ભાષા, સમાજ અને સાહિત્ય/ભાષાવિજ્ઞાનના અગત્યના વિભાવો વિશે નોંધ
પરિશિષ્ટ : ૧
ભાષાવિજ્ઞાનના અગત્યના વિભાવો વિશે નોંધ:
(ભાષા વિશેનો વિચાર કરતી વખતે અર્થ(અર્થપરિવર્તન), અક્ષર, ધ્વનિ, ધ્વનિઘટક, રૂપધટક, વાક્ય, શ્રુતિચિત્ર (ધ્વનિપરિવર્તન) સૂર, સ્વરભાર જેવા પારિભાષિક શબ્દો વારંવાર વપરાય છે. ભાષાવિજ્ઞાનના અભ્યાસમાં વપરાતા આ વિભાવોની ઘણી અસ્પષ્ટતા આપણે ત્યાં હજુ પણ જોવા મળે છે. માત્ર સમજ આપવા માટે, એ લખાણ સાવ ટાંચણ જેવું લાગે એ ભય છતાં કેટલાક વિભાવો વિશે માત્ર નોંધ આપવાનો પ્રયાસ અહીં કર્યો છે. આ વિભાવોની ઠીક ઠીક માવજત આખું પુસ્તક રોકે અને અભ્યાસીઓએ એ માટે ભાષાવિજ્ઞાન અંગેનાં પુસ્તકો વાંચવાં જોઈએ છતાં અને ‘અભ્યાસીઓનું આળસ પોષવાની આ ચેષ્ટા' ગણાવાનો ભય છતાં એ આળસને કારણે અસ્પષ્ટતા ચાલુ ન રહે અને મહદ્દઅંશે સ્પષ્ટતા થાય એ માટે આ પ્રયાસ કર્યો છે. જો કે આ નોંધો ધીમે ધીમે, સમજી સમજીતે એકધ્યાન થઈને વાંચવી પડશે,)
અર્થ :
પહેલા લેખમાં જોયું તેમ અર્થ એ ભાષાની વ્યવસ્થાનો એક મહત્ત્વનો એકમ છે, તેના પર પુસ્તકો લખાયાં છે. તેનો અભ્યાસ કરનારી વિદ્યાશાખા semantics કહેવાય છે. આપણે કોઈ પણ શબ્દનો અર્થ જાણવો હોય તો તરત ‘કોશ’ જોવાના. દા.ત. ‘છક્કો' શબ્દનો અર્થ જાણવો હોય તો કોશમાં ‘છક્કો પું. [સં, षटक; प्रा. छक्क] છ ચિહ્નવાળું ગંજીફાનું પત્તું (૨) છ દાણાવાળો પાસો' એવો અર્થ આપ્યા પછી ‘છક્કો-પંજો, છકકો પંજો રમી જવો, છક્કા છૂટી જવા, છકકે પંજે દોઢસો' વગેરેના અર્થ આપ્યા છે. પરંતુ કોઈ વ્યક્તિને માટે કોઈએ ‘એ તો છક્કો છે' એવો પ્રયોગ કર્યો હોય તેનો અર્થ કોશમાંથી જડતો નથી. આવું કેમ બન્યું? કોશકારે ‘છક્કો'નો અર્થ ક્યાંથી આપ્યો? એ પ્રશ્નનો ઉત્તર કદાચ અમુક અર્થ કોશમાંથી કેમ નથી મળતો એના ઉત્તર તરફ અને એ ઉત્તરને આધારે અર્થ એટલે શું? તેના ઉત્તર તરફ આપણને દોરી જઈ શકે. કોશકારે ‘છક્કો’ શબ્દનો અર્થ શોધવા માટે એ શબ્દથી શું શું સૂચવાય છે તેની શોધ ચલાવી. એ શોધ ચલાવતાં દેખીતી રીતે એ કયા કયા વાક્યપ્રયોગમાં, કયા કયા વાસ્તવિક વપરાશના સંદર્ભમાં વપરાય છે તેની તપાસ સુધી જવું પડયું. એ તપાસ કરતાં કોશકારે કોશ રચ્યો ત્યારે જે જે વપરાશના સંદર્ભો હતા તેનો તેનો તેમાં સમાવેશ કર્યો. એ વખતે કોઈ છ આંગળી ધરાવતી વ્યક્તિ માટે ‘છક્કો' શબ્દ કદાચ ન પ્રયોજાતો હોય એટલે એ સંદર્ભોમાં એ શબ્દનો વપરાશ નોંધાયો નહીં. હવે કોશની નવી આવૃત્તિ થાય તેમાં એ અર્થ પણ સમાવી લેવામાં આવે. આમ અર્થ એટલે જે તે ભાષા પ્રયોગનો વાસ્તવિક સંદર્ભમાં વપરાશ. એ બધા સંદર્ભોનો સરવાળો એટલે અર્થ એવી લગભગ સર્વમાન્ય સમજૂતી ઉપર પણ ભાષાવિજ્ઞાનીઓ કામચલાઉ આવી શક્યા છે. આપણે જોયું એમ એ શબ્દપ્રયોગ કે ભાષાપ્રયોગ સતત, દરેક સમયે (અને એ રીતે એક જ ભાષાસમાજમાં દરેક સ્થળે) એક સરખા સંદર્ભોમાં વપરાતો હોય એમ ન બને, એના વપરાશના સંદર્ભો બદલાય એટલે એમાં પરિવર્તન આવ્યું એમ કહી શકાય. ક્યારેક સાદશ્ય–સરખાપણાને આધારે અથવા તો વિરોધને આધારે (મોટે ભાગે ટીખળ કે વિનોદમાં) સંદર્ભ બદલાય છે. ભાષામાં અસ્તિત્વમાં આવતાં અન્ય પરિવર્તનો માફક એ પણ સ્વીકારાય અને ફેલાય પછી પરંપરાથી તે દૃઢ બની જાય છે. કેટલીક વાર મૂળ સંદર્ભો પણ નવા અસ્તિત્વમાં આવેલા સંદર્ભોની સાથે સાથે સૂચવાતા રહે છે. આમ થતાં એ શબ્દથી સૂચવાતા સંદર્ભોનો વિસ્તાર વધે છે. દા.ત, ડાલ્ડા એ શબ્દ કોઈ એક કંપનીની બનાવટના વનસ્પતિ ઘી માટે વપરાતો પણ પછી કોઈ પણ કંપનીએ બનાવેલા વનસ્પતિ ઘી માટે એ વપરાતો થયો. આમ એના સંદર્ભો વિસ્તર્યાં. આને અર્થ વિસ્તારને નામે ઓળખાવાયું. તલમાંથી નીકળતા પ્રવાહી માટે શબ્દ વપરાતો તેલ આજે ઘણાં પ્રકારનાં તેલીબિયાંમાંથી નીકળતા પ્રવાહી માટે (અને જમીનમાંથી અને માણસનુંય) એ ‘તેલ’ શબ્દ વપરાય છે. જેને ગાંઠ (ગ્રંથિ) બાંધવામાં આવતી તે 'ગ્રંથ’ કહેવાતો કે ચામડા (પહેલવીમાં પોસ્તોક) પર લખાતું તે પુસ્તક કહેવાતું: આજે ગ્રંથ અને પુસ્તક ઘણા સંદર્ભોમાં વપરાય છે. એવુ જ પાંખ [હવે તો મકાનની પાંખ, પક્ષની પણ પાંખ (દા ત. સમાજવાદી પક્ષની ઉદ્દામવાદી પાંખ)] કે ગાડી જેવા શબ્દોનું. કેટલીક વાર નવા અસ્તિત્વમાં આવેલા સંદર્ભો જ રહે અને મૂળ સંદર્ભોમાંથી કોઈ પણ સંદર્ભમાં એ શબ્દ ન વપરાતો હોય. ગુરુમાંથી આવેલો ગોર, ઉદ્યમમાંથી થયેલો ઊજમ, ધનમમાંથી આવેલો ધણ (એ જમાનામાં ધણ એ જ મોટું ધન હતું) એનાં ઉદાહરણો ગણાય. કેટલીક વાર વ્યાપક સંદર્ભમાં વપરાતા શબ્દના વપરાશનું ક્ષેત્ર સીમિત થઈ જાય એવું પણ બને. ખાસ કરીને એ વ્યાપક સંદર્ભને વધુ ઝીણવટથી વર્ગીકૃત કરવાનું સામર્થ્ય માણસ કેળવતો જાય ત્યારે આવું થવાની શક્યતા વધારે. દા.