ભાષા, સમાજ અને સાહિત્ય/ગુજરાતી ભાષામાં બહુવચનનાં પ્રત્યયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગુજરાતી ભાષામાં બહુવચનના પ્રત્યયો

ગુજરાતી ભાષામાં નામ અને વિશેષણ બે પ્રકારનાં મળે છે. સામાન્ય રીતે એવું વિધાન કરવામાં આવે છે કે કેટલાંક નામ અને વિશેષણ લિંગ અને વચનના પ્રત્યયો લે છે, જેમને વિકારી અથવા સપ્રત્યય (marked)*[1] નામો તથા વિશેષણો તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., નીચેની ત્રણ ઉક્તિઓ તપાસો :

૧. મોટા છોકરા
૨. લીલાં પાંદડાં
૩. કાળું કૂતરું.

આ ઉક્તિઓમાં મોટા, લીલાં, કાળું અને છોકરા, પાંદડાં, કૂતરું અનુક્રમે સપ્રત્યય વિશેષણ તથા નામો છે. કેટલાંક નામો તથા વિશેષણો લિંગવચનના પ્રત્યયો લેતાં નથી તે અવિકારી અથવા અપ્રત્યય (unmarked) નામો તથા વિશેષણો છે. અપ્રત્યય નામોનાં લિંગ અને વચનની ખબર વાક્યરચના ઉપરથી પડે છે. દા.ત., લાલ ઘર કે રાખોડી કબૂતર જેવી ઉક્તિઓમાં લાલ, રાખોડી તથા ઘર, કબૂતર અનુક્રમે અપ્રત્યય વિશેષણો તથા નામો છે. માત્ર આ ઉક્તિઓને આધારે ઘર કે કબૂતરનાં લિંગ વચનની ખબર પડે નહીં પણ ‘મેં લાલ ઘર જોયું/જોયાં' એમ વાક્ય પૂરું થયા પછી વાકચરચનાને આધારે તેનાં લિંગ અને વચનની ખબર પડે છે.

અહીં નામના વચનભેદમાં મુખ્ય ભાગ ભજવતા બ.વ.ના પ્રત્યયોની, અપ્રત્યય નામમાં બ.વ.નાં રૂપોમાં બ.વ.નો પ્રત્યય મુક્ત વિકલ્પે વપરાય છે કે કેમ તેની અને કેટલાંક ક્રિયારૂપોને લાગતા બ.વ.ના પ્રત્યયોની વિચારણા કરવાનો પ્રયત્ન કર્યો છે. અપ્રત્યય વિશેષણમાં એ.વ.નું રૂપ જ સર્વત્ર બ.વ. તરીકે વપરાતું હોવાથી અને સપ્રત્યય વિશેષણો, તેઓ જે નામનાં વિશેષણ તરીકે આવે છે તેનો લિંગ–વચનનો પ્રત્યય લેતાં હોય છે. તે કારણે તેઓનાં નિયમનોનાં વિધાનો સ્પષ્ટ હોવાથી તેની વિચારણા અહીં જરૂરી નથી. ગુજરાતી ભાષાનાં સપ્રત્યય નામોને નિબદ્ધ રૂપો તરીકે ઓળખાવી શકાય. તે નામેનાં અંગો (bases) હંમેશાં લિંગ–વચનના પ્રત્યયોની સાથે જ વાક્યરચનામાં પ્રવેશી શકે છે. તે અંગો વાક્યરચનામાં પ્રવેશતાં પહેલાં નીચે પ્રમાણેના પ્રત્યયો લે છે. એ પ્રક્રિયાને નીચેની આકૃતિથી સમજાવી શકાયઃ

Bhasha Samaj ane Sahitya Diagram 1.png
એટલે કે ‘છોકર' એ અંગ વાક્યરચનામાં પ્રવેશે તે પહેલાં એ.વ.સૂચક પું. નો ઓ. સ્ત્રી. નો ઈ અથવા નપું. નો ઉં પ્રત્યય લે છે. દા.ત. છોકરા અથવા છોકરી અથવા છોકરું આવ્યું, આ એ.વ. સૂચવતાં રૂપો વિકલ્પે વધારાનો બ.વ.સૂચક અથવા સામાન્યરૂપસૂચક ઓ પ્રત્યય લેતાં નથી. ‘છોકર' એ અંગ વાક્યરચનામાં પ્રવેશતી વખતે બ.વ. સૂચક પું. નો આ, સ્ત્રી. નો ઈ અથવા નપું. નો આં પ્રત્યય લે છે. આ પ્રત્યયો અંગને સામાન્યરૂ૫ (oblique form ) પણ બનાવે છે, દા.ત.

