ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/અનંગપ્રભાએ નવા નવા પ્રિયતમો કેમ કર્યાં તેની કથા
એ અરસામાં અનંગપ્રભા રાજા હરિવરના અંત:પુરમાં પટરાણી બનીને રહી. તે રાજા રાતદિવસ તેના પ્રેમમાં ગળાડૂબ રહેતો હતો, તેણે રાજ્યવહીવટ સુમંત્ર નામના મંત્રીને સોંપ્યો હતો. એક વેળા રાજા પાસે મધ્યપ્રદેશથી(મધ્યદેશ તે સાંપ્રત કાળનાં અલ્હાબાદ, આગ્રા, દિલ્લી અને અયોધ્યા) લબ્ધવર નામનો નાટ્યાચાર્ય આવ્યો. રાજાએ ગાનમાં અને નૃત્યમાં તેની નિપુણતા જોઈ તેનું સમ્માન કર્યું અને અંત:પુરનો નાટ્યાચાર્ય બનાવી દીધો. તેણે અનંગપ્રભાને નાટ્યવિદ્યામાં નિપુણ બનાવી. તે નૃત્ય કરતી ત્યારે સપત્નીઓ તેના પર અત્યંત મોહિત થઈ જતી હતી અર્થાત્ ઈર્ષા કરતી ન હતી. નાટ્યાચાર્યના સંપર્કથી અને નૃત્યશિક્ષાના રસને કારણે અનંગપ્રભા નાટ્યાચાર્યના પ્રેમમાં ડૂબી. નાટ્યાચાર્ય પણ તેના સૌંદર્ય અને નૃત્યથી આકર્ષાઈને કામદેવ દ્વારા કોઈ નવા પ્રકારનું નૃત્ય કરતો થયો, એક વેળા એકાંતમાં અનંગપ્રભા રતિલાલસાથી નાટ્યશાળામાં જ નાટ્યાચાર્ય પાસે ગઈ, તે અત્યંત અનુરાગ દાખવતી બોલી, ‘હું તમારા વિના ઘડીએ રહી નહીં શકું. રાજા હરિવરને જાણ થશે તો આપણને ક્યારેય ક્ષમા નહીં આપે. તો ચાલો, રાજા આપણને શોધી જ ન શકે ત્યાં ક્યાંક જતા રહીએ. તમારી પાસે રાજાએ આપેલ સુવર્ણ, અશ્વ, ઊંટ છે. મારા નાટ્ય પર પ્રસન્ન થઈને રાજાએ આપેલા અલંકારો મારી પાસે છે. જ્યાં નિર્ભય થઈને રહી શકાય ત્યાં જઈએ.’ તેની આ વાતો સાંભળીને આનંદિત થયેલા નાટ્યાચાર્યે એ વાતો માની લીધી.
પછી અનંગપ્રભા પુરુષવેશે અંત:પુરની એક દાસીને લઈને નાટ્યાચાર્યને ઘેર ગઈ. તે જ વેળા નાટ્યાચાર્યે બધી સંપત્તિ ઊંટ પર પહેલેથી ખડકી દીધી હતી અને અનંગપ્રભા પુરુષવેશે ઘોડા પર સવાર થઈને નાટ્યશિક્ષકની સાથે નીકળી ગઈ. તેણે પહેલાં વિદ્યાધરની લક્ષ્મીનો ત્યાગ કર્યો, પછી રાજલક્ષ્મીનો ત્યાગ કર્યો , ત્યાર પછી નટનો આશ્રય સ્વીકાર્યો, જગતમાં સ્ત્રીઓનો ચમત્કાર, તેમનાં ચંચલ મનને ધિક્કાર છે!
પછી અનંગપ્રભા નાટ્યાચાર્યની સાથે વિયોગપુર નગરમાં જઈને તેની સાથે સુખે, સ્વતંત્રપણે રહેવા લાગી. નાટ્યાચાર્યે તે સુંદરીને પામીને પોતાનું લબ્ધવર નામ સાર્થક ગણ્યું.
