ભૂંસાતાં ગ્રામચિત્રો/૧૭. મેળો
શ્રાવણનાં વાદળાં માથે ઝળૂંબતાં હોય; ઉતાવળી વાદળીઓ વળી ફરફર વેરતી, સરવડાં વરસાવતી સામેના ડુંગરો પરથી ઊતરી આવીને પેલી પા-ના ડુંગરો ચઢી જવા દોડતી હોય, વાદળીઓ વચાળે સંતાકૂકડી રમતો સૂરજ લીલછાઈ કૂણી સીમમાં તડકી-છાંયડીની ગતિમય ભાત રચતો હોય ત્યારે શેઢાના ઘાસ વચાળેથી જતી સેંથી જેવી કેડીઓ ઉપર મેળામાં જતી ગ્રામકન્યાઓના ઉત્સાહઘેલા પગ છમછમ ઝાંઝરી ખખડાવતા ચાલતા હોય! વાડવેલાથી સોહી ઊઠેલાં નેળિયાંમાં જુવાનોની જોડાજોડ ચાલતી બિન્ધાસ જુવાનડીઓ ગાતી ગાતી હૈયાંનો હરખ ઠાલવતી હોય — ‘મેળો’ શબ્દ સાંભળતાં જે દૃશ્યો આંખમાં ધસી આવે છે તે આ બધાં. મોલ લચેલી સીમમાં મકાઈના માળે ચકલાંટોવા બેઠેલા દાદાની આંખમાં આ દૃશ્યો એમની વીતેલી જોવનાઈને જગવતાં હોય. તળાવમાં ઘાસ ધોવા મૂકેલી આધેડ વયની ભાભી ખીલેલાં પોયણાં જોઈને અને મેળે જતી જુવાનીનાં વગડો-સીમાડો ગજવતાં ગીતો સાંભળીને પાછાં પગલે પિયરના પડોશી-પ્રેમીની યાદમાં ખોવાઈ જતી હોય…
મેળો તો મનખાનો મેળાવડો.
મેળે જાય છે એય ઘેલું અને ન જાય એય જૂની યાદોમાં વ્યગ્ર તો ખરું. ત્યારે ગામડાંમાં ‘મહાલવું’ના બે જ ઠેકાણાં. એક ‘લગ્ન મહાલવું’ ને બીજો ‘મેળો મહાલવો!’ હવે તો લગ્ન ઘડી–બેઘડીનો ખેલ બની ગયું છે ને મેળાઓ ખસતા ખસતા શહેરોમાં જતા રહ્યા છે કે પછી મેળાઓ ઉપર શહેરોએ બધી રીતે આક્રમણ કર્યું છે! મેળો તો સંસ્કૃતિનો, ખાસ તો ગ્રામસંસ્કૃતિનો સાથી. પ્રજાજીવનની અસ્મિતા અને સ્નેહસૌહાર્દનું મિલનસ્થાન તે મેળો! દેવદેવીઓનાં સ્થાનકોમાં, કોઈ માન્યતાને લઈને શ્રદ્ધા કે સતીજતીનાં તપને વંદવાયોગ્ય સ્થળોમાં ભરાતા મેળા હજી ભરાય છે ખરાં, પણ મેળાની ‘સિક્કલ’ બદલાઈ ગઈ છે. એની અસલિયત ઉપર યંત્રોનું અને કહેવાતી નવી સભ્યતાનું આક્રમણ થઈ ગયું છે… અસલ મેળો હવે ‘નકલ’ લાગવા માંડ્યો છે. માનવમનની મોકળાશ અને પેલી મૂળની નકરી સાચકલાઈ પણ હવે ક્યાં છે? આજે તો મેળા અને મેળાવડા : બધાં ‘દેખાડો’ બની ગયાં છે. છતાં હજી ભરાતો હશે કોક ગામને પાદર ભોળાં-ભલાં મજૂરિયાં ને મળતાવડાં લોકોનો મેળો… હા મને એ મેળાના ઓરતા છે હજી…
મેળામાં બેઉ મળે છે — જીવ અને જોવનાઈ!