દસ છોકરા આવ્યા.
દસ છોકરી આવી.
દસ છોકરાં આવ્યાં,
મે છોકરાને ફળ આપ્યું.
મે છોકરીને ફળ આપ્યું.
મેં છોકરાંને ફળ આપ્યું.

આ બ.વ. સૂચક અથવા સામાન્યરૂપસૂચક રૂપો વિકલ્પે વધારાનો બ.વ. સૂચક અથવા સામાન્યરૂપસૂચક એ પ્રત્યય નીચેનાં સંદર્ભમાં લે છે :

૧. સ્ત્રીલિંગનાં નામોમાં ‘ઈ' પ્રત્યય જે વાક્યમાં બ.વ.સૂચક વિશેષણ હોય ત્યાં જ, બ.વ.ના પ્રત્યય તરીકે કાર્ય કરે છે. આવાં નામિક રૂપોમાં પણ વિકલ્પે બ.વ.સૂચક વધારાનો ‘ઓ’ પ્રત્યય મુક્ત રીતે આવે છે. દા.ત. દસ છોકરી/ છોકરીઓ આવી. વળી અન્યત્ર આ બ વ. સૂચક ઓ પ્રત્યય હમેશાં આવે છે. દા.ત. છોકરી–છોકરીઓ, પાટલી-પાટલીઓ, કાગડા-કાગડીઓ, ખાટલી-ખાટલીઓ વગેરે. ઓ ઉપરાંત અનુગો પહેલાં બ.વ.નું રૂપ દર્શાવવા પણ આ પ્રત્યય હંમેશા આવે છે. દા.ત., મેં છોકરી માટે ફળ આપ્યું અને મેં છોકરીઓ માટે ફળ આપ્યું. ૨. પુ. અને નપું. લિંગના નામોનાં બ.વ. દર્શક રૂપો એ.વ. તથા બ.વ. બંનેના સામાન્યરૂપ સૂચક રૂપો તરીકે વપરાય છે. એટલે વિભક્તિના પ્રત્યયો કે અનુગો પહેલાં તેમનાં એ.વ. તથા બ.વ.નો ભેદ ભૂંસાઈ જાય છે. દા. ત.,

૧. એક છોકરાને બોલાવ્યો.
૨. ઘણા છોકરાને બોલાવ્યા.