આ તરફ રાજા હરિવર અનંગપ્રભા ક્યાંક નાસી ગઈ, એ જાણીને દુઃખી થયો અને આત્મહત્યા કરવા તૈયાર થયો. સુમંત્ર મંત્રીએ રાજાને સાંત્વન આપતાં કહ્યું, ‘મહારાજ, તમે શું નથી જાણતા? તમે જ વિચારો ખડ્ગધર વિદ્યાધરને મૂકીને તમારી સાથે તે ભાગી આવી. તે વળી તમારી સાથે સ્થિર બનીને રહે કેવી રીતે? જેવી રીતે ઘાસની સળી ઘાસની દિશામાં જ જાય છે તેવી રીતે સારી અને ઉત્તમ વસ્તુ જેને ન ગમે તે કોઈ ક્ષુદ્ર પુરુષ પાસે જતી રહી. તેને ચોક્કસ નાટ્યાચાર્ય ભગાડી ગયો છે કારણ કે તે પણ કોઈ સ્થળે તપાસ કરતાં દેખાતો નથી. તે બંને સવારે તો નાટ્યશાળામાં હતા એવું સંભળાય છે. એટલે તેની ચંચળ પ્રકૃતિ જાણવા છતાં તમે એના પ્રત્યે આટલો ભાવ કેમ રાખો છો? વિલાસી સ્ત્રીઓ સંધ્યાની જેમ થોડા સમય માટે જ અનુરાગ રાખે છે.’
મંત્રીએ આવું કહ્યું એટલે રાજા હરિવર વિચારમાં પડી ગયો અને તેને લાગ્યું, ‘બુદ્ધિશાળી મંત્રી સાચું કહે છે. આ સંસારમાં માયા કરવી તે પરિણામે નીરસ છે. દરેક ક્ષણે તે બદલાય એવી છે. અને તેની સાથે કાયમ સંબંધ રહેતો નથી. ડાહ્યા પુરુષો નારી કે નદીની માયામાં પડતા નથી. બંને તેમાં પડનારાઓને ડૂબાડી દે છે. જો કે તે બંને ઉત્કંઠિત અને રસમય છે. જે દુઃખમાં દિલગીરી વગરના, વૈભવમાં અભિમાન વગરના, કામને વખતે કાયર ન થતાં શૂરવીર હોય તે માણસોને ધીર જાણવા અને તેઓ જ જગતને જીતે છે.’ આ પ્રમાણે હરિવર રાજા મંત્રીના વચનથી સંતાપ મૂકી પોતાની જૂની રાણી ઉપર જ સંતોષ રાખી રહ્યો.
અહીં અનંગપ્રભા વિયોગપુર નગરમાં નાટ્યાચાર્ય સાથે થોડો સમય રહી. તે નગરમાં દૈવયોગે તે નાટ્યાચાર્ય સાથે એક યુવાન જુગારી સુદર્શનને મૈત્રી થઈ. તે જુગારી સુદર્શને નાટ્યાચાર્યની બધી સંપત્તિ લઈ લીધી. અનંગપ્રભાના દેખતાં જ તેને દરિદ્ર બનાવી દીધો. એટલે ક્રોધે ભરાઈને અનંગપ્રભાએ તે ગરીબ નાટ્યાચાર્યને પડતો મૂકીને સુદર્શનને જ પતિ બનાવી દીધો. સ્ત્રીથી અને સંપત્તિનાશથી નિરાશ થઈને નાટ્યાચાર્ય વૈરાગ્યને લીધે તપસ્યા કરવા જટા બાંધીને ગંગાકિનારે જઈને બેઠો. નવા નવા પુરુષોને પ્રેમ કરનારી તે અનંગપ્રભા હવે જુગારી સુદર્શન સાથે રહેવા લાગી. એક વેળા રાતે ચોરોએ એના ઘરમાં પ્રવેશી અનંગપ્રભાના પતિ સુદર્શનનું સર્વસ્વ હરી લઈ તેને દરિદ્ર બનાવી દીધો. ધનના અપહરણને કારણે દુઃખી થયેલી, પશ્ચાત્તાપ કરતી અનંગપ્રભાને જોઈ સુદર્શને કહ્યું, ‘હિરણ્યગુપ્ત નામનો એક ધનવાન મારો મિત્ર છે. ચાલો, તેની પાસેથી ઉધાર પૈસા લઈએ.’
