ભારેલો અગ્નિ/૨૦ : અપક્વ શરૂઆત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૦ : અપક્વ શરૂઆત

કલ્યાણી બેઠી બેઠી કાંઈ કામ કરતી હતી. તેની પાસે બોરસલીનાં ફૂલનો ઢગલો પડયો હતો. યુવકોને તાલીમ આપ્યા પછી ગૌતમ સાયંકાળે નદીસ્નાન કરી સહુથી પહેલો ઘેર આવ્યો. તેનાથી પુછાઈ ગયું :

‘કલ્યાણી ! શું કરે છે?’

‘માળા પરોવું છું.’

‘માળા! કેમ?’

‘હા, માળા. એ વરમાળા છે. તને ખબર નથી?’

કલ્યાણી મીઠું મીઠું હસી પડી. ગૌતમ એ સૌંદર્યફુવારાને નિહાળી રહ્યો. ‘પરણી ચૂકી છું.’ કહેનારી કલ્યાણી વરમાળા ગૂંથતી હતી! એ વરમાળા રાતમાં જ તેને ગળે ભરવાઈ જાય તો?

તો ગૌતમના મનોરથ પૂર્ણ થાય, પરંતુ પૂર્ણતામાં કલ્યાણીનું ભાવિ અપૂર્ણ રહેતું હતું તેનું શું?

‘એ માળા કોને પહેરાવવી છે?’ ગૌતમે પૂછયું.

‘તને કેટલીવાર કહેવરાવવું છે?’

‘ક્યારે?’

‘હું તો અત્યારેયે પહેરાવી દઉં. પૂરી થાય એટલી વાર.’ તોફાનભરી આંખ કરતી કલ્યાણી બોલી. સાદી સરળ કલ્યાણીની ગંભીર આંખ તોફાને ચડે છે એ તેણે હમણાં જ જોવા માંડયું. વરમાળા ભરવી કલ્યાણીએ ચાલુ રાખી. એકાએક ઝડપ મારી ગૌતમે તેના હાથમાંથી માળા ઝૂંટવી લીધી. અધૂરી માળામાંથી થોડાં ફૂલ વેરાયાં.

‘કેમ મારી માળાને ઝૂંટવે છે?’ કલ્યાણી બૂમ મારી ઊઠી.

‘મને ન પહેરાવે તો માળા પૂરી કરવા દઉં.’ ગૌતમ બોલ્યો.

‘જા, જા. તારા મનથી એમ હશે કે એ એક જ માળા છે! જો બીજી આ રહી!’ કલ્યાણીએ પોતાના ગળામાં ધારણ કરેલી પુષ્પમાળા બતાવી.

‘એ તો તેં પહેરી છે.’

‘આપણે બંનેને એક જ માળા ચાલશે. જો આમ!’ પોતાની માળા લંબાવી જાણે તે પહેરેલી માળા ગૌતમના ગળામાં ભરાવતી હોય એવો તેણે દેખાવ કર્યો. ગૌતમ અલબત્ત દૂર હતો છતાં તે બે ડગલાં આઘો ખસી ગયો.

‘જો, તને અને મને સાથે બેસતી આવે એવી છે ને?’ કલ્યાણી બોલી અને ગૌતમની મૂંઝવણ જોઈ હસી પડી.

ગૌતમે એકાએક પીઠ ફેરવી ચાલવા માંડયું. કલ્યાણીએ તાળી પાડી ગૌતમને સાદ કર્યો :

‘ગૌતમ, ગૌતમ! આમ જો. નહિ પહેરાવું. એક વાત કહું.’

કલ્યાણીને શી વાત કરવી હતી તે ગૌતમ જાણતો હતો. ને પાછો ન ફર્યો એ જ ઠીક થયું; કારણ, કલ્યાણીએ જોયું કે રુદ્રદત્ત અને વિદ્યાર્થીઓ પાઠશાળામાં પાછા આવતા હતા.