મારું ગામ મોટા પાલ્લા. મૂળ નામ ગોલાના પાલ્લા. તા. લુણાવાડા (પંચ.). પડખામાં મહીસાગર વહે. બારે માસ ભરપૂર. બાજુમાં મધવાસ ગામ. ‘સરસ્વતીચંદ્ર’માં આવે છે તેમ માએ કેડ ઉપર બાળક તેડ્યું હોય તેમ મહીસાગરના વળાંક ઉપર જ મધવાસ વસેલું છે. મંદિરોનું ગામ. ત્યારે તો બ્રાહ્મણો હતા, આજે તો સમ ખાવા પૂરતા બચ્યા છે થોડા ગોરમહારાજો. એક જમાનામાં ગુજરાતનું કાશી ગણાતું એમ થઈડિયા કહે છે. ત્રણ ધોરીવાટો આવીને મળે છે. ગામગોંદરે — ને ગોંદરો છે સાવ નદીકિનારે… નદી ભેખડોવાળી, પથરાળી. ભેખડો ઘસાઈ-તૂટીને ઢાળ બની છે… આ ઢાળ-કોતરો બાંધીને રચાયેલાં મંદિરો!
‘પૃથ્વીની તર્જની-શું દેરુ હજી ઊભું છે—’ પંક્તિ ભણતાં મનમાં સાદૃશ્ય રચાતું ને મહાલક્ષ્મી માતાજીનું મંદિર નદીમાથે ઊભું હોય તેમ દેખાય છે. સામે કાળાં પડી ગયેલાં ગુંબજોવાળાં મંદિરો મહાદેવનાં ને અન્ય દેવીદેવતાનાં છે. બાજુમાં રણછોડજી મંદિર. ગામમાં ગણપતિ મંદિર પણ ખરું. ગામમાં ઝાઝી વસ્તી પાટીદારોની. ખેતીમાંથી પરવારે ત્યારે મંદિર યાદ આવે. બાકી ‘રામ તારી માયા!’વાળા.
તો મેળા ભરાતા આ મધવાસ ગામને ગોંદરે!
ત્યાં જીવ અને જોવનાઈને મળતાં ને ઘેલાં થતાં જોયાં-જાણ્યાં ને પંડે અનુભવ્યાં હતાં. ગોકળઆઠમનો મેળો, અગિયારસનો મેળો. શિવરાત્રીનો મેળો. ગોંદરાને અડીને ઊંચી વાડ-વાડાઓ માથે અમારી પ્રાથમિક-માધ્યમિક શાળાઓ ઊભેલી હતી. ગોંદરા વચોવચ પરબડી-વડ. સામે બાપુની હોટલ ને બેઉ પડખે ઢાળ-ભેખડો ઉપર મંદિરો. આ પરિસરમાં મેળાઓ ભરાતા.
મેળા તો ઘણા ભરાય છે. આદિવાસી સંસ્કૃતિનો સાક્ષી ઉત્તર સાબરકાંઠામાં સાબરનદીના મૂળમાં ભરાતો ચિત્રવિચિત્રેશ્વરનો ચૈત્રી અમાસે ભરાતો મેળો — એ ભાતીગળ પ્રજાની હેલે ચઢેલી જુવાની જોઈ રહીએ એવી. શામળાજીનો મેળો તો વધારે દા’ડા ચાલે. એમાં જીવનસાથી શોધતાં ને વનવાટે ચાલી નીકળતાં જુવાન હૈયાં. તરણેતરના મેળામાં તો રમણે ચઢેલી જોવનાઈ જોઈને વય વીસરી જવાય. ગ્રામપ્રજા કેવી રૂપરૂપના ભંડાર જેવી છે. એ આ બધા મેળાઓમાંથી જ પમાય. નર્યો નિખાલસ ઉમળકો અને સહજ ભોળપણ — તે રંગત તો એની જ. વૌઠાનો મેળો શ્રદ્ધાળુઓ માટેનો — વહોરોચારો કરનારાંઓનો. અમારા સંતરામપુરમાં ભરાતો રવાડીનો મેળોય જબરો. આ આદિવાસીઓ વળી સાબરકાંઠાના આદિવાસીઓથી જુદા. આ તો દાહોદી-ઝાલોદી મામાઓ. મજૂરિયા પ્રજા પણ મેળા ટાણે તો એ જ એમના રાજા!
મેળા તો બહુ જોયા, માણ્યા.
‘મળેલા જીવ’નાં જીવી-કાનજી ‘પ્રથમ સંગાથ’ પામે છે એ ‘કળહેરીનો મેળો’ય માણ્યો છે. પણ મધવાસને ગોંદરે ભરાતા અમારા બાવન-બેંતાલીસની પાટીદાર પ્રજાના ત્રણેત્રણ મેળાની લેહ હજી તાજી છે. થોડા બારિયા-પગી ઊંટો લઈને આવે — શેરડી લાદીને લાવે ઊંટો ઉપર. લુણાવાડાના ઘાંચી-વાણિયા દુકાનો લાવે. નાનકડું ચગડોળ બે દિવસ અગાઉથી તૈયાર થવા માંડે — અમે સ્કૂલમાંથી ને જતાંવળતાં બધું જોતા ને મનમાં મેળો રચાવા માંડતો.
