપમાન થાય એ બીકે પિતાને ઘેર જવા માગતી નથી. મારી ઇચ્છા છે કે ભગવાન પરશુરામ મને જે કહેશે તે હું કરીશ.’

અકૃતવર્ણે કહ્યું, ‘બે જણે તને દુઃખ પહોંચાડ્યું, ભીષ્મે અને શાલ્વે. આ બેમાંથી તું કોની સાથે બદલો લેવા માગે છે તે મને કહે. જો શાલ્વ સાથે તું જો વિવાહ કરવા ઇચ્છતી હો તો પરશુરામ તારું હિત જોઈ તેની સાથે તારું લગ્ન કરાવી આપશે. હવે જો તું ભીષ્મને પરશુરામના હાથે હરાવવા માગતી એ પણ થઈ શકશે. મેં તારી વાત અને હોત્રવાહનની વાત સાંભળી. હવે પરશુરામે શું કરવાનું તે તું સારી રીતે વિચારી લે.’

અંબા બોલી, ‘ભીષ્મે તો કશું જાણ્યા વિના જ મારું હરણ કર્યું હતું. હું શાલ્વરાજને ચાહતી હતી એ વાત ભીષ્મ જાણતા ન હતા. તમે સારી રીતે આ બધું વિચારીને જે કંઈ યોગ્ય લાગે તે કરો. ભીષ્મ અને શાલ્વરાજ — આ બંને વિશે વિચારી તમે નક્કી કરો. મેં તો મારા દુઃખનું પૂરું કારણ તમને કહી સંભળાવ્યું છે. યુક્તિપૂર્વક જે કરવું વાજબી જણાય તે કરો.’

અકૃતવર્ણે કહ્યું, ‘તેં ધર્મની વાત ચીંધીને જે કહ્યું તે બરાબર. હવે આ વિશે મારે જે કહેવું છે તે તમે સાંભળો. જો ગાંગેય તને હસ્તિનાપુર લઈ ગયા ન હોત તો શાલ્વ પરશુરામની આજ્ઞાથી તને સ્વીકારત. પણ ભીષ્મે બધા રાજાઓને જીતીને તારું હરણ કર્યું છે એટલે તારા પર શાલ્વરાજને શંકા થઈ. ભીષ્મ પોતાના પરાક્રમ માટે અભિમાની છે, કાશી નગરીના વિજેતા છે એટલે ભીષ્મનો પ્રતિકાર કરવો તારા માટે યોગ્ય છે.’

આ સાંભળી અંબાએ કહ્યું, ‘મારા મનમાં પણ એવું જ છે. કોઈ પણ રીતે યુદ્ધમાં ભીષ્મનો વધ કરાવું. જેને કારણે મારા પર આ દુઃખ આવી પડ્યું છે તે શાલ્વ હોય કે ભીષ્મ હોય — તમારી દૃષ્ટિએ જે અપરાધી હોય તેને શિક્ષા કરો.’

આ બધી વાતોમાં તેમનો એ આખો દિવસ વીતી ગયો; સુખદ, શીતળ પવન વાયો એટલે રાત પણ વીતી ગઈ. બીજે દિવસે જટાધારી પરશુરામ શિષ્યોથી વીંટળાઈને ત્યાં આવી ચઢ્યા. ખભે કુહાડી અને હાથમાં તલવાર, બધા તપસ્વીઓ અને હોત્રવાહન રાજા, કન્યા હાથ જોડીને ઊભા રહી ગયા. સ્વસ્થ ચિત્તે મધુપર્ક વડે તેમની પૂજા કરી, યથોચિત રીતે પૂજા થયા પછી પરશુરામ બધાની સાથે આસન પર બેઠા.

બધા ઋષિઓ ભેગા થઈને જૂની કથાઓ કહેવા લાગ્યા. એ બધું પૂરું થયું એટલે હોત્રવાહને ભૃગુનંદન પરશુરામ સાથે વાત માંડી, ‘આ કન્યા કાશીરાજની પુત્રી અને મારી દૌહિત્રી છે. તેને એક કામ પડ્યું છે. તે જરા સાંભળો.’

‘બોલ, તારે શું કામ આવી પડ્યું છે. ’

પછી અમ્બા પ્રજ્વલિત અગ્નિ જેવા પરશુરામ પાસે ગઈ અને પોતાના કમળ જેવા હાથ વડે તેમના ચરણોનો સ્પર્શ કર્યો અને ત્યાં ઊભી રહી ગઈ. શોકમગ્ન અને દુઃખી અંબા આંખોમાં આંસુ આણતી શરણાગતની રક્ષા કરનારા પરશુરામ પાસે ગઈ.

‘તું જેવી રીતે હોત્રવાહનની વહાલી છે તેવી જ રીતે મારી પણ. તારા મનમાં જે હોય તે તું મને કહે. હું એ પ્રમાણે તારું કાર્ય કરી આપીશ.’

‘હે ભગવન્, આજે હું તમારા શરણે આવી છું. મહા ઘોર શોક રૂપી કાદવમાંથી મને બહાર કાઢો.’

પરશુરામ તેના રૂપ, યૌવન, શરીર અને અતિ કોમળતા જોઈ ચિંતા કરવા લાગ્યા, આ શું કહેશે? એમ વિચારી તેઓ લાંબા સમય સુધી ધ્યાન ધરીને બેઠા. ‘તારે જે કંઈ કાંઈ કરાવવું હોય તે મને કહે.’ એવું પરશુરામે કહ્યું. એટલે અંબાએ વિગતે પોતાની કથા કહી સંભળાવી. આ બધી વાત સાંભળીને અંબાને પરશુરામ કહેવા લાગ્યા, ‘હું ભીષ્મ પાસે મારો સંદેશ મોકલીશ. તેઓ મારી વાત ઉથાપશે નહીં. જો તે નહીં માને તો મારા શસ્ત્રો વડે યુદ્ધમાં તેના બાંધવો, અનુયાયીઓ — બધાને ભસ્મ કરી દઈશ. જો તેમની હત્યા તને કઠતી હોય તો શાલ્વરાજને તારા લગ્ન માટે કહીશ.’

અંબાએ કહ્યું, ‘શાલ્વરાજના વિષયમાં તો મારી વાત સાંભળીને ભીષ્મે મને મુક્ત કરી દીધી હતી. મેં શાલ્વરાજની પાસે જઈને બધી વાત કરી હતી પણ તેમણે મારા ચારિત્ર્ય પર શંકા કરીને મારો અસ્વીકાર કર્યો. હવે આ વિશે તમે પૂરો વિચાર કરીને જે કરવું યોગ્ય લાગે તે કરો. ભીષ્મ જ મારી આપત્તિના મૂળમાં છે. તેમણે જ બળજબરીથી મારું હરણ કર્યું હતું. જેને કારણે હું અત્યંત અપ્રિય દુઃખ ભોગવી રહી છું. તે તો ભીષ્મ જ છે, તમે એમનો જ વિનાશ યુદ્ધમાં કરો. ભીષ્મ અત્યંત દુઃખી છે, વિજય મેળવ્યો તેનું અભિમાન છે, કાશીનગરીમાં વિજેતા છે, એની હત્યા કરીને જ તમે બદલો લો. જે વખતે ભીષ્મે મારું અપહરણ કર્યું તે જ વખતે મારા મનમાં વિચાર આવ્યો હતો કે હું કોઈક રીતે આ મહાવ્રતી ભીષ્મની હત્યા કરાવું. હે રામ, આજે મારી આ ઇચ્છા પાર પાડો. ઈન્દ્રે જેવી રીતે વૃત્રાસુરનો વધ કર્યો હતો એવી રીતે તમે ભીષ્મનો વધ કરો.’

‘ભીષ્મનો વધ કરો’ એમ વારંવાર તેને બોલતી સાંભળીને રડતી અંબાને પરશુરામે કહ્યું.

‘બ્રાહ્મણોનાં કાર્યો સિદ્ધ કરવાનાં હોય તો જ હું શસ્ત્ર ધારણ કરું છું. એટલે શસ્ત્રની વાત પડતી મૂકીને તારું કયું કાર્ય કરું તે તું મને કહે. ભીષ્મ અને શાલ્વ બંને મારા કહેવાથી તરત જ મારી વાત માની લેશે. તું દુઃખી ના થઈશ, હું તારું કાર્ય અવશ્ય કરીશ. પણ બ્રાહ્મણોની આજ્ઞા વિના હું હાથમાં શસ્ત્ર નહીં લઉં. મેં પહેલેથી આવી પ્રતિજ્ઞા કરી છે.’

અંબાએ કહ્યું, ‘જે કોઈ પણ રીતે મને આ દુઃખમાંથી છોડાવો. આ આપત્તિ ભીષ્મને કારણે જ ઊભી થઈ છે એટલે તમે ભીષ્મનો નાશ કરો.’

‘તું જો કહીશ તો તારા માટે પૂજનીય ગણાય એવા ભીષ્મ હું કહીશ એટલે તારા બંને પગમાં માથું મૂકશે.’

‘હે રામ, જો તમે મારું પ્રિય કાર્ય કરવા માગતા હો તો યુદ્ધમાં તેનો વધ કરો. તમે કરેલી પ્રતિજ્ઞાને સાચી પાડી બતાવો.’

પરશુરામ અને અંબા વચ્ચે જ્યારે આ વાતચીત ચાલી રહી હતી ત્યારે અકૃતવર્ણે પરશુરામને કહ્યું, ‘શરણાગતા કન્યાને તરછોડતા નહીં. તમે અસુરની જેમ ગરજતા ભીષ્મને યુદ્ધમાં હણી નાખો. કાં તો ભીષ્મ તમારા બોલાવ્યાથી આવીને કહે કે હું હારી ગયો છું, કાં તો તે તમારી આજ્ઞાનું પાલન કરે.’ તો પણ આ કન્યાનું કાર્ય પૂરું થઈ જશે. તમારું વચન પણ સત્ય બનશે. બધા ક્ષત્રિયોને જીતીને તમે બ્રાહ્મણોની સામે પ્રતિજ્ઞા કરી જ હતી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર — જે કોઈ બ્રાહ્મણોનો દ્રોહી બનશે તેનો હું યુદ્ધમાં નાશ કરીશ. ભયભીત થઈને શરણે આવેલા તથા જીવનદાન માગનારાઓને જીવતાં સુધી ત્યજી નહીં દઉં. જે પુરુષ સામે આવેલા સંપૂર્ણ ક્ષત્રિય કુળનો યુદ્ધમાં વિનાશ કરશે તે અભિમાનીનો વધ હું કરીશ. આ કુરુવંશી ભીષ્મ પણ આ જ રીતે વિજયી થયા છે, એટલે રણભૂમિમાં આવી ચડેલા ભીષ્મ સાથે યુદ્ધ કરો.’