ત. પહેલાં માટીમાં મળી જતા કોઈ પણ પ્રાણી માટે મૃગ શબ્દ વપરાતો કે ઝડપથી દોડતા પ્રાણી માટે અશ્વ શબ્દ વપરાતો, પછી એ માત્ર હરણ કે ઘેાડાના સંદર્ભ પૂરતો જ સીમિત રીતે વપરાતો થયો. બન્યું હોય એમ કે સૌથી ઝડપથી દોડતું પ્રાણી ઘેાડો જણાતો હોય અને બીજા પ્રાણીઓને એનાથી જુદા પડવાનું શક્ય બન્યું હોય તો એ સીમિત અર્થમાં એ વપરાવા માંડ્યો હોય. કોઈ પણ પહોંચ પહેલાં ‘રિસીપ્ટ' ગણાતી, પછી એ માત્ર રેલવેની પહોંચ પૂરતી ‘રસીદ' રૂપે વપરાવા માંડી હોય. આજે વળી ‘તમાચો મારવો’ના સંદર્ભમાં ‘એક એવી તો રસીદ કરી દીધી’ વપરાવા માંડ્યો છે. ટૂંકમાં શબ્દના વપરાશના સંદર્ભો બદલાય છે. એનું વર્ગીકરણ કરવા માટે એ સંદર્ભોમાં વધઘટ થાય છે કે એ સંદર્ભો સમૂળગા બદલાઈ જાય છે અથવા એ સંદર્ભોમાં ઉત્કર્ષ થાય છે (લખે તે લેખક કે કલમ ચલાવે તે કલમધર. પરંતુ આજે લેખક અને કલમધર સામાજિક મોભો ધરાવતી વ્યક્તિ માટે વપરાય છે) કે અપકર્ષ થાય છે [ પહેલાં મહારાજ, પંતજી (મુખ્ય માણસ), ભણેશ્રી, ટીકા જેવા શબ્દો મોભાદાર વ્યક્તિ કે પ્રવૃત્તિ માટે વપરાતા, હવે ઓછો મોભો ધરાવતી વ્યક્તિ કે પ્રવૃત્તિ માટે વપરાય છે ] એવી એવી પ્રયુક્તિઓ શોધાય છે. વળી એ અર્થો લક્ષણો અને વ્યંજનાથી બદલાય છે એવી સમજ આપવાનો પ્રયત્ન પણ થઈ શકે પરંતુ વાસ્તવમાં તો શબ્દોના પ્રયોગોના વપરાશના સંદર્ભો બદલાય છે એ બાબત સ્પષ્ટ હોવી જરૂરી છે અને તો અર્થનો અર્થ સ્પષ્ટ થઈ શકે.
અક્ષર
અભ્યાસી જ્યારે ભાષા સાંભળતો હોય ત્યારે વ્યંજનો અને સ્વરોને એક પછી એક એમ સાંભળતો નથી, પણ એકસાથે કેટલાક વ્યંજનો અને સ્વરોના સમૂહને સાંભળતો હોય છે. ફેફસાંમાંથી આવતી હવાના જથ્થાના એક ધક્કા સાથે ઉચ્ચારાતો ધ્વનિઓને સમૂહ, એકસાથે સંભળાય તેટલો ધ્વનિસમૂહ અક્ષરનું નિર્માણ કરે છે. જુદી જુદી ભાષામાં કેવા પ્રકારના ધ્વનિસમૂહ ઉચ્ચારી શકાય તેની વ્યવસ્થા જુદી જુદી હોઈ દરેક ભાષામાં અક્ષરનું બંધારણ જુદું જુદું મળવાનું. અક્ષરમાં સૌથી વધુ શ્રાવ્ય એમાંનો સ્વર હોય છે કારણ કે કોઈ પણ પ્રકારના અવરોધ વગર ઉચ્ચારાતો હોય છે. તેથી ઓછા શ્રાવ્ય અનુનાસિકો અને સાતત્યપૂર્ણ ધ્વનિઓ હોય છે. અક્ષરને અંતે આવતા (અને એની પછી કોઈ અક્ષર ન આવતા હોઈ, પછીના અક્ષરની શરૂઆતમાં ન આવતા) સ્પર્શધ્વનિઓ અશ્રાવ્ય હોય છે કારણ કે એ સંપૂર્ણ અવરોધથી નિર્માતા હોય છે. શ્રાવ્યતાનું સૌથી વધુ પ્રમાણ સ્વરો ધરાવતા હોવાથી સ્વરોને સામાન્ય રીતે શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરનારા તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક સાતત્યપૂર્ણ વ્યંજનો પણ શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરે ત્યારે વ્યંજનો શ્રાવ્ય (syllabic) છે એમ કહેવાય છે, દા. ત. અંગ્રેજી શબ્દ teblમાં teb એ એક અક્ષર છે અને bl એ બીજો પરંતુ bl માં l શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરે છે ને તેથી તે શ્રાવ્યવ્યંજન છે. અક્ષરની રચનામાં જો શ્રાવ્યતાની પરાકાષ્ઠા હોય તો તેની શરૂઆત પણ હોય અને અંત પણ હોય, એટલે કે દરેક અક્ષરને શ્રાવ્યતાની શરૂઆત (onset), પરાકાષ્ઠા (peak) અને અંત (coda) હોય છે. આ ત્રણે મળીને અક્ષર થાય છે, જો અક્ષર એકલો ઉચ્ચારાય તો તેની શ્રાવ્યતાના અંત પછી કશાનો ઉચ્ચાર હોતો નથી, પરંતુ જો તેના પછી તરત બીજો અક્ષર ઉચ્ચારાય તો પ્રથમ અક્ષરની શ્રાવ્યતાનો અંત બીજા અક્ષરની શરૂઆત બને છે. દેખીતી રીતે આપણે અક્ષરો છૂટક છૂટક ઉચ્ચારતા નથી પરંતુ શ્રેણીરૂપે ક્રમમાં ઉચ્ચારતા હોવાથી આમ બને છે. પ્રથમ અક્ષરની શ્રાવ્યતાનો અંત અને બીજા અક્ષરની શ્રાવ્યતાની શરૂઆતને જોડનારને ‘interlude' કહે છે. એ ઉદાહરણનો ‘b’ અને અક્ષરને જોડનાર (interlude) છે. જો અક્ષરનો અંત સ્પર્શવ્યંજનથી આવતો હોય તો તે અંત સંભળાતો નથી માટે એને બંધ અક્ષર (close) કે (checked syllable) કહે છે, અને જો અક્ષરની શ્રાવ્યતાનો અંત સ્પર્શ સિવાયના અન્ય વ્યંજનથી આવે તો તેનો અંત સંભળાય છે માટે એને ખુલ્લો કે વિસ્તૃત અક્ષર (open syllable) કહે છે. ગુજરાતીમાં ‘બા' એ ખુલ્લો અક્ષર છે. પણ ‘પાપ’ એ બંધ અક્ષર છે.