ઝેર ખાવા પૈસો નહોતો એ જમાનામાં. રડી રડીને, મેળામાં વાપરવા ચાર આના માગીએ… માંડ મળે બેત્રણ આના. એકબે આના મધવાસવાળી ફોઈ આપે. ઉનાળામાં ભેળાયેલાં ખેતરોમાંથી કપાસ વીણીને વેચ્યા હોય, મહુડાંડોળી કે કેરીનાં ખાટિયાં વેચીને રૂપિયોરડો પેદા કર્યો હોય — તે જો બાપાએ લલચાવીને લઈ લીધો ના હોય તો — બધાં ભાઈબહેનને ફાળે માંડ આઠદસ આના આવે… ને મનમાં તો આખો મેળો વોરવાની લાલચ. પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે તો મેળામાં ભાતભાતનું ખાવાનું મળે. એ ખાવાની વૃત્તિ જ વધારે તીવ્ર. ફુગ્ગા ને પાવા લેવાનું બીજે ક્રમે. લોક જુગાર રમે તે જોઈએ — ‘એકના ડબ્બલ’ — પણ સમજીએ નહીં. ચગડોળમાં બેસતાં ચક્કર આવે, પણ હસતાં-મલકાતાં છોકરા-છોકરીઓને બેસવાં પડાપડી કરતાં જોતો ને થતું કે ‘કેવું લાગતું હશે ચગડોળમાં બેઠા પછી — બધી દુનિયા ફરતી હશે ગોળગોળ?’ અમે તો પૈસા—બે પૈસાના સાકરિયા-ચણા લઈએ; મધમીઠી બરફી કે પતાસાંનાં ડેરાં લઈએ. બુંદી-જલેબી પહેલી વાર આ મેળામાં જ ખાવા મળેલી — પછી તો બુંદીના લાડુ બાંધીને ઘેર પણ લઈ જતા. — મા માટે, કાકા-બાપા માટે. ભજિયાં-ભૂસું ખાઈએ ને મહી નદીએ પાણી પીને રંગતે ચઢેલા મેળાને જોઈએ. ગાતા પગી ને કીરિયાટા કરતા બારિયા. ક્યાંક તો છોકરીઓનાં ઝુંડ ને છોકરાઓ સામસામે ભડે ચઢ્યાં હોય… કોક દૂર એકલાં બેઠાં હોય, કોઈ તાકતાં રહે. નજરોથી પણ પાસે ન આવે, તો વળી કોક ઊભાં ઊભાં વાતોમાં લીન…
હાઈસ્કૂલમાં આવ્યા ને મેળાનો અર્થ જ બદલાઈ ગયો.
મેળો હવે જીભના સ્વાદ માટે લલચાવતો ખરો, પણ ઓછું. હવે તો મેળો કોકને મળવા માટે, અજાણ્યાને — મનગમતાંને પોતાના કરવા માટે જાણે ભીતરમાં ઝણઝણાટી જગવતો રહેતો. આને મળું — તેને માટે બંગડી લઉં, પેલીને રૂમાલ આપું, કોકને ગમતી વીંટી તો કોકને ભાવતી જલેબી… મનમાં ઉધામા ચાલતા, મેળે જવા જીવ પછાડા નાખતો. અગિયારસ(શ્રાવણ)ના મેળાની રજા ના હોય, પણ બે પિરિયડ પછી સ્કૂલમાં જ દફતર મૂકી મેળે જવાની છૂટ. પેલા બે પિરિયડ વર્ષ જેવા લાગતા… ને છૂટતાં ત્યારે જેલમાંથી મુક્ત થયાનો ભાવ લહેરાતો.
