ભારેલો અગ્નિ/૬ : સિંહનું ભૂમિશયન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬ : સિંહનું ભૂમિશયન

‘શંકર ક્યાં ગયો?’ પાદરીએ મોકલેલું થોડું દૂધ પીતાં રુદ્રદત્તે પૂછયું.

‘એણે રાહ જોવાની ના કહી છે. એનો દીકરો પાદરીને ત્યાં છે એટલે એ ત્યાં જમવા ગયો હશે.’ ત્ર્યંબકે કહ્યું.

ત્રણે જણ જરા આડાં પડયાં. એટલામાં તો લ્યૂસી, જોન્સન એને તેમનાં મડમ ધર્મશાળામાં આવી પહોંચ્યાં. મહાદેવની ધર્મશાળામાં પરધર્મી ખ્રિસ્તીઓ આવે એ મહાદેવના પૂજારીને ગમ્યું નહિ. પરંતુ પૂજારીની ગામના પટેલે ખૂંચવી લીધેલી જમીન પાછી અપાવવા પાદરીસાહેબ મુલકી ગોરાસાહેબને સારી ભલામણ કરેલી હોવાથી પૂજારીએ પોતાનો અણગમો અસ્પષ્ટ રાખ્યો. મૃગચર્મ ઉપર મહેમાનોને બેસાડી જૂના મિત્રોએ જૂનીનવી વાતો કરવા માંડી.

બપોર થઈ ગયા અને રુદ્રદત્તે ત્ર્યંબકને કહ્યું:

‘ત્ર્યંબક! જરા ભાંગ વાટી લાવ – વધારે ન નાખીશ. આપણે સાહેબને શરબત પાઈએ.’

‘મહેમાનગીરી તો અમારે કરવાની હોય, પણ આપ તો અમારા હાથનું ખાઓપીઓ નહિ.’ જૉન્સને કહ્યું.

‘અમારો ધર્મ ખાવાપીવાની દીવાલો વચ્ચે રક્ષણ શોધી રહ્યો છે.’ રુદ્રદત્તે હસીને કહ્યું.

ત્ર્યંબક શરબતની થોડી વસ્તુઓ લઈ ધર્મશાળાની બહાર આવેલા કૂવાના થાળા ઉપર ગયો. એના મનમાં ઘડી ગૌતમના વિચાર ચાલતા હતા. ઘડી રુદ્રદત્તની ગૂઢતા ઉપર તે કલ્પનાઓ રચતો હતો, અને ઘડી તે લ્યૂસીની ભૂરી આંખોના ખ્યાલમાં પડતો હતો. ભાંગ લસોટતાં તેણે સહજ ઊંચું જોયું. લ્યૂસી તેની સામે આવીને ઊભી હતી. સૂર્યના પ્રકાશમાં પણ શીતળ ભૂરાશ પથરાયેલી ત્ર્યંબકને દેખાઈ. તે કાંઈ જ બોલે તે પહેલાં લ્યૂસી બોલી ઊઠી :

‘જો ત્ર્યંબક! હું કંઈક બતાવું.’

‘શું છે?’

‘મને પંડિતજીએ લગ્નભેટ આપી!’

‘લગ્નસમયે પહેરજે.’

‘પણ પૂછ તો ખરો એ ભેટ શી છે?’

‘કહે; શી ભેટ આપી?’

‘મને પંડિતજીએ લગ્નભેટ તરીકે ત્ર્યંબક જ સોંપી દીધો.’

‘શું?’ ત્ર્યંબકના હાથમાંથી એકદમ પથરો પડી ગયો.

‘હવે હું તને મારી સાથે વિલાયત ઉપાડી જઈશ.’ હસીને લ્યૂસી બોલી.

‘મારા જેવા જંગલી હિંદીને વિલાયત સંઘરે જ નહિ.’

‘તે તારે જોવું છે કે મારે?’

‘હજી તો મારે ગુરુજી સાથે પ્રયાગ જવાનું છે.’

‘જજે. હું તને એટલી છૂટ આપીશ.’

‘લ્યૂસી! તું આ શી ઘેલછા કાઢે છે ? હજીય તું આની આ ભ્રમણા સેવી રહી છે?’

‘એ ભ્રમણા જીવતાં સુધી ચાલશે.’

‘કાળાગોરાનાં લગ્ન તેં સાંભળ્યાં છે?’

‘ઘણાંયે. ઘણા ગોરાઓ કાળી સ્ત્રીપરણ્યા છે.’

