ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વિશ્વામિત્ર-ગાલવ-માધવીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિશ્વામિત્ર-ગાલવ-માધવીની કથા

એક સમયે વિશ્વામિત્ર ઋષિ તપ કરી રહ્યા હતા ત્યારે સ્વયં ધર્મરાજ ભગવાન વસિષ્ઠનું રૂપ લઈને તેમની પરીક્ષા કરવા જઈ પહોંચ્યા. સપ્તષિર્ઓમાંના એક એવા વસિષ્ઠનું રૂપ લઈને ભૂખે પીડાતા કોઈ ભોજનની ઇચ્છાથી વિશ્વામિત્રના આશ્રમે આવ્યા. વિશ્વામિત્રે વહેલા વહેલા ઉત્તમ અન્ન આપવાની ઇચ્છાથી ચરુપાક બનાવવાનો આરંભ કર્યો. પરંતુ વસિષ્ઠ તે ભોજન માટે પ્રતીક્ષા કરી ના શક્યા. બીજા તપસ્વીઓએ આપેલું ભોજન વસિષ્ઠે જમી લીધું, ત્યાર પછી વિશ્વામિત્ર પણ અત્યંત ઉષ્ણ ભોજન લઈને ત્યાં આવી પહોંચ્યા. ભગવાન ધર્મરાજે કહ્યું, ‘મેં ભોજન કરી લીધું છે, હવે તમે રહેવા દો.’ અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા, ત્યારે મહા તેજસ્વી વિશ્વામિત્ર એમ ને એમ જ ઊભા રહી ગયા. કઠોર વ્રતનું પાલન કરનારા વિશ્વામિત્રે બંને હાથ વડે ભોજનનો થાળ માથા પર મૂક્યો અને આશ્રમની નજીક ઠૂંઠા વૃક્ષની જેમ ઊભા રહ્યા. તે અવસ્થામાં તેઓ માત્ર વાયુનું ભક્ષણ કરતા હતા. તે દિવસોમાં તેમના માટે આદર, માન, પ્રેમ રાખનારા ગાલવમુનિ વિશ્વામિત્રની પ્રસન્નતા માટે પ્રયત્નપૂર્વક તેમની સેવા કરવા લાગ્યા. ત્યાર પછી સો વર્ષ પૂરાં થયાં એટલે ફરી ધર્મરાજ વસિષ્ઠ મુનિનો વેશે લઈને ભોજનની ઇચ્છાથી કૌશિક એટલે કે વિશ્વામિત્ર ઋષિ પાસે આવ્યા. તેમણે ભક્ત અને બુદ્ધિમાન મહર્ષિ વિશ્વામિત્રને માથા પર ભોજનપાત્ર મૂકીને વાયુનું ભક્ષણ કરતા જોયા. ધર્મે તે ભોજન લીધું, તે ભોજન તાજું અને ગરમ હતું. ભોજન ખાઈને તે બોલ્યા, ‘વિપ્રઋષિ — બ્રહ્મર્ષિ, હું તમારા પર પ્રસન્ન છું’ એમ કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. ક્ષત્રિયત્વમાંથી બ્રાહ્મણત્વને પામેલી ધર્મરાજની વાતથી વિશ્વામિત્રને પ્રસન્નતા થઈ. પોતાના શિષ્ય ગાલવની સેવાચાકરી અને ભક્તિથી પ્રસન્ન થયેલા વિશ્વામિત્રે કહ્યું, ‘ગાલવ, હું તને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ આપું છું, તારે જ્યાં જવું હોય ત્યાં જા.’

આવી આજ્ઞા સાંભળીને ગાલવ મુનિએ પ્રસન્ન થઈને મહા તેજસ્વી મુનિવરને કહ્યું, ‘હું આપને ગુરુદક્ષિણામાં શું આપંુ? મનુષ્યનું કાર્ય દક્ષિણા દ્વારા જ સિદ્ધ થાય છે, દક્ષિણા આપનારને જ સિદ્ધિ વરે છે, દક્ષિણા આપનારને જ સ્વર્ગમાં યજ્ઞફળ પ્રાપ્ત થાય છે, દક્ષિણા જ શાન્તિપ્રદ હોય છે. એટલે હે ગુરુવર્ય કહો, હું ગુરુદક્ષિણામાં શું આપું?’

ગાલવની સેવાશુશ્રૂષાથી ભગવાન વિશ્વામિત્ર વશમાં આવી ગયા હતા, એટલે ગાલવે કરેલા ઉપકારનું મહત્ત્વ સમજીને વિશ્વામિત્રે તેમને કહ્યું, ‘જા... જા...’

વિશ્વામિત્રનું આમ બોલવું સાંભળીને પણ ગાલવે વારંવાર આગ્રહપૂર્વક કહ્યું, ‘હું શી ગુરુદક્ષિણા આપું?’

ગાલવે આમ વારંવાર કહ્યું એટલે વિશ્વામિત્ર ઋષિને ક્રોધ આવ્યો અને તે બોલ્યા, ‘ગાલવ, તું મને ચંદ્ર જેવા ઊજળા અને એક કાને કાળા એવા આઠસો અશ્વ લાવી આપ. હવે વિલંબ ન કર, જા.’

વિશ્વામિત્રે આમ કહ્યું એટલે ગાલવ ન બેસી શક્યા, ન સૂઈ શક્યા, ન ભોજન કરી શક્યા. ચિંતા અને શોકમાં ડૂબી જવાને કારણે ગાલવ ફિક્કા પડી ગયા, તેમનું શરીર સુકાઈને લાકડા જેવું થઈ ગયું. ખૂબ જ શોક કરતા અને ચિંતાની આગમાં દાઝેલા દુઃખી ગાલવ મુનિ વિલાપ કરવા લાગ્યા. મારા વળી ધનવાન મિત્રો ક્યાં છે? હું ધન ક્યાંથી લાવીશ? મારા માટે ધનનો સંગ્રહ ક્યાં થયો હશે? ચંદ્ર જેવા શ્વેત આઠસો અશ્વ મને ક્યાંથી મળશે?

આવી અવસ્થામાં મને ભોજનની રુચિ ક્યાંથી? સુખ ભોગવાની ઇચ્છા ક્યાંથી? આ જીવનનું પ્રયોજન ક્યું? જીવનનો મારો ઉત્સાહ જ મરી પરવાર્યો છે? હું સમુદ્રની પાર કે પૃથ્વીથી દૂર જઈને આ શરીરનો ત્યાગ કરીશ. મારા જીવનનું પ્રયોજન ક્યાં છે? જે નિર્ધન છે, જેના મનવાંછિત ફળની સિદ્ધિ નથી થઈ, વિવિધ કર્મફળથી વંચિત રહીને જે માત્ર ઋણભાર વધારી રહ્યો છે, એવા મનુષ્યને વિના ઉદ્યમનું જીવન શા કામનું? જે ઇચ્છાનુસાર પ્રેમસંબંધ સ્થાપીને મિત્રોનું ધન ભોગવીને તેમના ઉપકારનો બદલો વાળી શકતો ન હોય, તેણે જીવવાને બદલે મરી જવું જોઈએ. જે માનવી ‘હું આમ કરીશ’ કહીને કાર્ય ક્રવાની પ્રતિજ્ઞા કરે અને એ કાર્ય ન કરી શકે તો એ અસત્યવચનથી દાઝીને તે પુરુષનાં બધાં ઇષ્ટ કાર્યો નાશ પામે છે. સત્ય વિનાનું મનુષ્યજીવન શૂન્ય છે, મિથ્યાભાષીને સંતતિ નથી થતી, અસત્ય બોલનારને મહત્ત્વ નથી મળતું, તો પછી તેને શુભ ગતિ પ્રાપ્ત થાય જ કેવી રીતે? કૃતઘ્ન મનુષ્યને યશ ક્યાંથી મળે? એને સુખ ક્યાંથી? એનું સ્થાન શું? કૃતઘ્ન મનુષ્યનો વિશ્વાસ કોણ કરે? તેનો ઉદ્ધાર ન થાય. નિર્ધન અને પાપી મનુષ્યનું જીવન વાસ્તવમાં જીવન નથી. પાપી માનવી કુટુંબનું પોષણ કેવી રીતે કરી શકે? એવો માનવી પોતાનાં પુણ્યકર્મોનો નાશ કરાવીને પોતે પણ નાશ પામે છે. હું પાપી છું, કૃતઘ્ન છું, કૃપણ છું, મિથ્યાભાષી છું, ગુરુ પાસેથી તો કાર્ય કરાવી લીધું પણ ગુરુદક્ષિણા આપવાનું વચન આપ્યું છે તે પાળી શકતો નથી. એટલે હું કોઈ ઉત્તમ પ્રયત્ન કરીને મારા પ્રાણ ત્યજી દઈશ. મેં અત્યાર સુધી દેવતાઓ આગળ કોઈ યાચના કરી નથી. બધા દેવ યજ્ઞમાં મારો સમાદર કરે છે. હવે હું ત્રિભુવનના સ્વામી, બધાના શ્રેષ્ઠ આશ્રય એવા વિષ્ણુના શરણમાં જઉં છું, તેમની કૃપાથી સમસ્ત દેવતાઓને અને અસુરોને ઇચ્છાપ્રમાણે ભોગ પ્રાપ્ત થાય છે, તેવો અવિનાશી મહાયોગી વિષ્ણુના દર્શન મારે કરવા છે.’