ભાગ્યને કારણે નષ્ટ બુદ્ધિ ધરાવતા સુદર્શન તેને હિરણ્યગુપ્ત પાસે લઈ ગયો અને ઉધાર પૈસા માગ્યા. તે વણિક અને અનંગપ્રભા બંને એકબીજાને જોતાંવેંત પરસ્પર મોહમાં પડ્યા. તે વણિકે સુદર્શનને માન આપીને કહ્યું, ‘સવારે તમને બંનેને પૈસા આપીશ. આજે અહીં જ રહો, અહીં જ ભોજન કરો,’
આ સાંભળીને તથા પેલા બેનો બીજો જ ભાવ જાણીને સુદર્શને કહ્યું, ‘આજે હું ભોજન કરવા નથી આવ્યો.’
આ સાંભળી વણિકે કહ્યું, ‘મિત્ર, એમ છે, તો તમે નહીં, તમારી પત્ની મારે ત્યાં ભોજન કરે. તે તો ઘેર પહેલ વાર કી આવી છે.’
વણિકે આવું કહ્યું એટલે સુદર્શન ધૂર્ત હોવા છતાં ચૂપ રહ્યો અને વણિક તેની પત્નીને વિલાસગૃહમાં લઈ ગયો.
ઘરમાં જઈને એકાએક મળેલી યૌવનમદથી ઉન્મત્ત અનંગપ્રભા સાથે તે વણિકે ભોજન, મદ્યપાન માણ્યાં. સુદર્શન બહાર પ્રતીક્ષા કરતો હતો. વણિકના નોકરોએ તેને કહ્યું, ‘તમારી પત્ની ભોજન કરીને ઘેર જતી રહી, તમે એને જતી ના જોઈ? અહીં બેસીને તમે શું કરશો, તમારે ઘેર જાઓ,’
સુદર્શને કહ્યું, ‘તે અંદર જ છે. ગઈ નથી એટલે હું નથી જવાનો, તેને મોકલો પછી હું જઈશ.’ વણિકના નોકરોએ લાતાલાત કરીને તેને બહાર કાઢી મૂક્યો. માર ખાઈને સુદર્શન ઘેર જતો રહ્યો, તે વિચારવા લાગ્યો. ‘આ વણિકે મિત્ર થઈને મારી પત્નીનું હરણ કર્યું છે. મને આ જ લોકમાં મારા કરેલા કર્મનો બદલો મળી ગયો. જે દુષ્કર્મ મેં બીજા સાથે કર્યું તે બીજાએ મારી સાથે કર્યું. હું બીજા પર તો શું ક્રોધ કરું? મારું કર્મ જ ક્રોધ કરવાપાત્ર છે. એટલે હું કર્મછેદન કરું છું, મારો પુનર્જન્મ સુધરે અને ફરી હું અપમાનિત ન થઉં.’ એમ વિચારી ક્રોધ ત્યજીને તે જુગારી બદરિકાશ્રમ ગયો અને ત્યાં સંસારબંધનમાંથી મુક્ત થવા તેણે તપ કરવા માંડ્યું.
આ બાજુ અતિ રૂપાળા અને પ્રિય વણિકને પતિ રૂપે પામીને અનંગપ્રભા એક ફૂલથી બીજા ફૂલ પર ભટકતી ભમરીની જેમ આનંદ, માણવા લાગી. ધીમે ધીમે અનંગપ્રભાએ અઢળક સંપત્તિવાળા તે પ્રણયી વણિકના પ્રાણ પર અને તેની બધી સંપત્તિ પર અધિકાર જમાવી દીધો. તે પ્રદેશના રાજા વીરબાહુએ અનંગપ્રભા ત્યાં રહેતી હતી તે જાણવા છતાં ધર્મમર્યાદા જાળવીને તેનું હરણ ન કર્યું. થોડા દિવસોમાં અનંગપ્રભા ધન વાપરતી હતી એટલે તે વણિકનું ધન ઘટવા લાગ્યું, દુરાચારિણી સ્ત્રી ઘરમાં રહે એટલે લક્ષ્મી કુલસ્ત્રીની જેમ કરમાવા લાગે છે.