‘આ જુદો પ્રકાર છે. અહીં તો ગોરી સ્ત્રી ઘેલછા કાઢે છે.’

‘કેમ ન કાઢે! ગોરા પુરુષોને કાળી સ્ત્રી ગમે તો ગોરી સ્ત્રીને કાળો પુરુષ કેમ ન ગમે?’

‘એમાં સહુ માનહાનિ માને છે.’

‘તું માનતો હોઈશ; હું તો નથી માનતી.’

‘મારી અને તારી વાત નથી; ગોરાઓ તને ન્યાત બહાર મૂકશે.’

‘કારણ, પુરુષો સ્ત્રીને મિલકત ગણે છે. ગુલામ ગણે છે. પુરુષ અને સ્ત્રી માટે નીતિના જુદા કાયદા ઘડે છે. મને એવી ગોરી ન્યાતમાં રહેવાની જરાય ઇચ્છા નથી.’

‘મેં અને તેં સહજ વાત કરી એમાં તું ઘવાયો. એ વાત ચાલુ રાખીશું તો હું અને તું બંને ઘવાઈશું – અને કદાચ મરીશું.’

‘ત્ર્યંબક! આપણું સાથે જ મૃત્યુ થાય, અને મૃત્યુમાં આપણે એકબીજાની સાથે સૂઈએ એ કેટલું ભવ્ય લાગે છે! હું તો એવું મોત માગીને લઉં.’

ત્ર્યંબક કશું બોલ્યો નહિ. તેણે ભાંગ લસોટવા માંડી. ત્ર્યંબકના ઘઉંવર્ણા ખુલ્લા હાથના સ્નાયુઓ તરી આવતા હતા તે લ્યૂસી ક્ષણભર જોઈ રહી. પાતળી કટિથી વિશાળ બનતો જતો છાતી અને સ્કંધને પ્રદેશ ત્ર્યંબકના દેહને ગ્રીસના કોઈ યોદ્ધાાોનું ચલચિત્ર બનાવતો હતો. ત્ર્યંબકના અંગે અંગમાં નિર્મળ સંપૂર્ણ પુરુષત્વ ઊઘડી રહ્યું હતું. એ વજ્રદેહને સ્પર્શવાની લ્યૂસીના કુમળા ગોરા દેહને તીવ્ર ઇચ્છા થઈ આવી. લ્યૂસીએ કહ્યું :

‘લાવ, હું વાટી આપું.’

‘સાહેબોની દીકરીઓને આવાં કામ ફાવે?’

‘હું પ્રયત્ન કરી જોઉં.’

‘અં.-હં. તું અડકીશ તો રુદ્રદત્તથી શરબત પીવાશે નહિ.’

‘અને તારાથી પીવાશે કે નહિ?’

‘હું તો ભાંગ પીતો જ નથી.’

‘એમ કે? હજી લ્યૂસી અસ્પૃશ્ય લાગે છે? ઘમંડી બ્રાહ્મણ!’ કહી છણકાઈને લ્યૂસીએ પથ્થર ઉપર કંઈ પછાડયું અને પાછાં પગલાં માંડી તે ઊભી રહી.

ત્ર્યંબક હજી પ્રેમને પૂરો ઓળખતો નહોતો. એ નૈષ્ઠિક બ્રહ્મચારી બને ત્યાં સુધી સ્ત્રીઓની મોહરેષામાં આવતો નહિ. પરંતુ સ્ત્રીઓની મોહરેષા અદૃશ્યમાં પણ ઊપસી આવે છે. માનવી ક્યાં સુધી તેનાથી અળગો રહી શકે? ત્ર્યંબકને સ્ત્રી જગતની જરાય પરવા નહોતી; છતાં કલ્યાણી અને લ્યૂસી તેનામાં સંકોચ ઉત્પન્ન કરતી હતી – તેનામાં સ્વભાન જાગૃત કરતી હતી. બંને યુવતીઓ સાથે આંખ મેળવવી એ તેને માટે બહુ મુશ્કેલ હતું. અને બંને યુવતીઓથી દૂર રહેવું અશક્ય બની ગયું હતું. ગયેલી લ્યૂસી પણ પાછી આવી વળી પજવતી હતી! શું કરવું?

સ્ત્રીને છણકાયલી છોડવી એ પુરુષથી કોઈ પણ યુગમાં બની શકે એવું નથી. સ્ત્રીત્વ રિસાય અને પુરુષત્વ મનાવે એ જગતનો સનાતન ધર્મ એમાં જાતિભેદને સ્થાન નથી.

