ભૂંસાતાં ગ્રામચિત્રો/૧. ગામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. ગામ


ત્યારે તો ગામને ગજવામાં ઘાલીને ફરતા. કિશોરવયમાં તમારો ને મારો — છાક જ જુદો. ગામ તો ખરું પણ કેટલીય વ્યક્તિઓનેય જાણે ગજવામાં રાખતા — ઘણા ‘મોટા’ થયા કેડેય ‘તારા જેવા તો કેટલાય મારા ગજવામાં રાખું છું.’ એમ કહીને ‘રોલો’ પાડતા કે ‘રૉફ’ મારતા દેખાય છે. અહમ્ વિના જાણે કે માણસજાતને ફાવતું જ નથી. ખેર…! આખો સંસાર ગજવામાં ઘાલીને, વનની વાટે બધું ખોઈ દઈને, તપમાં બેસી જનારા સાધુસંતોથી ગામ છૂટી જતું હશે. આપણે તો સૌ ગામઘેલા; આપણા રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન પણ! આપણું ઘડતર-ચણતર કરનારું ગામ એમ છોડ્યું છૂટતું નથી. અંદર તો એ વળગેલું જ રહે છે. આપણો અસલનો મલક જ ગામ. બાર ઘરનું હોય કે બારસો ઘરનું, સો માણસોનું હોય કે હજારેકની વસ્તીવાળું — માઢ — મેડીઓ — ખડકીઓવાળું હોય કે હારબદ્ધ ઘરોની વચ્ચે ફળિયાંવાળું ગામ હોય — જે હોય તે, પણ એનાથી ઉત્તમ જગા આપણે માટે જાણે કે જગતમાં અન્ય કશે નથી. મન તો ત્યાં જ ઠરે છે. શ્વાસ ત્યાં જ તો હેઠે બેસે છે. ડિગ્રીઓ અને પદો ગામમાં પેસતાં જ ખરી પડે — ને એનીસ્તો મજા હોય છે! ગામમાં પહોંચીએ ને તરત આપણે એની માટી જેવાં, માટીનાં મનેખ જેવાં થઈ જઈએ છીએ. અંદરથી તો તરત. ગામમાં તો બધું ચાલે. ચંપલ ના પહેરો ને પહેરણ ઉતારીને ગંજી પહેરીને ફળિયે ફળિયે ફરો… લેંઘા નીચે બૂટ પહેરીને ખેતરે જતા મોટાભાઈ જેવા થઈ જવાનું આપણનેય ગમે છે ગામમાં! શિષ્ટતા છોડીને થોડી વાર માટેય ગામડિયા થઈ જવાનું સારું લાગે છે — કવિ જયંત પાઠક કહે છે :

‘હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર, વનમાં;
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં!’

આપોઆપ, આપણા ઉપર લદાયેલી નાગરી શિષ્ટતા હઠી જાય છે. હું તો બસમાંથી ગામ પાદરે ઊતરું એના ભેળી જ શહેરીજનની સભ્યતાને બસમાં જ વળાવી દેતો. ગામની ધૂળમાં પગલું મંડાતું ને જીભ તળબોલીમાં માની ખબરઅંતર પૂછવા માંડતી. દાદા, કાકા, ભેરુ-ભાઈબંધો સૌને અસલ બોલીમાં મળતો ને ત્યારે જ લાગતું કે શહેરમાં કશાક ફંદામાં ફસાઈ ગયેલો તે અહીં ગામમાં આવતાં જ જાણે કે મુક્ત થયો છું. વછેરાની નથ નીકળી ગઈ છે!