ધ્વનિ:
શક્તિ (energy)ને કોઈક માધ્યમમાં ઓછામાં ઓછાં અમુક અને વધુમાં વધુ અમુક કક્ષાનાં આંદોલનરૂપે પરિવર્તિત કરવામાં આવે તો સામાન્ય માનવકાન એ આંદોલનોને સાંભળી શકે છે. સાદી રીતે એમ કહેવાય કે સાંભળી શકાય તેવાં આંદોલનો તે ધ્વનિ. હવા ધ્વનિનાં આંદોલનોનું સર્વવ્યાપક અને સ્વાભાવિક માધ્યમ છે. આમ તો હવા પોતે આંદોલનોરૂપે જ ચારે બાજુ અસ્તિત્વ ધરાવતી હોય છે પણ એ આંદોલનોને આપણે કાન ગ્રહણ કરી શકતો નથી, સાંભળી શકતો નથી તેથી તેને ધ્વનિ કહેતા નથી. એ જ હવા જ્યારે કાન સાંભળી શકે તેવાં આંદોલનો રૂપે અસ્તિત્વ ધરાવે ત્યારે તેને ધ્વનિ કહે છે. આપણાં ફેફસાંમાંથી આવતી અને જતી હવા આંદોલન રૂપે અસ્તિત્વ ધરાવતી હોય છે. આપણે જરા ઝડપથી અથવા તો ઊંડા શ્વાસ લઈશું તો આંદોલનો તીવ્ર થતાં આપણને તે ધ્વનિરૂપે સંભળાશે. ઉદરપટલની મદદથી ફેફસાં ઈચ્છા પ્રમાણેનું આકુંચન-પ્રસરણ કરી શકે છે. ફેફસાં વાદળી જેવો (બસની ગાદીમાં કે ડનલોપીલોના અંદરના ભાગમાં આવતા પોચા પદાર્થ જેવો) પોચો (spongy) પદાર્થ છે જેમાં અનેક રક્તવાહિનીઓ ફેલાયેલી છે. તે હાડકાંના સુરક્ષિત પિંજરામાં ગોઠવાયેલાં છે. શ્વાસ લેતાં જ આ પોચા પદાર્થમાં એ હવા ફેલાઈ જાય છે અને એ પ્રસરે છે. ત્યાંની પ્રક્રિયા પૂરી થતાં ઉદરપટલની મદદથી એ સંકોચાય છે અને હવા બહાર આવે છે. ફેફસાં ઝડપથી કે ધીમેથી સંકોચાઈને હવાને વિવિધ પ્રકારનાં દબાણથી બહાર મોકલી શકે છે. ફેફસાંમાંથી આવતી હવા જેટલા વધુ દબાણથી બહાર આવે તેટલી વધુ ઝડપથી નાદતંત્રીઓને કંપાયમાન કરે અને આંદોલનો વધુ તીવ્રતાથી અને ઝડપથી ફેલાય તેથી મોટો ધ્વનિ નિષ્પન્ન થાય છે. ધ્વનિ મોટો છે કે ધીમો તેનો આધાર ફેફસાંમાંથી આવતી હવાના દબાણ ઉપર હોય છે. આ જ કારણે નબળાં ફેફસાં ધરાવતા અથવા એક જ ફેફસું ધરાવતા બહુ મોટેથી બોલી શકતા નથી અને વધુ બોલતાં હાંફી- થાકી જાય છે. ફેફસાંમાંથી આવતી હવા શ્વાસનળીના મુખ ઉપર આવેલા લેરિન્ક્સ નામના અવયવમાં ગોઠવાયેલી ઝીણી ઝીણી રબ્બરની પટ્ટીઓ જેવી નાદતંત્રીઓને કંપાવે છે. એ કંપની અમુક કક્ષા હવાને ધ્વનિનાં આંદોલનોરૂપે જન્મ આપે છે (એટલે કે શ્રાવ્ય બનાવે છે) એ કં૫ પ્રમાણમાં સામાન્ય કે અલ્પ હોય તો નાદતંત્રીઓને અકંપ ગણીએ છીએ અને એવા અલ્પકંપ સાથે નિર્માતા ધ્વનિને અઘોષ ગણીએ છીએ. નાદતંત્રીઓ પ્રમાણમાં વધુ કંપે ત્યારે સકંપ સ્થિતિ ગણીને નીપજતા ધ્વનિઓ ઘોષ ગણીએ છીએ. નાદતંત્રીઓ કંપતી વખતે પોતે જ્યાં ચોંટેલી હોય તે ધરીની આસપાસ આવર્તન લેતી હોય છે. ક્યારેક અડધાં આવર્તનોથી તે કંપે અને જે ધ્વનિ નિષ્પન્ન થાય તેને મર્મર ધ્વનિ કહે છે. નાદતંત્રીઓ જ્યાં ચોંટેલી હોય છે ત્યાં એકબીજીની વચ્ચે ઝીણાં છીદ્રો હોય છે. નાદતંત્રીઓ વચ્ચેથી સખત રીતે બંધ થાય અને હવાનું દબાણ પેલાં છીદ્રો ખોલી નાખે તો એ છીદ્રો પાસેનો નાદતંત્રીઓનો ભાગ કંપે અને ફુસફુસાહટ કે વ્હીસ્પર ધ્વનિઓ નીપજે. કાનમાં વાત કહેતી વખતે આપણે વ્હીસ્પર ધ્વનિઓ વાપરીએ છીએ. દેખીતી રીતે વ્હીપર ધ્વનિઓ પણ ઘોષ, અઘોષ અને મર્મર હોઈ શકે. નાદતંત્રીને કપાવીને ધ્વનિના રૂપમાં બહાર આવેલું વાયુમોજું મુખપથમાંથી અને નાસિકાપથમાંથી બહાર નીકળી શકે. નાસિકાપથના અંદરના દ્વાર પાસે પડજીભ નામનો અવયવ છે તે પથને અંદરથી બંધ કરી શકે છે અને વાયુમોજાને નાસિકાપથમાંથી નીકળતું અટકાવે છે. નાસિકાપથ બંધ હોય ત્યારે મોજું મુખપથમાંથી સંપૂર્ણપણે કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે અને વ્યંજન ધ્વનિ નીપજે છે. ક્યારેક તે મુખપથનાં પોલાણોમાં માત્ર આંદેાલિત થઈને (ક્યાંય સંપૂર્ણપણે કે આંશિક રીતે અવરોધાયા વિના) બહાર આવે ત્યારે નીપજતા ધ્વનિને સ્વર નામ અપાય છે. જીભનો કોઈ એક ભાગ મુખપથમાં ઊંચો-નીચો જઈને તથા હોઠ પોતાનો આકાર બદલીને મુખપથનાં પોલાણોના વિવિધ આકાર નીર્મી શકે છે. સગવડ ખાતર એવાં નવ પ્રકારનાં, બાર પ્રકારનાં, અઢાર પ્રકારનાં એમ વિવિધ પ્રકારનાં પોલાણો કલ્પીને જીભનો કયો ભાગ, મુખપથમાં કેટલો ઊંચો થયો હતો અને તે સમયે હોઠનો આકાર કેવો હતો તેનું વર્ણન કરીને સાપેક્ષ રીતે સ્વરનું વર્ગીકરણ-વર્ણન કરવામાં આવે છે. વર્ણનની સગવડ ખાતર મુખપ્રથમાં જન્મ અને હોઠ જેવા સ્થિતિસ્થાપક અને જડબા સાથે સંકળાયેલા તેથી હલનચલન કરી શકતા અવયવો ઉચ્ચારણ અંગો તરીકે, ઉપરના હોઠ, દાંત, દંતમૂલ, વર્ત્સ, તાળવું, પોચુ તાળવું, ફેરિન્ક્સ જેવા પ્રમાણમાં સ્થિર રહેતા અને તેથી ઉચ્ચારણ સ્થાન ગણાતા અવયવો પાસે જઈને હવાને સંપૂર્ણપણે કે આંશિક રીતે અપરાધીને ધ્વનિરૂપે પરિવર્તિત થયેલાં વાયુમોજાંને વિવિધ આકારમાં ઢાળે છે. તે વિવિધ આકારમાં ઢળાયેલાં વાયુમોજાને કયા ઉચ્ચારણ અંગે, કયા ઉચ્ચારણ સ્થાન પાસે જઈને કઈ રીતે એ આકારમાં ઢાળ્યું તે પરિભાષામાં વર્ણવીને જુદા જુદા વર્ગોમાં વહેંચી શકાય છે અને સાપેક્ષ રીતે આ ધ્વનિથી તે ધ્વનિ જુદો એમ ઓળખી શકાય છે. સગવડ ખાતર જેમને સ્વરો કે વ્યંજનો તરીકે ઓળખ્યા તેમના નિર્માણ વખતે પડજીભ નાસિકાપથનું દ્વાર બંધ ન કરે અને વાયુમોજું નાસિકાપથમાંથી પણ પસાર થઈને મુખપથમાંથી બહાર આવતા વાયુમોજાં સાથે (ક્ષણાર્ધ વહેલું પણ) બહાર આવે ત્યારે નીપજતા ધ્વનિઓને અનુનાસિક ધ્વનિઓ કહે છે. વળી તેના અનુનાસિક સ્વરો અને વ્યંજનો એવા વર્ગો કરી શકાય. ધ્વનિઓનું આ ઉચ્ચારણમૂલક વર્ગીકરણ ગણાય જે ઘણું પ્રચારમાં છે. ધ્વનિ નિષ્પન્ન થાય પછી એ વાયુમોજાંના આંદોલનરૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે. જુદી જુદી રીતે નિષ્પન્ન થયેલાં વાયુમોજાં જુદા જુદા આંદોલનરૂપે અસ્તિત્વ ધરાવતાં હોય છે. આ આંદાલનોનો પ્રકાર તપાસીને પણ કયાં આંદોલનો, અન્ય કયાં આંદોલનોથી જુદાં પડે તે વર્ણવીને ધ્વનિના ભિન્ન ભિન્ન પ્રકારોને વર્ણવી શકાય. આ વર્ણન ગાણિતિક ચોકસાઈ ધરાવતું હોય છતાં એ તપાસ માટે ગણિત અને ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ જરૂરી બને. ભૌતિકવિજ્ઞાનની એકુસ્ટીકસ વિદ્યાશાખા ધ્વનિનો આ રીતે અભ્યાસ કરે છે. વાયુમોજાંના આંદોલનરૂપે ધ્વનિ અસ્તિત્વ ધરાવે છે અને શ્રાવ્ય બને છે. જુદાં જુદાં આંદોલન જુદી જુદી રીતે સંભળાતાં હોઈ, એ જુદી જુદી સાંભળવાની પ્રક્રિયાને વર્ણવીને પણ ધ્વનિનું વર્ગીકરણ-વર્ણન થઈ શકે, જેને શ્રવણમૃલક વર્ગીકરણ-વર્ણન કહે છે. આ વર્ણન કરવા માટે કાનની રચનાની સંપૂર્ણ માહિતી જાણવી પડે તેથી એ ઘણું ઓછું પ્રચારમાં છે.
ધ્વનિઘટક :
ભાષાની રચના અથવા વ્યવસ્થામાં ઉપયોગમાં લેવાતો ધ્વનિ, અન્ય આવા ધ્વનિઓની અપેક્ષામાં અરસપરસના ભેદકત્વની વ્યવસ્થા રચે છે; એટલે કે પછી એ ચોક્કસ વ્યવસ્થાના એક ભાગ તરીકે, એકમ તરીકે કે ઘટક તરીકે કામગીરી બજાવે છે. આમ કોઈ એક ચોક્કસ ભાષાની વ્યવસ્થાના ભાગરૂપે જે ધ્વનિ કામગીરી બજાવતો હોય તેને ધ્વનિઘટક એવું નામ આપવામાં આવે છે. અમુક ધ્વનિ જે તે ભાષામાં કામગરી બજાવે છે તે કઈ રીતે જાણવું? ધ્વનિની કામગીરી પરસ્પરની વ્યવસ્થા રચીને અવગમન સાધવાની છે. ધ્વનિ પરસ્પરની વ્યવસ્થા કઈ રીતે રચે છે? ‘આ બાળ છે' એમ દસ વખત બોલીએ તો એક જ બાબતનો અર્થબોધ થાય છે. પણ માત્ર “બ” ને સ્થાને ‘પ', ‘વ', ‘મ’, ‘ન', ‘દ', ‘ડ', 'શ', ‘૨', ‘ક', ‘ગ' વગેરેમાંનો ગમે તે ધ્વનિ મૂકીએ તો જુદી જુદી બાબતોનો કે હકીકતોનો અર્થબોધ ગુજરાતી ભાષકને થાય છે. ગુજરાતી ભાષામાં ‘૫' એ બ, વ, મ, ન, દ, ડ, શ, ર, ક, ગ, વગેરે ધ્વનિઓ સાથે પરસ્પરની વ્યવસ્થા રચે છે જેની મદદથી ગુજરાતી ભાષક અવગમન કરી શકે છે. એટલે કે ગુજરાતી ભાષાની વ્યવસ્થાના આ બધા એકમ કે ઘટક છે. પણ અર્થબોધ તો ચિત્તમાં થાય છે અને આ અર્થબોધની ભિન્નતા ‘પ’ને કારણે છે કે ‘વ'ને કારણે છે તેની સમજણ ચિત્તમાં સ્પષ્ટ થતી હોય છે. વળી દરેક 'પ’ને એક જ ‘પ' તરીકે સમજવામાં આવે છે. જુદાં જુદાં ઉચ્ચારણોને આ એક તરીકે સમજવા તેને ધ્વનિઘટકની સમજ કહી શકાય. એટલે ભૌતિક રીતે જુદા જુદા ઉચ્ચારાતા ધ્વનિઓનો અમુક સમૂહ ધ્વનિ તરીકેની કામગીરી બજાવે છે તેવી સમજને ધ્વનિઘટક કહી શકાય. આ સમજ ચિત્તમાં સ્પષ્ટ થતી હોઈ ધ્વનિઘટક એ એક અમૂર્ત વિભાવ થયો. તાત્ત્વિક રીતે એ કોઈ ભૌતિક ધ્વનિ કે ધ્વનિસમૂહની મદદથી મૂર્ત થાય છે અથવા અસ્તિત્વ ધરાવે છે. એટલે ટૂંકાણમાં એમ કહી શકાય કે જે તે ભાષાના ભાષકના ચિત્તમાં ભાષાની વ્યવસ્થામાં ઉપયોગી થતા ધ્વનિસમૂહને એક તરીકે ઓળખવાની સમજ કે જે અમૂર્ત વિભાવ તરીકે હોય છે તેને ધ્વનિઘટક કહે છે. તે ભૌતિક ધ્વનિરૂપે આવિર્ભાવ પામે છે અને એક કરતાં વધુ ધ્વનિરૂપે જ્યારે એ આવિર્ભાવ પામે ત્યારે ભાષામાં પ્રમાણમાં વારંવાર વપરાતા ધ્વનિને સગવડ ખાતર ધ્વનિઘટક તરીકે રવીકારી અન્ય ધ્વનિઓને ઉપધ્વનિઘટકો કહીએ છીએ. વાસ્તવમાં ધ્વનિ જ અમુક સ્તર ઉપર ધ્વનિઘટક હોય છે અને એ ધ્વનિને અમુક સ્તર ઉપર ઉપધ્વનિઘટક કહેવામાં આવે છે.