‘લ્યૂસી! રિસાઈશ નહિ.’ ત્ર્યંબકે કહ્યું.

‘હું જરૂર રિસાઈશ – રિસાયેલી જ છું.’

‘આજની થોડી ક્ષણો મળવું તેમાં પણ રિસાવાનું?’

‘મારી આજની ક્ષણો ચિરંજીવ છે – ક્ષણિક નથી.’

હજી લ્યૂસી પીઠ ફેરવીને ઊભેલી હતી. કૂવાની પાસે આવેલો વડ કૂવા ઉપર છાયા કરી રહ્યો હતો. બહાર રણતડકામાં વરાળો નીકળતી દેખાતી હતી. કોઈ માનવી દેખાતું નહોતું. સૂર્યકિરણોને ઝીલી રહેલાં વડપત્રોમાંથી તેજબિંદુઓ આછાં આછાં વહી લ્યૂસીના ગોરા છટાદાર દેહ ઉપર દોડી રહ્યાં હતાં. લ્યૂસીના પગ પાસે કશું ચમકતું હતું. ત્ર્યંબકે જોયું કે લ્યૂસીએ ચમકતી વસ્તુને જ રીસમાં પછાડી હતી. તેણે ઊભા થઈ તે વસ્તુ ઉપાડી. રુદ્રાક્ષના બેરખામાં એક કીમતી સ્ફટિકનો મણકો ચમકી રહ્યો હતો. એ રુદ્રદત્તનો બેરખો હતો એમ ત્ર્યંબકે જોતાં બરાબર પરખી લીધું.

‘લ્યૂસી! આ બેરખો તું લાવી?’ ત્ર્યંબકે પૂછયું.

‘હા, કેમ?’

‘ક્યાંથી લાવી?’

‘પંડિતજીએ આપ્યો.’

‘એમ? લે ત્યારે.’

‘મારે નથી જોઈતો.’

‘કેમ?’

‘એ લઈને શું કરું?’

‘પંડિતજીની ભેટનો આમ અસ્વીકાર થાય?’

‘એ ભેટ શા માટે આપી છે તે તું જાણે છે?’ હવે સામે ફરી લ્યૂસી બોલી.

‘ના.’

‘એ લગ્નભેટ તરીકે અપાયેલી વસ્તુ છે.’

‘ત્યારે તું લઈ લે; લગ્ન વખતે પહેરજે.’

‘મારું લગ્ન થવાનું નથી.’

‘કારણ?’

‘તું હિંદુત્વનું ઘમંડ રાખે છે માટે.’

‘મારા હિંદુત્વને તારાં લગ્ન સાથે શો સંબંધ?’

‘ગાઢ સંબંધ છે.’

‘શી રીતે?’

‘હવે ચોખ્ખું કહેવડાવવું છે? જો, ત્ર્યંબક! મારે તારી જ સાથે લગ્ન કરવું છે.’

‘લ્યૂસી! તું ખરું કહે છે ? કે હસવાની વાત કરે છે?’

‘હું ખરું જ કહું છું. અંગ્રેજ બાળા હજી લગ્નની વાતને ગંભીર માને છે.’

‘અંગ્રેજ બાળામાં શરમના અંશ ઓછા નથી હોતા.’ ત્ર્યંબકે લ્યૂસીથી છૂટવા તેને અપમાનકારક પ્રશ્ન પૂછયો.

‘ઓછા જ છે, કારણ એ તમારી હિંદુ બાળાઓ કરતાં વધારે પ્રામાણિક છે.’ લ્યૂસીએ અપમાનનો જવાબ આપ્યો.

‘કેવી રીતે?’

‘અંગ્રેજ કન્યા પોતાને મનગમતી વાત સહજ કરી દે છે; હિંદુ કન્યાઓની માફક તે હૃદય સંતાડતી નથી.’

‘હશે. આ માળા તો તું લઈ લે?’

‘એને લઈને શું કરું?’

‘હમણાં તો પાસે રાખ.’

‘તું અડકીને આપ તો લઉં.’

લ્યૂસીએ ત્ર્યંબક સામે જોઈ હાથ ધર્યો. લ્યૂસીની આંખમાં અદ્ભુત આહ્વાન તરતું હતું. ત્ર્યંબક અસ્પૃશ્યતાના સર્વ વિચાર ભૂલી ગયો. અને તેણે સહસા આહ્વાનના આકર્ષણમાં ખેંચાઈ લ્યૂસીના હાથમાં રુદ્રાક્ષની માળા અડકીને મૂકી દીધી.