કશું જ નવું બનતું નહોતું તોયે ગૌતમને નવી દુનિયા રચાતી દેખાઈ. આ બધું તેને ગમતું હતું. કલ્યાણી વરમાળા આરોપે એવું દૃશ્ય તેણે વારંવાર કલ્પ્યું. એક વખત તેણે અર્પાતી માળા જોઈ; માળા સુંદર લાગી. એક વખત તેણે માળા ઊંચકતા હાથ જોયા; કલામય મરોડવાળી કળાઈ અને તેમાંથી ચંદ્રકિરણ સરખી લંબાતી આંગળીઓ જોયા જ કરવાનું તેને મન થયું. માળા અપાતી વખતનું કલ્યાણીનું મુખ તેણે કલ્પનામાં જોયું. જીવંત કલ્યાણી સામે આટલું તાકીને જોઈ રહેવાય? મુખદર્શનનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય તો કલ્પના જ આપી શકે. તેણે મન ભરીને કલ્યાણીનું મુખ નિહાળ્યું. તેણે કદી ન જોયેલું, ન કલ્પેલું સૌન્દર્ય એ મુખમાં દેખાયા કરતું હતું. એ મુખમાં ચંદ્રની શીતળતા હતી. શુક્રનો ચળકાટ હતો. નક્ષત્રોની ગૂંથણી હતી. આકાશગંગાની અસ્પષ્ટ ધવલ રેખાઓ હતી અને રાશિમંડળોથી ચમકતા નભોમંડળનું ગહન સ્મિત હતું.

વિરાટનું સૌન્દર્ય કલ્યાણીમાં ઊઘડતું હતું કે શું? મહાન અને પૂજ્ય ન લાગે એ સૌન્દર્ય કહેવાય ખરું?

પણ એ મહત્તાને – પૂજ્યતાને પગે લગાય. એની સાથે રમાય શી રીતે? અને જેની સાથે મન મૂકીને રમાય નહિ એ સૌન્દર્યનું કામે શું?

કલ્યાણી ગૌતમનો ભાવ સમજી ગઈ, તે હસી અને બોલી : ‘કેમ, હું અસહ્ય લાગું છું?’

‘તેનૈવરૂપેણ ચતુર્ભુજેન-

સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે’

ગૌતમે જવાબમાં ગીતાવાક્ય સંભાર્યું.

‘હું ચંદ્ર બની જાઉં?’

‘ના. એ તો બહુ દૂર. પૂરું મુખ દેખાડે જ ભાગ્યે; મહિને એક વાર.’

‘તારો બની જાઉં?’

‘એ તો બહુ ચપલ, ઘડી મીટ માંડે નહિ.’

‘ત્યારે ફૂલમાળા બનું?’

‘એ તો ગમે; પણ અતિ કોમળ! અડકતાં દયા આવે.’

‘ત્યારે તું કેવી કલ્યાણી માગે છે?’

‘જેને પૂજી પણ શકું અને રમાડી પણ શકું તેવી.’

‘એ તો સ્ત્રીઓને જ આવડે. વિલાસ અને પૂજનને એક બનાવવાનું પુરુષ હજી શીખ્યો નથી.’

‘ત્યારે હું શું કરું?’

‘જો. હું માથે મુગટ પહેરું છું અને હાથમાં વાંસળી ધરું છું.’

‘કેવી સુંદર તું દેખાય છે! જાણે કૃષ્ણે નારીરૂપ ધર્યું!’

‘હવે સમજ્યો? કૃષ્ણ પૂજ્ય છે અને પ્રિય પણ છે, નહિ!’