આ સાંભળી પરશુરામે કહ્યું, ‘ભૂતકાળમાં લીધેલી પ્રતિજ્ઞા હું યાદ કરું છું તો પણ જો આ કાર્ય શાંતિથી થઈ શકતું હોય તો સૌથી પહેલાં હું શાંતિનો આશ્રય લઈશ. કાશીરાજની કન્યાની અભિલાષા તો બહુ મોટી છે પણ તે પાર પાડવી રહી. એટલે આ કન્યાને લઈને હું જાતે ભીષ્મ પાસે જઈશ. જો તે મારી વાત નહીં માને તો અભિમાની ક્ષત્રિયને યુદ્ધમાં મારી નાખીશ. મારા બાણ વડે ઘવાયેલા મનુષ્યો જીવી શકતા એ વાત તો પહેલા જ ક્ષત્રિયોના યુદ્ધથી તમને જણાઈ ગયેલું ને!’

પરશુરામ આમ બોલીને તે બધાની સાથે જવાનો સંકલ્પ કરીને ઊભા થયા. પછી તપસ્વીઓ એ રાત ત્યાં વીતાવી, સવારે હોમ જપ અને નિત્યકર્મ કરીને મારો વધ કરવાની ઇચ્છાથી ત્યાંથી તે ચાલી નીકળ્યા. પછી પરશુરામ બ્રાહ્મણોને અને તે કન્યાને લઈને કુરુક્ષેત્ર ગયા. ત્યાં પહોંચીને પરશુરામને આગળ કરીને બધા તપસ્વીઓએ સરસ્વતી નદીના કાંઠે વિરામ કર્યો. પછી તેજસ્વી પરશુરામે ત્રીજે દિવસે મને સંદેશો મોકલ્યો કે હું આવી ગયો છું. એ મહાતપસ્વી પરશુરામને રાજ્યમાં આવેલા સાંભળીને હું પ્રસન્ન ચિત્તે તરત જ ત્યાં ગયો. બ્રહ્મચારીઓ, ઋત્વિજો, પુરોહિતો, બ્રાહ્મણો અને એક ગાય લઈને ત્યાં પહોંચ્યો. મને ત્યાં આવેલો જોઈ મારી પૂજા સ્વીકારીને તે બોલ્યા, ‘તમે કામરહિત હોવા છતાં શા પ્રયોજનથી કાશીરાજની કન્યાના સ્વયંવર વખતે તેનું હરણ કર્યું હતું? અને શા કારણે તેને ત્યજી દીધી? તમે એને ત્યજી દીધી એટલે આ તપસ્વિની પોતાના ધર્મથી ભ્રષ્ટ થઈ રહી છે. તમે એનો સ્પર્શ કર્યો, હવે કયો પુરુષ એને સ્વીકારે? તમે હરણ કર્યું એટલે શાલ્વે તેને સ્વીકારવાની ના પાડી. હવે મારી આજ્ઞાથી તમે આને સ્વીકારો. આ રાજપુત્રી પોતાના ધર્મનો લાભ મેળવે. રાજાઓનું આવું અપમાન કરવું તમને શોભે નહીં.’

પરશુરામને અપ્રસન્ન જોઈને મેં તેમને કહ્યું, ‘હું હવે કોઈ રીતે મારા ભાઈને આ કન્યા સોંપી નહીં શકું. તેણે જ મને કહ્યું હતું — હું શાલ્વની થઈ ગઈ છું. મારી સંમતિથી તે શાલ્વ પાસે ગઈ હતી. હવે ભય, દયા, લોભ, ધનની કોઈ ઇચ્છાથી હું મારો ક્ષાત્રધર્મ ત્યજી નહીં શકું, મારું વ્રત પહેલેથી છે.’

એટલે પરશુરામ રાતી આંખ કરીને મને કહ્યું, ‘જો તમે મારી વાત નહીં માનો તો હું તમને તમારા મંત્રીઓ સમેત મારી નાખીશ.’ તેઓ વારંવાર મને આમ કહેવા લાગ્યા. મેં બહુ વિનયપૂર્વક તેમને પ્રાર્થના કરી પણ તેઓ શાંત ન થયા. ફરી મેં તેમને પ્રણામ કરીને પૂછ્યું, ‘તમે મારી સાથે શા માટે યુદ્ધ કરવા માગો છો? બાલ્યાવસ્થામાં તમે જ મને ચાર પ્રકારની ધનુવિર્દ્યા શીખવાડી હતી, હું તમારો જ શિષ્ય છું.’

પરશુરામ ફરી રાતી આંખ કરીને બોલ્યા, ‘તમે મને ગુરુ માનો છો, અને મારે ખાતર પણ આ કન્યાને સ્વીકારતા નથી. આ સિવાય કોઈ રીતે તમને શાંતિ નહીં મળે. એટલે આ કન્યા સ્વીકારો અને કુળની રક્ષા કરો. તમે એનું હરણ કર્યું એટલે તે ભ્રષ્ટ થઈ ગઈ, હવે તેને કોઈ પતિ મળી શકતો નથી.’

શત્રુઓનાં નગરોને જીતનારા પરશુરામની આ વાત સાંભળીને મેં ફરી કહ્યું, ‘હે બ્રહ્મર્ષિ, શા માટે વૃથા શ્રમ કરો છો? આ વાત કોઈ રીતે બને નહીં. તમે મારા ગુરુ છો એટલે જ વિનયપૂર્વક કહું છું. આ કન્યાને મેં પહેલેથી જ ત્યજી દીધી છે. સ્ત્રીઓના મહાઅનર્થકારી દોષોને જાણનાર કયો પુરુષ સાપણની જેમ બીજામાં આસક્ત થયેલી સ્ત્રીને પોતાના ઘરમાં રાખી શકે? હું ઇન્દ્રના ભયથી પણ ધર્મ ત્યજી શકતો નથી. તમે મારા પર પ્રસન્ન થાઓ કે ન થાઓ, તમને જે યોગ્ય લાગે તે કરો. પુરાણમાં મહાત્મા મરુતે કહેલો શ્લોક કાને પડ્યો છે. કાર્ય-અકાર્યને ન જાણનાર, ખોટા માર્ગે ચાલનાર, અભિમાની ગુરુનો પણ દંડ કરવો જોઈએ. તમે મારા ગુરુ છો, એટલે જ પ્રેમવશ થઈને વારેવારે હું તમારું માન સાચવતો રહ્યો છું. પણ હવે ગુુરુના ધર્મને જાણતા નથી. એટલે હવે હું તમારી સાથે યુદ્ધ કરીશ. ગુરુને,ખાસ કરીને બ્રાહ્મણને, તેમાંય તપસ્વીને યુદ્ધમાં ન મરાય, આમ વિચારીને જ મેં તમને ક્ષમા કર્યા. પરંતુ ધર્મશાસ્ત્ર કહે છે, શસ્ત્ર ધારણ કરેલા અને યુદ્ધમાં રોકાયેલા બ્રાહ્મણને પણ ક્ષત્રિયની જેમ જે મારે છે તેને બ્રહ્મહત્યાનું પાપ ન લાગે. હું ક્ષત્રિય ધર્મનું પાલન કરનારો ક્ષત્રિય છું. જે તમારી સાથે જેવું આચરણ કરે એવું જ આચરણ તેની સાથે કરવામાં કોઈ પાપ નથી. ધર્મ અને અર્થ બાબતે કોઈનો કશો સંશય પડે તો અર્થને બાજુએ રાખીને ધર્મનું પાલન કરવું જોઈએ. સંશય કરવા યોગ્ય અર્થમાં પણ તમે નિરર્થક અને અન્યાયપૂર્વક વર્તી રહ્યા છો. હવે હું તમારી સાથે યુદ્ધ કરીશ, મારા બાહુબળ અને અલૌકિક પરાક્રમ તમે પણ જુઓ. આવી અવસ્થામાં પણ હું જે કરી શકીશ તે કરીશ. કુરુક્ષેત્રમાં યુદ્ધ કરીશ. દ્વન્દ્વયુદ્ધ નિમિત્તે ઇચ્છાનુસાર તૈયાર થઈ જાઓ. આ યુદ્ધમાં સેંકડો બાણોથી ઘવાઈને તમે મૃત્યુ પામશો, શસ્ત્રો વડે પવિત્ર થઈને પરલોકમાં જશો. એટલે યુદ્ધપ્રેમી રામ, તમે જાઓ અને કુરુક્ષેત્રમાં પાછા આવો. ત્યાં હું યુદ્ધ કરવા આવી પહોંચીશ. હું તમારા જૂના અભિમાનને દૂર કરીશ. મેં એકલાએ જ આ આખી પૃથ્વીના ક્ષત્રિયોને જીત્યા છે એવું અભિમાન બધી સભાઓમાં તમે કર્યા કરો છો તેનું કારણ સાંભળો ત્યારે. તે સમયે ભીષ્મ કે ભીષ્મ જેવા કોઈ ક્ષત્રિય ન હતા. નહીંતર તમારું અભિમાન દૂર થાત. શત્રુઓના દેશને જીતનારો ભીષ્મ હવે આ ધરતી પર છે. રામ યુદ્ધમાં તમારા આ અભિમાનને ચૂર ચૂર કરી નાખીશ.’

આ સાંભળી પરશુરામે પણ હસતાં હસતાં કહ્યું, ‘તમારી નિયતિમાં મારી સાથે યુદ્ધની ઇચ્છા છે જ. હવે હું તમારી સાથે કુરુક્ષેત્ર આવું છું. તમે પણ ત્યાં જઈ પહોંચો. ત્યાં તમારી માતા ગંગા સેંકડો બાણોથી તમને વીંધાયેલા તથા ગીધ, કાગડા, શિયાળ તમને મારી ખાતાં ભલે જુએ. તમારા જેવા મૂર્ખ, યુદ્ધપિપાસુ પુત્રને જન્મ આપનાર ભાગીરથી પણ હું તમને મોતને ઘાટ ઉતારીશ એટલે રુદન કરશે. તો ભીષ્મ, મારી સાથે ચાલો. રથ વગેરે જે લેવું હોય તે લઈ લો. આજે જ આપણે યુદ્ધ કરીશું.’

એટલે મેં પણ પરશુરામ આગળ મસ્તક ઝુકાવી કહ્યું, ‘ભલે.’