પણ હવે પ્રશ્ન થાય છે — ક્યાં છે ‘મારું’ ગામ? પેલું કિશોરવયનું ગામ! મારી વય એ સ્તો મારા ગામની વય હતી મારે માટે તો! હારબદ્ધ ઘરો, વચ્ચે મોકળાં ફળિયાં ને છૂટાં પાડતાં નેળિયાં. નેળિયાંની ઊંચી થુવેર વાડો… વાડોની પાછળ મોટા વાડાઓ — વાડાઓમાં ખળાં ને ઘાસનાં કૂંધવાં! નાવણિયાં ને બા-બેનોનાં બેસવાંઊઠવાં, છાણાંની મોડવાળીઓ ને કઠિયારા, શાકવેલા અને ઢોરનાં ખાણપાણી! આંગણે ઢોરકબીલા ને ત્રિભેટે કૂવો, નદી જતું નેળિયું ને સીમમાં જતી કેડીઓ, વગડે વગડે લઈ જતાં ગાડાં અને ધૂળિયા ચીલા; ટેકરીઓના ઢાળ અને ધોળી કૂકરિયાળી કરકરી ધૂળમાં ચાલતાં ગાડાંનાં પૈડાંના અવાજો — ખેડુઓના હોંકારા ને રખેવાળીના પડકારા, પંખીઓનાં ઝોલાં ઉપર ઝોલાં ને કલરવતાં ઝાડવાં — છેક ઉંબરે આવી અને ખબર લેતી ઋતુઓ… ક્યાં છે હવે? અરે, પુરાઈ ગયું પાદરનું તળાવ ને વંડીતૂટ્યા કૂવાઓ પાસે મોટી પાણી-ટાંકીઓ દદડ્યા કરે — એનો કાદવ… પાંખો વડ ને બાંડા લીમડાઓ… સીમને નહેરનાં પાણી લાગ્યાં છે તે ઝાડવાંય અતિપાણીએ સુકાઈને પડી ગયાં છે — ત્યારે અમને પાણી વિના ઝાડવાં ઉછેરવાની પીડા હતી. હવે પાણી જ એમને બાળે છે. પાદરને બસસ્ટૅન્ડો અને નેળિયાંને કાળી નાગ-શી સડકો ભરખી ગયાં છે. ગોંદરે નાનકડી બજાર થઈ ગઈ છે ને નવી પેઢી પાન-ગુટખા ખાઈને થૂંકે છે — વિલાતાં જાય છે એમનાં નૂર.

ગામડાંને ગળી જનારો આ કોનો ને કેવો શાપ છે? ભણતર ગામ છોડવશે એમ જાણતા હોત તો ચેતી ગયા હોત ને! યંત્રો સાથેનો પ્રેમ તો જુઓ! ગાડાં ગયાં ને આંગણે મોટરો છૂટી છે. બળદ બંધાતા હતા ત્યાં હવે ટ્રૅક્ટરનો મુકામ છે. દૂઝણી ભેંસોની ઘાસમેડી કાઢી નાખીને ત્યાં સ્કૂટર, મોટરબાઇક માટેના શેડ્ઝ ને જાજરૂ-બાથરૂમનાં ચણતર થયાં છે. ઘંટીઓ ને વલોણાંનાં કામ હવે મશીનો કરે છે. ગામડાં સુધી પહોંચી ગયાં છે યંત્રો હવે તો. પ્રગતિ તો સૌને ગમે. મનેય મારા ગામનો વિકાસ ગમે. પણ આ જે કંઈ સગવડો આવી છે એની સાથે આવેલાં કાળવાં દૂષણોનું શું? મહેનત લઈ લેનારાં મશીનો વીજળી વાપરે અને ઘરનાંને માંદગી સાથેનો આરામ આપે છે. અસલને અને શાંતિને; મૂલ્યોને અને પ્રેમાદરને હડસેલીને થતી આ ભૌતિક પ્રગતિ જોઈને રાજી થવાતું નથી. વહેલી પરોઢે હળ-બળદ લઈને ભાઈ ખેતરે જતા ને ગીતે ગુંજતી સીમમાં નરવો સૂર્યોદય ફેલાતો… હવે ત્યાં ઘુઘવાટા કરતાં ટ્રૅક્ટરો ખેતરોમાં ઢેફાં પાડે છે ને થ્રેસરો અનાજ મસળે — ઊપણે છે. સગવડને સલામ પણ એણે બચાવેલા પરિશ્રમ અને સમયનો સદ્ઉપયોગ થતો હોય તો ગંગા નાહ્યા, પણ એથી એદીપણાં જ વધ્યાં છે.