લ્યૂસીએ ત્ર્યંબકનો હાથ પકડી લીધો. ત્ર્યંબક તે છોડાવે તે પહેલાં તો તેણે પોતાના બંને હાથ વડે ત્ર્યંબકના હાથને મજબૂત પકડી રાખ્યો. કારણ, બંનેના કાને ‘મારો, મારો’ની ભયંકર બૂમ અથડાઈ. મંદિર અને ધર્મશાળાને માણસોનાં ટોળાએ વીંટી લીધાં, અને એક ટોળું ભયંકર ચીસો પાડતું કૂવા તરફ ધસી આવ્યું. ત્ર્યંબકને સમજ ન પડી. ટોળાનાં માણસો હથિયારબંધ હતાં એટલે તેને લાગ્યું કે એ કોઈ ધાડપાડુઓની ટોળી હશે; પરંતુ ધાડ પાડનારી ટોળી આવડી મોટી ન હોય એવો વિચાર પણ ત્ર્યંબકને આવ્યો.

ત્ર્યંબકે લ્યૂસીને પોતાનો હાથ પકડી રાખવા દીધો. ભય લાગે એવું જ ટોળાનું વર્તન હતું. લાકડીઓ, છરા, તલવાર અને બંદૂક જેવાં હથિયારો ટોળાંના માણસો પાસે હતાં; ચારેપાસથી ‘મારો, મારો’ના પોકારો આવ્યા જ કરતા હતા. ત્ર્યંબકે પૂછયું :

‘શું છે? શાને માટે ધસી આવે છે?’

‘મારો, કાપો ફિરંગીઓને રીબી રીબીને મારો!’ એવા પોકારોની વચ્ચેથી ટોળાના આગેવાને કહ્યું.

‘તારી જોડે પેલી ફિરંગી છોકરી છે તે અમને સોંપી દે.’

‘કારણ?’

‘પહેલો ભોગ એ ગોરી કુમારિકાનો આપીશું.’

‘તમે કોણ છો?’

‘અમે ફિરંગીઓના દુશ્મન છીએ. કંપનીનું રાજ્ય ગયું!’

‘ભલે ગયું! પણ તેમાં આ છોકરી ઉપર શા માટે ધસારો કરો છો?’

‘હિંદભરમાં ફિરંગીઓનું નામનિશાન રાખવાનું નથી. આજે તમને રહેંસી નાખવાના છે.’

‘એણે મારો હાથ ઝાલ્યો છે. મારા આશ્રમમાં રહેનારને હું નહિ સોંપી શકું.’ ત્ર્યંબકે દૃઢતાથી જવાબ આપ્યો. ત્ર્યંબક હથિયાર રહિત હતો. લ્યૂસીના મુખ ઉપર ભયની છાયા ફરી વળી.

‘એમ? ત્યારે તું પણ સાથે સ્વર્ગે જવાનો!’ કહી ત્રણચાર માણસોએ એક સામટી ડાંગો ત્ર્યંબકને મારવા ઉઠાવી અને તેમાંથી એક ડાંગનો પ્રહાર તેના ઉપર પડયો પણ ખરો.

પરંતુ પ્રહાર કરનારનો હાથ ખાલીખમ બની ગયો. કોઈ સિફતથી ડાંગનો ઘા હાથ ઉપર ઝીલી. ત્ર્યંબકે એ ડાંગને જ ઝૂંટવી લીધી. અને લ્યૂસીનો હાથ છોડાવી થાળા ઉપરથી નીચે કૂદી પડયો. ત્ર્યંબકે એવી કળાથી ડાંગ ફેરવી કે પાંચસાત મનુષ્યોના હથિયારો નીચે પડી ગયાં. કેટલાકને વાગ્યું અને આખું ટોળું પાછું હઠયું.

‘હું જીવતો છું ત્યાં લગી આ છોકરી તમારે હાથ નહિ આવે. અને મરતા પહેલાં તો હું તમારા કૈંક માણસો મારી નાખીશ.’ ત્ર્યંબકે આગળ વધતાં ધમકી આપી.

‘આપણે હુકમ લઈએ.’ કહી ટોળું વીખરાયું અને ધર્મશાળાનાં ટોળામાં દાખલ થઈ ગયું. ધર્મશાળાની ચારેપાસ વીંટળાયેલાં માણસો ત્યાંથી ખસી મંદિર અને ધર્મશાળાના મુખદ્વાર સામે ભેગાં થઈ ગયાં હતાં. ધર્મશાળા અને મંદિરનાં પાછલાં બારણાં બંધ હતાં.