અને પછી પરશુરામ આવી વાતો કરીને યુદ્ધની ઇચ્છાથી કુરુક્ષેત્ર ગયા અને મેં નગરમાં જઈને સત્યવતીને બધી વાત કરી. માતાના આશીર્વાદ લઈને બ્રાહ્મણો પાસે વિધિ કરાવ્યો. ઉત્તમ અસ્ત્રશસ્ત્ર તૈયાર કર્યાં, વ્યાઘ્રચર્મથી શોભતા પાંડુ વર્ણા ઘોડા તૈયાર કરાવ્યા, ચાંદીનો રથ તૈયાર હતો. બધા સાધનો લઈને શ્રેષ્ઠ સારથિઓ તૈયાર કર્યા. તેઓ અશ્વવિદ્યાના જાણકાર હતા, તેમણે ઘણાં યુદ્ધ જોયાં હતાં. હું પણ માથા પર શ્વેત રંગનું છત્ર ધારણ કરીને કુરુક્ષેત્ર ગયો. શ્વેત વસ્ત્ર, શ્વેત ફેંટો, શ્વેત ચામરો, શ્વેત અલંકારો — આ બધું ધારણ કરીને આશીર્વાદ સાંભળતો સાંભળતો હસ્તિનાપુરથી નીકળી મેં કુરુક્ષેત્રનો માર્ગ પકડ્યો. કુશળ સારથિઓ મનોવેગી, વાયુવેગી ઉત્તમ અશ્વો ચલાવતા હતા એટલે બહુ જલદી અમે યુદ્ધભૂમિ પર પહોંચી ગયા. હું પરશુરામની સામે હાથમાં શંખ લઈને ઊભો રહી ગયો, અમે બંને એકબીજા ઉપર આક્રમણ કરવા તત્પર હતા. પછી મેં શંખ ફૂંક્યો. તે વખતે બ્રાહ્મણો, તપસ્વીઓ, વનવાસીઓ, દેવતાઓ, ઋષિઓ એ દિવ્ય યુદ્ધ જોવા ભેગા થયા. ચારે બાજુ દિવ્ય માળાઓ, દિવ્ય વાજિંત્રો, અને મેઘ નજરે પડ્યા. પરશુરામના અનુયાયીઓ પણ રણભૂમિ પર હતા. પછી બધાં પ્રાણીઓની હિતચિંતક ગંગાદેવી પણ આવ્યાં, ‘તું આ શું કરવા માગે છે? પરશુરામ પાસે જઈને વારે વારે કહીશ, તમે તમારા શિષ્ય સામે યુદ્ધ ન કરો. તું ક્ષત્રિય થઈને બ્રાહ્મણ પરશુરામ સાથે યુદ્ધ ન કર. તું શા માટે એમની સાથે યુદ્ધ કરવા માગે છે?’ એટલે મેં મારી માતાને પ્રણામ કરીને સ્વયંવરવાળી વાત વિગતે કહી સંભળાવી. મેં પરશુરામને પહેલાં પ્રસન્ન કર્યા હતા તે, કાશીરાજકન્યા અંબાની ઇચ્છા — આ બધું મેં કહી સંભળાવ્યુ. પછી મારી માતાએ પરશુરામ પાસે જઈને કહ્યું, ‘તમે તમારા શિષ્ય પરશુરામ સાથે યુદ્ધ ન કરો.’ અને એવી એવી વિનંતીઓ કરવા લાગી. ત્યારે તેમણે મારી માતાને કહ્યું, ‘તમે ભીષ્મને અટકાવો. તે મારી વાત માનતો નથી, એટલે જ યુદ્ધ કરવાનો છું.’ ગંગા પુત્રપ્રેમને વશ થઈને ફરી ભીષ્મને વિનંતી કરી પરંતુ ક્રોધથી રાતી આંખોવાળા ભીષ્મે માતાની વાત ન માની. પછી પરશુરામે યુદ્ધ માટે ભીષ્મને પડકાર્યા.

એટલે મેં હસતાં હસતાં કહ્યું, ‘હું રથમાં બેસીને જમીન પર ઊભેલા સાથે યુદ્ધ કરતો નથી.’

પરશુરામે હસીને કહ્યું, ‘પૃથ્વી મારો રથ અને વેદ ઉત્તમ અશ્વ જેવા વાહન છે. વાયુ મારો સારથિ, ગાયત્રી-સાવિત્રી-સરસ્વતી મારાં કવચ, આ બધાં વડે જ હું રક્ષાયેલો છું અને એ રીતે તમારી સાથે યુદ્ધ કરીશ.’ એમ કહીને મોટાં મોટાં બાણ વડે મને ઘેરી લીધો. પછી મેં પરશુરામને દિવ્ય રથ પર બેઠેલા જોયા, તેમની પાસે બધાં અસ્ત્રશસ્ત્ર હતાં. મન વડે નિર્માયેલા, વિશાળ નગર જેવા, દિવ્ય અશ્વોવાળા, સુવર્ણજડિત, ચંદ્ર-સૂરજનાં ચિહ્નોથી અંકિત ધજાવાળા રથને જોયો. આ રથમાં પરશુરામના મિત્ર અકૃતવર્ણ, પરશુરામના સારથિ હતા. ભાર્ગવ પણ ‘આવો, આવો’ મારો મનને આનંદિત કરી પડકારતા રહ્યા. મહા તેજસ્વી સૂર્ય જેવા, અપરાજિત, મહાશક્તિશાળી, ક્ષત્રિય ઉચ્છેદક તથા એકલા ઊભેલા પરશુરામ સામે હું એકલો હતો. તેમણે ત્રણ બાણ ચલાવ્યા, એટલે મેં ઘોડા રોક્યા, ધનુષ નીચે મૂકી તે ઋષિવર્યની વંદના કરવા ગયો, વિધિપૂર્વક પ્રણામ કરીને મેં કહ્યું, ‘પરશુરામ, તમે મારા જેવા હો, મારાથી ચઢિયાતા હો તો પણ હું યુદ્ધ કરીશ. તમે મારા ગુરુ છો, ધર્માત્મા છો, એટલે મને જયના આશીર્વાદ આપો.’ મારા કુશળ સારથિએ પોતાના, અશ્વોના અને મારા શરીરના બધા શલ્ય કાઢી નાખ્યા. સૂર્ય ઊગ્યો એટલે સારથિ નાહીધોઈ તૈયાર થયો, ઘોડાઓને પાણી પીવડાવ્યું એટલે તે તાજામાજા થઈ ગયા. ઘોડાને રથમાં જોડીને મને રણભૂમિમાં તે લઈ આવ્યો અને પછી ફરી યુદ્ધ શરૂ થયું. પ્રતાપી પરશુરામે મને કવચ સાથે રથમાં બેઠેલા જોઈ તરત જ તૈયારી કરી. યુદ્ધોત્સુક પરશુરામને જોઈ મેં ધનુષ બાજુ પર મૂક્યું અને તરત જ રથમાંથી ઉતરીને પહેલાંની જેમ તેમને પ્રણામ કરીને તેમની સામે નિર્ભય થઈને ઊભો રહી ગયો. પછી તેમણે બાણવર્ષા કરીને મને ઢાંકી દીધો, મેં પણ એવી જ રીતે તેમને બાણોથી ઢાંકી દીધા. પછી ક્રોધે ભરાઈને પરશુરામે મારા ઉપર સળગતા મોંવાળા સાપ જેવાં બાણ ચલાવ્યાં. મેં સેંકડો, હજારો બાણોથી તેમનાં બાણોને અધવચ્ચેથી જ તોડી પાડવાના પ્રયત્ન કર્યા. પછી અમે બંનેએ એક બીજા ઉપર દિવ્ય અસ્ત્રોનો મારો ચલાવ્યો. તેમના કરતાં મારી શ્રેષ્ઠતા પુરવાર કરવા તેમનાં અસ્ત્રોને મારાં અસ્ત્રોથી વાયવ્ય અસ્ત્રનું નિવારણ પરશુરામે ગુહ્યક અસ્ત્ર વડે કર્યું. મેં મંત્રેલું આગ્નેય અસ્ત્ર ઉગામ્યું તો પરશુરામે વારુણાસ્ત્ર વડે તેનો સંહાર કર્યો. આમ અમે બંનેએ એકબીજાનાં દિવ્ય અસ્ત્રોનું નિવારણ કર્યું. પછી પરશુરામે ક્રોધે ભરાઈને મારી છાતીમાં પ્રહાર કર્યો. એને કારણે હું બેસુધ થઈને રથમાં ઢળી પડ્યો. મારી આવી હાલત જોઈને તથા પરશુરામનાં બાણોથી વીંધાઈને મારો સારથિ ગાયની જેમ હાલત જોઈને આરડતો રથ લઈને ભાગ્યો. પછી અકૃતવર્ણ અને બીજા અનુયાયીઓ તથા અંબા ભાર્ગવના બાણથી સખત રીતે મને ઘવાયેલો જોઈ, રણમાંથી પીછેહઠ કરતો જોઈ આનંદથી બૂમો પાડવા લાગ્યા. એટલામાં મને ભાન આવ્યું, મેં સારથિને કહ્યું, ‘હવે મારી પીડા ઓછી થઈ છે, સ્વસ્થ થયો છું એટલે જ્યાં પરશુરામ છે ત્યાં મને લઈ જા.’ એટલે મારો સારથિ મારો રથ લઈને આગળ ચાલ્યો, વાયુ જેવી ગતિવાળા ઘોડા પણ મને ઉતાવળે ત્યાં લઈ ગયા- પરશુરામે ત્રણ બાણોથી મારાં બધાં બાણ કાપી નાખ્યાં. આ રીતે તેમનાં બાણોથી મારાં સેંકડો બાણોના ટુકડા થઈ ગયા. પછી ગુરુનો વધ કરવાની ઇચ્છાથી કાલદંડ જેવું ખૂબ જ પ્રકાશિત શસ્ત્ર ઉગામ્યું. તે બાણથી મોટા પાયા પર તેઓ વીંધાઈને અચાનક મૂચ્છિર્ત થઈ ગયા અને ધરતી પર ઢળી પડ્યા. સૂર્ય પતિત થાય અને આખા જગતમાં હાહાકાર મચી જાય તેવી રીતે પરશુરામને ઢળેલા જોઈ બધા ચીસરાણ કરવા લાગ્યા. બધા તપસ્વીઓ અને કાશીરાજકન્યા વ્યાકુળ થઈને પરશુરામ પાસે ધસી ગયા. તેમને વળગીને, પરશુરામ ઊભા થઈ ગયા, અને ધનુષ પર બાણ ચઢાવીને વિહ્વળ થઈ મને કહેવા લાગ્યા ‘ઊભો રહે, હવે તું મારા હાથે મરી જ ગયો સમજી લે.’