ગાલવે આમ કહ્યું એટલે વિનતાનંદન ગરુડે અત્યંત પ્રસન્ન થઈને તેમનું પ્રિય કરવાની ઇચ્છાથી દર્શન આપ્યાં અને કહ્યું, ‘ગાલવ, તમે મારા પ્રિય મિત્ર છો, સુહૃદોમાં પણ સુહૃદ છો. મિત્રોનું કર્તવ્ય છે કે જો તેમની પાસે ધનવૈભવ હોય તો પોતાના સુહૃદનો ઇચ્છિત મનોરથ પૂરો કરે. હે વિપ્ર, મારો સૌથી મોટો વૈભવ ઇન્દ્રના નાના ભાઈ વિષ્ણુ છે, મેં પહેલાં તમારા માટે તેમની સમક્ષ નિવેદન કર્યું હતું અને તેમણે મારી ઇચ્છા પૂરી કરી હતી. તો ચાલો, આપણે બંને જઈએ, ગાલવ, હું તમને સુખપૂર્વક પૃથ્વીમાં અને સમુદ્રની પાર વિષ્ણુ જ્યાં છે ત્યાં તમને લઈ જઉં, ચાલો, મોડું ન કરીએ. વિષ્ણુ ભગવાને તમારી સહાય માટે મને કહ્યું છે, તો આપણે સૌથી પહેલાં કઈ દિશામાં જઈએ? હે દ્વિજશ્રેષ્ઠ ગાલવ, કહો, પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણમાંથી કઈ દિશામાં જઈએ?’

‘આ પૂર્વ દિશામાં સંપૂર્ણ લોકને ઉત્પન્ન કરનાર અને પ્રભાવિત કરનાર સૂર્યનો ઉદય થાય છે, આ દિશામાં ઋષિમુનિઓ સંધ્યાકાળે તપ કરે છે. આ દિશામાં સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરનારી બુદ્ધિ પહેલાં ઉત્પન્ન થઈ છે. ધર્મનાં નેત્ર જેવાં સૂર્યચંદ્ર પ્રગટ થાય છે, અહીં ધર્મ પ્રતિષ્ઠિત થયો છે. આ દિશામાં હવિનું હવન કરવાથી તે બધી જ દિશાઓમાં પ્રસરી જાય છે, આ દિશા દિવસનું તથા સૂર્યમાર્ગનું દ્વાર છે. આ દિશામાં દક્ષની કન્યાઓએ પ્રજા ઉત્પન્ન કરી હતી અને અહીં કશ્યપનાં સંતાનો મોટાં થયાં હતાં, અહીં દેવતાઓની શ્રી(લક્ષ્મી)નું મૂળ સ્થાન છે, અહીં શક્ર(ઇન્દ્ર)નો રાજ્યાભિષેક થયો હતો, આ દિશામાં દેવોએ તપ કર્યું હતું. આ કારણે આ દિશાને પૂર્વ કહે છે, બહુ પહેલાં આ દિશા દેવોથી છવાયેલી હતી. એટલે આ દિશા બધી દિશાની આદિ દિશા છે, સુખની ઇચ્છા રાખનારાઓએ દેવ વિષયક કાર્યો આ દિશામાં કરવાં જોઈએ. પ્રજાપતિ બ્રહ્માએ આ દિશામાં પહેલાં વેદગાન કર્યું હતું. સવિતાનારાયણ દેવે (સૂર્યે) અહીં બ્રહ્મવાદીઓને સાવિત્રી મંત્રનો ઉપદેશ આપ્યો હતો.

હે બ્રહ્મવર્ય, અહીં જ સૂર્યે શુક્લ યજુર્વેદના મંત્ર ઋષિને આપ્યા હતા. અને અહીં વરદાન પામેલા દેવ યજ્ઞમાં સોમરસનું પાન કરે છે. આ દિશામાં યજ્ઞો દ્વારા તૃપ્ત થયેલા અગ્નિ યોનિસ્વરૂપ જળનો ઉપભોગ કરે છે, અહીં પાતાલમાં આશ્રય લઈને વરુણે શ્રી(લક્ષ્મી) પ્રાપ્ત કરી હતી. અહીં પુરાતન ઋષિ વસિષ્ઠ થઈ ગયા હતા, અહીં તેમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને અહીં તેમનું મૃત્યુ થયું હતું. આ દિશામાં ઓમ-પ્રણવ મંત્રની સહ શાખાઓ પ્રગટી છે અને અહીં ઋષિમુનિઓ હવિષ્ય યજ્ઞમાં સોમરસનું પાન કરે છે. અહીં ઇન્દ્રે યજ્ઞ ભાગને માટે વનમાં વરાહ તથા અન્ય પ્રાણીઓ દેવલોકોને આપ્યાં હતાં, બીજાઓનું અહિત કરનારા, કૃતઘ્ન, અસુરલોકનો ક્રોધ કરીને સૂર્ય વિનાશ કરે છે અને તેમનું આયુષ્ય ઓછું કરે છે. આ પૂર્વ દિશા ત્રિલોકનું, સ્વર્ગનું અને સુખનું પ્રવેશદ્વાર છે. ઇચ્છા હોય તો આ દિશામાં આપણે બંને પ્રવેશીએ. હું જેમની આજ્ઞાને અધીન છું તે વિષ્ણુનું પ્રિય કાર્ય મારે કરવાનું છે, હું ગાલવ, કહો ત્યારે અહીંથી આગળ જઈએ કે બીજી દિશાનું વર્ણન પણ કરું તે તમે સાંભળો.

એક સમયે ભગવાન વિવસ્વાને (સૂર્યે) વેદની વિધિ પ્રમાણે ગુરુને દક્ષિણા રૂપે આ દિશાનું દાન કર્યું હતું, એટલે તેને દક્ષિણ દિશા કહે છે. હે બ્રાહ્મણ, ત્રણે લોકના પિતૃઓ આ દિશામાં પ્રતિષ્ઠિત છે અને ઉષ્મપ દેવોનો નિવાસ પણ છે એવું સાંભળ્યું છે. પિતૃઓની સાથે વિશ્વદેવો અહીં જ વસે છે, બધા લોકોમાં પિતૃઓની જેમ સરખો ભાગ પ્રાપ્ત કરે છે. હે વિપ્ર, આ દિશાને ધર્મનું બીજું દ્વાર કહે છે. અહીં ઋટિ અને લવ જેવા સૂક્ષ્મ કાલાંશો પર દૃષ્ટિ રાખીને બધાનો ચોક્કસ કાલનિર્ણય ગણવામાં આવે છે. દેવર્ષિ, પિતૃલોકના ઋષિ તથા રાજર્ષિઓ દુઃખરહિત થઈને સદા આ દિશામાં નિવાસ કરે છે.

