ભારતીયકથાવિશ્વ-૩/‘તરંગલોલા’ની કથાઓ/ પૂર્વભવનો વૃત્તાંત ચક્રવાક-મિથુન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પૂર્વભવનો વૃત્તાંત ચક્રવાક-મિથુન

મધ્યદેશના મિત્ર સમો અંગ નામનો દેશ હતો: ધાન્યથી ભરપૂર, તથા શત્રુઓના આક્રમણ, ચોર અને દુષ્કાળથી મુક્ત. તેની રાજધાની હતી ચંપા- રમણીય વનરાજિ અને ઉદ્યાનોથી મંડિત, બધી ઉત્તમ પુરીઓના ગુણોથી સમૃદ્ધ અને એમ સાચ્ચે જ એકમાત્ર પુરી. જેના કાંઠા સ્નિગ્ધ હતા અને બંનેય તટ પુષ્કળ ગામો, નગરો અને જનપદોથી ભરચક હતા તેવી, પંખીઓનાં ઝુંડથી વ્યાપ્ત, અંગદેશની રમણીય નદી ગંગા ત્યાં થઈને વહેતી હતી.કાદંબ પક્ષીરૂપી કુંડળ અને હંસરૂપી મેખલા ધરતી, ચક્રવાકરૂપી રમણીય સ્તનયુગલવાળી, સાગરપ્રિયા ગંગા ફીણનું વસ્ત્રપરિધાન કરી ગમન કરતી હતી. તેના કાંઠા પરનાં વૃક્ષો મત્ત વનરાજોના દંતૂશળના પ્રહારવાળા હતાં. તેના તીરપ્રદેશોમાં જંગલી પાડા, વાઘ, દીપડા અને તરસની મોટી વસતી હતી. તે નદી પર, પાકવા માંડેલા કલમી ચોખા જેવી રતાશ ધરતા ચક્રવાકયુગલોનાં જૂથ શોભી રહ્યાં હતાં. તેમની પોતપોતાની જોડીમાંના સાથીદાર સદા એકમેક પ્રત્યે અનુરક્ત રહેતાં. ત્યાં ધૃતરાષ્ટ્ર, સારસ, આડિ, કાદંબ, હંસ, ટીટોડા અને તેવાં બીજાં પક્ષીઓનાં ટોળાં નિર્ભયપણે અને સ્વચ્છંદે ક્રીડા કરતાં હતાં. હે સખી, ત્યાં હું આગલા ભવમાં એક ચક્રવાકી હતી. કપૂરના ચૂર્ણથી મિશ્રિત કપીલા જેવો આછો રતૂમડો મારા શરીરનો વાન હતો. એ પક્ષીભવમાં એ અવસ્થાને યોગ્ય પ્રચુર સુખસન્માનમાં હું આસક્ત હોઈને પછીના મનુષ્યભવનું મને સ્મરણ થતું હતું. સંસારમાં સર્વ યોનિઓના જીવોને, જો તેઓ સુખસંપત્તિથી મોહિત હોય તો તેમને આગલા જન્મની સ્મૃતિ થતી હોય છે. જેમાં સ્વચ્છંદે અને સુખે વિચરવાનું હતું. જોઈતી વસ્તુ સ્વચ્છંદે પ્રાપ્ત થતી તેવી ચક્રવાકયોનિમાં હું ગાઢપણે આસક્ત હતી. જેવો તદ્દન દોષમુક્ત અનુરાગ ચક્રવાકોમાં હોય છે, તેવો જીવલોકના અન્ય પ્રાણીઓ વચ્ચે નથી હોતો. ત્યાં એક ચક્રવાક હતો. સહેજ ગોળાશ ધરતું, સુંદર, સશક્ત તેનું શરીર હતું. અગરુ જેવો મસ્તકનો વાન હતો. ગંગામાં વિચરવામાં તે કુશળ હતો. શ્યામ ચરણ અને ચાંચવાળો એ ચક્રવાક લાવણ્યમાં, નીલકમળની પાંખડીઓથી મિશ્રિત તાજાં કોરંટ પુષ્પોના ઢગનો આભાસ ઉપજાવતો હતો. આમરણ નિરંતર એકધારી પ્રેમવૃત્તિવાળો તે સ્વભાવે ભદ્ર અને ગુણવાન હતો, અને તપસ્વીની જેમ રોષવૃત્તિથી તે તદ્દન મુક્ત હતો. સજળ મેઘો સમા જળપ્રવાહમાં વીજળીની જેમ ત્વરિત ગતિવાળી હું તેના સંગાથમાં, સરિતાના તીરોના કંઠાભરણ સમી વિચરતી હતી. પરસ્પરના શ્રોત્રને શાતા આપતા, કર્ણરસાયણ સમા મનહર કલરવે અમે ખેલતાં હતાં. અમે એકમેકનો પીછો કરતાં, એકમેકના સ્વરનું અનુકરણ કરતાં, એકમેકમાં અનુરક્ત, એકમેકને ઘડીક પણ છોડવાને ઇચ્છતાં ન હતાં. એ પ્રમાણે એકબીજાનું અનુવર્તન કરતાં અમારો બંનેનો બાધારહિત, સંતુષ્ટ જીવનક્રમ પ્રવર્તતો હતો. આ રીતે અમે વિવિધ નદીઓમાં, અનેક રમણીય પદ્મસરોવરમાં, રેતાળ કે ટીંબાવાળા મનોહર તીરપ્રદેશોમાં રમણ કરતાં હતાં. હવે એક વાર અનેક પ્રકારનાં પક્ષીઓનાં ગણો અને યુગલો વચ્ચે અમે, રત્નની છો જેવા ભાગીરથીના જળની સપાટી પર રમતાં હતાં. એ વેળા ત્યાં સૂર્યના તાપે તપ્ત એક મદમસ્ત ગજ નહાવા આવ્યો. રાજ્યલક્ષ્મી જેવા ચંચળ અને દુંદુભિ જેવો મધુરગંભીર શબ્દ કરતા તેના કાન તેના સ્કંધ પર પડતા હતા. મેઘની જેમ તે ગર્જતો હતો, ગિરિશિખર જેવું સ્થૂળ તેનું શરીર હતું, મંડસ્થળ મંદે ખરડાયેલું હતું. શરીર ધૂળથી લિપ્ત હતું. પોતાના મદપ્રવાહની મનહર, મઘમઘતી સુગંધે વનવૃક્ષોના પુષ્પોની સુગંધને હરી લેતો, શરીર પરથી વહેતા, તાજા સપ્તપર્ણના ફૂલ જેવી ગંધવાળા અને વાયુવેગે ચોતરફ છંટાતા મદજળ વડે આસપાસની ધૂળને સુગંધિત કરતો, સાગરની મહિષી ગંગાના વિશાલ પુલિનરૂપી જઘન પર જાણે કે મેખલા રચતો તે ગજરાજ અમે હતા તે તરફ લલિત ગતિએ આવવા લાગ્યો. ગંગા તેના આગમનથી ડરતી હોય તેમ, ઊઠેલા જબ્બર કલ્લોલને મિષે જાણે કે દૂર ખસી જવા લાગી. પાણી પી પીને પછી ધરામાં ઊતરીને તેમાં નિમગ્ન થતો તે સુંદર લાગતો હતો. સૂંઢ વડે તે ચારે દિશાઓમાં અને પોતાની પીઠ પર જળ ઉડાડતો, જાણે કે મલિન જળને સ્વચ્છ કરવાની આતુરતાથી ધરાને ઉલેચી નાખવા તે ઇચ્છતો હોય તેમ લાગતું હતું. હે સખી! સૂંઢને જળથી ભરીને તે જળની ધાર ઉડાડતો, તે અગ્રભાગથી ઝરતા નિર્ઝરવાળા ગિરિશિખર સમો શોભતો હતો. તે સૂંઢ ઊંચી કરતો ત્યારે તેનું રાતા તાળવા, જીભ અને હોઠવાળું મુખ, શુદ્ધ અંજનના ગિરિમાં હિંગળોકની ખાણની ગર્તા જેવું શોભતું હતું. જળમાં મજ્જન કરતાં, જળપ્રવાહને અનેક રીતે ડખોળતાં અને જળ પીતાં તેણે અમને સૌ પક્ષીઓને ઉડાડ્યાં. દૂર ઊડી ગયા છતાં અમારો ભય જતો ન હતો. નાહીને શાતા અનુભવતો હાથી પોતાની ઇચ્છા અનુસાર પાણીની બહાર નીકળ્યો. તે વેળા પ્રાણીઓને મારીને પોતાનો જીવનનિર્વાહ ચલાવતો એવો એક જુવાનજોધ વ્યાધ ત્યાં આવી પહોંચ્યો. જંગલી ફૂલોની માળા તેણે મસ્તક પર વીંટી હતી. હાથમાં ધનુષ્યબાણ સાથે તે કાળદંડ ધારણ કરેલા યમરાજ સમો લાગતો હતો. તેના અડવાણા પગ થાંભલા જેવા હતા. પગના નખ ભાંગેલા અને આડાઅવળા હતા. પગની આંગળીઓ ઊપસેલાં હાડકાંવાળી અને મેળ વગરની હતી. સાથળ ઊપસેલાં હતાં. છાતી ખૂબ વિશાળ હતી. બાહુ વારંવાર ધનુષ્ય ખેંચવાના મહાવરાથી કઠોર બનેલા હતા. દાઢીમૂછ રતાશ પડતાં અને વધેલાં હતાં. મોઢું ઉગ્ર હતું. આંખો પીંગળી અને રાખોડી હતી. દાઢો લાંબી, વળેલી, ફાટેલી અને પીળાશ પડતી ભૂખરી હતી. ખભા પ્રચંડ હતા. ચામડી પવન અને તાપના મારથી કાળી અને કર્કશ બનેલી હતી. વાણી કઠોર હતી. આવો પક્ષીઓના કાળ સમો તે કૃતાંત ત્યાં આવી લાગ્યો. તેના ખભે તૂંબડું લટકાવેલું હતું. તેણે ભયાનક વ્યાઘ્રચર્મ પહેર્યું હતું, જે કાળા કાજળથી કાબરચીતરા કરેલા પીળા વસ્ત્ર જેવું લાગતું હતું. પેલા હાથીને જોઈને તે વ્યાધ, હાથી પહોંચી ન શકે તેવા સ્થાને નદીકાંઠે ઊગેલા એક પ્રચંડ થડવાળા વિશાળ વૃક્ષ પાસે પહોંચ્યો. ખભા પાસે ધનુષ્યને ગોઠવી નજરને તીરછી કરીને દુષ્ટે પેલા જંગલી હાથીને મારવા માટે ધનુષ્યની પણછ પર બાણ સજ્યું. બરાબર સ્થાન લઈને, ધનુષ્યની પણછ પર ચડાવેલું તે પ્રાણઘાતક બાણ તેણે હાથી તરફ છોડ્યું. અને કાળમુહૂર્તમાં ત્યાંથી પસાર થતા મારા સાથીને કાળયોગે તે બાણે કટિપ્રદેશમાં વીંધી નાખ્યો. પ્રબળ ચોટની પીડાથી મૂછિર્ત બનેલો, ગતિ અને ચેષ્ટાથી રહિત થઈને તે પહોળી આંખે પાણીમાં ધબકાયો અને સાથે મારું હૃદય પણ ભાંગી પડ્યું. તેણે બાણથી વીંધાયેલો જોઈને પહેલવહેલા માનસિક દુઃખના થોકનો ભાર ધારણ કરવાને અશક્ત બનીને હું પણ મૂર્છા ખાઈને નીચે પડી. ઘડીક પછી ગમે તેમ ભાન આવતાં શોકથી વ્યાકુળ બની વિલાપ કરતી હું આંસુપૂરે ઉભરાતી આંખે મારા પિયુને જોઈ રહી. તેના કટિપ્રદેશમાં બાણ ભોંકાયેલું હતું; બંને પાંખોનો સંપુટ, છૂટો, પહોળો ને ઢળી પડેલો હતો; પવનને ઝપાટે ઢાળીને ભાંગી નાખેલા, વેલો વળગેલા પદ્મ સમો તે પડ્યો હતો. પડવાને લીધે બહાર નીકળી આવેલા લોહીથી લદબદ એવો તે લાખથી ખરડાયેલા પાણીભીના સુવર્ણકળશ સમો દીસતો હતો. લોહીથી ખરડાયેલા શરીરવાળો તે મારો સાથી ચંદનના દ્રવથી સિંચિત પૂજાપા માટેનાં અશોકપુષ્પોના ઢગ સમો દીસતો હતો. જળપ્રવાહને કાંઠે પડેલો કેસૂડાના જેવા સુંદર વાનવાળો તે આથમવાની અણી પર આવેલા, ક્ષિતિજમાં ડૂબવા માંડેલા સૂરજ સમો શોભતો હતો. મારા પ્રિયતમને ભોંકાયેલું બાણ ચાંચ વડે ખેંચી કાઢવામાં મને એ ડર લાગતો હતો કે બાણ ખેંચવાની વેદનાને પરિણામે તે કદાચ મૃત્યુ પામે. પાંખ પસારીને તેને ભેટતી, ‘હા! હા! કંથ!’ એમ બોલતી હું તેની સંમુખ થઈને આંસુ ઘેરાયેલી આંખે તેનું મુખ જોઈ રહી.બાણપ્રહારે નિષ્પ્રાણ બનેલા મારા પ્રિયતમની ચાંચ વેદનાથી ખુલ્લી થઈ ગઈ હતી. આંખના ડોળા ઉપર ચડી ગયા હતા અને બધાં અંગો તદ્દન શિથિલ થઈ ગયાં હતાં. કિંકર્તવ્યવિમૂઢ બનેલી હું, સ્વાભાવિક પ્રેમને કારણે, ઉપરાઉપર આવતા તરંગોથી વીંટળાયેલા તેને, તે મૃત હોવા છતાં જીવતો માનવા લાગી. પરંતુ તે તદ્દન ફીકો પડી ગયો છે તેમ જાણીને એકાએક આવી પડેલા દુ:સહ શોકાવેગથી હું મૂછિર્ત થઈને ભાન ગુમાવી બેઠી. તે પછી કેમેય કરીને ભાનમાં આવતાં હું મારા આગળનાં પીછાં ચાંચથી તોડવા લાગી. તેનાં પીછાંને પંપાળવા લાગી અને પાંખ વડે હું તેને ભેટી પડી. હે સખી! હું આમતેમ ઊડતી પાણી છાંટતી, મૃત પ્રિયતમની બધી બાજુ ભ્રમણ કરતી આ પ્રમાણે મારા હૃદયનાં કરુણ વિલાપવચનો કાઢવા લાગી: અરેરે! બીજાના સુખના વિઘાતક કયા દયાહીને આને વીંધી નાખ્યો? કોણે સરસી (સરોવર)રૂપી સંુદરીનું આ ચક્રવાકરૂપી સૌભાગ્યતિલક ભૂંસી કાઢ્યું? કોણે મને ઓચિંતું આ સ્ત્રીઓના સુખનું વિનાશક શોકવર્ધક નિ:સીમ વૈધવ્ય આપ્યું? હે નાથ! તારા વિરહમાંથી પ્રગટેલા અનુતાપના ધુમાડા અને ચિંતાની જ્વાળાવાળા શોકાગ્નિથી હું બળી રહી છું. કમળપત્રની આડશમાં તું રહ્યો હોય ત્યારે તારું રૂપ ન જોતાં હું તારા દર્શનથી જ્યારે વંચિત થતી, ત્યારે કમળસરોવરોમાં પણ મારું મન ઠરતું ન હતું. મારી દૃષ્ટિ બીજા કોઈ વિષય પર ચોંટતી જ નહીં. કમળપત્રના અંતરે રહેલો તું ત્યારે પણ મને દેશાંતરે ગયા સમો લાગતો. તું મારે માટે અદૃશ્ય બનતાં હવે મારું આ શરીર શું કામ ટકી રહ્યું છે? પ્રિયના વિયોગનું દુઃખ નિરંતર હોય છે. પેલો વનરાજ પાછો ચાલ્યો જતાં તે વનચર મારા સહચરને વીંધાયેલો જોઈને હાય હાય કરતો ત્યાં આવી પહોંચ્યો. હાથ ધુણાવતો, મોટા શોકપ્રવાહ સમો તે વ્યાધ, જ્યાં મારી પ્રિયતમ મરેલો પડ્યો હતો તે સ્થળે આવ્યો. પ્રિયતમના પ્રાણઘાતક કાળ સમા ભીષણ એવા તેને જોતાં જ ભયવ્યાકુળ બનીને હું ઝડપથી આકાશમાં ઊડી ગઈ. પછી તેણે ચક્રવાકને ઝાલીને તેમાંથી પોતાનું બાણ ખેંચી કાઢ્યું, અને મરી ગયેલો જાણીને તેને રેતાળા કાંઠા પર અનુકંપાથી મૂક્યો. મારા પ્રિયતમને ચંદ્રકિરણ જેવા શ્વેત તટ પર નાખીને તે નદીની આજુબાજુ કાષ્ઠ શોધવા લાગ્યો. એ વનચર લાકડાં લઈને પાછો આવે તે દરમિયાન હું પ્રિયતમના પડખામાં લપાઈને બેઠી, ‘હાય નાથ! હું તને આ છેલ્લી વાર જ જોવાની, એક ઘડીમાં તો તું સદાનો દુર્લભ બની જઈશ.’ એમ હું વિલાપ કરવા લાગી. ત્યાં તો તે વનચર જલદી લાકડાં લઈને મારા પ્રિયતમની પાસે આવી પહોંચ્યો. એટલે હું પણ ઝડપથી ઊડી ગઈ. હાથમાં દારુ(લાકડાં) સાથે તે દારુણને જોઈને હું વિચારવા લાગી કે આ દુષ્ટ મારા પ્રિયતમને આનાથી ઢાંકી દઈને બાળી નાખશે. મનમાં એ પ્રમાણે વારંવાર વિચારતી દુઃખથી સંતપ્ત બનીને પાંખો વીંઝતી હું મારા પ્રિયતમની ઉપર ચોતરફ ભ્રમણ કરવા લાગી. પછી તેણે ધનુષબાણ તથા ચામડાંની કૂંપી બાજુ પર મૂકીને મારા પ્રિયતમને બધાં લાકડાંથી ઢાંકી દીધો. પછી વ્યાધે બાણ સાંધીને અરણિમાં અગ્નિ પ્રગટાવ્યો અને ‘તને સ્વર્ગ મળજો’ એમ મોટે અવાજે ઘોષણા કરી. ધુમાડાવાળા અને જ્વાળાથી પ્રકાશતા તે અગ્નિને પ્રિયતમની ઉપર છવાયેલો જોઈને, જેમ દાવાનળે વન સળગી ઊઠે, તેમ હું એકદમ શોકથી સળગી ઊઠી. કૃતાંતે પાડેલી આપત્તિથી સંતપ્ત બનીને હું મારી નિરાધાર જાત પર રોવા લાગી અને વિલાપ કરતી, હૃદયથી પ્રિયતમને સંબોધીને આ પ્રમાણે કહેવા લાગી: સરોવર, સરિતા, વાવ, જળતટ, તળાવ, સમુદ્ર અને નવાણોમાં ઉલ્લાસથી જેણે રમણ માણ્યું તે તું આ દારુણ આગ શેં સહી શકીશ? આ પવનબળે આમતેમ ઘૂમતી જ્વાલાવલીથી પ્રકાશતો અગ્નિ તને બાળી રહ્યો છે તેથી હે કાન્ત, મારાં અંગો પણ બળુંબળું થઈ રહ્યાં છે. મને પ્રિયતમના સંયોગમાંથી આમ વિયોગ કરાવીને હવે, લોકોના સુખદુઃખની પારકી પંચાતનો રસિયો કૃતાંત ભલે ધરાતો. લોખંડનું બનેલું આ હૈયું તારી આવી વિપત્તિ જોવા છતાં ફાટી ન પડ્યું, તો એ દુઃખ ભોગવવાને જ લાયક છે. પ્રિયતમને પડખે રહીને આવી આગ મારાથી સો વાર પણ સહેવાય. પણ આ પ્રિયવિયોગનું દુઃખ મારાથી સહ્યું જતું નથી. એ પ્રમાણે વિલાપ કરતાં કરતાં અતિશય શોકથી ઉત્તેજિત થઈને સ્ત્રીસહજ સાહસવૃત્તિથી મારા મનમાં મરવાનો વિચાર આવ્યો. અને એ સાથે જ હું નીચે ઊતરી અને પ્રિયના અંગના સંસર્ગથી શીતળ એવી આગમાં, પહેલાં હું હૃદયથી પડી જતી, તે હવે મારા શરીરથી પડી. આમ જેને પ્રિયતમના શરીરનો સંપર્ક હતો તેવા, મારા કંઠના જેવા કંકુમવર્ણા અગ્નિમાં, મેં જેમ મધુકરી અશોકપુષ્પના ગુચ્છ પર ઝંપલાવે, તેમ ઝંપલાવ્યું. ઘુરઘુરાટ કરીને સળગતો સોના જેવી પિંગળી શિખાવાળો અગ્નિ મારા શરીરને બાળતો હોવા છતાં, પ્રિયતમના દુઃખથી પીડાતી હોવાથી મને કશું લાગ્યું નહીં. એ પ્રમાણે, હે સારસિકા, મારા પહેલાં મૃત્યુ પામેલા મારા પ્રિયતમના શોકાગ્નિની જ્વાળાએ ઉદ્દીપ્ત તે અગ્નિમાં હું બળી મરી. એ પ્રમાણે હે ગૃહસ્વામિની, પ્રિયતમના અને મારા મરણનો વૃત્તાંત કહેતાં કહેતાં પ્રગટેલા દુઃખને લીધે હું મૂછિર્ત થઈને ઢળી પડી. પાછી ભાનમાં આવતાં, મન અને હૃદયથી વ્યાકુળ બની મેં ધીરે ધીરે સારસિકાને કહ્યું: તે વેળા મૃત્યુ પામીને પછી હું આ કૌશાંબી નગરીમાં સર્વગુણસંપન્ન શ્રેષ્ઠીના ઘરમાં જન્મી. આ જળતરંગોના શરદના અંગ સમાં, ચક્રવાકોને જોઈને, હે સખી, મને તીવ્ર ઉત્કંપ પ્રગટ્યો. ચક્રવાકોનાં યુગલ જોવામાં હું તલ્લીન હતી, ત્યારે એકાએક મારા હૃદયસરોવરમાં મારો એ ચક્રવાક ઊતરી આવ્યો. અને હે સખી, અનેક ગુણે રુચિકર એવો મારો ચક્રવાકીનો ભવ અને તે ભવમાં જે બધું ભોગવ્યું અને જે તને મેં હમણાં કહી બતાવ્યું તે સાંભરી આવ્યું. મારી એ સ્મૃતિને કારણે પ્રિયતમના વિયોગની કરુણ કથની મેં તને સંક્ષેપમાં કહી. તને મારા જીવતરના શપથ છે — જ્યાં સુધી મને તે મારા પ્રિયતમનું પુનમિર્લન ન થાય ત્યાં