તે બાણ સનનન કરતું મારી છાતીની ડાબી બાજુએ વાગ્યું. પવનના મારથી જેવી રીતે વૃક્ષ ઊખડી જાય તેમ હું આકુળવ્યાકુળ થઈ ગયો. પછી પરશુરામે મારા બધા ઘોડાને મારી નાખ્યા અને બાણો વડે મને ઢાંકી દીધો. મેં પણ તેમનાં શસ્ત્રોના નિવારણ માટે શસ્ત્ર ઉગામ્યું. અમારા બંનેનાં બાણોથી આખું આકાશ ચારે બાજુથી ઢંકાઈ ગયું. એને કારણે સૂરજ દેખાતો બંધ થયો, જેવી રીતે વાદળ ઊંડે ઊંડેથી ગાજે એવી રીતે પવન રુંધાઈને અવાજ કરવા લાગ્યો. વાયુ, સામસામે ટકરાતાં બાણ અને સૂરજનાં કિરણો — આ બધાંને કારણે આગ પ્રગટી. બધાં બાણ અગ્નિથી સળગીને ભસ્મ થઈ ધરતી પર પડી ગયાં. પછી પરશુરામે સેંકડો હજારો, લાખો બાણો મારા પર વરસાવ્યાં. મેં પણ એ બધાં બાણ મારાં બાણ વડે કાપી નાખ્યાં. આમ ઘોર યુદ્ધ ચાલી રહ્યું હતું અને સંધ્યાકાળ થયો એટલે મારા ગુરુ નિવૃત્ત થયા.

ફરી બીજે દિવસે અમારું યુદ્ધ શરૂ કર્યું. અમે એકબીજા પર બાણ વર્ષા કરી, શક્તિઓ ચલાવી અને એ શક્તિઓ પણ કપાઈ ગઈ. દિવ્ય શસ્ત્ર-અસ્ત્ર પ્રયોજાયાં. બંને વીર ઘવાયા...

...પરશુરામનાં બાણોથી ઘવાયેલો મારો સારથિ ધરતી પર પડી ગયો અને થોડી વારમાં જ મૃત્યુ પામ્યો. હું ગભરાઈ ગયો. અસ્વસ્થ ચિત્તે પરશુરામ પર બાણવર્ષા કરવા લાગ્યો. સારથિ ન હોવાને કારણે શું કરવું તેનો વિચાર કરી રહ્યો હતો તો પણ પરશુરામે બાણ ચલાવી મને વીંધ્યો. મારી છાતીમાં એ ભયંકર બાણ વાગ્યું એટલે હું ધરતી પર પડી ગયો. હું મૃત્યુ પામ્યો એમ માની પરશુરામ મોટે મોટેથી ગરજવા લાગ્યા. પોતાના અનુયાયીઓની સાથે મળીને હર્ષોદ્ગાર કરવા લાગ્યા. જેઓ મારી નજીક હતા અને યુદ્ધ જોવા આવ્યા હતા તેઓ આમ મને ઢળી પડેલો જોઈ દુઃખી દુઃખી થઈ ગયા. મેં રથમાંથી નીચે પડીને સૂર્ય-અગ્નિ જેવા તેજસ્વી આઠ બ્રાહ્મણો જોયા, તેઓએ મને ઝીલી લીધો હતો એટલે હું જમીન પર પડી ગયો. તેમણે મને અધ્ધર જ ઝાલી રાખ્યો હતો અને મારા પર પાણીનો છંટકાવ થયો. ‘ડરશો નહીં, તમારું કલ્યાણ થશે’ એમ તેઓ વારંવાર કહેતા રહ્યા. તેમની વાતથી સ્વસ્થ થઈ હું ઊભો થયો એન નદીઓમાં શ્રેષ્ઠ એવી મારી માતા ગંગાને રથમાં બેઠેલી જોઈ. મારી માતાએ ઘોડાની લગામ ઝાલી રાખી હતી. પછી હું માતાની અને આષ્ટિર્ષેણ ઋષિને પ્રણામ કરી રથમાં બેઠો. મારી માતા રથ, ઘોડા અને બીજી સામગ્રીથી મારી રક્ષા કરતી હતી પણ મેં તેમને હાથ જોડીને વિદાય કર્યાં. વાયુવેગી તે ઘોડા ચલાવીને મેં સાંજ સુધી યુદ્ધ કર્યું. એક તીક્ષ્ણ બાણ વડે પરશુરામને મૂચ્છિર્ત કર્યા અને ધનુષ પડતું મૂકી ઘૂંટણભેર નીચે બેસી ગયા.

કેટલાય સુવર્ણનું દાન કરનારા મહાતેજસ્વી પરશુરામ આમ નીચે બેસી ગયા એટલે આકાશમાંથી લોહી વરસવા લાગ્યું. સેંકડો ઉલ્કાપાત થવા લાગ્યા, સૂર્યને અચાનક રાહુએ ગળી ગયો. જોરશોરથી પવન વાવા લાગ્યો. પૃથ્વી ધૂ્રજવા લાગી. ગીધ, કાગડા, બગલા જેવા માંસભક્ષી પક્ષી આજુબાજુ ઊડવા લાગ્યા. બધી દિશાઓ પ્રજ્વળી ઊઠી. શિયાળો લાળી પાડવા લાગ્યા, એમ ને એમ જ નગારાં વાગવા લાગ્યાં. પરશુરામ બેસુધ બનીને ધરતી પર ઢળી પડ્યા એટલે ઉત્પાતનાં ચિહ્નો વરતાવા લાગ્યા. સૂર્ય ધૂળથી, ઝાંખા થઈ અસ્તાચળે પહોંચી ગયા અને શીતળ પવનવાળી રાત્રિ આવી પહોંચી. અમે યુદ્ધ બંધ કર્યું: આમ તેવીસ દિવસ યુદ્ધ ચાલ્યું.

રાત્રે બ્રાહ્મણ, પિતૃઓ, દેવતા, નિશાચરોને મેં મસ્તક નમાવી પ્રણામ કર્યા. એકાંત સ્થળે પથારીમાં આડા પડીને મનોમન ચિંતા કરવા લાગ્યો. આજે ઘણા દિવસોથી પરશુરામ સાથે ઘેર સંગ્રામ ચાલે છે પણ હું તે મહાવીરને પરાજિત કરી શક્યો નથી. જો તેમને હરાવવાનું સામર્થ્ય મારામાં હોય તો દેવતાઓ પ્રસન્ન થઈને રાત્રે મને દર્શન આપશે. હું ઘવાઈને જમણા પડખે સૂતો હતો ત્યારે જે બ્રાહ્મણોએ મને ઝીલી રાખ્યો હતો તેમણે મને સ્વપ્નમાં દર્શન આપ્યા, અને કહ્યું,

‘ગાંગેય, ઊઠો, તમને કોઈ જાતનો ભય નથી. અમે તમારી રક્ષા કરીશું, તમે અમારી જ કાયા છો. જમદગ્નિપુત્ર કોઈ રીતે તમને યુદ્ધમાં હરાવી નહીં શકે. તમે જ તેમને હરાવશો. વિશ્વકર્માએ સર્જેલું પ્રસ્વાપ નામનું ઉત્તમ અસ્ત્ર છે, તેને પરશુરામ કે બીજું કોઈ પણ જાણતું નથી, એ અસ્ત્ર તમે પૂર્વજન્મમાં જાણતા હતા એટલે યુદ્ધકાળે તેનું જ્ઞાન તમને થઈ જશે. તમે એ અસ્ત્રનું સ્તર કરી દૃઢતાથી ચલાવજો. એનાથી પરશુરામનું મૃત્યુ નહીં થાય. તમને બ્રહ્મહત્યાનું પાપ નહીં લાગે. તમારા બાણથી ઘવાઈને તેઓ માત્ર સૂઈ રહેશે. આમ તમે એમને હરાવી શકશો. સવારે જાગીને રથમાં બેસીને તમે આમ જ કરજો. સૂવું કે મરવું — અમારે માટે સરખા છે. પરશુરામનું મૃત્યુ નહીં થાય. એટલે હવે આ અસ્ત્ર ધનુષ પર ચઢાવો. આમ કહી એ તેજસ્વી, એકસરખા દેખાતા આઠે બ્રાહ્મણ અંતર્ધાન થઈ ગયા.

રાત્રિ પૂરી થઈ એટલે હું જાગી ગયો. સ્વાનને યાદ કરી હું રાજી થયો. પછી અમારું ભયાનક યુદ્ધ શરૂ થયું. અમે બંનેએ એકબીજા ઉપર બાણવર્ષા કરી, એકબીજાનાં બાણોનું નિવારણ કર્યું. પરશુરામે ઇન્દ્રના વજ્ર જેવી કઠોર, યમદંડ જેવી, અગ્નિ જેવી પ્રજ્વળતી, બધી ચીજવસ્તુઓને ભસ્મ કરતી એક શક્તિ મારા ઉપર ફંગોળી, અને તે તરત જ મારા ખભામાં વાગી. ગેરુ વહેવડાવતા પર્વતની જેમ મારા શરીરમાંથી લોહી વહેવા માંડ્યું. એટલે મેં એક બાણ ચલાવીને પરશુરામના મસ્તકને વીંધ્યું. પછી તેમણે પણ ક્રોધે ભરાઈને એક બાણ વડે મને વીંધી નાખ્યો અને હું ધરતી પર ઢળી પડ્યો. પછી ભાનમાં આવીને પરશુરામ ઉપર વજ્ર જેવી શક્તિ ઉગામી. તે પરશુરામની છાતીને વીંધી ગઈ, તેઓ કાંપવા લાગ્યા. તેમના પ્રિય તપસ્વી બ્રાહ્મણ અકૃતવ્રણ તેમને શુભ વચનો કહી આશ્વાસન આપવા લાગ્યા. પછી પરશુરામે બ્રહ્માસ્ત્ર ઉગામ્યું, મેં પણ એ જ અસ્ત્ર ઉગામ્યું. એ બંને અમને સ્પર્શ્યા વિના જ આકાશમાં ભળી ગયા. બંને એકબીજા સાથે અથડાયાં એટલે આકાશમાં ચારે બાજુ આગ પ્રસરી ગઈ, બધા જીવ દુઃખી દુઃખી થઈ ગયા. ઋષિઓ, ગંધર્વો, દેવતાઓ ત્રાસી ઊઠયા. પર્વત, વન, વૃક્ષો સમેત પૃથ્વી કાંપવા લાગી, પ્રાણીઓ દુઃખી થઈને શોક કરવા લાગ્યા. આકાશ સળગી ઊઠ્યું, બધી દિશાઓમાં ધુમાડા ધુમાડા થઈ ગયા, આકાશમાં ઊડતાં પંખી પણ આકાશમાં રહી ન શક્યાં. દેવ, અસુર, રાક્ષસો સમેત બધા હાહાકાર કરવા લાગ્યા. આ જ સમય બહુ યોગ્ય છે એમ માનીને મેં તરત પ્રસ્વાપ અસ્ત્ર ઉગામવાની તૈયારી કરી. પેલા બ્રાહ્મણોએ કહ્યું હતું તેમ એ વિચિત્ર અસ્ત્ર મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું. ત્યારે ‘ભીષ્મ, પ્રસ્વાપાસ્ત્ર ન ઉગામો’ એવો અવાજ સંભળાયો. તો પણ મેં પરશુરામ પર ફેંકવા એ અસ્ત્ર ધનુષ પર ચઢાવી દીધું. ત્યારે નારદે મને કહ્યું, ‘જુઓ, આકાશમાં-દ્યુલોકમાં બધા દેવતા ઊભા છે, તેઓ બધા તમને અટકાવવા માગે છે. તમે આ અસ્ત્ર ન ચલાવો. પરશુરામ તપસ્વી, બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છે, તમારા તો ગુરુ છે, એટલે તેમનું અપમાન ન કરો. પછી મેં આઠે બ્રાહ્મણોને આકાશમાં જોયા, તેમણે મને સ્મિતપૂર્વક કહ્યું, ‘નારદ કહે છે તેમ કરો. લોકનું પરમ કલ્યાણ કરનારી એ વાત છે. પછી મેં પ્રસ્વાપ અસ્ત્રનો નાશ કરી બ્રહ્માસ્ત્ર જ દીપાવ્યું. ક્રોધે ભરાયેલા પરશુરામે મેં પ્રસ્વાપનાસ્ત્રને પાછું વાળ્યું તે જોઈને બોલી ઊઠ્યા, ‘ભીષ્મે મને હરાવ્યો. હું મંદ બુદ્ધિનો છું.’