અહીં રહીને ધર્મની પાસે પ્રાણીઓના ધર્મ, સત્ય અને કર્મો વિશે ચિત્રગુપ્ત દ્વારા સંભળાય છે, મૃતાત્માઓ અને તેમનાં કર્મ આ દિશામાં જોવા મળે છે. આ દિશામાં મૃત્યુ પછી બધા જીવોએ જવું પડે છે, અહીં અજ્ઞાન રૂપી અંધકાર છે, એટલે સુખપૂર્વક જઈ શકાતું નથી. પ્રતિકૂળ સ્વભાવ અને આચરણવાળા હજારો રાક્ષસો બ્રહ્માએ અહીં મૂક્યા છે, તેમનું દર્શન અપવિત્ર હૃદયવાળા લોકોને થાય છે. અહીં મંદરાચલની કુંજોમાં અને બ્રહ્મર્ષિઓનાં સદનોમાં ચિત્ત અને બુદ્ધિને આકર્ષનાર ગાથાઓનું ગાન ગંધર્વો કરે છે. એક જમાનામાં અહીં રૈવત નામના રાજા ગાથાઓ રૂપી સામગાન સાંભળતાં સાંભળતાં પત્ની, અમાત્ય અને રાજ્ય ત્યજીને વનમાં જતા રહ્યા હતા. હે બ્રાહ્મણ, આ દિશામાં સાવણિર્ મનુ અને યવક્રીતના પુત્રે સૂર્યની ગતિની મર્યાદા બાંધી હતી, તેનું ઉલ્લંઘન સૂર્ય કરતા નથી. અહીં પુલસ્ત્ય વંશના રાવણે તપ કરીને દેવતાઓથી નહીં મરું એવું વરદાન મેળવ્યું હતું. આ દિશામાં બનેલી ઘટનાને કારણે વૃત્રાસુર ઇન્દ્રનો શત્રુ બન્યો હતો. અહીં આવીને બધાના પ્રાણ ફરી પાંચ વિભાગમાં વહેંચાઈ જાય છે. હે ગાલવ, આ દિશામાં પાપી મનુષ્યો બળી મરે છે, વૈતરણી નદી આ નરકને ભોગવનારાઓથી ભરેલી રહે છે. આ દિશામાં આવીને મનુષ્યો સુખ અને દુઃખ પામે છે. દક્ષિણ દિશામાં આવીને સૂર્ય જળવૃષ્ટિ કરે છે. ઘનિષ્ઠ નક્ષત્રમાં શિશિરકાળે હિમવર્ષા કરે છે.

હે ગાલવ, એક સમયે હું ભૂખને કારણે ચિંતાતુર હતો, પરંતુ આ દિશામાં મને વિશાળ હાથી અને કાચબો પ્રાપ્ત થયા, તે બંને એકબીજા સાથે લડી રહ્યા હતા.

સૂર્ય સમાન તેજસ્વી શક્રધનુ મહર્ષિ અહીં રહેતા હતા, તેમને બધા કપિલ ઋષિ તરીકે ઓળખતા હતા. તેમણે સગરના પુત્રોને ભસ્મ કર્યા હતા. આ દિશામાં શિવ નામે ઓળખાતા વેદનિપુણ બ્રાહ્મણો રહેતા હતા. વેદોનો અભ્યાસ કરીને તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. અહીં વાસુકિએ સાચવેલી તથા તક્ષક ને ઐરાવતે રક્ષેલી ભોગવતી નામની નગરી છે. અહીં મૃત્યુ પછી આવનારાં પ્રાણીઓને જે અંધકારનો ભેટો થાય છે તે અગ્નિ અને સૂર્ય દ્વારા પણ અભેદ્ય હોય છે. હે ગાલવ, આ દક્ષિણ માર્ગ છે, જો આ દિશામાં જવું હોય તો કહે નહીંતર પશ્ચિમ દિશાનું વર્ણન સાંભળ.

આ દિશા દિગ્પાલ રાજા અને જલના સ્વામી વરુણની પ્રિય દિશા છે, તે એમનું ઉત્પત્તિસ્થાન છે અને એમની પ્રતિષ્ઠા ત્યાં થઈ છે. દિવસ પૂરો થયા એટલે સૂર્ય સ્વયં પોતાનાં કિરણોનું અહીં વિસર્જન કરે છે. એટલે તેનું નામ પશ્ચિમ પડ્યું છે. એક સમયે ભગવાન કશ્યપે જલજંતુઓ અને જલની રક્ષા માટે આ દિશામાં વરુણનો અભિષેક કર્યો હતો. અંધકારનો નાશ કરવાવાળા ચંદ્ર રસોનું પાન કરીને શુક્લ પક્ષના આરંભે આ દિશામાં ઊગે છે. હે દ્વિજ, વાયુદેવે અહીં દૈત્યોને પરાઙ્મુખ, આબદ્ધ અને પીડિત કર્યા હતા, તેઓ નિ:શ્વાસ મૂકીને ધરાશાયી થઈ ગયા હતા. અહીં અસ્તાચલ છે, તે પોતાના પ્રીતિપાત્ર સૂર્યને નિત્ય ગ્રહણ કરે છે અને અહીંથી જ પશ્ચિમ સંધ્યાનો પ્રસાર થાય છે. દિવસના અંતે જીવલોકોની અર્ધી જિંદગી હરી લેવા માટે રાત્રિ અને નિદ્રા પ્રગટે છે. આ દિશામાં ઇન્દ્રે સૂતેલી સગર્ભા દિતિના ઉદરમાં પ્રવેશી ગર્ભનો છેદ કર્યો હતો અને અહીં મરુત્ગણોની ઉત્પત્તિ થઈ હતી. અહીં હિમાલયનો મૂળ ભાગ નિત્ય મંદરાચલ સુધી ફેલાઈને તેનો સ્પર્શ કરે છે, હજાર વર્ષોમાં પણ તેનો અંત પામવો અઘરો છે. આ દિશામાં સુવર્ણપર્વત તથા સુવર્ણકમલથી શોભતા ઉદધિના કિનારા સુધી સુરભિ દૂધ વહેવડાવે છે, અહીં સમુદ્રની મધ્યમાં સૂર્ય સમાન તેજસ્વી રાહુનો કબંધ દેખાય છે, આ રાહુ સૂર્ય અને ચંદ્રને મારી નાખવાની ઇચ્છા ધરાવતો હતો. આ જ દિશામાં હરિમેધા ઋષિની કન્યા ધ્વજવતીનો નિવાસ છે, સૂર્યની આજ્ઞા — થોભી જા — થોભી જા વડે આકાશમાં સ્થિર છે. હે ગાલવ, અહી વાયુ, જળ, અગ્નિ અને આકાશ — આ બધા રાત્રિ અને દિવસના દુઃખદ સ્પર્શનો ત્યાગ કરે છે, અહીંથી જ સૂર્ય તિર્યક્ ગતિથી ચકરાવો આરંભે છે. અહીં બધી જ્યોતિઓ સૂર્યમંડળમાં પ્રવેશે છે. અઠ્ઠાવીસ નક્ષત્રોમાંથી પ્રત્યેક અઠ્ઠાવીસમે દિવસે સૂર્યની સાથે વિચરણ કરીને ફરી સૂર્યમંડળથી પૃથક્ થાય છે. આ દિશાથી મોટા ભાગની જે નદીઓ નીકળે છે તેમનાં પાણીથી સાગર ભરાય છે, અહીં ત્રિભુવન માટે ઉપયોગી વરુણાલયમાં જલરાશિ સંચિત છે. અહીં સર્પરાજ અનન્તનો નિવાસ છે, આદિ — અંત વિનાના વિષ્ણુનું અહીં સર્વોત્તમ સ્થાન છે. અહીં અનલ(અગ્નિ)ના મિત્ર વાયુદેવનું ભવન છે, મરીચિપુત્ર મહર્ષિ કશ્યપ ઋષિનો આશ્રમ છે. હે ગાલવ, આમ મેં તમને પશ્ચિમનો માર્ગ બતાવ્યો. હવે કહો — શો વિચાર છે? ક્યાં જઈએ?

હે ગાલવ, આ માર્ગે જવાથી માનવી પાપમુક્ત થાય છે અને કલ્યાણને પામે છે, એટલે તેને ઉત્તારણનું ફળ આપનારી ઉત્તર દિશા કહે છે. આ ઉત્તર દિશા સુવર્ણનિધિઓનો ભંડાર છે, પૂર્વ અને પશ્ચિમ દિશાનો આ મધ્યમ માર્ગ છે. આ ઉત્તમ દિશામાં સૌમ્ય પ્રકૃતિના ન હોય, મનને વશ કર્યું ન હોય, ધર્મપાલન ન કરતા હોય એવા લોકો અહીં વસતા નથી. અહીં બદ્રિકાશ્રમ છે, આ આશ્રમમાં નરનારાયણ તથા શાશ્વત બ્રહ્મા વસે છે. હિમાલયના શિખર પર મહેશ્વર વસે છે, અહીં જ ચંદ્રની પ્રતિષ્ઠા દ્વિજરાજ તરીકે થઈ હતી. અહીં આકાશમાંથી અવતરતી ગંગાને મહાદેવે ઝીલી અને મનુષ્યલોકમાં વહેવડાવી હતી. અહી જ શંકરને પામવા પાર્વતીએ કઠોર તપ કર્યું હતું. અહીં શંકરે કામદેવ પર ક્રોધ કર્યો, તે વેળાએ હિમાલય ત્યાં હતા, ઉમા હતી, બીજા પણ હતા.