રૂપઘટકઃ
ઉચ્ચારણગત રીતે સંપૂર્ણ કે આંશિક સરખાપણું ધરાવતુ પરંતુ અર્થની દૃષ્ટિએ ભિન્ન એવું અને તે જે ધ્વનિ–શ્રેણીમાં મૂર્ત થતું હોય તેના પછી વધુ નાના અર્થ સહિતના વિભાગ ન થઈ શકે તેવું જે ભાષા-રૂપ હોય છે તેને વર્ણનની સગવડ ખાતર રૂપઘટક કહે છે. દા.ત. ગુજરાતી ભાષામાં ‘મોર' એ ધ્વનિશ્રેણીમાં માત્ર એક રૂપઘટક રજૂ અથવા મૂર્ત થાય છે, જ્યારે ‘મોરલો’એ ધ્વનિશ્રેણીમાં મોર –લ-અને –ઓ એમ ત્રણ રૂપઘટકો રજૂ થાય છે. આ ઉદાહરણોમાં ‘મોર’એ ધ્વનિશ્રેણીના વધુ નાના અર્થ સહિતના વિભાગ ગુજરાતીમાં થતા નથી માટે મોર એ એક રૂપઘટક છે; પરંતુ ‘મોરલો' એ ધ્વનિશ્રેણીના વધુ નાના અર્થ સહિતના વિભાગ શક્ય છે. માટે મોરલો એ એક રૂપઘટક નથી. પણ અર્થસહિતના જેટલા નાના વિભાગો આ ધ્વનિશ્રેણીના શક્ય છે તે બધા જ (મોર-લ-અને-ઓ) વિભાગો રૂપઘટક કહેવાય. ઉપરછલ્લી રીતે મોરલો અને મોરનો એક જ અર્થ થાય છે અથવા અર્થની દૃષ્ટિએ આ બન્ને ધ્વનિશ્રેણીઓ ભિન્ન નથી એવું લાગે છે પરંતુ ‘મોરલો’માંથી ‘મોર' એ ધ્વનિશ્રેણીને બાદ કરતાં જે—લો—રહે છે એમાંનાં -લ-અને -ઓ એ બન્ને ભાષારૂપોનો ભિન્ન અર્થ છે જે ‘મોર' એ ભાષારૂપની સાથે જોડાતાં તેના અર્થમાં ઉમેરો કરે છે. આમ રૂપઘટક તે ભાષામાં વપરાતો અર્થનો એકમ કે ઘટક હોય છે, જે કોઈક ધ્વનિશ્રેણી દ્વારા, અથવા ધ્વનિશ્રેણીરૂપે મૂર્ત કે રજૂ થાય છે. જે ધ્વનિશ્રેણી દ્વારા કે રૂપે રૂપઘટક મૂર્ત કે રજૂ થતું હોય તે ધ્વનિશ્રેણીને રૂપ (morph) કહે છે. આનો અર્થ એ થયો કે જે ઉચ્ચારાય છે અને સંભળાય છે તે તો ધ્વનિશ્રેણી અથવા રૂપ હોય છે. રૂપઘટક એ દ્વારા કે રૂપે રજૂ થાય છે અને શ્રોતા સંભળાયેલાં રૂપોમાંથી તેને તારવે છે. એટલે કે રૂપઘટક ભાષક અને શ્રોતાના ચિત્તમાં હોય છે જેથી તેને અમૃર્ત કહેવાય. હવે, દરેક વખતે એકનો એક રૂપક એકના એક રૂપ દ્વારા રૂપમાં મૂર્ત થાય એવું નથી હોતું. કેટલીક વાર તે એક કરતાં વધુ રૂપોમાં પણ રજૂ થાય અને તે દરેક રૂપની ઉપસ્થિતિ ભાષાવ્યવસ્થામાં નિયત હોય છે. દા.ત. જગતપિતા, જગદ્ગુરુ, જગન્નાથ, જગજ્જનની, આ જુદી જુદી ભાષાવ્યવસ્થામાં જગત એ જ ધ્વનિશ્રેણીમાં જગત એ રૂપઘટક મૂર્ત થતો નથી પણ ક્યાંક જગદ્ રૂપે, ક્યાંક જગન્ રૂપે, ક્યાંક જગજ્ રૂપે રજૂ થાય છે તો એકનો એક રૂપઘટક જુદે જુદે રૂપે રજૂ થતો હોય ત્યારે આવાં જુદાં જુદાં રૂપોને ઉપરૂપઘટક (allomorph) કહે છે. આપણે ઉપર જોયાં એ બન્ને પ્રકારનાં ઉદાહરણોમાં (મોરલો અને જગતપિતા ) મોર અને જગત જેવાં રૂપો સ્વતંત્ર રીતે વાપરી શકાય છે. દા.ત. તમે શું જોયું?-ના ઉત્તરમાં માત્ર મોર કે જગત એવું રૂપ વાપરી શકાય પરંતુ –લ- કે –ઓ અથવા જગદ્ કે જગજ્ વાપરી શકાશે નહીં. -લ– કે –ઓ અથવા જગદ્-જેવાં રૂપો અન્ય રૂપોની સાથે નિબદ્ધ થઈને જ ભાષાવ્યવસ્થામાં આવતાં હોવાથી તેમને નિબદ્ધરૂપો (bound forms) કહે છે, જ્યારે મોર કે જગત જેવાં રૂપો ભાષાવ્યવસ્થામાં મુક્ત રીતે કે સ્વતંત્ર રીતે (કોઈ અન્ય રૂપની મદદ વિના) અર્થસહિત આવી શકતાં હોવાથી તેમને મુક્તરૂપો (free forms કે free-morphs) કહે છે. મોટા ભાગના અભ્યાસીઓ મુક્ત રૂપઘટકો (free morphemes) અને નિબદ્ધ રૂપઘટકો (bound morphemes) એવા શબ્દપ્રયોગો સગવડ ખાતર વ્યાપક અર્થમાં વાપરે છે. પણ ઝીણવટથી જોતાં મુક્ત કે નિબદ્ધ એવું વિશેષણ રૂપઘટકને લગાડી શકાય નહીં, કારણ કે રૂપઘટક બોલાતાં પણ નથી ને સંભળાતાં પણ નથી. બોલાતાં અને સંભળાતાં હોય તે તો રૂપો હોય છે. આજ કારણે એકનો એક રૂપઘટક અમુક રૂપમાં મૂર્ત થાય ત્યારે તે મુક્ત હોય છે (દા.ત. જગત), અને અન્ય અમુક રૂપમાં મૂર્ત થાય ત્યારે નિબદ્ હોય છે. દા.