મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ, ‘જ્ઞ', ‘નારદ’, ‘બાહુક’ (૧-૧૧-૧૮૮૦, ૧૫-૧૧-૧૯૩૩) : વાર્તાકાર, અવલોકનકાર, પત્રકાર. વતન વડોદરા. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વડોદરામાં. વડોદરા કૉલેજમાંથી બી.એ. મુંબઈ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી વિષયમાં એમ.એ.નો ડિગ્રી કોર્સ દાખલ કરાતાં એ વિષયના પ્રથમ એમ.એ. થવાનું માન મેળવ્યું. મિલ એજન્ટ અને સાહિત્ય’ માસિકના સંચાલક તરીકે કામ કર્યું. એમની લેખનપ્રવૃત્તિ અભ્યાસકાળથી આરંભાયેલી. એમનાં ગ્રંથસ્થ લખાણો ઓછાં છે. એ વિશેષ જાણીતા છે ‘નારદ'ના ઉપનામે લખેલી વાર્તાઓને કારણે. એમના બે વાર્તાસંગ્રહો ‘વીતક વાતો’ (૧૯૨૦) અને ‘સંસારલીલા’ (૧૯૩૨)માં આપણા જનજીવનનાં વિલક્ષણ ચિત્રો, વાર્તા રૂપે, આકર્ષક શૈલીમાં આલેખાયાં છે. ‘પ્રેમાનંદનાં જ નાટકો?’ (૧૯૨૮) એ પુસ્તક, હરગોવિંદદાસ કાંટાવાળાએ પ્રકાશિત કરેલાં પ્રેમાનંદનાં નાટકો વિશે નરસિંહરાવે ઊભા કરેલા જબરા વિવાદના પ્રત્યુત્તર રૂપે લખાયેલા લેખનું જ ગ્રંથરૂપ છે. એમાં એમણે પ્રેમાનંદનાં નાટકોના પક્ષે શક્ય એટલી માહિતી-દલીલો વડે બચાવનામું રજૂ કર્યું છે. ‘સાહિત્ય’ માસિકમાં એમણે ગ્રંથ-અવલોકનની પરંપરા ઊભી કરી અને ચર્ચાપત્રની પ્રણાલિકા પાડી. જૂના ગુજરાતી કવિઓની કૃતિઓનું ‘સાહિત્ય’માં પ્રકાશન થતું એ પણ એમને જ કારણે. એમનાં અવલોકનોમાં સાહિત્યિક સમજણ, રસિકતા અને સ્પષ્ટ વક્તવ્ય જોવા મળે છે. એમની તંત્રીનોંધ આકર્ષક ગણાતી. તેઓ ક્યારેક ‘બુદ્ધિપ્રકાશ'માં પણ લખતા. એમનાં અગ્રંથસ્થ છૂટક લખાણોની સંખ્યા ઘણી થવા જાય છે. એમનું ગદ્ય સાદુંસીધું, સરળ, અર્થવાહક અને લોકભોગ્ય છે.