હે ગાલવ, આ દિશામાં કૈલાસ પર્વત ઉપર રાક્ષસો, યક્ષો અને ગંધર્વોના આધિપત્ય માટે ધનદાતા કુબેરનો અભિષેક થયો. અહીં રમ્ય ચૈત્રરથ વન છે, વૈખાનસ ઋષિનો આશ્રમ છે. અહીં મંદાકિની છે અને મંદરાચલ પર્વત છે. અહીં સૌગંધિક વનની રક્ષા થાય છે. ઘાસથી સુશોભિત કદલીવન છે, કલ્પવૃક્ષ છે. અહીં સંયમ પાળનારા સ્વૈરચારી સિદ્ધોના ઇચ્છાનુસાર ભોગ માટે અનુરૂપ વિમાનો છે. આ દિશામાં અરુંધતી અને સપ્તર્ષિ છે, સ્વાતિ નક્ષત્ર છે અને અહીં તેનો ઉદય થાય છે. આ ઉત્તર દિશામાં બ્રહ્મા યજ્ઞવિધિમાં પ્રવૃત્ત રહી નિવાસ કરે છે. નક્ષત્રો, ચંદ્ર અને સૂર્ય અહીં નિત્ય પરિભ્રમણ કરે છે. હે દ્વિજશ્રેષ્ઠ, અહી ધામ નામના સત્યવાદી — મહાત્મા મુનિ ગાયંતિકાદ્વારની રક્ષા કરે છે. તેમની મૂર્તિ, આકૃતિ કે તપસ્યા વિશે કોઈ જાણતું નથી. હે ગાલવ, તે હજારો યુગાન્તકાલનું આયુષ્ય ધરાવી કામભોગમાં રત છે. જેમ જેમ માનવી આ દ્વારથી આગળ વધે છે તેમ તેમ હિમમાં ઓગળતો જાય છે. અવિનાશી નરનારાયણને બાદ કરતાં કોઈ માનવી આ દ્વારથી આગળ ગયો નથી. આ દિશામાં કુબેરના આલય જેવો કૈલાસ છે, ત્યાં વિદ્યુત્પ્રભા નામની અપ્સરા જન્મી હતી, ત્રિલોકને માપવા જતાં વિષ્ણુએ અહીં પોતાનો પગ મૂક્યો હતો. ઉત્તર દિશામાં હરિપદચિહ્ન છે. ઉત્તર દિશાના ઉશીરબીજ સ્થળે રાજા મરુતે યજ્ઞ કર્યો હતો. અહીં મહાત્મા જીમૂત સમક્ષ હિમાલયની પવિત્ર, વિતલ સ્વર્ણનિધિ પ્રગટ્યો હતો. આ વિશાળ ધનરાશિ બ્રાહ્મણોને વહેંચી આપ્યો, માગેલા વરદાનથી આ ધન જૈમૂત નામથી પ્રસિદ્ધ થયું. હે ગાલવ, અહીં નિત્ય સવારે અને સાંજે બધા દિગ્પાલો મોટેથી પૂછે છે, કોઈને કશું કામ છે? આને લીધે અને અન્ય ગુણોને લીધે આ દિશા ઉત્કૃષ્ટ છે, બધાં શુભ કર્યો માટે ઉત્તમ છે, એટલે તે ઉત્તર કહેવાય છે.

હે તાત! આ રીતે મેં વારાફરતી બધી દિશાઓનું વર્ણન વિસ્તારથી કર્યું છે. કહો, કઈ દિશામાં જવું છે. હે દ્વિજ, હું તને આખી પૃથ્વી અને બધી દિશાઓનું દર્શન કરાવવા તત્પર છું. તું મારી પીઠ પર બેસી જા.’

ગાલવે કહ્યું, ‘હે ગરુડ, ભુજગશત્રુ, સુપર્ણ, હે વિનતાનંદન, તું પહેલાં મને પૂર્વ દિશામાં લઈ જા, જ્યાં ધર્મનાં નેત્ર જેવા સૂર્ય અને ચંદ્ર પ્રકાશે છે. પહેલાં જે દિશાનું વર્ણન કર્યું તે દિશામાં જઈએ, ત્યાં દેવતાઓનું સાન્નિધ્ય તેં બતાવ્યું છે; સત્ય અને ધર્મની સ્થિતિ પણ સારી રીતે તેં બતાવી છે. અરુણના નાના ભાઈ, હું બધા દેવતાઓનું દર્શન કરવા માગું છું.’

ત્યારે વિનતાનંદન ગરુડે વિપ્ર ગાલવને કહ્યું, ‘તું મારી પીઠ પર બેસી જા.’ એટલે ગાલવ ગરુડની પીઠ પર બેઠા.

ગાલવે કહ્યું, ‘હે સર્વનાશી ગરુડ, પ્રભાતે હજારો કિરણોથી સુશોભિત ભાસ્કરના જેવું જ તારું રૂપ દેખાય છે, હે પક્ષીરાજ, તારી પાંખોના ફફ્ડાટથી ઊખડેલાં વૃક્ષો પાછળ પાછળ આવે છે. તેઓ પણ આપણી સાથે આવવા માગતાં હોય એમ લાગે છે. હે આકાશગામી ગરુડ, તું તારી પાંખોના વેગથી ઉત્પન્ન થતા વાયુ દ્વારા સમુદ્ર, વન, પર્વત, કાનનોને તારી પાસે ખેંચી રહ્યો છે. પાંખોથી ઉત્પન્ન થતા વાયુના વેગથી માછલી, જલહસ્તી, મગરો સાથે સમુદ્રનું જલ આકાશમાં ઊછળી રહ્યું છે. મુખ અને આકાર એક હોય એવા મત્સ્વ, તિમિ, તિમિંગલો ને તથા હાથી, ઘોડા, માનવમુખ જેવા જલજંતુઓને ખળભળતાં જોઉં છું. મહાસાગરની ભીષણ ગર્જનાઓએ મારા કાન બહેરા કરી દીધા છે. હું નથી સાંભળી શકતો, નથી જોઈ શકતો, મારા બચાવનો કોઈ ઉપાય સૂઝતો નથી. હે ગરુડ, તારાથી બ્રહ્મહત્યા થઈ ન જાય તેનું ધ્યાન રાખજે. અત્યારે મને સૂર્ય દેખાતો નથી, દિશાઓ દેખાતી નથી, આકાશ પણ દેખાતું નથી. મને અંધકાર જ દેખાય છે, તારા શરીરને જોઈ શકતો નથી. તારી બંને આંખો બે ઉત્તમ મણિની જેમ દેખાય છે. હું નથી તારા શરીરને જોઈ શકતો કે નથી મારા શરીરને, પળે પળે જળમાંથી પ્રગટતી અગ્નિજ્વાળાઓ દેખાય છે. હે વિનતાનંદન, તું આ આગને હમણાં જ ઓલવી નાખ, ફરી બંને નેત્રોને શાંત કર અને તારી ગતિને ધીમી પાડ. હે ગરુડ, આ યાત્રાનું મારે કોઈ પ્રયોજન નથી, હે મહાવેગવાન, હું તારો વેગ સહી શકતો નથી. મેં ચંદ્રમા જેવા શુભ્ર અને એક કાને શ્યામ વર્ણના આઠસો અશ્વનું વચન ગુરુને આપ્યું છે. પરંતુ આ અશ્વ કેવી રીતે અપાશે તેનો કોઈ રસ્તો દેખાતો નથી. એટલે જ મેં મારા જીવનનો ત્યાગ કરવાનો રસ્તો અપનાવ્યો છે. મારી પાસે થોડુંય ધન નથી, કોઈ ધનવાન મિત્ર નથી, આ કાર્ય અઢળક ધન ખર્ચીને પણ સિદ્ધ ન થઈ શકે એવું છે.’

આ પ્રમાણેનાં દીન વચન સાંભળીને વિનતાનંદન ગરુડે રસ્તામાં જ ગાલવને હસતાં હસતાં કહ્યું,

‘જો તમે પ્રાણત્યાગ કરવા માગતા હો તો તમે બુદ્ધિશાળી નથી, કારણ કે મૃત્યુ કૃત્રિમ નથી, કાળ તો પરમેશ્વર છે. તમે પહેલેથી જ આ વાત કેમ ન કહી? મને ઉપાય દેખાય છે, તેનાથી કાર્ય સિદ્ધ થશે. ગાલવ, સમુદ્ર પાસે ઋષભ નામનો પર્વત છે, ત્યાં વિશ્રામ કરીને તથા ભોજન કરીને આપણે જઈશું.’