ત. જગદ્,જગજ્ વગેરે. એવું બને ખરું કે કોઈ રૂપઘટક જે કોઈ રૂપોમાં મૂર્ત થતો હોય તે બધાં રૂપો નિબદ્ધ હોય. સામાન્ય રીતે આવાં નિબદ્ધ રૂપો ભાષામાં પ્રત્યયરૂપે આવતાં હોય છે એટલે ભાષામાં વપરાતા પ્રત્યયોને નિબદ્ધ રૂપઘટકો (નિબદ્ધ રૂપો) કહે છે. આ રૂપો ભાષામાં કેવી કામગીરી બજાવે છે તેને આધારે પણ તેના વર્ગો પાડી શકાય. સામાન્ય રીતે મુક્ત રૂપો કોઈ મૂર્ત કે અમૂર્ત પદાર્થ, વિભાવ વગેરેનો અર્થ રજૂ કરતાં હોઈ તેઓ contentives કહેવાય છે. કેટલાંક નિબદ્ધ રૂપો (છોકર, ઘેાડ જેવાં) પણ અર્થ વ્યક્ત કરે છે પરંતુ કેટલાંક રૂપો માત્ર વ્યાકરણી કામગીરી બજાવતા હોય છે. તેઓ વાક્યમાં પ્રવેશતાં રૂપોના પરસ્પરના સંબંધો જોડી આપવાની કામગીરી (function) બજાવે છે. વાક્યની બહાર એમનો કોઇ કોશગત અર્થ હોતો નથી. આવાં રૂપોને પ્રત્યયો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ વાક્યમાં પ્રવેશતાં રૂપોની આગળ, પાછળ કે વચ્ચે જોડાઈ શકે છે, જે રૂપોને આ પ્રત્યયો લાગે છે તેમને મૂળરૂપો, અંગો અને ધાતુઓ પણ કહે છે.
વાક્ય :
“શબ્દોનો એવો સમૂહ જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય તે વાક્ય”1[1] અથવા તો “કોઈ સંપૂર્ણ અર્થ ધરાવતી ઉક્તિ તે વાક્ય’’ અથવા તો “સંપૂર્ણ અર્થ ધરાવતો, બે ખાલી જગ્યાઓની વચમાં ઉચ્ચારાયેલો શબ્દસમૂહ તે વાક્ય”. આ “સંપૂર્ણ અર્થ” શોધી શી રીતે શકાય? “આ ઘેાડો છે.” એ વાક્યમાં સંપૂર્ણ અર્થ છે? એ કોનો ઘેાડો છે તે જાણવું આવશ્યક છે ખરું? અથવા તો એ પણ જાણવું શું જરૂરી છે કે તે કાળો, ધોળો, લાલ કે કેસરી રંગનો છે? વળી તેને બગીએ જોડવામાં આવે છે કે ઘોડેસ્વારી માટે જ ઉપયોગમાં લેવાય છે? અને આવા અનેક પ્રશ્નો. તો “સંપૂર્ણ અર્થ” જાણવા કે શોધવા કેટલું જરૂરી ગણાય? અર્થની સંપૂર્ણતા કે અપૂર્ણતા એ તો સમગ્ર રીતે બોલનારના આશય કે વિચાર ઉપર આધારિત છે. “સંપૂર્ણ અર્થ” ધરાવતા વાક્ય માટે આટલું જ આવશ્યક હોય કે એમાં જેને વિશે કશું કહેવાયું છે તેવો કર્તા હોય છે અને એ કર્તા વિશે કંઈક કહેતું હોય તેવું ઓછામાં ઓછું એક ક્રિયાપદ હોય છે તો આપણી ભાષાઓની ઘણી ઉક્તિઓ વાક્ય બને છે.
આ ઉપરથી એટલું તો સ્પષ્ટ થઈ શકે કે મોટા ભાગના વ્યાકરણકારોએ એમ માન્યું છે કે વાક્ય અર્થ ધરાવે છે અને એ રીતે વિચારોને ગ્રાહ્ય કરે છે અથવા રજૂ કરે છે. પણ વાક્યનું રહસ્ય શોધવાના આ બધા પ્રયત્નોએ આપણને કોઈ કાર્યપૂર્ણ કે કામયાબ માનદંડ પૂરો પાડ્યો નથી. આનું કારણ એ છે કે ઉક્તિ2[2] સ્વતંત્ર વાક્ય તરીકે બોલાય છે કે એક વાક્યના ભાગ તરીકે બોલાય છે તે, તેનો અર્થ જ નહીં પરંતુ તેનું સ્વરૂપ પણ નક્કી કરે છે. દા.ત., ‘આ મારી બા છે' એ ઉક્તિ અમુક સંદર્ભમાં વાક્ય છે અને “તમને જયેન્દ્રએ કહ્યું નથી કે આ મારી બા છે ?” એ વાક્યમાં “મારી બા છે” એ ઉક્તિ વાક્યનો એક ભાગ છે. દરેક ભાષાની તેની ઉક્તિઓની ગોઠવણીની સ્વરૂપગત સ્પષ્ટ વ્યવસ્થા હોય છે.
રૂપાંતરણીય અભિગમના અભ્યાસીઓ જેકોબ અને રોઝનબામ વાક્યોને ‘structured strings of words' તરીકે ઓળખાવે છે. ‘સ્ટ્રકચર' અગત્યનો શબ્દ છે. રચનાબદ્ધ અથવા માળખાબદ્ધ એવી શ્રેણી એટલે શું? ‘બિલાડી લીલી લાડુ શેકે' એ ગુજરાતી ભાષાના શબ્દોની શ્રેણી છે પણ રચનાબદ્ધ નથી. ‘લીલી બિલાડી લાડુ શેકે' એમ કહીએ તો એના બાહ્ય સ્વરૂપની કે પદક્રમની રચના બરાબર છે પણ તેના અર્થની રચના બરાબર નથી એટલે કે ‘લીલી અને બિલાડી' કે ‘લાડુ અને શેકાય' કે ‘બિલાડી અને લાડુ શેકે’ એવા શબ્દો પદક્રમની દૃષ્ટિએ રચનામાં પ્રવેશતા હોય તો પણ અર્થની દૃષ્ટિએ ગુજરાતી ભાષકને મન એ રચના થતી નથી. કયા કયા શબ્દો, કયા કયા પ્રકારની રચનામાં પ્રવેશવાને લાયક બની શકે છે તેના નિયમો ભાષા હાંસલ કરતી વખતે ભાષકે તારવ્યા હોય છે અને એ નિયમોનું વર્ણન કરવું એટલે કે તળભાષકની ભાષાસૂઝનું વર્ણન કરવું એટલે તે ભાષાનું વ્યાકરણ વર્ણવવું એમ કહી શકાય.