આ બંને વાક્યો જોતાં સમજાશે કે ‘છોકરા' એ સામાન્યરૂપમાં એ.વ. અને બ.વ.નો ભેદ ભૂંસાઈ ગયો છે. આ કારણે બ.વ.નાં રૂપોમાં વિભક્તિઓના પ્રત્યયો અથવા અનુગો પહેલાં તે બ.વ.નાં રૂપો છે એમ બતાવવા વળી પાછો બ.વ.નો પ્રત્યય ‘ઓ’ ઉમેરવામાં આવે છે. દા.ત., છોકરાઓ માટે, ઘેાડાઓએ, કૂતરાઓની, બકરાઓ વડે, પાટલાઓ ઉપર, મંકોડાઓથી—આ બધાં રૂપોમાં ‘આ/આં’ અને ‘ઓ' બ.વ.ના બે પ્રત્યય લાગ્યા છે. ૩. બ.વ.દર્શક ‘આ’ અને ‘ઓ' એમ બે પ્રત્યયો પું. નામનાં રૂપોને લાગે છે તેનું એક બીજું કારણ એ છે કે સંબોધનમાં એ.વ. દર્શાવવા માટે પણ બ.વ.નો ‘આ' પ્રત્યય ઉપયોગમાં લેવાય છે. દા.ત, એ છોકરા, એ ગધેડા વગેરે એ.વ.નાં રૂપો છે. આમાં બ.વ. સૂચવવા વળી પાછો ‘ઓ' પ્રત્યય લાગે છે. દા.ત.,એ છોકરાઓ, અવાજ નહીં. ગુજરાતી ભાષાનાં અપ્રત્યય (અવિકારી) નામોને મુક્તરૂપો તરીકે ઓળખાવી શકાય. તેનાં લિંગ-વચનની ખબર વાક્યરચના ઉપરથી પડે છે એ આપણે આગળ જોયું. લિંગની બાબતમાં આ વિધાન સંપૂર્ણપણે સાચું છે પણ વચનની બાબતમાં દરેક વખતે આમ હોતું નથી. બોલચાલમાં તથા લેખનમાં પણ વચનનો બોધ આખી વાક્યરચના ન હોય તોપણ થાય છે. દા.ત, તમે શું છપાવ્યું? અથવા તો તમે શું વાંચ્યું? એવા પ્રશ્નના ઉત્તરમાં ‘પુસ્તકો’ અથવા ‘લેખો’ એવી જ ઉક્તિઓ મળતી હોય છે તેમાંથી પણ તેના બ.વ.ની ખબર પડે છે. (સામાન્ય રીતે ‘મેં ઘણાં પુસ્તક વાંચ્યાં’ કે ‘ઘણા લેખ લખ્યા' એવાં વાક્યોના વપરાશમાં ‘પુસ્તક', ‘લેખ' એ અપ્રત્યય નામો છે પણ છતાં અહીં તેને બ.વ.નો પ્રત્યય લાગ્યો છે.) આમ હોવાથી અપ્રત્યય નામનાં વિકલ્પે પ્રયોજાતાં બ.વ.નાં રૂપોનાં નિયમનોનાં ચોક્કસ વિધાનોની આવશ્યકતા રહે છે. સામાન્ય માન્યતા એવી છે કે આ બધાં અપ્રત્યય નામોને બ.વ.નો ‘ઓ' પ્રત્યય વિકલ્પે લાગે છે. પરંતુ ખરેખર એમ નથી. કેટલાંક અપ્રત્યય નામોને બ.વ.નો પ્રત્યય ક્યાંય લાગતો નથી. કેટલાંક અપ્રત્યય નામોને બોલીભેદે બ.વ.નો પ્રત્યય ફરજિયાત લાગે છે.(એટલે કે બોલીભેદે તેઓ વચનની બાબતમાં સપ્રત્યય નામો હોય છે.) કેટલાંક અપ્રત્યય નામોને બ.વ.નો પ્રત્યય વિકલ્પે જવલ્લે જ લાગે છે. અપ્રત્યય નામોને બ.વ.ના વિકલ્પે લાગતા પ્રત્યય વિશેનાં નિયમનોનાં વિધાનો આ રીતે કરી શકાય.[2] ૧. મોટા ભાગનાં સંખ્યાવાચક વિશેષણ લાગી શકે તેવાં અપ્રત્યય નામોને બ.વ.નો પ્રત્યય વિકલ્પે લાગે છે. દા. ત., ‘દસ બાળક થયાં સુદામાને' બાળક/બાળકો, ‘મેં દસ લેખ/લેખો લખ્યા’ એ રીતે બંને રૂપો સરખા પ્રમાણમાં વપરાય છે. નામ, પુસ્તક, અર્થ, શબ્દ, ગ્રહ, ચિત્ર, સર્પ કે સાપ, વૃદ્ધ, ચોર, વૃક્ષ, ઉત્તર, મિત્ર, પત્ર, પોપટ, જોગી, અઘોરી, સાધુ, ડાકુ જેવાં અકારાંત, ઈકારાંત અને ઉકારાંત પું. નામો, ઢેલ, આંખ, પાંખ, ગાળ, શાળા જેવાં આકારાંત અને અકારાંત સ્ત્રીલિંગ નામો; વન, છછુંદર, હરણ, કબૂતર, બાળક, પુસ્તક, ગામ, શહેર, ઘર, લીંબુ, ચપ્પુ જેવાં અકારાંત અને ઉકારાંત નપું. નામોનો સમાવેશ આ પ્રકારનાં અપ્રત્યય નામોના વર્ગમાં થાય. (અહીં એક વસ્તુ નોંધવા જેવી છે કે ઉત્તર ગુજરાત તથા ચરોતરની બોલીઓમાં ઘર-ઘરાં, કબૂતર–કબૂતરાં, બોર-બોરાં, છછુંદર-છછુંદરાં, એમ નપું.ના બ.વ.નો પ્રત્યય ‘આં' ઘર–ઘરો, છછુંદર- છછુંદરો, કબૂતર–કબૂતરો એમ માન્ય ગુજ.માં વિકલ્પે લાગે છે તેમ નહીં પણ ફરજિયાત લાગે છે એટલે કે આ બોલીભેદે ઘર, કબૂતર, છછુંદર જેવાં નામો અપ્રત્યય નહીં પણ સપ્રત્યય ગણાશે. વળી ઘર, કબૂતર, છછુંદર જેવાં નામો નપું. લિંગનાં છે એટલે તેને નપું, બ.વ.નો પ્રત્યય ‘આં' લાગે છે—‘ઓ' નહીં એ જોતાં ઉત્તર ગુજ. તથા ચરોતરની બોલી આ બાબતમાં ભાષાના માળખાની સમતુલા વધારે સચવાતી દેખાય છે, ભાષા અને બોલી વચ્ચેના સંબંધોમાં શુદ્ધ-અશુદ્ધ અને હલકી-ઊંચીની કલ્પના કરનારાઓ માટે આ ઉદાહરણ નોંધવા જેવાં છે. ) ૨. કેટલાંક સંખ્યાવાચક અપ્રત્યય નામોને જવલ્લેજ બ.વ.નો પ્રત્યય વિકલ્પે લાગે છે. અથવા તો ક્યારેય લાગતો નથી. દા.ત., હાથ, નાથ, વર, કાન્ત, પતિ, નર, સાદ, માકણ, વાઘ, મોર, રીંછ, બોર જેવાં કેટલાંક નામોનો આ વર્ગમાં સમાવેશ થશે. જોકે ‘દ્રૌપદીને પાંચ પતિ/ પતિઓ હતા' એમ જવલ્લે ક્યારેક ‘ઓ’નો ઉપયોગ મળે છે ખરો. ૩. કેટલાંક સંખ્યાવાચક ન હોય છતાં જેના પ્રકાર ઘણા હોઈ શકે અને તેથી જેની ગણતરી શક્ય છે તેવાં ભાવવાચક અપ્રત્યય નામોને વિકલ્પે બ.વ.ના પ્રત્યય લાગે છે. દા.ત., અસર, વિદ્યા, કળા, અવાજ જેવાં નામો આ વર્ગમાં આવશે. ‘અવાજો આવતા હતા,' ‘અનેક વિદ્યા અને કળાઓમાં પારંગત થયો,' જેવાં વાક્યોમાં એ દેખાશે. ૪. જેમના પ્રકાર ઘણા હોતા નથી તેવાં બધાં ભાવવાચક અપ્રત્યય નામોને ક્યારેય બ.વ.નો પ્રત્યય વિકલ્પે લાગતો નથી. દા.ત., કૃપા, અક્કલ, અવજ્ઞા જેવાં નામો આ વર્ગમાં આવશે. એ સ્પષ્ટ છે કે આ પ્રકારનાં નામોનાં અંગ પોતે જ એ.વ.નો અર્થ ધરાવવાં હોઈ એમને લાગતો બ.વ.નો પ્રત્યય additive morph તરીકે ઓળખાય. કેટલાંક ક્રિયારૂપોને પણ બ.વ.નો પ્રત્યય લાગતો હોય છે ત્યાં પણ લિંગ અને વચનના પ્રત્યયો એકસાથે લાગે છે. એને વિશેનાં વિધાનો આ પ્રમાણે કરી શકાય :