ખડકીઓ ગઈ ને પેલી ભાવાદરની ભાવનાઓ લેતી ગઈ. માઢ ગયા અને લાજમલાજા ગયાં. ફળિયાં તૂટ્યાં ને મોકળાશ ગઈ. હવે તો ગામડેય ‘સોસાયટીઓ’ની સંકડાશો વધી છે. કદી તાળાં નહીં વખાતાં એ ‘ઘર’ હવે ક્યાં છે, હવે તો ‘બંગલા’નું બારણું બેલ વાગતાં ખૂલે છે તે તમને અંદર લઈને નવા યુગના રાક્ષસના જેવું જડબું બંધ થઈ જાય છે. મારા નાનકડા ગામમાં તો ઘરેઘરનાં સુખદુ:ખ સૌની સાથે રહેતાં. કોને ચૂલે શું રંધાયું ને કોને શું દુ:ખ થયું — બધાંયની બધાંને સરત રહેતી; હવે ત્યાંય ‘બીજાના કામમાં દખલ નહીં’ કરવાની વાતોવાળી ‘પ્રાઇવસી’ આવી ગઈ છે. આ ‘પ્રાઇવસી’ છે કે એકલપેટી પ્રજાની મુરાદ? રાજકારણે ને ચૂંટણીએ મનનેય વહેંચી નાખ્યાં છે. ડિલને આળસ ને દિલને ઘેલછા ગમવા માંડી છે. વૃત્તિઓ તો ત્યારેય હતી પણ આવો વિફરાટ નહોતો, એટલે તો ગામ વધારે ઠરેલ હતાં. દુ:ખનો તો ત્યાંય પાર નહોતો પણ બથવાટીને સ્વસ્થ કરનારાં સ્વજનથી સવાયાં ગ્રામજનો હતાં. આજે તો ‘ગણતરી’ના ઘડિયા ને સ્વાર્થનાં પલાખાં બચ્યાં છે. ગોખવાનું એ જ રહ્યું છે.

સૂરજના તડકામાં સોના જેવું ને ચાંદની રાતમાં રૂપા સરખું હતું મારું ગામ! સોનારૂપાની બંગડીઓ જેવું રણક્યા કરતું ગામ. પણ મહીમાતાનાં પૂરે નંદવી નાખ્યું એને. ઊફરું ફળિયું ને વચલું ફળિયું, નવાં ઘરાં ને દોઢી, નીચું ફળિયું ને લુહારફળી, છાપરાં અને વાસ! ઓતરાદી નદી ને દખ્ખણમાં ડુંગર, ઉગમણી-આથમણી સીમ… પૂર થોડાં પૂછવા રહે છે કે ‘આવીએ?’ એ તો આવ્યાં ને નીચી ફળીને લેતાં ગયાં, લુહારફળીય તૂટી. પછી તો ટેકરીઓમાં સરકારી પ્લૉટ પડ્યા ને વસાહતો થઈ — ગામ વીખરાઈ ગયું. વધતુંઓછું પામ્યાની લાયમાં ગામલોકોનાં મન ઊંચાં થઈ ગયાં. જરાક ઈર્ષા હતી તે દ્વેષ બની. લોક મૂંગાં બન્યાં ને ઝેર બોલવા લાગ્યાં. પંચાયત ને મંડળી; ડેરી અને મંદિર: ફંડફાળા અને ચૂંટણીઓ. મારા ગામલોક વરવાં વર્તન કરવા લાગ્યાં. મને થાય છે કે જો આને જ ‘સુધરવું’ ને ‘પ્રગતિ’ કહેવાતાં હોય તો મને આજેય મારા અસલ ચહેરાવાળા પ્રેમાળ ગામ સાથે ‘પછાત’ રહેવામાં વાંધો નથી. પડાળવાળાં, નળિયાંછાયાં ઘર અને મોકળાશવાળાં ફળિયાં, એ ચોરો ને પાદર, સીમ અને વહાલાં ઝાડવાં, ચઢવા બોલાવતો ડુંગર ને રમવા બોલાવતી ટેકરીઓ, નાહવા નિમંત્રણ દેતી મહીમાતા ને રોટલા માટે બરકતી બહેન — બસ, મને બીજી કશી વશ જોઈતી નથી! હે આથમવા જતી વીસમી સદી! મને આપી શકે તો મારું ગામ — હતું એવું અસલ ગામ — પાછું આપતી જા!! ‘બીજું હું કાંઈ ન માગું…’

ત્યારે તો દરેક ગામને પોતાનો આગવો ચહેરો હતો. ગામને એની ખાસિયતથી કે વ્યક્તિવિશેષથી પણ ઘણો વખત ઓળખવામાં આવતું. ‘વ્યક્તિત્વ’ હતું, મારા-તમારા ગામને એનું રૂપ હતું; જે હજી આપણા મનમાંથી હઠતું નથી. ભીતરમાં વહેતું લોહી એ જ હવા-પાણી-માટીનું રૂપાંતર છે. જે હવા-પાણી-માટી ત્યાંય બચ્યાં નથી; અરે! ક્યાંય બચ્યાં નથી! ને એટલે સ્તો એનો સણકો ઊઠે છે રહી રહીને. એકદમ હળવાંફૂલ ને તદ્દન મુક્ત થઈ જવાતું ગામમાં. જાણે હવે કશે જવાનું જ નથી ને કાંઈ કરવાનું જ નથી — એવી લિજ્જત રોમેરોમમાં વ્યાપી જતી.