સૂરઃ
બોલતી વખતે સામાન્ય રીતે નાદતંત્રીઓ કંપાયમાન થતી હોય છે. નાદતંત્રીઓનો કંપ તે કેટલી તંગ છે તેના ઉપર અને ફેફસાંનાંથી આવતી હવાનો જથ્થો કેટલી પ્રબળતાથી કે દબાણ સાથે આવે છે તેના ઉપર આધારિત હોય છે. બોલતી વખતે આપણે દરેક ધ્વનિને અથવા ધ્વનિઓના બનેલા અક્ષરને એક પછી થોડું મૌન, પછી બન્ને પછી થોડું મૌન, એ રીતે ઉચ્ચારતા નથી પરંતુ એ બધા અક્ષરોને શ્રેણીરૂપે અથવા શબ્દ કે ઉક્તિરૂપે ઉચ્ચારીએ છીએ. આ કારણે એક અક્ષર ઉચ્ચારતી વખતે થયેલો કંપ બીજા અક્ષર સુધી અને એમ આખા શબ્દ ઉપર ફેલાય છે. આખા શબ્દ ઉપર ફેલાયેલા કંપને સૂર તરીકે ઓળખવામાં આવે છે. દેખીતી રીતે ઘોષ ધ્વનિઓ નાદતંત્રીઓની સકંપ અવસ્થામાં ઉચ્ચારાતા હોવાથી, ઘેાષ ધ્વનિઓ ધરાવતા અક્ષરોમાં જ સૂર સાંભળવા મળે એમ માની શકાય પરંતુ ઉપર જોયું એમ એ કંપ એની આગળપાછળના (ખાસ કરીને પાછળના ઉપર વધુ) અક્ષરો ઉપર ફેલાઈ જાય છે અને આખો શબ્દ સૂર સાથે ઉચ્ચારાયો હોય એમ લાગે છે. સૂરની વિવિધતાનો વપરાશ બધી ભાષાઓમાં થતો જોવા મળે છે કારણ કે અક્ષર ઉચ્ચારાય એટલે સામાન્ય રીતે નાદતંત્રીઓ કંપે જ (કારણ કે સામાન્ય રીતે દરેક અક્ષરમાં કાં તો ઘોષ વ્યંજન હોય અથવા તો સામાન્ય રીતે ઘોષ હોય એવો સ્વર એમાં ભળેલો હોય). પરંતુ સૂરની એક વિવિધતા અર્થભેદ કરવાની કામગીરી બજાવે કે કેમ તે દરેક ભાષાની વ્યવસ્થા ઉપર આધારિત હોય છે. કેટલીક ભાષાઓમાં શબ્દોની સાથે ઉચ્ચારાતો કંપ ભેદક હોય છે. એટલે કે શબ્દમાંના બધા જ વ્યંજનો અને સ્વરોની ગોઠવાયેલી શ્રેણી એમની એમ જ રહે, પરંતુ એ શ્રેણી સાથે ઉચ્ચારાતા કંપની માત્રામાં ફેરફાર થાય તો તે ફેરફાર અર્થભેદ કરે છે. જે ભાષાઓમાં કંપની માત્રા આવો અર્થભેદ કરે તે ભાષાઓને ‘ટોન લેંગ્વેજીસ' (અલબત્ત, આવું નામ આપવું બહુ ઉચિત નથી ગણાતું છતાં સગવડ ખાતર) કહે છે. પંજાબી ભાષામાં સૂર ભેદક હોય છે. ભાષામાં દરેક શબ્દ અમુક કંપ માત્રાઓથી ઉચ્ચારાતા હોય છે. એટલે વાક્યમાં ઉચ્ચારાતા બધા શબ્દો એક સરખી કંપમાત્રાથી અથવા ઓછીવત્તી કંપમાત્રાથી ઉચ્ચારાતા હોય છે. આખા વાક્યમાં વપરાયેલા બધા શબ્દોની સાપેક્ષ કંપમાત્રાને નજર સામે રાખીને એ કંપમાત્રા દરેક શબ્દ પર ઓછીવત્તી થઈને વાક્યના અર્થમાં ફેર કરી શકે છે એવું આપણે ઘણી ભાષાઓમાં નોંધી શકીએ. માનો કે ગુજરાતી ભાષામાં પહેલા શબ્દ કરતાં બીજાના ઉચ્ચાર સાથે અને બીજા કરતાં ત્રીજાના ઉચ્ચાર સાથે કંપમાત્રા સાપેક્ષ રીતે વધુ હોય તો જે વાક્ય બને તે આખા વાક્યમાં વપરાયેલા અન્ય વ્યજંનો અને સ્વરોની શ્રેણી એની એ જ હોય તોય અર્થભેદ કરે છે એટલે જો એવું ન બન્યું હોય તો એ સાદું વાક્ય હોય છે અને જો એવું બને (એટલે કે એક પછી એક ઉચ્ચારાતા શબ્દો સાથે ઉચ્ચારતી કંપમાત્રા સાપેક્ષ રીતે વધતી જાય) તો એ પ્રશ્નાર્થક વાક્ય બને છે. દા.ત., ‘હું મોડો છું’ અને ‘હું મોડો છું?’ એ બે વાક્યો ઉચ્ચારતાં આ બાબત સ્પષ્ટ થશે. આનો અર્થ એ થયો કે વાક્યના એક પછી એક ઉચ્ચારાતા શબ્દો સાથે ઉચ્ચારાતી કંપમાત્રા સાપેક્ષ રીતે વધતી જાય તો તેને અવરોહ કહે છે. આ કંપમાત્રા શબ્દની સાથે જ અથવા શબ્દોની શ્રેણીઓ સાથે જ ઉચ્ચારાતી હોવાથી સ્વરભાર, સૂર અને આરોહઅવરોહને સહવર્તી ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.