અમારી તો નાતરિયા ન્યાત. બાળવિવાહ તો હજીય છે. સ્કૂલમાંય અનેક ગામોનાં છોકરા-છોકરીઓ ભણે… એમાં સગાઈ થયેલાંય ઘણાં હોય. વહુ નવમામાં ને વર દસમામાં. પ્રાર્થનામાં ને પીટીના તાસમાં એ એકબીજાંને તાકી રહે. હું ત્યાં થોડો વખત શિક્ષક હતો — સ્કૂલમાં પંદર-વીસ કાચી સગાઈનાં જોડાં ભણતાં! અમે શિક્ષકો પરસ્પરના ‘ક્લાસ-ટીચર-ઇનલો’ ગણાતા. આ બધાં જોડાંને મેળામાં મળવાનો — વાતો કરવાનો — ભેટ આપવાનો મોકો મળે. કોક ભાવિ પતિ ભાવિ વહુને ઠપકોય આપતો કે ‘ફલાણા જોડે કેમ હસે છે/વાતો કરે છે?’
મલક આખાનાં કાચાંકુંવારાં વહુ-વર આ મેળામાં ઊમટી પડતાં. વાગ્દત્તા છોકરીઓ વૈજયંતીમાલાની જેમ કાન દબાવીને વાળ ઓેળતી. બે ચોટલા વાળતી. મીનાકુમારીની જેમ લટો કાઢતી કે નૂતનની જેમ વાળ બાંધતી. કાળા બ્લાઉઝ ને રાતી-પીળી બાંધણીઓની ફૅશન ચાલતી. છોકરાઓ પૅન્ટ-શર્ટમાં-શર્ટઇનમાં આવતા. કોઈ રોમિયો ટીશર્ટના કોલરે ઝૂલ મુકાવતા. પાન ખાવાનું તો ફરજિયાત મનાતું. ઘણા હાથ ઉપર કૃષ્ણ-મોર કે ઢેલ ચિતરાવે-ખૂંદાવે. કોક કન્યા ગાલે છૂંદણું છૂંદાવતાં રડમસ થઈ જાય — એવી વેદના વેઠે, પછી હસી રહે. પરસ્પર માટે વીંટી-રૂમાલ-કાંસકા ખરીદાય. થનારી વહુને બાળોવર બંગડી-પાટલા લાવી આપે. પાછું કોઈ જોઈ ના જાય — સગુંવહાલું! એનાથી બચવાનું, નહીં તો ‘વહુઘેલો’-‘વરઘેલી’ એવાં નામ પડે. બધાં ચીડવે. નવાંસવાં પરણેલાં આવે તે તો ચગડોળે વળગેલાં રહે ને મંદિરોમાં જાય, નદીએ બેસી બુંદી ખાય.
કોકને ‘સગાઈ’ ન ગમતી હોય, એ બીજી છોકરી કે છોકરો જુવે ને મનમાં સોરાય. ઘણા મિત્રો સ્કૂલમાં ભણતી છોકરીઓને જોવા; મેળાની ગરદીમાં ‘અડી’ લેવા આવતા. કોઈ કુસુમ ગોરમાં તો ઘણાં ચંદ્રિકા સુથારમાં જીવ પરોવતા ને કલ્પિત વિરહમાં બળતા રહેતા. અનુ રાઠોડ, જશુ દવે, ઊજળી ઊજળી નાથી-રમા ને સોમી પટેલને જોવા આવનારા એમનાં સજધજ રૂપ જોઈને આહો નાખતા! એ મિત્રોની વાતોના ગુબ્બારા પણ યાદ છે.
બેત્રણ વાગતાં તો મેળો હેલે ચઢતો. હૈયેહૈયું દબાય એવી ભીડ. પન્નાલાલે કહ્યું છે તેમ એક તો જોવનાઈ અને પાછી મેળે આવેલી! પછી શું બાકી રહે! મંદિરોમાં ઝાંઝપખાજ વાગતાં હોય; પરબડીએ ભજન-મંડળીઓ ઝૂમતી હોય, પણ જોવનાઈ તો પોતાના મદમાં મસ્ત! કૈંક હૈયાં જોડાય; કૈંકને ઘણે દા’ડે પ્રિયજન મળ્યાનો આનંદ. કોકની નજરમાં ઉલ્લાસ તો કોકની ભીની આંખ… કોક તરસ્યું જ વળે પાછું! દુનિયામાં ઘણા મેળાઓ હોય ને લાખો જનના હોય, પણ ખરો ‘મેળો’ તો પોતાનાં મનેખ વચ્ચે પોતાના મલકનો મેળો… વયમાં આવતાં તનમન જ્યાં પ્રેમ અને ઝુરાપાના પ્રથમ પાઠ શીખ્યાં હોય! પણ અફસોસ! આજે તો મધવાસનો ગોંદરો મેળા વિના સૂનો સૂનો છે!
[ગણેશચોથ ૨૦૫૪, વલ્લભવિદ્યાનગર]