અમારે પંચમહાલમાં તો ‘મુવાડાં’(ગામનામને સૂચવતું પદ)નો પાર ન મળે. વ્યક્તિ ને સ્થળના સંદર્ભોથી નામ પડ્યાં હોય. ગામમાં જેની વસ્તી વધુ હોય એ જ્ઞાતિનું ‘મુવાડું’ ગણાય. જેમ કે ‘બારિયોના મુવાડા.’ જો નાનું ગામ હોય તો ‘પગીની મુવાડી’ કહેવાય. વેપાર અર્થે વસેલી એક વર્ણનું એક જ ઘર હોય તોય એના નામે ગામ ઓળખાય છે — જેમ કે ‘મહેતાના ચાકલિયા’ ને ‘વાણિયાવાળા ગોરાડા’. ક્યારેક આગેવાનોનાં નામ ગામને લાગે — ‘ચાવડીબાઈના મુવાડા’. ને ‘રામ પટેલના મુવાડા’. વેરી નદીને કાંઠે એટલે ‘વેરીના મુવાડા’ દૂર હોય તો ‘ટોચના ગોરાડા’. એકાધિક નામો સરખાં હોય તો ગામને નોખાં કરવા વ્યક્તિ, નામ કે સ્થળસંકેત જોડાય — ‘ડુંગરવાળી ઉકેડી’, ‘તક્તાજીના પાલ્લા’. ક્યારેક ‘નાના-મોટા’નાં માપથી બોલાય; ‘મોટા પાલ્લા’, ‘નાની દેનાવાડ’, ‘મોટી દેનાવાડ’, ‘તળાવવાળું વાડોદર’, સાબરકાંઠામાં પ્રાસવાળાં નામો — મેઢાસણ — રણાંસણ, સરડોઈ — ટીંટોઈ, દરામલી — નેત્રામલી — પેઢામલી, ચિલોડા — ભિલોડા — લાલાડો, ખિલોડા — ચિત્રોડા. મહેસાણામાંય મળે સેદરાણા — પીપરાણા, મેંદરડા એમ દેદરડાય મળે. રામપુર — રતનપુર — વીરપુર — તો ગુજરાતમાં ને બહાર પણ મળે છે. સૌરાષ્ટ્રમાં ‘વદર’ પદવાળાં નામો ઘણાં છે. — વેળાવદર — ભાયાવદર — માણાવદર, તો ચરોતરમાં વળી ‘સદ’નો મહિમા છે. — કરમસદ — વીરસદ — બોરસદ — વાસદ. વૃક્ષોને નામેય ગામો ઓળખાય છે — પીપળી, વડલા, આંબલી, પાંચ મહુડી. કેટલાંક ગામોનાં નામ અંગ્રેજી લાગે! કેટલાંક નામ બોલતાં તો મોં ભરાઈ જાય તો કેટલાંક નામ વાંચીને ગામ જોવા જવાનું મન થાય — જેમ કે સુરત પાસેનાં ‘સરસ’ ને ‘સચીન’! નામ પ્રમાણે ગુણ વ્યક્તિમાં નથી તો પછી ગામમાં તો ક્યાંથી હોય! છતાં કનીજ — કુંજરાવ — કણજરી જેવાં નામ ગમે છે.

જોકે, હવે તો નામ બચ્યાં છે એટલું જ. સારાં ગામડાંય છે; પણ પરિવર્તનથી કોઈ બચતું નથી. પરિવર્તન એ કાંઈ દરેક વખતે ‘પ્રગતિ’ ન પણ હોય. આજે તો ગામડાંએ શહેરોના — તાલુકા જેવાં ટાઉનોના સપાટ ને સરખા ચહેરા પહેરી લીધા છે. જૂની વસ્તુઓમાં તો ભૂગોળ બહુ બદલાઈ નહીં હોય તો ઇતિહાસ ખંડેર થયો જ હશે…! ને એટલે સ્તો! ગામ તો હવે મનની મંજૂષામાં સાચવવાની વસ — જણસ બની ગયું છે.

[તા. ૧૪-૩-૯૯]