સ્વરભાર :
વાક્ય કે શબ્દમાં ઉચ્ચારાતો દરેક અક્ષર શ્રાવ્યતાની એકસરખી પરાકાષ્ઠાથી ઉચ્ચારાતો નથી જો દરેક અક્ષર એકસરખી પરાકાષ્ઠાથી ઉચ્ચારાતો હોત તો ઘડિયાળના એકધારા ટક ટક ટક અવાજ જેવું એકધારું કંટાળાજનક પુનરાવર્તન દરેક વાક્યના અક્ષરો બની રહેત. પરંતુ આપણો અનુભવ જુદો છે જે દર્શાવે છે કે દરેક અક્ષર સાપેક્ષ રીતે ઓછીવત્તી શ્રાવ્યતા સાથે ઉચ્ચારાય છે. ફેફસાંમાંથી હવા કેટલા દબાણ સાથે બહાર આવે છે અને તે સમયે કેટલી લાંબી કે ટૂંકી નાદતંત્રીઓ કેટલી તંગ છે તેના ઉપર શ્રાવ્યતાની પરાકાષ્ઠાનો આધાર હોય છે, સાપેક્ષ રીતે અક્ષરો ઓછીવત્તી શ્રાવ્યતા સાથે ઉચ્ચારાતા હોવાથી કહી શકાય કે એકસાથે ઉચ્ચારાતા અક્ષરોમાંનો કોઈ એક અન્યની અપેક્ષાએ વધુ કે ઓછી શ્રાવ્યતા ધરાવે છે એટલે કે અક્ષર તેની બાજુના અક્ષરની અપેક્ષાએ ઓછી કે વધુ પ્રબળતાથી કે ઓછા કે વધુ ભારથી ઉચ્ચારાયો છે. અક્ષરની શ્રાવ્યતાનું વહન સામાન્ય રીતે અક્ષરમાં રહેલો સ્વર કરતો હોય છે એટલે અક્ષર ઉપર સાપેક્ષ રીતે મુકાયેલો ભાર સ્વર ઉપર સંભળાય છે અને તેથી તેને સ્વરભાર કહે છે. શબ્દમાંના કયા અક્ષર એટલે કે હવે સ્વર ઉપર વધુ ભાર આવશે એની દરેક ભાષાની પોતાની વ્યવસ્થા હોય છે. કેટલીક ભાષાઓમાં આ સ્વરભારની અદલાબદલી (એના એ અક્ષરો સાથે ઉચ્ચારાતા શબ્દમાં, એ શબ્દ બીજી વાર ઉચ્ચારાય ત્યારે, એમાંના કોઈ ઉપર સાપેક્ષ રીતે, પહેલી વખત શબ્દની સાથે એ ઉચ્ચારાયો તેના કરતાં વધુ કે ઓછા ભાર સાથે ઉચ્ચારાય એવી અદલાબદલી ) શબ્દના અર્થમાં ફેરફાર કરે તો સ્વરભાર તે ભાષામાં ધ્વનિઘટક તરીકે કામ કામ કરે છે તેમ કહી શકાય. સ્વરભાર સાપેક્ષ હોવાથી તેને સ્વરભાર નં. ૧, ૨, ૩ એ રીતે ઓળખાવી શકાય અને તે અક્ષરથી છૂટો ઉચ્ચારી શકાતો ન હોવાથી તેને ધ્વનિનો સહવર્તી ધર્મ ગણાય.
શ્રુતિચિત્ર અથવા શ્રુતિબિંબ (Acoustic Image) :
જે રીતે મેઘધનુષના રંગોને જુદી જુદી ભાષા બોલનારા ત્રણ, છ, સાત, બાર એવા જુદા જુદા રંગોમાં વિભાજિત કરે છે એટલે કે કેટલાક ભાષકો એ પટાને ત્રણ રંગ રૂપે, કેટલાક સાતરંગરૂપે ઓળખે છે તે રીતે માનવ મુખમાંથી નિષ્પન્ન થતા ધ્વનિપ્રવાહના એક સાતત્યયુક્ત પટાને જુદી જુદી ભાષાના ભાષકો પંદરથી માંડીને પંચાવન સુધીના જુદા જુદા વિભાગમાં વિભાજિત કરે છે એટલે કે એ એક જ ધ્વનિ-પટાને પંદરથી પંચાવન સુધીના વિભાગોના એકમો તરીકે ઓળખે છે. જે રીતે મેઘધનુષના જેટલા રંગોને વ્યક્તિ ઓળખે છે તે દરેક રંગનું એક દૃશ્યબિંબ (visual image) એના ચિત્તમાં સ્થાપિત થયું હોય છે તે રીતે ધ્વનિ-પટાના દરેક વિભાગનું એક શ્રુતિબિંબ (Acoustic image) અથવા શ્રુતિચિત્ર તેના ચિત્તમાં સ્થાપિત થયું હોય છે. જે રીતે દરેક રંગના દૃશ્યબિંબને તે વિરોધ કે ભેદકત્વથી જુદું પાડતો હોય છે તે જ રીતે ધ્વનિપટાના દરેક વિભાગના શ્રુતિચિત્રને તે વિરોધથી કે ભેદકત્વથી જુદું પાડતો હોય છે. પ્રત્યેક અલગ શ્રતિચિત્ર એટલે તે ભાષાનો એક ધ્વનિઘટક. જે રીતે સમય જતાં રંગોનાં દૃશ્યબિંબ એકમેકમાં ભળી જતાં, બે રંગો એક જ રંગ તરીકે અથવા એક જ રંગની બે જુદી જુદી છાયાઓ સમય જતાં એ જુદાં જુદાં દૃશ્યબિંબો તરીકે ઓળખાવા માંડે છે અને રંગનો પટો ત્રણ કે સાતને બદલે બે કે છ અથવા ચાર કે આઠ રંગોમાં વિભાજિત થતો હોય છે તે રીતે શ્રુતિચિત્ર આઘુંપાછું ખસવું એક શ્રુતિચિત્રને બે શ્રુતિચિત્રોમાં વિભાજિત કરી નાખે છે જેને phonemic split કહે છે, અને ક્યારેક બે શ્રુતિચિત્રો એક શ્રૃતિચિત્ર રૂપે ભેગાં પણ થઈ જાય છે. જેને phonemic merger કહે છે. ક્યારેક કોઈક શ્રુતિચિત્ર ભાષકોના ચિત્તમાંથી સાવ ભૂંસાઈ જાય છે તે phonemic loss કહે છે. સામાન્ય રીતે સમાજલક્ષી ધ્વનિપરિવર્તન આ રીતે ધીમે ધીમે ભાષા સમાજમાં ફેલાય છે.
- ↑ 1 વાક્ય વિશે જેસ્પર્સન અને મીલેટનાં અવતરણો અનુક્રમે આ પ્રમાણે છે : “A sentence is (relatively) complete and independent human utterance-the completeness and independence being shown by its standing alone or its capability of standing alone, i. e, of being uttered by it-self. "....the sentence can be defined (as follows), a group of words joined by grammatical agreement (relating devices) and which, not grammatically dependent upon any other group, are complete in them-selves.
- ↑ 2 ઉક્તિ (utterance) અને વાક્ય (sentence) વચ્ચે ભેદ એ છે કે દરેક વાક્યને ઉક્તિ કહી શકાય, પણ દરેક ઉક્તિને વાક્ય ન કહી શકાય. અલબત્ત બધી જ ઉક્તિઓ અને વાક્યો બે મૌનની વચ્ચે ઉચ્ચારાય છે તે ખરું. દા.ત. ‘હિતુભાઈ આવશે?’ ‘હા' આ બંનેમાં પહેલુ વાક્ય અને ઉક્તિ બને છે, બીજું માત્ર ઉક્તિ છે. જોકે આ ભેદ સમજવા પૂરતો જ વર્ણવાયો છે, બાકી તો સાંભળનાર સુધી દરેક ઉક્તિમાંથી વાક્યનો અર્થ પહોંચતો હોય છે. ‘હા' એ ઉક્તિમાંથી “હા, હિતુભાઇ આવશે.” એમ વાક્યનો અર્થ નિષ્પન્ન થાય છે. અને એટલે જ અવગમન શક્ય છે.