ધન ઓછું થયું તે જોઈને તે વણિક સામાન એકઠો કરી વેપાર કરવા સુવર્ણદ્વીપ જવા તૈયાર થયો. વિરહની ચિંતાથી અનંગપ્રભાને સાથે લીધી અને એમ કરતાં સાગરપુર નામના નગરમાં જઈ પહોંચ્યો. સમુદ્રકાંઠે વસેલા તે નગરમાં માછીમારોનો મુખી સાગરવીર તે વણિકને મળ્યો. તે સમુદ્રજીવી સાગરવીરની સાથે તે વણિક સમુદ્રકાંઠે ગયો અને તેના વહાણમાં પત્ની અનંગપ્રભાની સાથે બેઠો.
સાગરવીરની સાથે તે વણિક વહાણમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે એક દિવસ વીજળીની આંખોવાળો, પુષ્કળ ત્રાસ આપનારો, ભયદાતા કાળો મેઘ આકાશમાં ઊમટી આવ્યો. પ્રચંડ પવનને કારણે ઘોર વરસાદ પડવા લાગ્યો. સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું અને વહાણ સમુદ્રમોજાંમાં ડૂબવા લાગ્યું. ત્યારે વણિક હિરણ્યગુપ્તના સેવકો ‘ઓ ડૂબ્યા, ઓ ડૂબ્યા’ એમ ચીસરાણ કરવા લાગ્યા, જાણે વહાણની સાથે તેમના મનોરથ ડૂબવા માંડ્યા. સ્વાર્થી હિરણ્યગુપ્ત પોતાના ખેસને કમરે બાંધી અનંગપ્રભાની સામે જોઈ ‘અરે પ્રિયા, તું ક્યાં આ દુઃખમાં આવી પડી?’ એમ કહી ડૂબતા વહાણમાંથી સમુદ્રમાં કૂદી પડ્યો. દૈવયોગે તેના હાથ લાકડાનું પાટિયું આવી ચઢ્યું, તેને પકડીને તે ઉપર ચઢી ગયો.
આ બાજુ સાગરવીરે અનંગપ્રભાને તરાપો તૈયાર કરીને તેના પર બેસાડી દીધી. તે પોતે પણ અનંગપ્રભાને ધીરજ આપતો તેના પર ચડી ગયો અને હલેસાંનું કામ હાથ વડે કરતો સમુદ્રમાં તરવા લાગ્યો. વહાણ ભાંગી ગયું, ડૂબી ગયું અને થોડી જ વારમાં આકાશ ચોખ્ખું થઈ ગયું. ક્રોધમુક્ત થયેલા સાધુની જેમ સમુદ્ર સ્થિર થઈ ગયો. પાટિયા પર ચઢેલો હિરણ્યગુપ્ત અનુકૂળ વાયુને કારણે પાંચેક દિવસમાં દૈવયોગે સમુદ્રકાંઠે પહોંચ્યો, ત્યાં પહોંચીને હિરણ્યગુપ્ત પોતાની પ્રિયાના વિરહે દુઃખી થયો અને આ ઘટનાને વિધાતાનું નિર્માણ સમજવા લાગ્યેા. આમ ધીરે ધીરે ચાલીને ધીરજવાન વણિક પોતાના નગરમાં જઈ પહોંચ્યો અને ધીરજપૂર્વક નિશ્ચિત બની વેપાર દ્વારા ધન કમાવા લાગ્યો.
તરાપા પર બેઠેલી અનંગપ્રભાને સાગરવીરે એક જ દિવસમાં સમુદ્રતટે પહોંચાડી દીધી. સાગરવીરે ધીરજ બંધાવીને અનંગપ્રભાને તેના સાગરપુર નગરમાં પોતાને ઘેર મોકલી દીધી. રાજા સમાન લક્ષ્મી ધરાવતા, વીર, પ્રાણ બચાવનાર યુવાન સુંદર સાગરવીરને પોતાનો આજ્ઞાકારી સમજીને ટંડેલોના સરદાર સાગરવીરને જ અનંગપ્રભાએ પતિ બનાવી દીધો. સત્ય છે: ચરિત્રહીન સ્ત્રી ઊંચનીચનો વિચાર કરતી નથી. અનંગપ્રભા તે સરદારની સાથે તેના જ ઘરમાં તેની ધનસંપત્તિનો ઉપયોગ કરતી રહેવા લાગી. એક વેળા અનંગપ્રભાએ પોતાના ઊંચા મહેલની છત પરથી કોઈ શેરીમાં જતા વિજયવર્મા નામના રાજપૂતને જોયો.
તેના સૌંદર્યના લોભે અનંગપ્રભા છત પરથી ઊતરીને તેની પાસે ગઈ અને કહેવા લાગી, ‘તમારું રૂપ જોતાંવેંત મારું મન તમારા પ્રત્યે આકર્ષાયું છે, તો તમે મારો સત્કાર કરો. ’
તેણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને આકાશમાંથી જાણે ઊતરેલી તે ત્રિલોકસુંદરીને પોતાને ઘેર લઈ ગયો.
તે ભાગી ગઈ એટલે સાગરવીરે બધાનો ત્યાગ કરીને શરીરત્યાગ કરવા ગંગા કાંઠે ગયો. તેને બહુ દુઃખ થયું. ક્યાં તે નાવિક અને ક્યાં દિવ્ય રૂપાંગના વિદ્યાધરી? પણ સુખને શોધનારી અનંગપ્રભાને કશું દુઃખ થયું નહીં. વિજયવર્માની સાથે સ્વચ્છંદતાથી તે નગરમાં રહેવા લાગી.
એક વાર હાથણી પર સવાર થઈને તે નગરનો રાજા સાગરવર્મા નગરમાં ભ્રમણ કરવા નીકળ્યો. પોતાના નામથી પ્રસિદ્ધ અને પોતે જ વસાવેલા નગરને જોતો તે રાજા વિજયવર્માનું ઘર જે રસ્તા પર હતું ત્યાંથી જ નીકળ્યો. રાજા એ માર્ગ નીકળવાનો છે તે જાણીને અનંગપ્રભા પોતાના ભવનની અગાસી પર ચઢી.
રાજાને જોઈને તે તેના પર મોહી પડી. રાજાની હાથણીના મહાવતને તે નિર્લજ્જતાથી કહેવા લાગી, ‘અરે મહાવત, હું ક્યારેય હાથી પર બેઠી નથી. તું મને બેસાડ, જેથી મને હાથીની સવારીમાં કેવો આનંદ મળે છે તેની મને જાણ થાય.’
આ સાંભળી મહાવતે રાજા સામે જોયું, રાજાએ સ્વર્ગમાંથી પૃથ્વી પર ઊતરેલી ચંદ્રસમાન પ્રભાવાળી અનંગપ્રભાને જોઈ. ચકોરની જેમ તે પોતાની અતૃપ્ત આંખોથી સૌંદર્ય પીતા રાજાએ તેને મેળવવાની ઇચ્છાથી મહાવતને કહ્યું, ‘હાથણીને નજીક લઈ જઈ તેની ઇચ્છા પૂરી કરો. આ ઇન્દુવદનાને તરત જ હાથણી પર બેસાડ.’
રાજાએ આમ કહ્યું એટલે મહાવત હાથણી તેના ઘરની નીચે લઈ ગયો. હાથણી પાસે આવી એટલે અનંગપ્રભાએ રાજાના ખોળામાં પડતું નાખ્યું. પહેલો પતિ પસંદ કરવામાં દ્વેષ હતો અને હવે નવા નવા પતિઓથી તે તૃપ્ત થતી ન હતી. દુઃખ એ વાતનું કે માતાપિતાના શાપથી કેટલું બધું ઊલટસુલટ થઈ ગયું? પડી જવાનો ભય દાખવી અનંગપ્રભા રાજાને કંઠે વળગી પડી. રાજાએ પણ તેના શરીરસ્પર્શ રૂપી અમૃતથી ભીંજાઈને પરમ આનંદનો અનુભવ કર્યો.
