ભારતીય કાવ્યસિદ્ધાંત/શબ્દસંકેત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શબ્દસંકેત

‘ઘોડો’ શબ્દ બોલવાથી આપણને અમુક પ્રાણીનો બોધ થાય છે, એટલે કે ‘ઘોડો’ શબ્દમાં એક જાતના પ્રાણીનો અર્થ આપણે માનેલ છે, નક્કી કરેલ છે. આ જાતની માન્યતા કે નિર્ણયને સંકેત કહેવામાં આવે છે અને નક્કી થયેલા અર્થને સંકેતિત અર્થ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે સંકેતનું પ્રેરક કારણ કયું? એટલે કે અમુક શબ્દમાંથી અમુક શબ્દ અર્થ સમજવો એ જાતનો નિર્ણય થાય છે કેવી રીતે? આલંકારિકો કહે છે કે આપણે અમુક શબ્દનો અમુક અર્થ કરીએ છીએ, તેમાં ઈશ્વરેચ્છા કારણભૂત છે; અર્થાત્ સંકેત એટલે અમુક શબ્દમાંથી અમુક ચોક્કસ અર્થનો બોધ થાય એવી ઈશ્વરની ઈચ્છા. [1] આ વિચારસરણીની પાછળ એવી કલ્પના રહેલી લાગે છે કે માણસે સૌપ્રથમ અમુક વસ્તુને અમુક સંજ્ઞાથી ઓળખી હશે, ત્યારે એ સંજ્ઞા આપવાની પ્રેરણા તેને ઈશ્વરે જ કરી હશે. આમ, સઘળા શબ્દોના સંકેતમાં કારણભૂત ઈશ્વરેચ્છા છે. અલબત્ત, વિશેષ નામોની બાબતમાં આપણે કદાચ ઈશ્વરેચ્છાને કારણભૂત ન ગણી શકીએ. કોઈ વ્યક્તિનું ‘દેવદત્ત’ નામ માણસની ઈચ્છાથી પડે છે. આથી આધુનિક નૈયાયિકો તો સંકેત એટલે ‘ઈચ્છામાત્ર’ એવો અર્થ કરે છે, પણ કેટલાક જૂના મતને વળગી રહે છે અને વિશેષ નામો આપવામાં પણ માણસને ઈશ્વર તરફથી પ્રેરણા થાય છે એમ માને છે. (૧)


  1. 1. संकेतश्र्व अस्मात् शब्दात् अयम् अर्थः बोध्यः इति ईश्र्वरेच्छा ।
    (साहित्यकौमुदी)