પછી પરશુરામે પોતાના પિતા, પિતામહ, બીજા પિતૃઓને જોયા. તેઓ બધા તેમને વીંટળાઈને ઊભા હતા. તે વખતે તેમને શાંત કરવા બોલ્યા, ‘તું ફરી કદી આવું સાહસ ન કરતો. ક્ષત્રિય ભીષ્મ સાથે યુદ્ધ ન કરતો, યુદ્ધ એ ક્ષત્રિયોનો ધર્મ છે, બ્રાહ્મણોનો ધર્મ વેદનો અભ્યાસ કરવો, વ્રત કરવા એ છે. પહેલાં કોઈ કારણે અમે તને આ શસ્ત્ર ધારણ કરવા કહ્યું હતું, તે કાર્ય તેં પાર પણ પાડ્યું હતું. ભીષ્મ સાથે આટલું યુદ્ધ બસ છે. હવે તું રણમેદાનમાંથી પાછો હઠ. હવે તું ધનુષ્ય પણ ધારણ ન કર, હવે તું તપ કર.’

બધા દેવતાઓએ પણ ભીષ્મને યુદ્ધ બંધ કરવા કહ્યું, ‘તમારા ગુુરુ સાથે યુદ્ધ ન કર. યુદ્ધમાં તેમને હરાવવા તમારા માટે યોગ્ય નથી. રણભૂમિમાં તેમનું યોગ્ય સમ્માન કરો. અમે પણ તમારા ગુુરુ છીએ. વસુઓમાં હવે તમે એકલા છો, આટલું જ બસ છે.’

પછી પરશુરામને કહ્યું, ‘શન્તનુ અને ગંગાના આ પુત્ર વસુ છે. રામ, તમે તેમને યુદ્ધમાં કેવી રીતે જીતશો? એટલે હવે તમે ખસી જાઓ. ઇન્દ્રધનુષ અર્જુન નરના અવતાર છે. ત્રણે લોકમાં તે સવ્યસાચી નામે ઓળખાય છે. વિધાતાએ ભીષ્મવધ તેમના દ્વારા કરાવવાનું આયોજન કર્યું છે.’

પરશુરામે પોતાના પૂર્વજોને કહ્યું, ‘હું યુદ્ધમાંથી ક્યારેય નિવૃત્ત નહીં થઉં એવું મેં વ્રત લીધું છે. પહેલાં પણ મેં યુદ્ધમાં પીછેહઠ કરી નથી. એટલે તમે ભીષ્મને યુદ્ધમાંથી નિવૃત્ત કરાવો. હું નિવૃત્ત નહીં થઉં.’

એટલે બધા ઋષિમુનિઓ નારદની સાથે આવીને મને કહેવા લાગ્યા, ‘તમે યુદ્ધ બંધ કરો. આ લોકોની વાત માની લો.’ ત્યારે મેં પણ ક્ષત્રિય ધર્મનું પાલન કરવા યુદ્ધ બંધ કરવાની ના પાડી,’ મેં પ્રતિજ્ઞા કરી છે કે હું કોઈ પણ રીતે પીઠમાં બાણોથી વીંધાઈને યુદ્ધ બંધ નહીં કરું. લોભ, કૃપણતા, ભય, અર્થ — કોઈ પણ કારણે હું મારા સનાતન ધર્મનો ત્યાગ કરી શકવાનો નથી.’

પછી નારદ, ઋષિમુનિઓ અને મારી માતા રણભૂમિમાં આવ્યાં, તો પણ હું ધનુષ ધારણ કરીને યુદ્ધ કરવા ઊભો જ રહ્યો. પછી તેઓ ફરી પરશુરામ પાસે ગયા.

‘ભાર્ગવ, બ્રાહ્મણોનું હૃદય તો માખણ જેવું કૂણું હોય છે. તમે શાંત થઈ જાઓ, યુદ્ધમાંથી નિવૃત્ત થઈ જાઓ. ભીષ્મનો વધ તમે નહીં કરી શકો, તમારો પણ વધ તે નહીં કરી શકે.’

આમ કહીને પરશુરામ પાસે શસ્ત્રસંન્યાસ લેવડાવ્યો. પછી મેં પેલા આઠ બ્રાહ્મણોને ફરી જોયા, ‘લોકહિતનું કાર્ય કરો. નમ્રતાથી ગુરુ પાસે જાઓ.’

વડીલોના કહેવાથી પરશુરામને નિવૃત્ત જોઈ લોકહિત માટે મેં બધાની વાત માની. શસ્ત્રોથી ઘવાયેલો હું પરશુરામ પાસે ગયો અને મેં પ્રણામ કર્યા. તેમણે પણ મને હસીને કહ્યું,

‘પૃથ્વીના બધા ક્ષત્રિયોમાં તમારા જેવો કોઈ ક્ષત્રિય નથી. આ યુદ્ધમાં તમે મને બહુ સંતોષ આપ્યો છે. હવે તમે જાઓ.’

પછી બધા તપસ્વીઓની વચ્ચે પેલી કન્યાને બોલાવીને કહ્યું, ‘મેં મારી શક્તિ પ્રમાણે મોટું પરાક્રમ કરીને જે યુદ્ધ કર્યું તે તમે બધાએ જોયું. મેં અનેક ઉત્તમ અસ્ત્ર ચલાવ્યાં તો પણ ભીષ્મને હરાવી ન શક્યો. મારી આટલી જ શક્તિ છે. એટલે હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા. હું તારા માટે બીજું તો શું કરી શકીશ? તું ભીષ્મ પાસે જ. તે સિવાય બીજો કોઈ આશ્રય નથી. મેં દિવ્ય અસ્ત્રો ચલાવ્યાં તો પણ ભીષ્મે મને હરાવ્યો. ’

આમ કહી તેમણે દીર્ઘ નિ:શ્વાસ નાખ્યો અને ચૂપ થઈ ગયા. પછી અંબાએ કહ્યું, ‘તમે જે કહો છો તે બરાબર. આ ભીષ્મને યુદ્ધમાં દેવતાઓ પણ હરાવી નહીં શકે. તમારામાં જેટલા શક્તિ, ઉત્સાહ હતાં તે અનુસાર મારું કાર્ય કર્યું, રણભૂમિમાં બળ, પરાક્રમ, અસ્ત્રો પ્રગટ કર્યા. તો પણ ભીષ્મને હરાવી ન શક્યા, પરંતુ હું ભીષ્મ પાસે કોઈ રીતે નહીં જઈ શકું. હું પોતે જ રણભૂમિમાં એમનો વધ કરી શકું એવા કોઈ સ્થાને જઈશ.’

આમ બોલતી તે કન્યા મારી હત્યાનો વિચાર કરતી ત્યાંથી જતી રહી. પરશુરામ મારી સંમતિ લઈને ઋષિમુનિઓની સાથે તે રસ્તે આવ્યા હતા તે રસ્તે થઈને મહેન્દ્ર પર્વત પર જતા રહ્યા. હું પણ બ્રાહ્મણોની પ્રશંસા ઝીલતો હસ્તિનાપુર ગયો, સત્યવતી માતાને બધી વાત કરી, તેમણે પણ મને અભિનંદન આપ્યાં. પછી મેં અંબાની વાત જાણવા માટે અત્યંત કુશળ બુદ્ધિમાન વ્યક્તિઓને કામ સોંપ્યું. તે બધા દૂત એ કન્યાના પ્રત્યેક દિવસની ગતિવિધિ મને જણાવવા લાગ્યા.

તે કન્યા તપસ્યા કરવાના સંકલ્પ સાથે વનમાં ગઈ. હું વ્યાકુળ, લાચાર, બેસુધ જેવો બની ગયો મને બ્રાહ્મણોની જ બીક લાગે છે. તપસ્યા કરનારા બ્રાહ્મણો સિવાય કોઈ ક્ષત્રિય યુદ્ધમાં મને હરાવી ન શકે. ‘કાશીરાજકન્યા વિશે તમે કશો શોક ન કરો. પુરુષાર્થ સિવાય દૈવને કોણ બદલી શકે?’

તે કન્યા આશ્રમમાં પ્રવેશીને યમુનાકાંઠે પોતાનો આશ્રમ બનાવી અલૌકિક તપસ્યા કરવા લાગી. આહાર ત્યજી દીધો, કૃશ, રુક્ષ, જટાધારિણી થઈને તે ધૂળ-કીચડ સાથે રહી, છ મહિના વાયુભક્ષણ કરીને તપ કરતી રહી. એક વરસ સુધી યમુનાતીરે નિરાહાર રહીને તપ કર્યું. પછી ઝાડ પરથી ખરેલાં પાંદડાં એક એક ખાઈને એક વર્ષ રહી. મહાક્રોધી તે તપસ્વિનીએ પગના અંગૂઠા પર ઊભા રહીને એક વર્ષ વીતાવ્યું. આ રીતે બાર વરસ તપ કરીને સ્વર્ગ, પૃથ્વીને અસ્વસ્થ કર્યાં. બીજાઓએ તેને સમજાવવાના બહુ પ્રયત્ન કર્યા તો પણ કોઈ તેને તપ કરતાં રોકી ન શક્યું. પછી અંબા સિદ્ધો, ચારણોવાળી વત્સભૂમિમાં પુણ્યશાળી, તપસ્વીઓના આશ્રમમાં ગઈ. તે સુંદર કન્યા બધાં પુણ્યતીર્થમાં સ્નાન કરતી ઇચ્છાપ્રમાણે ભ્રમણ કરવા લાગી. આમ નંદાશ્રમ, ચ્યવન આશ્રમ, બ્રહ્મસ્થાન, પ્રયાગ, દેવયજન, દેવઅરણ્ય, ભોગવતી, વિશ્વામિત્રઆશ્રમ, માંડવ્ય આશ્રમ, દિલીપ આશ્રમ, રામહૃદ અને પૈલ ગાર્ગ્યના આશ્રમોમાં ભ્રમણ કરતી રહી. કઠોર તપ કરીને બધાં તીર્થોમાં સ્નાન કર્યું. એક દિવસે જ જળમાંથી પ્રગટીને મારી માતા ગંગાએ તેને પૂછ્યું, ‘તું શા માટે આટલું ઘોર તપ કરે છે, મને સાચેસાચું કહે.’

એટલે તે કન્યાએ હાથ જોડીને કહ્યું, ‘પરશુરામ ભીષ્મને યુદ્ધમાં હરાવી ન શક્યા. તો હવે કોણ તેમને જીતી શકવાનો? હું પોતે જ ભીષ્મનો વધ કરવા આ ઘોર તપ કરી રહી છું. આ નિર્ધાર કરીને હું બધે ભ્રમણ કરી રહી છું. આગલા જનમમાં હું આ વ્રતનું ફળ મેળવી શકું.’

ત્યારે મારી માતાએ કહ્યું, ‘તારું આચરણ કુટિલ છે. તું તારી ઇચ્છા પાર પાડી નહીં શકે. જો તું ભીષ્મવધનો નિશ્ચય કરીને આમ વ્રત કરીશ અને એમ વ્રત કરતાં કરતાં જ મૃત્યુ પામીશ તો વાંકીચૂકી વહેતી નદી થઈ જઈશ. માત્ર વર્ષાઋતુમાં જ પાણી રહેશે, બાકીના આઠ મહિના તું સૂકીભઠ રહીશ. વર્ષા ઋતુમાં તો કોઈ તને પાર કરી નહીં શકે; કોઈને તારી ઊંડાઈનો ખ્યાલ નહીં આવી શકે.’

આમ કહીને મારી માતાએ તે કન્યાને વિદાય કરી. તો પણ આ કન્યા વ્રત કરીને ક્યારેક આઠ આઠ મહિના, તો ક્યારેક દસ દસ મહિના સુધી પાણી પણ પીતી ન હતી. તીર્થાટન કરતી કરતી તે ફરી વત્સભૂમિમાં આવી અને દોડતાં દોડતાં પડી ગઈ. તે ત્યાંની ભૂમિમાં વર્ષાકાળે વહેનારી, અનેક જળચરોથી ભરેલી, વાંકી અને ભયાનક નદી બની ગઈ, તેનું નામ પણ અંબા પડ્યું. તે પોતાની તપસ્યાના બળથી શરીરના અડધા ભાગથી નદી બની અને અડધા ભાગથી કન્યા પણ બની રહી.

બધા તપસ્વીઓએ તપ કરવાના દૃઢ નિર્ધારવાળી કન્યાને પૂછ્યું, ‘તપ કરીને તારે કરવું છે શું?’

તે કન્યાએ ઉત્તર આપ્યો, ‘ભીષ્મે મને પતિધર્મથી ભ્રષ્ટ કરીને મારો સર્વનાશ કર્યો છે. એમના વધ માટે જ આ તપ. મારે કંઈ સ્વર્ગ જોઈતું નથી. ભીષ્મને મારી નાખીને જ હું શાંત રહી શકીશ, આ મારો અફર નિર્ણય છે. એમને કારણે જ મારે નિરંતર દુઃખી થઈને રહેવું પડ્યું છે, પતિ ન પામી શકી, અત્યારે તો ન રહી પુરુષ, ન રહી સ્ત્રી, ગંગાપુત્ર ભીષ્મને માર્યા વિના હું નિવૃત્ત નહીં થઉં. આ મારો સંકલ્પ છે. સ્ત્રી તરીકે હું દુઃખી થઈ એટલે પુુરુષત્વ પામવાનો નિશ્ચય કરીને ભીષ્મ સાથે વેર વાળીશ. મને તમે રોકતા નહીં.’ ત્યારે શંકર ભગવાને એ તપસ્વીઓની વચ્ચે આ કન્યાને દર્શન આપ્યાં. ભગવાન તેને વરદાન આપવા તૈયાર થયા ત્યારે તેણે ભીષ્મવધનું જ વરદાન માગ્યું. મહાદેવે કહ્યું, ‘તું વધ કરીશ જ.’

આ સાંભળી તે કન્યાએ કહ્યું, ‘હું સ્ત્રી હોઉં તો યુદ્ધમાં જીતી કેવી રીતે શકું. સ્ત્રી હોવાને કારણે તપસ્યાએ મારું મન શાંત થઈ ગયું છે. તમે મને ભીષ્મવધનું વરદાન તો આપ્યું, હવે હું એ વધ કેવી રીતે કરું અને તમારું વરદાન સત્ય થાય તેમ કરો. હું યુદ્ધમાં ભીષ્મ સાથે લડીને તેમને મારી શકું એવો ઉપાય કહો.’

ભગવાને કહ્યું, ‘મારી વાણી કદી નિષ્ફળ ન જાય. એમ જ થશે. તું ભીષ્મને મારીશ, પુરુષત્વ પણ પામીશ, બીજા જનમમાં પણ પૂર્વજન્મની સ્મૃતિ રહેશે. દ્રુપદને ઘેર જન્મીને તું મહારથી, અસ્ત્રશસ્ત્રજ્ઞાતા, અનેક યુદ્ધ કરનારા, બધા માટે આદરપાત્ર યોદ્ધો બનીશ. મેં જે કહ્યું છે તે સાચું પડશે. થોડા સમય પછી તું પુરુષ થઈશ.’ આમ કહીને બ્રાહ્મણોના દેખતાં ભગવાન અંતર્ધાન થઈ ગયા.

પછી કાશીરાજકન્યા અંબાએ મહર્ષિઓના દેખતાં જ વનમાંથી લાકડાં ભેગાં કર્યાં, યમુનાકાંઠે ચિતા પ્રગટાવી અને ક્રોધે ભરાયેલી ‘હું ભીષ્મવધ નિમિત્તે આ અગ્નિમાં પ્રવેશું છું.’ એમ કહી અગ્નિમાં ભસ્મ થઈ ગઈ.

દ્રુપદ રાજાની ખૂબ જ પ્રિય પત્ની પુત્ર વિનાની હતી. રાજાએ પુત્ર માટે શંકર ભગવાનની તપસ્યા કરવા માંડી, તેઓ પણ મારો વધ કરવા માગતા હતા. પ્રસન્ન થયેલા શંકરે પુત્રના વરદાનને બદલે પુત્રીનું વરદાન આપ્યું.

‘ભગવાન, હું ભીષ્મવધ માટે એક પુત્રની ઇચ્છા રાખું છું.’

‘તમને પુત્ર મળશે પણ પહેલાં તો તે સ્ત્રી હશે, પાછળથી તે પુરુષ થશે. હવે તપ કરવાની જરૂર નથી. મારી વાત કદી અસત્ય નહીં થાય.’

રાજાએ મહાદેવે આપેલા વરદાનની વાત નગરમાં આવ્યા પછી રાણીને કરી. ‘મેં તો તપસ્યા વડે પુત્રપ્રાપ્તિ માટે બહુ પ્રયત્ન કર્યો પણ મહાદેવે કહ્યું કે પહેલાં પુત્રી રૂપે જન્મેલી કન્યા પાછળથી પુરુષ થશે. તેમને મેં વારંવાર પુત્ર માટે કહ્યું પણ મારી વાત ક્યારેય અસત્ય નહીં થાય, એટલે હવે એ વરદાન તો એવું ને એવું જ રહેશે.’ પછી દ્રુપદરાજની પત્નીએ ઋતુકાળ પછી દ્રુપદ સાથે સહવાસ કર્યો. અને દ્રુપદની પત્નીને દિવસો રહ્યા. રાજા પુત્રસ્નેહને કારણે પત્નીની બધા પ્રકારની સેવા આનંદથી કરવા લાગ્યો. પુત્રહીન રાજા માટે રાણીએ ઉત્તમ રૂપવાળી એક કન્યાને જન્મ આપ્યો. પુત્ર જન્મ્યો ન હતો તો પણ રાણી પાસે જાહેર કરાવ્યું કે અમારે ત્યાં પુત્ર જન્મ્યો છે. એ પુત્રીને પુત્ર સમાન ગણીને બધો જ વિધિ પણ કરાવ્યો. રાણીએ પણ પુત્ર પુત્ર કરીને તે કન્યાને સાચવી. દ્રુપદ અને રાણી સિવાય નગરમાં એમ જ બધાને કહ્યું. એને લોકો શિખંડી તરીકે ઓળખવા લાગ્યા. પણ હું એકલો જ નારદની વાણી, દેવવાલ્ય, અંબાની તપસ્યા — આ બધાને કારણે એ કન્યાના રહસ્યને જાણતો હતો. રાજાએ પોતાના સ્વજનોમાં બહુ પ્રયત્ન કર્યા, એ કન્યા લેખન અને શિલ્પમાં નિપુણ થઈ ગઈ. અસ્ત્રશસ્ત્રવિદ્યા શીખવા તે દ્રોણાચાર્યની શિષ્ય થઈ. પછી રાણીએ પુત્રની જેમ તેનો વિવાહ કરવા રાજાને વિનંતી કરી. ‘મારો શોક વધારનારી એ કન્યા યુવાન થઈ ગઈ છે, મહાદેવના વચનને કારણે મેં આ વાત છુપાવી રાખી છે. મહાદેવનું વચન તો કદી ખોટું થાય જ નહીં, ત્રણે લોકના કર્તાહર્તા અસત્ય કેવી રીતે બોલી શકે.’