યુક્તિપૂર્વક પોતાને રાજાને સમર્પિત થતી, કંઠે વળગીને, ચુંબનની ઇચ્છા ધરાવતી અનંગપ્રભાને લઈને રાજા પોતાના મહેલમાં જઈ પહોંચ્યો. મહેલમાં આવીને તે વિદ્યાધરીએ પોતાની કથા કહી સંભળાવી, રાજાએ પોતાના અંત:પુરમાં તેને મહારાણી બનાવી દીધી. વિજયવર્મા ઘેર આવી પહોંચ્યો ત્યારે તેને રાજાએ અનંગપ્રભાનું અપહરણ કર્યાના સમાચાર જાણ્યા. ક્ષાત્ર ધર્મની તેને યાદ આવી એટલે રાજાના રક્ષકો સાથે મહેલની બહાર યુદ્ધ કરવા માંડ્યું અને યુદ્ધમાં પીઠ ન દેખાડી ત્યાં જ તે માર્યો ગયો. શૂરવીર પુરુષો સ્ત્રીને કારણે થતાં અપમાન વેઠી શકતા નથી.
‘તે દુરાચારિણી સ્ત્રી સાથે સંબંધ રાખીને શું કરશો? હવે નંદનવનમાં અમારો ઉપભોગ કરો.’ એમ જાણે કહેતી દેવાંગનાઓ તેને સ્વર્ગમાં લઈ ગઈ.
તે અનંગપ્રભા જેમ નદી સાગરમાં સ્થિર થઈ જાય તેમ રાજા સાગરવર્માના જીવનમાં સ્થિર થઈ ગઈ. અનંગપ્રભાના ભવિતવ્યને કારણે તેણે પોતાને આ પતિથી કૃતાર્થ માની અને રાજાએ પણ આવી ભાર્યા પામીને પોતાનો જન્મ સફળ માન્યો. થોડા સમય પછી સાગરવર્માની એ રાણી સગર્ભા થઈ અને યોગ્ય સમયે તેણે પુત્રને જન્મ આપ્યો. રાજાએ તેનું નામ પાડ્યું સમુદ્રવર્મા અને ઉદારતાથી જન્મમહોત્સવ ઊજવ્યો. ક્રમશ: મોટા થયેલા ગુણવાન, યુવાન અને બળવાન સમુદ્રવર્માને રાજાએ યુવરાજપદે બેસાડ્યો. ત્યાર પછી સમુદ્રવર્માના વિવાહ માટે રાજાએ સમરવર્મા રાજાની કુંવરી કમળાવતીનું હરણ કર્યું. વિવાહ કર્યા પછી યુવરાજના ગુણોથી આકર્ષાઈને સમુદ્રવર્માએ પોતાનું આખું રાજ્ય તેને સોંપી દીધું. તેજસ્વી અને ક્ષાત્રધર્મને જાણનાર સમુદ્રવર્માએ પણ પિતા પાસેથી રાજ્ય મેળવીને તેમને પ્રણામ કરીને કહ્યું, ‘પિતાશ્રી, મને આજ્ઞા આપો. હું દિગ્વિજય કરવા નીકળું છું, પૃથ્વી જીતવાની જે રાજા ઇચ્છા ન કરે તે જેવી રીતે સ્ત્રીને નપુંસક પતિ ન ગમે તેવી રીતે પૃથ્વીને એવો રાજા પણ નથી ગમતો. બીજા રાષ્ટ્રોને પોતાના બાહુબળે જીતે છે તે રાજાની રાજલક્ષ્મી ધર્મશીલ અને કીર્તિદાયિની નીવડે છે. જે લોભી બિલાડાની જેમ પોતાની ઉન્નતિ માટે પોતાની પ્રજાને જ ખાઈ જાય તે ક્ષુદ્ રાજાઓનું રાજ્ય શું કહેવાય?’