૧. સંપૂર્ણ કે અપૂર્ણ ક્રિયાદર્શક કે ભૂ.કા.નું ક્રિયાપદ ધરાવતા જે વાક્યમાં અપ્રત્યય પુ. નામ ક્રિયાનાથ તરીકે હોય તે વાક્યનું ક્રિયારૂપ સામાન્ય રીતે બ.વ.નો ‘આ' પ્રત્યય બ.વ દર્શાવવા તથા માનાર્થે આવે છે. દા.ત., છોકરા આવ્યા. પ્રમુખ આવતા હતા. ર. જ્યારે વાક્યમાં ક્રિયાનાથ તરીકે સ્ત્રી. નામ હોય અને તે કોઈ એક જ સ્ત્રીને સૂચવતું હોય ત્યારે તેને માટે માનાર્થે અને એકથી વધુ સ્ત્રીઓનાં સંખ્યાવાચક નામ હોય ત્યારે તેમને માટે બ.વ.નો પ્રત્યય સંપૂર્ણ કે અપૂર્ણ ક્રિયાદર્શક કે ભૂ.કા.નું ક્રિયાપદ ધરાવતા વાક્યમાં વપરાય છે. આ પ્રત્યય સામાન્ય રીતે નપું.ના બ.વ.ના પ્રત્યય તરીકે વપરાતો ‘આ' પ્રત્યય હોય છે. દા.ત., મોટીબહેન આવ્યાં. મોટીબહેન આવતાં હતાં. સીતા, દ્રોપદી અને દમયંતી આવ્યાં. જ્યારે અન્યત્ર એ.વ. અને બ.વ.નો ભેદ કોઈ પણ પ્રત્યયથી સૂચવાતો નથી. દા.ત., ઘણી સ્ત્રીઓ આવી (બોલી- ભેદે આવો ભેદ સૂચવાય છે તે નોંધો દા.ત., ઘણી સ્ત્રીઓ ગઈઓ ) ૩. સંપૂર્ણ કે અપૂર્ણ ક્રિયાદર્શક કે ભૂ.કા.ના ક્રિપાપદો ધરાવતા જે વાક્યમાં નપુ.લિંગનું નામ (સપ્રત્યય કે અપ્રત્યય ) ક્રિયાનાથ તરીકે હોય તે વાક્યના ક્રિયાપદમાં બ.વ. દર્શાવવા જ માત્ર ‘આ' પ્રત્યય આવે છે. દા.ત., છે।કરાં આવ્યાં, છોકરા હતાં. અહીં ઉં અને આં એ એ.વ. અને બ.વ.ના ભેદકપ્રત્યયો ક્રિયારૂપોમાં નામની સમાંતર ચાલે છે. ૪. કેટલાંક વાક્યોમાં ક્રિયાનાથ કર્મ છે કે કર્તા તે બોલનારના ઈરાદા ઉપર આધારિત હોય છે. જો ક્રિયાનાથ કર્મ હોય તો કર્મના લિંગ–વચન પ્રમાણે અને કર્તા હોય તો કર્તાના લિંગ-વચન પ્રમાણે ક્રિયારૂપને લિંગ-વચનનો પ્રત્યય લાગે છે. દા.ત., ઉષા તો અમારી કૉલેજનું નાક હતી. અથવા ઉષા અમારી કૉલેજનું નાક હતું. તેણે લાકડીને રાજદંડ માન્યો. અથવા તેણે લાકડીને રાજદંડ માની. આવાં વાક્યોમાં ક્રિયાપદને કયા લિંગ–વચનનો પ્રત્યય લાગે છે તેના ઉપરથી બોલનાર કોને ક્રિયાનાથ ગણે છે તે સ્પષ્ટ થઈ શકે. આમ ગુજરાતી ભાષામાં એવ. અને બ.વ.નો ભેદ દર્શાવતા પ્રત્યયો લિંગ સાથે સંકળાઈને ચાલે છે અને ઉપર વર્ણવ્યાં તે પ્રમાણેનાં નિયમનોથી એની ઉપસ્થિતિને સમાવી શકાય છે. આ બાબતમાં પ્રાયોગિક રૂપે ભાષા-માપન કરી; ભાષકો વડે ઉચ્ચારાતાં વાક્યો એકઠાં કરી વ્યાપક રીતે તેની તપાસ થઈ શકે અને ઝીણવટ ભર્યું વર્ણન આ પાયા ઉપર થઈ શકે.