ત્યાર પછી ઋષભ પર્વતના શિખર પર ઊતરીને બંનેએ તપસ્વિની શાંડિલી બ્રાહ્મણીને જોઈ. ગરુડે તેમનું અભિવાદન કર્યું, ગાલવે તેમની પૂજા કરી. બ્રાહ્મણીએ પણ બંનેનું સ્વાગત કરીને બેસવા આસન આપ્યું, બંને ત્યા બેઠા. તપસ્વિનીએ તેમને શેષ વધેલું અને મંત્રયુક્ત સિદ્ધ અન્ન આપ્યું. તે આરોગીને બંને તૃપ્ત થયા, ભૂમિ પર સૂઈ ગયા, અને નિદ્રાવશ થઈ ગયા. થોડા જ સમય પછી ત્યાંથી જવાની ઇચ્છા થઈ એટલે ગરુડ જાગી ગયા. અને જોયું તો પોતાના શરીર પર પાંખો ન હતી. મોં અને પગ હોવા છતાં પાંખો વગર તે માંસપિંડ જેવા લાગ્યા. તેમને આ હાલતમાં જોઈને ગાલવે દુઃખી થઈને પૂછ્યું, ‘અહીં આવીને આ કેવું ફળ મળ્યું? આ અવસ્થામાં આપણે અહીં કેટલો સમય રહેવું પડશે? ધર્મને દૂષિત કરનારું કયું અશુભ ચિંતન તેં મનમાં કર્યુ, મારી દૃષ્ટિએ તારાથી કશું ધર્મવિરુદ્ધ થયું નહીં હોય.’

ત્યારે ગરુડે કહ્યું, ‘હે દ્વિજ, મેં તો એવો વિચાર કર્યો હતો કે આ સિદ્ધ તપસ્વિનીને જ્યાં પ્રજાપતિ છે ત્યાં પહોંચાડું, તેમણે તો સનાતન વિષ્ણુ, મહાદેવ જ્યાં હોય, જ્યાં ધર્મ યજ્ઞ હોય ત્યાં નિવાસ કરવો જોઈએ. હવે હું ભગવતીને પગે પડીને પ્રાર્થના કરું છું કે મેં મનમાં તમારું પ્રિય કરવાની ઇચ્છાથી આ વાત વિચારી છે. તમારા પ્રત્યે આદર હોવાથી અહીં આવો વિચાર કર્યો, કદાચ તમને યોગ્ય ન લાગ્યો હોય. આ સત્કૃત્ય છે કે દુષ્કૃત્ય — તમારા માહાત્મ્ય વડે મારા આ અપરાધની ક્ષમા કરો.’

આ સાંભળીને પ્રસન્ન થયેલી તપસ્પિનીએ પક્ષીરાજ અને વિપ્રને કહ્યું, ‘સુપર્ણ, તારી પાંખો સુંદર થશે, તું ભયભીત ન થઈશ, બીક ત્યજી દે. વત્સ, તેં મારી નિન્દા કરી છે, નિન્દા મારાથી વેઠાતી નથી, જે પાપી મારી નિન્દા કરશે તે પુણ્યલોકથી પતન પામશે. અશુભ લક્ષણો વિનાની અને અનિંદિત એવી મેં સદાચારનું પાલન કરીને આ ઉત્તમ સિદ્ધિ મેળવી છે. આચારથી ધર્મ પ્રાપ્ત થાય છે, આચારથી ધન પ્રાપ્ત થાય છે, આચારથી શ્રી પ્રાપ્ત થાય છે, આચાર અશુભ લક્ષણોનો નાશ કરે છે. એટલે હે ખગપતિ (પક્ષીરાજ) તમારે હવે જ્યાં જવું છે ત્યાં જાઓ. હવે તું મારી નિંદા ન કરીશ, કોઈ પણ સ્ત્રીની નિંદા કરવી અનુચિત છે. હવે તું પહેલાંની જેમ બલવાન અને શક્તિશાળી થઈ જઈશ.’ આમ કહેતાંની સાથે ગરુડની પાંખો વધુ શક્તિશાળી થઈ ગઈ. પછી શાંડિલીની આજ્ઞા લઈને જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા. ગાલવે બતાવેલા ઘોડા મળી ન શક્યા. ગાલવને આવતો જોઈ શ્રેષ્ઠ વિશ્વામિત્ર ઊભા રહી ગયા અને ગરુડની પાસે જઈને બોલ્યા, ‘હે બ્રાહ્મણ, તેં જાતે જે ધન આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે આપવાનો સમય આવી ગયો છે. હવે ઠીક લાગે તે કર. હું તારી પ્રતીક્ષા કરીશ, જે પ્રકારે કાર્ય સિદ્ધ થાય તેનો વિચાર કરો.’ ત્યારે દીન અને ખૂબ જ દુઃખી થયેલા ગાલવને ગરુડે કહ્યું, ‘મારી સામે વિશ્વામિત્ર જે બોલ્યા તે વિશે આપણે વિચાર કરીએ, ગુરુને ધન ચૂકવ્યા વિના તારાથી બેસી ન રહેવાય.’ ત્યાર પછી દીન ગાલવને શ્રેષ્ઠ ગરુડે કહ્યું, ‘પૃથ્વીની ભીતરના સારતત્ત્વને અગ્નિએ તપાવીને જેનું નિર્માણ કર્યું છે અને અગ્નિને પ્રદીપ્ત કરનારા વાયુએ જેનું શોધન કર્યું છે તે સુવર્ણને હિરણ્ય કહે છે. આ સર્વ હિરણ્યમય છે એટલે તેને હિરણ્ય કહે છે. તે આ જગતને ધારણ કરે છે અને બીજાઓ પાસે ધારણ કરાવે છે. એટલે તેનું નામ ધન છે, આ ધન ત્રણે લોકમાં કાયમ સ્થિર રહે છે.

ભાદ્રપ્રદ નક્ષત્રની સાથે જો શુક્રવારનો યોગ થાય તો અગ્નિ કુબેર માટે સંકલ્પ દ્વારા ધન નિર્માણ કરીને મનુષ્યોને આપે છે. અજૈકપાદ, અહિર્બુધ્ન્ય અને કુબેર — આ ત્રણે ધનની રક્ષા કરે છે. એટલે જેના પ્રારબ્ધમાં ધન નથી તેને ધન મળી શકતું નથી. અને ધન વિના તને ઘોડા નહીં મળી શકે. એટલે રાજર્ષિઓમાં ઉત્પન્ન થયેલા કોઈ રાજા પાસે જઈને ધનની માગણી કરીએ, નગરજનોને ત્રાસ આપ્યા વિના આપણને ધન આપીને કૃતાર્થ કરી શકે. ચંદ્રવંશના એક રાજા મારા મિત્ર છે, આપણે તેમની પાસે જઈએ, તેમની પાસે પુષ્કળ ધન છે. તેમનું નામ યયાતિ છે, તેઓ નહુષના પુત્ર છે. તેઓ સત્યવાદી છે, પરાક્રમી છે. તમે માગશો અને હું કહીશ એટલે તમને ધન આપશે. તેમની પાસે ધનપતિની જેમ મહાન વૈભવ છે, આવી રીતે દાન લઈને તમે ગુરુદક્ષિણા ચૂકવી દો.’

આમ બંને વાતો કરતા અને ઉચિત કર્તવ્ય મનમાં વિચારતા બંને નરપતિ, યયાતિને ત્યાં જઈ પહોંચ્યા. રાજાએ સત્કાર કરીને જે શ્રેષ્ઠ અર્ધ્ય, ભોજન આપ્યાં તે ગ્રહણ કરીને વિનતાપુત્રે આગમનનું પ્રયોજન બતાવ્યું.