ત્ર્યંબકે પૂછયું :

‘લ્યૂસી! તારે ક્યાં જવું છે?’

‘મારે તારી સાથે રહેવું છે.’

‘એમાં જોખમ છે. બળવો જાગ્યો લાગે છે. તું કહે તો હું તને તારા દેવળમાં મૂકી આવું.’

‘પણ મારાં માતાપિતા રુદ્રદત્ત પાસે છે. હું એકલી દેવળમાં નહિ રહું. તું ક્યાં જઈશ?’

‘અલબત્ત, તને મૂકીને ગુરુજી પાસે જઈશ.’

‘હું તારી સાથે જ આવું છું.’

‘બહુ માણસો છે.’

‘બધાનું થશે તે મારું થશે.’

‘ચાલ ત્યારે.’

કૂવો ધર્મશાળાની પાછલી બાજુએ આવેલો હતો. ધર્મશાળાનું પાછલું બારણું બંધ હતું. આગલે બારણેથી ટોળાંની ચીસો આવ્યા કરતી હતી એટલે તે બાજુએથી બે જણે મંદિરમાં પ્રવેશ મેળવવો એ અશક્ય હતું. લ્યૂસીને તો ક્યારનું લાગ્યું હતું કે તે મોતના મુખમાં જ છે. ત્ર્યંબકે ધર્મશાળાનું પાછલું બારણું બળપૂર્વક તોડી નાખ્યું. અને બંને જણે અંદર પ્રવેશ કર્યો. એ પૂજારીને રહેવાનો ભાગ હતો. ત્યાંથી ધર્મશાળાની ઓસરીમાં આવતાં ઓસરી ઉપર ઊભેલા રુદ્રદત્તની સામે ઓટલા નીચે. મંદિર અને ધર્મશાળાના ચોકમાં ટોળું ભેગું થયેલું તેમણે જોયું. રુદ્રદત્તનો પ્રભાવશાળી દેહ રોકી રહ્યો હતો.

‘એ ફિરંગીઓને સોંપી દ્યો.’ ટોળું પોકારતું હતું.

‘એમને લઈને શું કરશો?’ રુદ્રદત્તનો ગંભીર સાદ ટોળાભરમાં સંભળાયો.

‘ઠેકાણે કરીશું.’

‘હથિયાર રહિત એક ફિરંગી પુરુષ અને હથિયાર રહિત એક ફિરંગી સ્ત્રી : તેમને કાપી નાખવાની તમારી માગણી એ શું પાપ નથી?’

‘ફિરંગીઓએ ઘણાં પાપ કર્યાં છે. તેનો બદલો હવે મળે છે.’

‘એ બદલો આપનાર તમે કોણ?’

‘અમે હિંદુમુસલમાનો. અમને ધર્મભ્રષ્ટ કર્યા છે.’

‘એ બદલો આપવાનું પ્રભુને સોંપો. અને તમે ધર્મભ્રષ્ટ થયા હો તો પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થાઓ.’

‘ફિરંગીઓના લોહીમાંથી જ એ શુદ્ધિ મળશે.’

‘આ પાદરીસાહેબ નિર્દોષ છે. નિર્દોષનાં લોહીમાંથી વિશુદ્ધિ જડશે નહિ.’

‘એ ગોરો છે એ એનો દોષ.’

‘નિર્દોષ ગોરાઓને મારી તમે રાજ્ય નહિ મેળવી શકો.’

‘પંડિતજી ! શી વાત કરો છો? રાજ્ય તો મળી ગયું. આજ આખા હિંદમાં ગોરો જીવતો નહિ રહે.’

‘તમારી ભૂલ થાય છે. ગૌરાને મારવાનો દિવસ હજી બે અઠવાડિયાં પછી આવે છે.’

‘વહેલી શરૂઆત થઈ ગઈ. કંપની સરકારનાં બધાં લશ્કરો આજ અમારાં બની ગયાં છે.’

‘જો રાજ્ય મળી ગયું. જો લશ્કર તમારાં બની ગયાં તો આવા એકલવાયા ફિરંગીઓને મારી શું કરશો?’

