ભારતીય કથાવિશ્વ૧/પરિશિષ્ટ/સૂર્યસૂક્ત
આશ્ચર્ય છે કે આ સૂર્ય મિત્ર, વરુણના, અગ્નિના નેત્ર છે, આ સૂર્યે આકાશ, પૃથ્વીને, અંતરીક્ષને ચારે બાજુથી ભરી દીધું છે. તે સર્વના પ્રેરક છે, સ્થાવર-જંગમ, જડ ચેતનના આત્મારૂપ છે. જેવી રીતે માનવી પોતાની પ્રિયાની પાછળ પાછળ જાય છે, તેવી રીતે સૂર્ય દિવ્ય પ્રેરણામયી ઉષાની પાછળ થાય છે. અહીં દેવનું યજન કરવાની ઇચ્છાવાળા કાળને અનુરૂપ કાર્યોનો વિસ્તાર કરે છે, અને તે પરમાત્મા ભક્તજનોનું કલ્યાણ કરે છે. હરિત વર્ણના આ અશ્વો બધાનું કલ્યાણ કરે છે, ગન્તવ્ય સ્થાને પહોંચે છે, ઉત્સાહને વધારે છે, તેમને બધાં નમન કરે છે. તેઓ પ્રકાશિત દિવ્ય સ્થાને હોય છે જ, તત્કાલ આકાશ અને પૃથ્વી લોકને વ્યાપીને રહેલા છે. સંસારની વચ્ચે ફેલાયેલા વિસ્તૃત અંધકારને સૂર્યે દૂર કર્યો, એ જ સૂર્યની દિવ્યતા અને સૂર્યનો મહિમા. સૂર્ય જ્યારે પોતાના નિવાસેથી સાત અશ્વો જોડી નીકળે છે ત્યારે બધેથી રાત્રિ વિદાય લે છે. મિત્ર અને વરુણના લાભાર્થે સૂર્ય પોતાનુંં સ્વરૂપ પ્રગટ કરે છે; સૂર્યના હરિત વર્ણના અશ્વને તથા સૂર્યને પોતાનું વિશિષ્ટ બળ છે, એનાથી દિવસે પ્રકાશ, અને રાત્રે અન્ધકાર છે. સૂર્યના ઉદય વખતે અમને પાપમાંથી મુક્ત કરો, નિંદાથી દૂર કરો. મિત્ર, વરુણ, અદિતિ, સિન્ધુ તથા પૃથ્વી, દ્યૌ અમને સત્કાર્યમાં જોડે.