ભારતીય કથાવિશ્વ૧/ઉર્વશી-પુરૂરવા આખ્યાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉર્વશી-પુરૂરવા આખ્યાન

અપ્સરા ઉર્વશી ઇડાના પુત્ર પુરૂરવાને પ્રેમ કરતી થઈ. તેણે લગ્ન વેળા કહ્યું હતું કે ત્રણ વારથી વધારે મને આલંગિન ન આપવું. મારી ઇચ્છા વિરુદ્ધ કશું કરવું નહીં, મારી આંખે તમારી નગ્ન કાયા નજરે પડવી ન જોઈએ. આ જ સ્ત્રીઓનો ઉપચાર છે. તે ઘણા દિવસો પુરૂરવા સાથે રહી. સહવાસ દરમિયાન તે ગર્ભવતી પણ થઈ. ત્યારે ગંધર્વોએ કહ્યું, આ ઉર્વશી તો ઘણા દિવસો માનવલોકમાં રહી છે. કોઈ એવી યુક્તિ વિચારી કાઢો કે તે ફરી આપણી પાસે આવી જાય. ઉર્વશીના પલંગ પાસે એક ઘેટી બે ગાડરાં સાથે બાંધેલી રખાતી હતી. ગંધર્વો તેમાંથી એક ગાડરાને ચોરી ગયા. ઉર્વશીએ કહ્યું, આ મારા પુત્રને લઈ જાય છે. જાણે અહીં કોઈ વીર નથી, કોઈ મનુષ્ય નથી. તેઓ બીજા ગાડરાને પણ લઈ ગયા, ત્યારે પણ તેણે આમ જ કહ્યું. ત્યારે પુરૂરવાએ મનમાં વિચાર્યું, જ્યાં હું હોઉં તે સ્થળ વીરહીન કે મનુષ્યહીન કેવી રીતે હોઈ શકે? એટલે તે નગ્નાવસ્થામાં જ તેમની પાછળ દોડ્યો. ઘણો વખત વિચારતો પણ રહ્યો કે વસ્ત્ર પહેરી લઉં. તે જ વેળાએ ગંધર્વોએ આકાશમાં વીજળી ચમકાવી અને ઉર્વશીએ તેને દિવસના અજવાળામાં જોતી હોય તેમ જોયો. એટલે તે તરત જ અદૃશ્ય થઈ ગઈ. હું આવી રહ્યો છું એમ તે બોલી રહ્યો ને તે અદૃશ્ય થઈ ગઈ. તે વિલાપ કરતો કુરુક્ષેત્રમાં ઘૂમવા લાગ્યો. ત્યાં એક અન્યત:પક્ષા નામનું સરોવર છે, તે એના કિનારા પર રખડવા લાગ્યો. ત્યાં અપ્સરાઓ હંસરૂપે તરતી હતી. ઉર્વશી તેને ઓળખી ગઈ ને બોલી, જેની સાથે હું રહેતી હતી તે માનવી આ રહ્યો. તેઓ બોલી, એમ? આપણે એની સમક્ષ પ્રગટ થઈએ. તેણે કહ્યું, ભલે. અને તે પ્રગટ થઈ ગઈ. પુરૂરવાએ તેને ઓળખી લીધી અને પ્રાર્થના કરી, હે ક્રૂર મનવાળી, તું ઊભી રહે. આપણે થોડી વાતો કરીએ. આ આપણી વાતો જ્યાં સુધી કહેવાશે નહીં ત્યાં સુધી ભવિષ્યમાં ચેન નહીં પડે. ઉર્વશીએ ઉત્તર આપ્યો : તારી સાથે એવી વાતોનો શો અર્થ? હું પહેલી ઉષાની જેમ ચાલી આવી. હે પુરૂરવા, હવે તું ઘેર જા. હાથમાં ન ઝલાય એવા વાયુના જેવી હું છું. જે મેં કહેલું તે તેં કર્યું નહીં. હવે હું દુષ્પ્રાપ્ય વાયુ જેવી છું, તું ઘેર જા. તે દુ:ખી થઈને બોલે છે : આ તારો મિત્ર ઘેર ગયા વિના જતો રહેશે, દૂરદૂરના પ્રદેશમાં અથવા