ટોળું જરા શાંત પડયું. રુદ્રદત્તની નિર્ભયતા અને તેમની દલીલ ઉશ્કેરાયેલા માનવસમૂહ ઉપર અસર કરતી દેખાઈ. તેમનું નામ તો અહીં પણ જાણીતું હતું. એટલે એમનો પ્રભાવ ટોળાને વિખેરી નાખે એમ લાગ્યું. ટોળા પાછળથી એક અવાજ આવ્યો :

‘પંડિતજી! આપ વચ્ચે ના પડશો. ફિરંગી એક એક લાખ માણસ જેટલો ભયંકર છે. એને રહેંસવો જ જોઈએ.’

‘કોણ એ બોલે છે? શંકર! અલ્યા તું આમાં ક્યાંથી?’

‘હું ગમે ત્યાંથી આમાં હોઈશ. આપ ફિરંગીઓને સાથ આપવો મૂકી દ્યો.’

‘અસહાય, અશસ્ત્ર સ્ત્રી અને બાળકને સદાય મારો સાથ છે.’

‘પંડિતજી! હું પગે લાગીને કહું છું કે એ નાગદેવતાઓને આપ રમતા મૂકો.’

‘નહિ તો?’

‘વિપરીત પરિણામ આવશે.’

‘એ પરિણામ ભલે આવે.’

‘બાપજી! ફરી કહું છું કે આપ બાજી ન બગાડો.’

‘તમારી બાજી બગડેલી છે.’

‘આપ એ શબ્દો બોલશો? આપનો તો વિપ્વલને આશીર્વાદ છે.’

‘જે વિપ્લવમાં તિથિતારીખ સચવાય નહિ એવી અધીરાઈ હોય, જે વિપ્લવમાં વેરઝેરથી બળી રહેલી વ્યક્તિઓના સ્વાર્થ સાધવાની તરકીબો હોય, જે વિપ્લવમાં કવાયતી લશ્કર સાથે બિનકવાયતી ગુંડા ભેગા ભળતા હોય એ વિપ્લવને મારો આશીર્વાદ નથી. સ્વાર્થી, ધ્યેય રહિત વિપ્લવ એ પરાળનો ભડકો છે; એ જાતે જ બળીને બુઝાઈ જશે.’

‘શું જુઓ છો? ધસો આગળ. એ વૃદ્ધની મતિ વૃદ્ધ બની છે.’ શંકર આગળ ધસી આવ્યો અને ઊછળીને બોલ્યો. તેનામાં કદી ન દીઠેલું ચાંચલ્ય આજ રુદ્રદત્તને દેખાયું. થોડા માણસો આગળ ધસવાનો દેખાવ કરવા લાગ્યા. ‘મારો, મારો!’ની ચીસો પાછી પડી રહી. ઓસરી ઉપરથી ત્ર્યંબકે ડાંગ ઊંચકી નીચે ઊતરવાનો મોરો કર્યો. રુદ્રદત્તે કહ્યું :

‘ત્ર્યંબક! શાંત થા.’

‘આવો મારી પાછળ; પંડિતજીને પકડો અને ગોરાઓને ઝબે કરો.’ શંકર બોલ્યો અને બે ડગલાં આગળ વધ્યો. રુદ્રદત્તની આંખમાં એકાએક વીજળી ચમકી. વર્ષોના પડ નીચે સંતાઈ-દબાઈ રહેલું ક્ષાત્રત્વ એક ક્ષણ ઝબકી ઊઠયું. શ્વેત કેશાવલિ સિંહની કેશાવલિ સરખી હાલી ઊઠી. શસ્ત્રરહિત વૃદ્ધ પરશુરામનાં સરખું તેમના અંગમાં ચાપલ્ય ફૂટી નીકળ્યું. તેમનો દેહ દૃઢ, ઊંચો અને હિમગિરી સરખો સર્વને દબાવતો હોય એવો ભયપ્રદ દેખાયો. તેમના મુખમાંથી ઘેરો નાદ સંભળાયો :

‘શંકર! હું જીવું છું ત્યાં સુધી આ અશસ્ત્રાોને હાથ અડાડવાની કોઈની મજાલ નથી.’

‘ત્યારે તમે જીવશો જ નહિ.’ એવા શંકરના શબ્દો પૂરા સંભળાયા પણ નહિ અને એક ચમકાવતો ધડાકો સાંભળી સહુ કોઈ થરથરી ઊઠયાં.

‘ૐ’નો રુદ્રદત્તે ઉચ્ચાર કર્યો. છાતી ઉપર એક હાથ મૂક્યો. અને કલ્યાણી તથા લ્યૂસીના હાથમાં તેઓ ઢળી પડયા. જાણે ઉષાની બેલડી ઉપર ધવલગિરિ ઢળ્યો.