  1. *(છોકરો, ઘેાડો, વાંદરો વગેરેને મૂળરૂપ ન ગણીએ અને છોકરમત, ઘેાડદોડ અને વાંદરવેડામાં તે છે।કર, ઘોડ અને વાંદરરૂપે આવે છે (વાંદર રૂપ તો મુકત રૂપ તરીકે પણ વપરાય છે.) એટલે આ સંજ્ઞાઓને સંજ્ઞાનું મૂળરૂપ વત્તા લિંગવચનનો પ્રત્યયની બનેલી ગણીએ તો તેમને વિકારી સંજ્ઞાઓ ગણી શકાય નહીં. કારણકે સંજ્ઞાનું મૂળરૂપ તો છોકર, ઘેાડ કે વાંદર એવું જ સ્વીકારવામાં આવ્યું છે. આ દૃષ્ટિએ જોઇએ તો સંજ્ઞાને વિકારી-અધિકારી એવા વર્ગોમાં વહેંચવાને બદલે વધુ ચોકસાઈપૂર્વક જે સંજ્ઞાઓને લિંગવચનના પ્રત્યયો લાગે તે સપ્રત્યય અને જે સંજ્ઞાઓને એ પ્રત્યયો ન લાગે તે અપ્રત્યય એમ કહેવું જોઈએ.)
  2. *(મુ. ડૉ. ભાયાણીએ સૂચવ્યુ` હતું એમ પાંચછ નવલકથાઓ લઈ તેમાં પ્રયોજાયેલાં આવાં અપ્રત્યય નામોની લગભગ અશેષ યાદી કરી આવાં વિધાનો વધુ ચોક્કસ રીતે થઈ શકે.)