મૃત્યુને ભેટીશ અથવા વરુઓ મારું ભક્ષણ કરી જશે. ઉર્વશીએ ઉત્તર આપ્યો, હે પુરૂરવા, મૃત્યુ પામીશ નહીં, ભાગી જઈશ નહીં, વરુ તને ખાઈ ન જાય. સ્ત્રીઓ સાથે મૈત્રી સારી નહીં. એમનાં હૃદય વરુ જેવાં નિષ્ઠુર હોય છે. તું એની પરવા ન કર. સ્ત્રીઓ સાથેની મૈત્રી યોગ્ય નથી, તું ઘેર જા. જ્યારે રૂપ બદલીને ચાર શરદ ઋતુઓની રાત્રિઓમાં મનુષ્યોની વચ્ચે રહી ત્યારે નિત્ય થોડું ઘી ખાતી હતી. એનાથી જ હું સન્તુષ્ટ રહી છું. આ પંદર મંત્રોવાળો વાર્તાલાપ બહ્વૃચા લોકો બોલતા આવ્યા છે. તેનું હૃદય પીગળી ગયું. તે ઉર્વશી બોલી : આજથી વરસ પછી છેલ્લી રાત્રે મારી પાસે આવજે અને મારી સાથે સૂઈ જજે. તને પુત્ર થશે. તે વરસ પછીની અંતિમ રાતે આવ્યો. જોયું તો સોનાનો મહેલ છે. ત્યાં લોકોએ માત્ર એટલું જ કહ્યું : ચાલ્યો આવ. પછી ઉર્વશીને તેની પાસે જવા દીધી. ઉર્વશીએ કહ્યું : આવતી કાલે સવારે ગંધર્વો તને વરદાન આપશે. તો તું વર માગજે. પુરૂરવાએ કહ્યું : તો હું શું માગું તે તું જ કહે. તે બોલી : તું માગજે કે હું તમારામાંનો જ એક થઈ જઉં. બીજે દિવસે ગંધર્વોએ એને વરદાન માગવા કહ્યું. તેણે વર માગ્યો : હું તમારા જેવો થઈ જઉં. તેઓ બોલ્યા : અગ્નિનું યજ્ઞયોગ્યરૂપ મનુષ્યોમાં નથી, તો યજ્ઞ કરીને આપણે એક થઈ શકીએ. તેમણે થાળીમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો અને કહ્યું : તું આનાથી યજ્ઞ ક્ર, અમારા જેવો થઈ જઈશ. તે એ અગ્નિ, પોતાનો પુત્ર લઈને નગરમાં આવ્યા. તે બોલ્યો જ હતો : આ આવ્યો. એટલામાં અગ્નિ અદૃશ્ય થઈ ગયો, જે અગ્નિ હતો તેમાંથી અશ્વત્થ વૃક્ષ બની ગયો. જે થાળી હતી તે શમીવૃક્ષ બની ગઈ. તે પાછો ગંધર્વો પાસે ગયો. તેમણે કહ્યું : આખું વરસ ચાર માણસ માટેનો ભાત રાંધ. આ પીપળાની ત્રણ ત્રણ ડાળીઓ ઘીમાં ડુબાડી રાખ. મન્ત્રોનું પઠન કર અને જ્યારે સમિધ અને ઘૃત શબ્દ આવે ત્યાં આ ડાળીઓ મૂકજે. જ્યારે તે અગ્નિ પ્રગટશે ત્યારે જેની તને જરૂર છે તે અગ્નિ જ એ હશે. તેમણે કહ્યું : પણ એ તો પરોક્ષ કાર્ય છે. પીપળામાંથી ઉત્તર અરણિ બનાવ, શમીમાંથી અરણિ બનાવ. એ બંનેનું તર્પણ કર. એમ કરવાથી જે અગ્નિ પ્રગટશે તે એ જ અગ્નિ હશે. પુરૂરવાએ પીપળામાંથી ઉત્તર અરણિ બનાવી, અશ્વત્થમાંથી જે અગ્નિ પ્રગટ્યો તે એ જ અગ્નિ. એમાં યજ્ઞ કરવાથી ગંધર્વ થઈ જવાય છે. (શતપથ બ્રાહ્મણ, ૧૧-૫-૧૩)