‘હે નહુષપુત્ર, આ તપોનિધિ ગાલવ મારા મિત્ર છે. તેઓ અયુત વર્ષો સુધી વિશ્વામિત્રના શિષ્ય રહ્યા હતા. વિશ્વામિત્રે તેમની સેવાના ફળ રૂપે ઘેર જવાની આજ્ઞા આપી. ત્યારે તેમણે ગુરુને પૂછ્યું- ભગવન્, હું કઈ ગુરુદક્ષિણા આપું? અનેક વેળા આમ કહેવાથી ગુરુને ક્રોધ આવ્યો, શિષ્ય પાસે ધન નથી એ જાણવા છતાં તેમણે કહ્યું, ‘ગાલવ, મને કુળવાન આઠસો ઘોડા આપો, તેમનું શરીર ચંદ્ર જેવું હોય અને એના કાન શ્યામ હોય. એટલે જો મારી વાત માનો તો આ જ ગુરુદક્ષિણા. તપસ્વી વિશ્વામિત્રે આ વાત ક્રોધે ભરાઈને કહી હતી. આ દ્વિજશ્રેષ્ઠ શોકથી સંતપ્ત થયા, ગુરુદક્ષિણા ચૂકવી ન શક્યા એટલે તમારા શરણે આવ્યા છે. હે રાજા, તમારી પાસેથી ભિક્ષા ગ્રહણ કરીને ગુરુને ધન આપશે અને વ્યથામુક્ત થઈને તપ કરવા માંડશે. પોતાની તપસ્યાના એક અંશથી તમને પણ યોજશે. તમે તમારા રાજર્ષિતપથી પૂર્ણ છો છતાં બ્રહ્મતપથી વધુ પરિપૂર્ણ થશો. નરેશ્વર, હે મહીપતિ, અહીં દાન કરેલા અશ્વોના શરીરે જેટલા રોમ છે તેટલા અશ્વ દાન કરનારાઓને પરલોકમાં પ્રાપ્ત થશે. આ ગાલવ દાન માટે સુપાત્ર છે, તમે દાન આપવા સુપાત્ર છે. જેવી રીતે શંખમાં દૂધ હોય તેમ આપના હાથમાં આપેલું દાન શોભી ઊઠશે.’

ગરુડે આ પ્રકારે યથાર્થ અને ઉત્તમ વાત કહી. એટલે વારંવાર વિચારીને, નિશ્ચય કરીને હજારો યજ્ઞ કરનારા રાજા દાતા, ધનપતિ, પ્રભુ યયાતિ આ પ્રકારે બોલ્યા. રાજાએ પોતાના મિત્ર ગરુડ અને વિપ્રશ્રેષ્ઠ ગાલવને પોતાને ત્યાં જોઈને તથા તેમની ઉત્તમ ભિક્ષાની વાત સાંભળીને તેમણે વિચાર્યું, આ બંને સૂર્યવંશના બીજા રાજાઓને ત્યજીને મારી પાસે આવ્યા છે. એટલે તેઓ બોલ્યા, ‘હે નિષ્પાપ ગરુડ, આજે મારો જન્મ સફળ થયો છે, મારા કુળનો ઉદ્ધાર થઈ ગયો, મારા દેશનો ઉદ્ધાર થઈ ગયો. છતાં એક વાત કહું છું. પહેલાંના જેવો ધનવાન હવે હું નથી. મારો વૈભવ ક્ષીણ થઈ ગયો છે. હે ગરુડ, આવી દશામાં પણ હું તમારા આગમનને નિષ્ફળ કરવા માગતો નથી. આ વિપ્રવર્યની આશાનો પણ ભંગ કરવા માગતો નથી. હું તમને કશુંક આપીશ, જેથી આ કાર્ય થઈ શકશે. જો કોઈ યાચક હતાશ થાય તો રાજાના કુળનો વિનાશ થાય. હે વિનતાનંદન, જો કોઈ કશુંક માગે અને તેને ના પાડો તો એનાથી બીજું મોટું પાપ કશું નથી. જ્યારે કોઈ માનવી યાચના કરીને હતાશ અને નિષ્ફળ થાય છે ત્યારે તે મૃત જેવો બની જાય છે, પોતાનું હિત ન કરનારા ધનવાનના પુત્રો અને પૌત્રોના નાશ કરે છે. આ મારી પુત્રી ચાર કુળોની સ્થાપના કરનારી છે. દેવકન્યા જેવી કાંતિ છે, સર્વ ધર્મની વૃદ્ધિ કરનારી છે. હે ગાલવ, એના રૂપથી આકર્ષાઈને દેવ, મનુષ્યો, અસુરો સદા તેની કામના કરે છે. તો આ મારી પુત્રીને સ્વીકારો, એના શુલ્ક પેટે રાજાઓ પોતાનું રાજ્ય આપી દેશે, પછી આઠસો શ્યામકર્ણ અશ્વોની તો વાત જ ક્યાં? એટલે હે પ્રભુ, આ મારી પુત્રી માધવી સ્વીકારો અને મને વરદાન આપો કે મને દૌહિત્રો પ્રાપ્ત થાય.’

ત્યારે ગરુડની સાથેના ગાલવે એ કન્યાનો સ્વીકાર કર્યો તથા કહ્યું, ‘ભલે ફરી મળીશું.’ રાજાને એમ કહીને કન્યા સાથે તેમણે ત્યાંથી વિદાય લીધી. ત્યાર પછી ગરુડે કહ્યું, ‘હવે તને અશ્વોની પ્રાપ્તિનો માર્ગ મળી ગયો છે.’ અને તે પણ પોતાના નિવાસે ગયા. ગરુડના ગયા પછી ગાલવ તે કન્યાની સાથે વિચારવા લાગ્યા, રાજાઓમાં આ કન્યાનું શુલ્ક આપવામાં સમર્થ કોણ છે? મનમાં વિચારીને અયોધ્યાના ઇક્ષ્વાકુ વંશના નૃપતિશ્રેષ્ઠ પરાક્રમી હર્યશ્વની પાસે ગયા, તેઓ ચતુરંગિણી સેના ધરાવતા હતા. કોશ, ધનધાન્ય, સૈનિકો — બધાથી સંપન્ન હતા. નગરજનોના તે પ્રિય હતા. બ્રાહ્મણપ્રિય હતા, પ્રજાના હિતેચ્છુ હતા. તેમનું મન ભોગથી વિરક્ત હતું, ઉત્તમ તપ કરનારા તે હતા. હર્યશ્વ રાજાની પાસે જઈને ગાલવે કહ્યું, ‘રાજેન્દ્ર, મારી આ કન્યા સંતાનો દ્વારા કુળની વૃદ્ધિ કરનારી છે. તમે શુલ્ક આપીને પત્ની તરીકે તેનો સ્વીકાર કરો. હું તમને એનું શુલ્ક કહીશ, પછી તમે વિચારો.’

ત્યાર પછી તે નૃપોત્તમ હર્યશ્વે બહુ વિચાર કર્યો, સંતાનોની ઇચ્છાથી ઉષ્ણ નિશ્વાસ નાખીને બોલ્યા,

‘આ કન્યાના જે છ અંગ ઉન્નત હોવા જોઈએ તે ઉન્નત છે. જે પાંચ અંગ સૂક્ષ્મ હોવા જોઈએ તે સૂક્ષ્મ છે, ત્રણ અંગ ગંભીર છે અને પાંચ અંગ રાતાં છે. દેવતાઓ અને અસુરો માટે તે દર્શનીય છે, ગંધર્વવિદ્યાનું જ્ઞાન છે. અનેક લક્ષણોથી સંપન્ન છે અને અનેક સંતાનોને જન્મ આપી શકે છે. હે વિપ્રવર્ય, આ કન્યા ચક્રવર્તી પુત્રને જન્મ આપી શકે છે. મારો વૈભવ જોઈને તમે એનું શુલ્ક બતાવો.’

ગાલવે કહ્યું, ‘ઉત્તમ પ્રદેશ અને ઉત્તમ જાતિમાં જન્મેલા ચંદ્ર જેવા ઉજ્જ્વળ અને એક કાને શ્યામ વર્ણના આઠસો અશ્વ આપો. એટલે આ મારી વિશાલ નેત્રોવાળી શુભ લક્ષણોવાળી કન્યા જેવી રીતે અરણી અગ્નિ ઉત્પન્ન કરે છે તેમ તમારા તેજસ્વી પુત્રોને જન્મ આપશે.’ આ વાત સાંભળીને કામમોહિત બનેલા હર્યશ્વ મુનિશ્રેષ્ઠ ગાલવને કહેવા લાગ્યા, ‘તમારે જેવા અશ્વ જોઈએ છે તેવા મારી પાસે માત્ર બસો જ છે, પરંતુ બીજા સેંકડો અશ્વ છે, એટલે હે ગાલવ, હું આ કન્યા દ્વારા માત્ર એક જ સંતાનને જન્મ આપીશ. તમે મારો આ મનોરથ પૂરો કરો.’

આ સાંભળીને એ કન્યાએ મહર્ષિ ગાલવને કહ્યું, ‘મને કોઈ બ્રહ્મવાદીએ એક વરદાન આપ્યું હતું કે તું પ્રત્યેક પ્રસૂતિ પછી ફરી કુમારિકા થઈ જાઈશ. એટલે તમે બસો ઉત્તમ અશ્વ લઈને મને રાજાને સોંપી દો. આ પ્રકારે ચાર રાજાઓ પાસેથી બસો બસો અશ્વ લઈને તમારા આઠસો થઈ જશે અને મને ચાર પુત્રો થશે. હે વિપ્રવર, આ રીતે તમે ગુરુદક્ષિણા માટે મારો ઉપયોગ કરો. મારું આમ માનવું છે, પછી તો જેવી તમારી ઇચ્છા.’

