ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/મેઘમાલા વિદ્યાધરી સાથે ધમ્મિલ્લનું ગાંધર્વ લગ્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મેઘમાલા વિદ્યાધરી સાથે ધમ્મિલ્લનું ગાંધર્વ લગ્ન

એક વાર પ્રિયાઓની સાથે તે અંદરની પડસાળમાં બેઠો હતો. તે વખતે વસન્તતિલકાએ કહ્યું, ‘આર્યપુત્ર! ગઈ કાલે અહીં આવતાં તમે અત્યંત કામોપભોગ-રમણીય વેશ અને અલંકાર ધારણ કર્યા હતા.’ આ સાંભળીને શંકિત હૃદયવાળા તેણે વિચાર કરીને કહ્યું, ‘સુન્દરિ! એ તો તમને વિસ્મય પમાડવા માટે.’ આમ કહીને તે ગયો. પછી તેણે વિચાર્યું, ‘ખરેખર, આ ભવનમાં બીજા કોઈનો પ્રવેશ નથી. મારો વેશ ધારણ કરીને કોઈ વિદ્યાધર આવતો હશે.’ પછી તેનો વધ કરવાનો ઉપાય વિચારીને તેણે આખા ભવનમાં સિન્દૂર વેર્યું, અને હાથમાં તલવાર લઈને તેના આગમનની રાહ જોતો ઊભો રહ્યો. થોડી વાર થઈ એટલે પગલાં પડતાં તેણે જોયાં; એટલે એ પગલાંને અણુસારે તેણે તલવારનો ઘા કર્યો. આથી કપાઈને પેલાના બે ટુકડા થઈ ગયા તે તેણે જોયા. પછી એ વિદ્યાધરના શબની અંતિમ વ્યવસ્થા કરી, અને એ ભૂમિ શુદ્ધ કરી, અને એ ભૂમિ શુદ્ધ કરી.

પછી પોતાને હાથે પુરુષવધ થઈ ગયો, તેથી શાન્તિ નહીં પામતો ધમ્મિલ્લ બીજે દિવસે પોતાના ઉપવનમાં પ્રવેશ્યો, અને પશ્ચાત્તાપથી સંતપ્ત હૃદયવાળો અશોક વૃક્ષ પાસેના ધરો જેવા લીલાછમ પૃથ્વીશિલાપટ્ટ ઉપર વિચાર કરતા બેઠો. તે વખતે જેણે પોતાના શરીર ઉપર અશોકમંજરીઓ ધારણ કરી છે એવી, નવયૌવનશાળી, સ્તનભારથી નમેલાં ગાત્રવાળી, પુષ્ટ જઘનવાળી, ધીરે ધીરે પગ મૂકતી, એક જ લાલ વસ્ત્ર પહેરેલી, આશ્ચર્યપૂર્વક દર્શનીય એવા રૂપવાળી અને થોડાં પણ મોંઘાં આભૂષણો પહેરેલી એક સુન્દરી તેની પાસે આવી. જેના રૂપનું પાન કરતાં તૃપ્તિ ન થાય એવા દર્શનીય રૂપવાળી, અત્યંત રાતા, બિંબ જેવા હોઠ અને શુદ્ધ દંતપંક્તિવાળી તથા પ્રસન્ન દર્શનવાલી તેને ધમ્મિલ્લે જોઈ. પેલી સુન્દરી પણ કહેવા લાગી -

‘હે આર્યપુત્ર! ધ્યાનપૂર્વક સાંભળો. વૈતાઢ્યપર્વતની દક્ષિણ શ્રેણિમાં અશોકપુર નામે વિદ્યાધરનગર છે. ત્યાં વિદ્યાધરરાજા મેઘસેન નામે છે, અને તેની પત્ની શશિપ્રભા છે. તેમને બે બાળકો થયાં — મેઘજવ પુત્ર, અને હું મેઘબાલા પુત્રી. એક વાર વિદ્યાધરરાજા મારી માતાની સાથે વિચાર કરવા લાગ્યો, ‘મારું અવસાન થતાં રાજા કોણ થશે?’ પછી વિદ્યાથી જોઈને તેણે મારી માતાને કહ્યું, ‘આ અવિનીત મેઘજવ મેઘબાલાના પતિના હાથે નાશ પામશે. આથી બીજો કોઈ અહીં રાજા થશે.’ આ સાંભળીને મારી માતા વિષાદ પામી. મેઘજવ પણ મારા પ્રત્યેના સ્નેહથી ઉદ્યાન, કાનન, નદી અને ગિરિઓમાં રમણીય ક્રીડાઓ દરરોજ માણતો હતો, અને એક મુહૂર્ત પણ મારો વિરહ ઇચ્છતો નહોતો. હું પણ ભાઈમાં સ્નેહાનુરક્ત હૃદયને કારણે તેના વિરહમાં તેના દર્શન માટે ઉત્સુક બનતી હતી. આ પ્રમાણે અમારો સમય જતો હતો. આજથી ત્રીજા દિવસે, ‘હે મેઘબાલા! હું કુશાગ્રપુર જાઉં છું,’ એમ મને કહીને તે નીકળ્યો છે. તે પાછો નહીં આવવાથી હું અહીં આવી છું.’ ‘ધમ્મિલ્લે વિદ્યાધરને માર્યો છે’ એમ મેં સાંભળ્યું. આથી રોષ પામેલી હું આ અશોકવનમાં આવી. ત્યાં મેં તમને જોયા, જોતાં જ મારો રોષ નાશ પામ્યો, અને લજ્જા આવી. માટે કૃપા કરો અને હું અશરણનું શરણ થાઓ.’ આ પ્રમાણે કહી તે ધમ્મિલ્લના ચરણમાં પડી. ધમ્મિલ્લે પણ ઉત્તમ હાથીની સૂંઢ જેવા બાહુઓ વડે તેનો સ્પર્શ કર્યો, ગાંધર્વ વિવાહધર્મથી તેની સાથે વિવાહ કર્યો, અને રતિવિનોદથી તેને ગાઢ આલિંગન કર્યું. મેઘબાલાનો પોતાના ભાઈના મરણ સંબંધી શોક દૂર થયો, અને માનવસુખનો સાર તે પામી. તેને લઈને ધમ્મિલ્લ પોતાના ભવનમાં ગયો.