સુધી તું આ વાત કોઈને પણ કહીશ નહીં. જો આ લોકમાં કેમેય કરીને તેની સાથે મારો સમાગમ થશે તો જ, હે સખી, હું માનવી સુખભોગોની અભિલાષા રાખીશ. સુરતસુખની સ્પૃહા રાખતી હું આશાપિશાચીને વિશ્વાસે, તેને મળવાની લાલચે સાત વરસ પ્રતીક્ષા કરીશ. પરંતુ સખી, ત્યાં સુધીમાં જો તે મારા હૃદયમંદિરના વાસીને નહીં જોઉં, તો પછી જિન-સાર્થવાહે ખેડેલા મોક્ષમાર્ગમાં હું પ્રવજ્યા લઈશ. અને પછી હું એવું તપ આચરીશ જેથી કરીને, સાંસારિક બંધનોવાળાની ઉપર સહેજે આવી પડતું પ્રિયજનનું વિરહદુઃખ હું ફરી કદી ન પામું. હું શ્રમણત્વરૂપી પર્વત પર નિવિર્ઘ્ને આરોહણ કરીશ, જેથી કરીને જન્મ, મરણ વગેરે સર્વે દુઃખોનું વિરેચન થઈ જાય. હે ગૃહસ્વામિની, એ પ્રમાણે મારામાં અત્યંત આસક્ત અને સ્નેહવશ દાસીને મેં, મારી કથની કહી શોકને હળવો કર્યો. એ કથની સાંભળીને, મારા પ્રત્યેના વાત્સલ્યથી કોમળ હૃદયવાળી સારસિકા મારા દુઃખ અને શોકથી સંતપ્ત થઈને કેટલાયે સમય સુધી રડતી રહી. પાછી તે રડતાં રડતાં મને કહેવા લાગી, ‘અરેરે, સ્વામિની! મેં જાણ્યું, તારું આ પ્રિયવિરહનું દુઃખ કેવું હૈયું બાળી નાખે તેવું છે તે. પોતે પૂર્વે કરેલાં કર્મોરૂપી પાપવૃક્ષોનાં કડવાં ફળો કાળે કરીને પરિપક્વ થતાં જાય છે. હે સ્વામિની, તું વિષાદ તજી દે; દેવતાની કૃપાથી, હે ભીરુ, તારા તે ચિરપરિચિત પ્રિયતમની સાથે તારો સમાગમ થશે જ.’ એ પ્રમાણે અનેક મીઠાં વચનોથી આશ્વાસન આપી, મનાવીને તેણે મને સ્વસ્થ કરી તથા જળ લાવીને મારાં આંસુ પખાળ્યાં. તે પછી, હે ગૃહસ્વામિની, દાસીની સાથે તે કદલીમંડપમાંથી બહાર નીકળીને હું જ્યાં અમ્માની સમીપમાં અમારો પરિચારક વર્ગ વિહરી રહ્યો હતો, ત્યાં પહોંચી. પછી વાવને કાંઠે બેઠેલી અને સ્નાન, શણગાર વગેરે કરવામાં રચીપચી અમ્માને જોઈને હું તેની પાસે ગઈ. ભુંસાઈ ગયેલી બિંદીવાળું, સહેજસાજ બચેલા આંજણયુક્ત રાતાં નયનવાળું, ખિન્ન બનેલું અને પ્રભાતકાળના ચંદ્ર સમુ ફીકું એવું મારું વદન જોઈને વિષાદ પામતી અમ્માએ કહ્યું, ‘બેટા, ઉદ્યાનમાં ભમવાના થાકને લીધે તું કરમાયેલી ઉત્પલમાળાના જેવી શોભાહીન બની ગઈ છે શું?’ એટલે પ્રિયતમના વિયોગે દુઃખી, સર્વસ્વ હરાઈ ગયું હોય તેવી હું આંસુભરેલી આંખે બોલી, ‘મારું માથું દુઃખે છે.’ ‘તો બેટા, તું નગરમાં પાછી જા.’ ‘મારાથી એક ડગલું પણ દઈ શકાય એમ નથી. મને તાવ ચડ્યો છે.’ એ વચન સાંભળીને અત્યંત ખિન્ન બનેલી મારી વત્સલ માતાએ કહ્યું, ‘તું સ્વસ્થ થાય તે પ્રમાણે કરીશું. હું પણ નગરીમાં ન આવું, તો આવી દુર્દશામાં તને એકલી કેમ મૂકું? મારી પુત્રી આખા કુળનું સર્વસ્વ છે.’ એ પ્રમાણે કહીને પુત્રી પ્રત્યેના અતિશય સ્નેહવાળી અમ્માએ શયનવાળું એક ઉત્તમ વાહન મારે માટે જોડાવ્યું. પછી પેલી મહિલાઓને તેણે કહ્યું, ‘તમે સૌ સ્નાનશણગાર કરી, ભોજન પતાવીને વેળાસર પાછી આવી જજો, હોં, મારે જરા નગરમાં જવાનું છે, કાંઈક તાકીદનું અનિવાર્ય કામ છે, પણ તમે કશી ચિંતા ન કરશો.’ એ પ્રમાણે તે બધીને સારું લાગે તેમ કહ્યું. ઉજાણીના આનંદોત્સવમાં સ્ત્રીઓને કશો અંતરાય ન પડે એ દૃષ્ટિએ અમ્માએ પોતાનું નગરીમાં પાછા ફરવાનું ખરું કારણ ન જણાવ્યું, સાથેના સૌ રક્ષકો, દેખરેખ રાખનારા વૃદ્ધો અને કંચુકીઓને પોતપોતાના કાર્યમાં બરોબર સાવધ રહેવાનું કહીને, થોડાક પરિવારને અને અનુભવી પરિચારકોને સાથે લઈને તે વાહનમાં બેસીને અમ્મા મારી સાથે નગરીમાં આવી. વાસભવનમાં તળાઈ અને તકિયાવાળા શયનમાં હું બેઠી. ગળાનો મોતીનો હાર, માળા, કાનનું કુંડળયુગલ, કટિમેખલા એ બધું કાઢીને મેં દાસીને સોંપ્યું. એટલે અમ્માએ મારા બાપુજીને કહ્યું, ‘તરંગવતીના શરીરમાં તોડ છે. માથું પણ દુઃખે છે. એટલે ઉદ્યાનમાં તેને વધુ રહેવાનું ગોઠ્યું નહીં. જેના નિમિત્તે હું ઉદ્યાનમાં ગઈ, તે સપ્તવર્ણનું વૃક્ષ સરોવરની સમીપમાં ઊગેલું અને ઢંકાઈ ગયેલું મેં જોયું. સૌ સ્ત્રીઓને ઉદ્યાનમાં રમણભ્રમણ કરવામાં કશું વિઘ્ન ન થાય એ હેતુથી મેં મારા પાછા ચાલી આવવાનું સાચું કારણ તેમને નથી જણાવ્યું.’ એ વચન સાંભળીને મારા પર પુત્રો કરતાં પણ વધુ સ્નેહબંધવાળા બાપુજી અધિક વ્યાકુળ અને દુઃખી થયા. અમ્માની સલાહથી વૈદ્યને બોલાવ્યો. તે વિવેકબુદ્ધિવાળો અને પોતાની વિદ્યાના ગુણે આખા નગરમાં પ્રખ્યાત હતો; ઉત્તમ કુળમાં જન્મેલો, ગંભીર સ્વભાવનો અને ચારિત્ર્યવાન હતો; શાસ્ત્રનો જાણકાર હતો; અને તેનો હાથ શુભ, કલ્યાણકારી અને હળવો હતો. બધા પ્રકારની વ્યાધિઓના લક્ષણ, નિદાન અને નિગ્રહમાં તથા તેને લગતા પ્રયોગવિધિમાં કુશળ એવો તે વૈદ્ય નિરાંતે આસન પર બેસીને મને પૂછપરછ કરવા લાગ્યો. ‘મને કહે, તને વધારે કષ્ટ શેનાથી થાય છે — તાવથી કે માથાના દુઃખાવાથી? તું વિશ્વાસ રાખ. આ ઘડીએ જ તારું કષ્ટ હું દૂર કરી દઈશ. તેં ગઈ કાલે ભોજનમાં શું લીધું હતું? તને ખાધેલું બરાબર પચ્યું હતું? તારી રાત કેવી ગઈ, આંખોને બીડી દેતી ઊંઘ બરાબર આવી હતી?’ એટલે સારસિકાએ મેં જે કાંઈ રાત્રે આહાર કર્યો હતો તે, તથા પૂર્વ જન્મના સ્મરણ સિવાયની ઉજાણીએ ગયાની વાત કહી જણાવી. એ પ્રમાણે પૂછીને અને મને જોઈતપાસીને વસ્તુુતિથિનો મર્મ પામી જઈ વૈદ્ય કહેવા લાગ્યો, ‘આ કન્યાને કશો રોગ નથી.’ લોકોને જમ્યા પછી તરત આવતો જ્વર કફજ્વર હોય, પાચન થતાં એ જ્વર આવે તે પિત્તજ્વર અને પાચન થઈ ગયા પછી આવતો જ્વર તે વાતજ્વર હોય છે. આ ત્રણેય વેળાએ જે જ્વર આવે તે સન્નિપાત-જ્વર હોય, જેમાં ઘણા પ્રબળ દોષો રહેલા હોવાનું જાણવું. અથવા તો જેમાં ઉક્ત ત્રણેય પ્રકારના જ્વરના દોષ અને લક્ષણો વરતાય તેને સન્નિપાત-જ્વર જાણવો. વળી, દંડ, ચાબુક, શસ્ત્ર, પથ્થર વગેરેના પ્રહારને લીધે, ઝાડ પરથી પડવાથી કે ધક્કેલવાથી — એવા કોઈ વિશિષ્ટ કારણે ઉત્પન્ન થતા જ્વરને આગંતુક જ્વર જાણવો. આ જ્વરોમાંથી એકેય લક્ષણ મને અહીં દેખાતું નથી. માટે તમે નિશ્ચંતિ રહો, આ કન્યાનું શરીર તદ્દન સ્વસ્થ છે. લાગે છે કે તમારી પુત્રી ઉદ્યાનમાં ભ્રમણ કરીને અને વાહનની અથડામણથી થાકી ગઈ છે. આ શારીરિક પરિશ્રમ જાણે કે જ્વર હોય એમ બાળાને લાગે છે. અથવા તો પછી ભારે શોક કે ડરને લીધે આને કશો ચિત્તવિકાર થયો હોય, જેથી કરીને આ બાળા ખિન્ન બની ગઈ હોય. આમાં બીજું કશું કારણ નથી.’ એ પ્રમાણે અમ્માને તથા બાપુજીને કારણો તથા દલીલોથી સમજાવીને, સન્માનપૂર્વક વિદાય કરાયેલો વૈદ્ય અમારે ઘેરથી ગયો. પછી ભારે શોકથી તપ્ત હૃદયવાળી અને દુઃખાર્ત બની ગઈ હતી. અમ્માએ મને શપથ દઈને બપોરે જમાડી. ઉજાણીએથી પાછી ફરેલી પેલી મહિલાઓ પણ સ્નાન, શણગાર, ભોજન અને આનંદપ્રમોદના અનેક પ્રસંગો વર્ણવવા લાગી. નીલરંગી શયનમાં અશરણ બનીને સૂતાં, નિદ્રારહિત આંખોએ મારી એ રાત્રિ કેમેય કરીને વીતી. કહે છે કે આગલે દિવસે મને જોઈને જેઓ મદનનાં બાણથી વીંધાઈ ગયા હતા, તેમના વડીલ સેંકડો પુરુષો બાપુજી પાસે મારું માગું કરવા આવેલા, પરંતુ ઉમેદવારો રૂપાળા હોવા છતાં, શીલ, વ્રત, નિયમ અને ઉપવાસના ગુણોમાં તે બધા મારા સમોવડ ન હોવાથી, હે શેઠાણી, તેમનો બાપુજીએ અસ્વીકાર કર્યો. એને લગતી વાતોના અને ગુણકીર્તનના પ્રસંગોમાં વારંવાર ઉપસ્થિત રહેતો મારો પ્રિયતમ જ મારી આંખોમાં પાણીરૂપે ઊતરી આવ્યા કરતો હતો. પહેલાંના એ મારા દેહસંબંધનું હું વારંવાર સંસ્મરણ કરતી તેથી મારા ઉપર જાણે કે ક્રોધે ભરાઈને — રિસાઈને મારી ભોજનરુચિ ચાલી ગઈ. હે ગૃહસ્વામિની, હું દુઃખીદુઃખી હોઈને, સ્નાન અને શણગાર મને ઝેર જેવા લાગતાં; વડીલો અને કુુુુટુંબીજનોથી મારો હૃદયભાવ છુપાવવા હું તે નીરસપણે કર્યે જતી. જો મનોરથરૂપી તરંગો મારા જીવિતમાં પ્રસરેલા ન હોત, તો હું પ્રિયતમના સંગથી વિયુક્ત રહીને એક ક્ષણ પણ જીવી ન શકત. સ્વૈરપણે ભ્રમણ કરતો, કામદેવના બાણ જેવો, સપ્તચ્છદની સૌરભવાળો, સુખી લોકોને શાતા આપતો, ઋતુને લીધે પ્રચંડ એવો પવન મને પીડતો હતો. મદનના શરપાત સમાં, તિમિરનાશક ચંદ્રકિરણોનો સ્પર્શ હું ક્ષણ પણ સહી શકતી ન હતી. કુમુદવનને અમૃતવૃષ્ટિ સમી અત્યંત પરિતૃપ્ત કરતી શીતલ જ્યોત્સ્ના પણ ઉષ્ણ હોય તેમ મારા અંગને દઝાડતી હતી. હે, ગૃહસ્વામિની, વિષયસુખની તૃપ્તિ કરાવતા પાંચ પ્રકારના ઇષ્ટ ઇન્દ્રિયાર્થો, મારા પ્રિયતમ વિના મને શોક ઉપજાવતા હતા. તે વેળા મેં પ્રિયતમને પામવા માટે, સર્વે મનોરથ પૂરા કરનાર એક સો આઠ આયંબિલ કરવાનો સંકલ્પ કર્યો. સર્વે દુઃખનું વિનાશક અને સર્વે સુખનું ઉત્પાદક એવું એ વ્રત કરવા માટે, મારું મન રાજી રાખવા વડીલોએ મને સંમતિ આપી. હું આયંબિલ વ્રત કરવાથી દૂબળી પડી ગઈ હોવાનું મારા સ્વજનો અને પરિજનોએ માન્યું; કામદેવના બાણથી હું શોષાઈને કૃશ બની ગઈ હોવાનું તેઓ ન કળી શક્યા. પછી, હે ગૃહસ્વામિની, વિરહદુઃખે સંતપ્ત બનેલી મેં હૃદયના શોકથી વિસામો મેળવવા, ચિત્રકર્મ માટે યોગ્ય એવો એક પટ્ટ તૈયાર કરાવ્યો. મજબૂત પાસથી બાંધેલી, યોગ્ય માપની, ઝીણા વાળવાળી, મસૃણ, સુંદર પીંછીઓ તૈયાર કરાવી. તે બંને બાજુ તીક્ષ્ણ અગ્રવાળી, ઉપસ્કૃત, સપ્રમાણ, ઝીણી, સ્નિગ્ધ રેખા પાડતી અને હાથમાં ઉત્સાહ પ્રેરે તેવી હતી. તેમના વડે મેં તે ચિત્રપટમાં જે કાંઈ ચક્રવાકી તરીકેના ભવમાં મારા પ્રિયતમની સાથે મેં અનુભવ્યું હતું તે બધું જ આલેખ્યું: જે રીતે અમે રમતાં અને વિહરતાં, જે રીતે મારો સહચર વીંધાયો, અને મરણ પામ્યો, જે રીતે વ્યાધે તેને ખમાવ્યો, અને જે રીતે મેં તેની પાછળ અનુમરણ કર્યું. વળી મેં ભાગીરથીનાં વહેણ, સમુદ્રસમા તરંગવાળી ગંગા અને તેના પટમાં રથાંગ નામધારી વિહંગો — એટલે કે ચક્રવાકો, હાથી, જુવાનજોધ અને ધનુષ્યધારી વ્યાધયુવક — એ બધું ક્રમશ: તુલિકા વડે ચિત્રપટમાં આલેખ્યું. વળી પદ્મસરોવર, અનેક પ્રકારનાં વૃક્ષોની ગીચ ઝાડીવાળી દારુણ અટવી, અને ત્યાંનો હજારો કમળોવાળો ઋતુકાળ એ બધું ચીતર્યુર્ં. ચિત્રગત એ મારા કુંકુમવર્ણા, મનોરમ ચક્રવાકને હું અનન્ય ચિત્તે જોતી જ રહી. એ સમયે વિવિધ ગુણ અને નિયમવાળી, પવિત્ર શરદપૂણિર્મા નજીકમાં જ હતી. ધર્મના જેવી શુભકર, અને અધર્મની પ્રતિબંધક એવી ઘોષણા કરવામાં આવી. લોકોએ આ વ્રતનિમિત્તે ઉપવાસ અને દાન આદર્યાં. આમ, હે ગૃહસ્વામિની, દ્વિજોની દુર્દશા દૂર કરવાવાળો અને ધર્મ કરાવવાવાળો શરદપૂનમનો દિવસ ક્રમે કરીને આવી લાગ્યો. અમ્માએ તથા પિતાજીએ ચોમાસાના અતિચારનું શોધન કર્યું, તથા મેં પણ પિતાજીની ઇચ્છાનુસાર ઉપવાસ, પ્રતિક્રમણ અને પારણાં કર્યાં. પર્વદિવસે બપોરને સમયે હું અગાસી ઉપર ગઈ અને અને સ્વર્ગીય વિમાનોની શોભા ધરી રહેલી નગરીને જોવા લાગી. દૂધ જેવાં ધવલ, કળાકારોએ કુશળતાથી ચીતરેલા સ્તંભોવાળાં, આકાશને અડતાં, વિમાન જેવાં ભવનો મારી દૃષ્ટિએ પડ્યાં. સુંદર ભવનોમાં દ્વાર પર મૂકેલા જળ ભરેલાં સુવર્ણકમળો જાણે કે દાનેશ્વરીઓની મોંમાંગ્યું દાન આપવાની શ્રદ્ધાની ઘોષણા કરી રહ્યાં હતાં. લોકો યથેચ્છ સોનું, કન્યા, ગાય, ભક્ષ્ય, વસ્ત્ર, ભૂમિ, શયન, આસન અને ભોજનનું દાન દેતા હતા. બાપુજી અને અમ્માએ ચૈત્યવંદન કરીને વિવિધ સદ્ગુણ અને સત્યપ્રવૃત્તિવાળા સાધુઓને દાન દીધું. નવ કોટિએ કરીને શુદ્ધ, દસ પ્રકારના ઉદ્ગમદોષોની મુક્ત, સોળ પ્રકારના ઉત્પાદનકોષોથી રહિત એવું વસ્ત્ર, પાન, ભોજન, શયન, આસન, રહેઠાણ, પાત્ર વગેરેનું પુણ્યકારક પુષ્કળ દાન અમે સુચરિતોને દીધું. જિનમંદિરોમાં પણ, હે ગૃહસ્વામિની, અનેક પ્રકારના મણિ, રત્ન, સુવર્ણ અને રૂપાનું અમે દાન કર્યું, જેથી પરલોકમાં તેનું મોટું ફળ મળે. જે કાંઈ દાન દેવામાં આવે છે — પછી તે શુભ હોય કે અશુભ — તેનો કદી પણ નાશ થતો નથી: શુભ દાનથી પુણ્ય થાય છે, તો અશુભથી પાપ. વિવિધ ગુણ અને યોગથી યક્ત, વિપુલ તપ અને સંયમવાળા સુપાત્રોને શ્રદ્ધા, સત્કાર અને વિનયથી યુક્ત થઈને આપવામાં આવેલું અહિંસક દાન અનેક ફળવાળું શ્રેય ઉત્પન્ન કરે છે. તેને પરિણામે ઉત્તમ મનુષ્યભવથી શોભતા ઊંચા કુળમાં જન્મ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ કારણે અમે તપસ્વી, નિયમશીલ અને દર્શનધારીઓને દાન દીધું, સુપાત્રને આપેલું દાન સંસારમાંથી મુક્તિ અપાવે છે. પરંતુ હિંસાચારી, ચોર, અસત્યવાદી, અને વ્યભિચારીઓને જે કાંઈ અહિંસક દાન આપવામાં આવે તો તેથી અનિષ્ટ ફળ મળે છે. અમે અનુકંપાથી પ્રેરાઈને, ઉપસ્થિત સેંકડો બ્રાહ્મણો, દીનદુઃખિયાઓ અને માગણોને દાન દીધું. લોકોએ શરદપૂનમને દિવસે અનેક દુષ્કર નિયમ પાળ્યા, ચાર દિવસના ઉપવાસ કર્યા, દાનવૃત્તિવાળાં થયા, અત્યંત ધર્મપ્રવણ બન્યા. એ પ્રમાણે હું નગરીમાં થતી વિવિધ ચેષ્ટાઓ જોઈ રહી હતી, ત્યાં તો પોતાની રશ્મિજાળને સંકેલી લેતો સૂરજ અસ્તાચળ પર ઊતરવા લાગ્યો. પૂર્વદિશારૂપી પ્રેયસીના પરિપૂર્ણ ઉપભોગથી થાકેલો અને ફીકી પડેલી કાંતિવાળો સૂરજ પશ્ચિમ દિશારૂપી સુંદરીના વક્ષ:સ્થળ પર ઢળી પડ્યો. ગગનતળમાં ભ્રમણ કરીને શ્રમિત થયેલો સૂરજ સુવર્ણના રજ્જુ જેવા પોતાના રશ્મિથી ભૂમિતળ પર જાણે કે ઊતર્યો. સૂરજ આથમતાં, તિમિરે કલંકિત કરેલી શ્યામા (રાત્રિ) એ સમગ્ર જીવલોકને શ્યામતા અર્પી. અમે પણ મુખ્ય દ્વાર પાસે એક અનુપમ રંગમંડપ રચ્યો — અમારા વાસભવનના કર્ણપૂર સમો, રાજમાર્ગના બાજુબંધ સમો. તેની એક બાજુએ, હે ગૃહસ્વામિની, વિશાળ વેદિકા બનાવી, ઉપર રત્નકંબલનો ચંદરવો બાંધીને ત્યાં મારું પેલું ચિત્રપટ ઊભું કરવામાં આવ્યું. ત્યાં ચિત્રસ્થાને, મેં મારા પ્રિયતમની શોધ માટે મારા પ્રતિનિધિ લેખે, મારી વિશ્વાસપાત્ર, સ્નેહપાત્ર અને ઉપકારકારી ચેટીને મૂકી. મધુર, પરિપૂર્ણ, પ્રસ્તુત, પ્રભાવશાળી અને રસિક વચનો અને ભાવોની જાણકાર સારસિકાને, હે ગૃહસ્વામિની, મેં આ પ્રમાણે કહ્યું: ‘આકાર, ઇંગિત અને ભાવ દ્વારા તું અન્યનો હૃદયગત અર્થ જાણી શકે છે. તો મારા પ્રાણને ખાતર તું આટલું તારા હૃદયમાં ધારણ કરજે. જો મારો એ પ્રિયતમ આ નગરીમાં અવતર્યો હશે તો તેને આ ચિત્રપટ જોઈને પોતાના પૂર્વભવનું સ્મરણ થશે. જેણે પોતાની પ્રિયા સાથે જે કાંઈ સુખદુઃખ પહેલાં અનુભવ્યું હોય, તે પછીથી તેના વિયોગે જ્યારે જોવામાં આવે ત્યારે તે ઉત્કંઠિત થતો હોય છે. વળી જગતમાં, માણસના હૃદયમાં જે ઊંડામાં ઊંડો પ્રિય કે અપ્રિય ગૂઢાર્થ હોય, તે પ્રકટપણે ન કહેવાયા છતાં પણ, તેની આંખોના ભાવથી સૂચિત થઈ જાય છે. ચિત્તમાં ઉગ્ર ભાવ હોય ત્યારે દૃષ્ટિ પણ તીખી હોય છે. ચિત્ત પ્રસન્ન હોય ત્યારે દૃષ્ટિ નિર્મળ, શ્વેત હોય છે. લજ્જિત થયેલાની દૃષ્ટિ પાછી વળેલી હોય છે. તો વીતરાગની દૃષ્ટિ મધ્યસ્થભાવવાળી હોય છે. જેણે ભોગમાં અંતરાય પડ્યાનું દુઃખ પ્રત્યક્ષ અનુભવ્યું હોય તે માણસ પારકું દુઃખ જોઈને પણ અનુકંપાવાન અને દીન બને છે. અને લોકોમાં પણ એવી કહેતી છે કે પૂર્વભવનું સ્મરણ થતાં, જે અત્યંત દારુણ સ્વભાવનો હોય તેને પણ મૂર્છા આવે છે. પરંતુ મારા પ્રિયતમનું હૃદય તો સ્વભાવે જ વત્સલ અને મૃદુ છે, એટલે તે આ ચિત્રપટ જોતાં, પોતે જે અનુભવેલું તે જ આ દુઃખ છે એમ જાણીને અવશ્ય મૂછિર્ત થઈ જશે, અને એકાએક તેનું હૃદય શોકાકુળ અને આંખો ભીની થઈ જશે. તે ખરી હકીકત જાણવાને આતુર થઈને આ ચિત્રપટ બનાવનારને વિશે પૂછપરછ કરશે. તેને જોઈને તું, પરલોકથી ભ્રષ્ટ થઈને મનુષ્યયોનિમાં અવતરેલા મારા પ્રાણનાથ ચક્રવાક તરીકે તેને ઓળખી લેજે. તેનું નામ, ગુણ, વાન, રૂપ અને વેશભૂષા બરાબર જાણી લઈને તું જો કાલે મને કહીશ તો તો હું જીવી જઈશ. તો, હે સખી, મારો હૃદયનો શોક નષ્ટ થશે અને હું કામભોગ ભોગવતી તેની સાથે સુરતસુખ માણીશ. પરંતુ જો મારા અલ્પ પુણ્યે તે મારો નાથ તારે હાથ નહીં આવે તો હું જિનસાર્થવાહે ખેડેલા મોક્ષમાર્ગનું શરણ લઈશ. જેનું જીવતર પ્રિયથી વિરહિત અને ધર્માચરણથી રહિત છે, તેનું લાંબું જીવવું નિરર્થક છે. ’ હે ગૃહસ્વામિની, પ્રિયતમનો સમાગમ કરવાને ઉત્સુક બનેલી મેં, ચિત્રપટ લઈને જતી સારસિકાને એ પ્રમાણે સંદેશ આપ્યો. સૂર્યાસ્ત થતાં અને અંધકારથી રાત્રિ ઘેરાવા માંડતાં, તે વેળા, હે ગૃહસ્વામિની, હું પૌષધશાલામાં ગઈ. અમ્મા અને પિતાજીની સાથે મેં દૈવસિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને પવિત્ર અરિહંતોને વંદ્યા. હું ભોંય પર શયન કરતી હતી. મારા શયન પાસે મારી માતા બેઠી. નિદ્રામાં મને એક સ્વપ્ન આવ્યું જાગી જતાં મેં એ સ્વપ્નની વાત બાપુજીને કરી: ‘સ્વપ્નમાં, હું એક વિવિધ ધાતુથી ચિત્રવિચિત્ર, દિવ્ય ઔષધિઓ અને દેવતાઈ વૃક્ષોથી સુશોભિત, આકાશના પોલાણ સુધી પહોંચતા ઊંચા શિખરવાળા, એક રમ્ય પર્વતની પાસે ગઈ, અને તેના ઊંચા શિખર પર ચડી. પણ એટલામાં તો હું જાગી ગઈ: તો એ સપનું મને કેવું ફળ આપશે?’ એટલે બાપુજી સ્વપ્નશાસ્ત્રને આધારે આ પ્રમાણે કહેવા લાગ્યા, ‘બેટા, તારું એ સ્વપ્ન ધન્ય અને માંગલિક છે. સ્વપ્નમાં સ્ત્રીપુરુષોનો અંતરાત્મા તેમનાં ભાવિ લાભાલાભ, સુખદુઃખ અને જીવનમરણનો સ્પર્શ કરે છે. માંસ, મત્સ્ય, લોહીનીંગળતો વ્રણ, દારુણ વિલાપ, બળતા હોવું, ઘાયલ થવું, હાથી, બળદ, ભવન, પર્વત કે દૂઝતા વૃક્ષ ઉપર ચડવું, સમુદ્ર કે નદી તરીને પાર કરવાં એવાં સ્વપ્ન દુઃખમાંથી મુક્તિનાં સૂચક હોવાનું તું જાણજે. પુલ્લંગિ નામવાળી વસ્તુના લાભથી પુલ્લંગિ નામવાળા દ્રવ્યનો લાભ થાય છે. તેવા નામવાળી વસ્તુ નષ્ટ થતાં, તેવા જ નામવાળી વસ્તુ નષ્ટ થાય છે. સ્ત્રીલિંગ નામવાળી વસ્તુના લાભથી તેવા જ નામવાળા દ્રવ્યનો લાભ થાય છે. તેવા નામવાળી વસ્તુ લુપ્ત થતાં, તેવા જ નામવાળી વસ્તુ લુપ્ત થાય છે. પૂર્વે કરેલા શુભ કર્મ કે પાપકર્મનું જે ફળ જેને મળવાનું હોય તે, સૌને તેમનો અંતરાત્મા સ્વપ્નદર્શન દ્વારા સૂચવતો હોય છે. રાત્રિની શરૂઆતમાં આવતું સ્વપ્ન છ માસે ફળ આપે, અર્ધ રાત્રે આવતું સ્વપ્ન ત્રણ માસે, મળસ્કે આવતું સ્વપ્ન દોઢ માસે, અને સવારે આવતું સ્વપ્ન તરતમાં જ ફળ આપે. નિશ્ચંતિ અને નિરાંતવા જીવે સૂતેલાને આવતાં સ્વપ્ન ફળ આપનારાં હોય છે. તે સિવાયનાં સ્વપ્ન ફળ આપે કે ન યે આપે. પર્વતશિખરના આરોહણથી કન્યાને ઉત્તમ રૂપગુણવાળો પતિ મળે. જ્યારે બીજાઓને ધનલાભ થાય. એટલે હે પુત્રી, એક અઠવાડિયામાં તને એ અતિશય આનંદનો પ્રસંગ આવશે. વળી તારું સ્વપ્ન એમ પણ સૂચવે છે કે પતિવિયોગે તારે રડવાનું થશે.’ આ સાંભળીને મારા મનમાં થયું: ‘જો બીજો કોઈ પુરુષ પતિ તરીકે મને મળશે તો મારી જીવવાની ઇચ્છા નથી. જેનું હું ચિંતવન કરી રહી છું, તેના વિના મને અહીં ભોગ ભોગવવામાં શો રસ?’ મને એ પ્રમાણે ચિંતા થવા લાગી. પરંતુ વડીલોની સમક્ષ મેં મારા આકારનું ગોપન કર્યું — રખે ને મારું અંતર્ગત રહસ્ય પ્રકટ થઈ જાય. ‘એ સારસિકા પાછી ન આવે ત્યાં સુધી તો હું પ્રાણ ધારણ કરીશ. તેની પાસેથી વૃત્તાંત સાંભળીને તે પછી મારાથી જે થઈ શકશે તે હું કરીશ.’ એમ મેં વિચાર્યું. બા-બાપુજીએ મને અભિનંદન આપીને મારો સત્કાર કર્યો. ભોંયપથારીએથી ઊઠીને મેં સિદ્ધોને વાંદ્યા. આલોચન કરીને અને રાત્રિના અતિચારની નિંદા કરીને, હાથપગ અને મોં ધોઈને અને ગુરુવંદના કરીને, હે ગૃહસ્વામિની, હું પરિચારકો વિના એકલી જ, સાગરના જેવા ‘સચિત્ત’ (૧. જળચર પ્રાણીવાળા, ૨. ચિત્રવાળા), મણિકાંચન અને રત્નથી શોભતા, અને વિશાળ હર્મ્યતળ (અગાશી) પર ચઢી. હે ગૃહસ્વામિની, સંકલ્પવિકલ્પ કરતી અને એકાગ્રચિત્તે તે ચક્રવાકને હૃદયમાં ધરતી હું ત્યાં ઊભી રહી. ત્યાં તો પર્વતકાળનો ઉદ્ભાવક, રતાશ પડતા સ્નિગ્ધ અને વિસ્તીર્ણ બિંબવાળો, કિંશુકવરણો, જગતનો સહરશ્મિદીપ, સૂર્ય, જીવલોકને મસૃણ કુંકુમના દ્રવથી લીંપતો અને કમળસમૂહને વિકસાવતો ઊગ્યો. તેટલામાં ભાવી સ્નેહભાવભરી દૃષ્ટિ વડે મને જોતી હોય તેમ, પ્રયાસની સફળતાના સંતોષથી હસતા વદનકમળવાળી, મધુર વિનય અને મધુર વચનની ખાણ સમી સારસિકા મસ્તક પર અંજલિ રચીને મારી પાસે આવી અને આ પ્રમાણે કહેવા લાગી: ‘વાદળરહિત અને અંધકાર-વિનાશક એવા સંપૂર્ણ શરચ્ચંદ્ર સમા મુખથી શોભતા, લાંબા સમયથી ખોવાયેલા અને તારા મનમાં રમી રહેલા એ તારા પ્રિયતમને મેં જોયો. સિંહગર્જનાથી ભયગ્રસ્ત બનેલી બાલ હરિણીના જેવાં નેત્રવાળી હે સખી, તું હવે આશ્વાસન લે અને તેની સાથે આનંદપૂર્વક રહીને કામભોગની કામના પૂરી કર.’ એ પ્રમાણે બોલતી તેને હું સંતોષથી આંખ બીડી દઈને, રોમાંચિત થઈને, એકાએક હૃદયપૂર્વક ગાઢપણે ભેટી પડી. મેં કહ્યું, ‘પ્રિય સખી, બદલાયેલી દેહાકૃતિવાળા એ મારા પૂર્વજન્મના ચક્રવાક પતિને તેં કઈ રીતે ઓળખી કાઢ્યો?’ તે બોલી, ‘વિકસિત કમળના સ્નિગ્ધ ગર્ભ જેવા વાનવાળી હે સખી, મને તેનું કઈ રીતે દર્શન થયું તે વાત હું માંડીને કહું છું, તો તું સાંભળ. હે સ્વામિની, ગઈ કાલે બપોરના સમયે જ્યારે હું ચિત્રપટ લઈને જતી હતી ત્યારે તેં મને શપથ સાથે સંદેશો આપેલો. મેં તે ચિત્રપટને તારા ઘરના વિશાળ આંગણા પાસેના, ભ્રમણમંડિત કમળની શોભાવાળા મંડપમાં રાખ્યું, તે વેળા, હે સ્વામિની, કમળોને આનંદ આપતો સૂર્ય જીવલોકનું તેજ હરી લઈને ગગનમાંથી અદૃશ્ય થયો. પછી, હે સ્વામિની, દહીંના નિસ્યંદ (માખણ) જેવો, મન્મથના કંદ સમો, જ્યોત્સ્ના પ્રસારતો, રાત્રિના મુખને આનંદિત કરતો પૂર્ણચંદ્ર ઊગ્યો. નિર્મળ ગગનસરોવરમાં પ્રફુલ્લિત, મૃગભ્રમરના ચરણથી ક્ષુબ્ધ એવા ચંદ્રકમળનો જ્યોત્સ્નાપરાગ ઝરવા લાગ્યો. તારા ચિત્રના પ્રેક્ષકોમાં ગર્ભશ્રીમંતો પણ હતા. તેઓ વૈભવી વાહનોમાં બેસી મોટા રસાલા સાથે આવતા હોઈને રાજવીઓ જેવા લાગતા હતા. પરપુરુષની દૃષ્ટિથી અસ્પૃષ્ટ રહેતી ઈર્ષ્યાળુ મહિલાઓ પણ રથમાં બેસીને રાત્રિવિહાર કરવા નીકળી પડી હતી. કેટલાક તરવરિયા જુવાનડા પોતાની મનની માનેલી તરુણીની સાથે, હાથે હાથ ભીડીને, પગે ચાલતા ફરી રહ્યા હતા. તો વળી કેટલાક પોતાના મનગમતા ગોઠિયાને મળવાની આતુરતા સેવતા, અવિનયના પિંડ સમા, છેલબટાઉ જુવાનિયા ફરતા હતા. નગરીમાં આવી પહોંચેલા જનપ્રવાહો, વર્ષાકાળમાં સમુદ્ર તરફ જતી મહાનદીઓના વિપુલ જળપ્રવાહો જેવા, રાજમાર્ગ ઉપર દીસતા હતા. લાંબા લોકો સુખે જોતા હતા; ઠીંગુજીઓ ઊંચાનીચા થતા હતા; જાડાઓ માણસોની ભીડથી ધકેલાતા બૂમાબૂમ કરી રહ્યા હતા. વચ્ચે કાળાશ પડતી નાની શગવાળા, અને વાટમાંથી ખલાસ થયેલા તેલવાળા દીપકો, જાણે માથા ઉપર રહેલી કાળી નાની શિખાવાળા અને નષ્ટ થયેલી સ્નેહવૃત્તિવાળા અધ્યાપકો હોય, તેમ રાત્રિ પૂરી થવા આવી હોવાનું સૂચવતા હતા. જેમ જેમ રાત ગળતી જતી હતી, તેમ તેમ ચિત્રપટને જોવા આવનારા લોકો, આંખ નિદ્રાથી ઘેરાતી હોઈને, ઓછા ને ઓછા થતા જતા હતા. હું પણ તારી અત્યંત માનનીય આજ્ઞા પ્રમાણે ત્યાં રહીને દીપકને બળતો રાખવાને બહાને લોકોનું નિરીક્ષણ કરતી હતી. એવો દેશકાળ હતો ત્યારે, મનગમતા મિત્રોના વૃંદથી વીંટળાયેલો કોઈક સ્વરૂપવાન તરુણ ચિત્રપટ્ટ જોવા આવ્યો. તેનાં અંગોના સાંધા દૃઢ, સુસ્થિત અને પ્રશસ્ત હતા. ચરણ કાચબા જેવા મૃદુ હતા. પીંડી નિર્મળ માણિક્ય સમી, પ્રશસ્ત હતી. સાથળ સુપ્રમાણ હતા. વક્ષ:સ્થળ સોનાની પાટ જેવું સમતલ, વિશાળ, માંસલ અને પહોળું હતું. બાહુયુગલ સર્પરાજની ફણા જેવું દીર્ઘ, પુષ્ટ અને દૃઢ હતું. જાણે બીજો ચંદ્ર હોય તેવો, પૂર્ણ ચંદ્રસમા મુખ વડે ચંદ્ર કરતાં પણ વધુ પ્રિયદર્શન હોઈને સ્વૈરિણીઓના વદનકુમુદને તે વિકસાવતો હતો. રૂપ, યૌવન અને લાવણ્યથી સમૃદ્ધ શ્રીને લીધે ત્યાં રહેલી તરુણીઓ તેની પાસે સુરતક્રીડાની માગણી કરવા લાગી. ત્યાં એવી એક પણ યુવતી ન હતી જેના ચિત્તમાં એ શરદરજનીના અંધકારવિનાશક પૂર્ણ ચંદ્ર સમો તરુણ પ્રવેશ ન પામ્યો હોય. ‘દેવોમાં આવો તેજસ્વી કોઈ હોતો નથી, એટલે આ કોઈ દેવ નથી લાગતો.’ એ પ્રમાણે અનેક લોકો તેની પ્રશંસા કરતા હતા. જેનું આખું અંગ ક્રમશ: દર્શનીય છે તેવો તે તરુણ પેલા ચિત્રપટ્ટ પાસે આવીને જોવા લાગ્યો અને ચિત્રકલાની પ્રશંસા કરતો તે બોલ્યો: ‘ચોતરફ ઊઠતાં વમળોથી ક્ષુબ્ધ જળવાળી, સ્વચ્છ ધવળ તટપ્રદેશવાળી આ સાગરપ્રિય નદી કેટલી સરસ આલેખી છે! ભરપૂર મકરંદવાળા કમળવનથી વ્યાપ્ત કમળસરોવરો, તથા પ્રચંડ વૃક્ષોવાળી અને વિવિધ અવસ્થા વ્યક્ત કરતી આ અટવી પણ સુંદર ચીતરી છે. વળી વનમાં શરદથી માંડીને હેમંત, વસંત અને ગ્રીષ્મ સુધીની ઋતુઓનું પોતપોતાનાં ફળફૂલ સાથે ચારુ આલેખન કર્યું છે. આ ચક્રવાકયુગલ પણ, પરસ્પર સ્નેહબદ્ધ અને વિવિધ અવસ્થાઓ દર્શાવતું કેવું રમણીય છે! — જળમાં, કાંઠા પર, અંતરીક્ષમાં અને પદ્મિની પાસે રહેલું, તે નિરંતર સમાન અનુરાગવાળું રમતું ભમતું બતાવ્યું છે. સુંદર, બેઠી ગ્રીવાવાળો, સ્નિગ્ધ મસ્તકવાળો, દૃઢ અને કંશુિક પુષ્પના ઢગ સમા શરીરવાળો ચક્રવાક કેવો પ્રશસ્ય દીસે છે. તેવી જ ચક્રવાકી પણ પાતળી સુકુમાર ગ્રીવાવાળી. તાજા કોરંટપુષ્પના ઢગ જેવા વાનવાળી અને પોતાના પ્રિયતમને અનુસરતી સરસ દર્શાવી છે. આ હાથી પણ ભાંગલાં વૃક્ષો પર થઈને જતો, આકૃતિ દ્વારા તેના ગુણો વ્યક્ત થાય તેમ પ્રમાણની વિશાળતા જાળવીને સરસ આલેખ્યો છે. તેને નદીમાં ઊતરતો, જળમાં યથેચ્છ નહાતો, મદમસ્ત બનીને તરબોળ શરીરે બહાર નીકળતો બતાવ્યો છે. આ જુવાન શિકારીને પણ વૈશાખસ્થાનમાં ઊભો રહેલો અને હાથીને પ્રાપ્ત કરવા કાન સુધી ખેંચેલા ધનુષ્યબાણને હાથમાં ધરેલો બરાબર દોર્યો છે. જુઓ, આ શાળના કણસલાના સુંદર કેસર જેવા ચળકતા કેસરી શરીરવાળો તે ભોળો પક્ષી શિકારીના બાણથી કમ્મરે વીંધાયેલો અહીં દેખાડ્યો છે. અને અહીં પતિસ્મરણે વ્યાકુળ અને કરુણ દશાવાળી, શાળના કણસલા જેવી કાંતિવાળી અને પડતી ઉલ્કાની જેમ શરીરને પડતું મૂકતી ચક્રવાકી આલેખી છે. મરણ પામેલા આ ચક્રવાકને નદી કાંઠે દાહ દેતા શિકારીએ, જુઓ, તેને નામશેષ બનાવી દીધો. તો અહીં શોકાગ્નિની બળતી કરુણ દશામાં આવી પડેલી ચક્રવાકી પતિના પંથને અનુસરતી અગ્નિમાં પ્રવેશ કરતી આલેખી છે. કેવું મનોહર ચિત્ર છે! શરદપૂનમની સર્વ દર્શનીય વસ્તુઓનું આ સારસર્વસ્વ છે, પરંતુ આ ચિત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે તે જણાય તેવું નથી.’ કુતૂહલથી ઘેરાઈને મિત્રોને બતાવતાં બતાવતાં આટલે સુધીનું ચિત્રમાંનું ચરિત્ર જોઈને એ તરુણ એકાએક મૂછિર્ત થઈ ગયો. મજબૂત દોરડાનો બંધ છૂટતાં નીચે પડતાં ઇંદ્રધ્વજની જેમ તે એકદમ, વિરલ પ્રેક્ષકોને કારણે સૂના બનેલા ધરણીતલ પર ધબ થઈને પડ્યો. તેના મિત્રો બાજુમાં જ હોવા છતાં, ચિત્રકર્મને જોવામાં તેમનું ધ્યાન ચોંટેલું હોઈ તેમને તેના પડ્યાની તરત જાણ ન થઈ. નિશ્ચેષ્ટ બનેલા તેને તેઓએ લેપ્યમય યક્ષમૂતિર્ની જેમ ઊંચક્યો, અને લાવીને એક બાજુએ હવાવાળા સ્થાનમાં મૂક્યો. ચિત્રપટ્ટને જોઈને જ એ પડી ગયો છે એવું તેઓ સમજી ગયા. હું પણ તેનું પડવાનું કારણ શું છે તે જાણવાને ત્યાં જોઈ પહોંચી. મારું હૃદય પણ એકાએક સંતોષનો ભાવ અનુભવતું પ્રસન્ન બની ગયું. લાભાલાભ અને શુભાશુભની પ્રાપ્તિનું આ નિમિત્ત હોય છે. હું વિચારવા લાગી, ‘આ જો પેલો ચક્રવાક જ હોય તો કેવું સારું! તો આ શેઠની પુત્રી પર ખરેખર મોટો અનુગ્રહ થાય. શોકસમુદ્રમાં ડૂબતી, હાથીની સૂંઢ સમા સુંદર ઉરુવાળી તે બાલાને, તો આ ગુણરત્નના નિધિ સમો વર પ્રાપ્ત થાય: હું એ પ્રમાણે વિચારતી હતી, તેટલામાં પેલાની તેનો મિત્રોએ આસનાવાસના કરી. ગદ્ગદ્ કંઠે કરુણ રુદન કરતો તે આ પ્રમાણે બોલવા લાગ્યો: ‘રુચિર કુંકુમના જેવો વાન ધરતી, સ્નિગ્ધ શ્યામ નેત્રવાળી, મદનબાણે પીડનારી, રે મારી સુરતપ્રિય સહચરી! તું ક્યાં છે? ગંગાના તરંગ પર વિહરતી, પ્રેમની મંજુષા સમી મારી ચક્રવાકી, તારા વિના ઉત્કટ દુઃખ હું કેમ ધારણ કરી શકીશ? પ્રેમ અને ગુણની પતાકા સમી, મને અનુસરવાને સદા તત્પર, મારે માટે સદા અત્યંત માનનીય, હે સુતનુુ, અરેરે, તું મારે ખાતર કેમ મરણને શરણ થઈ?’ એ પ્રમાણે વિલાપ કરતો, આંસુથી ખરડાયેલા વદનવાળો, તે લાજ તજી દઈને, દુઃખથી સર્વાંગે આળોટવા લાગ્યો. ‘અરે! આ શું! તને ચિત્તભ્રમ થઈ ગયો છે કે શું?’ એ પ્રમાણે બોલતા મિત્રોએ તેને, ‘આવું ઢંગધડા વિનાનું ન બોલ’ એવું કહીને ધમકાવ્યો. તેણે કહ્યું: ‘મિત્રો, મારું ચિત્ત ભમી નથી ગયું.’ ‘તો પછી તું આમ પ્રલાપ કેમ કરે છે?’ તેઓએ કહ્યું. તે બોલ્યો, ‘લો, સાંભળો અને મારી એ ગુપ્ત વાત મનમાં રાખજો. આ ચિત્રપટ્ટમાં જે ચક્રવાકનો પ્રેમવૃત્તાંત આલેખાયેલો છે તે બધુંયે મેં જ મારા ચક્રવાક તરીકેના પૂર્વજન્મમાં અનુભવ્યું છે.’ ‘તેં આ કઈ રીતે અનુભવ્યું છે?’ એ પ્રમાણે તે તારા પ્રિયતમના મિત્રોએ પૂછ્યું, એટલે તેણે કહ્યું, ‘એ પૂર્વજન્મમાં અનુભવ્યાનું મને સ્મરણ થયું છે.’ અને વિસ્મિત મુખે સામે બેઠેલા તે મિત્રોને, તેં મને જે કહ્યો તે જ પોતાનો અનુભવવૃત્તાંત, રડતાં રડતાં, અને તે જ ગુણોનું વર્ણન કરતાં કરતાં, તેણે કહ્યો, ‘તે વેળા શિકારીના બાણના પ્રહારે હું જ્યારે નિષ્પ્રાણ બની ગયો.’ ત્યારે મારી પાછળ પ્રેમને કારણે મૃત્યુને ભેટેલી તે ચક્રવાકીને ચિત્રપટમાં જોઈને મારા હૃદયરૂપી વનમાં દાવાગ્નિ સમો શોક એકદમ સળગી ઊઠ્યો. એટલે અનુરાગરૂપી વનમાં પ્રગટેલા પ્રિયવિરહના કરુણ દુઃખે મન વ્યથિત થતાં હું કઈ રીતે પડી ગયો તે જાણતો નથી. આ પ્રમાણે, ચિત્ર જોતાં સાંભરી આવેલું તે બધું ભારે દુઃખ જે રીતે મેં અનુભવેલું તે ટૂંકમાં મેં કહ્યું, મેં હવે પ્રતિજ્ઞા કરી છે કે તેના પ્રત્યેના પ્રેમને કારણે મારે બીજી કોઈ સ્ત્રીની મનથી પણ ઇચ્છા ન કરવી. જો એ સુંદરીની સાથે મારો કોઈ પણ રીતે સમાગમ થશે, તો જ હું માનવજીવનના કામભોગોની અભિલાષા રાખીશ. માટે તમે જાઓ, જઈને પૂછો, આ ચિત્રપટ કોણે આલેખ્યું છે: એની દેખભાળ કરનાર કોઈક અહીં હશે જ. ચિત્રકારે પોતાના જ અનુભવનું આલેખન કરીને અહીં પ્રદશિર્ત કર્યું છે. અનેક એંધાણીઓ પરથી હું જાણું છું કે આ ચિત્ર કલ્પિત નથી. મેં પૂર્વે પક્ષીના ભવમાં તેની સાથે જે અનુભવ્યું હતું, તે તેના વિના બીજું કોઈ આલેખી ન જ શકે.’ એ પ્રમાણે સાંભળીને, હે સુંદરી, હું ચિત્રપટની પાસે સરકી ગઈ, જેથી તેઓ જો કાંઈ પૂછવા આવે, તો હું તેમને કહું. દીવાને સંકોરવાના કામમાં રોકાયેલી હોઉં તે રીતે હું પૂછતાછ કરવા આવનારનું ધ્યાન રાખતી બેઠી હતી. એટલામાં વ્યાકુળ દૃષ્ટિવાળો તેઓમાંનો એક જણ આવી પહોંચ્યો અને તેણે મને પૂછ્યું, ‘આ ચિત્રપટ આલેખીને આખી નગરીને કોણે વિસ્મિત કરી છે?’ મેં તેને કહ્યું, ‘ભદ્ર, એનું આલેખન શ્રેષ્ઠીની કન્યા તરંગવતીએ કર્યું છે. તેણે અમુક આશયને અનુરૂપ ચિત્ર કર્યું છે. એ કલ્પિત નથી.’ એ પ્રમાણે ચિત્રના ખરા મર્મની જાણ મેળવીને તે જ્યાં તારો પ્રિયતમ હતો ત્યાં પાછો આવ્યો. હું પણ તેની પાછળ પાછળ ગઈ અને એક બાજુ રહીને એક ચિત્તે તેમનાં વચન સાંભળવા લાગી. એટલે પેલો તરુણ ત્યાં જઈને હસતો હસતો ઉપહાસના સ્વરમાં બોલ્યો, ‘પદ્મદેવ, બચ્ચા, તું ડર નહીં, તારા પર ગૌરી પ્રસન્ન થઈ છે. ચિત્રકાર છે ઋષભસેન શ્રેષ્ઠીની પુત્રી નામે તરંગવતી. કહે છે કે તેણે પોતાના ચિત્તના અભિપ્રાયને અનુરૂપ ચિત્ર દોર્યું છે; તેણે કશું મનથી કલ્પિત નથી આલેખ્યું, એ બધું, કહે છે કે પહેલાં ખરેખર બનેલું. મારા પૂછવાથી તેની દાસીએ પ્રત્યુત્તરમાં મને એ પ્રમાણે કહ્યું.’ એ વચન સાંભળીને તારા પ્રિયતમનું વદન પ્રફુલ્લ કમળ જેવું આનંદિત બની ગયું, અને તેણે કહ્યું: ‘હવે મારા જીવવાની આશા છે. તો એ શ્રેષ્ઠીની પુત્રી જ અહીં પુનર્જન્મ પામેલી ચક્રવાકી છે.હવે આ બાબતમાં શું કરવું? શ્રેષ્ઠી ધનના મદે ગવિર્ત છે, એટલે તેની કુંવરીને વરવા જે જે વર આવે છે તેમને તે નકારે છે. વધુ કરુણ તો એ છે કે બાળાનું દર્શન પણ સાંપડે તેમ નથી. કોઈ અપૂર્વ દર્શનીય વસ્તુની જેમ તેનું દર્શન દુર્લભ છે.’ એટલે એક જણે કહ્યું, ‘એની પ્રવૃત્તિ શી છે તે આપણે જોયુંજાણ્યું, તો જે વસ્તુનું અસ્તિત્વ છે તેને મેળવવાનો ઉપાય પણ હોય છે. ક્રમે ક્રમે તારું કામ સિદ્ધ થવાનું જ. અને શેઠની પાસે કન્યાનું માગું નાખવા જવામાં તો કશો દોષ નથી. તો અમે જઈને માગું નાખીશું: કહેવત છે કે ‘કન્યા એટલે લોકમાં સૌની’. અને જો શ્રેષ્ઠી કન્યા આપવાની ના પાડશે તો અમે તેને ત્યાં જઈને બળાત્કારે તેને ઉઠાવી લાવીશું; તારું હિત કરવા અમે ચોર થઈને તેનું હરણ કરી લાવીશું.’ એ સાંભળીને તારા પ્રિયતમે કહ્યું, ‘તેને ખાતર, અનેક પૂર્વજોની પરંપરાથી રૂઢ બનેલ કુલીનતા, શીલની જાળવણી વગેરે ગુણોનો તમે લોપ ન કરશો. જો શ્રેષ્ઠી મારી બધી ઘરસંપત્તિના બદલામાં પણ કન્યા નહીં આપે, તો ભલે હું પ્રાણત્યાગ કરીશ, પણ કશું અનુચિત તો નહીં જ આચરું.’ તે પછી તેને વીંટી વળીને મિત્રો ઘર તરફ જવા ઊપડ્યા. તેનું કુળ ચોક્કસ જાણવા માટે હું પણ તેની પાછળ પાછળ ગઈ. તે પોતાના મિત્રો સાથે એક ઊંચા, વિશાળ, પૃથ્વી પર રહેલા ઉત્તમ વિમાન સમા, સર્વોત્તમ પ્રાસાદમાં પ્રવેશ્યો. ત્યાં તેના પિતા, માતા અને જ્ઞાતિનું નામ ક્રમે કરીને બરાબર જાણી લઈને, મારું કામ પાર પડતાં હું ત્યાંથી સત્વર પાછી ફરી. આકાશની કોર પરના પ્રદેશમાંથી ગ્રહ, તારા અને નક્ષત્ર અદૃશ્ય થતાં તે ચૂંટી લીધેલાં કમળવાળા અને સુકાઈ ગયેલા તળાવ સમું લાગતું હતું. બંધુજીવક, જાસૂદ અને કેસૂડાના જેવા વર્ણનો, જીવલોકનો પ્રાણદાતા, આકાશનો અશ્વ, સૂરજ ઊગ્યો. અત્યારે સૂર્યે ચારેય દિશાઓને સોનેરી બનાવી દીધી છે. હું પણ તને પ્રિય સમાચાર પહોંચાડવા ઉત્સુક બનીને અહીં આવી પહોંચી. સુંદરી, આ પ્રમાણે મેં જે રીતે તેનું પ્રત્યક્ષ દર્શન કર્યું તે તને કહ્યું. તું મારા કહેવામાં વિશ્વાસ રાખજે. હું તારા ચરણની કૃપાના શપથ ખાઉં છું.’ ચેટીએ વાત પૂરી કે તરત જ મેં તેને કહ્યું, ‘તું મને તેના પિતા, માતા અને જ્ઞાતિનું નામ કહે.’ સારસિકા બોલી, ‘સુંદરી, સ્વામિની, એ બાલચંદ્ર સખો પ્રિયદર્શન તરુણ જેનો પુત્ર છે તે ઉન્નત કુલ, શીલ અને ગુણોવાળા સાર્થવાહનું નામ ધનદેવ છે. પોતાની વેપારી પ્રવૃત્તિથી તેણે સમસ્ત સાગરને નિ:સાર બનાવ્યો છે, પૃથ્વીને રત્નરહિત કરી છે, હિમાલયમાં માત્ર પથ્થરો જ બાકી રાખ્યા છે. તેણે કરાવેલાં સભા, પરબ, આરામ, તળાવ, વાવ અને કૂવાઓથી આખા દેશની તથા પરદેશની ભૂમિનાં ગામો શોભે છે. સાગરની મેખલાવાળી સમસ્ત પૃથ્વીમાં તે ભ્રમણ કરે છે. શત્રુઓના બાધક, પોતાના કુળના યશવર્ધક, વિવિધ ગુણોના ધારક, એવા શૂરવીર સાર્થવાહનો તે પુત્ર છે. સુંદરી, રૂપમાં કામદેવ સમા, આકારે ઇંદ્ર સમા નિત્ય સુંદર તે તરુણનું નામ પદ્મદેવ છે.’ હું ચેટીની વદનકમળની સામે એકી ટશે જોઈ રહી. મેં પ્રેમપિયાસીએ તેના વચનામૃતને મારા કર્ણપુટ વડે પીધું. મેં સારસિકાને કહ્યું, ‘તારા ધન્ય ભાગ્ય કે તેં મારા પ્રિયતમને જોયો અને તેની વાણી સાંભળી.’ એમ કહેતી હું ધસીને ચેટીને ભેટી પડી, હાસ્યથી પુલકિત થઈને મેં ચેટીને કહ્યું, ‘મારો પ્રિયતમ મને સ્વાધીન છે એ જાણીને મારો શોકનો વેગ નષ્ટ થયો છે.’ એ પ્રમાણે આશ્વસ્ત થતાં હે ગૃહસ્વામિની, હું હરખથી મારા ઘરમાં સમાતી ન હતી. સ્નાન કરી, બલિકર્મ કરી, પૂજનીય અરિહંતોને વાંદીને મેં ઉપવાસનું પારણું સુખભર્યા ચિત્તથી કર્યું. હે ગૃહસ્વામિની, ઉપવાસ પારવાના પરિશ્રમને મેં શીતળ આસ્તરણવાળી તળાઈ પર આરામ કરીને હળવો કર્યો. તેનો સમાગમ કરવાના વિવિધ મનોરથો સેવતી, તેની હૃદયમૂતિર્ સાથે રમતી, હું પ્રિયથી વ્યાકુળ અવસ્થામાં રહેતી હતી. તેટલામાં એક વાર સારસિકા દાસી મારી પાસેથી ચાલી ગઈ અને કેટલોક સમય રહીને પાછી મારી પાસે આવી. ઊના ઊના નિઃશ્વાસ નાખતી, આંસુથી ઘેરાયેલી આંખે, જેમતેમ આંસુ ખાળીને, મનના પરિતાપ સાથે તે કહેવા લાગી: ‘પૃથ્વીના ભ્રમણ કરવાવાળો તે સાર્થવાહ ધનદેવ પોતાના બાંધવો અને મિત્ર સાથે, શ્રેષ્ઠી પાસે તારું માગું કરવા આપણા દીવાનખંડમાં આવ્યો હતો. તેણે કહ્યું, ‘તમે અમારા ધનદેવને તમારી કન્યા તરંગવતી આપો. અમે કહેશો તે મૂલ્ય આપીશું.’ એટલે નિર્દય શ્રેષ્ઠીને એની માંગણીને નકારતાં, આવાં વિવેકહીન, કટુ વચનો કહ્યાં: ‘પ્રવાસ જેનું મુખ્ય કર્મ છે, જેનો પોતાના ઘરમાં સ્થિરવાસ હોતો નથી, જે સર્વે દેશોના અતિથિ જેવો છે તેને હું મારી પુત્રી કેમ આપંુ? સાર્થવાહનું કુટુંબ સારી રીતે સમૃદ્ધ હોવા છતાં તેમાં રહીને મારી પુત્રીને, પતિના વિયોગમાં એક વેણીએ કેશ બાંધતી, વેદના અને ઉત્કંઠા સહેતી, શણગાર સજવાથી અળગી રહેતી, લગાતાર રુદનથી ભીંજાયેલ રાતી આંખો અને વદનકમળવાળી, પત્ર લખવામાં રત, સાદા જળથી સ્નાન કરતી, ઉત્સવ પ્રસંગે પણ મલિન અંગવાળી — એવી બનીને રહેવું પડે અને એમ જીવનભર, કહોને કે વૈધવ્યના જેવું, ભારે દુઃખ ભોગવવું પડે. સ્નાન, પ્રસાધન, સુગંધી વિલેપન વગેરેથી તે સદાને વંચિત રહે તેના કરતાં કોઈ દરિદ્રને આપવાનું હું પસંદ કરું.’ આ પ્રમાણે માગાનો અસ્વીકાર થતાં, હસીને તેનો સત્કાર કરવામાં આવેલો હોવા છતાં સ્પષ્ટ રીતે તેની વિડંબના કરવામાં આવી હોઈને તે સાર્થવાહ ખિન્ન ચિત્તે પાછો ફર્યો. એ પ્રમાણે સાંભળીને હિમપાતથી કરમાયેલી નલિનીની જેમ મારું સોહાગ નષ્ટ થયું, હૃદય શોકથી સળગી ઊઠ્યું અને તે જ ક્ષણે મારી બધી કાંતિ વીંધાઈ ગઈ. શોકનો આવેગ કાંઈક શમતાં, આંસુ નીગળતી આંખે, હે ગૃહસ્વામિની, મેં ચેટીને રડતાં રડતાં કહ્યું: ‘જો કામદેવના બાણથી આક્રાંત થયેલો તે મારો પ્રિયતમ પ્રાણત્યાગ કરશે તો હું પણ જીવતી નહીં રહું, તે જીવશે તો જ હું જીવીશ. જો પશુયોનિમાં રહીને પણ હું તેની પાછળ મૃત્યુને ભેટી તો હવે તે ગુણવંતના વિના હું કંઈ રીતે જીવતી રહું? તો, સારસિકા, તું એ મારા નાથની પાસે મારો પત્ર લઈને જા અને મારાં આ વચનો તેને કહેજે.’ એ પ્રમાણે કહીને મેં પ્રસ્વેદે ભીંજાતી આંગળીવાળા હાથે પ્રેમથી પ્રેરિત અને પ્રચુર ચાટુ વચનોવાળો પત્ર ભૂર્જપત્ર પર લખ્યો. સ્નાનવેળાના અંગમર્દનની માટીથી મુદ્રિત કરીને તિલકવાંછિત તે લેખ, થોડા શબ્દો અને ઝાઝા અર્થવાળો મેં દાસીના હાથમાં આપ્યો, અને કહ્યું: ‘સારસિકા, તું મારા પ્રિયતમને પ્રેમનો અનુરોધ કરનારાં અને હૃદયના આલંબન રૂપ આ મારાં વચનો કહેજે: ગંગાજળમાં રમનારી જે નારી પૂર્વજન્મની ભાર્યા હતી તે ચક્રવાકી શ્રેષ્ઠીની પુત્રી રૂપે જન્મી છે. તને શોધી કાઢવા માટે તેણે આ ચિત્રપટ પ્રદશિર્ત કર્યો હતો. હે સ્વામી, તારી ભાળ મળી તેથી ખરેખર તેની કામના સફળ થઈ. હે પરલોકના પ્રવાસી, મારા હૃદયભવનના વાસી, યશસ્વી, તને ખોળતી તારી પાછળ મરણને ભેટીને હું પણ અહીં આવી. ચક્રવાક ભવમાં જેવો પ્રેમસંબંધ હતો, તેવો હજી પણ તું ધરી રહ્યો હોય તો, હે વીર, મારા જીવિત માટે મને તું હસ્તાલંબન આપ. પક્ષીભવમાં આપણા વચ્ચે જે સેંકડો સુખની ખાણ સમો સ્વભાવગત અનુરાગ હતો, જે રમણભ્રમણ હતાં, તે તું સંભારજે.’ મારા બધા સુખના મૂળ સમા પ્રિયતમની પાસે જતી સારસિકાને મેં વ્યથિત હૃદયે આ તેમ જ એ પ્રકારનાં બીજાં વચન કહ્યાં. વળી કહ્યું: ‘સખી, તેની સાથે સુરતસુખનો ઉદય કરનાર મારો સમાગમ, તું સામથી, દાનથી કે ભેદથી પણ કરાવજે. મારું કહેલું અને અણકહેલું, સંદેશા તરીકે આપેલું અને ન આપેલું, જે કાંઈ મારું હિતકર હોય તે બધું તું તેને કહેજે.’ એ પછી, હે ગૃહસ્વામિની, તે ચેટી મારા હૃદયને સાથે લઈને મારા પ્રિયતમની પાસે જવા ઊપડી. તેના ગયા પછી મને ચિંતા થવા લાગી. થોડાક સમયમાં સારસિકા પાછી આવી. તેણે મને કહ્યું, ‘સ્વામિની, તમે મને વિદાય કરી એટલે હું રાજમાર્ગ પર પહોંચી. સુંદર ઘરો વડે શોભતો તે માર્ગ વત્સદેશની આ નગરીની સેંથી સમો વિરાજતો હતો. અનેક ચાચર, ચોક, શૃંગાટક પસાર કરીને હું એક વૈભવથી દીપતા, કુબેરભવન સમા આવાસ પાસે પહોંચી. હૃદયમાં ડરતી હું બહારના કોષ્ઠકના દ્વાર પાસે જઈને બેઠી. અનેક દાસદાસીઓ ભાતભાતની પ્રવૃત્તિઓમાં રચ્યાંપચ્યાં હતાં. તેઓ એમ સમજ્યાં કે હું અહીં મૂકેલી કોઈક નવી દાસી છું. એટલે મને પૂછયું, ‘ક્યાંથી આવી?’ સાચી વાતને છૂપાવવાનું સ્ત્રીઓને સદા સહેજે આવડતું હોય છે. મને જે ભળતું તે વેળા સૂઝી આવ્યું તે મેં કહ્યું: ‘તું આર્યપુત્રને મળી આવ.’ એવા આદેશ સાથે આર્યપુત્રના દાસે મને અહીં મોકલી છે. હું નવી જ છું તે તમે બરાબર જાણી ગયા.’ એેટલે દ્વાર પર નિર્ગમ અને પ્રવેશની દેખભાળ રાખતા સિદ્ધરથ દ્વારપાલે કહ્યું, ‘સેંકડો માણસોમાંથી કોઈ પણ મારી જાણ બહાર નથી હોતું.’ તેનાં વખાણ કરતાં મેં કહ્યું, ‘સાર્થવાહનું ઘર ભાગ્યશાળી છે કે ત્યાં તમારા જેવા દ્વારને સંભાળે છે. આર્ય, તમે મારા પર પણ એટલી તો કૃપા કરજો કે સાર્થવાહનો જે પુત્ર છે તે આર્યપુત્રનાં મને દર્શન થાય.’ એટલે તેણે કહ્યું, ‘હું આ દ્વારની સંભાળ રાખવાનું કામ ઘડીક જેને સોંપી શકું તેવો પ્રતિહાર મને મળી જાય, તો હું પોતે જ તને આર્યપુત્રનાં દર્શન કરાવું.’ પછી તેણે એક દાસીને કામ સોંપ્યું, ‘આને ઉપરના માળ પર આર્યપુત્રની પાસે જલદી લઈ જા.’ એટલે તે મને તરત જ રત્નકાંચન જેવી ભોંયવાળા ઉપરના માળે લઈ ગઈ. એ રાજમાર્ગના લોચન સમો દીસતો હતો. તેની વચ્ચેના રત્નમય ગવાક્ષમાં સુખાસન પર સામે બેઠેલા સાર્થવાહપુત્રને દેખાડીને તે દાસી તરત જ ચાલી ગઈ. હું પણ અંદરથી ગભરાતી, પરંતુ એ ચક્રવાક-પ્રકરણનો આધાર લઈ, વિશ્વસ્ત બનીને તેની પાસે પહોંચી ગઈ.

અનુવાદક: હરિવલ્લભ ભાયાણી