આમ સાંભળીને સાગરવર્માએ કહ્યું, ‘પુત્ર, હજુ તું હમણાં જ ગાદી પર બેઠો છે. એને સ્થિર કર. ધર્માનુસાર પ્રજાપાલન કરનાર રાજા પાપી કે નિંદનીય નથી કહેવાતો. પોતાનાં શક્તિ સામર્થ્યને સમજ્યા વિચાર્યા વિના બધા રાજાઓ સાથે વિગ્રહ કરવો યોગ્ય નથી. તું શૂરવીર છે, તારી પાસે ઘણું સૈન્ય છે તો પણ વિજય પર વિશ્વાસ ન મુકાય, યુદ્ધમાં વિજયલક્ષ્મી અસ્થિર જ હોય છે.’
પિતાએ આવું કહ્યું તો પણ તેજસ્વી સમુદ્રવર્મા પિતાની આજ્ઞા લઈને દિગ્વિજય કરવા નીકળી પડ્યો. પછી બધી દિશાઓ જીતીને, રાજાઓને નમાવીને ઘણા હાથી, ઘોડા, સૈન્ય, રત્નો લઈને પોતાના નગરમાં પાછો આવ્યો. વિવિધ દેશોમાં ઉત્પન્ન થતા જુદા જુદા પ્રકારનાં રત્નોથી પ્રસન્ન થયેલા માતાપિતાના ચરણોમાં વંદન કરી તેમની તેણે પૂજા કરી. માતાપિતાની આજ્ઞાથી મહાયશસ્વી સમુદ્રવર્માએ બ્રાહ્મણોને હાથીઘોડા, સુવર્ણ, રત્ન વગેરેનું દાન કર્યું. તેણે પોતાના સેવકોને એટલો બધો અર્થલાભ કરાવી આપ્યો કે દરિદ્ર શબ્દ જ અર્થહીન બની ગયો.
આમ પુત્રનો મહિમા જોઈને અનંગપ્રભા સાથે રાજા સાગરવર્માએ પોતાને કૃતકૃત્ય માન્યા. સાગરવર્માએ એ દિવસો ઉત્સવમાં વીતાવ્યા. અને પછી મંત્રીઓના દેખતાં સમુદ્રવર્માને કહ્યું, ‘પુત્ર, આ જન્મમાં મારે જે મેળવવાનું હતું તે બધું મેળવી લીધું. રાજ્યસુખ જોયું પણ શત્રુઓ દ્વારા ક્યારેય પરાજિત થયો નથી. સામ્રાજ્યપ્રાપ્તિ પણ તેં જોઈ. હવે મારે શું જોઈએ, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કોઈ તીર્થમાં જતો રહું. આ શરીર તો નાશવંત છે. ઘરમાં રહીને શું કરીશ? વૃદ્ધાવસ્થા મારા કાનમાં આ જ કહી રહી છે.’ એમ કહી પુત્રની ઇચ્છાવિરુદ્ધ તે પત્ની અનંગપ્રભાને લઈને પ્રયાગ જતો રહ્યો. સમુદ્રવર્મા થોડે સુધી પિતાને મૂકવા ગયો. રાજધાની પાછા ફરીને ન્યાયપૂર્વક તે રાજ્યનું પાલન કરવા લાગ્યો. અનંગપ્રભા સાથે પ્રયાગ જઈને રાજાએ તપસ્યા કરીને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. તપથી પ્રસન્ન થયેલા ભગવાને રાત્રિના છેલ્લા પ્રહરે સ્વપ્નમાં કહ્યું, ‘હું અને મારી પત્ની — બંને તારા તપથી પ્રસન્ન છીએ. હવે સાંભળ, આ અનંગપ્રભા અને તું — બંને વિદ્યાધર છો. તમારો શાપ પૂરો થયો એટલે સવારે બંને વિદ્યાધર લોકમાં જશો.’