‘મારી વાત તમને સ્વીકાર્ય હો તો સાંભળો. પછી તમારે જે કરવું હોય તે કરજો. કોઈ પણ રીતે આ કન્યાનો વિવાહ કરો. શંકર ભગવાનનું વચન સાચું જ પડશે.’

પછી રાજારાણીએ એ વાતનો નિશ્ચય કરીને દશાર્ણાધિપતિની કન્યાની પસંદગી કરી. રાજાઓમાં સિંહ જેવા દ્રુપદ રાજાએ કુળપરંપરા પ્રમાણે દશાર્ણાધિપતિની કન્યા સાથે શિખંડીનું લગ્ન કરાવી દીધું. તે રાજા પણ અજેય, શ્રેષ્ઠ હતો. વિવાહ થયા પછી આ બંને કન્યાઓ સંપૂર્ણ રીતે યુવાન થઈ. વિવાહ કરીને શિખંડી પણ પાછો આવ્યો. થોડા દિવસ તો પત્નીને ખબર ન પડી કે શિખંડી સ્ત્રી છે. છેવટે એ કન્યાએ શિખંડીને શિખંડિની જાણીને સંકોચપૂર્વક દુઃખી થઈને દાસીઓને અને સખીઓને આખી વાત જણાવી દીધી. દશાર્ણરાજની દાસીઓને આ સાંભળી બહુ દુઃખ થયું અને રાજાને ત્યાં દૂતીઓ દ્વારા સમાચાર મોકલાવ્યા. તે રાજાએ પણ આ છેતરપિંડીની વાત જાણી અને તે ખૂબ જ ક્રોધે ભરાયો. શિખંડિની કન્યાને પણ સ્ત્રી હોવું ન ગમ્યું એટલે પુરુષની જેમ પ્રસન્નતાથી રાજમહેલમાં ભમવા લાગ્યો. એ રાજાએ ગુસ્સે થઈને દ્રુપદ રાજા પાસે એક દૂત મોકલ્યો. તેણે રાજાને એકલાને જ કહ્યું,‘તમારી છેતરપિંડીથી દશાર્ણરાજાની ભારે માનહાનિ થઈ છે. તેમણે કહેવડાવ્યું છે-તમે જે મોહમાં પડીને તમારી કન્યા માટે મારી કન્યાનું માગું કર્યું છે એ તમારી દુષ્ટ મંત્રણાનું પરિણામ છે. તમે મારું અપમાન કર્યું છે. એટલે હવે આ છેતરપિંડીનું પરિણામ ભોગવજો. તમને સ્વજનો સહિત મારી નાખીશ.’

દૂતનું આ વચન સાંભળીને પકડાઈ ગયેલા ચોરની જેમ દ્રુુપદ એક શબ્દ પણ બોલી ન શક્યો. તેમણે દૂતોને કહ્યું-આ યોગ્ય નથી. આવો સંદેશો મોકલીને વેવાઈને પ્રસન્ન કરવા મથ્યા. પણ ફરી એ રાજાએ તપાસ કરાવીને જાણી લીધું કે શિખંડી દ્રુપદરાજની કન્યા જ છે. એટલે તેઓ તો યુદ્ધ કરવા નીકળી પડ્યા. તેમણે આ આખી વાત મિત્રોને પણ કરી. બહુ મોટું સૈન્ય એકઠું કરીને દ્રુપદ પર આક્રમણ કરવાની મારી ઇચ્છા છે. રાજા પોતાના મિત્રો સાથે આ બાબતમાં શું કરી શકાય તેનો વિચાર કરવા લાગ્યા. મિત્રોએ ઠરાવ્યું કે જો શિખંડી કન્યા જ હોય તો આપણે પાંચાલરાજને બાંધીને અહીં લઈ આવીશું. કોઈ બીજા રાજાને પાંચાલરાજ બનાવી શિખંડી સમેત દ્રુપદનો વધ કરીશું. ‘હું તમારો વધ કરીશ એટલે ચેતતા રહેજો.’ એવો સંદેશ ફરી દૂત સાથે દ્રુપદને મોકલાવ્યો. દ્રુપદ રાજા તો પહેલેથી ડરપોક હતા જ, અને તેમાં પાછી આ છેતરપિંડી, એટલે તે બહુ બી ગયા. દશાર્ણરાજાની પાસે દૂત મોકલી નિર્જન સ્થાનમાં બેસી રાણીને કહેવા લાગ્યા, ‘આપણા વેવાઈ હિરણ્યવર્મા સેના લઈને મારી સાથે યુદ્ધ કરવા આવી રહ્યા છે. આ કન્યા બાબતે શું કરવું એ મને અત્યારે સમજાતું નથી. મારા કાને વાત આવી છે કે લોકો શિખંડી કન્યા છે એવું બોલી રહ્યા છે, અને એટલે જ હું છેતરાઈ ગયો છું એમ કહીને રાજા ંમિત્રો, સેવકો સાથે આવીને મારો વધ કરવા માગે છે. હવે આ બાબતે જે કંઈ હોય તે તું મને કહે. તું કહીશ એ પ્રમાણે હું કરીશ. મારો જીવ જોખમમાં છે અને તમે માતા-પુત્રી પણ મહાક્લેશ અનુભવી રહ્યાં છો. બધાને આ આપત્તિમાંથી કેવી રીતે છોડાવી શકાય તે તું મને કહે. હું તું કહીશ એ પ્રમાણે ક્રરીશ, તું શિખંડીની બાબતે કશી ચિતા ન કરીશ. હું બધું વ્યવસ્થિત કરી દઈશ, તું પુત્રને જન્મ આપી ન શકી, મારે કારણે દશાર્ણ રાજા ઠગાઈ ગયા, એટલે હવે શું કરવું તે મને કહે.‘ શિખંડી કન્યા છે એ વાત જાણતા હોવા છતાં દ્વુપદરાજાએ બીજાઓની આગળ પોતાની નિર્દોષતા પ્રગટ કરવા પત્નીને પૂછ્યું, એટલે રાણીએ ઉત્તર આપ્યો.

‘પુત્ર ન હતો એટલે શોક્યોના ભયથી ડરીને કન્યા જન્મી તો પણ પુત્ર જન્મ્યો એ વાત કરી. તમે પણ મારી વાત માની. તમે કન્યાના જાતકર્મ સંસ્કાર પુત્રની જેમ કરાવ્યા. પછી દશાર્ણરાજની કન્યા સાથે તમે વિવાહ કર્યો. એટલે મેં પણ આ બાબતે થોડી ઉપેક્ષા કરી હતી.’

આ સાંભળીને દ્વુપદરાજાએ મંત્રીઓને સાચી વાત જણાવી પ્રજાના રક્ષણ માટે યોગ્ય ઉપાય વિશે વિચાર કરવા લાગ્યા. પોતે અસત્ય આચરણ કર્યું છે એ છતાં દશાર્ણરાજા હિરણ્યવર્મા સાથેના સંબંધને યોગ્ય જણાવી પ્રજાની રક્ષા કરવાનો નિશ્ચય એકાગ્ર ચિત્તે તેમણે કર્યો.

નગર સ્વાભાવિક રીતે જ રક્ષિત હતું, આપત્તિ પ્રસંગે રાજાએ બધી રીતે નગરને અલંકૃત કરીેને તેની સારી રીતે રક્ષા કરવાનો નિશ્વય કર્યો. દશાર્ણપતિ સાથે વિરોધ થવાને કારણે દ્રુપદ અને તેમની રાણી — બંને દુઃખી દુઃખી થઈ ગયા. સંબંધી સાથે મહાવિગ્રહ ન થાય એટલે મનોમન વિચારીને પિતાઓની પૂજા કરવા લાગ્યા. આવી રીતે દેવપૂજામાં રાજાને તલ્લીન જોઈને રાણીએ કહ્યું, ‘દેવતાઓની પૂજા હમેશાં લાભ કરાવે છે એવું સંતો કહે છે. દુઃખમાં ડૂબેલા આપણે માટે તો આ દેવપૂજા લાભદાયી જ થશે.’

જ્યારે દશાર્ણરાજ પાછા જતા રહે ત્યારે બ્રાહ્મણોનું સમ્માન કરી તેમને દક્ષિણા આપીશું, અને દેવપૂજા, અગ્નિહોમ કરીશું. યુદ્ધ કર્યા વગર જ શાંતિ થઈ જાય એવો ઉપાય વિચારો. દેવતાઓને રિઝવીને ઘણું બધું થઈ શકે છે. આ નગરની રક્ષા માટે મંત્રીઓ સાથે જે ચર્ચા કરી રહ્યા છો તે પ્રમાણે કરો. પુરુષાર્થ કરતાં કરતાં દૈવી પ્રારબ્ધ પૂર્ણ રૂપે સફળ થશે. નગરની રક્ષાના ઉપાય કેવી રીતે કરી શકાય એ મંત્રીઓની સાથે મળીને નક્કી કરો અને પછી દેવતાઓની પૂજા કરો.’

આ પ્રમાણે શોકમુક્ત થઈને માતાપિતાને વાત કરતાં જોઈ શિખંડી કન્યા બહુ સંકોચ પામી. આ બધા મારા કારણે દુઃખી છે એમ વિચારી તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યોં. અને અત્યંત દુઃખી થઈને તેણે ગૃહત્યાગ કર્યો, નિર્જન અને ગાઢ વનમાં જતી રહી. તે વનની રક્ષા સ્થૂલાકર્ણ નામનો મહાબલવાન યક્ષ કરતો હતો, તેના ભયથી એ વન નિર્જન થઈ ગયું હતું. ત્યાં સ્થૂલાકર્ણનું સુંદર નિવાસસ્થાન હતું, તેમાં ઊંચા તોરણ હતા, સ્વચ્છ ચૂના અને માટીથી લેપાયું હતું; મંદ, સુગંધિત પવન વાતો હતો. શિખંડીએ એ જ સ્થાને બેસીને ઘણા દિવસો સુધી આહાર કર્યા વિના શરીરને સૂકવવા માંડ્યું. સ્થૂલાવર્ણને તેના પર દયા આવી અને પાસે જઈને તેણે કહ્યું, ‘તું શા કારણે આવું વ્રત કરી રહી છે તે મને હમણાં ને હમણાં કહે.’

શિખંડીની બોલી, ‘મારું એક કાર્ય અસાધ્ય છે, તે તમારાથી નહીં થાય.’