કન્યાએ આમ કહ્યું એટલે ગાલવ મુનિએ ભૂપાલ હર્યશ્વને કહ્યું, ‘નરશ્રેષ્ઠ હર્યશ્વ, નિયત શુલ્કનો ચોથો ભાગ આપીને આ કન્યા લો અને એક પુત્રને જન્મ આપો.’

રાજાએ ગાલવ મુનિનું અભિવાદન કરીને તે કન્યા સ્વીકારી , યોગ્ય સમયે મનવાંછિત પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર વસુમના નામથી વિખ્યાત થયો, તે વસુઓના જેવો કાંતિમાન તથા ધનનું મોકળે મને દાન કરનારો થયો. ત્યાર પછી યોગ્ય સમયે બુદ્ધિમાન ગાલવ ત્યાં જઈ ચઢ્યા અને પ્રસન્ન હર્યશ્વને કહેવા લાગ્યા, ‘હે નરેશ, તમને ભાસ્કર(સૂર્ય) જેવો પુત્ર પ્રાપ્ત થયો. હવે ભિક્ષા માટે બીજા રાજા પાસે જવાનો સમય આવી ગયો છે.’ રાજા હર્યશ્વ સત્યવાદી હતા, પુરુષાર્થી હતા છતાં છસો અશ્વ દુર્લભ હતા એટલે માધવી પાછી સોંપી દીધી. માધવી ફરી કુમારિકા બનીને રાજલક્ષ્મી ત્યજીને ગાલવ મુનિની પાછળ પાછળ ચાલવા લાગી. જતી વખતે ગાલવે કહ્યું, ‘તમે આપેલા અશ્વ હમણાં તમારી પાસે જ રાખો.’ એમ કહીને ગાલવ કન્યાની સાથે દિવોદાસ રાજાને ત્યાં ગયા. ‘કાશીનરેશ અને ભીમસેનપુત્ર દિવોદાસ મહાપરાક્રમી છે અને વિખ્યાત છે. આપણે તેમની પાસે જઈએ, તું ધીરે ધીરે ચાલ, કશો શોક ન કરીશ. તે રાજા ધાર્મિક, સંયમી અને સત્યપરાયણ છે.’ ત્યાં ગયા એટલે રાજાએ ગાલવનો સત્કાર કર્યો અને તે રાજાને એ કન્યા દ્વારા સંતતિને જન્મ આપવા પ્રેર્યા. રાજાએ કહ્યું, ‘હે દ્વિજ, આ કથા મેં સાંભળી છે. એને વિસ્તારવાની કશી જરૂર નથી. તમારી વાત સાંભળીને મારા મનમાં સંતાનની આકાંક્ષા જાગી ઊઠી છે. બીજા રાજાઓ, પાસે ન જતાં તમે મારી પાસે આવ્યા એ મોટી વાત છે. આવું જ ભાવિ છે. ગાલવ, મારી પાસે પણ બસો જ અશ્વ છે, એટલે હું એક જ પુત્રને જન્મ આપીશ.’ એ વિપ્રવરે ભલે કહીને તે કન્યા રાજાને સોંપી, રાજાએ પણ વિધિપૂર્વક પાણિગ્રહણ કર્યું; જેવી રીતે સૂર્ય પ્રભાવતી સાથે, અગ્નિ સ્વાહા સાથે અને વાસવ (ઇન્દ્ર) શચી સાથે રમણ કરે તેવી રીતે રાજર્ષિ તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. જેવી રીતે ચંદ્રમા રોહિણી સાથે, યમરાજ ધૂમોર્ણા સાથે, વરુણ ગૌરી સાથે, ધનેશ્વર (કુબેર) ઋદ્ધિ સાથે, નારાયણ લક્ષ્મી સાથે, સમુદ્ર ગંગા સાથે, રુદ્ર રુદ્રાણી સાથે, પિતામહ વેદી સાથે, વસિષ્ઠનંદન અદૃશ્યંતી સાથે, વસિષ્ઠ અક્ષમાલા (અરંુધતી) સાથે, ચ્યવન સુકન્યા સાથે, પુલસ્ત્ય સંધ્યા સાથે, અગસ્ત્ય વૈદર્ભી સાથે, સત્યવાન સાવિત્રી સાથે, ભૃગુ પુલોમા સાથે, કશ્યપ અદિતિ સાથે, જમદગ્નિ રેણુકા સાથે, કૌશિક (વિશ્વામિત્ર) હૈમવતી સાથે, બૃહસ્પતિ તારા સાથે, શુક્ર શતપર્વા સાથે, ભૂમિપતિ ભૂમિ સાથે, પુરૂરવા ઉર્વશી સાથે, ઋચીક સત્યવતી સાથે, મનુ સરસ્વતી સાથે, રમણ કરે છે એવી રીતે દિવોદાસથી માધવીએ પ્રતર્દન નામના પુત્રને જન્મ આપ્યો. ત્યાર પછી યોગ્ય સમયે ભગવાન ગાલવ દિવોદાસ પાસે આવ્યા અને આમ બોલ્યા, ‘હે પૃથ્વીપતિ, હવે મને કન્યા પાછી આપો, તમે આપેલા અશ્વ સાચવી રાખો. શુલ્ક માટે હું અન્યત્ર જઈ રહ્યો છું.’ ધર્માત્મા દિવોદાસ પોતાની પ્રતિજ્ઞા પાળનારા હતા, એટલે તેમણે ગાલવને તે કન્યા સોંપી દીધી.

ત્યાર પછી તે યશસ્વિની કન્યા તે લક્ષ્મીને ત્યજીને વિપ્રવર્ય ગાલવની સાથે ચાલી નીકળી. પોતાના કાર્યની સિદ્ધિ માટે ગાલવનું મન વિચારતું હતું. તેઓ વિચારીને રાજા ઉશીનરને મળવા ભોજનગર જઈ પહોંચ્યા. તે રાજા પાસે જઈને ગાલવે કહ્યું, ‘રાજન, આ કન્યા તમારા માટે પૃથ્વીપાલન કરવામાં સમર્થ બે પુત્રોને જન્મ આપશે, એનાથી સૂર્ય, ચંદ્ર જેવા બે પુત્રોને જન્મ આપી કૃતાર્થ થશો. સમસ્ત ધર્મના જ્ઞાતા, આ કન્યાના શુલ્ક પેટે ચંદ્રમા જેવા ઉજ્જ્વળ અને એક કાને શ્યામ એવા ચારસો અશ્વ આપો. ગુરુદક્ષિણા માટે આ કાર્ય આદર્યું છે, મારે અશ્વનું કોઈ કામ નથી. જો તમારા માટે આ શક્ય હોય તો વિચારો. હે રાજર્ષિ, તમે નિ:સંતાન છો. એટલે આ જ કન્યાથી બે પુત્રોને જન્મ આપો, પુત્ર રૂપી નૌકાથી પિતૃઓનો તથા તમારો ઉદ્ધાર કરો. પુત્રફલનો ભોક્તા માનવી ક્યારેય સ્વર્ગમાંથી પતન પામતો નથી, નિ:સંતાન માનવી જેવી રીતે નરકમાં પડે તેવી રીતે આ માનવી સ્વર્ગમાંથી તેનું પતન થતું નથી.’ ગાલવની વાત સાંભળીને તથા અન્ય બાબતો સાંભળીને રાજા ઉશીનરે ઉત્તર આપ્યો. ‘વિપ્રવર્ય, તમે જે કહો છો તે મેં સાંભળી લીધું છે. પરંતુ વિધાતા બળવાન છે, મારું મન એનાથી સંતાન પ્રગટ કરવા આતુર છે. તમારે જેની જરૂર છે એવા બસો જ અશ્વ મારી પાસે છે. બીજી જાતિના તો કેટલાય અશ્વ છે. હે ગાલવ, હું પણ આ કન્યાના ગર્ભથી એક જ પુત્ર પામીશ. બીજાઓ જે માર્ગે ચાલ્યા છે એ જ માર્ગે હું પણ ચાલીશ. હું અશ્વનું પૂરેપૂરું મૂલ્ય ચૂકવી નહીં શકું. મારું ધન પુરવાસીઓ અને જનપરના લોકો માટે છે. મારા ઉપયોગ માટે નથી. જે રાજા પારકા ધનનું પોતાની ઇચ્છા પ્રમાણે દાન કરે છે, તેને ધર્મ અને યશ મળતા નથી. એટલે તમે આ દેવકન્યા જેવી સ્ત્રીને એક જ પુત્રને જન્મ આપવા મને આપો. હું તેનો સ્વીકાર કરીશ.’