આ સાંભળીને રાજાની ઊંઘ ઊડી ગઈ, સ્વપ્ન જોતી રાણી પણ જાગી ગઈ. બંને એકબીજાને પોતાના સ્વપ્નની વાર્તા કહેવા લાગ્યાં. ત્યારે આનંદ પામેલી અનંગપ્રભા રાજાને કહેવા લાગી, ‘મહારાજ, મને અત્યારે મારો પૂર્વજન્મ યાદ આવી ગયો. હું વિદ્યાધર રાજા સમરની પુત્રી છું. વીરપુર નગરમાં અનંગપ્રભા નામે જન્મી. પિતાના શાપથી મૃત્યુલોકમાં આવી અને મનુષ્યદેહે હું વિદ્યાધરી છું એ વાત ભૂલી ગઈ. હવે મને ભાન થયું.’ તે આમ કહી રહી હતી તેટલામાં તેના પિતા સમર વિદ્યાધર આકાશમાંથી ઊતર્યા. રાજા સાગરવર્માએ તેને વંદન કર્યા, પગે પડેલી પુત્રી અનંગપ્રભાને વિદ્યાધર કહેવા લાગ્યો.
‘ચાલ દીકરી, તું આ વિદ્યાઓ લઈ લે. તારો શાપ પૂરો થયો. એક જ જન્મમાં તેં આઠ જન્મનાં દુઃખ ભોગવ્યાં.’
આમ કહી સમર વિદ્યાધરે તેને ઊંચકી લીધી અને ખોળામાં બેસાડી બધી વિદ્યાઓ આપી. પછી રાજા સાગરવર્માને કહ્યું, ‘તમે મદનપ્રભ નામના વિદ્યાધર રાજા છો. હું સમર નામે વિદ્યાધર રાજા છું, આ અનંગપ્રભા મારી પુત્રી છે. પહેલાં કેટલાક યુવાનોએ આની સાથે વિવાહ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પણ આ રૂપગર્વિતાએ કોઈનો પણ સ્વીકાર કર્યો ન હતો, તે જ વેળા સરખા ગુણવાળા તેં આનું માગું કર્યુ હતું, દૈવયોગે તે વેળા આણે તારો પણ સ્વીકાર કર્યો ન હતો. એટલે મેં તેને શાપ આપીને મૃત્યુલોકમાં મોકલી. ત્યાર પછી ‘આ મારી પત્ની થાય.’ એવો સંકલ્પ કરીને તેં શિવનું તપ કર્યું અને યોગ વડે વિદ્યાધર શરીરનો ત્યાગ કર્યો. તું મનુષ્ય થયો અને આ તારી માનુષીભાર્યા બની. સમરે આમ કહ્યું એટલે સાગરવર્માએ પૂર્વજન્મનું સ્મરણ કરી પ્રયાગસંગમમાં માનવશરીરનો ત્યાગ કર્યો અને તરત જ મદનપ્રભ બની ગયો.
આ પ્રમાણે સમરે કહ્યું એટલે સાગરવર્માને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. એટલે તેણે તરત પોતાનું શરીર પ્રયાગના જળમાં ત્યજી દીધું અને મદનપ્રભ થઈ રહ્યો. અતિશય તેજસ્વી અનંગપ્રભા પણ પિતાની પાસેથી વિદ્યા શીખીને એકદમ વિદ્યાધરી થઈ ગઈ. તેનું શરીર તેજસ્વી હતું તો પણ તે જાણે બીજી જ હોય તેમ શોભતી હતી. ત્યાર પછી દિવ્યરૂપધારી મદનપ્રભ અને અનંગપ્રભા પરસ્પર એકબીજાનું અનુપમ શરીર જોઈ અતિશય પ્રેમમાં મગ્ન થયાં અને આનંદમાં આવી ગયાં. પછી તે બંને અને શ્રીમાન વિદ્યાધર રાજા સમર તે સર્વે સાથે આકાશમાં ઊડી વિદ્યાધરના પાટનગર વીરપુરમાં ગયાં. ત્યાં સમર રાજાએ પોતાની પુત્રી અનંગપ્રભા મદનપ્રભને પરણાવી. અને મદનપ્રભ શાપમુક્ત થયેલી પોતાની સ્ત્રીને લઈ પોતાના નગરમાં ગયો. અને સુખે દિવસો વીતાવવા લાગ્યો.
(કથા સરિત્સાગર, ૯ મો લંબક, બીજો તરંગ)