ગૌતમ સ્તબ્ધ બન્યો. કલ્યાણીના સૌન્દર્યમાં કાંઈ અવનવું પરિવર્તન થઈ ગયું. ગૌતમનું હૃદય હાલી ઊઠયું. તેના હાથમાં ચાપલ્ય પ્રગટયું. તેના પગમાં વેગ જાગ્યો. તે ભૂલી ગયો કે કલ્યાણીના સ્પર્શનો તેને હજી અધિકાર મળ્યો નથી. તે ભૂલી ગયો કે તેને કંપની સરકાર સામે ઝૂઝવાનું છે. તેને સ્થળનું ભાન ન રહ્યું. કાળનું ભાન ન રહ્યું; તે ગૌતમપણું વીસરી ગયો. તે કલ્યાણીમય-કલ્યાણીરૂપ બની ગયો! કલ્યાણીના દેહમાં સમાવાની કોઈ અનિવાર્ય ઇચ્છા-આકર્ષણથી પ્રેરાઈ તેનો દેહ આગળ ધસ્યો; તેના હાથ કલ્યાણીને વીંટળાઈ વળ્યા; કલ્યાણીના દેહમાં સમેટાઈ જવા તેણે તેના દેહને ખૂબ દાબ્યો. સૌન્દર્યસ્પર્શ શું તેનો પ્રથમ આસ્વાદ લીધો અને એકાએક તેના હાથમાંથી દૂર ખસી ગયેલી કલ્યાણીનું અટ્ટહાસ્ય તેણે સાંભળ્યું. તેના હાથ નિરર્થક દબાયલા લાગ્યા. તેનો દેહ અમસ્તો જ ખાલી અવકાશને સ્પર્શતો લાગ્યો.

તેની આંખ ઊઘડી ગઈ હતી. ગામમાં કોઈ એકલવાયું શિયાળ રડતું સંભળાયું. શું તેણે સ્વપ્ન જોયું?

મધરાત વીતી ગઈ હતી. તે ખરે સૂતો હતો. તેને સ્વપ્ન જ આવ્યું હતું. માળા ગૂંથતી કલ્યાણીએ એ સ્વપ્ન પ્રેર્યું હતું? એ સ્વપ્નપ્રેરણા સાચી પડે તો? સાચી પડવાની તૈયારી જ હતી તો પછી એ ભાગ્ય સરખું અનિવાર્ય લગ્ન કેમ ન વધાવી લેવું?

ગૌતમ પીગળતો હતો. ક્રાન્તિને વિસારી સુખશય્યાને ખોળતો હતો. ફરી શિયાળ રડી ઊઠયું.

‘આટલું પાસે? છેક પાઠશાળાની ભીંતે આવી રડે છે!’ ગૌતમને વિચાર આવ્યો. એમ તો ગામડામાં ઘણી વખત બને છે.

પરંતુ તે સાથે જ નદી ઉપરથી ફાલુના હસવાનો અવાજ આવતો હતો એ શું? વિહારની સીમમાં શિયાળ હતાં, પરંતુ ફાલુ નહોતાં. શું કલ્યાણીનું સ્વપ્નમાં સંભળાતું હાસ્ય ખરેખર ફાલુના હાસ્યનો તો પડઘો નહિ હોય? બાહ્ય પ્રસંગોને મન સ્વપ્નમાં સાંકળી લે છે! પણ અહીં ફાલુ ક્યાંથી?

ગૌતમ બેઠો થયો; ઊભો થયો; કોઈ ન સાંભળે એવી શાંતિભરી ઢબે તે પાઠશાળાની બહાર નીકળ્યો, અને ફાલુના હાસ્ય જેવા લાગતા બોલ તરફ ઉતાવળો જવા લાગ્યો.

ચોર શિયાળ જેવું રડી શકે છે; ફાલુ જેવું હસી શકે છે; અને એ રુદન કે હાસ્ય જેવા લાગતા પશુસ્વરમાં તે પોતાના સંકેતસંદેશ આપી શકે છે : આવી સામાન્ય માન્યતા છે. ગૌતમે એમાં કાંઈ સંકેત વાંચ્યો હશે? કે સંદેશ સાંભળ્યો હશે?

તેનું લક્ષ એ અવાજ તરફ હતું. ભૈરવનાથનું મંદિર આવતાં તે અટક્યો. તેણે ઊભા રહી ચારે પાસ જોયું. અંધકારમાં કાંઈ દેખાય નહિ. ઝાડના એક ઝુંડ ભણીથી તાળીનો અવાજ સંભળાયો. તેણે તે તરફ પગલાં મૂક્યાં. ઝાડી પાસે આવતાં જ તેણે પ્રશ્ન સાંભળ્યો :

‘કોણ?’

‘હું, ગૌતમ.’ ગૌતમે જવાબ આપ્યો.