મંગલમ્/અમ્મારા અમ્મારા બાપુજી
Jump to navigation
Jump to search
અમ્મારા અમ્મારા બાપુજી
અમ્મારા અમ્મારા બાપુજી અમ્મારા રે,
અમ્મારા અમ્મારા ગાંધીજી અમ્મારા રે.
જ્યાં જાય ત્યાં એની જનમભૂમિ,
સૌએ સગાં પ્રાણ પ્યારા. — બાપુજી.
દરિયા રે દેવને સૌ દેશ સરખા,
દ્વીપ દ્વીપ એના કિનારા. — બાપુજી.
સૂરજદેવ એ તો વિશ્વ પ્રવાસી,
સગાં છે નવલખ તારા. — બાપુજી.
આવો હૂંફાળા મારા બાપુને ખોળલે,
આવો જે દીન દુઃખિયારા. — બાપુજી.
આવો બાપુજીનું સૈન્ય ઉભરાવો,
સતના જે હોય જોરવાળા. — બાપુજી.
એકલા જાય એ, આપણે શું પાંગળા?
ચાલો ચાલો ચેતનવાળા. — બાપુજી.
— જુગતરામ દવે