આમ કલ્યાણવચનો કહેનારા રાજા ઉશીનરની પ્રશંસા ગાલવે બહુ પ્રશંસા કરી. કન્યા ઉશીનરને સોંપી ગાલવ વનમાં ગયા. જેવી રીતે પુણ્યાત્મા પુરુષ લક્ષ્મી પ્રાપ્ત કરે તેવી રીતે રાજા તે કન્યા સાથે રમણ કરવા લાગ્યા. તેમણે પર્વતોની કંદરાઓમાં, નદીઓના તટ પર, ઝરણાંની આસપાસ, વિચિત્ર ઉદ્યાનોમાં, વન — ઉપવનમાં, સુંદર અગાશીઓ પર, પ્રાસાદ શિખરોમાં વાયુના માર્ગમાં ઊડનારાં વિમાનો પર, ગર્ભગૃહોમાં માધવીની સાથે વિહાર કર્યો. ત્યાર પછી યોગ્ય સમયે રાજાને ત્યાં બાલસૂર્ય જેવો પુત્ર જન્મ્યો. મોટો થઈને તે નૃપશ્રેષ્ઠ શિવિના નામથી જાણીતો થયો. ત્યાર પછી વિપ્ર ગાલવ રાજા પાસેથી કન્યા પાછી લઈને ચાલી નીકળ્યા, રસ્તામાં તેમને વિનતાનંદન (ગરુડ) મળ્યા. તેમણે ગાલવને હસતાં હસતાં કહ્યું, ‘આજે હું તમને કૃતાર્થ થયેલા જોઉં છું.’ ગરુડની વાત સાંભળીને ગાલવે કહ્યું, ‘હજુ દક્ષિણાનો ચોથો ભાગ પૂરો કરવાનો બાકી છે,’ ત્યારે ગાલવને ગરુડે કહ્યું, ‘હવે તારે આ માટે પ્રયત્ન ન કરવો. તારી ઇચ્છા ફળશે નહીં. એક જમાનામાં કાન્યકુબ્જમાં રાજા ગાધિની પુત્રી સત્યવતીને પોતાની ભાર્યા બનાવવા માટે ઋચીક મુનિને તેની માગણી કરી હતી. ત્યારે રાજાએ કહ્યું હતું. ભગવાન આ કન્યાના શુલ્ક પેટે મને ચંદ્ર જેવા ઊજળા અને એક કાને શ્યામ એવા હજાર ઘોડા આપો. ત્યારે ભલે કહીને ઋચીક વરુણલોકમાં ગયા અને અશ્વતીર્થમાંથી એવા અશ્વ લાવીને ગાધિને આપ્યા. રાજાએ પુંડરીક યજ્ઞ કરીને બધા અશ્વ બ્રાહ્મણોને આપી દીધા. ત્યાર પછી રાજાઓએ બસો બસો અશ્વ ખરીદી પોતાની પાસે રાખ્યા. હે બ્રહ્મવર્ય, રસ્તામાં એેક નદી પાર કરવાની હતી. છસો અશ્વ ઉપરાંત બીજા ચારસો હતા. વિતસ્તા નદીમાં એ વહી ગયા. એટલે હવે એને ક્યાંયથી મેળવવા મુશ્કેલ છે. મને લાગે કે એ બસો અશ્વના બદલામાં આ કન્યા વિશ્વામિત્રને આપી દઈએ. છસો અશ્વ ઉપરાંત વિશ્વામિત્રની સેવામાં આ કન્યા આપીએ. આમ કરવાથી તારી બીક દૂર થશે અને તું કૃતકૃત્ય થઈશ. ત્યારે ‘ભલે’ કહીને ગાલવ છસો અશ્વ અને એ કન્યા લઈને વિશ્વામિત્ર પાસે ગયા. ગાલવે કહ્યું, ‘જેવા અશ્વ તમને જોઈતા હતા એવા છે, અને બાકીના બસોના બદલામાં આ કન્યા. રાજર્ષિઓએ આ કન્યા વડે ત્રણ ધાર્મિક પુત્રોને જન્મ આપ્યો છે. હવે તમે પણ એક પુત્રને જન્મ આપો. તો તેની સંખ્યા ચાર થશે. આ પ્રકારે તમારા આઠસો અશ્વની સંખ્યા પૂરી થશે. હું ઋણમુક્ત થઈશ, જેથી નિરાંતે તપ કરી શકીશ. એટલે કૃપા કરો.’

વિશ્વામિત્રે ગરુડ સામે, ગાલવ સામે જોયું, પરમ સુંદરી સામે જોયું અને કહ્યું,

‘ગાલવ, તેં સૌથી પહેલાં જ આમ કેમ ન કર્યું? હું એના વડે વંશ વધારનારા ચાર પુત્રોને જન્મ આપત. તો હવે એક પુત્રપ્રાપ્તિ માટે આ કન્યા સ્વીકારું છું. આ અશ્વ મારા આશ્રમમાં ચરશે.’ આમ કહીને આ તેજસ્વી વિશ્વામિત્રે તેની સાથે રમણ કરીને તેનાથી એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ અષ્ટક હતું. પુત્ર જન્મ્યો કે તરત મહાદ્યુતિ (મહાતેજસ્વી) વિશ્વામિત્રે ધર્મ — અર્થ — તથા અશ્વો તેને સોંપ્યા.

ત્યારે અષ્ટક ચંદ્રપુરીની જેમ પ્રભા ધરાવતી વિશ્વામિત્રની નગરીમાં ગયા, વિશ્વામિત્ર પોતાના શિષ્ય ગાલવને એ કન્યા સોંપીને વનમાં ગયા. ગુરુદક્ષિણા આપીને ગરુડની સાથે ગાલવ મનમાં સંતુષ્ટ થઈને કન્યાને કહેવા લાગ્યા, ‘તારો પહેલો પુત્ર ધનપતિ, બીજો શૂરવીર, ત્રીજો સત્યધર્મપરાયણ અને ચોથો યજ્ઞ કરવાવાળો થશે. તેં આ પુત્રો વડે તારા પિતાને ઉગાર્યા, એ ચાર રાજાઓને ઉગાર્યા, હવે મારી સાથે ચાલ. એમ કહી સર્પનાશક ગરુડની આજ્ઞા લઈને રાજકન્યાને તેના પિતાને સોંપી તેઓ વનમાં ગયા.

ત્યાર પછી રાજી યયાતિએ કન્યાનો સ્વયંવર વિચાર્યો અને ગંગાયમુના સંગમ પાસેના આશ્રમમાં રહેવા લાગ્યા. પછી હાથમાં હાર લઈ બહેન માધવીને રથમાં બેસાડી પૂરુ અને યદુ આશ્રમ પર ગયા. તે સ્વયંવરમાં નાગ, યક્ષ, મનુષ્ય, ગંધર્વો, પશુપક્ષી, પર્વત, વૃક્ષ વનમાં વસનારાઓ આવ્યા. તે આખું વન રાજાઓથી ઊભરાઈ ગયું અને બ્રહ્મા જેવા ઋષિઓથી એ વન ઘેરાઈ વળ્યું. ત્યાં આવેલા લગ્નોત્સુક રાજાઓનો પરિચય માધવીને અપાતો ગયો અને ત્યારે તે વરવર્ણિની કન્યાએ બધા વરને બાજુ પર મૂકીને તપોવનને વર તરીકે સ્વીકાર્યું. યયાતિપુત્રી રથમાંથી ઊતરીને બંધુઓને નમસ્કાર કરી પુણ્ય વનમાં ચાલી ગઈ અને ત્યાં તપસ્યા કરવા લાગી. વિવિધ દીક્ષાઓ, ઉપવાસ અને નિયમોનું પાલન કરતી આત્માને દોષમુક્ત કરતી વનમાં મૃગહરિણીની જેમ વિહરવા લાગી. એ જ રીતે તે વૈડૂર્ય મણિના અંકુરોની જેમ તિક્ત, મધુર, કોમળ ઘાસ ચરવા લાગી. પવિત્ર નદીઓનું વિમળ, શીતળ, પવિત્ર પાણી પીતી અને સિંહો વગરના, દાવાગ્નિ વિનાના નિર્જન અને ગાઢ વનોમાં, હરિણીઓની સાથે, વનચારિણી મૃગીની જેમ વિહાર કરતી હતી. બ્રહ્મચર્ય પાલન કરનારીએ મહાન ધર્માનુચરણ કર્યું.


(મહાભારત: ઉદ્યોગ પર્વ ૧૦૪-૧૧૮)