‘હું ચોક્કસ એ કાર્ય કરીશ. હું ધનેશ્વર કુબેરનો સેવક છું, હું વરદાન આપી શકું છું. ન આપી શકાય એવા પદાર્થ પણ આપી શકું છું. જે માંગવું હોય તે માગ.’

પછી શિખંડિનીએ તે યક્ષને આખી કથા કહી સંભળાવી. — ‘આપત્તિમાં ફસાયેલા મારા પિતા બહુ જલદી મૃત્યુ પામશે, દશાર્ણરાજ ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા આવી રહ્યા છે. તે રાજા બહુ શક્તિશાળી છે. એટલે તમે મારી અને મારા માતાપિતાની રક્ષા કરો. તમે મારું દુઃખ દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે, એટલે એવો કોઈ ઉપાય શોધી કાઢો જેથી હું પુરુષ બની જઉં, જ્યાં સુધી હિરણ્યવર્મા અમારા નગરમાં નથી આવતા ત્યાં સુધી મારા પર કૃપા કરો.’

યક્ષ શિખંડીની વાત સાંભળીને મનોમન વિચારીને કહેવા લાગ્યો, ‘હું તારી ઇચ્છા પૂરી કરીશ. પણ મારી શરત છે, તે સાંભળ. થોડા સમય માટે હું મારું પુરુષત્વ આપું છું, પછી ચોક્કસ સમયે તારે મારી પાસે આવવાનું, હું સંકલ્પસિદ્ધ કામરૂપી ખેચર છું. હું જે ઇચ્છું તે પાર પાડી શકું છું. તું મારી કૃપા વડે નગરની અને તારા બાંધવોની રક્ષા કર. હું તારું સ્ત્રીત્વ ધારણ કરીશ. પણ તું પ્રતિજ્ઞા કર. તારું કામ પતી જાય પછી હું પુરુષત્વ પાછું આપીશ. તો જ હું તારું કામ કરીશ.

શિખંડીએ યક્ષની વાત સ્વીકારી, ‘હું તમારું પુરુષત્વ પાછું આપીશ. દશાર્ણરાજા જ્યારે પાછા ફરશે ત્યારે હું ફરી કન્યા થઈ જઈશ. અને તમે પુરુષ.’

આમ બંનેએ સોગંદ લીધા અને અરસપરસ જાતિ બદલી. સ્થૂલાકર્ણ સ્ત્રી બની ગયો. અને શિખંડી યક્ષ. પછી પ્રસન્ન ચિત્તે પુરુષત્વ પામીને તે નગરમાં પ્રવેશ્યો, પિતા પાસે જઈને બધી વાત કરી. રાજા તેની વાત સાંભળીને પ્રસન્ન થયા, પતિપત્નીએ પણ મહાદેવનું વરદાન યાદ કર્યું; પછી દશાર્ણરાજાને દૂત મોકલીને કહેવડાવ્યું, ‘મારો પુત્ર ખરેખર પુરુષ છે એ વાત પર વિશ્વાસ કરો.’

હિરણ્યવર્માએ દુઃખી થઈને, શોકાતુર થઈને દ્રુપદ રાજા પર આક્રમણ કર્યું. તેમણે કાંપિલ્યનગર પાસે જઈને એક શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને દૂત બનાવીને દ્રુપદ રાજા પાસે મોકલાવ્યો, ‘દૂત, તમે મારી વાત દ્રુપદને પહોંચાડજો. તમે કહેજો, હે નીચ બુદ્ધિવાળા રાજા, તેં મારી કન્યાનું લગ્ન મારી કન્યા સાથે કર્યું છે, હવે એનું પરિણામ ભોગવજે. એમાં જરાય શંકા નથી.’

આ સાંભળીને તે બ્રાહ્મણ દર્શાણરાજના કહેવાથી દ્રુપદરાજના નગર તરફ ગયો. જલદી તેમની નગરીમાં પહોંચ્યો. દ્રુપદરાજાએ અને શિખંડીએ ગાય, અર્ધ્ય આપીને તે બ્રાહ્મણનો સત્કાર કર્યો. પણ તે બ્રાહ્મણે પૂજા અસ્વીકારી, દશાર્ણરાજાએ કહેવડાવેલી વાત સંભળાવી, ‘હે નીચ રાજા, તમે તમારી કન્યાનો વિવાહ મારી કન્યા સાથે કરીને મને ઠગ્યો છે. એ પાપનું પરિણામ બહુ જલદી ભોગવજો. હું સેવકો, પુત્ર, સ્વજનો સાથે તમારો વિનાશ કરીશ.’

મંત્રીઓના દેખતાં પુરોહિતે રાજાને આવાં તિરસ્કૃત વાક્યો સંભળાવ્યાં. આ સાંભળી રાજાએ પ્રેમપૂર્વક કહ્યું, ‘હવે તમે જે મને કહ્યું છે તેનો ઉત્તર મારો દૂત તમને આપશે.’

દ્રુપદે પણ વેદજ્ઞ બ્રાહ્મણને દૂત તરીકે મોકલ્યો અને રાજાનો સંદેશો પહોંચાડ્યો. ‘તમે સ્પષ્ટ રીતે પરીક્ષા કરો. મારો પુત્ર ખરેખર કુમાર જ છે. તમને ન જાણે કોઈએ ખોટી વાત કરી છે. એ વાત પર તમારે વિશ્વાસ ન કરવો જોઈએ.’ એટલે દ્રુપદ રાજાની વાત સાંભળીને દશાર્ણરાજાએ વિચાર કર્યો, શિખંડી સ્ત્રી છે કે પુરુષ એ જાણવા માટે અત્યંત સુંદર સ્ત્રીઓને મોકલી. તે રાજાએ મોકલેલી સ્ત્રીઓએ સાચી ઘટના જાણી- શિખંડી ખરેખર પુરુષ છે એ સમાચાર પહોંચાડ્યા. રાજા તે વાત જાણીને ખૂબ જ રાજી થયો અને દ્રુપદની સાથે મળીને આનંદઓચ્છવ કર્યો. હિરણ્યવર્માએ શિખંડીને રાજી થઈને ઘણું ધન, હાથી-ઘોડા, ગાય-સેંકડો દાસીઓ આપ્યાં અને પછી શિખંડીને પોતાની કન્યા પણ આપી. દશાર્ણરાજા ક્રોધ દૂર કરીને, સંતોષ પામીને પોતાને નગર પાછા ગયા એટલે શિખંડી પણ ખૂબ આનંદમાં આવી ગયો.

થોડા સમય પછી ધનેશ્વર કુબેર ફરતા ફરતા સ્થૂલાકર્ણના નિવાસે આવી ચઢ્યા. આકાશમાં જ ઘૂમતા ઘૂમતા તેમની નજર એ નિવાસ પર પડી. વિવિધ પુષ્પમાળાઓ, સુગંધિત પદાર્થો, ચંદરવા, ધૂપ, ધજા-પતાકા, અન્ન, પેય, માંસ; હોમની સામગ્રીથી એ ઘર સજ્જ હતું. આવું સરસ, બધી રીતે સજાવેલું ઘર જોઈને પાછળ આવતા યક્ષોને તેમણે કહ્યું, ‘સ્થૂલાકર્ણનું નિવાસ તો સરસ રીતે સજાવેલું છે, પણ એ મન્દબુદ્ધિ હજુ મારી સામે આવતો કેમ નથી! તે જાણી કરીને અહીં આવતો નથી, એટલે તેને મહાદંડ આપવો જોઈએ.’

યક્ષોએ કહ્યું, ‘દ્રુપદરાજને ત્યાં શિખંડિની નામે એક કન્યા જન્મી હતી. સ્થૂલાકર્ણે કોઈ કારણે તેને પોતાનું પુરુષત્વ આપી દીધું. હવે તે સ્ત્રીરૂપે છે. ઘરમાં જ બેસી રહ્યો છે, સંકોચવશ તે તમારી પાસે આવતો નથી. હવે તમારે જે કરવું હોય તે કરો. વિમાન ભલે અહીં જ રહે.’

આ સાંભળી કુબેરે સ્થૂલાકર્ણને ત્યાં ને ત્યાં તરત બોલાવ્યો, તેઓ હું એને દંડીશ- એમ વારંવાર કહેવા લાગ્યા.

એટલે સ્ત્રીરૂપ ધારિણી સ્થૂલાકર્ણ કુબેરની આજ્ઞા સાંભળીને સંકોચપૂર્વક ત્યાં ઊભા રહી ગયો. ‘અરે પાપી, તે યક્ષોનું અપમાન કરીને શિખંડીને તારું પુરુષત્વ આપી દીધું અને તેનું સ્ત્રીત્વ લઈ લીધું. તેં બહુ અયોગ્ય કાર્ય કર્યું એટલે આજથી તું સ્ત્રી જ રહેજે અને તે કન્યા પુરુષ થઈ જશે.’

એમ કહી કુબેર યક્ષો અને રાક્ષસોની પૂજા ગ્રહીને એક પળમાં જ્યાં જવું હોય ત્યાં પહોંચી જનારા સેવકો ઠરાવેલા પોતાના નિવાસે ગયા. સ્થૂલાકર્ણ શાપ ભોગવતો ત્યાં રહેવા લાગ્યા. ઠરાવેલા સમયે શિખંડી તેની પાસે આવીને બોલ્યો, ‘હું આવી ગયો છું.’ સ્થૂલાકર્ણે વારંવાર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. યક્ષે શિખંડીને સરળતાથી આવી ચઢ્યો એટલે જે કંઈ ઘટના બની હતી તે કહી સંભળાવી. ‘મને તારા કારણે કુબેરનો શાપ મળ્યો છે, હવે તું ઘેર જઈને આનંદ મનાવ. તારું અહીથી જવું અને કુબેરનું આવવું — વિધાતાએ આ નક્કી કરી રાખ્યું હતું. એ કોઈ રીતે ટાળી ન શકાત.’ શિખંડી યક્ષની વાત સાંભળીને હર્ષ પામતો નગર પહોંચ્યો. તેણે કિમતી, સુગંધિત માળા અને ધન વડે બ્રાહ્મણોની-દેવતાઓની પૂજા કરી, મંદિર, ચોક શણગાર્યા. પાંચાલ રાજા પોતાનું પ્રયોજન સિદ્ધ થયું એટલે શિખંડી અને સ્વજનો સાથે આનંદ પામ્યા, ધનુવિર્દ્યા શીખવા પુત્રને દ્રોણાચાર્ય પાસે મોકલ્યો.


(ઉદ્યોગ પર્વ, ૧૭૦-૧૯૩)